અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોક્સાહિત્યમાં બારમાસી
લોકસાહિત્યમાં બારમાસી
ડૉ. પ્રભાશંકર તેરૈયા
(સંઘની એક પરંપરા છે કે અધિવેશનના પ્રમુખ પોતાનું વિદ્વત્તાયુક્ત અને અભ્યાસપૂર્ણ અધ્યક્ષીય વ્યાખ્યાન રજૂ કરે. એકતાલીસમા અધિવેશનના પ્રમુખ ડૉ. પ્રભાશંકર તેરૈયાએ ‘બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી' એ વિષય ઉપર મનનીય વક્તવ્ય કર્યું હતું.)
સૌપ્રથમ તો ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના ૪૧મા અધિવેશનનું પ્રમુખપદ આપવા માટે આપ સહુનો - ગુજરાતીનો અધ્યાપક સંઘના સર્વે સભ્ય અધ્યાપકોનો -હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કશા જ બંધારણ વગર આટલાં વર્ષોથી જે કામગીરી થઈ છે એનો હું સાક્ષી છું. વિચારપૂર્વકના આયોજનો કરીને પૂરી નિષ્ઠાથી જે-જે અધ્યાપકોએ સંઘમાં યોગદાન આપ્યું છે એ તમામને પણ હું આ પ્રસંગે સ્મરું છું. પરમ શ્રદ્ધેય માંકડસાહેબથી માંડીને છેક હમણાં સુધી સક્રિય જયંતભાઈ કોઠારી અને એ પછી પણ સંઘને વિશેષ ક્રિયાન્વિત કરનાર મંત્રીઓની એક આગવી પરંપરામાંથી કેટલાનો નામોલ્લેખ કરવો? સંઘને ચૈતન્યશીલ રાખવામાં પાયામાં પડેલા આ કાર્યકર્તાઓ પરત્વે પણ હું આ પ્રસંગે મારી આભારની લાગણી પ્રગટ કરું છું. યુ.જી.સી.ના કોઈ પરિસંવાદમાં કે અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં અધ્યક્ષપદેથી વ્યાખ્યાન આપવાનું બને એના કરતાં પણ આ સંઘના અધ્યક્ષપદેથી વ્યાખ્યાન આપવાનું બને એને હું મારા જીવનનું પરમ સદ્ભાગ્ય સમજું છું અને એટલે મારી પૂર્વેના ચાલીસેય પ્રમુખોને સાદર વંદન કરીને હું મારા આજના વક્તવ્ય ઉપર આવું છું.
સીમારેખા અને અભિગમ
આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવા માટે મેં જે વિષય પસંદ કર્યો છે તેની સીમારેખા તેમજ તેમાં અપનાવેલ અભિગમ અને પદ્ધતિ વિશે થોડી ભૂમિકારૂપ વિગતો પ્રારંભમાં જ આપી દઉં. આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની જે એક સુદીર્ઘ પરંપરા છે એમાંના બારમાસી અને અન્ય બે-ત્રણ સ્વરૂપો તો લોકસાહિત્ય, કંઠસ્થ-પરંપરાના સાહિત્ય અને અર્વાચીન સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે. એટલું જ નહીં, પરંતુ મધ્યકાળ પૂર્વેના સાહિત્યમાં પણ આ સ્વરૂપો પ્રયોજાતાં હતાં. આપણે ત્યાં અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એનાં ઉદાહરણો મળે છે. શાર્લોટે બોદવીલે એમના 'બારમાસા ઇન ઇન્ડિયન લિટરેચર' નામના પુસ્તકમાં સંસ્કૃત સાહિત્યના સંદર્ભો આપી પ્રાચીન ઋતુકાવ્યોની પરંપરા ભારતીય ભાષાઓમાં કઈ રીતે પ્રવહનમાન રહી છે એની વિગતે સમીક્ષા, ઉદાહરણો આપીને કરી છે. આવી સુદીર્ઘ પરંપરા ધરાવતા અને લગભગ અખિલ ભારતીય ગણાવી શકાય એવા આ બારમાસી સ્વરૂપની કેટલીક ખાસિયતો ચર્ચવાનો તથા ગુજરાતી લોકસાહિત્યમાંથી પ્રાપ્ત થતી બારમાસી રચનાઓ વિશે મારાં નિરીક્ષણો આપવાનો એમ બે મુદ્દાઓ પ્રસ્તુત કરવાનો મારો ઉપક્રમ છે. આપણે ત્યાં આ વિષયે થયેલા કાર્ય ઉપર આછો દૃષ્ટિપાત કરવાનો ઉપક્રમ પણ મેં મારા વક્તવ્યમાં જાળવ્યો છે, તેથી વ્યાખ્યાનના પ્રારંભે એ વિગતો રજૂ કરીશ. એ રીતે મારું વક્તવ્ય બારમાસી સ્વરૂપ સંદર્ભે ગુજરાતીમાં થયેલી કામગીરી, બારમાસી સ્વરૂપને આગવું વ્યક્તિત્વ અર્પતી ખાસિયત-લાક્ષણિકતાઓ અને લોકસાહિત્યમાં પ્રાપ્ત થતી બારમાસીઓનું મૂલ્યાંકન એમ ત્રણ ભાગમાં વિભાજિત છે. મારા વક્તવ્ય ઉપર આવું એ પહેલાં મારી અભ્યાસસામગ્રીની સીમારેખાનો નિર્દેશ કરી દઉં.
અભ્યાસસામગ્રીનો પરિચય
આપણે ત્યાં બારમાસી સ્વરૂપમાં થયેલી ચર્ચા માટે મેઘાણી, પ્રોફે. મંજુલાલ મજમુદાર, ડૉ. ચંદ્રકાંત મહેતા. ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રો. અનંતરાય રાવળ વગેરેના પ્રકાશિત ગ્રંથોમાંની અને આ સિવાયની વિવિધ સામયિકોમાંની સામગ્રીને પણ મેં અભ્યાસ માટે સ્વીકારી છે. બારમાસી પરંપરા પર વિચાર્યું છે. શાર્લોટેની સ્વરૂપચર્ચા પણ જોઈ છે. લોકસાહિત્યમાંની બારમાસીઓના અભ્યાસ માટે મેઘાણી-સંપાદિત 'રઢિયાળી રાત’ ભાગ-ર, ‘લોકસાહિત્યમાં ઋતુગીતો’, લોકસાહિત્ય સમિતિ દ્વારા સંપાદિત ૧થી ૧૪ મણકાઓ અને પુષ્કરભાઈ-સંપાદિત ‘પ્રીતના પાવા' જેવા ગ્રંથોને ખપમાં લીધા છે. સામગ્રીના સંચય પછી એને તપાસીને લોકસાહિત્યની ગણાવી શકાય એવી જ બારમાસીઓને અભ્યાસ માટે પસંદ કરી છે, ચારણી પરંપરાની અને કોઈ મધ્યકાલીન કવિની કે અન્ય નામ- છાપવાળી રચનાઓને મેં મારા સ્વાધ્યાયમાં સમાવિષ્ટ કરી નથી.
(૧) પુરોગામીઓનું કાર્ય
૧.૧ : ‘લોકસાહિત્યમાં ઋતુગીત’ (ઈ.સ.૧૯૨૯)માં ઝવેરચંદ મેઘાણીએ રાધાકૃષ્ણવિષયક અને મિત્રવિરહના મરસિયારૂપની ચારણી બારમાસીઓ, લોકસાહિત્યની બારમાસીઓ અને દોહાસ્વરૂપમાં રચાયેલી બારમાસીઓ ઉપરાંત પંજાબી, હિન્દી અને બંગાળી ભાષાની બારમાસીઓ પણ આપી છે. પ્રારંભે બારમાસીના સ્વરૂપની વિશિષ્ટતાઓ નિરૂપી છે. એમાં બારમાસી કાવ્યો સમગ્ર ભારતમાં રચાયાં હોવા પાછળનો સાંસ્કૃતિક, સામાજિક સંદર્ભ પ્રસ્તુત કરતાં નોંધ્યું છે, ‘કેવળ સૌરાષ્ટ્રના સાહિત્યમાં અથવા લોકસાહિત્યમાં જ વર્ષાઋતુ અગ્રપદે દીપે છે એમ નથી. આખાયે ભારતવર્ષની એ ખાસિયત છે, કારણ એ છે કે, શરદ, હેમંત, શિશિર અને ગ્રીષ્મ જેવી અન્ય ઋતુઓ તો કશા મહાન પરિવર્તન વિના એકબીજાની અંદર શાંતિથી સરી જાય છે, જ્યારે વર્ષાઋતુ તો પ્રચંડ પરિવર્તનની ઋતુ છે. એનું આગમન કોઈ દિગ્વિજયી રાજેન્દ્રના આગમન સરીખું છે. ઘડીમાં સોનેરી તડકે તપતો તેજેમય ઉઘાડ, તો ઘડીમાં કાળો ઘોર મેઘાડમ્બર; ઘડીમાં સૂકી ધરતી, તો ઘડી પછી ધોધમાર વહેતાં પાણી; નિષ્કલંક નીલ આકાશના અંતઃકરણ પર ઓચિંતી વાદળીઓ અને વીજળીઓનો ઉન્મત્ત ઝાકઝમાળ નાટારંભ; મૃગજળે સળગતાં મેદાનો વળતા જ પ્રભાતે રેશમ સમાં તરણાંની લીલી તૃણ-ચૂંદડીનું આચ્છાદન: એ સર્વે દૃશ્યો વર્ષાને મહાન પરિવર્તનની ઋતુ બનાવે છે. અન્ય ઋતુઓને એક જ જાતની સાંગોપાંગ સંપત્તિ કાં ટાઢ ને કાં તાપ; પણ વર્ષો તો સૌમ્ય તેમજ રૌદ્ર બંને સ્વરૂપે શોભતી; ક્યાંક મરક મરક મુખ મલકાવતી તો ક્યાંક ખડખડ હસતી; ક્યાંક જંપીને વિચારમગ્ન બેઠેલી તો ક્યાંક ચીસો ને પછાડા મારી વિલાપ કરતી; ક્યાંક મેઘધનુષ્યના દુપટ્ટા ઝુલાવતી તો ક્યાંક કાળાં ઘન-ઓઢણાંના ચીરેચીરા કરીને પવનમાં ફરકાવતી - આ બધું આપણા દેહપ્રાણને હલમલાવી નાખે ને આપણા ભીતરમાં પોતાની મસ્તીના પડઘા જગાવે. એના આઘાત અગોચર ન રહી શકે. વસંતની રાતી કૂંપળો તો કોઈ ઝીણી નજરે જોનારો જ જોઈ શકે; ઉનાળાનો તાપ એકસરખો અને નિ:શબ્દે નિરંતર તપ્યા કરે; શિયાળાની શીત પણ મૂંગી ને ઊર્મિહીન કો સાધ્વી શી સૂસવે; વર્ષાનું સ્વરૂપ એવું નથી. એ તો જોનાર કે ન જોનાર સર્વેને હચમચાવી મૂકે. માટે જ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘મેઘદૂત' જેવું કાવ્ય 'આષાઢસ્ય પ્રથમ દિવસે'થી મંડાયું છે. અલકાપુરીનો પ્રિયાવિયોગી યક્ષ અન્ય ઋતુઓ તો ખાસ કશી અસર વિના વટાવી ગયો, પરંતુ અષાઢના પ્રથમ દિવસે પ્રકૃતિનું જે સંક્ષુબ્ધ સ્વરૂપ એણે નિહાળ્યું; તેણે એના અંતરમાં ઘરનાં સ્મરણો જગાવ્યાં, ઊર્મિનું ઉદ્દીપન કર્યું ને કાવ્ય ખળખળાવ્યું. (પૃષ્ઠ ૧૨-૧૩) એમનું આ નિરીક્ષણ ઘણું સાચું છે. આ ઉપરાંત એમણે નોંધ્યું છે કે, બારમાસીઓમાં લોકમનોભાવોનું નિરૂપણ પણ કેન્દ્રસ્થાને હોઈને એ બારમાસીઓ હૃદયસ્પર્શી બની છે. તુલનાત્મક દૃષ્ટિબિન્દુએ આ સ્વરૂપનો અભ્યાસ કરવાની અઢળક સામગ્રી મેઘાણીએ કેટલાં વર્ષો પૂર્વે આપણી સમક્ષ ધરી દીધેલી! ૧.૨ : ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’ (ઈ.સ. ૧૯૫૪)માં પ્રોફેસર મંજુલાલ મજમુદારે બારમાસીના સ્વરૂપનું ખૂબ જ વિગતે મૂલ્યાંકન કર્યું છે. સામગ્રીનું વિષય પ્રમાણે વિભાજન, પછી અંતે મૂલ્યાંકન અને એમાંથી ઊપસતી સ્વરૂપગત ખાસિયત તેમણે દર્શાવી હોઈ એમનું આ કાર્ય અત્યંત મહત્ત્વનું છે. પ્રારંભે ઋતુકાવ્યની પરંપરાને નોંધી છે અને પછી બારમાસી સ્વરૂપની વિશિષ્ટતાઓ તારવીને એનાં પ્રેરક પોષક પરિબળો તથા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને નજર સમક્ષ રાખીને સ્વરૂપની ચર્ચા કરી છે. બારમાસીને ફાગ, ગરબી, રાસ વગેરે સાથે તુલનાવીને પણ બારમાસીની સિદ્ધિ-મર્યાદાને તારવી છે. આમ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સમીપવર્તી સાહિત્યસ્વરૂપોને અનુષંગે તેમણે બારમાસી સ્વરૂપ અંગે વિગતે પોતાનો સ્વાધ્યાય પ્રસ્તુત કર્યો છે. તેમનાં નિરીક્ષણો પણ દ્યોતક છે. એ જોઈએ : ‘લોકસંગીતમાં જેમ દંપતીજીવન ગવાયું છે અને કૌટુંબિક જીવન જેમ લગ્નગીતોમાં ઊતર્યું છે તે જ રીતે, સ્નેહજીવનનો શૃંગારરસ પણ તેટલી જ તીવ્રતાથી, છતાં એક પ્રકારની અદબથી ‘બારમાસ’ દ્વારા ગવાયો છે. એ શૃંગાર ગવાયો છે કવિના પોતાના જીવન વિશે, પણ ચડી ગયો છે રાધા-કૃષ્ણના નામે. ગુજરાતનો જનસમાજ આનંદ કે શોકના ઊભરા ઠાલવવા રામાયણ, મહાભારત કે ભાગવત્ જેવામાંથી પૌરાણિક કથાનકોનો આશ્રય લેતો હતો અને લે છે : લગ્નનાં ગીતોમાં કૃષ્ણ-રુક્ષ્મિણી, રામ-સીતા, ઈશ્વર- પાર્વતી, અનિરુદ્ધ-ઉષા વગેરેની વિવાહકથાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સીમંતનાં ગીતો, પ્રદ્યુમ્નની પત્ની રતિ કે કૃષ્ણભગિની સુભદ્રાને વિશે ગવાય છે. જનોઈમાં રાધા અને કૃષ્ણ, અને શોકનાં ગીતોમાં ઉત્તરા અને અભિમન્યુ - એ પ્રમાણે જૂનાં લોકપ્રિય પાત્રો દ્વારા ગુજરાતનો સુંદરીસમાજ પોતાના હરખશોકનાં ગીતો ગાય છે અને રાચે છે. તે જ પ્રમાણે વિરહનાં ગીતોમાં રાધાકૃષ્ણને વિશે રચના થઈ છે; અને બારમાસના કુદરતી ફેરફારો, ખાનદાન, પહેરવેશ વગેરેના સપ્પરમા દિવસે થતાં સ્મરણ - એ બધાનાં બાહ્ય કલેવરમાં કવિએ પોતાના વિરહથી ઝૂરતો પ્રાણ પૂર્યો હોય છે.’ (પૃષ્ઠ ૨૭૬) આગળ ઉપર તેઓ નોંધે છે કે : ‘વિયોગનાં કાવ્યો લોકરુચિને અનુકૂળ હોવાથી તેની લોકપ્રિયતા આપોઆપ વધતી રહે એમાં આશ્ચર્ય નથી. કારણ કે, સૌકોઈ વિરહી, પોતાને કૃષ્ણ અથવા ગોપીને સ્થાને મૂકી દઈને પોતાના હૃદયનો ઊભરો ‘હૈયાવરાળ’ કાઢી શકતો. સરખાવો :
‘ગોપી-ઉદ્ધવ સંવાદ રે, બાંધ્યા છે બારે માસ;
શીખે, ગાશે ને સાંભળશે, તેની રાધાવર પૂરશે આશ.’
