અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આપણા માત્રિક છન્દો
(ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં)
ડૉ. ચિમનલાલ ત્રિવેદી
સૌપ્રથમ તો ગુજરાતીના અધ્યાપક સંઘના ૩૮મા સંમેલનનું પ્રમુખપદ આપવા માટે આપ સહુનો, ગુજરાતીના સહુ અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંઘ સાથે હું ઘણાં વર્ષો સુધી સંકળાયેલો રહ્યો છું. તેરમું સંમેલન અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભરાયું ત્યારથી શરૂ કરી એકાદ-બે વર્ષના અપવાદ સિવાય ભાવનગરમાં ભરાયેલા પચીસમાં સંમેલન સુધી- એટલે કે લગભગ બાર વર્ષ સુધી હું આ સંઘનો મંત્રી રહ્યો છું. ૨૫મા સંમેલન પ્રસંગે ડૉ. ચિનુભાઈ મોદી મારા સહયોગી હતા. પછી પ્રા. જયંતભાઈ કોઠારીને મંત્રીપદ સ્વીકારવા અમે ઘણા મિત્રોએ વિનંતી કરેલી, એટલે આ સંઘને વધુ વેગ મળ્યો અને એની પ્રવૃત્તિઓ એમણે વિસ્તારી. પચીસમા સંમેલન પ્રસંગે અમે ‘અધીત’નો પ્રથમ ગ્રંથ (ભૂતપૂર્વ પ્રમુખોનાં વ્યાખ્યાનોનો સંચય) પ્રગટ કરેલો, તે હવે નિયમિત પ્રવૃત્તિરૂપે પ્રકાશિત થતો રહે છે. અલિયાબાડા સંમેલન પ્રસંગે સંઘના સ્થાપક ડૉ. ડૉલરરાય માંકડે સંઘની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની-એને ‘વર્કશૉપ’નું રૂપ આપવાની સૂચના કરેલી, તે પણ સંઘનાં કેટલાક સંમેલનોમાં શ્રી જયંતભાઈએ આરંભી અને પછીના મંત્રીઓએ પણ ચાલુ રાખી છે. આ સંઘે ગુજરાતીમાં અભ્યાસક્રમને સુનિયંત્રિત કરવા માટે ઘણા પ્રયત્નો કરેલા છે. સાહિત્યના વિવિધ મુદ્દાઓ લઈને એવી ઝીણવટભરી ચર્ચા કરી છે અને અધ્યાપનના પ્રશ્નો અંગે પણ વિચારણા કરેલી છે. અધ્યાપનના પ્રશ્નો - શિક્ષણના પ્રશ્નો એની બેઠકોમાં - નમૂનાઓ લઈ લઈને - ચર્ચાયા છે. 'અધીત'ના પ્રથમ ગ્રંથમાં પહેલાં પચીસ સંમેલનોનો ઇતિહાસ આપેલો છે, એમાં એ ઉપલબ્ધ છે. ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ગુજરાતીના અધ્યાપકોના આ સંઘે એક સુંદર આદર્શ પૂરો પાડ્યો છે; વ્યવહારના પ્રશ્નોને બદલે વિદ્યાકીય પ્રશ્નોને જ કેન્દ્રમાં રાખવાનું એણે સમુચિત વલણ સ્વીકારેલું છે. એ પરંપરા હજી સુધી ચાલુ રહી છે એ એની મોટી સિદ્ધિ છે. આ પરંપરાની પ્રતિષ્ઠા જોઈને ગુજરાતમાં હવે સંસ્કૃત આદિ અનેક વિષયોના અધ્યાપકોનાં સંમેલનો મળે છે, જેમાં તે તે વિષયના અધ્યાપકો વિદ્યાકીય ચર્ચાને અને શૈક્ષણિક દૃષ્ટિને કેન્દ્રમાં રાખી દર વર્ષે મળતા થયા છે એ સુચિહ્ન છે.
(૧)
ભૂતકાળમાં સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી સુન્દરજી બેટાઈએ ‘અનુષ્ટુપ' વિશે અને શ્રી ઉશનસે ‘શિખરિણી’ વિશે પોતાનો અભ્યાસ રજૂ કર્યો હતો. એમનામાંથી પ્રેરણા લઈ મને પણ આપણા છંદોને અભ્યાસ-વિષય બનાવવાની ઇચ્છા થઈ. જોકે અત્યારે અછાંદસ તરફનું વલણ વિશેષ દેખાય છે અને છંદોનો અભ્યાસ ઓછો થતો રહ્યો છે; તેમ છતાં છંદોની આપણી પરંપરા ઘણી તેજસ્વી છે અને આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યો છંદોમાં જ સર્જાયાં છે. અછાંદસનો ઝોક છતાં છંદોનો હજુ છેક છેદ ઊડી ગયો નથી, છંદોના વિવિધ પ્રયોગો થતા રહ્યા છે એટલું જ નહિ દીર્ઘ કૃતિઓમાં અછાંદસ સાથે છંદોનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. સંસ્કૃત વૃત્તો, માત્રિક છંદો, સંખ્યામેળ છંદો અને લયમેળ રચનાઓની પંક્તિઓ એક જ કૃતિ-પ્રવાહમાં રચાતી જોવા મળે છે. અછાંદસના ખંડોમાં પણ રૂપમેળ કે માત્રામેળના ટુકડાઓ પંક્તિઓમાં વેરાયેલા મળી આવે છે. ઉમાશંકરભાઈના એક કાવ્યમાં ચારે કુળના છંદોના પ્રયોગો જોઈ શકાય છે. પ્રત્યેક કવિ પોતાની આંતરિક જરૂરિયાતને વશ વર્તીને એને સબળ અભિવ્યક્તિ આપવા સમુચિત માધ્યમને સ્વીકારતો હોય છે. છેક વેદકાળથી અત્યાર સુધીમાં થયેલા છંદોના પ્રયોગો પરથી એ તારણ કાઢી શકાય છે કે કવિઓ છંદના જડબેસલાક માળખાને-ગણિતને ગાંઠ્યા નથી. પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરવા નાના-મોટા ફેરફારો જરૂર પ્રમાણે એમણે કર્યાં છે. ગાયત્રીનાં ત્રણ ચરણ અપૂરતાં લાગતાં એમણે ચાર ચરણોવાળા ત્રિષ્ટુભ-અનુષ્ટુપ નીપજાવ્યો છે. એની પ્રત્યેક પંક્તિના આઠ અક્ષરોમાં ત્રણ અક્ષરો ઉમેરી અગિયાર અક્ષરના ઇન્દ્રવજા અને ઇન્દ્રવજાના પ્રથમ ગુરુને સ્થાને લઘુ મૂકી-વૈવિધ્ય આણી-ઉપેન્દ્રવજા અને પછી એનાં મિશ્રણોને ઉપજાતિ અને એમ કરતાં કરતાં અનેક છંદોની રચના કરી છે. એ જ રીતે શાલિનીમાંથી મંદાક્રાન્તા અને મંદાક્રાન્તામાંથી સ્રગ્ધરા એમ સયતિક છંદોનું વૃક્ષ પણ વિસ્તરેલું છે. સંસ્કૃત સાહિત્યમાં પરિવર્તન પામતાં પામતાં રૂઢ થયેલા આ અક્ષરમેળ-રૂપમેળ છંદો મનોહર રૂપે ગુજરાતીમાં પ્રયોજાયેલા છે અને પછી તો એના લઘુ-ગુરુઓનાં સ્થાનોમાં લય જાળવીને, વ્યત્યય કે ઉમેરણ દ્વારા નવનવીન પ્રયોગો પોતાની ભાવાભિવ્યક્તિ માટે કવિઓએ કરેલા છે. ક્યાંક પંક્તિખંડો સાથે સળંગ પંક્તિઓ, ક્યાંક બે વૃત્તોનાં મિશ્રણો, ક્યાંક લઘુગુરુ સ્થાનપરિવર્તન કે ક્યાંક લઘુગુરુને ઓછા કરી કે વધારીને ભાવાનુસારી લય સિદ્ધ કરવા - છંદને નવા નવા રૂપે પ્રયોજ્યો છે, એની પાસેથી ધાર્યું કામ લીધું છે. છંદ, કાવ્યના એક ઘટક-અવયવ તરીકે, એના અવિશ્લેષ્ય અંગ તરીકે સ્થાન પામ્યો છે. આ રૂપમેળ છંદોમાં કોઈ આવર્તન નથી, એટલે કે એના સંધિઓ આવર્તિત થતા નથી, છતાં એમાંથી અનુપમ લય કેમ સિદ્ધ થાય છે એ હજી શોધનો વિષય છે. છંદશાસ્ત્રનો, એટલે જ એ મોટો ચમત્કાર ગણાયો છે. આ રૂપમેળ છંદોમાં પણ દલપત, નર્મદ, નરસિંહરાવ, ન્હાનાલાલ, કાન્ત, સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન, ઉશનસ્, જયન્ત પાઠક કે આધુનિક કવિના કોઈ એક જ છંદને લઈને એની ચાલને તપાસીએ તો એ છંદનું બંધારણ એક જ હોવા છતાં અને એક જ કવિનાં એ જ છંદમાં રચાયેલાં જુદા જુદા કાવ્યોમાં તેમજ કાવ્યની જુદી જુદી પંક્તિઓમાં પણ એનાં નવનવાં રૂપો કેવાં ઊઘડતાં આવ્યાં છે અને તે છંદ કયા કવિથી મુદ્રાંકિત થયો છે એનો પરિચય મળી રહે છે. કાવ્યે-કાવ્યે, પંક્તિઓ- પંક્તિએ છંદનું રૂપ ઊઘડતું આવતું હોય, એ મ્હોરી ઊઠતો હોય એવો અનુભવ કાવ્ય વાંચતાં થાય છે.
