અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આઝાદીનું આંદોલન અને ગુજરાતી કવિતા
ગુણવંત વ્યાસ
ગુજરાતી કવિતામાં દેશભક્તિ, રાષ્ટ્રીય અસ્મિતા, આઝાદી માટેની લડત અને અંગ્રેજી સામ્રાજ્યનો પ્રભાવ-દુષ્પ્રભાવ સુધારાયુગથી થયો ગણા એ આપણે. સૌ જાણીએ છીએ, કારણ કે એ પહેલાં મધ્યકાલીન સાહિત્ય પ્રભુભક્તિ અને કૃષ્ણલીલાકેન્દ્રી હતું. કવિઓને મન ધર્મ-ભક્તિ-જ્ઞાન એ જ કવિતા હતી. અંગ્રેજો અને અંગ્રેજી સાહિત્યના આગમને વિષય-વૈવિધ્ય આપ્યું. દેશ, દેશાભિમાન અને દેશદાઝ જેવા ભાવો જન્મ્યા અને કવિતામાં નિરૂપાયા. એનો કડખેદ નર્મદ હતો. આ અર્થમાં ગુજરાતી કવિતામાં આ વિષય બહુ જૂનો નથી; ન જ હોય! એમ તો યુરોપમાં પણ રાજકીય અને ધાર્મિક એકતા તૂટતાં લગભગ અઢારમી સદીમાં રાષ્ટ્રવાદ જન્મ્યો. આમ, રાષ્ટ્રીય અસ્મિતા ત્યાં તેમ અહીં પણ અર્વાચીન છે. અંગ્રેજોનું આગમન આપણે ત્યાં એવા સમયે થયું કે જ્યારે ગુજરાતી પ્રજા મરાઠા અને મુસ્લિમ સત્તાધિશોના જોહુકમી અને ત્રાસથી કંટાળી-હારી- થાકી ગઈ હતી. મરાઠા સલ્તનતના અમલીકરણનું ચિત્ર સુધારક યુગની કવિતામાં ઝિલાયું જ છે.
‘હાલતાં દંડે, ચાલતાં દંડે, દંડે સારા દિન;
છાતી ઉપર પથ્થર મૂકી પૈસા લેતા છીન.’
આવા સમયે અંગ્રેજોનું આગમન એક નવો આશાવાદ જગવે છે. અંગ્રેજોના આગમન પહેલાંની સ્થિતિનું ચિત્ર દલપતરામે જે દોર્યું છે એ જોવા જેવું છે :
‘નૃપ રૈયતને લૂંટતા, વળી તસ્કરની જાત,
વાડ ખેતરો ખાય, ત્યાં વનચરની શી વાત!’
આ પીડાદાયી સ્થિતિમાં અંગ્રેજો આવે છે ને પ્રજાને શાંતિની સાથે સુચારુ વ્યવસ્થા અને કાયદાકીય સુવ્યવસ્થા સ્થાપે છે. આથી જ દલપતરામ એમને આવકારતાં હરખાય છે :
‘ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર
દેખ બિચારી બકરીનો પણ, કોવ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.'
યાદ રહે, સમાજે આર્થિક અને રાજકીય કટોકટી જોઈ હતી. સાંસ્કૃતિક પરાધિનતાનો જાત અનુભવ કર્યો હતો. મરાઠાઓ અને મુસ્લિમોના જુલ્મોથી અંગ્રેજી સલ્તનત એમને વધુ લાભદાયી-શાંતિદાયી જણાઈ. દલપતરામે ગાયું :
‘શાંતિદાન સમાન જગતમાં કશું ન જાણું.’
દેશને શાંતિની જરૂર હતી. સ્વરાજ્યની કલ્પના ત્યારે હશે કે કેમ એ એ જાણે; પણ જનતાને સુરાજ્યની તાતી જરૂરિયાત વર્તાઈ. એ જરૂરિયાત અંગ્રેજો દ્વારા સંતોષાશે એવું ફાર્બસ, રિપન જેવા ઉદારમના વહીટદારો દ્વારા અનુભવાયું. હિન્દુસ્તાન હરખે ચડ્યું ને રાણી વિક્ટોરિયાનાં વધામણાં-ઓવારણાં લેવાયાં :
‘જે રાણીજીના રાજથી સ્થિર થૈ
અમે સુખિયા થયાં.’