વળી સરખાવો (દયારામ : 'ષડ્ઋતુવર્ણન') :
દયારામ ષડ્ઋતુ કથી, શ્યામ-વિરહને વ્યાજે;
રાધાકૃષ્ણ એક રૂપ છે, લીલા ભક્તને કાજે.’
તેથી જ કૃષ્ણ-ગોપી, નેમિ-રાજુલ કે એવાં કોઈ સમાજમાં આદર પામેલાં પાત્રનું આલમ્બન લેવામાં આવતું.' (પૃષ્ઠ ૨૭૬) 'બારમાસનું સાહિત્ય એકલું ગુજરાતમાં જ છે એમ નથી. ઉત્તર હિન્દુસ્તાન તેમજ બંગાળમાં પણ કેટલીક સમાન પરિસ્થિતિને લીધે આવું સાહિત્ય અસ્તિત્વમાં આવેલું છે. વિરહિણી પ્રિયતમા પ્રત્યેક માસની ઋતુલીલા નિહાળી, પરદેશ ગયેલા પતિને યાદ કરે છે; અથવા તો વિપત્તિમાં પડેલી અબળા પોતાનાં ન સહેવાતાં વીતકો, આવી રચના દ્વારા વ્યક્ત કરે છે; અને ગીત ગાનાર સુંદરીસંઘને વિચારમાં લીન કરી દે છે. બાર માસનું આ સાહિત્ય જ્યાં સુધી સ્ત્રીહૃદયમાં લાગણી છે ત્યાં સુધી લોકપ્રિય અને ચિરંજીવ રહેશે; અને તેમના જીવન-મર્મને સ્પર્શ કરી, તેમના હૃદયના તારને છેડ્યા કરશે.’ (પૃષ્ઠ ૨૭૭) ‘પ્રોષિતભર્તૃકાઓને માટે કયો વિષય પ્રિય હોઈ શકે? તેથી જ કૃષ્ણગોપીનો અને નેમિ-રાજુલનો વિરહ ગાયો એ તેમને મન આશ્વાસન થઈ પડતું.' (પૃષ્ઠ ૨૭૫) ‘બારમાસીના સાહિત્યના ઉદ્ભવ સાથે તે સમયના સામાજિક જીવનને ઘણો નિકટનો સંબંધ છે. એ કાળે પરદેશ જતા પુરુષોના લાંબા પ્રવાસોને લીધે વિયોગાવસ્થામાં ઝૂરતાં સ્ત્રી-પુરુષોની સંખ્યા બહુ વધારે હતી, તેથી એ પ્રવાસો વિયોગની પ્રબળ વેદનાના પ્રેરક હતા. અને તે પછીના પુનર્મિલનના આનંદો પણ એવી આવેશભરી વાણી વાટે પ્રગટ થતા હતા. સંસારની રસિક ભોગવિલાસની સામગ્રી હોવા છતાં, રમણીઓ એમનાં જીવતરના રસ મૂલવનાર રસિક સ્વામી વિના એ સામગ્રીથી ખિન્ન થતી. એમના નિ:શ્વાસો -
‘છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા-પાર;
મોરલી વાગે છે.’
વળી -
‘હાથ રંગીને દે'ર! શું રે કરું?
એનો જોનારો પરદેશ;
મેંદી રંગ લાગ્યો રે!’
એવી લોકગીતોની લીટીઓમાં જણાય છે. 'આ રત આવી, ને નાથ! આવજો'- એવા મેઘસંદેશા પણ રમણીહૃદય દ્વારા મોકલાતા. તે સમયના પ્રવાસ, નોકરીને અંગે કેટકેટલા લંબાતા તેનું મનોવેધક ચિત્ર નીચેનાં લોકગીતોમાં પડેલું છે:
‘લીલી ઘોડી પાતળિયો અસવાર;
કે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ’
એટલે, વિરહદશાની દુ:ખદ અને અકથ્ય વેદનાથી અસ્વસ્થ બનેલી પત્નીએ-
‘ઝાલી ઝાલી ઘોડલિયાની વાગ કે
અલબેલો ક્યારે આવશે રે લોલ?'
પરદેશ ખેડવા નીકળી પડતો નવજુવાન પરદેશની અનિશ્ચિતતા સૂચવતો ઉત્તર દે છે.
‘ગણજો ગોરી પીપળિયાનાં પાન રે,
એટલે ને દહાડે અમે આવશું રે લોલ!’
યુવાન આમ બોલ્યો તો ખરો; પણ એના ઉદ્ધત હૃદયમાં યે સ્નેહની સુંવાળી જગા નહોતી એમ નહીં. મહાભારત યુદ્ધમાં રણે ચઢતાં અભિમન્યુને રોકી ઊભેલી ઉત્તરાસમી નવયૌવનાનો સ્નેહ, આખરે એને ભીંજવે છે, એની આંખ ભીની થાય છે અને એનાથી બોલી જવાય છે :
‘ગોરી મોરી! આવડલો શો નેહડો?
કે આંખમાં આંસુ બહુ ઝરે રે લોલ!’
(પૃષ્ઠ ૨૭૩)
સ્વરૂપગત, વિશિષ્ટતાઓ નોંધવા ઉપરાંત પ્રો. મજમુદારનું બીજું મહત્ત્વનું કાર્ય સામગ્રીને વર્ગીકૃત કરીને - વિભાજિત કરીને એનું મૂલ્યાંકન કર્યું છે એ છે. તેમણે જૈનધારા, જ્ઞાનમાસની ધારા, લોકકથાની અંતર્ગત પ્રસ્તુત થયેલી. બારમાસી, લોકગીતની બારમાસી, ચારણી બારમાસી અને મરસિયા બારમાસી, આવી બધી ધારાઓનાં ઉદાહરણો આપી, પરિચય કરાવેલો છે. છંદોબંધ, વિષયમાં પ્રવેશેલું નાવીન્ય અને રસસ્થાનોને પણ તેમણે ચીંધી બતાવ્યાં છે. આ બધાં કારણે પ્રોફે. મંજુલાલ મજમુદારની બારમાસી, સ્વરૂપવિષયક ચર્ચા અત્યંત મહત્ત્વની છે.
૧.૩ : ‘ગુજરાતી સાહિત્ય - મધ્યકાલીન' (૧૯૫૪) પ્રોફે. અનંતરાય રાવળે બારમાસી સ્વરૂપનો અછડતો પરિચય આપ્યો છે અને આ કાવ્યને ઋતુકાવ્યના પ્રકારમાં સમાવિષ્ટ કર્યું છે. (પૃષ્ઠ ૧૩૪)
૧.૪ : ‘મધ્યકાળના સાહિત્યપ્રકારો’ (૧૯૫૮) ડૉ. ચંદ્રકાંત મહેતાએ મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની કૃતિઓની લાક્ષણિકતાઓ નોંધતા જઈને જે-તે સ્વરૂપોનો પરિચય કરાવ્યો છે. એમણે બારમાસી સ્વરૂપ વિષયે અલગ રીતે પ્રકરણ પાડીને વિગતો દર્શાવી નથી. પરંતુ પદવિષયક ત્રણ પ્રકરણો (પૃ. પપથી)માં તથા પદમાળા ૧૮૪થી ૨૨૪માં યથાસ્થાને વિષયસામગ્રી અને સાંપ્રદાયિક ધારાની વાત કરતી વખતે જેતે વિષયસામગ્રી અને સાંપ્રદાયિક ધારામાં રચાયેલી બારમાસીઓનો પરિચય પ્રસ્તુત કરેલો છે. તેમની ત્રુટક ત્રુટક રીતે કહેવાયેલી બારમાસીવિષયક મહત્ત્વની વિગતોમાંથી મહત્ત્વના અંશો જોઈએ : ‘રૂપકનો પ્રકાર જેમ જૈન, જૈનેતર બધા કવિઓમાં પ્રચલિત હતો. તેવો જ બીજો પ્રચલિત પ્રકાર, મહિના, વાર અને તિથિનો હતો. શૃંગારરસની ચર્ચા કરતાં મહિનાના સાહિત્ય વિશે વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે, એટલે અહીં તો માત્ર એ વિશે એટલું જ કહેવાનું, કે કારતક મહિનાથી, ચૈત્રથી કે અષાઢથી. ગોપીની કૃષ્ણ માટેની, ભીલડીની શંકર માટેની, રાજેમતિની નેમિનાથ માટેની કે દેવીભક્તોની દેવી માટેની, કે ગણપતરામના મહિનામાં છે તેમ શિષ્યની ગુરુ માટેની વિરહવેદનાના આલેખનથી શરૂઆત થતી. આવાં બારમાસીનાં વિપ્રલંભનાં કાવ્યો હિંદી સાહિત્યમાં પણ છે અને તેમાં પણ રાધાકૃષ્ણની બારમાસી હોય છે. બંગાળી સાહિત્યમાં પણ આવી બારમાસીનો પ્રકાર છે. બિહારના સાહિત્યમાં પણ બારમાસીનું સ્વરૂપ છે. આ બારમાસીનાં કાવ્યો મોટા ભાગે તો ઋતુવર્ણનનાં જ કાવ્યો છે. એમાં પ્રત્યેક મહિને થતા ઋતુના ફેરફારો વર્ણવાતા અને એને આધારે વિરહવેદનાની ઉત્તરોત્તર વધતી જતી તીવ્રતા કે ઉત્કટતા આલેખાતી. અર્થાત્ પ્રકૃતિતત્ત્વોનો એમાં ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ થતો. સાથે સાથે સમાજજીવનની રહેણીકરણીમાં માસે માસે જે ફેરફાર થતો તે પણ એમાં દર્શાવી શકાતો. આમ પ્રકૃતિવર્ણન અને સમાજજીવન એ બેનો આશ્રય લઈને વિરહની વેદનાનો ઉત્તરોત્તર વિકાસ દર્શાવાતો. જ્યાં દરેક માસની વિરહવેદનાનું નિરૂપણ જુદા જુદા પદમાં થઈ આવે છે તેની ચર્ચા હવે પછીના પદમાળાના પ્રકરણમાં કરી છે. એટલે અહીં તો માત્ર શૃંગાર રસની ચર્ચા કરતી વખતે એમાં જે સમાવિષ્ટ કરી શકાયાં નથી એવાં જ બારમાસીનાં પદો લીધાં છે. વલ્લભ ભટ્ટના અંબાજીના મહિનામાં ભક્ત માતાજીના વિરહથી શોકવ્યાકુળ છે. એ માતાને મળવા તલસે છે. જોકે, એ પદની પરિભાષા શૃંગારની છે પણ બીજી રીતે કહીએ તો એમાં માતૃપ્રેમની ભાવના છે. એટલે શૃંગાર એ રસ નથી પણ ભાવ છે. બીજાં બારમાસીનાં પદોની જેમ એના વિરહમાસની શરૂઆત કાર્તિકથી થાય છે.' (પૃષ્ઠ ૧૬૨-૧૬૩) હકીકતે આ બારમાસી પ્રેમલક્ષણા ભક્તિના ઉદાહરણરૂપ છે. વળી માત્ર વિરહ કે શૃંગાર એ જ બારમાસી કવિતાનું લક્ષણ નથી; ભક્તમાળાની બારમાસીનાં લક્ષણો અલગ રીતે નોંધવાથી આ બધું સ્પષ્ટ થઈ શકે. તેઓએ ખૂબ જ ઉચિત રીતે નોંધ્યું છે કે, 'ગણપતરામે જ્ઞાનની બારમાસી ગાઈ છે. ('કાવ્યદોહન' ભાગ- ૮, પૃ. ૭૩૭) એમાં એણે બ્રહ્મજ્ઞાન આપનાર ગુરુનું માહાત્મ્ય ગાયું છે. ઉત્તરોત્તર ગુરુએ આપેલા જ્ઞાનથી જીવનો ક્રમે ક્રમે વિકાસ થતો ગયો તે દર્શાવ્યું છે. કાવ્યની શરૂઆત ગુરુસ્તુતિથી જ થાય છે... આ દર્શાવે છે કે, બારમાસીનો પ્રકાર કેટલો પ્રચલિત અને લોકપ્રિય હોવો જોઈએ કે મૂળ વિહગીત માટે યોજાયેલા આ પ્રકારનો, પછી બધા રસો માટે અને જાત-જાતના વિષયો માટે ઉપયોગ થવા