(૨)
મારે વાત કરવી છે માત્રિક છંદોની. છંદોનાં ચાર કુળોમાં માત્રમેળ છંદોનું કુટુંબ પણ મોટું છે. વૈદિક છંદો સાથે લૌકિક છંદોનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. પ્રાચીન બૌદ્ધ અને જૈન આગમોમાં એ પ્રથમ દેખા દે છે એમ કેશવ હ. ધ્રુવ નોંધે છે. પિંગલોમાં એવા નિર્દેશો પણ મળે છે કે પ્રાકૃત પિંગલોનો વિકાસ, વિદ્વાનોનાં પ્રોત્સાહન અને કદરને અભાવે નહોતો થયો, ગાથા અને વૈતાલીય જેવા માત્રિક અર્ધસમપદ છંદોને વૈદિક છંદો સાથે જોડીને – અનુષ્ટુપ-ત્રિષ્ટુપ જેવાનાં એ શિથિલરૂપ હોય એવું અનુમાન પણ કરવામાં આવ્યું છે. પણ માત્રાવૃત્તો, વર્ણવૃત્તો કે અક્ષરવૃત્તોથી પાયાગત રીતે જુદા છે. અક્ષરવૃત્તોની જેમ સ્વતંત્ર અક્ષરએકમથી કે લઘુગુરુ સ્થાનથી માત્રા છંદોની રચના થતી નથી. વર્ણમાત્રા-કાલમાત્રા-ઉચ્ચારકાલ-પર એ આધારિત છે. વૃત્ત, નિયતઅક્ષર-વ્યવસ્થાયી અને માત્રિક, નિયતમાત્રાવ્યવસ્થાથી રચાય છે. પદ્યું, ચતુષ્પદો-તરચવૃત્તં જાતિરિતિ દ્વિધા. ચાર પાદનું પદ્ય, વૃત્ત અને જાતિ - એ બે પ્રકારનું કહેવાયું છે. વૃત્તમક્ષરસંખ્યાત - વૃત્ત અક્ષરસંખ્યાયી થયેલું અને જાતિર્માત્રાકૃતા ભવેત્ - જાતિ (માત્રા) માત્રાથી થયેલી. નિયત સંખ્યાના માત્રા સંધિઓ (ચતુષ્કલી-દાદા, ત્રિકલી-દાલ, પંચકલી-દાલદા અને સપ્તકલી-દાદાલદા)ના આવર્તનથી આ માત્રામેળ છંદો સિદ્ધ થાય છે, અને અમુક સ્થાનની માત્રા ઉપર આવતો તાલ એનું જીવાતુભૂત તત્ત્વ મનાયું છે. સંગીતના અષ્ટમાત્રિક લાગણી, છમાત્રિક દાદરા, દસમાત્રિક ઝપતાલ અને ચૌદમાત્રક હૉરી / દીપચંદી તાલમાંથી આ ચાર પ્રકારના માત્રાસંધિઓ ઊતરી આવેલા છે. આગળની માત્રા સાથે તાલમાત્રા ભળે તો તાલ તૂટે અને સંવાદ ખંડિત થાય એવું પિંગલકારોએ કહ્યું છે અને એમાં તથ્ય છે. પ્રાચીનમાં પ્રાચીન માત્રાબંધ 'સુત્તનિપાત'માં મળે છે. માત્રાછંદોની ઉત્પત્તિ પ્રાકૃતકાલમાં થઈ છે એવો કે. હ. ધ્રુવનો અભિપ્રાય છે. એમ પણ કહેવાયું છે કે પ્રાકૃતભાષાઓની સ્થિતિને માત્રામેળ છંદ વધારે અનુકૂળ આવતા હતા અને પ્રાકૃતભાષાઓ વધુ ને વધુ વિકાસ સાધતી ગઈ તેમ તેમ માત્રામેળ છંદો વધુ ને વધુ સ્થાન પામતા ગયા. મધ્યકાળમાં દોહરો-ચોપાયો-સવૈયા-હરિગીત-વ., માત્રિક છંદોની દેશીઓ પ્રયોજાયેલી આપણે વાંચીએ છીએ. પાઠકસાહેબે એ પ્રાચીન દેશીઓમાં માત્રામેળના આવર્તનાત્મક સંધિઓ પ્લુત ઉચ્ચારણો દ્વારા ગેયરૂપ પામી વિવિધ રાગ-રાગિણીઓમાં ગવાયા છે એનું ગણિત ઝીણવટપૂર્વક દર્શાવ્યું છે. એમની એ ઐતિહાસિક સમાલોચનામાં આપણી લયમેળ દેશીઓનું પૃથક્કરણ કરી એના સંધિઓમાંનો સાવર્તનાત્મક મેળ દર્શાવ્યો છે અને ખૂટતી માત્રા પૂરવા, સંગીતની પ્રધાનતાને કારણે પ્લુતિના સ્વીકારની પણ હિમાયત કરી છે. એ રીતે એમણે “એક ઝારા ઉપર ઝારી રે એ તો કન્યા થૈ અમારી રૈ”માં ચતુષ્કલોની ચોપાઈ, ન્હાનાલાલના “મારા નયણાંની આળસ રે - ન નિરખ્યા હરિને જરી”માં ષટ્કલોનો રોળા, “પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે, હું કહું તે માન”માં દોહરાની ભંગિ, “વૈષ્ણવજન તો તેને કહિયે-”માં ચતુષ્કલી સવૈયા રચના – "જલકમલ છાંડી જાને બાળા”-માં સપ્તકલી રચના એમ અનેક ગેય રચનાઓને પિંગલબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો, જૈન અને જૈનેતર કવિઓએ દુહા, ચોપાઈ, ઝૂલણા, હરિગીત જેવા પ્રચલિત માત્રિક છંદોનો પણ સારો ઉપયોગ કરેલો છે. મેરુનંદનગણિ, નરસિંહ, રાજે, શામળ જેવા કવિઓનો ઝૂલણા છંદ અસરકારકતાથી પ્રયોજાયેલો છે. નરસિંહના ઝૂલણાનો છંદોલય હજી આપણા કાનમાં ગુંજે છે અને સબળ ભાવચિત્રોએની વિવિધ વાક્ભંગિઓ દ્વારા-આપણાં મનશ્ચક્ષુ સમક્ષ પ્રત્યક્ષ કરી આપ છે. એ જ ઝૂલણામાં અર્વાચીન કાળમાં કવિ નર્મદે પણ પ્રભાતિયાં રચ્યાં છે અને એનું અનુસંધાન કવિ ‘શશિશિવમ્’ના તાજેતરમાં જ પ્રગટ થયેલા ‘આનંદહેલી’ સંગ્રહમાં જોઈ શકાય છે. માત્રા-છંદોમાં કોઈ એક નિયત સંખ્યા માત્રાની સંધિના નિયત સંખ્યાનાં આવર્તનોથી જાતિછંદોનાં ચરણો બને છે. અને એમાંનો પ્રત્યેક સંધિ સ્વતંત્ર અક્ષરથી શરૂ થતો હોય છે. પરંતુ આપણે માત્રામેળોને પરંપરિત બનાવ્યા પછી - એમાં અનેક પ્રયોગોને અવકાશ આપ્યા પછી - એનાં આ જડબંધનોને છેદીને એમને વિશેષ પ્રવાહી અને લવચીક બનાવ્યા છે. પંક્તિ અંત બતાવનારો પ્રાસ પરંપરિતમાં હવે રહ્યો નથી. નહિતર, પહેલાં ચાર ચતુષ્કલો (દાદા દાદા દાદા દાદા(લ)- કાળી ધોળી રાતી ગાય)થી ચોપાઈની, છ ચતુષ્કલોથી રોળાની, આઠ ચતુષ્કલોથી સવૈયાની પંક્તિ રચાતી. એ માટે પ્રાસરચના જરૂરી બનતી અને અંત્યસંધિને અમુક ચોક્કસ રૂપ પણ અપાતું. જેમ કે ઝૂલણામાં પંચકલ સંધિનાં પાંચ આવર્તનો પછી અંત્યરૂપ ગા આવી એના પ્લુત ઉચ્ચારણ દ્વારા આઠમી સંધિ પૂરી થતી લાગતી. પંચકલ સંધિવાળા છંદોમાં દાલદા અને સપ્તકલ સંધિવાળા છંદોમાં દાદાલદા સંધિ પ્રયોજાયેલો છે. પંચકલ સંધિના દાદાલ સંધિનો ગમક કે બે સંધિના દીપક જેવા છંદો ખાસ પ્રયોજોતા નથી. ચાર સંધિનો મદનાવતાર દાલદા દાલદા દાલદા દાલદા લંબાઈને સાત સંધિ અને ગા અંતવાળા ઝૂલણારૂપે ગુજરાતીમાં ખૂબ વિકસ્યો છે અને સપ્તકલ સંધિના હરિગીત તો વિવિધ રમણીય રૂપે ગુજરાતીમાં ઉલ્લસ્યો છે. અર્વાચીન ગુજરાતી કવિઓએ માત્રા-છંદોને સરળતાથી ઉપયોગમાં લીધા છે. ચતુરક્ષર સંધિના દલપતરામથી ઉમાશંકર સુધી અને અદ્યતન કવિઓમાં મનહર વનવેલીના પણ પ્રભાવક પ્રયોગો થાય છે. એ બધા છંદોને આ નાનકડા પ્રયત્નમાં આવરી શકવા મુશ્કેલ છે. નહિતર હેમચંદ્રથી સિતાંશુ યશશ્ચંદ્ર ('જટાયુ') અને વિનોદ જોષી ('તુણ્ડિલ તુણ્ડિકા’) સુધીના દુહાપ્રયોગો, શ્રીધરાણી, ગણપત ભાવસાર, ઉમાશંકર અને અદ્યતન કવિઓના સવૈયા પ્રયોગો, ઉપરાંત રોળાના કટાવના અનેક પ્રયોગો અને એમ એક-એક છંદ લઈને એમની તપાસ કરી શકાય એમ છે. આપણે ત્યાં ઝૂલણા અને હરિગીતે કવિઓને વિશેષ આકર્ષ્યા છે. એમનાં આકર્ષક રૂપ, ગુજરાતીમાં કેવાં વિલસ્યાં છે એ અભ્યાસનો રસિક વિષય બની શકે એમ છે. આ બંને છંદોને તપાસવા જતાં પણ લંબાણ થઈ જવાની ભીતિ રહે છે. એટલે આરંભમાં ઝૂલણાને સ્પર્શીને હરિગીત ઉપર ધ્યાનકેન્દ્રિત કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
(૩)
દલપતરામ અને નર્મદનો ઝૂલણા પરંપરાગત શૈલીનો છે.
