ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શાંતરસ

From Ekatra Wiki
Revision as of 12:14, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શાંતરસ : શાંતરસનો સ્થાયી ભાવ નિર્વેદ અથવા શમ છે. આ જ નિર્વેદ, ભરતમુનિ પ્રમાણે સંચારી ભાવ રૂપે પણ હોય છે. શાંત રસનું આલંબન છે સંસારનું જ્ઞાન અને પરમાર્થચિંતન. એનાં ઉદ્દીપન પુણ્યાશ્રમ, તીર્થસ્થાન, સાધુપુરુષોનો સમાગમ વગેરે હોય છે. સંચારી ભાવ છે : ધૃતિ, નિર્વેદ, મતિ, સ્મૃતિ, હર્ષ વગેરે. રોમાંચ વગેરે અનુભાવો છે. વર્ણ શુક્લ છે, અને દેવતા લક્ષ્મીનારાયણ છે. હેમચન્દ્રાચાર્ય અને વિશ્વનાથ જેવા શાંતરસનો સ્થાયિભાવ શમ માને છે. હેમચન્દ્રાચાર્યે શમનો અર્થ તૃષ્ણાક્ષય કર્યો છે. ભરતમુનિએ રસોમાં શાંતરસને ગણાવ્યો નથી. તેમજ નાટકમાં અનભિનેય હોવાથી અને રાગદ્વેષ શાંતરસના બાધક હોવાથી, કેટલાક નાટ્યશાસ્ત્રીઓ શાંતરસને રસ રૂપે માન્ય રાખતા નથી. આની સામે અભિનવગુપ્ત અને અન્ય સાહિત્યશાસ્ત્રીઓએ તર્કપુર :સર શાંતરસની સ્થાપના કરી છે. ભરતમુનિએ શાંતરસનો નિર્દેશ કર્યો નથી એવું નહીં કહી શકાય અને શાંતરસપ્રધાન રચનાઓને આધારે, એનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું આવશ્યક છે. શાંતરસ સર્વેન્દ્રિય-વ્યાપારોપશમના રૂપમાં ભલે વર્ણવી શકાય તેમ ન હોય પણ તેના સંચારી ભાવો તો જરૂર દર્શાવી શકાય છે. શાંતરસ સર્વ મનુષ્યો માટે નથી, તો, બીજો કોઈપણ રસ બધા જ મનુષ્યો માટે છે એવું કહી શકાય તેમ નથી. વીતરાગી વલણ ધરાવતા પુરુષો માટે શાંતરસ આસ્વાદનીય અને સંવેદ્ય માની શકાય. મોક્ષ નામના ચોથા પરમ પુરુષાર્થને ઉચિત ચિત્તવૃત્તિને રસત્વની કક્ષાએ પહોંચાડવા માટે શાંતરસનું માનવું આવશ્યક બને છે. શાંતરસનો અંતર્ભાવ વીર કે બીભત્સમાં સંભવિત નથી. વીરરસમાં અહંકારની પ્રધાનતા હોય છે જ્યારે શાંતરસમાં વૈરાગ્યની મહત્તા હોય છે. એ રીતે બીભત્સથી પણ તે જુદો જ પડે છે. શાંતરસના વૈરાગ્ય, દોષનિગ્રહ, સંતોષ અને તત્ત્વસાક્ષાત્કાર એમ ચાર ભેદ પાડવામાં આવે છે. ભટ્ટ પ્રભાકર જેવાના મતે શાંતરસ કેવળ શ્રવ્ય કાવ્યોમાં જ સંભવી શકે. વળી, અભિનવ પ્રમાણે વિષય પ્રત્યે વિમુખતા થઈ જવાને કારણે શાંત જ પ્રધાન બનતો હોવાથી બધા રસોનો આસ્વાદ શાંત જેવો જ હોય છે. અન્ય રસોના આસ્વાદમાં બીજી વાસનાઓ ભળેલી હોય છે એટલું જ અને તેથી સર્વ રસોનો પ્રકૃતિરૂપ શાંતરસ છે. વિ.પં.