રાષ્ટ્રીયતાના પ્રથમ અંકુરસમું ‘હુન્નરખાનની ચઢાઈ’ નામે દલપતરામે આપેલું દેશપ્રેમનું નોંધપાત્ર કાવ્ય ને ત્યાર પછીથી નર્મદની કવિતામાં પ્રગટતું દેશાભિમાન ગુજરાતી કવિતામાં આકારાવાની આઝાદીના આંદોલનકેન્દ્રી રચનાઓની પીઠિકારૂપ છે. આદરણીય શ્રી દિલાવરસિંહ જાડેજાનો આ વિષયક ગહન અભ્યાસ તત્કાલીન સમાજના ચિત્રને તેની માનસિકતા સમેત આકારે છે. ‘રાષ્ટ્રીય અસ્મિતા'ની ઓળખ આપતાં એ નોંધે છે કે, ‘પ્રજાહિતને કવિ કોઈ પણ પ્રકારે લક્ષતો હોય તો તેને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રગટીકરણ ગણવું જોઈએ.’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તો એથી પણ આગળ વધીને નર્મદ, દલપતરામ, મલબારીનાં સંસારસુધારાનાં કાવ્યોને પણ રાષ્ટ્રીય અસ્મિતાના આવિષ્કારરૂપ ગણે છે. ઉમાશંકર જોશીની સમજ એથીયે વ્યાપક અર્થમાં વિસ્તરતી, માનવતાવાદ અને દીનજન વાત્સલ્યભાવના ક્ષેત્રને પણ એમાં આવરી લે છે! અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવે આપણા કવિઓ અંજાઈ ગયા. એમાંથી જન્મેલો પ્રશંસાભાવ અંગ્રેજ તરફના અહોભાવને વ્યક્ત કરે છે. સુધારકયુગ જ નહીં, ઘણેખરે અંશે પંડિતયુગના કવિઓ પણ અંગ્રેજોની રીતરસમથી પ્રભાવિત છે. નર્મદ અંગ્રેજી શાસનને આવકારતાં ગાય છે:
‘અંગ્રેજી જહાં રાજ હૈ, જુલમ ન દેખાય,
અનેક ધનવંતા ગરીબ, સમન્યાયે તોળાય,
વરૂ ને બકરી બે જણાં, પાસ-પાસ જોવાય.’
નર્મદનો દેશપ્રેમ ખૂબ જાણીતો છે. દેશોત્કર્ષ માટેની તેમની ભાવના એમની કવિતામાં છલકાય છે :
‘દેશતણું હિત ચ્હાવું, ભાઈ! દેશતણું હિત ચ્હાવું,
દેશકામમાં જુદાં પડીને, લડતાં નહિ પડી જવું.’
*
‘હાં હાં રૂડાં રણશૌર્ય દાખીશું, હાં હાં ભૂંડાં શત્રુ આંટી નાખીશું,
જય જય થતાં લગી જરી ન ઝંપીશું, કનક કુટુંબ પ્રાણ સંધુ આપીશું.’
*
‘ચાલો સહું જીતવા જંગ! બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો : ફતેહ છે આગે.’
નર્મદનો પૂર્વાર્ધ પાશ્ચાત્યોથી પ્રભાવિત છે, પણ ઉત્તરાર્ધ ‘જાગ્યા ત્યાંથી ફરી ગણો’ની ભાવનાવાળો ઉત્તેજક, ઝનૂની ને જોસ્સાથી ભરચક છે. એ અર્થમાં જોઈએ તો આઝાદીની ચળવળ ઉત્તર નર્મદથી થતી જોવા મળે!
