અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો
ડૉ. હસુ યાજ્ઞિક
ગુજરાતી ભાષાસાહિત્યના શિક્ષણમાં સામાન્ય રીતે સમાવેશ થતો હોય છે તેવી સર્જનકૃતિઓ મુખ્યત્વે સ્વરૂપ દૃષ્ટિએ બે પ્રકારની હોય છે. ગદ્ય અને પદ્યની કૃતિઓમાં, તે તે કૃતિ નિમિત્તે કેટલેક અંશે કર્તાનો અને વિશેષરૂપે સ્વરૂપનો અભ્યાસ અપેક્ષિત હોય છે. આ સ્વરૂપોમાં નવલકથા, ટૂંકી વાર્તા નાટક કે એકાંકી તથા પદ-ભજન-છપ્પા-રાસ-પદ્યકથા-આખ્યાન, ખંડકાવ્ય, સૉનેટ ઇત્યાદિનું શિક્ષણ ભાષાનો અધ્યાપક કૃતિઅધ્યયન નિમિત્તે આપતો હોય છે. આ વિવિધ સ્વરૂપોમાં મુખ્ય બે પ્રકાર છે: પહેલો પ્રકાર પરંપરાગત રીતે જ આપણી ભાષામાં જ જન્મેલાં અને વિકાસ પામેલા સ્વરૂપોનો છે અને બીજો પ્રકાર પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કપરિચય પછી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ પામી ખેડાયો છે. આથી પદ-ભજન, છપ્પા, ચોપાઈ, બારમાસી, રાસ, આખ્યાન, પટકથા, ચરિત, સંવાદકાવ્ય વગેરે આપણાં નિજી સાહિત્યસ્વરૂપો છે. પરંપરાગત છે. ટૂંકી વાર્તા, નવલકથા, કેટલેક અંશે એકાંકી, સૉનેટ, કરુણપ્રશસ્તિ વગેરે આગંતુક સ્વરૂપો છે. આપણે આજના પ્રવર્તિત સ્વરૂપોનો જ વિચાર કરીએ તો જે આપણાં પરંપરાગત સ્વરૂપો છે તે આપણો ભૂતકાળ બની ચૂક્યો છે અને જે પાશ્ચાત્યના સંપર્કપરિચયે આપણા સાહિત્યમાં પ્રવેશ્યા તે મોટા ભાગનાં આગન્તુક સ્વરૂપો જ આપણાં આજના સ્વરૂપોનાં સર્જકના હાથે ખેડાતાં સ્વરૂપો છે. આપણો આજનો ગદ્યલેખક જૂની પરંપરાનાં ટૂંકાં, મધ્યમ કદનાં કે મોટાં કથાનકો, કથાકોષો કે કાદંબરીકથાની શૈલીએ-રીતિએ લખતો નથી પરંતુ ટૂંકી વાર્તા, નવલકથા જેવા આધુનિક સ્વરૂપને જ હાથમાં લે છે. એ રીતે કવિતામાં ઊર્મિકાવ્ય, ઋતુકાવ્ય કે પ્રબંધકાવ્ય પ્રકારના ખંડકાવ્યાદિમાં આજનો કવિ ક્વચિત્ કાવ્ય રચે છે, ગીતમાં પરંપરાની કેડીમાં ક્યાંક ચીલા પર, ક્યાંક વિષય-નિરૂપણ પરત્વે ચીલો ચાતરીને કાવ્યસર્જન કરે છે. પરંતુ ઇયત્તાની દૃષ્ટિએ તો સૉનેટ અને ગઝલ જ વિશેષ અજમાવવામાં આવતાં હોય છે. આથી રાસ, પ્રબંધ કે આખ્યાન જેવા કાવ્યની પરંપરા સંપૂર્ણ કે છેવટે ‘લગભગ’ લુપ્ત છે, એમ કહી શકાય. ધીરુભાઈ પરીખ અને વિનોદ જોશીની