લાગ્યો.' (પૃષ્ઠ ૧૬૫-૧૬૬) આમ બારમાસી સ્વરૂપનું વિરહગીત તરીકેનું મૂળભૂત તત્ત્વ તેમણે ખૂબ જ ઉચિત રીતે બતાવ્યું છે. તેમણે લોકગીતમાંની બારમાસી વિષયે નોંધ્યું છે : ‘લોકગીતોમાં પણ વિરહની બારમાસી મળે છે. એમાં ગ્રામજીવનનું વસ્તુ હોવા છતાં પાત્રોનાં નામ રાધા કે રુક્મિણિ ને કૃષ્ણ રાખ્યાં છે.' (પૃષ્ઠ ૧૬૬) અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત સામગ્રીને કારણે તેમણે આટલું સીમિત વિધાન કર્યું છે. હકીકતે લોકસાહિત્યમાં જે બારમાસીઓ પ્રાપ્ત થાય છે એ જોતાં માત્ર રાધા કે રુક્મિણી નહીં પણ સીતા, પાર્વતી પણ એમાં નિરૂપાયાં છે. એમાં કૌટુંબિક જીવનની વિગતો પણ કેન્દ્રસ્થાને હોય છે. તેમણે જૈનધારાની બારમાસીની પણ વિશદ્ સમીક્ષા કરી છે. બારમાસીવિષયક પ્રાપ્ત થયેલી સામગ્રીનું વિશ્લેષણ અને એને પદ સાથે સાંકળી લઈને ડૉ. મહેતા દ્વારા થયેલા મૂલ્યાંકનમાંથી બારમાસીને અલગ કાવ્યપ્રકાર તરીકે તેઓ સ્વીકારતા હોય એવું પ્રતિબિંબિત થાય છે. એમના ગ્રંથનું આયોજન એ જ રીતનું છે. અહીં પદ નામના ત્રણ પ્રકરણમાં ભજન, થાળ, આરતી, ફાગુ, બારમાસી સંવાદકાવ્યો, રૂપક - મહિના, તિથિવારનાં કાવ્યો એમ વિવિધ પ્રકારને સાંકળી લીધા છે. પરંતુ એમણે ગરબા-ગરબી માટે અલગ ચર્ચાનું આયોજન કર્યું છે! ૧.૫ : 'પ્રાચીન મધ્યકાલીન બારમાસી સંગ્રહ’ (૧૯૬૪) ડૉ. શિવલાલ જેસલપુરાના ગ્રંથની પ્રસ્તાવના નિમિત્તે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ બારમાસી કાવ્યની લાંબી પરંપરા બતાવવી અને એમાંની સમાન વિષયની અવનવી અભિવ્યક્તિ કે પરંપરાને પોતીકી રીતે પ્રસ્તુત કરવાની પ્રતિભાશક્તિનું દર્શનકર્તાએ કઈ રીતે કરાવ્યું છે, એ તપાસવું એવી અપેક્ષા અભ્યાસીઓ માટે નોંધી છે, તેઓએ નોંધ્યું છે કે, રચનાશૈલીની દૃષ્ટિએ જુદા જુદા સમયની અને કર્તાની કૃતિઓ સરખાવવા જેવી છે. કયા માસથી વર્ણનનો પ્રારંભ કરવો તે અંગે ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. તેવું જ વર્ણનના વિસ્તાર અને વિગતોની બાબતમાં પણ છે.' (પૃ. ૬) ડૉ. શિવલાલ જેસલપુરાએ બારમાસીના સ્વરૂપ વિષયે તેમના ગ્રંથમાં કશી વિગતો નોંધી નથી. પરંતુ ૨૯ જેટલી જૈન પરંપરાની બારમાસી, હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને તે કૃતિ અને કર્તાવિષયક વિગતો, પ્રારંભે મૂકી છે. એમાંથી જૈન પરંપરાની બારમાસી - નેમિ-રાજુલ, સ્થૂલિભદ્ર-કોશા- કથાનક, ગુરુ વ્યક્તિત્વ કે કોઈ ધાર્મિક પ્રસંગવિધિને કેન્દ્રમાં રાખીને બારમાસી રચાય છે. વર્ણનો, વિરહ અને વૈરાગ્ય ભાવબોધ કરાવવાની આવડત અને પ્રાસાનુપ્રાસ તરફ અંગુલિનિર્દેશ કરીને જૈન બારમાસીઓની ખાસિયતો એમણે નિર્દેશી છે. એક ધારાની (જૈન ધારાની) મહત્ત્વની બારમાસીઓ તેમણે એક સાથે પ્રસ્તુત કરીને તુલનાત્મક અભિગમથી અભ્યાસ કરવાની શ્રદ્ધેય સામગ્રી જુદી પાડી હોઈ એનું ઘણું મહત્ત્વ છે. ૧.૬ : તાજેતરમાં છેલ્લા બે-એક વર્ષમાં પ્રકાશિત થયેલ ડૉ. બળવંત જાનીના ચારેક અભ્યાસ-લેખોનો પણ અત્રે ઉલ્લેખ કરવો રહે. મેઘાણીએ માત્ર આઠ બારમાસીને આધારે ચારણી બારમાસીનું સ્વરૂપ ‘લોકસાહિત્યમાં ઋતુગીતો’માં ઉદાહરણો સાથે દર્શાવેલું એ પછીની કુલ બાવીસ ચારણી બારમાસીઓને નજર સમક્ષ રાખીને એમણે ‘ચારણી બારમાસીનું સ્વરૂપ’, ‘સરસ્વતીપુત્ર’, ઈ.સ. ૧૯૯૦, વર્ષ-૧, અંક-૧માંના લેખમાં દર્શાવી છે. ઉપરાંત કંઠસ્થ પરંપરાની બારમાસીઓનાં સ્વરૂપ વિશે પણ એક લેખ (‘ઊર્મિનવરચના' જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૦ના અંકમાં) પ્રકાશિત થયો છે, જેમાં લોકસાહિત્ય અને સંતસાહિત્યથી આ મુખપાઠપરંપરાનું સાહિત્ય કઈ રીતે અલગ તરી આવે છે એ દર્શાવ્યું છે. દયારામની કૃષ્ણવિષયક ચાર બારમાસીઓની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપ સંદર્ભે તુલનાત્મક અભિગમથી મૂલ્યાંકન કરતો તેમનો એક લેખ પણ પ્રકાશિત થયો છે. ‘કૃષ્ણચરિત્રનો મધ્યકાલીન સાહિત્ય અને લોકસાહિત્યમાંની બારમાસીઓમાં વિનિયોગ' નામનો નિબંધ ગુજરાતી સાહિત્ય અકાદમીના પરિસંવાદ નિમિત્તે તૈયાર થયો છે. જેમાંથી કૃષ્ણના ચરિત્રની કેવી વિગતો કઈ રીતે પ્રસ્તુત થઈ છે એ બધું નિરૂપીને પરંપરાનું અનુસંધાન દર્શાવી તેમાં નવા ઉન્મેષો પણ તારવી આપ્યા છે. આપણે ત્યાં આજ સુધી લોકસાહિત્યની બારમાસીઓને નજર સમક્ષ રાખીને પૂર્ણ કહી શકાય એવો સ્વાધ્યાય હજુ થયો નથી. એ કારણે મને આ વિષયમાં રસ જાગ્યો. કનુભાઈ જાની, જશવંત શેખડીવાળા, જયમલ્લ પરમાર વગેરે મુરબ્બી મિત્રો સાથે વિમર્શ કરીને આ વિષયે સ્વાધ્યાય કરવાનો નિર્ધાર કરેલો. (૨) બારમાસી : એક સ્વાયત્ત સ્વરૂપ મારા વક્તવ્યમાં બીજો મુદ્દો એ છે કે, બારમાસીને એક આગવા સાહિત્યસ્વરૂપ તરીકે કયા કારણે ઓળખાવી શકાય? એ અંગેનાં મારાં તારણો અને નિરીક્ષણો પણ પ્રસ્તુત કરવાનો ઉપક્રમ મેં રાખ્યો છે, તેથી હવે એ વિષયક વિગતો પ્રસ્તુત કરીશ. ૨.૧ : બારમાસીનું કાવ્યસ્વરૂપ લાંબી પરંપરા ધરાવે છે. લોકસાહિત્ય, કંઠસ્થપરંપરાનું પદસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય એમ બહુ એ સતત પ્રયોજાતું રહેલું કાવ્યસ્વરૂપ છે. એટલે સ્વાભાવિક છે કે એમાં સમયાનુક્રમે અનેક પરિવર્તનો આવ્યાં હોય. તેમ ભિન્ન ભિન્ન સમયાનુક્રમમાં ભિન્ન ભિન્ન સર્જકોએ આ અત્યંત પ્રચલિત કાવ્યસ્વરૂપને પોતાની રીતે આગવો વળોટ- વળાંક આપેલ જણાય છે. ૨.૧.૧ : મહિનાઓનો વિનિયોગ તમામ બારમાસીઓમાં છે, પણ એ મહિનાઓના ક્રમમાં ફેરફારો થતા રહ્યા છે, એ ફેરફારો પાછળ કંઈ ને કંઈ કારણ પણ જણાયું છે. એમને માત્ર જુદું પાડવા માટે મહિનાઓનો ક્રમ જુદો મુકાયો છે એવું નથી. વિરહના ભાવને આલેખતા મહિનાઓ બહુધા અષાઢથી આરંભાયા છે. તો જૈન-પરંપરામાં જ્યારે દીક્ષા લીધી હોય એ મહિનાથી આરંભ થયો છે. જ્ઞાનમાર્ગી બારમાસીઓમાં બહુધા, કારતકથી આસો એમ નિરૂપણ છે. વાર્તાઓની અંતર્ગત જે મહિનાઓ છે એમાં પણ જે વિરહનો ભાવ હોય તે અષાઢ કે ફાગણથી શરૂ થાય છે. ૨.૧.૨ : માત્ર મહિનાઓનો વિનિયોગ એ જ બારમાસી એમ એક વ્યાપકરૂપની વિભાવના બાંધી શકાય. પણ હકીકતે મહિનાના વિનિયોગથી કંઈ બારમાસી કવિતા ન સર્જાય. સર્જકની પોતાની અનુભૂતિને ઢાળવા માટેનું એક માળખું-ખોખું તે આ બારમાસી છે. એટલે આ તો તેનું બાહ્ય સ્વરૂપ થયું અને એને કારણે એ અન્ય સ્વરૂપોથી, ખાસ તો ફાગુથી જુદું પડે છે, અને અંતે ઍક સ્વાયત્ત સ્વરૂપ તરીકેની ઓળખ ધારણ કરે છે. ૨.૧.૩ : બારમાસીઓમાં મહિનાઓનો વિનિયોગ એને સ્વાયત્તતા અર્પનારું ઘટક છે. પણ એના આંતરિક સ્વરૂપમાં જે વારાફેરા આવતા રહ્યા છે એનું વિગતે અવલોકન કરતાં જણાયું છે કે, અન્ય સાહિત્યસ્વરૂપોથી પ્રભાવિત થતાં-થતાં આ સ્વરૂપે તત્કાલીન સમીપવર્તી સાહિત્ય-સ્વરૂપોનો પ્રભાવ પણ ઓછેવત્તે અંશે ઝીલ્યો છે. આ પ્રભાવ એવી રીતે ઝિલાયો છે કે, એને કારણે સમીપવર્તી સાહિત્યસ્વરૂપથી ભિન્ન રહીને એ પોતાનું સ્વાયત્ત એવું સ્વરૂપ જાળવી રાખે છે. બારમાસી અત્યંત લોકપ્રિય હશે તો જ એ આટલી વિપુલ માત્રામાં રચાઈ હોય, તેમ ભિન્નભિન્ન ધારાના સર્જકોએ એને અપનાવી હોય. આ સ્વરૂપ આમ જૈન અને જૈનેતર એમ ઉભય ધારાના સર્જકોએ અપનાવ્યું, ૨.૨ : એ આટલો લાંબો સમય ટકી શક્યું એનું કારણ તે સતત પરિવર્તનશીલ રહ્યું છે એ હોઈ શકે. એની સ્વાયત્તતા ન અપાય એ રીતે એમાં પરિવર્તન આવ્યા કર્યું છે. અન્ય સમીપવર્તી સાહિત્ય-સ્વરૂપોની સાથે સરખાવવાથી આ વાત સ્પષ્ટ થશે. ૨.