‘ચલો ચલો શું વાર લગાડો, તૂટી પડો રણમાં;
કૂદી પડો શત્રુ પર; નહીં તો મરી જશો ક્ષણમાં,.’
ખરો કડખેદ નર્મદ એમનાં ઉત્તરકાલીન કાવ્યોમાં પ્રગટે છે. પંડિતયુગમાં બહેરામજી મેરવાનજી મલબારીનાં કાવ્યોમાં પ્રગટ રાષ્ટ્રપ્રેમ વિશેષ ધ્યાનપાત્ર બને છે, ‘સંસારિકા'માં પ્રગટ દેશભક્તિનાં કાવ્યો સંદર્ભે તેમના પર લોકોને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ પણ મુકાયો હતો. ‘આપ મરે બિન સ્વર્ગ ન જાય' કાવ્યમાં મલબારીનો દેશપ્રેમ લોકજાગૃતિ માટે પૂરતો છે.
‘ઊઠો વીર! વ્હેલો એ ધર્મ, દેશોદયનાં કરવાં કર્મ,
કરો પ્રજા સ્વતંત્ર તમામ; હાથે હુન્નર, હૈડે હામ
તો જ દેશદારિદ્ર ટળાય, આપ મરે બિન સ્વર્ગ ન જાય.'
પંડિતયુગના ભીમરાવ ભોળાનાથ, બાલાશંકર કંથારિયા, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને હરિલાલ હર્ષદાય ધ્રુવની કવિતામાં પણ તમને પ્રસંગોચિત દેશપ્રેમ ને સ્વતંત્રતાલક્ષી વિચારો વ્યક્ત થયેલા મળી આવે. આમાં હરિલાલ ધ્રુવની રચનાઓ વિશેષ ધ્યાનપાત્ર લાગે :
‘સદા દિલ પરતંત્રતા હા! ખૂંચે
સ્વતંત્રતા વિણ રંગ તે કંઈ રૂચે?’
*
‘ઝટ ઊઠો વીર ગૂર્જરો! ઘુમો જસરંગે!
શૂરા સુભટો હો! રણે રગદોળવા જી!’
આઝાદીની ચળવળ અને તેનાં પ્રેરણા કે પડકારોને બહુવિધ કલમોથી સંજીવની ગાંધીયુગની કવિતાએ છાંટી. ગાંધીયુગ અનેક વિષયો અને વૈભવોથી સભર હોવા છતાં તેના કેન્દ્રમાં આઝાદી, આઝાદી નિમિત્તે અપેક્ષિત સ્વતંત્રતા અને એ જ નિમિત્તે પ્રત્યક્ષે કે પરોક્ષે સેવાતી માનવતા રહેલી છે. સાદગી છતાં સમૃદ્ધ ભાષાવૈભવ અને સરળ છતાં સહજ ભાવવૈભવથી દીપતી ગાંધીયુગીન કવિતાએ સુધારકયુગમાં રોપેલાં ને પંડિતયુગમાં અંકુરિત આઝાદીનાં બીજને ખાતર-પાણી પૂરા પાડ્યાં. ધારદાર અને વેગદાર રચનાઓની તીક્ષ્ણતાએ સૂતાને જગાડ્યા; જાગેલાને બેઠા કર્યાં, ને બેઠેલાને આઝાદી માટે દોડતા કર્યાં. આઝાદી એકમાત્ર લક્ષ્ય હોય તેમ આઝાદી મળતાં ગાંધીયુગ પૂરો થયો; પણ અસ્ત તો ન જ થયો. એના આછા-ઓછા પડઘા પછીના સમયમાં પણ ગુંજતા-ગવાતા રહ્યા; પણ ગાંધીયુગની કવિતા આઝાદી મેળવીને જ જંપી. યાદ રહે : નર્મદ-દલપતનાં કાવ્યોમાં જોવા મળતી રાષ્ટ્રીયતા, વ્યક્ત દેશપ્રેમ, પ્રગટ ભારતીય અસ્મિતા કરતાં ગાંધીયુગની; સવિશેષ મેઘાણી-ખબરદારની ભાવના એકમાર્ગી હોવા