ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રણમલછંદ’

From Ekatra Wiki
Revision as of 06:16, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘રણમલછંદ’ : શ્રીધર વ્યાસકૃત પ્રારંભના આર્યામાં રચાયેલા ૧૦ સંસ્કૃત શ્લોકો સહિત ૭૦ કડીમાં ઇડરના રાવ રણમલ અને પાટણના સૂબા મીર મલિક મુફર્રહ વચ્ચે થયેલા યુદ્ધના પ્રસંગને અને રાવ રણમલના વિજ્યને આલેખતું આ વીરસનું ઐતિહાસિક કાવ્ય (મુ.) છે. તૈમુરલંગની દિલ્હી પર ચઢાઈ, મીર મલિક મુફર્રહ પૂર્વેના પાટણના સૂબાઓ દફરખાન અને સમસુદ્દીનના રાય રણમલ સાથે થયેલો યુદ્ધ જેવી વીગતોના ઉલ્લેખ પરથી કહી શકાય કે કાવ્ય ઈ.૧૩૯૮ પછીથી રચાયું હશે. ચોપાઈ, સારસી, દુહા, પંચચામર, ભુજંગપ્રયાત વગેરે માત્રામેળ-અક્ષરમેળ છંદોનો ઉપયોગ, તેમાં પ્રયોજાયેલી, વ્યંજનોને કૃત્રિમ રીતે બેવડાવી વર્ણઘોષ દ્વારા વીરરસને પોષક ઓજસનો અનુભવ કરાવતી અપભ્રંશની ‘અવહઠ્ઠ’ પ્રકારની શૈલી, પ્રચુર માત્રામાં પ્રયોજાયેલા અરબી-ફારસી શબ્દો, વર્ણનોમાં અનુભવાતી કેટલીક અલંકારિકતા ઇત્યાદિ તત્ત્વોવાળું આ કાવ્ય કાવ્યત્વ અને ઇતિહાસ બંને દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. [જ.ગા.]