૨.૧ : ફાગુ જેવા વિરહ અને શૃંગારના ભાવો મહિનાઓના માધ્યમથી બારમાસીમાં પ્રયોજાયેલા છે. પરિણામે ફાગ ખેલવાના પ્રસંગ-યુક્ત બારમાસીઓ પણ મળે છે. એમાં ફાગ ખેલ્યાની ક્રિયા અને એ નિમિત્તે શૃંગારનું નિરૂપણ થયેલું હોય છે. અહીં છે નર્યું સંવેદન અને એને જન્માવતી ક્રિયાઓ. તેમ છતાં એ ફાગુ ન બની રહેતાં બને છે બારમાસી, સંવેદનમૂલક, વર્ણનપ્રધાન બારમાસી ફાગુ નથી બની જતું. એનું સ્વાયત્ત સ્વરૂપ જાળવી રાખે છે એ કારણે આ સ્વરૂપમાં માત્ર વિરહભાવ અને એને પોષક પરિબળરૂપ માત્ર પ્રિયપાત્રનો વિયોગ નહીં પણ, પ્રિયની અનુપસ્થિતિમાં અન્ય જ્યારે ફાગ ખેલતા દૃષ્ટિગોચર થાય ત્યારે એનો ઘેરો પ્રત્યાધાત, અહીં પાત્રનાં ચિત્તમાં કેવો પડે તેનું નિરૂપણ થાય છે ત્યારે અહીં વિરહિણીના વિરહને તીવ્ર બનાવનાર તત્ત્વ તરીકે પણ ફાગુની વિષયસામગ્રીનો વિનિયોગ થયેલો જણાય છે. ૨.૨.૨ : પદમાં પણ સંવેદનમૂલક ભાવ ક્યારેક હોય છે આવા પદસમૂહની પદમાળાથી પણ બારમાસી જુદી પડે છે. પદમાળામાં એક ભાવ ભિન્ન-ભિન્ન ૫૬માં જુદી રીતે પ્રયોજાયેલો હોય છે. અને ભાવ દૃઢ બનતો હોય છે. જ્યારે બારમાસીમાં પ્રત્યેક મહિનાના ભાવને પદસ્વરૂપમાં ઢાળીને બાર કે તેર પદના સમૂહ-સ્વરૂપની બારમાસી પણ મળે છે. પણ તેમ છતાં પણ પાંચ-છ કડીમાં એક મહિનાના ભાવને વિગતે આલેખતી બારમાસી પદમાળાથી નોખી તરી રહે છે. એમાં પ્રત્યેક મહિનાને એની તાસીરને અનુરૂપ, અનુકૂળ એવા ભિન્ન ભિન્ન ભાવો હોય છે. તેથી તેમાં મહિનો બદલાતાં ભાવ પણ બદલાય છે. પદમાળામાં આમ બનતું નથી. તેથી તે પદમાળા ન બની રહેતાં બારમાસી બની રહે છે. ૨.૨.૩ : માત્ર વર્ણનો અને સંવેદનો જ બારમાસીમાં હોય છે એવું નથી. એમાં સ્પષ્ટ રૂપના કથાનકનો વિનિયોગ હોય એવી બારમાસી પણ મળે છે. પણ તેમ છતાં આ બારમાસીઓ ગીતકથા કે કથાગીત બની જતી નથી. અહીં આછા કથાનકથી અથવા એકાદ પ્રસંગને અનુષંગે મહિનાઓના માધ્યમથી પ્રસંગને વર્ણવવામાં આવે છે. એમાં સંઘર્ષનું તત્ત્વ ઓછું હોય છે. એક પ્રસંગમાંથી અવનવા પ્રસંગો સર્જાય તથા એમાંથી કથા રચાય એવું એમાં બનતું નથી. જ્યારે ગીતકથામાં તો કેન્દ્રસ્થાને કથા જ હોય છે. બારમાસીમાં કથાનક માત્ર ભાવને પોષક પરિબળ સ્વરૂપે જ પ્રવેશેલું હોય છે. સર્જકનો આશય કથા કહેવાનો નથી પણ એને અનુષંગે ભાવને દૃઢ કરવાનો હોય છે. ૨.૩ : બારમાસી આમ એનાં સમીપવર્તી સાહિત્યસ્વરૂપોથી નોખી તરી રહે છે. તેમાં વિવિધ પ્રકારના ભાવોને ઉપકારક બને એવી રીતે સંવેદનનું તત્ત્વ કથન ને વર્ણન દ્વારા પ્રયોજાયેલ હોય છે. પણ એ જ્ઞાનમાર્ગી ધારાની બારમાસીમાં તો સંવેદન-વર્ણન કે કથન કંઈ જ પ્રયોજાયેલ હોતું નથી. નરી જ્ઞાનચર્યા જ પ્રયોજાયેલી હોય છે, તેમ છતાં એ બને છે બારમાસી. આમ પ્રેમભક્તિ દ્વારા, જ્ઞાનમહિના દ્વારા અને લૉકરંજન દ્વારા સર્જકોએ બારમાસીને એક સ્વરૂપ તરીકે સ્વીકારીને એમાં પોતાને અભિપ્રેત વિષયો આલેખેલા છે, છતાં એની સ્વાયત્તતા અપાઈ નથી એ મને આ સ્વરૂપની વિશિષ્ટતા લાગી છે. બારમાસીઓની અભિવ્યક્તિઓનું સ્વરૂપ અનોખું છે. અહીં ક્યાંક કથન છે, તો ક્યાંક નર્યું વર્ણન છે અને એમાંથી ભાવ ઉદ્ઘાટિત થાય છે. ક્યાંક સંવાદોના માધ્યમથી, તો ક્યાંક સ્વગતોક્તિના માધ્યમથી ભાવને પ્રગટાવવામાં આવે છે. આમ કથન, વર્ણન, સંવાદ કે સ્વગતોક્તિ એમ ચારેક પ્રકારની રીતિમાંથી કોઈ ચોક્કસ રીતિને બારમાસીમાં ખપમાં લેવામાં આવે છે. આ જ રીતિથી અન્ય સાહિત્ય-સ્વરૂપો પણ રચાયેલાં જ હોય છે. તેમ છતાં અહીં જે વર્ણન કે કથન છે એ બારમાસીના ભાવને પોષક રૂપનું વર્ણન કથન છે અને સંવાદ કે સ્વગતોક્તિ છે એ આંતરસંઘર્ષને વાચા આપનાર પરિબળ તરીકે હોય છે, જે બારમાસીને કલાત્મક પરિમાણ અર્પનારાં તથા સ્વાયત્તતા અર્પનારાં ઘટકો બની રહે છે. ૨.૪ : લોકસાહિત્યમાં જે બારમાસીઓ છે એમાં પણ નરી વર્ણનાત્મક કે કથનાત્મક એમ ઉભય પ્રકારની બારમાસીઓ સાંપડે છે. મહિનાઓને ક્યાંક એકાદી કડીમાં તો ક્યાંક બે-ચાર કે પાંચ-છ કડીમાં પણ ઢાળવામાં આવેલ છે. આમ, એ બારમાસીઓ પણ એકંદરે મધ્યકાલીન પરંપરાના અનુસંધાન રૂપની જ આ ધારાની બારમાસીઓ છે. અહીં લોકમાનસ પડઘાતું સંભળાય છે. લોકના ગમા-અણગમા, આનંદ-દુ:ખના ભાવો, કૌટુંબિક પાત્રસૃષ્ટિને આધારે કે પછી કૃષ્ણ-રાધા કે રામ-સીતા જેવાં લોકચિત્તમાં સ્થિર પાત્રોને આધારે અભિવ્યક્તિ પામ્યા હોય છે. રાધા-કૃષ્ણ અહીં આલેખાયાં છે એમાં નર્યા પૌરાણિક પ્રસંગો નથી, પરંતુ માનવજીવનની ગતિવિધિ ને માનવચરિત્રોને આધારે એ રચાયેલ છે. લોકસાહિત્યવિષયક બારમાસીમાં પૌરાણિક ચરિત્રોનાં માધ્યમ વડે અભિવ્યક્તિ આપવામાં આવી છે એમ કહી શકાય. એના પ્રકારો આ વિષયની બારમાસીમાં વિગતે રસલક્ષી સમીક્ષા ક્યારેક જોઈશું. આમ મધ્યકાલીન ગુજરાતીની કે લોકસાહિત્યની જે બારમાસીઓ જોઈ એમાં ભિન્નતા હોવા છતાં એ બની રહે છે તો બારમાસી જ. માત્ર મહિનાઓના બાહ્ય-વિનિયોગને કારણે નહીં પણ એમાંના આંતરિક ઘટકો અન્ય સમીપવર્તી સાહિત્યસ્વરૂપોની કક્ષાના હોવા છતાં જુદા પડે છે એ કારણે એ અલગ અને અનોખી એવી બારમાસી જ બની રહે છે. વિવિધ સમીપવર્તી સાહિત્યસ્વરૂપોની કક્ષાની વિષયસામગ્રી અને અભિવ્યક્તિનું સ્વરૂપ સ્વીકારીને પણ બારમાસી કાવ્યપરંપરાને સમૃદ્ધ કરનારી આ બધી કૃતિઓ છે અને એ કારણે હકીકતે સ્વરૂપ સમૃદ્ધ થયું છે, કે વિકસ્યું છે એમ કહી શકાય એવું મને જણાયું છે.
લોકસાહિત્યની બારમાસીઓ
મારા આ સ્વાધ્યાયમાં બારમાસીઓના એકત્રીકરણ માટે મુદ્રિત બારમાસીઓનું ચયન કરવાનું આયોજન વિચારેલું. એટલે લોકસહિત્યવિષયક 'લોકસાહિત્યમાળા'ના ૧થી ૪ મણકાઓ, ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, પુષ્કર ચંદરવાકર, ખોડીદાસ પરમાર અને અન્યનાં સંપાદનોમાંથી બારમાસીઓ એકત્ર કરેલી. પછી એ બધી બારમાસીઓના અભ્યાસ કરીને સમાન બારમાસીઓને બાદ કરીને બચેલી સત્તાવીશ બારમાસીઓનો અભ્યાસ અત્રે પ્રસ્તુત કરેલ છે. અહીં આથી લોકસાહિત્યમાળાના ૧થી ૪ મણકાઓ, ‘રઢિયાળી રાત, ભાગ-ર' અને 'લોકસાહિત્યનાં ઋતુગીતો’ એમ ત્રણ સંપાદનોમાંથી લોકસાહિત્યની કુલ ૨૭ બારમાસીઓ અહીં વિષયસામગ્રી પ્રમાણે વિભાજિત કરીને નવો ક્રમ આપીને સંકલનરૂપે મૂકી છે. મારા અભ્યાસમાં મેં આ બારમાસીઓનાં માત્ર શીર્ષક જ નિર્દેશ્યાં છે. પ્રત્યેક બારમાસીઓની નીચે એનો ગ્રંથસંદર્ભ એ પૃષ્ઠાંક પણ કૌંસમાં મૂક્યા છે. અભ્યાસીઓને સામગ્રી સુલભ થાય એવો એની પાછળ શુભાશય છે. અને માટે બારમાસીઓના સંપાદકો-પ્રકાશકો પરત્વે ઋણસ્વીકારભાવ પ્રગટ કરું
(૧)
વાલા!
વાલા! માગશરે મથુરા ભણી રે,
મારે કરમે આ કુબજા ક્યાં મળી રે?
વાલા! પોષ સુકાણી હું તો શોષમાં રે!
તે દિ'ની ફરું છું ઘણા રોષમાં રે!
વાલા! મા' મહિને મેલી ગિયા રે,
દીનાનાથ નમેરી શું થયા રે!
વાલા! ફાગણ હોળી હૈયે બળે રે,
દીનાનાથ ગોત્યા ક્યાંય નવ મળે રે!
વાલા! ચૈતરે ચિંતા થાય છે રે,
ધીરપ રાખું ત્યાં જોબન વહી જાય છે રે!
વાલા! વૈશાખે વન વિચરી રે,
નાર નાની ને મોટી જોવા નીસરે રે!
વાલા! જેઠ આવ્યો ને હવે શું કરું રે?
દીનાનાથ વન્યા હવે નહિ ફરું રે!
વાલા! અષાઢી ઘામઘોરિયા રે,
ઝીણા ઝરમર વરસે મા મેહુલા રે!