જેમ કેટલાક આજના કવિઓએ જૂનાં પરંપરાગત સ્વરૂપોની ધાટીએ કેટલીક રચનાઓ કરી છે. તેથી જ ‘લગભગ’ વાપરવું રહ્યું, છતાં, એવા પ્રયોગો પણ તે પરંપરાના સ્વરૂપસન્નિષ્ઠ ગંભીર પ્રયોગો નથી, પરંતુ આધુનિક કોઈ વિષયવિભાવ માટે નિમિત્તભુત હોય છે. આથી મધ્યકાલનાં જે સાહિત્યસ્વરૂપો છે તે માત્ર સાહિત્યનો ભૂતકાળ છે. વર્તમાન સાથે એનો અનુબંધ નથી. આથી જ તો પહેલો અધ્યયનનો પ્રશ્ન એ ઊભો થાય છે કે આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સામ્પ્રતનું સાતત્ય નથી. આધુનિક સ્વરૂપની કોઈ રચનાની પરિસ્થિતિ આથી જુદી છે. ઉ. ત. કોઈ ગઝલ, ગીત કે સૉનેટની કૃતિ વિદ્યાર્થીને શીખવવાની હોય છે ત્યારે વિદ્યાર્થીએ એ પ્રકારની રચનાઓનો અભ્યાસ પહેલાં સામયિકમાં, કવિસભામાં, પૂર્વ અભ્યાસમાં સાહજિક કેટલોક પરિચય કરેલો હોય છે. એનું સાતત્ય હોય છે. આવું આખ્યાન જેવી કૃતિ શીખવતી વખતે શીખનારને પરિચય હોય એવું બનતું નથી. વળી જેમ આખ્યાન આપણી પરંપરામાં, સાહિત્યપરંપરામાં વર્તમાન સાથેનો અનુબંધ જાળવી શક્યું નથી તેમ આપણા જીવન સાથે પણ હવે, અધુનાકાળે કોઈ અનુબંધ શેષ રહ્યો નથી. વનમાં પ્રવેશેલી આજની આપણી અધ્યાપકોની પેઢી જ્યારે પોતે જ વિદ્યાર્થી તરીકે ભણતી હતી અને બે-અઢી દશકા પહેલાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે હજુ આખ્યાન કસ્બામાં, નગરોમાં કે ગામડામાં હજુ વંચાતું હતું. ચૈત્ર માસમાં ગામના ચોરે કે ચોકમાં ત્યારે હજુ ઓખાહરણ જેવી આખ્યાનની રચનાઓ વંચાતી હતી. ભાગવત્ અને રામકથાની, તેના મૂળભૂત કથાઅંશોની વાચનાઓ થતી હતી. આથી ત્યારે આખ્યાનમાં આવતા વિષયો અને તેની ગેય ઢાળો ભણાવનાર-ભણનાર માટે એટલાં અપરિચિત નહોતાં જેટલાં આજે છે. આથી જ્યારે આખ્યાન ભણાવવાનું થાય છે ત્યારે પહેલી મુશ્કેલી અધ્યાપનમાં આ બે અભાવ કે અપૂર્ણાતાની છે. આખ્યાન અંતે તો આપણી પૌરાણિક કથાઓનો કોઈ એક ખંડ હોય છે. અંશ હોય છે. આપણી સંસ્કૃતિના સમગ્ર આલ્બમની છબીઓમાંથી જુદી પાડેલી એકાદ છબી છે. બીજી રીતે કહીએ, વિશાદ શિલ્પસમૃદ્ધિ મહાલયના ગવાક્ષ જેવો એક અંશ છે. એને એનું ખુદનું તો સૌન્દર્ય હોય જ છે, પરંતુ એની ભવ્યતા તો એ પેલા એના સમગ્રના અંશના સહકારે છે. આથી જો એ સમગ્રનો