છતાં જુદી છે! હું તો ત્યાં સુધી કહીશ કે મેઘાણીની રાષ્ટ્રભાવના અને આઝાદીની લડત માટેનો આવેશ-આક્રોશ પણ ઉમાશંકર-સુંદરમ્-શ્રીધરાણીથી ભાવ-ભાષા-અભિવ્યક્તિથી પ્રમાણમાં જુદો છે. રૌદ્રની સામે સૌમ્ય મૂકો, એટલો! જે ઝનૂન લોકસમૂહમાં મેઘાણીની રચનાઓએ જગાડ્યું ને જિવાડ્યું એ ઝનૂનનું સૌમ્યરૂપ કલાવાદી કવિતામાં ઉમાશંકરની કલમે ઊતરી આવ્યું. આઝાદી માટે, આઝાદીની લડત સમયે સવિશેષ અસરકારક અને પ્રભાવક કવિતા મેઘાણીની રહી. મેઘાણીએ ‘યુગ’ને એમની કવિતામાં અવતાર્યો. એની 'વંદના' કરી. લોકમાનસને પારખી, લોકભાષામાં; જરૂર પડ્યે અભિધામાં પણ ‘આવેશ'ને કવિતાના માધ્યમથી જીવતો રાખ્યો. પ્રાણવાન પ્રજાને પ્રાણદાન માટે પ્રતિબદ્ધ કરવા મેઘાણીની, કવિ હંસની, ખબરદારની કવિતાએ સક્રિય ભૂમિકા અદા કરી. ખબરદાર કહેતાં કવિ અરદેશર ફરામજી ખબરદાર. કવિ મલબારીની અસર નીચે લખતા ને સંગ્રહને શીર્ષક આપતા આ સર્જક ‘ગુણવંતી ગુજરાત'થી લોકાભિમુખ થયા; પણ ‘ભારતનો ટંકાર'થી દેશાભિમુખ પણ થયા! મણિલાલ છબારામ ભટ્ટે 'ગુણવંતી ગુજરાત' એ એકલી કવિતાથી જ ખબરદારને દેશભક્ત-માતૃભક્ત ઉત્તમ કવિ તરીકે મૂકી આપ્યા. ‘રળિયામણી ગુજરાત', 'ગુણિયલ હો ગુજરાત' જેવા ગુજરાતકેન્દ્રી કાવ્યોએ એમને ગુજરાતના ઉત્તમ કવિ તરીકે ચીતર્યા. તો ‘દેશ ડૂબતો તાર!’, ‘ઉદયના મંત્ર’, ‘ભારતનો ટંકાર' જેવાં કાવ્યોથી તેમનો રાષ્ટ્રપ્રેમ સપાટી પર આવ્યો. દેશ ડૂબતો તારમાં એ ગાય કે,
‘શૂરપણું સંભાર, કાયા, શૂરપણું સંભાર;
ધર તરવાર હિંમત તાણીને પડ હિંમતથી બ્હાર.'
કે 'રણહાક'માં એ લલકારે :
‘થનગનતા આંગણ હણહણતા હય મારે ખુંખારા;
ભય હણતી રણહાક પડે ને માત કરે હોંકારા.
અણગણ તારકગણ સમ ગરવા ગુર્જરજન સહુ આવો.'
-એમાં દલપત-નર્મદનો પૂરો પ્રભાવ ભાવ-ભાષા-શૈલી સંદર્ભે તમે જોઈ શકો. આચાર્ય આનંદશંકર ધ્રુવ ખબરદારની દેશભક્તિ સંદર્ભે નોંધે છે : 'નર્મદની સ્વદેશભક્તિની માળ, જે હરિહર્ષદ ધ્રુવ પછી, રા.ખબરદારને કંઠે જેવી ઊતરી છે તેવી અન્ય કોઈ કવિને કંઠે ઊતરી નથી.’ ‘ભારતનો ટંકાર' નામે મળતો સ્વતંત્ર કાવ્યસંગ્રહ એમને રાષ્ટ્રકવિ તરીકે પ્રસ્થાપિત કરવા પર્યાપ્ત છે. નર્મદનો જુસ્સો ને મેઘાણીની દેશદાઝનો સમન્વય આ કાવ્યમાં જોવા મળે :
‘દેહ ને દેશનું માન રહ્યું નહિ, ગાન રહ્યું પર આશે?
