કાવ્યાસ્વાદ/૨૭

Revision as of 10:13, 11 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૭

જાપાનના એક કવિ કાનેકો મિત્સુહારુએ પણ સૂર્યને આવો જ શાપ દઈ નાખ્યો છે. કાવાબાતા પણ કહે છે કે સૂર્ય તો અમારો કાળો દેવ છે, જાપાનમાં એને આમાસુરા કહે છે. કાનેકો કહે છે : ‘છેલ્લાં વીસ વર્ષથી મેં મારો સન્તોષથી ખુશખુશાલ એવો ચહેરો સૂર્યને દેખાડ્યો નથી. સૂર્ય પોતે જ મને, હવે ચલણમાં નહિ એવા, જૂના સિક્કા જેવો લાગે છે આથી મેં એક દિવસ, મને કોઈ જોતું નહોતું ત્યારે એને લાત મારીને ગટરના મેનહોલમાં ગબડાવી દીધો. પછી, જાણે કશું જ નહિ બન્યું હોય તેમ, હું કોટના કોલર ઊંચા કરીને ચાલતો થયો. ત્યાર પછી કોઈએ સૂર્ય જોયો હોય એવું જાણ્યામાં નથી. ભેજથી ભરેલા ઝાંખરાંઓમાં દેડકાંનાં ઈંડાં જેવાં પાણીનાં ટીપાં ચળકે છે, વચ્ચે વચ્ચે હાથને ચોંટી જાય એવી ગોકળગાય ચાલે છે. ઝાંખરાં એની લાળવાળી જીભે મારા હાથને ચાટે છે. એની નાડીનો ધબકારો મારા હાથને સ્પર્શે છે. બધાં સૂર્યને શોધે છે, પણ એકલો હું જ એનું ઠેકાણું જાણું છું. એ ત્યાં પણે ગટરમાં ગબડી રહ્યો છે. આ માટે કોણ મને અપરાધી લેખશે? મારો અન્તરાત્મા! હજી હું વફાદાર કૂતરાને કેમ બે ટુકડા ખાવાનું નાખું છું? સત્ય બહુમતીને પક્ષે જ કેમ છે? હું કેમ સાચો નથી? મારી આ બુદ્ધિહીનતાને એક ભારે ઢાંકણાથી હું ઢાંકી દઉં છું – અમારા જમાનામાં ઢાંકણ એ શક્તિનું પ્રતીક છે. જે જેટલું વધુ ઢાંકી શકે તે તેટલો મોટો વીર! એ ઢાંકણ ખોલીને જો સૂરજ નાઠો તો, લોકો મને શૂળીએ ચઢાવશે, વીજળીથી બાળી નાખશે. આથી જ તો સૂરજને મારે કારાગારમાંથી છટકવા નથી દેવો.’