‘થઈ ગયા શ્રેષ્ઠ શ્રીમંત કંઈ શેઠિયા
વેઠિયાની પેઠે વહી ગયા તે
નામ કે ઠામ જન કોઈ જાણે નહિ
કોણ જાણે જ ક્યાં થઈ ગયા તે.’
પંચકલ સંધિના આવર્તનો તાલ સાથે જાળવીને દલપતરામ ઝૂલણામાં રચના કરે છે. તો, નર્મદ નરસિંહનાં પ્રભાતિયાંના સ્વરૂપનું અનુસંધાન સાધી ઝૂલણામાં કેટલાંક પ્રભાતિયાં રચે છે :
‘જાગની જીવડા, ગાની તું ગીતડાં
બ્રહ્મ કેરાં, વહે વહાલું વાશે
રાગ પરભાત પર રાખ અનુરાગ બહું
સફળ આનંદમાં દિન જાશે.’
પ્રભાતિયામાં નર્મદનો ઝૂલણા એના અસલ રૂપને બરાબર જાળવે છે. ‘ઈંદ્રજિતવધ'માં દોલતરામ પંડ્યા 'ચટકથી ચાલતાં અટક નવ ધારતાં કટકરણમધ્ય કરતું ઉધામા'માં શબ્દાલંકારના શણગાર સજી ઝૂલણાને થોડોક ઝોલો આપે છે. કવિ ખબરદાર તો 'દર્શનિકા'ની સુદીર્ઘ કૃતિમાં ચિંતન માટે ઝૂલણાના પ્રલંબ લયને ખપમાં લે છે.
‘જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે
હો ભલે ઉભયના પંથ ન્યારા
પણ ખરે મૃત્યુ એ અધિર સુંદર દિસે
જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા.’
પરંતુ, આ છંદનું પ્રફુલ્લ રૂપ કવિ કાન્તના ‘સાગર અને શશી’માં -
'આજ મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહધન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે.’
ઝૂલણાના સુદીર્ઘ પટ પર હિલ્લોળાતો પ્રલંબ લય સાગરની ભરતીનાં ઊભરાતાં મોજાંને અને ઝૂલણાની બે પૂર્વ પંક્તિઓને અંતે આવતો ઝૂલણાનો ઉત્તર-ખંડ સાગરની ભરતીની ગહનતાને પ્રત્યક્ષ કરાવી શકે છે. છંદની દાલદા સંધિમાં કવિ ‘જલધિજલદલ', 'નવલ રસ ધવલ તવ'માં તેમજ 'કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન’ એ સતત લઘુરૂપોનાં પંચકલોનો ઉપયોગ કરીને એના રમણીય રૂપને ઉઠાવ આપી શક્યા છે. એ દ્વારા છંદસંધિની એકવિધતા ભેદાય છે અને કવિનો હર્ષોલ્લાસ છલકાઈ રહે છે. છલકાતી ભરતીનું સંગીત આ પંચકલ સંધિના આવર્તિત છંદમાં લીલયા પ્રગટ થઈ જાય છે. કવિહૃદયની ભાવભરતી, ધસતાં અને પાછાં વળતાં મોજાંની ગતિ સાથે એકરૂપ થઈ જતી અનુભવાય છે એમાં આ પરંપરિત થઈને પ્રવાહી બનેલા ઝૂલણા છંદનો વિજય છે. છંદ કાવ્યમાં ઓગળી જાય એથી વિશેષ ધન્યતા બીજી કઈ? રૂપમેળ છંદની લઘુ-ગુરુની સ્થાનની ચુસ્તીને બદલે ગુરુસ્થાને બે લઘુ આવી શકવાની અને એ દ્વાર છંદોલયની મનોરમતા સિદ્ધ કરી શકવાની ક્ષમતાનો કવિ કાન્તે પૂરો લાભ લીધો છે. કવિ મેઘાણીએ ‘તરુણોનું મનોરાજ્ય’માં ‘ઘટમાં ઘોડા થનગને’ એ દોહરાથી ઠેક લઈને પછી -
‘આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે,
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરુડાશી પાંખ આતમ વિષે ઊઘડે.’
-માં ઉત્તરદલમાં ઝૂલણાની ત્રણ માત્રા વધારી એનો પથરાટ વધાર્યો છે (જોકે મેઘાણીએ એને ચારણી છંદ કહ્યો છે.) કવિશ્રી ત્રિભુવન પ્રેમશંકરે 'મેઘદૂત'ના અનુવાદ માટે એમાં ‘લઘુગુરુવર્ણી’ માટેનાં નિશ્ચિત સ્થાનો નડતાં નથી એથી ઝૂલણા પર પસંદગી ઉતારી છે.
પટ પહોળો છતાં એ નદીનો દિસે
દૂરથી પાતળો જેમ દોર. (૪૯)
ઉપરાંત 'અખૂટ ભંડાર ભરપૂર છે એમના' (ઉ. ૧૦) જેવા ખંડોમાં દાલદા સંધિના પ્રયોગમાં બે અક્ષરનો એક જ શબ્દ ‘પટ’ બે લઘુનો હોઈ સુભગ નથી લાગતો, તો ‘અખૂટ' ત્રણ અક્ષરોનો હોઈ પહેલા ‘દા'નાં લઘુરૂપોથી ક્ષમ્ય બનતો લાગે છે.
ચરણની ઠમકતી ઘમકતી ઘૂઘરી
ચમકતી રત્નને ઝગમગાટે-
જડિત દાંડી તણાં ચામરો લટકથી-
વીંજતાં જેમના હાથ થાકે. (૩૮)
અનુવાદમાં છંદનો લયહિલ્લોળ પ્રગટ થાય છે. પરંતુ છંદનો સૂક્ષ્મ લય કવિ પકડી શક્યા નથી. સુન્દરમે –
‘ગહનનભસિન્ધુનાં વારિનાં વહન પે/
નર્તકો પાય દૈ ઠેક લેતા/
ક્ષિતિજ ક્ષિતિજો ગૂંથી આંગળી વેલમાં/
ઘુમરતા પૃથ્વીનો ચાક દેતા/
ભમરડો પૃથ્વીનો ઊંઘ લેતો/
અહો! નૃત્યનો રંગ રેલાઈ રહેતો.’