ભૂમિપતિ જે સત્ય હતા તે ભૂમિ-રતિમાં રોળાશે?
વીર પૂર્વજના પુત્ર ગણાશે, આજ ફકીર હિચકારા!
આત્મ રહ્યો, જૂની કીર્તિ રહી, ઊઠો, કાળ કરે હલકારા!’
‘ઉદયના મંત્ર' નામે મળતું સમૂહગાન સમગ્ર દેશવાસીઓને થતા આહ્વાનરૂપ છે.
‘હૈ દેશીઓ! આવો રે, કરીએ ઉદયના ઉપાય/ પરવશ છે પ્રાણ
આ/ સર્વ સ્મશાન આ/ કરવી ત્યાં ચેતનભર લાય/અવની ને આભના/
તીર્થો ને લાભના/ પ્રાણેપ્રાણે જે સેવાય/સેવા ને સિદ્ધિના પ્રીતિ ને
ઋદ્ધિના પળપળ તે મંત્ર પઢાય.'
મેઘાણી પહેલાં સ્નેહરશ્મિને સ્મરીએ તો ઈ.સ.૧૯૨૦-૨૧માં ગાંધીજીની અસહકારની લડતનો આરંભ થયો એ અરસાના આ પ્રથમ શિષ્ટ કવિ છે. ગાંધીજી વિશે, માત્ર ૧૮ વર્ષની ઉંમરે 'અવતાર' કાવ્ય લખ્યું જેને આપણા અભ્યાસુઓ ગાંધીયુગનું પ્રથમ ઉદયગાન તરીકે ઓળખાવ્યું. એ કવિ ‘બ્યૂગલ' કાવ્યમાં યુદ્ધનું દૃશ્ય સર્જે છે :
‘રે! રણભેરી ભીષણઘેરી શાની આ સંભળાય?
જુઓ, અરિ ગાજે હુંકાર કરીને રણ-બ્યૂગલ ફૂંકાય.’
'અર્ધ્ય' કાવ્યમાં સ્નેહરશ્મિનો અદમ્ય આશાવાદ રાષ્ટ્રીય અસ્મિતાની કવિતામાં હકપૂર્વક ને વટપૂર્વક સ્થાન જમાવે :
હવે અયિ સ્વતંત્રતે! બની ભલે મહાકાળી તું-
થીજ્યાં સરળ અંગને જગત આજ આઘાતથી
અને રુધિર ઉષ્ણમાં અમ પછી કરી સ્નાન તું
પ્રકાશ કર પૂર્વમાં બની અમારી દૈવી ઉષા.’
રાષ્ટ્રીય જાગૃતિના અનેક કવિઓમાં મેઘાણી પ્રમુખસ્થાન ભોગવે એટલું માતબર સર્જન એમને ‘રાષ્ટ્રીય શાયર’નું બહુમાન કમાવી આપે છે. સ્વપ્ન થકી સરજેલી' અનુવાદ હોવા છતાં, દેશભક્તિના એમના પ્રથમ કાવ્ય તરીકે જોઈ શકાય. એમનાં સ્વતંત્ર કાવ્યોમાં વ્યક્ત રાષ્ટ્રપ્રેમ ‘તરુણોનું મનોરાજ્ય’, ‘ઝંખના’ જેવાં અનેક કાવ્યોમાં બળકટ ને બલવંત રીતે-રૂપે આલેખાયો છે. ‘ઓ સ્વતંત્રતા' નામક રચનામાં કવિનો ‘આઝાદી’ માટેનો ભાવ કેવો તો ભવ્ય ને ગહન છે :
‘તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
મુરદાં મસાણેથી જાગતાં-એવી શબ્દમાં શી સુધા ભરી.’