વાલા! શ્રાવણે શેરિયું વળાવતી રે,
નાથ આવે તો નેણ ભરી ન્યાળતી રે!
વાલા! ભાદરવો ભર રંગમાં રે,
એની ઊલટ ઘણેરી મારા અંગમાં રે!
વાલા! આસોનાં અજવાળિયાં રે,
નાથ! આવો તો મારે મંદર જાળિયાં રે!
વાલા! કારતકે કાન ઘેરે આવિયા રે,
માતા જશોદાને મન બહુ ભાવિયા રે!
('રઢિયાળી રાત' - ૨ : પૃ. ૧૨૭, ૧૨૮)
(૨)
રાધિકાના મહિના
કહો ને સખી કારતક કેમ જાશે,
કે વનમાં મોરલી કોણ વાશે.
કે મહીનો દાણી કોણ થાશે,
કે જમુના જવા દો પાણી!
કે માગશરે મન મારું મળિયું,
કે વિષયાભાવ થકી ટળિયું,
કે જેમ લૂણ પાણીમાં ભળિયું,
કે જમુના જાવા દો પાણી!
કે પોષે શોષ પડ્યા અમને,
વ્હાલા! મારા શું કહીએ તમને,
કે દિલાસા દીધા છે અમને,
કે જમના જાવા દો પાણી!
કે માથ મકર તણે માતે,
કે ફૂલડિયાં વેરતી'તી ખાંતે,
કે વાલાજી મારા મથુરાની વાટે,
કે જમુના જાવા દો પાણી!
કે ફાગણે ફળ ફૂલે હોળી,
કે ઓઢ્યાં ચરણા ને ચોળી,
કે ચૂંદડી કેસરમાં રોળી,
કે જમુના જાવા દો પાણી!
દે ચઈતરે ચુરા ચિત્ત ધરતી,
કે વ્હાલાજીના ગુણ ગાતી ફરતી,
કે તોયે મારા વ્હાલે કીધી વરતી,
કે જમુના જવા દો પાણી!
કે વઈશાખે વાળા વાવલિયા,
કે ઘેર પધારો નાવલિયા,
કે દૂધડે ધોઉં તારા પાવલિયા,
કે જમુના જવા દો પાણી!
કે જેઠે જગજીવન આવ્યા,
કે સહુ લોક વધામણી લાવ્યા,
કે વ્હાલાજી મારા કશુંયે ના લાવ્યા,
કે જમુના જાવા દો પાણી!
કે અષાઢે અબળા થઈ ઝાંખી,
કે વહાલે મારે ભરજોબનમાં રાખી,
કે વિચારો હવે વાત થશે. વાંકી,
કે જમુના જાવા દો પાણી!
કે શ્રાવણ સરવડીએ વરસે,
કે નીર નદીએ ઘણાં ઢળશે,
કે કોયલડી ટહુક ટહુક કરશે,
કે જમુના જાવા દો પાણી!
કે ભાદરવો ભલી પેર નાજે,
કે સહિયર ઘેર વલોણું ગાજે,
કે તે તો મારા રુદિયામાં દાઝે,
કે જમુના જાવા દો પાણી!
કે આસોની રજની અજવાળી,
કે સેવ વણું રે સુંવાળી,
કે વાલા વિના આ શી દિવાળી,
કે જમુના જાવા દો પાણી!
કે રાધાના હાથે સોનાની ચૂડી,
કે રમતાં દીસે છે રૂડી,
કે દુ:ખ રે સરવે ગયાં બૂડી,
કે જમુના જાવા દો પાણી!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા : પૃ. ૩૩૫, ૩૩૬, ૩૩૭)
(૩)
વ્હાલાજી
કારતક મહિને મે'લી ચાલ્યા કંથ રે, વ્હાલાજી!
આ પ્રીતલડી તોડીને ચાલ્યા પંથ, મારા વ્હાલાજી!
માગશર મહિને મુજને નો કહી વાત રે, વ્હાલાજી!
આ આવડલી તે રીસ નો કરીએ નાથ, મારા વ્હાલાજી!
(માગશર મહિને મંદિર ખાવ ધાય રે, વ્હાલાજી!
આ એકલડી દાસીના દિન કેમ જાય, મારા વ્હાલાજી!)
પોષ મહિને પડિયા મુજને સોસ રે, વ્હાલાજી!
આ જોશીડા તેડાવો જોવે જોષ, મારા વ્હાલાજી!
(ભાઈ જોશીડા! જો રૂડા જોષ રે, વ્હાલાજી!
આ કે'જે મારા કરમ કેરા દોષ, મારા વ્હાલાજી!)
મહા મહિનાની ટાઢ્યું મુજને વાય રે, વ્હાલાજી!
આ હેમાળો હલક્યો તે કેમ રે'વાય, મારા વ્હાલાજી!
ફાગણ મહિને ફેર તણી છે હોળી રે, વ્હાલાજી!
આ ફળિયાની પાડોશણ રંગમાં રોળી, મારા વ્હાલાજી!
ચૈતર મહિને ચિત્ત કરે છે ચાળા રે, વ્હાલાજી!
આ ઘેર પધારો મોહન મોરલીવાળા, મારા વ્હાલાજી!
વૈશાખે કૈં વનસપતિ બહુ પાકી રે, વ્હાલાજી!
આ પાકી છે કાંઈ દાડમડી ને દ્રાક્ષ, મારા વ્હાલાજી!
જેઠ મહિને જઈ બેઠા છે ઠેઠ રે, વ્હાલાજી!
આ ઠેઠ જઈને ભરનીંદરમાં સૂતા, મારા વ્હાલાજી!
આષાઢીલાં ઘનઘેર્યા આકાશ રે, વ્હાલાજી!
આ વાદલડીમાં વીજ કરે પરકાશ, મારા વ્હાલાજી!
શ્રાવણ મહિને સડવડ દડવડ વરસે રે, વ્હાલાજી!
મા નદિયુંમાં કંઈ છલકે બો'ળાં નીર, મારા વ્હાલાજી!
ભાદરવે તો ભદરિયે, હું ડૂબી રે, વ્હાલાજી!
આ કંથ વિના કર ઝાલી કોણ ઉગારે, મારા વ્હાલાજી!
આસો માસે આવેલી દિવાળી રે, વ્હાલાજી!
આ તમ કાજે હું સેવ વણું સુંવાળી, મારા વ્હાલાજી!
મેં જાણ્યું જે ઊજળું એટલું દૂધ રે, વ્હાલાજી!
આ જાતે ને જનમારે માંડ્યાં જૂધ, મારા વ્હાલાજી!
મેં જાણ્યું જે લીલુંડા એટલા મગડા રે, વ્હાલાજી!
આ જાતે ને જનમારે માંડ્યાં ઝઘડા, મારા વ્હાલાજી!
મેં જાણ્યું જે કાંત્યું એટલું સૂતર રે, વ્હાલાજી!
આ ઘેર પધારો સાસુડીના પૂતર, મારા વ્હાલાજી!
નથી લખ્યો એક કાગળિયાનો કટકો રે, વ્હાલાજી!
આ શીદ રાખ્યો છે દિલમાં આવડો ખટકો, મારા વ્હાલાજી!
સમદરિયા! તું શીદ ભર્યો છો ખારો, વ્હાલાજી!
આ નથી એકે ઊતરવા કેરો આરો, મારા વ્હાલાજી!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૭, ૩૪૮)
(૪)
લાલજીના મહિના
લાલજી! કારતક મહિને રથ જાદવરાયે જાતર્યા
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! માગશર મહિને મેલી મથુરા ગયા
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! પોષ મહિને પોપટ બેઠો પાંજરે
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! મહા મહિનાની સેજલડી સૂની પડી
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! ફાગણ મહિને કેસૂડો રંગ ધોળિયો
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! ચૈતર મહિને ચતુરભુજ ચાઈલા ચાકરી
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! વૈશાખ મહિને વાયે હિંડોળા ઝૂલતા
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! જેઠ મહિને જગજીવન ઘેર આવિયા
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! અષાઢ મહિને અબળાને સુખ આપજો
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! શ્રાવણ મહિને સરવડેથી વરસિયો
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! ભાદરવો ભલી પેરે ગાજિયો
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! આસો મહિને દિવાળી ભલ આવિયાં
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! ફૂલવાડીમાં રંગીન બાવળ લાકડાં
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! તેની ઘડાવું નવરંગ પાવડીઓ
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! પાવડીઓ પહેરીને મારે મો'લે આવજો
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! પાવડીઓથી રડ્યાખડ્યા તો ભલે પડ્યા
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
લાલજી! બળતીજળતી બોલું છું પણ ઘણી ખમા
ઓ લાલ! વહેલા આવજો હો લાલ!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૩૩, ૩૩૪)
(૫)
સાંભળ સાહેલી
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ સુખનાં સરોવર સૂકઈ જિયાં,
મારે દુ:ખનાં ઊજ્યાં ઝાડ, સાંભળ સાહેલી!
આ ગોવિંદ હાથે અંગૂઠડી,
મારે જોયાથી સુખ થાય, સાંભળ સાહેલી!
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ કારતક મૈનો કામનો,
મારા આંગણનો શણગાર, સાંભળ સાહેલી!
આ માગશર મૈને માયા ઉતારી,
મને મેલી ચાલ્યા વનવાસ, સાંભળ સાહેલી!
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ પોષ મૈનાની પૂનમડી,
ઊજળાં રાંધ્યાં ધાન, સાંભળ સાહેલી!
આ મા' મૈનાની ટાઢ ઘણેરી,
ઓઢણ સાચેરાં ચીર, સાંભળ સાહેલી!
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ ફાગણ ફાલ્યો ફાલવે,
આ ફાલ્યાં કેશુડાનાં ઝાડ, સાંભળ સાહેલી!
આ વૈશાખે વનસપતિ મોરી,
મોર્યાં દાડમ દરાખ, સાંભળ સાહેલી!
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ સુખનાં સરોવર સૂકઈ જિયાં,
મારે દુ:ખનાં ઊજ્યાં ઝાડ, સાંભળ સાહેલી!
આ ગોવિંદ હાથે અંગૂઠડી,
મારે જોયાથી સુખ થાય, સાંભળ સાહેલી!
આ જેઠ મૈને તો અગન ઘણેરી,
ગોપિયું ગરબા ગાય, સાંભય સાહેલી!
આ અષાઢ મૈને હેલી ઘણેરી,
મધરા બોલે મોર, સાંભળ સાહેલી!
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ સરાવણ મૈને વરહે સરવરડાં,
નદીએ હાલે નીર, સાંભળ સાહેલી!
આ ભાદરવો મૈનો ભલ ગાજિયો,
સરદર ગરજે નીર, સાંભળ સાહેલી!
આ આસો મૈને આઈ દિવાળી,
ઘર ઘર દીવા થાય, સાંભળ સાહેલી!
સાહેલી ઊભી શાન કરે,
હું ચ્યમ કરીને આવું, સાંભળ સાહેલી!
આ સુખનાં સરોવર સૂકઈ જિયાં,
મારે દુ:ખનાં ઊજ્યાં ઝાડ, સાંભળ સાહેલી!
આ ગોવિંદ હાથે અંગૂઠડી,
મારે જોયાથી સુખ થાય, સાંભળ સાહેલી!
(‘લોકસાહિત્યમાળા મણકો-૧૩' : પૃ. ૧૮૪, ૧૮૫, ૧૮૬)
(૬)
વિનતિ
કારતકે કૃષ્ણ સિધાવ્યા વન
કે વ્રજ કરે વિનતિ રે લોલ.
માગશરે મેલી ગયા મહારાજ
કે નેણે નીર ઝરે રે લોલ.
પોષે પ્રભુજી ગયા પરદેશ
નારીને મેલ્યાં એકલાં રે લોલ.
માહે મંદિર ખાવા ધાય
કે સેજ શા કામની રે લોલ?
ફાગણે ફૂલડાં કેરો હાર
ગૂંથીને લાવે ગોપિયું રે લોલ.
ચૈતરે સૂરજ તપે આકાશ
કે તેથી મારાં અંતર તમે રે લોલ.
વૈશાખે વનમાં ગોપિયું જાય
કે વાલાજીને ગોતવા રે લોલ.
જેઠે જુગજીવન ઘેરે આવ્યા
સંદેશો મારો શું રે લાવ્યા રે લોલ?
અષાઢે ઝીણી ઝબૂકે વીજ
મધુરા બોલે મોરલા રે લોલ.
શ્રાવણે સોળ સજ્યા શણગાર
કે આંખડી ને આંજિયે રે લોલ.
ભાદરવો ભર જોબનમાં જાય
દિવસ જવા દોયલા રે લોલ.
આસો માસે દિવાળીની સેવું
વાલાજી વિના કોણ જમે રે લોલ?
('રઢિયાળી રાત' - ૨ : પૃ. ૧૩૯, ૧૪૦)
(૭)
વૈરાગના મહિના
કારતક આવ્યો ઓ સખી! સજિયા સોળ શણગાર,
ઓઢવાને નવરંગ ચૂંદડી, કંઠે એકાવળ હાર,
હવે તો ઘરમાં નથી ગોઠતું, જાણે લઉં વૈરાગ!
માગશરે મૂકી ગયા મનમાં ન આણી મે'ર,
રીસ કરી ચાલ્યા ગયા, કુબજા-શું કીધી લે'ર,
કહો હરિ! કેમ હું એકલી, મારો શો અપરાધ?