-માં દાલદાનાં આવર્તનોવાળી બે પંક્તિઓ પછી ઝૂલણાના ઉત્તરદલને બેવડાવી એને પરંપરિત રૂપ આપ્યું છે. ઉમાશંકરે પણ -
'ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમ સૌરભો મત્ત છલકી જતી
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી
સ્વૈર પથ એહનો ઝાલીએ
એમની ચાંદની રાતમાં ચાલીએ
ચાલને.'
ઝૂલણાને પરંપરિત રૂપ આપી પ્રવાહી બનાવ્યો છે. ‘અભિજ્ઞા’માં ‘પંચગીતો’ના શીર્ષક નીચેનું પ્રથમ ગીત 'વિશ્વના કેન્દ્રથી સુભગ સૌંદર્યનો સતત ઊડી રહ્યો. શો ફુવારો?! ઝૂલણામાં જ રચાયું છે. કવિએ ‘ભાવના’ અને ‘પ્રેમલિપિ'માં ખંડ ઝૂલણા પ્રયોજ્યો છે એને ગીતરૂપે પણ ઢાઅયો છે. ‘વિશ્વના કેન્દ્ર’થી ‘૨૨માં દિવસનું પ્રભાત'માં આનંદભાવને વેગ આપવામાં એ સફળ થયો છે. મનસુખલાલ ઝવેરીએ –
આજ નયનો! રડો!/હૃદય! ભાંગી પડો!
પૃથ્વી પેટાળના કાળના કોરડા શા
ધરાકમ્પ સૌ સામટા ગડગડો/
આજ આકાશમાં ઘૂમટ નીચે પડો!
સૂર્ય ને ચંદ્ર ને તારલા સૌ ટળો/
આજ ગાંધી ગયા!-
-માં ગાંધીજીના મૃત્યુ પ્રસંગને ઝૂલણાના પરંપરિત રૂપમાં વર્ણવ્યો છે અને વેદના વર્ણન માટે એના સંધિખંડોના પ્રલંબિત લયનો લાભ લીધો છે.
ઝૂલણાનું એક સુંદર રૂપ પ્રહ્લાદ પારેખના-
‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો/
આજ સૌરભ ભરી રાત સારી.
આજ આ શાલની મંજરી ઝરી ઝરી/
પમસ્તી પાથરી દે પથારી-‘
-માં પ્રગટ થતું અનુભવાય છે. છે તો સીધોસાદો ૩૭ માત્રાવાળો ઝૂલણા. પણ એમાં રાતની સૌરભ દાલદા સંધિના આવર્તન દ્વારા ધીરે ધીરે પસરતી અનુભવાય છે. પરંપરિત ઝૂલણાના બીજા બે કવિઓના પ્રયોગો નોંધપાત્ર છે : રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના. રાજેન્દ્રના ‘પ્રેમના મંત્રનું કૈંક ગુંજન' એ કાવ્યમાં પુરુષ અને સ્ત્રીના સંવાદને કવિએ ઝૂલણામાં આ રીતે ગૂંથ્યો છે :
પુરુષ : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું
મુગ્ધ વનહરણ જેવી
તું મારી કને
શાન્ત નત-નેત્ર આવી ઊભી
વિવશ તું
લુબ્ધ મેં એક ચુંબન લીધું
સ્ત્રી: નહિ, ન તેં લીધ પિયા!
મેં જ કામણ કીધું,
મારી સૌરભથી પરવશ બની
ભ્રમર સમ
તેં મને મુખનું અમૃત દીધું.
પુરુષ : મારી હતી લૂંટ-
સ્ત્રી: મારે અમી ઘૂંટ-
ચતુર પ્રેમીજન સ્ત્રીપુરુષની બુદ્ધિપ્રભાને આ સંવાદમાં કવિએ ઉપસાવી છે અને ‘દાલદા’ સંધિનું પરપરિત રૂપ ચતુરાઈ અને ચંચલતા દ્વારા ભાવનો ઉદ્રેક સાધવામાં સફળ થયું છે. તો ‘જિંદગી! જિંદગી!’ કાવ્યમાં જીવન વિશેનું ગંભીર ચિંતન કરતો કવિ ઝૂલણાના ખંડકોમાં :
‘આંહી લખ લોકનું મલિન છે, રે છતાં
સંગમાં સંગ છે માત્ર પોતા તણો…
આંહી તો ‘રેસ' ચાલી રહી…/
કોણ ને ઓળખે કોણ? - ક્યાં
એક ગતિ, એક બસ તાલ છે, યંત્ર જ્યમ...’
વિચારના સંક્રમણને આ પરંપરિત રૂપમાં સહજતાથી નિરૂપી શક્યા છે. કવિ નિરંજન ભગત 'સંસ્મૃતિ' નામક સુદીર્ઘ કાવ્યમાં-
‘આવ રે મુક્તિદિન!
આજ તું જો લે ભગ્ન અમ સ્વપ્નબીન!
આવ રે મુક્તિદિન!
જોઈ લે બીનના તાર સૌ છિન્ન છે,
સપ્ત સ્વરનો ધ્વનિ આજ તો લુપ્ત છે;
જોઈ લે મૌનનો ભાર પણ કેટલો ભિન્ન છે!'
મુક્તિદિને - સ્વાતંત્ર્યદિને પોતાના ભગ્નહૃદયની વેદનાને વાચા આપતાં, ઝૂલણાના બે કે ચાર સંધિના ખંડો પાડી એને રેલાવતા જઈ વેદનાને દૃઢાવતા જાય છે. દાલદા સંધિ જાણે કે એ વેદનાને સતત દબાવી-ભીંસી-ઉપસાવી આપે છે. અગિયાર નાના-મોટા ખંડોમાં પથરાયેલું એ કાવ્ય “આજ શી સંસ્કૃતિ! સંસ્મૃતિ! સંસ્મૃતિ!… ત્યાં કશી તાહરી ક્ષણિક પણ આકૃતિ!” એ પ્રત્યેક ખંડને અંતે આવતી ધ્રુવકડી જવા પંક્તિસંપુટથી કાવ્યને દૃઢબંધ આપી ચિત્તસ્થિતિની છિન્નતાને પ્રગટ કરી આપે છે. 'ગ્રીષ્મ મધ્યાહ્ન'માં ઝૂલણા-સંધિ-અંશોને આઘાપાછા કરી, લયઇબારત જાળવી, કથનને ધારદાર બનાવે છે. 'છંદોલય'નાં પાંચ:છ કાવ્યોમાંનો ઝૂલણાનો મિજાજ, અગાઉના કવિઓ કરતાં જુદો તરી આવે છે. 'તું હતી સાથમાં! તું પ્રિયે રમ્યગાત્રી!' કે 'નહિ, નહીં નયન છે! નીર વ્હેશો નહીં, વારજો'નો ઝૂલણાલય કે 'તપ્ત ધરણી હતી / ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી/સૃષ્ટિ સારી ય નતે ભસ્મવરણી હતી. એ પંચકલ સંધિઓનાં આવર્તનોને પરંપરિત રૂપે પ્રયોજીને - એમાં ગદ્ય સમીપના લહેકાઓ ઉપસાવી આપીને ઝૂલણા દૃઢતાથી વિસ્તરતો જાય છે અને એના નવા જ રૂપનું દર્શન કરાવી રહે છે. રાજેન્દ્રના સંવાદમાં રેલાતા અને નિરંજનના કથનમાં વિસ્તરતા ઝૂલણાનું આ પરંપરિત રૂપ, આપણે ત્યાં નવું પ્રસ્થાન આદરતું લાગે છે. ચંદ્રકાન્ત શેઠનું ‘પવન રૂપેરી’માંનું એક કાવ્ય -
‘પંખી કો આંધળું
ભીતરે વર્ષ કૈં કેટલાથી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખતી સ્હેજ ઊડી-પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.’
અહીં છે તો ઝૂલણાનું પરંપરિત રૂપ જ પણ નવીનતા લાવવા અને ક્રિયામાં સાતત્ય દર્શાવવા આરંભમાં ઝૂલણાને પ્રલંબાવીને ‘કરે છે’માં છેક નવ પંચકલો પછી એને પ્લુતિ દ્વારા દૃઢબંધ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ ઝૂલણાને ગઝલમાં ઢાળ્યો છે… દાલદા સંધિનાં પાંચ આવર્તનોવાળી પંક્તિમાં નરસિંહના ઝૂલણા-સંસ્કાર ઝિલાઈને એની આગવી છટા પ્રગટ થતી અનુભવાય છે.
‘અણચવ્યો ઊર્ધ્વરસ આપમેળે સ્રવે,
અખિલને આચમન પાન એમ જ થશે.’
આવા કેટલાક પ્રયોગો દ્વારા દલપત-નર્મદથી આપણે ત્યાં ભાવાભિવ્યક્તિ માટે ઝૂલણા કેવો સમક્ષ રહ્યો છે અને એના આવર્તનાત્મક સંધિઓને પ્રવાહી બનાવીને વિવિધ લઢણોમાં વહેતા કરાયા છે એના સુંદર નમૂનાઓ પૂરા પાડે છે.