‘વિદાય' કાવ્યમાં ઘર છોડી, સ્વજન છોડી, આઝાદીની લડત માટે નીકળી પડતા નવયુવાનોની ઘેરી વેદના છતાં, ફાટફાટ એમાં ભરેલી રાષ્ટ્રભાવના હૃદયદ્રાવક છે:
‘અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતી યે,
ગભુડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે
અમારાં નેન ઊનાં ઝંપતાં આરામ ઝોલે.’
ધંધુકાની કોર્ટમાં, વિના વાંકે ધરપકડ કરી, મુકદ્દમો ચાલતાં મેઘાણીએ ન્યાયાધીશની સંમતિથી રજૂ કરેલી ‘છેલ્લી પ્રાર્થના'માં વ્યક્ત વેદના આજે પણ વાંચતા દ્રવી જવાય છે :
‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજા ચીરતી કંપાવતી અમ ભયકથાઓ.
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ,
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુઓ!
નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે.
ખબર છે એટલે કે માતની હાકલ પડી છે.
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે.
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે.’
લોકજીભે ને હૈયે ચિરંજીવ બનેલું ‘કસુંબીનો રંગ' લો કે ‘સમબડી ડાર્લિંગ'નો અનુવાદ ‘કોઈનો લાડકવાયો’; એમાં રક્ત રેડણહારા છે, પીડિતોનાં આંસુડાં છે. શોણિતભીના પતિ-સુત-વીર છે. મેઘાણીની કવિતામાં પીડિતો-શોષિતો- ક્ષુધાર્તોના સમૂહો છે! સમગ્ર આમવર્ગનાં ટોળાં ઊતરી આવ્યાં છે :
‘અમે ખેતરેથી, વાડીએથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યા’
માનવસમૂહોની આંધી સમાં આ ટોળાં રાષ્ટ્રપ્રીતિને વરેલાં છે. કવિની કવિતામાં સમાજવાદી ક્રાંતિનો ઉદ્ઘોષ છે.
‘દેશેદેશેથી લોક, નરનારી થોકથોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી,
વિધવિધ વાણીને વેશ, વિધવિધ રંગો ને કેશ;
તોયે નવ દ્વેષ લેશ દાખવતાં આવે!’
વિરાટ જનતાનું વિરાટ યુગદર્શન મેઘાણીમાં લોકની ભાષામાં ઊતરી આવ્યું છે. સર્જકતાની સીમા ઓળંગાય તો ઓળંગાય; ક્રાંતિની ચળવળમાં સ્હેજેય ઓટ ન આવે એ યુગધર્મ મેઘાણીએ પૂરી સભાનતાથી જાત હોમીને નિભાવ્યો. આઝાદીના આ સ્વપ્નદૃષ્ટા, આઝાદી મળે એ પહેલાંના થોડા જ મહિને અવસાન પામ્યા. એ આઝાદી જોઈ ન શક્યા, પણ આઝાદી અપાવી જાણી. મેઘાણીની સાથે જ સ્મરવા ગમે એવા અમરેલીના પ્રજ્ઞાચક્ષુ કવિ હંસરાજની રાષ્ટ્રભક્તિ પણ અવિસ્મરણીય ગણાય. ઈ.સ.૧૯૩૮માં એમનો પ્રગટ ‘હંસમાનસ' કાવ્યસંગ્રહ કાકાસાહેબની પ્રસ્તાવના પામ્યો. આઝાદીની લડત દરમિયાન ત્રણ વાર જેલ ગયેલા આ પ્રજ્ઞાચક્ષુનાં ઘણાં કાવ્યો જેલવાસ દરમિયાન લખાયાં. ‘ટોપી રે વાળાનાં ટોળાં ઊમટ્યાં’ જેવું સંઘગાન તો આજે પણ લોકજીભે ચડેલું છે. પણ એમનું આ એક અન્ય કાવ્ય જુઓ :
‘ઓ હિન્દ! ધર્મધાત્રી, સઘળું તને સમર્યું,
તેત્રીસ કોટિ ધાત્રી, સઘળું તને સમર્યું.