પરિચય ન હોય, એની પાર્શ્વભૂની જરૂરી ઝાંખી ભણાવનાર-ભણનારને ન હોય તો ક્યારેક એના સૌન્દર્યને પામવામાં જ ઊણા ઊતરીએ એવું બને છે, એ ક્યાં છે, શાથી છે એ જાણવાનું એ પછી જ આવે છે. પામીએ જ નહીં પછી જાણીએ કેવી રીતે? જણાવીએ કેવી રીતે? અહીં માત્ર 'નળાખ્યાન'નું દૃષ્ટાંત લો. પાંડવોના બધા જ દાવ હેઠા પડ્યા છે, આપત્તિઓનો કોઈ આરોવારો નથી ત્યારે આવતું કથાનક છે. એમાં અણધારી, પાત્રોના ખુદના કશાય દોષ કે પાપ વગર આવી પડતી આપત્તિમાંથી જન્મતી વિપત્તિની કથા છે. પરંતુ એમાંથી પણ અંતે તો મુક્તિ મળે છે. જીવનમાં સ્થિરતા અને શાંતિ મળે છે. અનેક આપત્તિઓ વચ્ચે ઘેરાયેલા પાંડવોને પણ આશાનું કિરણ મળે, હિમ્મત મળે, સુખનો સૂરજ તો અંતે ઊગવાનો જ છે એવી શ્રદ્ધા દૃઢ થાય એવું આ કથાનક છે. આપણે ગદ્યપદ્યસંગ્રહમાં કોઈ નવલકથાનું પ્રકરણ પસંદ કરીને મૂકીએ છીએ એવું જ કંઈક આખ્યાનનું છે. પન્નાલાલની ભવ્ય કૃતિ 'માનવીની ભવાઈ'માં ‘ભૂખી ભૂતાવળ' ઉત્તમ ચોટદાર પ્રકરણ છે. પરંતુ છૂટક, ગદ્ય અને નવલકથાના અંશરૂપે ભણાવીએ ત્યારે સમગ્ર કૃતિથી અધ્યાપક પરિચિત નહીં, પરિપ્લાવિત હોય છે. અને વિદ્યાર્થીને એનો યત્કિંચિત પરિચય એ કરાવે છે. કોઈ વિશાળ ચિત્રમાંથી કોઈ એક વ્યક્તિનું ચિત્ર જુદું લઈએ તો એનું જુદાપણાનું આગવું સૌન્દર્ય એમાં આવે પણ એની સમગ્રતાનું જે સૌન્દર્ય છે તે તો એના પાશ્ચમાં રહેલાં દૃશ્યોના સહકાર અને સમાહારમાં હોય છે. આજની પેઢીની આપણા સાંસ્કૃતિક વૈભવ-વારસાનો પરિચય ઓછો કે નહિવત્ છે. રામાયણ અને મહાભારત આપણો સાહિત્યનો, સંસ્કૃતિનો વૈભવ છે. ભવ્ય વારસો છે. અધ્યાપકને એનો પૂરો પરિચય ન હોય તો ‘આખ્યાન’ને ન્યાય આપી ન શકે. બીજી મુશ્કેલી ગેય ઢાળની અપરિચિતતાથી ઊભી થાય છે. ખાસ લક્ષમાં લેવાની વાત એ છે કે આજની કોઈ પણ કવિતા તેના છપાયેલા રૂપમાં પૂર્ણરૂપ ગણાય. પરંતુ પ્રેમાનંદનું આખ્યાન, છાપેલી કૃતિ તરીકે પૂર્ણ નથી. માત્ર છાપેલી, લખાયેલી આખ્યાન રચના રંગભરીને પૂર્ણ કરવા ધારેલા ચિત્રની ચિત્રકારે માત્ર આઉટલાઈન દોરેલી હોય એવાં ચિત્ર જેવી છે. ભજવણી માટેના નાટકની સ્ક્રિપ્ટની જેમ જ! આખ્યાન ગેય રચના છે. કવિતા ગેય નથી એ ઠાકોરશાઈ વિભાવના આધુનિક રચનાઓ માટે સાચી