અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/દીર્ઘકાવ્ય : થોડું ટાંચણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫. દીર્ઘકાવ્ય: થોડું ટાંચણ

ધીરુ પરીખ


અંગ્રેજીમાં થતાં ‘Long Poem' કે 'Longer Poem' જેવા પ્રયોગના ગુજરાતી પર્યાયરૂપે દીર્ઘકાવ્ય સંજ્ઞા પ્રચારમાં આવી છે. આમ તો આપણે ત્યાં 'રાસા', 'ફાગુ', 'બારમાસા', 'આખ્યાન’ જેવી દીર્ઘરચનાઓ રચાતી હતી. પરન્તુ એમનાં વ્યાવર્તક લક્ષણોને કારણે એ સહુને અલગ અલગ સંજ્ઞાથી ઓળખાવવામાં આવતી હતી. એ દીર્ઘકાવ્યરચનાઓ પોતાની આગવી લાક્ષણિકતાઓને કારણે સ્વતંત્ર કાવ્યરૂપની સંજ્ઞા પામી હતી. આથી આજે આપણે જેને માટે દીર્ઘકાવ્ય શબ્દપ્રયોગ કરીએ છીએ તેવી રચનાઓ મધ્યકાલમાં નહોતી. આમ, દીર્ઘકાવ્ય અર્વાચીન કાવ્યસંજ્ઞા છે. હા, એ કાવ્યસંજ્ઞા છે, પણ કાવ્યસ્વરૂપસંજ્ઞા નથી. આમ હોવાથી દીર્ઘકાવ્યનાં સ્વરૂપગત લક્ષણો નિશ્ચિત નથી, નિશ્ચિત હોઈ શકે નહિ, તો પ્રશ્ન થાય કે દીર્ઘકાવ્યસંજ્ઞા કેવા પ્રકારના કાવ્ય માટે વાપરવી? આનો ઉત્તર વ્યાખ્યાત્મક નહિ, પણ વર્ણનાત્મક હોઈ શકે, કારણ કે દીર્ઘકાવ્ય કોઈ સાહિત્ય સ્વરૂપલક્ષી સંજ્ઞા નથી. આપણે ત્યાં ટૂંકાં ઊર્મિકાવ્યોથી લાંબા કદનાં ખંડકાવ્ય, કરુણપ્રશસ્તિ, આદિ પ્રકારો નિશ્ચિત છે. આથી જે લાંબી કાવ્યરચનાઓ ખંડકાવ્ય, કરુણપ્રશિસ્ત જેવા ચોક્કસ કાવ્યપ્રકારોમાં ના આવતી હોય તેને માટે દીર્ઘકાવ્ય સંજ્ઞા વાપરવાનો ચાલ છે. બળવન્તરાય ઠાકોરે ટૂંકાં ઊર્મિકોથી લાંબાં અને અતિ પ્રસ્તારી રચનાઓથી ટૂંકાં કાવ્યો માટે મધ્યમ કદનાં કાવ્યો-સંજ્ઞા વાપરી છે. એમણે પોતાનાં 'આરોહણ’, ‘ખેતી' આદિ કાવ્યોને આવાં મધ્યમ કદનાં કાવ્યો કહ્યાં છે. જ્યારે ઠાકોર મધ્યમ કદનાં કાવ્યો કહે છે ત્યારે એથી લાંબાં કાવ્યો માટે દીર્ઘકાવ્ય શબ્દ પ્રયોજવાનું એમના મનમાં ગર્ભિત સૂચન હોવાનું કલ્પી શકાય. આ રીતે દીર્ઘકાવ્ય સંજ્ઞા વાસ્તવમાં તો કાવ્યરચનાની સ્થૂળ લંબાઈને પ્રથમ તો નિર્દેશે છે. આપણે કદાચ ઠાકોરે જેને મધ્યમ કદનાં કાવ્યો કહ્યાં છે તેને પણ આ દીર્ઘકાવ્યના વર્ગમાં જ મૂકી શકીએ. આવાં કાવ્યોમાં એની દીર્ઘતાના નિર્વહણ માટે કોઈ કથા-ઘટનાનું નિરૂપણ આવશ્યક બને છે. વળી વચ્ચે વચ્ચે આ કારણે એમાં વર્ણનો પણ આવી જાય. કથા હોય એટલે પાત્રો-પ્રસંગો આવે; અને પાત્રો-પ્રસંગો હોય એટલે એમાં નાટ્યાત્મક અંશો પણ આવે. ઊર્મિનાં આલેખનો, ભાવપલટાઓ અને તદ્નુસાર પલટાતી ભાષાભંગિ પણ દીર્ઘકાવ્યમાં સ્થાન પામે છે. આ ઉપરાંત કવિને અભિપ્રેત કોઈ વિચારલક્ષ્ય એમાં પક્વ થતું આવતું હોય છે. આવું હોય ત્યાં એ ચિંતનપ્રધાન ઊર્મિકાવ્યકલ્પ રચના બનવા પામે છે. આ બધું દીર્ઘકાવ્યમાં સાથે જ આવે એ અનિવાર્ય જણાયું નથી. પરંતુ દીર્ઘકાવ્ય આખાના યથોચિત અંશો - કવિ કાવ્યની જરૂરિયાત પ્રમાણે ઔચિત્યથી અપનાવે તે અંશો - જોવા મળતા હોય છે. જો કવિ સભાન કલાકાર અને સમર્થ પ્રતિભાવંત ના હોય તો દીર્ઘકાવ્યનું પોત કથળી ગયાનાં ઉદાહરણો પણ મળી આવે છે. કાવ્યની આ દીર્ઘતા, આથી, એક રીતે કવિ પ્રતિભાની કસોટી બની જાય છે.

