કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૭. મગનલાલ સુંદરલાલ ચોકસી

From Ekatra Wiki
Revision as of 15:53, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. મગનલાલ સુંદરલાલ ચોકસી|}} <poem> મગનલાલ સુંદરલાલ ચોકસી અહીં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૭. મગનલાલ સુંદરલાલ ચોકસી


મગનલાલ સુંદરલાલ ચોકસી
અહીં રહે છે?
કોણ?
પેલા ઊંચા ઓટલાવાળા!
માથે ફેંટો બાંધે છે!
આંખ બાંડી છે!
ગલ ગલ ચાલ ચાલે છે!
ગદ્ ગદ્ અવાજ કાઢે છે!
નાચે છે ને રાચે છે!
ના જી
એ તો પવનને ગજવે ઘાલે છે
દિશાઓના કાનને આમળે છે
રાત્રિના અંધારામાં
એક મકાનને
બીજા મકાનના પાછલા ભાગમાં
ફિટ કરે છે
એક
પરિણીતાના મનમાં રહી ગયેલા
છાનામાના
અક્કલહોશિયારીથી ઇસ્ત્રીબંધ ઝૂરતા
ઓરતાને
આછી હળવી
ટપલી મારી
ઢંઢોળે છે
અને પૂછે છેઃ
કેમ અલી, તારો પરણ્યો સારો કે પ્રેમી?
તું કાદંબરી કે ખેમી?
તને
કોણ પહોંચે
તારો માંહ્યલો
કે
વહેમી?
ના જી.
અમે જાણીએ ના
તો
ઓળખીએ કેમ કરી?
એક વાત છે
સુંદર રાત છે
એક ક્ષણ ઝળહળ
બીજી ક્ષણ બળબળ
ત્રીજી ક્ષણ
એણે મૂકી દોટ
એની પાછળ
વણજારાઓ જેવા આડાઅવળા
લબરમૂછિયા
અલબેલા ઓચિંતા
અગડી બગડી ગયેલા
ધૂળધોયા
કાળા ડામર
કૂતરાઓની
હાઉ હાઉની પોઠ
માફ કરો
હું છું
ઠોઠ.
મગનલાલ સુંદરલાલ ચોકસી
અહીં
રહે છે?
હા જી.
પણ હવે એમણે
એમનું નામ
બદલ્યું છે
હવે તમારે
કદાચ
ફરી
આવવાનું થાય
અને
ઇચ્છા જાગે
તો
પૂછજો
કે
ખિસકોલીના કાન ખોતરીને
યુવાન થયેલા
પગલે પગલે પાછા ગયેલા
સમય નામના બંદરને
ડુગડુગી વગાડી
નાચ નચાવતા
ખેલ ખેલાવતા
મનહરલાલ શાંતિલાલ મોદી
અહીં રહે છે?
હા, જી.
એ –
ખુરશીનો પડછાયો
પછાડે છે
ધોળીપાતળી
પોચી પડી ગયેલી
દીવાલોને
ઊંચીનીચી અને આડીઅવળી
કરી
એક વખત
ખોવાઈ ગયેલો
અને
એક વખત
પોતે સંતાડેલો
એમનો પોતાનો ચહેરો
ખુલ્લો કરે છે
અને
બતાડે છે
હા, જી.
મગનલાલ સુંદરલાલ ચોકસી
અહીં રહે છે.
(એક વધારાની ક્ષણ, ૧૯૯૩, પૃ. ૧-૫)