ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિદાસ-રવિરામ-રવિ સાહેબ

From Ekatra Wiki
Revision as of 04:26, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રવિદાસ/રવિરામ/રવિ(સાહેબ) [જ.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, મહા સુદ ૧૫, ગુરુવાર-અવ. ઈ.૧૮૦૪] : રવિભાણ સંપ્રદાયના સંત કવિ. આમોદ તાલુકાના તણછા ગામમાં જન્મ. મૂળ નામ રવજી. જ્ઞાતિએ વીશા શ્રીમાળી વણિક. પિતા મંછારામ. માતા ઇચ્છાબાઈ.કુટુંબ પુષ્ટિમાર્ગી. ઈ.૧૭૫૩માં પોતાના મોસાળ બંધારપાડામાં ભાણસાહેબ સાથે સંપર્ક અને ત્યારથી તેમના શિષ્ય. ભાણસાહેબની સાથે શેરખીમાં વસવાટ અને પછી ત્યાંના ગાદીપતિ. મોરારસાહેબ, ગંગસાહેબ વગેરે એમના ૧૯ શિષ્યો હતા. વાંકાનેરમાં અવસાન. ખંભાળિયામાં તેમની સમાધિ આવેલી છે. જ્ઞાન, યોગ અને ભક્તિના સમન્વયનો અનુભવ કરાવતી રવિદાસ/રવિરામને નામે મળતી આ કવિની કૃતિઓમાં સાધુશાઈ હિંદીમાં લખાયેલી રચનાઓનું પ્રમાણ વિશેષ છે અને ઘણી ગુજરાતી કૃતિઓમાં પણ હિંદીનો પ્રભાવ વરતાય છે. ચોપાઈ, ઢાળ, દુહો કે સાખી એવાં રચનાબંધવાળાં ૨૧ કડવાંમાં રચાયેલી ‘ભાણગીતા/રવિગીતા’(મુ.) કે પૂર્વછાયા ચોપાઈબંધના ૭ અધ્યાયમાં રચાયેલી ‘મન:સંયમ/તત્ત્વસારનિરૂપણ’ (ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧; મુ.) કવિના ધર્મવિચારને અને સંપ્રદાયની વિશિષ્ટ વિચારસરણીને સમજવા માટે ઉપયોગી છે. એ ઉપરાંત જ્ઞાન-યોગની સાધના તેમ જ આધ્યાત્મિક અનુભવના આનંદને વ્યક્ત કરતી અનુક્રમે ૧૦૭ અને ૧૦૯ કડીની ૨ બારમાસી (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, મહા સુદ ૧૧ અને ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭, શ્રાવણ સુદ ૧૧; મુ.), સાખી-ચોપાઈની ૪૩ કડીની ‘બોધચિંતામણિ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, આસો સદ ૫; મુ.), ૩૭ કડીનો ‘સિદ્ધાન્ત-કક્કો’(મુ.), સાધુશાઈ હિન્દી અને ગુજરાતીમાં રચાયેલી ૨૫૭ છપ્પાની ‘કવિતછપ્પય’(મુ.) તથા ૩૫૦ જેટલાં હિન્દી-ગુજરાતી પદો(મુ.) કવિ પાસેથી મળે છે. ‘આત્મલક્ષી ચિંતામણિ’(મુ.), ‘ગુરુ-મહિમા’(મુ.), ‘ભાણપરિચરિ’, ‘સાખીઓ’(મુ.), ‘રામગુંજાર-ચિંતામણિ’(મુ.), ‘સપ્તભોમિકા’(મુ.) વગેરે એમની હિન્દી રચનાઓ છે. કૃતિ : ૧. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૭૬ (છઠ્ઠી આ.);૨.રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૩; ૩. રવિ-ભાણ સંપ્રદાયની વાણી : ૧-૨, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૬; ૪. ગુહિવાણી (+સં.);  ૫. બૃકાદોહન : ૬, ૭; ૬. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિન્દભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૦૫; ૭. સતવાણી (+સં.); ૮. સોસંવાણી (+સં.). સંદર્ભ : ૧. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી (અં.), યોગેન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. ભાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૬૫; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. [દે.જો. , ચ.શે.]