*

ગુજરાતી સાહિત્યનો વિચાર કરીશું તો દીર્ઘકાવ્ય રચવાની પ્રવૃત્તિ અર્વાચીન કાળના આરંભથી જ જોવા મળે છે. દલપતરામે 'બાપાની પીંપર' અને 'વેનચરિત્ર' જેવી દીર્ઘકાવ્યરચનાઓ આપી છે. આ સિવાય એમનું નોંધપાત્ર દીર્ઘકાવ્ય છે ‘હુન્નરખાનની ચઢાઈ’. ‘બાપાની પીંપર'માં ઊર્મિના આલેખન સાથે વર્ણનાત્મકતા સારી પેઠે ભળેલી છે. ‘વેનચરિત્ર' તો મધ્યકાલીન આખ્યાનની ઢબે રચવા ધારેલું પણ સમસામયિક સમાજસુધારાના વિષયને લક્ષતું વર્ણનકથનમૂલક કાવ્ય બની રહ્યું છે. જ્યારે ‘હુન્નરખાનની ચઢાઈ'માં દલપતરામનું હુન્નરો અને તેના આગમનથી ભારતીય સમાજના ભાવિનું સામાન્ય ચિંતન વ્યક્ત થયેલું છે. આ બધાંમાં દીર્ઘતા વિશેષ છે અને કવિતા અલ્પ છે. નર્મદે 'હિંદુઓની પડતી’ જેવું તત્કાલીન સામાજિક સ્થિતિની વિચારણા કરતું ૧૫૦૦ જેટલી પંક્તિઓનું ચિંતનાત્મક દીર્ઘકાવ્ય આપ્યું છે, જેમાં એની ભાષાની અણઘડતા અને કાવ્યગૂંથણીની કચાશ ખટક્યા વગર રહેતાં નથી. પંડિતયુગમાં પણ આપણને કેટલાંક દીર્ઘકાવ્યો મળે છે. દોલતરામનું ‘ઇન્દ્રિજિતવદ્’ (૧૮૮૭), ભીમરાવ ભોળાનાથ દિવેટિયાનું ‘પૃથુરાજરાસા’ (૧૮૯૭), ન્હાનાલાલનું ‘વસંતોત્સવ' (૧૮૯૮) બળવન્તરાય ઠાકોરનું ‘આરોહણ' (૧૯૧૭) વગેરે દીર્ઘકાવ્યો મળી આવે છે. દોલતરામના કાવ્યમાં પૌરાણિક વિષયવસ્તુને સુપેરે મૂકી અપાયું છે, છંદ અને બાનીની સુઘડતા એમાં જોવા મળે છે. તથા કેટલાંક વીરરસપોષક વર્ણનો ધ્યાનપાત્ર છે. ભીમરાવના કાવ્ય 'પૃથુરાજ રાસા'માં ઐતિહાસિક પ્રસંગોને અર્થઘન અને તત્સમ પ્રોઢિવાળી શૈલીથી આબાદ રીતે નિરૂપવામાં આવ્યા છે. ન્હાનાલાલનું ‘વસંતોત્સવ’ એક સીમાચિહ્નરૂપ દીર્ઘકાવ્ય છે. પ્રથમ તો એમણે એમાં છંદમુક્તિનો પ્રયોગ કર્યો છે એ રીતે એ એક સીમાચિહ્ન છે. વળી, આમાં પૌરાણિક કે ઐતિહાસિક નહિ, પણ કાલ્પનિક કથાવસ્તુ લઈ પોતાની ભાવનાસૃષ્ટિનું ઊર્મિરસ્યું ચારુ નિરૂપણ ન્હાનાલાલે પ્રથમ વાર આપ્યું એ રીતે પણ એ સીમાચિહ્નરૂપ કાવ્ય બને છે. એમનો વાગ્વૈભવ અને વાગાડંબર બન્નેની પ્રતીતિ આ કાવ્ય કરાવી આપે છે. બળવન્તરાયનું 'આરોહણ' એક રીતે સાચી દિશાનું દીર્ઘકાવ્ય બને છે. નિરૂપણની સઘનતા અને કાવ્યતત્ત્વની સિદ્ધિની ખેવના અહીં ધ્યાનાર્હ બને છે. આ દીર્ઘકાવ્ય ચિંતનોર્મિકાવ્ય બને છે. બળવન્તરાયની શૈલીછટા અને છંદો સામર્થ્ય અહીં અચ્છી રીતે પ્રકટવા પામ્યાં છે. ગાંધીયુગમાં પણ દીર્ઘકાવ્યની પરંપરા જળવાયેલી જોવા મળે છે. સુન્દરમનું 'લોકલીલા', ઉમાશંકરના ‘વિશ્વશાંતિ' અને ‘વિરાટપ્રણય’, સ્નેહરશ્મિનું ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું', 'પતીલ’નું ‘વાસવકલેશ પરિહાર', 'સ્વપ્નસ્થ'નું 'ધરતી’ આદિ રચનાઓ ઉલ્લેખપાત્ર બને છે. આ યુગનાં દીર્ઘકાવ્યોમાં ગાંધીગંધી વિચાર અને ગાંધીદીધી શૈલી પ્રાધાન્ય ભોગવે છે. ‘વિશ્વશાંતિ’ જેવા, કવિએ જેને 'ખંડકાવ્ય' કહ્યું છે તે કાવ્યમાં ઊંચા પ્રકારની આદર્શપ્રિયતા વ્યક્ત થઈ છે તેટલી ઊંચા પ્રકારની કવિતા સિદ્ધ થઈ શકી નથી. આદર્શલક્ષી વિચારભાવનું આ કાવ્ય મુખર પદ્યસ્વરૂપ છે. આ સિવાય પણ બળવન્તરાય જેને મધ્યમ કદનાં કાવ્યો કહે છે તેવાં કાવ્યો સુન્દરમ્, ઉમાશંકર, સ્નેહરશ્મિ, મનસુખલાલ આદિમાં મળી આવે છે. એકંદરે આ ગાળાનાં દીર્ઘકાવ્યો રચનાશિલ્પની દૃષ્ટિએ વધુ સફળ રહ્યાં છે.

*

('અધીત : દશ')