(૪)
પરંતુ ઝૂલણા કરતાંય હરિગીત આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યો હોય એમ લાગે છે. એનું ગણિત હજી કઢાયું નથી, પરંતુ કાવ્યો વાંચતાં હરિગીતનાં લયઆંદોલનો ઘણા સંગ્રહોમાં પ્રસરેલાં જોવા મળે છે. પ્રાચીન ગુજરાતી દેશીઓમાં-લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે. એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા-વિશેષ પથરાટવાળો છે. દલપતરામે હરિગીતને ‘મનહરણ તે હરિગીત છે.’ એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીનીમોટી પંક્તિઓમાં રેલાવી-એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ગણી વાર ભાવ અને અર્થ માટે અથવા નથી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના ‘બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનની, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો છે… એ જ રીતે એની પૂર્વે ‘તો પછી / પૃચ્છ કરું / હૃદયવસતા નાથને /’ સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો- કહે કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે. અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે ‘કહું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી / ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી’- જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ ‘જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા’ જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ સહજપણે ચાલે છે. મણિલાલને વનવર્ણનમાં -
‘મંદમંદ સમીર વ્હે તરુકુંજમાં બહુ મ્હાલતો,
ગિરિવહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’
-માં મંદ સમીરના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તકલમાં બરાબર ઉઠાવ આપ્યો છે. ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા'માં દામ્પત્યજીવનની પોતાની વિભાવના પ્રગટ કરવા હરિગીતને જ ઉપાસ્યો છે :
રસ ઐક્ય વણ મન ઐક્ય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને,
મન ઐક્ય વણ નહિ મિત્રતા પ્રભવે, ગુરુજી કો રીતે
અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી
વિનિમય કરે, નિજ રસ તણો, ઉર ઊર આગળ ઊઘડી.
સહેજ ખોડંગાતો લાગે છતાં નાયિકાના હૃદયની ભાવાભિવ્યક્તિ માટે અહીં હરિગીત સારું કામ આપે છે. આ જ કાવ્યમાં અન્યત્ર પણ એમણે હરિગીત પ્રયોજ્યો છે. પણ એ બહુ સુભગરૂપ પામ્યો નથી.
નરસિંહરાવે એમના પ્રસિદ્ધ કાવ્ય 'ચંદા'માં-
શાંતિ શીતળ વરશીને સુખમાં સુવાડું રાત્રિએ. ('ચંદા')
અને ‘મધ્યરાત્રિએ કોયલ'માં -
શાન્ત આ રજનીમહિં મધુરો કહિં રવ આ ટૂહૂ-
પડિયો ઝીણો શ્રવણે અહિં? શું હું સ્વપ્નમાં સુખ આ લહું?
અહીં દાલદાદાની ત્રણ સંધિ અને ચોથો સંધિખંડિત કરીને 'ટૂચકારને એમણે લંબાવ્યો છે અને બીજી પંક્તિમાં પહેલા જ સંધિ ‘દા’ને બે લઘુરૂપ આપી એના કર્ણપ્રવેશને થોડો કોમળ બનાવ્યો છે. જોઈ શકાશે કે એ સપ્તકલનાં દાલદાદા અને દાદાલદા એ બંને રૂપો પ્રયોજે છે. હરિગીતને આ રીતે વિષમ હરિગીત - છેલ્લી સંધિ ખંડિત કરી ર૬ માત્રાનો બનાવાયો. નરસિંહરાવે પછી એને ‘ખંડહરિગીત' એવું નામ આપી, સપ્તકલ દાલદાદા સંધિ સાથે ખંડિત સંધિ દાલદાને સ્થાન આપીને અને એવી એક એક પંક્તિની રચના કરતા જઈને ચોથી પંક્તિમાં એ બંને સંધિઓનો સહયોગ સાધી છંદોલયને પૂરો કરવા પ્રયત્ન કર્યો છે. પુત્રશોકે વ્યથિત-વિક્ષુબ્ધ કવિહૃદયની ભાવોત્કટતાને અને શીર્ણ-વિશીર્ણ અવસ્થાને હરિગીતના આ ખંડોમાં એકંદરે સારી અભિવ્યક્તિ મળી છે. કાલ્ય જે રમતો હતો યંત્ર આ બ્રહ્માંડનો પુત્ર જીવન જોસમાં ગૂઢ નિયમે ચાલતો. આજ એ ચાલી ગયો એક લક્ષ્ય સ્થળ ભણી હા! લાડકો મુજ રોષમાં! જાતો વિકાસે મ્હાલતો. 'સ્મરણસંહિતા'માં પોતાની વેદના અને પછી જીવન-ચિંતનને વ્યક્ત કરવા નરસિંહરાવે હરિગીતનો પહેલી ત્રણ પંક્તિઓમાં ૧૨ માત્રાના ખંડને ત્રેવડાવી, અંતે ચોથી પંક્તિમાં બે પૂર્ણ સપ્તકલો પ્રયોજી આ વિશિષ્ટ પ્રયોગ કર્યો. એમની આંતરિક જરૂરિયાત માટે એમને આ પ્રયોગ સૂઝ્યો. એમનાં અનેક કાવ્યોમાં ખંડહરિગીતના આવા પ્રયોગો એમણે કર્યો છે. નરસિંહરાવના વિષમ હરિગીતના પ્રયોગો - અન્ય છંદોની જેમ અતિ સ્વચ્છ નથી. ખંડહરિગીતે એમને કંઈક યારી આપી છે તેમ છતાં છંદ હજી કાવ્યમાં પૂરેપૂરો ઓગળેલો દેખાતો નથી. પંડિતયુગમાં રમણભાઈ - ‘બહુ ગૂઢ તરુમાં બેસીને જે ગાય મીઠું કોયલ ચાલે ઘડી ને એક ને પછી બંધ તે અદ્ભુત સાર.’ (તત્કાલ મહિમા) અને પછી - ‘દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઇષ્ટ છે, આ પ્રેમ પારાવારમાં ન્હાતાં મરણ પણ મિષ્ટ છે.’ જેવી અનેક રચનાઓમાં બોટાદકર આદિ અનેક કવિઓએ હરિગીતનો વ્યાપકપણે ઉપયોગ કરેલો છે. કલાપીએ 'એક આગિયાને’ એ કાવ્યમાં બોટાદકરની રીતે ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ એવી સૂક્તિઓને ગૂંથીને એને સરળ-સહજ રીતે વર્ણન-કથન માટે પ્રયોજ્યો છે. કવિ ન્હાનાલાલે હરિગીતનો એક સુંદર પ્રયોગ એમના ‘વસંતગીત'માં કર્યો છે. ગીત અને વસંતતિલકા અને ઝૂલણા જેવા છંદો સાથે એમણે વસંતવર્ણન માટે હરિગીતને પરંપરિત-પ્રવાહી બવાનીને વસંતશ્રીને વર્ણવી છે. આરંભ ઝૂલણાના લયથી થાય છે : ‘મીઠડી / સાન્ત્વની / ભાગ્ય સમ સંજીવિની જગજીવનમન્ત્ર શી ઉદ્ધારિણી, પ્રભુકિરણ સરિખી સકલ સંચારિણી પ્રાચી, પ્રતીચિ, દિભુવન સૌની પરમ કલ્યાણિની.’ અને પછી આવતો હરિગીતનો પ્રયોગ જુઓ : ‘મ્હેકતું મ્હેકાવતું / પ્રાણને ચેતાવતું વિરલ સૌન્દર્યે કદી કદી ભાસતું પ્રિયનયનની કાન્તિમાં સ્થિર વાસતું સ્નેહના સોહાગ સમ સપ્રભ યશસ્વી વિલાસતું...’ પ્રથમ ઉદાહરણમાં ઝૂલણાનું અને બીજામાં હરિગીતનું પરંપરિત રૂપ આ સમયગાળામાં નવું છે. વસંતના મધુર સંચારનો ઉલ્લાસ પંચકલ સંધિથી ઊછળતા ઝુલણામાં પ્રગટ થયો છે. તો, એના પ્રભાવની મ્હેકને હરિગીતના પ્રવાહના વેગમાં ખેંચી જતા - થોડાક વધુ વિસ્તારી સપ્તકલના પથરાટવાળા સંધિમાં ગતિશીલતા સાથે વર્ણવી છે. નરસિંહરાવથી હરિગીતનો આ પ્રયોગ, એક ડગલું આગળ વધી, ન્હાનાલાલની પ્રફુલ્લ સર્જકતાનો પણ સુભગ પરિચય આપી રહે છે. આ છંદ - હરિગીત - ગાંધીયુગમાં સુન્દરમ્ - ઉમાશંકરમાં વિકસે છે. 