પોષ મહિનાની પૂનમે સમણાં લાગ્યાં સાર,
– હવે તો.
સોળે શણગાર પણ મેં ધર્યા, ન આવ્યા દીનદયાળ,
કહો હરિ! કેમ હું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
ફાગણ ફૂલ્યો ફૂદડે, વનમાં કેસૂડાં લાલ,
કસ્તૂરી નાં, ઊડે અબીલ ગુલાલ,
કહો હરિ! કેમ હું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
ચઈતરે ચંપો લેરિયો, મોરી દાડમ દરાખ,
કોયલડી ટહુકા કરે, ભમર કરે ગુંજાર,
કહો હરિ! કેમ હું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
વૈશાખે વાયા વાયરા, તમે રાધાજીનું તન,
રાધા રહ્યાં, નથી બોલ્યાનું મન,
કહો હરિ! કેમ હું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
જેઠ મહિને, છૂટી રાધાજીનાં વેણ,
રાધા રહ્યાં, નથી બોલ્યાનું મન,
કહો હરિ! કેમ હું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
અષાઢ આવી ઊલટ્યો, મેઘલો માંડ્યો છે જોશ,
ગોરી ભીંજાય ઘરઆંગણે, પિયુ ભીંજાય પરદેશ,
કહો હરિ! કેમ રહું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
શ્રાવણ વરસ્યો સરવડે, નદીએ નિર્મળ નીર,
સુપનાંતરમાં દેખિયા હરિ! હળધરના વીર,
કહો હરિ! કેમ રહું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
ભાદરવો ભલે ગાજિયો, ભલો વરસ્યો છે મેઘ,
વીજલડી ચમકાર કરે, ચહુદિશ ચાલ્યાં નીર,
કહો હરિ! કેમ રહું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
આસો માસે નવરાતડી, નવ દહાડા નવ રાત,
સહુ ગોપીઓ ટોળ મળી, માંડવલી મંગળ ગાય,
કહો હરિ! કેમ રહું એકલી, મારો શો અપરાધ?
– હવે તો.
(८)
કૃષ્ણના મહિના
કારતકે કૃષ્ણ ગયા મેલી રે,
મારે ઘેર આવો વનમાળી,
કુબજા કેમ રે ગમે કાળી?
આવો હરિ! રાસ રમેવાને.
માગસર મારગડે રમતાં,
ભેળાં બેસી ભોજનિયાં જમતાં,
હવે હરિ કેમ નથી ગમતાં?
આવો હરિ! રાસ રમેવાને.
પોષે તો શોષ પડ્યા અમને,
ત્રિકમજી! શું કહીએ તમને?
દિલાસા શા રે દીધા અમને?
આવો હરિ! રાસ રમેવાને.
માઘે મહા અંધારી રાતો,
ફૂલડાંએ બિછાવી ખાટ્યો,
વહાલે લીધી મથુરાની વાટ્યો,
આવો હરિ! રાસ રમેવાને.
ફાગણે ફેર ફરે હોળી,
પહેરણ ચરણાં ને ચોળી,
ચૂંદડી કેસરમાં રોળી,
આવો હરિ! રાસ રમેવાને.
ચઈતરે ચિતડું કરે ચાળા,
મધુવન મોરલીઓવાળા,
દરશન દોને ડાકોરવાળા,
આવો હરિ! રાસ રમેવાને.
વઈશાખે વાટલડી જોતી,
ઊભી ઊભી ધ્રુસકેડે રોતી,
પાલવડે આંસુડાં લોતી,
આવો હરિ! રાસ રમેવાને
જેઠે જગજીવન આવે,
વધામણી સહુ લોક લાવે,
વાલો મારો કશુંયે ન કહાવે,
આવો હરિ! રાસ રમેવાને
અષાડે અબળા રહી ઝાંખી,
વહાલે મારે ભરજોબન રાખી,
વિચારો તો વાત થશે વાંકી,
આવો હરિ! રાસ રમેવાને
શ્રાવણ જતો સરવડીએ વરસે,
નદીએ નીર ઘણાં ઢળશે,
વાલો મારો કેમ કરી ઊતરશે?
આવો હરિ! રાસ રમેવાને
ભાદરવો ભલી પેઠે ગાજે,
વાલા, થઈ વિહુવળ તમ કાજે,
વાલો મારો જરીયે ના લાજે,
આવો હરિ! રાસ રમેવાને
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૩૭, ૩૩૮, ૩૩૯)
(૯)
કૃષ્ણના મહિના
કારતકે કૃષ્ણ ગયા કાળી,
મારે ઘરે આવો વનમાળી!
કુબજા તો સૌને ગમે કાળી,
ઓધવજી! ના રે ઘટે હરિને!
માગશરે મરઘાં તણી રાતે,
ગૌરીને દોવાને જાતે,
વાલો મારો મથુરાની વાટે,
ઓધવજી! ના રે ઘટે હરિને!
પોષે શોષ પડ્યા અમને!
જીવણજી! શું નમીએ તમને?
દિલાસા શાને દીધા અમને?
ઓધવજી! ના રે ઘટે હરિને!
માહે તો માઝમની રાતે,
ફૂલડાં વેરંતી વાટે,
વાલો મારો યમુનાને ઘાટે,
ઓધવજી! ના રે ઘટે હરિને!
ફાગણ ફેરા ફરું હોળી,
પે'ર્યા હરિ! ચણિયા ને ચોળી,
કેસર બહુ છાંટ્યાં છે ઘોળી,
ઓધવજી! ના રે ઘટે હરિને!
ચઈતરે ચિત્ત કરે ચાળા,
આવો હરિ મોરલીવાળા!
દરશન દિયોને દયાળા,
ઓધવજી! ના રે ઘટે હરિને!
વઈશાખે વાયા વાવલિયા,
ઘરે પખારો નાવલિયા!
દૂધડે ધોઉં તારા પાવલિયા,
ઓધવજી! ના રે ઘટે હરિને!
જેઠ જદુપતિ આવ્યા,
જેમ તેમ સંદેશો લાવ્યા,
વાલો મારો મેલી ગયો માયા,
ઓધવજી! ના રે ઘટે હરિને!
અખાડે અબળા થઈ ઝાંખી,
વા'લે મારે ભરજોબન રાખી,
વિચારે તો વાત છે વાંકી,
ઓધવજી! ના રે ઘટે હરિને!
સરાવણ સરવરિયો વરસે,
નદીમાં નીર ઘણાં ભરશે,
વા'લો મારો કેમ ઊતરશે?
ઓધવજી! ના રે ઘટે હરિને!
ભાદરવો ભરિયેલો ગાજે,
મધુરી શી મોરલી વાજે, વાલા!
તને બાંધેલો સાજે,
ઓધવજી! ના રે ઘટે હરિને!
અસવાન માથે દિવાલડી,
સેવ વણું તો સુંવાળી,
પ્રભુ વિના કેમ નમે નારી?
ઓધવજી! ના રે ઘટે હરિને!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૩૯, ૩૪૦, ૩૪૧)
(૧૦)
કારત કેમ જાશે વાલો રે?'
મહીનો દાણી કોણ થાશે રે? ...........જમના જવા દો પાણી રે!
માગશર મકરની રાતુ રે!
વાલા! મારે મેલા મધુવાટે રે! ............જમના જવા દો પાણી રે!
પોસે સોસ પડા અમને રે!
પ્રભુજી! શું કહીયે તમને રે! ..............જમના જવા દો પાણી રે!
માહે મન મારું, મોહ્યું રે!
શામળીયે સનમુખ જોયું રે! ...............જમના જવા દો પાણી રે!
ફાગણ ફેર ફરે હોળી રે!
ચૂંદડી મારી કેસુડે રોળી! .................જમના જવા દો પાણી રે!
ચૈત્રે ચીંત કરો ચાળા રે!
ઘેર આવો મીઠી મોરલીવાલા રે! .......જમના જવા દો પાણી રે!
વૈશક વાવલીયા વાયા રે!
ગોરી! તારો નવહલીયો નવો રે! .......જમના જવા દો પાણી રે!
જેઠે જુગજીવન ના'વ્યા રે
સંદેશો કોઈ ન લાવ્યા રે! ! ............જમના જવા દો પાણી રે!
અસાડી મોરલીયા બોલે રે!
પ્રભુજી! તે ના ખેતમ તોલે રે! ..........જમના જવા દો પાણી રે!
શ્રાવણ સરવડીયે વરસે રે!
વાલો મારો મથુરા જઈ વસે રે! ........જમના જવા દો પાણી રે!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૧૦૪, ૧૦૫)
(૧૧)
મહિના
કારતક મહિનેનો કાનજી રે,
મેલી ચાઈલા પરદેશ,
હું છું નારી અલબેલી!
માગશર મહિનેનો માવજી રે,
વઈસા પેલી હો તેડ,
કુંજર લાઈગાં રે હરિ! ઝૂરવા.
પોષ મહિનેની પ્રીતડી રે,
પ્રીત તોડી શીદ જાવ?
આડો શીળો મારો વહી ગયો!
મહા મહિનેની સેજડી રે,
સેજ મારી વેરણ હો રાત,
સૂતાં ના'વે જરી નીંદડી!
ફાગણ ફૂલ્યો રે હરિ! ફૂલડે,
ફૂલ્યાં કેસરનાં ઝાડ,
માલણ લાવે રે હરિ! મોગરો!
ચઈતરે રે ચંપો રોપિયો.
રોપી દાડમ દરાખ,
ફળ ફૂલની રે ધરું છાપલી!
વૈશાખે રે વન વેડિયાં,
વેડી આંબા હો ડાળ,
રસ ઘોળાયો હરિ! વાડકે.
જેઠે જાણ્યું રે હરિ આવશે,
નહિ આવ્યા નણદીના વીર,
કોની સાથે રે હરિ! જમશું?
અખ્ખાડ વરઈસો અંધારિયો,
વરઈસો ઝીણેરો મેઘ,
વીજલડી રે ચમકાર કરે!
શ્રાવણ વરઈસો સરોવરે,
નદીઓ જાયે ભરપૂર,
વાલો મારો કેમ ઊતરશે?
ભાદરવો રે ભર ગાજિયો,
ગાજિયો અગન ગગન
વીજલડી રે ચમકાર કરે!
અશ્વાન માસે દિવાલડી,
સજની સોળે શણગાર,
અણવટ ટીલડી રે હરિ! શોભતી.
('ગુજરાત લોકસાહિત્યમાળા' : પૃ. ૩૩૧)
(૧૨)
રમવા આવો ને રે!
આવો આવો ને નંદલાલ, રમવા આવો ને રે!
કારતક તો મેં કષ્ટે રે કાઢ્યો
નિરદે થયા નંદલાલ
રમવા આવો ને રે!
માગશરે મારગડે રે મેલી
હવે અમારું કોણ છે બેલી?
વા'લા વિણ થઈ છું ઘેલી
રમવા આવો ને રે.
પોષે તો મારા પ્રાણ તજું છું;
લોકડિયાની લાજ લોપું છું,
સંસારત્યાગ કરું છું.
રમવા આવો ને રે. – આવો.
મહા મહિને મંદિરિયાં રે સૂનાં,
હરિ વિના આસનિયાં રે જૂનાં,
વા'લા વિના જાય છે જોબનિયાં,
રમવા આવો ને રે. – આવો.
ફાગણે ફગફગતી રે હોળી,
અબીલ ગુલાલ ભરાવું રે ઝોળી,
વા'લા વિના કોણ ખેલે હોળી?
રમવા આવો ને રે. – આવો.
ચૈતરે તો મને ચિંતા રે લાગી,
સૂની સેજલડીમાં ઝબકીને જાગી,
વા'લા લહે મને લાગી,
રમવા આવો ને રે. – આવો.
વૈશાખે વાવલિયા રે વાયા,
આંખ ઉઘાડીને ચોય દશ જોય,
આંસુ પાલવડે લોયાં,
રમવા આવો ને રે. – આવો.
જેઠ માસે જુગજીવણ આવે,
સૌ લોકો સંદેશા રે લાવે,
વા'લો મારો કંઈયે ન કહાવે,
રમવા આવો ને રે. – આવો.
આષાઢે હું અબળા રે નારી,
જોબન દરિયે પૂર છે ભારી,
વા'લે મારે મેલ્યાં વિસારી,
રમવા આવો ને રે. – આવો.
શ્રાવણે સરવડિયાં રે વરસે,
નદીએ નીર બોળેરાં ઊભરાશે,
વા'લા મારો કેમ ઊતરશે!
રમવા આવો ને રે. – આવો.
ભાદરવો ભર દરિયે રે ગાજે,
લીલુડાં વન નવપલ્લવ છાજે,
વા'લા મારો લગરી ન લાજે,
રમવા આવો ને રે. – આવો.
આસો તે માસે આવી દિવાળી
લોક વણે છે સેવ સુંવાળી
વા'લા વિના આ શી દિવાળી!
રમવા આવો ને રે. – આવો.
('રઢિયાળી રાત - ૨ : પૃ. ૧૩૪, ૧૩૫, ૧૩૬)
(૧૩)
આવો હરિ!
કારતકે કૃષ્ણ ગયા મેલી,
મારે ઘેર આવો વનમાળી!
કુબજા કેમ રે ગમે કાળી?
આવો હરિ! રાસ રમો વાલા!
માગશરે મારગડે રમતાં,
ભેળાં બેસી ભોજનિયાં જમતાં,
હવે હિર કેમ નથી ગમતાં!