છે. આપણી પૂર્વપરંપરિત રચનાઓનું તો એ અર્ધ-અંગ છે. માત્ર પાઠ પૂરતો નથી. આપણા પ્રજાજીવન સાથે પરંપરાગત રીતે જ રચનાઓ સંકળાયેલી છે અને માનવજીવન ચક્ર કે ઋતુચક્ર સાથે તે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી છે. તે રચનાઓનો સાહિત્યની રચના તરીકે અભ્યાસ કરીએ ત્યારે એના સંગીત અને નૃત્ય સાથેના સાહજિક અવિયુક્ત સમ્બન્ધને ભૂલી જઈને માત્ર શબ્દરૂપ રચનાઓ જ ધ્યાનમાં લઈએ તો એ અભ્યાસ માત્ર અંશરૂપ જ બની જાય છે. રાજસ્થાન-ગુજરાતનો વિચાર કરીએ તો હાલરગીત (હાલરડાં), ખાયણાં, ઘુમ્મર, લગ્નગીત, હોરી, પ્રભાતિયાં વગેરેની રચનાઓ શબ્દરૂપમાં સાહિત્યરચનાઓ કરે છે, પરંતુ એ તો માત્ર પાઠ કરવામાં આવે અને ચિત્તમાં એ સાથે સંકળાયેલા ઢાળનો સંસ્કાર જો પડેલો ન હોય તો એ રચનાઓ ક્યારેક ગદ્યાળુ ને ક્યારેક શબ્દાળુ પણ લાગે. ‘હો નળ આવ્યો રે' માત્ર લયથી બોલાતા પદ્યના રૂપમાં પૂર્ણ નથી. વીરને જગાડે, રૂંવાડે રૂંવાડું ઊભું કરે એવો મહાકાળીનો ગરબો કે ધનુષ્યધારીનો ગરબો માત્ર શબ્દસ્ય લયરૂપે ખાસ ‘ધનુષ્યધારીનું ધ્યાન ધરો જો’ અસર વગરનું અને રોમાંચહીન લાગશે. એના પ્રત્યેક 'ધ' પર જે વજન છે, ધ્રુજારો છે તે તેના ગેયરૂપની જાણકારી વગર અનુભવવી જ ન શકાય. ભાષા પણ લિખિતરૂપમાં, કાનના પરિચય વગર પૂર્ણ ક્યારેય નથી જામનગર અને જામન ગર જેમ! ત્રીજી મુશ્કેલી અપરિચિત શબ્દો અને તેનો સામાજિક તથા અન્ય સંદર્ભમાં પણ છે. ભાષાનો નવી પેઢીનો અધ્યાપક વ્યુત્પત્તિ અને ભાષાવિજ્ઞાનથી પરિચિત હોય તોપણ કેટલેક સ્થળે, આગળના વિદ્વાનોના શ્રદ્ધેય સંપાદનનો અને શબ્દાર્થ તથા નોંધ-ટિપ્પણની સહાય છતાં સમજવામાં-સમજાવામાં મુશ્કેલી અનુભવે એવો સંભવ છે. ‘ખાતર પર દીવેલ'નો અર્થ કદાચ સમજી શકાય પણ વીજળી પણ નહોતી અને કેરોસીન પણ નહોતું અને દીવો, રાતના સામાન્ય વપરાશ માટે, દિવેલિયા તેલનો કરવામાં આવતો હતો અને વધારે તેલ ન બળે તેની પૂરેપૂરી કાળજી લેવાનો જમાનો હતો ત્યારે કોઈ ઘરની વસ્તુ તો ચોરી જાય પણ એ ચોરી કરવા માટે ઘરધણીનો જ દીવો સળગાવી દિવેલનો પણ રેહ દેતો જાય, એ માત્ર શબ્દાર્થે કેમ સમજાય? એક શબ્દ અને તેના વપરાશની પાછળ પણ કેટકેટલું છુપાયેલું છે? અખ્ખાના છપ્પાના શબ્દો સંદર્ભે