'યાત્રા'નાં કેટલાંક કાવ્યોમાં હરિગીતનો થયેલો ઉપયોગ ધ્યાન ખેંચી રહે છે. એની વિવિધ છટાઓ સાથે સુન્દરમ્ હરિગીતને ચાલના આપે છે. ‘વિશ્વ આખું ગુલગુલાબી થઈ ગયું. ઓઠ મેં તારા ગુલાબી ચૂમિયા જ્યારે પ્રથમ, મેં લહ્યું ત્યારે પ્રથમ કે ઓષ્ઠના ટુકડા વિશે બે શું વસ્યું સામર્થ્ય છે’ દાલદાદા સંધિનાં બે આવર્તનો પછી ત્રીજા સંધિને એ ખંડિત કરે છે. પછી બીજી વ્યક્તિમાં ત્રણ સંધિઓ પૂરી કરી છે, અને એ જ રીતે ત્રીજી-ચોથીમાં અનુક્રમે પહેલી-બીજી પંક્તિઓ જેવી જ સંધિરચના કરે છે. પહેલી પંક્તિમાં રેલાતો અનહદ ઉલ્લાસભાવ સપ્તકલ સંધિને પૂરી કરવા રોકાતો નથી. ત્રીજી-ચોથી પંક્તિમાં એના પ્રભાવનો વિચાર, છંદની ઉલ્લાસિત ગતિને નવો જ વળોટ આપતો પ્રતીત થાય છે. મેં દૂરથી / નજદીકથી / દીઠી તને / કો દૂરથી રળિયામણું / કો સોડમાં સોહામણું / પણ દૂરમાં કે અન્તિકે / તું મોહના / એવી જ ને એવી સદા / સર્વત્ર સુન્દર, નિત્યમોહન સોહના! ‘દીઠી તને' કાવ્યમાં સપ્તકલનો પ્રત્યેક સંધિ જુદો પ્રતીત થઈને કવિના મનોવેગ સાથે ઉલ્લસિત દૃઢતાથી પ્રતીતિ કરાવતો આગળ ને આગળ ધપ્યે જાય છે. ‘ગુલબાસની સોડમાં’, ‘ગાતું હતું યોવન’ વગેરે કાવ્યોમાં પણ હરિગીતની આવી જ ચાલ દેખાય છે. સુન્દરમના હરિગીતનો એક વધુ પ્રયોગ જોઈએ : મેં ચંદ્રને જોયો ચકાસી ને વળી જોયો તપાસી ને વળી ચાખ્ખો અદાથી કો પતાસાની સદૃશ બટકાવી એને કોરથી જોયો મેં કણકણ કે ભરી બટકુંય મોટું લીધું મુખથી ને ગળ્યો લાગ્યો ઘણો! તો કદી ફિક્કો ય લાગ્યો ને કરી થૂ થૂ તજ્યો મેં મુખ થકી. આ પણ પરંપરિત હરિગીતનો પ્રયોગ છે. બે દાલદાદા સંધિ પછી આવતો દા પછીની પંક્તિમાં ભળી દાલદાદાનો આખો સંધિ પૂરો કરતો જાય છે અને છંદ અનવરુદ્ધ ગતિએ આગળ ધપે છે. ‘પતાસાની સમો’ કહી 'દાલદાદા' સંધિ પૂરો કરવાને બદલે 'સદેશ' કહી ‘શ’ને બે માત્રા જેટલો ભાર આપી પંક્તિખંડ પૂરો કરવા ઇચ્છે છે. એને ‘કમ કણ’માં જોવા માટે બે ગુરુને બદલે ચાર લઘુરૂપો ક્રિયાને પ્રત્યક્ષ કરવા ઉપકારક બને છે. ‘તો કદી ફિક્કોય’થી સપ્તકલ સંધિનું દાદાલદા રૂપ બદલાઈ બદલાઈ દાલદાદા બને છે અને એ ભાવવળાંકને સહાયરૂપ પણ થાય છે. ઉમાશંકરે પણ અનેક માત્રામેળ રચનાઓ કરી છે. એમના ગુલબંકી અને વનવેલીના પ્રયોગો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. હરિગીતને પણ એમણે સારી રીતે પલોટ્યો છે. ‘આતિથ્ય'માં એમના કેટલાક છંદપ્રયોગો નવીન છે. ‘ગ્રીષ્મગીતા’ કાવ્યનો આરંભ જુઓ : વિરમતા સૌ સ્વર મૃદુલ કોમલ, વસંતલ ફાગના, જાગ્યા અનાહત નાદ સહસા મત્ત તથા વૈરાગના! પહેલી બે સંધિ દાલદાદા દાલદાદા પછી દાદાલદા-માં સરકે છે અને બીજી પંક્તિમાં દાદાલદાનું સાતત્ય ચાલુ રહે છે. તરત બીજી પંક્તિ. જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવિયો. -માં પ્રથમ ખંડમાં પૃથ્વી છંદનો લય ડોકિયું કરે છે. કહો કે આરંભની બે સપ્તકલ સંધિઓને ખંડિત કરી એને નવું રૂપ આપી બીજો ખંડ સપ્તકલના દાદાલદામાં આગળ વિસ્તરે છે. આખું કાવ્ય સપ્તકલ સંધિના વિવિધ રીતે વિસ્તરતાં લયઆંદોલનોનો અતીવ આકર્ષક અને નવીન પ્રયોગ છે. કાવ્યની છેલ્લી પંક્તિ : ‘હૈયે હીંચોળી ગ્રીષ્મગી તા ઝુલતા ઊભા અડીખમ લીમડા'માં દાદા લદા / દા દાલદા / દા દાલદા દાદા લદા / દા દાલદા હરિગીતના ચારને બદલે પાંચ સપ્તકલ સંધિઓ અડીખમ લીમડાને ઝુલાવી રહે છે. વિવિધ વા્કભંગિઓને નાની-મોટી સંધિઓ ઝીલી રહે છે. લયલીલાની નવનવી છટાઓ એમના માત્રા-છંદોમાં પ્રગટી રહે છે. ‘છિન્નભિન્ન છું' જેવા કાવ્યમાં આરંભમાં જ હરિગીતની સંધિ ડોકાઈ જાય છે અને પછી ભિન્ન ભિન્ન કુળના-અક્ષરમેળ-માત્રામેળ-સંખ્યામેળ-લયમેળના લયો અનેક પંક્તિઓમાંથી પ્રગટતા અનુભવાય છે. અને કાવ્યલય ગદ્યના સીમાડાને સ્પર્શતો આગળ ધપતો પ્રતીત થાય છે. ‘ભીતરી દુશ્મન' કાવ્યમાં ‘જઈ ચઢ્યો હું એક દિન કો સુરી ગુણીજનની કને-' એમ સહજ રીતે હરિગીતના સપ્તકલમાં આગળ ચાલે છે. કેમ કિંતુ અવાજ મારો લાગતો મુજને જ ખોટો મુખ થકી વાંચ્યે જતો, ને અર્થનો મારા જ મનમાં વળે ગોટો. ચાર સપ્તકલો પછી બીજી પંક્તિમાં લદાદાદાનું આવતું સપ્તકલ ‘ખોટો’ સાથે ‘ગોટો’નો પ્રાસ મેળવાવી - લદદાદામાં સરી ભાવને વાણીના સહજ લહેકાને ઉપસાવવામાં સફળ થાય છે. ગદ્યવળોટો માટે એમણે સંધિઓને ખંડિત કરી એમની પાસેથી ધાર્યું કામ લીધું છે. માર્ગમાં કંટક પડ્યા સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી તે દી નકી જન્મ ગાંધીબાપુનો સત્યનો અમોઘ મોંઘા જાદુનો. ‘ગાંધીજયંતી તે દિને’ - એ કાવ્યનો આ પરંપરિત હરિગીત દાલદાદા અને લદાદાદાના લયવળોટો સાથે સહજ પ્રાસરચનાથી અર્થને અભિવ્યક્ત કરવામાં પ્રભાવક બન્યો છે. ઉમાશંકરે હરિગીતની વિવિધ તરાહોને અસરકારકતાથી અજમાવી છે. ‘આઇન્સ્ટાઈન અને બુદ્ધ'માં – નિર્વાણ ચીંધ્યું બેઉએ નિર્વાણ? અંતરવાસનાનું શમન કે આ બાહ્ય જગલીલા સકલનું સંકલન? દાદાલદાનું આ પરંપરિત રૂપ ગદ્યની સમીપ જતું લાગે છે. ગદ્યઉચ્ચારણની વિવિધ ભંગિઓ અહીં હરિગીતમાં ચોસલામાં સહજ રીતે ગોઠવાઈને છંદનું નવું પરિણામ સિદ્ધ કરે છે. સપ્તકલ સંધિઓનાં આવાં પરંપરિત રૂપોને ઉમાશંકરે વિવિધ વાણીમરોડોમાં અનેક કાવ્યોમાં પ્રયોજ્યાં છે. આ પછી આપણે કવિ રાજેન્દ્ર શાહના પ્રયોગો જોઈએ. માત્રા-છંદને પરંપરિત રીતે પ્રયોજવામાં રાજેન્દ્રની પ્રવીણતા અનેક સ્થળે પ્રતીત થાય છે. અક્ષરમેળ ઉપજાતિ, સંખ્યામેળ મનહર અને આગળ જોયેલ માત્રામેળ ઝૂલણાનાં પરંપરિત રૂપોમાં એમણે સારી સિદ્ધિ મેળવી છે. ખાસ તો, સંવાદમાં એમણે કરેલા પરંપરિતના પ્રયોગો આપણે ત્યાં વિશેષ ધ્યાન ખેંચે છે. આ ધરિત્રી મેઘનાં આલિંગનોથી વિશ્લથ; વિશ્વની એકાન્ત કુંજે, એકલી જાણે રતિ વેગળી વાટે વહ્યો છે મન્મથ. દાલદાદાનાં આવર્તનોમાં પરંપરિત બની, પંક્તિ ખંડોના વિભાજન દ્વારા એક રમણીય દૃશ્યનાં બંને ચિત્રોને અહીં અંકિત કરે છે. સંવાદમાં વહેતા હરિગીતનો એક પ્રયોગ જોઈએ : પુ: એક કુલ એવું સખી જે કઠિન કિંતુ સ્વાદમાં... આસ્વાદને જે નિત્ય અદકેરું બની રે' મિષ્ટ ને... સ્ત્રી : ને? પુ: પ્રાશન થકી યે જે ન કિંચિત્ પણ બની રે' અલ્પ. અગાઉ તપાસેલ ઝૂલણામાં તેમ અહીં હરિગીતમાં પણ રાજેન્દ્ર સંવાદમાં પંક્તિ-ખંડોને