આવો હરિ! રાસ રમો વાલા!
પોષ તો શોષ પડ્યો અમને,
ત્રિકમજી! શું કહીએ તમને?
દિલાસા દૈ રે ગયા અમને
આવો હરિ! રાસ રમો વાલા!
માઘે મહા અંધારી રાત્યો,
ફૂલડિયે બિછાવી ખાટ્યો,
વા'લે લીધી મથુરની વાટ્યો!
આવો હરિ! રાસ રમો વાલા!
ફાગણ માસે ફેરા ફરે હોળી,
સૈયરું પે'રે ચરણાં ને ચોળી,
કેસૂડાં બહુ રે છાંટ્યાં બોળી,
આવો હરિ! રાસ રમો વાલા!
ચૈતરે ચતુરા નાર કે'તી,
વાલાજીના ગુણ ગાતી ફરતી,
પરભુ મારા તોય કીધી તરતી!
આવો હરિ! રાસ રમો વાલા!
વૈશાખે વાટલડી જોતી,
ઊભી ઊભી ધ્રુસકડે રોતી,
આંસુડાં પાલવડે લહોતી,
આવો હરિ! રાસ રમો વાલા!
જેઠે તો જગજીવન આવે,
વધામણી લોક બધાં લાવે,
વાલો મારો કાંઈયે નો કહાવે!
આવો હરિ! રાસ રમો વાલા!
અષાઢે ઇંદ્ર ઘણા વરસે,
નદીનાળાં છલોછલ ઊભરશે,
વાલો મારો કેમ કરી ઊતરશે?
આવો હરિ! રાસ રમો વાલા!
શ્રાવણ તો સરવડીએ વરસે,
ઝીણા ઝીણા મેવલિયા વરસે,
વાલા મારા તોય મરું તરસે!
આવો હરિ! રાસ રમો વાલા!
ભાદરવો ભર દરિયે ગાજે,
સામે ઘેર વલોણાં વાજે,
એ તો મારા હૈડામાં સાજે!
આવો હરિ! રાસ રમો વાલા!
આસો માસ આવી છે દિવાળી,
સૈયરું રાંધે સેવું સુંવાળી,
પરભુને જમાડું વાળી વાળી!
આવો હરિ! રાસ રમો વાલા!
('રઢિયાળી રાત' - ૨ : પૃ. ૧૩૭, ૧૩૮, ૧૩૯)
(૧૪)
બાર મહિના
સખી! કારતક મૈને મનાવો શાળિયા,
કોઈ દશેડો[1] રૂડા કાન, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! માગશર મૈને પધારો શામળયા;
હેત કરીને આજ, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! પોષ મૈને પરીત લાગી શામળિયા.
કામણ કરતા કાન, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! મા’ મૈનો મોંઘો ઓ શામળિયા,
મારા મનમાં માન્યાં હેત, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! ફાગણ મૈને ઊડે ગલાલ શામળિયા,
ફૂલડાંની ફોરમ થાય, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! ચૈતર મૈને ચિત્ત કરે ઉચાટ શામળિયા;
ચંદન ચોક પૂરાય, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! વૈશાખ મૈને વનસપતિ ફાલી શામળિયા;
કાંઈ ફાલી દાડમ રાખ, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! જેઠ મૈને જોઉં વાટ શામળિયા;
કાંઈ ના'યા નાનેરા નાથ, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! અષાઢ મૈને આભ વીજલડી થાય શામળિયા,
કાંઈ બોલે બપૈયા બોલ, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! સરાવણ મૈને શિવની પૂજા થાય શામળિયા,
કાંઈ ચડે બીલીનાં પાન, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! ભાદરવે તો ભલી ઝબકે રાત શામળિયા;
કાંઈ વરહે મેઘની ધાર, રાધેના રસિયા મંદિર આવોને!
સખી! આસો મૈને આઈ દિવાળી શામળિયા;
સૌ રાંધે સેવ સુંવાળી, રાધેના રસિયા મંદિર આવોને!
('લોકસાહિત્યમાળા મણકો-૧૩' : પૃ. ૧૬૬, ૧૬૭)
(૧૫)
રાધાવિરહ - ૧
કારતક કમળા કાનજી કૈં આલુંના શણગાર,
હર[2] કૈં આલુંના શણગાર, ગોવિંદ ઘેર ના આયવા રે.
માગસર મહિને મનોહરા એનું રૂપે[3] છત્રી [4] ભાજન થાય,
હર એનું રૂપે છત્રી ભોજન થાય, ગોવિંદ ઘેર ના આયવા.
પોષ મઈનાની ટાળો[5] ઘણી ને,
ગોપી પહેરો ચરનાં ચીર[6]; (૨) ગોવિંદ.
મા મઈને હેમાળો હળક્યો,
ને ઘરમાંનો રે'વાય; (૨) ગોવિંદ.
ફાગણ ફૂઇલો ફૂઇડાં ને કૈં,
મધુરા શી બોલે મોર; (૨) ગોવિંદ.
ચૈતર ચંપો મોરિયો ને કૈં
મારી દાડમ દ્રાક્ષ; (૨) ગોવિંદ.
વૈશાખે વન વેડિયાં ને કૈં
વેડી આંબા ડાળ; (૨) ગોવિંદ.
જેઠે મહિને જગવિયાં ને હૈં,
જગવ્યાં જે કાર [7] ; (૨) ગોવિંદ.
અખાડે અન્ન ઊઈમટાં[8] ને કૈં
વરસ્યો છે વરસાદ; (૨) ગોવિંદ.
શ્રાવણ વરઈસો[9] સરોવળીયે[10] ને કૈં
નદીનાળાં ભરપૂર. (૨) ગોવિંદ.
ભાદરવો ભર ગાજ્યો ને કૈં
જગવ્યાં જે જે કાર; (૨) ગોવિંદ.
આસો માસો દિવાળલી ને
ગોપી ગરબે રમવા જાય; (૨) ગોવિંદ.
બાર મહિના પૂરા થયા ને કૈં,
તેરમે અધિક માસ; (૨) ગોવિંદ.
(‘લોકસાહિત્યમાળા મણકો-૬' : પૃ. ૮૫, ૮૬)
(૧૬)
રાધાવિરહ - ૨
કારતકે કૃષ્ણ ગયા મેલી,
હવે, હરિ! શું કહીએ તમને?
આવો હરિ! શામળિયા વા'લા![11]
માગસરે મારગળે [12] જયા' તાં
ભેળાં બેસી ભોજનિયાં જમતાં,
હવે હરિ! શેં નથી ગમતાં?
આવો હરિ! શામળિયા વા'લા!
પોષે તો શોધે પઈળો[13] અમને,
વા'લા મારા શું કહીએ તમને?
આવો હરિ! શામળિયા વા'લા!
મહા સતી મારગળે રમતાં,
હવે હરિ! શેં નથી ગમતાં?
આવો હરિ! શામળિયા વા'લા!
ફાગણે ફેરા ફરે હોળી!
ચૂંદણી મારી કેસર મેં રોળી!
આવો હરિ! શામળિયા વા'લા!
ચૈતરે ચિત્ત કરે ચાળા,
મધુવન મોરલીઓવાળા,
વા'લા મારા મેલી ગયા અમને,
આવો હરિ! શામળિયા વા'લા!
વૈશાખે વાટલળી[14] જોતી,
ઊભી રે ડૂસકળે[15] રોતી!
આવો હરિ! શામળિયા વા'લા!
જેઠે તો જગજીવન આવિયા,
સૌ લોકે વધામણી લાવિયા,
આવો હરિ! શામળિયા વા'લા!
દેવસીકો[16] પિયુ પિયુ કહી તલકે [17]
તરસે જીવ તલસે અમારો!
આવો હરિ! શામળિયા વા'લા!
ભાદરવો ભલી પેરે ગાજિયો,
નદીકિનારે નીર ઘણાં ખલકે!
આવો હરિ! શામળિયા વા'લા!
આસો માસો દિવાળલી આવી,
બેઠી વાંકો અંબોડો મેલી,
તેરસે ત્રંબાળું ગાજે,
દૂધડે ધોવું તારા પાવલિયા!
આવો હરિ! શામળિયા વા'લા![18]
(‘લોકસાહિત્યમાળા મણકો-૬' : પૃ. ૮૭, ૮૮)
(૧૭)
આણાં
કારતકે કૃષ્ણ સિધાવિયા ને રૂખમણી સજે શણગાર,
કોઈ કે' કરસનજી આવીઆ એને આલું નવસર હાર
કે આણાં મોકલને મોરાર!
માગશરે મેલી ગયા ને પ્રભુ! મેલ્યા માસ છ માસ,
સૈયર સંદેશા લઈ ગયા, બેની એકલડી દિનરાત
કે આણાં મોકલને મોરાર!
પોષ મહિનાની પ્રીતડી ને પ્રભુ પ્રીતે ચાલ્યા જાય,
નવી નારી સાથે મન મોયાં પ્રભુ! અમશું સરિયાં કાજ
કે આણાં મોકલને મોરાર!
મા' મહિનાનાં માયરાં ને પરણે જાદવરાય,
એક ન આવ્યા અણોસરી મારા સૂના દિવસ કેમ જાય
કે આણાં મોકલને મોરાર!
ફાગણ ફૂલ્યો ફૂલડે ને ફૂલ્યાં કેસર ઝાડ,
અબીલ ગલાલને છાંટણે રમે ગોપી ને ગોવાળ
કે આણાં મોકલને મોરાર!
ચૈતર ચંપો મોરિયો ને મોર્યા દાડમ ધ્રાખ,
કોયલડી ટૌકા કરે બેઠી આંબાની ડાળ
કે આણાં મોકલને મોરાર!
વૈશાખે વન વેડિયાં ને વેડી આંબા શાખ,
રસે ભરેલો વાટકો મને કોણ કે'શે તું ચાખ?
કે આણાં મોકલને મોરાર!
જેઠ મહિનાના તાપ ઘણા ને ઘરમાં નવ રે'વાય,
હાથનો ગૂંથેલ વીંઝણો હું કોને ઢોળું વાય?
કે આણાં મોકલને મોરાર!
આષાઢી ધમધોરિયા ને વાદળ ગાજે ઘોર,
બાપૈયા પિયુ પિયુ કરે ને મધુરા બોલે મોર
કે આણાં મોકલને મોરાર!
શ્રાવણ વરસે સરવડે ને નદીએ બોળાં નીર,
આંસુડે ભીંજાય કાંચળી નવ આવ્યા નણદીના વીર
કે આણાં મોકલને મોરાર!
ભાદરવો ભલે ગાજિયો ને ગાજ્યા વરસે મેહ,
હું રે ભીંજાઉં ઘરઆંગણે મારા પિયુ ભીંજાય પરદેશ
કે આણાં મોકલને મોરાર!
આસોનાં અંજવાળિયાં ને ગોપિયું ગરબા ગાય,
વે'લો વળજે વિઠ્ઠલા! તારી ગોરી ધાન ન ખાય
કે આણાં મોકલને મોરાર!
ખાજાં તો ખારાં થિયાં ને લાડુડા ખારા ઝેર,
જલેબીએ તો જુલમ કર્યો, દહીંથરિયે વાળ્યો દાટ
કે આણાં મોકલને મોરાર!
સોપારી તો સળી ગઈ ને સૂડીએ વળીઓ કાટ,
એલચડી તો બટાઈ ગઈ, લવિંગડે ઊઠી આગ
કે આણાં મોકલને મોરાર!
ફૂલફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર,
પેર્યો નથી પણ પેરશું મારા દાદાને દરબાર
કે આણાં મોકલને મોરાર!
સસરા માથે શલ્યા ઢળી, સાસુને ડસિયલ નાગ,
જેઠ માથે વેઠ પડી જેઠાણીને તરિયો તાવ
કે આણાં મોકલને મોરાર!
દેર રમે દડૂલડે, દેરાણી દોડાદોડ,
નણંદ મારી સાપણી, પાડોશણ મારી શોક્ય
કે આણાં મોકલને મોરાર!
મંગાવો કોઈ દોત, કલમ ને કાગળિયો લખાવ,
બાંધો પોપટને છેડલે એને સાસરીએ મોકલાવ
કે આણાં મોકલને મોરાર!
સામા ટોડા ચીતર્યા ને બચ્ચે લખ્યા બે મોર,
પરણ્યા ધણીને આટલું કે'જો, તમે માણસ છો કે ઢોર?
કે આણાં મોકલને મોરાર!
આણાં આણાં શું કરો? ગોરી! આણાં જેવડાં થાવ,
આણાંનો નથી ઓરતો! મારે નગર જોયાની ખાંત
કે આણાં મોકલને મોરાર!
સરખી તે સૈયરે કહાવિયું : બેની વેલ્ય છૂટી વડ હેઠ,
આણે આવ્યા ત્રણ જણા : મારો સસરો, દેર ને જેઠ
કે આણાં મોકલને મોરાર!
સસરાને પીરસી લાપસી ને જેઠને છૂટી સેવ,
દેરને પીરસ્યાં શીરા-પૂરી, મારી જમી છે સાસરવેલ
કે આણાં મોકલને મોરાર!
સસરો મારો રાજિયો, સાસુડી સમદર લે'ર,
જેઠ મારો જદુપતિ, જેઠાણી ઘરનો થંભ
કે આણાં મોકલને મોરાર!
દેર દડુલા દોટવે, દેરાણી નાનું બાળ,
નણંદ મારી ચરકલી પાડોશણ મારી બેન
કે આણાં મોકલને મોરાર!