આ દેહ ને જીવન આ, આત્મા અને હૃદય આ,
આ પ્રેમ, આ સંબંધો, સઘળું તને સમર્યું.’
કૃષ્ણલાલ શ્રીધરાણીની રાષ્ટ્રભાવના આઝાદીના સંકલ્પરૂપે અવતરે છે :
‘જંપવું નથી લગીર - જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ- ના મળે સ્વતંત્રતા!’
મેઘાણીની સુખ્યાત રચના ‘કવિ તને કેમ ગમે?'નો પડઘો જાણે શ્રીધરાણીનાં એક કાવ્યમાં ઝિલાતો અનુભવાય છે.
‘મૃત્યુ કે સ્વતંત્રતા લખી ન આ લલાટ હાર!
મુક્તિ વિનાનું જીવવું શાનું? મુક્તિ વિના શાં બીજાં ગાન?’
શિવાજીના પ્રસંગથી ‘સ્વરાજ્ય રક્ષક’નું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડતાં શ્રીધરાણીનો રાષ્ટ્રપ્રેમ ‘ભરતી' કાવ્યમાં ચોક્કસ ઊંચાઈને વરે છે. પ્રારંભે અશ્વોના આલેખન દ્વારા દેશવીરોના જુસ્સાને પ્રગટાવતા કવિ કાવ્યાન્તે કેવો ભવ્ય વળાંક સર્જે છે :
‘ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે,
દિશાવિજ્ય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!’
અહીં સ્વાતંત્ર્યસેનાનીઓનો સંઘર્ષ ભાવની ભવ્ય ભરતી સહિત કાવ્યરૂપને વર્યો છે જે એને અમરત્વ બક્ષે છે. સુંદરમૂમાં રાષ્ટ્રભક્તિ-મુક્તિની રચના ઘણી ઓછી મળે. વિદ્યાપીઠના વિદ્યાર્થી રહ્યા હોવા છતાં અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવ્યા પછીયે એ વિષયક ખૂબ ઓછું લખતા આ કવિનું ‘સાફલ્યનું ટાણું’ જેવી પ્રતીકાત્મક રચના અ સંદર્ભે જોઈ શકાય.
‘વ્હાલા, આ લ્હાવ મોંઘો ધનબલગુણની સિદ્ધિથીય મહાન,
મોંઘેરો જીવનોથી, વિરલ યશભર્યાં મૃત્યુથીયે મહાન.’
એમના 'રણગીત' કાવ્યમાં ‘મુક્તિ કાજે, અમર સાજે, કોણ રે મરશે, ભાઈ?’ એવો પ્રશ્ન પૂછતાં કવિ આગળ ગાય :
‘કોણ રે મરશે, ભાઈ? હો કોણ રે મરશે, ભાઈ?
કે સરસંગે, કાળભુજંગે, જીવન ઘોળી ખેલતો હોળી અંગે ઓ, ભાઈ!’
સુન્દરમ્ની સરખામણીએ ઉમાશંકરની રચનાઓમાં સ્વતંત્રતા સંદર્ભે જે રચનાઓ મળે છે તે ખબરદાર-મેઘાણી કરતાં જુદી છે. કારકિર્દીના પ્રારંભે જ ‘વિશ્વશાંતિ’ આપતા કવિનું વિરાટદર્શન ન માત્ર ગુજરાતી કે ભારતીય પૂરતું, વિશ્વવ્યાપક છે. માત્ર રાષ્ટ્ર નહીં, વિશ્વની સમસ્ત માનવપ્રજાતિ તરફનું કવિનું લક્ષ્ય ‘મંગલશબ્દ'માં માનવતાકેન્દ્રી બની રહે છે :
‘તું પાપ સાથે પાપીને ન મારતો!’