દા બીજથી આરંભી દાદાલદાનાં વિસ્તૃત બીજ સુધી વિસ્તારીને સંવાદના વાણીલહેકાને બરાબર પ્રયોજે છે. માનવહૃદયના કોમલ ભાવોને આલેખવામાં તેમ ક્વચિત્ હળવાશભર્યા વાતાવરણને વિરૂપવામાં આ પંચકલો-તેમ સપ્તકલોની સંધિઓના પ્રયોગો રાજેન્દ્ર ઠીક ઠીક કર્યા છે. હવે જોઈએ કવિ નિરંજન ભગતના પ્રયોગો. નિરંજને પણ રાજેન્દ્રની જેમ છંદોને સંવાદક્ષમ બનાવ્યા છે. પરંતુ નિરંજનની વિશેષાતા વાતચીતની લઢણોને અત્યંત સબળતાથી એ વિવિધ કાકુઓ સાથે પરંપરિત છંદોમાં પ્રયોજવામાં રહેલી છે. માત્રિક છંદ હરિગીતને એમણે એક નવું પરિમાણ આપ્યું છે. ઉમાશંકરે છંદને ગદ્યની નજીક લઈ જવા માટે માત્રિક છંદોના વિશિષ્ટ પ્રયોગો કર્યા રાજેન્દ્ર એમને પરંપરિત રીતે વિકસાવવા સંવાદક્ષમ બનાવી સફળતા મેળવી. અને નિરંજને એ છંદોને બોલચાલની ભાષાના લયને બરાબર ઝીલી શકે એવા પાઠ્ય પદ્યવાહન તરીકે પળોટ્યા. મધ્યકાળના કવિએ માત્રામેળને દેશીઓમાં ગેયરૂપ આપ્યું, તો, અદ્યતન કવિઓ એમને બોલચાલના ગદ્યરૂપની નજીક લઈ આવ્યા. એક ગુરુને સ્થાને બે લઘુ મૂકી શકવાની સગવડને કારણે શબ્દના પર્યાયોનું ક્ષેત્ર વિસ્તર્યું સંસ્કૃત છંદોની પ્રત્યેક અક્ષર-સ્થાનની ચુસ્તીને બદલે માત્રામેળનું લવચીકપણું ગદ્યલઢણોને નિરૂપવામાં વિશેષ સહાયક બન્યું. એના નિયતસંખ્ય સંધિઓની પંક્તિને બદલે કાવ્યભાવને પોષક બનતી સંધિઓનો સંવાદ જળવાઈ રહે એ રીતે, વિભાજિત કર્યા અને પ્રવાહી બનાવ્યા. એટલે પંક્તિને અંતે આવતો પ્રાસ આ પરંપરિત માત્રામેળમાં રહ્યો નહિ, પણ ભાવ પ્રમાણે સંધિ-ખંડોના પ્રાસથી વાક્ભંગિઓ-વાણીલહેકાઓ અસરકારક રીતે ઉઠાવ પામ્યા. નિરંજને ‘કંટકોના પ્યાર’માં “રે આ ચીલા/શી સ્નિગ્ધ સુંદરની લીલા/જે દૂર ને બસ દૂર/અહીંની કંટકે ભરપૂર…” એમ દાદાલદા સંધિનાં પરંપરિત થતાં આવર્તનો, દૃઢ પ્રાસરચના મેળવતા જઈને આલેખ્યાં છે. કવિના સ્વભાવની દૃઢતા એમના પ્રાસોમાં અને પરંપરિત રૂપોમાં પ્રતીત થતી અનુભવાય છે. ‘૧૫ ઑગસ્ટ ૧૯૪૯' અને ‘૧૫ ઑગસ્ટ ૧૯૫૦’ એ બંને કાવ્યો એમણે પરંપરિત હરિગીતમાં જ લખ્યા છે. હે 'આર્ય'ની અપમાનિતા, તું ક્યાં જશે? તું માનવીનું સૃજન, તારું સ્થાન, મુક્તિ, સ્વર્ગમાં તો ના હશે! કારાગૃહોને કુંજ માની / છતાં છાની, ત્યાં રચી તવ પ્રેમની કેવી કથા / ત્યાં અશ્રુથી જેણે ચૂમી તવ ચરણપાની / જોઈને તેં આજ એની રાજધાની?
હું આમ તો ત્રેવીસનો છું પણ મુજ મહીં જે મુક્તજન એને અહીં જ્ન્મ્યે હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ. એક જ છંદના આ બે રૂપ છે. પહેલા કાવ્યનો શ્વાસભર્યો વેગ અને બીજાની ધીરે ધીરે આગળ વધતી ગતિ એના સંધિ-ખંડોના વિન્યાસમાં પ્રગટ થાય છે. પણ ‘જોઈને તેં આજ એની રાજધાની?'નો વાણી-લહેકો અને 'એવી કથા, કેવી?/ કહું? કે મુક્તિ તો માતા સમી, / ને માત તો દેવી… એમ’ એમ ધીરે ધીરે ગદ્યના મરોડોને ઉપસાવતું નિરૂપણ, છંદના કિનારાઓમાં વહેતું છતું, વાતચીતના લયને બરાબર પ્રગટ કરી રહે છે. કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ, ના ના, આટલો કઠતો ન’તો ઉકળાટ. શો મોટ્ટા અવાજે, એક સૂર રસહીન લાંબા કોઈ ભાષણના સમો દે ત્રાસ. પ્રથમ સંધિની બે માત્રા ખંડિત કરી લદાદા રૂપથી આરંભી પછી સળંગ દાલદાદાનાં આવર્તિત સંધિરૂપોમાં અને છેલ્લી પંક્તિમાં તો કકળાટનો કંટાળો વ્યક્ત કરવા એને છ સંધિરૂપો સુધી લંબાવીને અને ‘બારીબારણાં સૌ બંધ', ‘હું આંખો છતાંયે અંધ’- એમાં રોજબરોજની વાણીની અભિવ્યક્તિને અનાયાસે વણી લે છે. નિરંજને ‘પ્રવાલદ્વીપ'માં અને અન્યત્ર 'લદા’, 'દાલ’ - એ ત્રિકલ સંધિનાં આવર્તનોમાં પણ આવી જ સબળતા પ્રગટ કરી છે. પરંતુ એમનાં ‘પાત્રો’માં પરંપરિત હરિગીતનો થયેલો પ્રયોગ આપણે ત્યાં અપૂર્વ છે. …બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો! તમે બોલ્યા વિના રહેશો નહીં, તો જાઓ માનવમેદની મહીં 'દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલે ને લાખ ભાંડો! કવિની આંગળીના અભિનય સાથેના આ ઉદ્ગારો, એના રોષને બરાબર પ્રગટ કરતા જાય છે. હરિગીતની સપ્તકલ સંધિઓમાં એ સહજતાથી ઝિલાયા છે, અને આ છંદ છે એવો વહેમ સરખો ન પડે એટલા બધા ગદ્યની સમીપ છે. ‘ફેરિયો’માં- જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે? એટલે તો આ ભીંત પણ ક્યારેક તો મારી હવે ઈર્ષા કરે છે. ‘ભિખારી'માં - આ હાથ જે સામે ધર્યો એ હાથને ઘડનારનો પણ હાથ એના જેટલો લાચાર ને પામર ઠર્યો, ત્યાં કોણ કોને આપશે રે સાથ? કરશે કોણ કોની બંદગી? 'વેશ્યા'માં - 'સલામત છે તમારા મ્હેલની ભીંત મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે! અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી સદા જીવશે જ ધરતી પર, નજર સૌ નાખશે ને ત્યાં લગી તો એ જ ‘ફરતી’ પર.’ -આ સર્વ ઉક્તિઓમાં ગદ્યની નજીકના બોલચાલના લહેકા, વાણીની વિવિધ ભંગિઓ સાથે પ્રગટ થાય છે. ભાગ્યે જ એમાં તત્સમ શબ્દો પ્રયોજાયા છે. તદ્ભવ શબ્દોમાં કવિ આસાનીથી કટાક્ષની વેધકતા લાવે છે, દંભ પર પ્રહારો કરે છે, રોષ પ્રગટ કરે છે અને વાણીના વેગીલા પ્રવાહમાં, કાકુઓને ઉઠાવ આપતા જઈ, અર્થવ્યંજકતા સિદ્ધ કરે છે. ‘બસ ચૂપ રહો’, ‘આંધળા રહેશો નહીં', 'લાગણી? લટકાં કહો’, ‘છૂરી સમી ભોંકાય ના’ - જેવા અનેક પંક્તિખંડોમાં નિરંજનનો કવિમિજાજ વૈધકતાથી ઉઠાવ પામ્યો છે. લઘુ-ગુરુસ્થાનની નિશ્ચિતતા ન હોવાથી યથેચ્છલઘુગુરુ રૂપોમાં એક સંધિ બીજી સંધિમાં સહજતાથી ભળતો-આગળ ધપતો-વેગપૂર્વક વહેતો કથનને ધારદાર બનાવે છે. આ માત્રામેળી પ્રવાહમાં તળપદા-તદ્ભવ શબ્દોના અનેક પર્યાયો સંધિની લવચીકતાને કારણે કવિ ઉપયોગમાં લઈ શકે છે. બોલચાલની ભાષાનો લય અહીં જીવંત લાગે છે. કહો કે, ધ્વનિમયતાની દૃષ્ટિએ પણ બોલચાલની ભાષાના લયનું અવલંબન અહીં આવશ્યક બને છે. ‘પાત્રો'માં જ નહિ, અન્ય લઘુક ઊર્મિકાવ્યોમાં પણ નિરંજને આ બોલચાલનો લય હરિગીતની સપ્તકલ સંધિઓમાં આટલી જ આસાનીથી સિદ્ધ કર્યો છે. લાવો તમારો હાથ મેળવીએ (કહું છું હાથ લંબાવી) કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું યે- ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે… શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના.
