તુલસી-ક્યારો/૧૯. ડહોળાયેલાં મન

From Ekatra Wiki
Revision as of 04:51, 3 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૯. ડહોળાયેલાં મન

મુક્ત બનેલી કંચનને સમાજપીડિત બહેનોની ઉદ્ધારક અને પ્રેરણામૂર્તિ બનાવવા – વીરાંગના બનાવવા – માટે ભાસ્કર ગુજરાતનો પ્રવાસ કરાવતો હતો. ઠેકઠેકાણે ભાષણો અપાવતો હતો, સમારંભો વડે સ્વાગત ગોઠવતો હતો. ભાસ્કર અને કંચન જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં ઊગતા જુવાનો અને કવિતા કરતા કિશોરો એમના ફરતા વીંટળાતા રહ્યા. પ્રત્યેક શહેરમાં યુવાનોના સમૂહ પૈકી પાંચ-પંદર તો એવા હોય જ છે કે જેઓ ઘરની માતાઓ, ભાભીઓ, ને બહેનમાંથી જીવનની અદ્ભુતતાનો સ્પર્શ મેળવી શકતા નથી. એંશી વર્ષના બેવડ વળી ગયેલા બરડા પર સાંઠીઓનો તોતિંગ ભારો ઉપાડી બજારમાં તેના વેચાણની અચોક્કસ મુદત સુધી રાહ જોઈ ઊભેલી ડોસીના પુરુષાર્થમાંથી તે યુવકોને રોમાંચક તત્ત્વ જડતું નથી. મરકીએ કેવળ દવાના અભાવે કોળિયો કરી લીધેલા જુવાન ધણીને સગા હાથે સ્મશાને દેન પાડી પાછળ રહેલાં પાંચ બાળકોની જીવાદોરી બનનારી, ત્રીસ વર્ષોનો અણિશુદ્ધ રંડાપો ખેંચનારી ગ્રામ્ય બામણીના માથાના મૂંડામાંથી આ યુવકોને અલૌકિક વીરત્વની આસમાની સાંપડતી નથી. એવા પાંચ-દસ કે પંદર-વીસ યુવાન-કિશોરો, પોતપોતાની કવિતાપોથી, ઑટોગ્રાફ-પોથી અને કૅમેરાની ડબીઓ લઈ પ્રત્યેક ગામે આ વીરાંગના કંચનનો વિદ્યુત્મય સહવાસ મેળવવા હાજર રહ્યા. તેમણે સભા-સંમેલનો ગોઠવ્યાં. તેમણે કંચનના અંબોડા માટેની વેણી કે ચોટલા માટેનું ફૂમકું મેળવી આપવા શહેરોનાં સર્વ ચૌટાં પગ તળે ખૂંદ્યાં. તેમણે દોડીદોડીને કંચનની તબિયત દરેક વાતે ઉઠાવી. કંચન તેમના પર ખિજાતી ત્યારે તેમણે આત્મવિસર્જનની જ ઊણપ કલ્પી હતી. કંચન ખુશાલીમાં આવી જઈ તેમની પીઠ પર ધબ્બો લગાવતી ત્યારે તેઓ બડભાગીપણું અનુભવતા. કંચન કોઈ પહાડ ચડવા કે ઝરણાને ટપી જવા તેમનો ટેકો લેતી તો તેઓ સાફલ્યનાં શિખર સર થયાં સમજતા. તેઓ આ ક્રાંતિકારી નારીને પોતાને ઘેર તેડી જતા ત્યારે એને મહેમાન ગણીને ચા-નાસ્તાની જહેમત ઉઠાવનારી અભણ ગૃહનારીઓ પ્રત્યે કંચન ‘તમે લોકો’ એવું વારંવાર સંબોધન કરી ભાતભાતની ‘ક્રાંતિકારી’ સલાહો આપવા મંડી જતી. કોઈ કોઈ ઘેર એને ઘરનાં બૈરાં જોડે બેસવું પડતું તો એ થોડી જ વાર બેસી પાછી પુરુષોની બેઠકમાં ચાલી જતી ને કચવાતા સ્વરે બોલી ઊઠતી : “એ લોકોની પાસે બેસીને તો કંટાળી જવાય છે. એ લોકો તો સાદી વાતોમાં પણ પૂછ પૂછ જ કરે છે. એ લોકો કદી સમજવાનાં જ નથી ને! એ લોકો સાથે વાત જ શા વિષયની કરવી!” આમ પરિભ્રમણ ચાલવા લાગ્યું. પણ એ લાંબા પરિભ્રમણમાં ભાસ્કરને ન રુચે તેવી કેટલીક વાતો પણ બનતી ગઈ. ભાસ્કર વિસ્મય પામતો હતો કે કંચન આ બધા નવા નવા મળી જતા જુવાનો-કિશોરો જોડે વધુ ને વધુ આનંદ કેમ અનુભવતી હતી? ભાસ્કરને આગળ અથવા પાછળ અન્ય લોકો સાથે વાતો કરતો રાખી પોતે આ જુવાનો-કિશોરો જોડે કેમ ચાલતી હતી? એટલું જ નહીં પણ, ભાસ્કરને ‘અમે