સ્વતંત્રતા માટે હિંસક ક્રાંતિનો માર્ગ પસંદ કરવાને બદલે પ્રેમનો માર્ગ પસંદ કરતા આ કવિને જગબંધુત્વ ને સમતા અપેક્ષિત છે :
‘અમે તો ગૂંથશું હ્રદયે હૃદયે, એક થઈશું.
અમારા સ્વાતંત્ર્ય પ્રગટ જગબંધુત્વ-સમતા!’
સ્વાતંત્ર્યપ્રાપ્તિને કવિ માનવમાત્રનો અધિકાર ગણે છે. આથી જ
‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ
એક માનવી જ કાં ગુલામ?
-જેવો પ્રશ્ન એ ઉઠાવે છે ને વ્યાપક માનવસમાજનું હિત વિચારે છે. ‘ગંગોત્રી’માં ગાંધીયુગના ભારતનો મુદ્રામંત્ર પ્રગટ થાય છે.
‘મુખે સમરગાન હો! પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો!’
‘એક ચુસાયેલા ગોટલાને’માં કવિ તુચ્છ ગણાતા પદાર્થ દ્વારા ગંભીર રહસ્ય પ્રગટ કરે છે :
‘ઝૂલે મહાવૃક્ષ સ્વતંત્રતાનું/ને ના રહે નામનિશાન મારું.’
‘બળતાં પાણી'માં અન્યોક્તિ દ્વારા આઝાદીના સંગ્રામમાં ઝુકાવતા યુવાનોની કુટુંબભાવના વિરોધે રાષ્ટ્રભાવનાની પ્રબલતા સિદ્ધ કરી છે :
‘નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની
વહી આવી આંહી ગિરિદવ શમાવાનું થઈ ર્રહે!’
મેઘાણીએ ‘કવિ તને કેમ ગમે?’ રચ્યું; ઉમાશંકરે ‘ગંગોત્રી’માં કવિનો આદર્શ દર્શાવ્યો. કવિ કેવો હોવો જોઈએ? તેના જવાબમાં ઉમાશંકર લખે :
‘રાષ્ટ્રોનું ઐક્ય ગાતો, પ્રતિજન ઉર માનવ્યનો દિવ્ય દૃષ્ટા
ને ભેદોમાં અભેદે નિશદિન રમતો શાંતિનો સ્વપ્નદૃષ્ટ.'
આઝાદી પૂર્વેનાં જે ચિત્રો ગુજરાતીમાં ઝિલાયાં છે; એથી વિપરીત આઝાદી પછીનાં ચિત્રો આલેખાયાં છે. હતાશા, નિરાશા ને સ્વાર્થાંધતાની માનવ્ય વૃત્તિ કવિને હતપ્રભ કરે છે. શ્રીધરાણીનું 'આઠમું દિલ્હી' આઝાદી પછીનો વાસ્તવ વ્યંગથી ચીતરે છે :
‘સર્વ વ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ
જંગલ છોડી, દિલ્હી કાંઠે યોગી માંડે હાટ
પદવી છે, પહેરામણ છે. છે બિલ્લાઓ અનેક
રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક.
રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર!
નવ દિલ્હીના આકાર!
ભવિષ્યની કોદાળી જ્યારે નમશે/નવી પેઢીઓ રટશે કે અવગણશે
જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ સૂનકાર - એક ચરુનો નક્કી થશે ટંકાર.
રૂપિયા, પૈસા નયા નીકળશે/ભાતભાતની મ્હોરો મળશે
નહીં જડશે તાજની છાપ
જડશે ચંદ્રક એક અનેક/નહિ જડશે શુદ્ધ વિવેક!
આવું જ એક કાવ્ય ઉમાશંકરનું ‘તેં શું કર્યું’ એ પ્રશ્ન સાથે વાત પૂરી કરીએ :
લાંચરુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાંબજારે, મોંઘવારી : ના સીમા;
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી હર પળે
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે
…દેશ તો આઝાદ થાતાં થઈ ગયો;
તેં શું કર્યું?
(‘અધીત : પિસ્તાળીસ')
❖