આપણે ત્યાં ઊહાપોહ થયો તે આ બાબત વધારે સ્પષ્ટ કરે છે. આ થઈ આખ્યાનના કથાનક અને તેના Performanceમાંથી ઊઠતા અધ્યયનના પ્રશ્નોની મુશ્કેલીઓની વાત. આવી જ મહત્ત્વની મારી દૃષ્ટિએ છે એના મૂલ્યાંકનના દૃષ્ટિબિન્દુની વાત. સાહિત્યમાં અને જીવનના વિવિધ અંગોમાં આપણે પશ્ચિમ પાસેથી ઘણું લીધું. આપણી આધુનિકતા અને વિકાસની દૃષ્ટિએ એ મહત્ત્વનું પણ છે જ. અનિવાર્ય પણ એટલું જ. પરંતુ પશ્ચિમના પરિચયથી આપણી જે સાહિત્યદૃષ્ટિ ઘડાઈ કે આપણે ચાહીને ઘડી, એના એક જ માપથી આપણું પરંપરાનું છે તેને પણ માપવા જતાં ક્યાંક પાયાની ચૂક થતી હોય એવું લાગે છે. ટૂંકી વાર્તા, નવલકથા, એકાંકી ઇત્યાદિને તોલવા આપણે પાશ્ચાત્ય વિભાવનાઓ કામે લગાડીએ ત્યાં સુધી તો કંઈ ખોટું નથી, પરંતુ આખ્યાન અને પદ્યકથા માટે પણ વિષયવસ્તુ, સંકલન, પાત્રાલેખન, સમાજદર્શન વગેરેની દૃષ્ટિએ પૃથક્કરણાત્મક અભ્યાસ કરવા લાગીએ છીએ ત્યારે પ્લૉટ, થીમ, કેરેક્ટર ઇત્યાદિ માટેની જે આધુનિક વિભાવના છે તે કામે લગાડીએ છીએ ત્યારે ક્યારેક મૂળ કૃતિ અને કર્તા બંનેને સમજવામાં-તોળવામાં આપણે ભૂલ કરીએ છીએ. માત્ર આધુનિક, અત્યાધુનિક સર્જકોની વાત જવા દો અને નંદશંકર અને ગોવર્ધનરામનો વિચાર કરો તો એમને નવલકથા લખતાં, કથા અને પાત્ર વિશે આજે આપણને જે અભિપ્રેત હતું તે જ અભિપ્રેત હોઈ શકે. પરંતુ વિશ્વનાથ, નાકર, ભાલણ, પ્રેમાનંદ અને શામળની કૃતિઓ પાસે પણ જઈએ અને આપણા રાઉન્ડ અને ફ્લેટ કેરેક્ટર અને કેરેક્ટરાઈઝેશનના ખ્યાલો લઈને જઈએ તે કેવું? શું તેમને તે અભિપ્રેત હતું? આધુનિક કશા મુખ્ય પ્રકારને જાણવા-માણવાની અભ્યાસદૃષ્ટિ નથી ઉચિત કે નથી ઉપકારક. આ બાબત વિશેષ ચર્ચા કરવી પડે તેવી છે. સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે રૂપિયા-આના-પાઈ કે માઈલ-મીટર-શેર જૂના કાળનાં એકમનિશ્ચાયકો હતાં તે તેમની રીતે ઉપયોગી અને સાચાં હતાં. દશાંશ પદ્ધતિએ આજે રૂપિયા-પૈસા કે કિલોમીટર-લીટર કર્યા તે સમયનો વ્યવસ્થાવિકાસ છે. આ તોલમાપમાં જૂના માપને નવા માપમાં કન્વર્ટ કરીએ તો મૂળ એકમને કે તેના પરિમાણને કોઈ નુકસાન થતું નથી, પરંતુ સાહિત્યમાં આવું બનતું નથી, એ ધ્યાનમાં લેવા જેવું છે.
*
('અધીત : બાર')