જરીક જઈ આવીએ’ એટલું જ ફક્ત કહીને, અથવા કશું જ કહ્યા વગર, છાનીમાની કંચન આ સ્થાનિક જુવાનો જોડે ફરવા-જોવા કેમ નીકળી પડતી હતી? પોતાથી દૂર બેસતા યુવકોને ખુરસી સહિત પોતાની નજીક ખેંચી કેમ બેસારતી હતી? પોતે જે સોફા પર બેઠી હોય તે પર પોતાની બાજુમાં આ યુવકોને ખેંચી લેતી અથવા એ લોકો જે હીંડોળે બેઠા હોય તેની બાજુમાં જઈ પૂર્ણ બેપરવાઈથી કેમ બેસી જતી? આવે આવે તમામ પ્રસંગે ભાસ્કરને ઝંખવાણા પડી જઈ જુદા બેસવું પડતું. પ્રથમ પ્રથમ તો ભાસ્કરે તકેદારી અને ચાલાકી રાખી આવા કઢંગા દેખાવો થતા અટકાવવા પ્રયત્ન કર્યો; પોતે ચોક્કસ અનુમાન બાંધીને કંચનનો આવો વર્તાવ રોકવા લાગ્યો. પણ પછી તો વાત પોતાના કાબૂ બહાર ચાલી જતી જોઈ પોતે મોંએ ચડી સલાહ-સૂચના દેવા લાગ્યો, એના જવાબમાં કંચન ફક્ત એટલું જ પૂછતી કે, “પણ એમાં શું થઈ ગયું? એમાં શો વાંધો છે?” ભાસ્કર ફક્ત એટલો જ ખુલાસો કરી શકતો કે, “તું એમાં શું સમજે? એથી અસર ખરાબ થાય : જુવાનોનાં મન નબળાં પડે.” “પણ મને તો સાવ સ્વાભાવિક લાગે છે!” “તારી વાત જુદી છે. હું તો બીજાઓની વાત કરું છું.” થોડા દિવસ ગયા બાદ ‘તારી વાત જુદી છે’ એ વાક્ય પર છેકો લાગી ગયો ને ભાસ્કરે સૂચક તેમ જ ગર્ભિત શૈલીએ કહેવા માંડ્યું : “માનસિક અધોગતિ ક્યારે થાય તે કોણ કહી શકે છે?” “પણ તમે જ મને કહેતા હતા કે, એવા લાગણીવેડા વળી શા?” “તે તો હું મારા સંબંધમાં કહેતો હતો. બધા કાંઈ એટલા મનોનિગ્રહવાળા હોતા નથી.” અને આ ડહોળાયેલા વાતાવરણનું એક પરિણામ એ આવ્યું કે ભાસ્કર કંચનને વીર નારી, ક્રાંતિકારી, બહાદુર ઇત્યાદિ જે બિરદો વડે જાહેરમાં બિરદાવતો હતો તે કરવાનું તેણે બંધ પાડ્યું ને પ્રવાસમાં બેઉ વચ્ચે ઠંડાશ જન્મતી ગઈ. બીજાઓને મોંએ ભાસ્કર કંચનના સંસ્કારોની ખામીઓ પણ કથતો ગયો. એક દિવસ એક ગામે કંચન એને ઊંઘતો મૂકી ચાણોદ-કરનાળીના રેવા-ઘાટ પર રાત્રિની ચાંદનીમાં લટાર ખેલવા અન્ય નારીપૂજક યુવકો સાથે નીકળી પડેલી. પાછળથી ભાસ્કર જાગી ગયેલો. કંચન પાછી આવી ત્યારે એણે પોતાનો ઊંડો કચવાટ જાહેર કર્યો ને એણે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે, “આવું વર્તન મારાથી નહીં સાંખી શકાય. તું તો હદ બહાર સ્વતંત્રતા લેવા લાગી છે.” થોડી વાર કંચન સ્તબ્ધ બની ઊભી. એ ખસિયાણી પડી ગઈ. સ્વતંત્રતા લેવી એટલે શું? હદ બહાર એટલે શું? આવું નહીં સાંખી શકાય એટલે શું? ત્યારે પોતે સ્વતંત્ર છે, ને ભાસ્કર પોતાની સ્વાતંત્ર્યભાવનાનો પૂજક છે, એ શું ભ્રમણા હતી? “આમ હોય તો પછી મારે તને તારા કાકા પાસે જંગબાર મોકલી દેવી પડશે.” ભાસ્કરનાં ભવાં આ બોલતી વખત ભયંકર રીતે એની આંખોનો આકાર ફેરવી રહ્યાં હતાં. આવી આંખો અગાઉ ક્યારે થઈ હતી? ક્યારે જોઈ હતી? કંચન યાદ કરવા લાગી. બે જ પળમાં એને યાદ આવ્યું : પોતાના પતિ વીરસુતને માર મારતી વેળા, બસ, આવી જ આંખો ભાસ્કરે ધારણ કરી હતી. યાદ આવતાંવેંત એ ધાક ખાઈ ગઈ. એનાથી ભાસ્કરની આંખો સામે ન જોઈ શકાયું; એ બીજી બાજુ જોઈ ગઈ.