(*)
ઘર તમે કોને કહો છો? જ્યાં, ટપાલી પત્ર લાવે. શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે; જેનું બધાને ઠામઠેકાણું આપી શકો તેને તમે શું ઘર કહો છો? પહેલા ઉદાહરણમાં દાદાલદા અને બીજામાં દાલદાદાનાં આવર્તનો છે. નિરંજન છંદને સરળતાથી ગદ્યના સીમાડે લઈ આવે છે અને વાણીના કૌવકને પ્રગટ કરે છે. કાવ્યનાટક માટે કદાચ નિરંજને પળોટેલો છંદ જ આપણને નવી સિદ્ધિઓ તરફ દોરી જનાર બને. આપણે ત્યાં કવિઓએ પણ હરિગીતની આ લવચીકતાનો પૂરો કસ કાઢ્યો છે. શ્રી હસમુખ પાઠકનું ‘રાજઘાટ' પરનું મુક્તક- ‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન'તો.’ તેમજ ‘કોઈને કંઈ પૂછવું છે’ જેવું સબળ કાવ્ય આ જ છંદની લવચીકતાને ગૌરવભરી રીતે પ્રગટ કરે છે. કવિશ્રી હસમુખ પાઠકનું 'સાંજ' કાવ્ય વાંચો : નમેલી સાંજનો તડકો અહીં ચડતો, પણે પડતો, ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ અડવડતો. અહીં અર્થને અનુસરતા પંક્તિખંડોમાં લયની યોજનાનું મનહર રૂપ પ્રગટે છે અને સૂર્યને ચડતો-પડતો-ઠેસ ખાઈને અડવડતો આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે. પ્રિયકાન્ત મણિયારનું ‘ખીલા' કાવ્ય - રે મકાનો બાંધવાને મેં ઘડ્યા તે ખીલા તો અહીં જડ્યા! કે નલીન રાવળનું ‘એક નામેરી વૃદ્ધને મળતાં’- ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર. કે માધવ રામાનુજનું મુક્તક - એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં. હરિગીતની સપ્તકલ સંધિની પૃથુલતા ભાવની સબળ અભિવ્યક્તિ માટે કેવી કામયાબ નીવડે છે એનાં દૃષ્ટાંતો છે. હસમુખ પાઠકે પણ નિરંજનની જેમ ‘પૃથુલોક’માંની ઉક્તિઓમાં હરિગીતનો બોલચાલની વાણીના લહેકામાં પ્રયોગ કરેલો છે. કૂતરાની ઉક્તિ જુઓ - તમારા બંગલાની બહાર, ત્રણથી ચાર ફૂટ છેટો ખસી આ દૂબળો ને પાંગળો કૂતરો ભસે, સામે તમારા બંગલાના કોટના સૌ કાંકરા ખડખડ હસે, ઓ દયાળું, એક બટકું ફેંકજો એને અહીંથી ટાળવા. છંદની વિવિધ વાણીલઢણોનો અચ્છો પરિચય આપે છે. હરિગીતનાં ઉદાહરણો દર્શાવે છે કે નર્મદ-દલપતના ચાર સપ્તકલ સંધિઓવાળા હરિગીતે નરસિંહરાવ-ન્હાનાલાલ-સુન્દરમ્-ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-હસમુખ વ. કવિઓમાં પળોટાઈ પળોટાઈને પરંપરિત રૂપમાં બોલચાલની ભાષાલઢણો ઝીલીને પાઠ્ય પદ્યવાહનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરી છે. માત્રિક છંદોની આ વિવિધ ચાલ, એના ખંડિત થઈ અખંડિત રહેતા સંધિઓ અને એમની ભાવને અનુરૂપ ગોઠવણી, એના લવચીક સંધિઓને સ્વાભાવિકતાની સમીપ લઈ જવાનું કવિકૌશલ, આવર્તનાત્મક સંધિઓની એકવિધતામાં લયની ઇબારત જાળવીને, સંધિઓને આઘાપાછા કરી વૈવિધ્યપૂર્ણ લયવર્તુળો દ્વારા ભાવને લચક આપવાની ક્ષમતા, નાના-મોટા સંધિખંડોને પ્રાસથી દૃઢ બધ કરી શકવાનો કસબ, એ સંસ્કૃત વૃત્તોની ચુક્ત શિસ્તને બદલે વાણીના આરોહ-અવરોહાત્મક પ્રયોગોના વૈવિધ્યનું વિશાળ ક્ષેત્ર પૂરું પાડે છે. આજે અછાંદસની સાથે સંસ્કૃત વૃતો, વર્ણમેળ છંદો અને માત્રા-છંદોનો પણ ઉપયોગ થાય છે. અદ્યતન કવિઓ ચારે કુળોના છંદોની લયઈબારતમાં, નવનવીન પ્રયોગો કરે છે. ગુજરાતી કવિતામાં સંસ્કૃત વૃત્તો પછી માત્રિક છંદો તરફથી થયેલી ગતિ સૂચક છે. એ માત્રિક છંદોને કવિઓએ પરંપરિત બનાવ્યા. પ્રાસ છોડ્યા. પોતાની સૂક્ષ્મ આંતર જરૂરિયાતને વશ વર્તીને પંક્તિઓ તોડી; ભાવાનુસારી અર્થાનુવર્તી પંક્તિખંડોમાં બોલચાલની ભાષાની સમીપતા સિદ્ધ કરવા એને નવો મરોડ આપ્યો અને કાવ્યભાષા અર્થે એનો મેળ રચ્યો. આ રીતે, માત્રામેળના પરંપરિત રૂપનો કાવ્યભાષી સાથે સંવાદ રચાતાં અભિવ્યક્તિની નવી નવી ભાતભાતની તરેહો નીપજી આવી. છંદનું આ મુક્ત પરંપરિત રૂપ કાવ્યભાષાની લવચીકતામાં સહાયક બન્યું. ગુજરાતી કવિતાક્ષેત્રે આ એક નવતર પ્રસ્થાનબિન્દુ બન્યું. સંભવ છે કે ગુજરાતી ભાષાને માત્રિક છંદોના હજી વિશેષ વૈવિધ્યવંતા પ્રયોગો વધુ અનુકૂળ આવે. નિરંજને માત્રિક છંદોની કરેલી કાયાપલટ એના ઊજળા ભવિષ્યનું સૂચન કરે છે.
*
('અધીત : બાર')