સોપારી રૂડી વાંકડી, એલચડી લેરે જાય,
બગીચો એનો સોયામણો લાડુડા લાલ ગલાલ
કે આણાં મોકલને મોરાર!
ફૂલફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર,
પૈર્યો ને વળી પેરશું મારા સસરાને દરબાર
કે આણાં મોકલને મોરાર!
(‘રઢિયાળી રાત-ર', પૃ. ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪)
(૧૮)
નંદલાલના મહિના
આવો ને નંદલાલ! રમવા આવો ને,
નિરભે થયા છો નાથ! કે રમવા આવો ને!
કારતક તો કષ્ટ કહાડ્યો, ભરદરિયે જેમ જહાજ,
માગશર મહિને મારગડે મેલી, વહે મારું કોણ છે બેલી?
ગિરધર વિના થઈ ઘેલી કે રમવા આવો ને!
પોષ માસે જીવનપ્રાણ તજું રે, લોકડિયાંની લાજ લોપું!
સંસાર ત્યાગ કર્યું કે રમવા આવો ને!
મહા મહિને મંદિરિયાં સૂનાં, હરિ વિના આસનિયાં સૂનાં,
વ્હાલા વિના જાય છે જોનિયાં કે રમવા આવો ને!
ફાગણ ફગફગતી હોળી, અબીલ ગુલાલે ભરાવું ઝોળી
વ્હાલા વિણ ખેલે કોણ હોળી, કે રમવા આવો ને!
ચઈતરે મને ચિંતા લાગી, સૂની સેજલડીમાં ઝબકીને જાગી,
વ્હાલાની લેહ મને લાગી, કે રમવા આવો ને!
વઈશ:ખે વાવલિયા વાયા, આંખ ઉઘાડી ચહુદશ જોયા,
આંસુડાં પાલવડે લોયાં, કે રમવા આવો ને!
જેઠ માસે જગજીવન આવે, વૈષ્ણ સરવે વધામણી લાવે,
વાલો મારો કાંઈ ન કહાવે, કે રમવા આવો ને!
અષાઢે હું અબળા રે નારી, જોબન દરિયો પર છે ભારી,
પિયુનાં વચન વિચારી કે રમવા આવો ને!
શ્રાવણ તો સરવડીએ વરસે, નદીએ નીર ઘણાં ભરશે,
વાલો મારો શી રીતે ઊતરશે કે રમવા આવો ને!
ભાદરવો ભરદરિયે ગાજે, લીલાં વન પલ્લવ છાજે,
વ્હાલો મારો કાંઈ ના લાજે. કે રમવા આવો ને!
આસો માસે દેવદિવાળી, લોક વગે સેવ-સુંવાળી!
વ્હાલા વિના જમે કોણ થાળી, કે રમવા આવો ને!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૧, ૩૪૨, ૩૪૩)
(૧૯)
કારતક મહિને અબળા કહે છે કંથને :
હવે શિયાળો સાવ્યો સ્વામીનાથ! જો,
હિમાળુ વા વાયો હલકી ટાઢમાં,
શું શોધો પરદેશ જવાનો સાથ જો!
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
માગશર મહિને હોંશ ઘણી મનમાં ભરી,
રસિયા રંગ રમ્યાની માજમ રાત જો,
ઘૂંઘટડો કાઢીને ઘર આગળ ફરું જો,
પિયુ મેલો પરદેશ જવાની વાત જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
પોષે જે અબળાને પિયુડે પરહરી,
તે નારીનાં પૂરણ મળિયાં પાપ જો,
સાસરીએ રહીને તે શાં સુખ ભોગવે,
મઈયરમાં નવ ગાંઠે મા ને બાપ જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
મહા મહિને નાથ! ન કરીએ મુસાફરી,
ઘઉં સાટે જઈ શોધી લાવો જાર જો,
વહેંચીને જમશું રે મારા વા'લમા,
જરૂર નહિ જાવા દઉં ઘરની બહાર જો!
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
ફાગ રમે ફાગણમાં નર ને નારીઓ,
ઘેર ઘેર નૌતમ કૌતક નવલાં થાય જો,
જે નારીનો નાવલિયો નાસી ગયો જો,
કહો તેણે કેમ નજરે જોયું જાય જો!
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
ચઈતરમાં ચતુરને પંથ ન ચાલવું,
જે ઘેર નારી ચતુરસુજાણ જો,
વ્હાલપણે વચને નાથને વશ કરે,
નિરધાર્યું તો પડ્યું રહે પરિયાણ જો!
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
વાવલિયા વાયા રે પિયુ વઇશાખના,
રજ ઊડીને મારું માણેક મેલું થાય જો,
નથનીનું મોતી રે હીરો હારના,
કહો પર હાથે તે કપમ ધીર્યા જાય જો!
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
જેઠે તો પરદેશ જવું દોહ્યલું,
ધોમ ધખે ને લાય જેવી લૂ વાય જો,
કોમળ છે કાયા રે મારા કંથની,
વણ ખીલ્યાં જ્યમ ફૂલડિયાં કરમાય જો!
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
અંબર ઘન છાયો રે માસ અષાઢમાં,
મોર બોલે ને મેહ વરસે મુશળધાર જો,
કચરો ને કાદવ રે મચી છે મેદની,
પંખી માળા ઘાલે ઠારોઠાર રે.
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
શ્રાવણમાં શિવ પ્રભુને મુખથી માગીએ,
વાલાનો ના થાજો કદી વિજોગ જો,
ઉમિયાના સ્વામીજી આપે એટલું,
સાસુના જાયાનો નિત સંજોગ જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
ભાદરવો ભરજોબનનો ફરી નહિ મળે મેળ,
વહી જાશે જેમ નદીઓ કેરાં નીર જો,
એવા રે દિવસ એળે નવ કાઢીએ,
વળી વિચારી જુઓ નણંદના વીર જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
આસોના દિવસ તો અતિ રળિયામણા,
ખાવું પીવું કરવા નવલા ખેલ જો.
ભેળાં બેસી જમીએ રમીએ સોગઠે,
છાતીમાં ભીડીને સખું છેલ જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
માસ અધિકમાં અધિકપણું શું કીજીએ,
રહો જોડીને નેણ સંગાથે નેણ જો,
જેમ ન થાયે આખો કાચ બિલોરનો,
તેમ ન રહીએ આપ વિણ નાથ જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૩, ૩૪૪, ૩૪૫)
(૨૦)
રામદે ઠાકોર અને ઠકરાણાંના બારમાસ
કાર્તકે નહીં દઉં ચાલવા, કામની કહે કરજોડ,
અબળા મન ઊલટ ઘણી, ઊઠી આળસ મોડ.
કાર્તકે નહીં દઉં ચાલવા, શીળા થયા પરદેશ;
પિયુ પસ્થાને જઈ રહ્યા, અબળા બાળેવેશ,
ચિત્ત ચોળો લાગિયો, તરવર પાક્યાં તીર,
એ રાતે ઠાકર ચાલિયા, નયણે ઢળિયાં નીર.
કાર્તકે મહિને ચાલશું, અબળા મેહેલે વાદ;
સાથીડા સોંઢાડશું ચાલશું અમે પ્રભાત.
કાર્તક માસે ચાલશું, કેમ કરો કલ્પાંત?
કાલ પાછા ઘર આવશું, હૈડે હરખ ધરંત,
કુંકમના કરી ચાંદલા સૈયર વધાવા જાય;
હેતે પ્રીતે આવજો, ખેમ કુશળ ઘરમાંય.
માગશરે નહીં દઉં ચાલવા, અબળા બાળેવેશ;
વ્રેહ તે વાયુ ના કરે, પિય! કાં ચાલો પરદેશ?
માગશર માસે અમે ચાલશું, અબળા દ્યો આશિષ;
શુભ શકુન જોવરાવશું, તમે હદે ન ધરશો રીસ.
પોષ માસની પ્રીતડી, ટાઢ તે કેમ ખમાય?
અબળા ઝૂરે એકલી, રાતલડી નવ જાય.
આથે ઓરડે પોઢતા, નથી ચાલ્યાનો મોખ;
એ રતે નહીં દઉં ચાલવા, ઘેર ગાળો મહિનો પોષ.
પોષ માસે અમે ચાલશું તાણી ભીંડ્યા તંગ;
અબળા મન આરત ઘણી, પિયુ મળવા ઉછરંગ,
પોષે પ્રીત ન વિસરિયે, સુખે કરિયે પરિયાણ;
ચિત્ત ચોળો નવ ઘાલિયે, તમે માનો તેની આણ.
માહ માસે નહીં દઉં ચાલવા, તમે તરુણીની તેજ;
ભમરાભોગી સા’યબા, રંગભર રમશું સે'જ.
(કામિની કહે) હું કેમ રહું એવો માહ એક માસ?
પિયુ સંગાથે પ્રીતડી, રંગભીના રહ્યા આવાસ,
જીવશે તે તો જાણશે, જોબન થશે વિનાશ;
એ રત ઠાકોર ચાલિયા, રાત થઈ ખટમાસ.
માહ માસે અમે ચાલશું, મેંગળ બાંધ્યા બહાર;
ઊંટે આથર ભીડિયા, કામની સજે શણગાર.
સખિયો સહુ આવી મળી, લાવી ચોસર હાર;
તિલક કરી પહેરાવતી, હૈયે હરખ અપાર.
ફાગણે નહીં દઉં ચાલવા, કામની કહે સુણ કંત;
અબીલગુલાબ ઉડાડશું રમશું માસ વસન્ત,
ફાગણ માસ ફરુકિયો, કેસુ કરે કિલ્લોલ;
જેમ જેમ વા વન સાંભરે, તેમ નેણાં કુમકુમ લોળ.
જળવટ ગયા કેમ વીસરે? તરવર પોહોચ્યા કંત;
એ રત ઠાકર ચાલિયા, સૂની રહી વસન્ત,
ફાગણ ફાગે ખેલતી, આવી ગોરાંદે પાસ;
કેસર ઘોળી કળસ ભરી, સાત સાહેલી સાથ
ચૈતરે નહીં દઉં ચાલવા, ધૂપ પડે લૂ વાય;
ડમરા મરવા કેતકી, કામિની કંઠ સુહાય.
ચૈતર માસની છાંયડી, ચંપક મોહોરી જાય;
ચૂવા ચંદન અરગજા, અંગ ન તેલ સોહાય.
ચૈતર ચમક્યો મોરલો, મોહોર્યા દાડમ દ્રાખ;
આંબે સૂડા ચગમગે, કોયલ શરુવે સાદ,
લાખ લઈને સાટવો, એટલી મુજને હાણ;
ટચલી આંગળીની મુદ્રિકા, મળી આવે ગોરાંદે હાંય!
ચૈતર માસે ચાલશું. પાદર મોરી માય;
અબળા મન આરત ઘણી, મન ઘર રહ્યું ન સુહાય.
ચૈતર માસે ચિંતા તજો, કાં રૂઓ આંસુધાર,
સાથી જુવે છે વાટડી, હઠ મૂકો પ્રાણાધાર.
વૈશાખે વન મ્હોરિયાં, મ્હોર્યા દાડમ દ્રાખ,
એ વન સુડલા ચગમગે, કોયલ મધુરા રાગ.
વૈશાખે વન મ્હોરિયાં, મ્હોર્યા દાડમ દ્રાખ,
મ્હોરી તે મરવા કેતકી, મ્હોરી તે આંબે સાખ,
કોયલડી કલવલ કરે, વનમાં તે અતિ ભીડ;
એ રત ઠાકર ચાલિયા, હૈડે જોબન પીડ.
વૈશાખ માસે ચાલશું, સળેખાનાં કાઢ્યાં બહાર;
ઘોડે જીન માંડિયાં હૈયાં અનઝો એક વાર.
જેઠ માસનાં જળ ભલાં, ભલાં તે આંબા વન;
ભલી તે સાજનગોઠડી, ભલાં તે ફોફળ પર્ણ.
ધૂપ પડે ને તન તપે, જાલમ મહિનો જેઠ;
એ રતે કેમ ચાલશો? ગોરી ઊભી છજાં હેઠ.
આગે પંડિત ભાખતા, જોશી તે જોતા જોષ;
ના'વલો તમારો આવશે, કદી ન ધરશો રોષ.
જેઠ મહિને ચાલશું, આંબે પાકી સાખ;
અનેક ફળે તે ફાલશે, મીઠાં દાડમ ને દ્રાખ.
અશાડ માસ ભલ આવિયો, ગરવા વરસે મેહ;
બપૈયા પિયુ પિયુ કરે, ને કાયર કંપે દેહ,
ઝરણ ઝરે ને તન તપે, વીજ કરે ચમકાર;
એ રતમાં કેમ ચાલશો? પિયુ આવ્યો આષાઢ.
એક અંધારી ઓરડી, દૂજો વીજ ચમકાર;
એટલાં વાનાં તો ભલાં, જો સે'જે ભરતાર.
અશાડ માસે તે ચાલશું, ગાજે વીજ ઘનઘોર;
બપૈયા પિયુ પિયુ કરે, મીઠા બોલે મોર,
શ્રાવણે નહીં દઉં ચાલવા, ભીંજે તંબુ દોર;
ડુંગર તંબુ તાણિયા, ઝીણા ટહુકે મોર.
શ્રાવણ માસની સુન્દરી, ઊભી સરવર પાળ;
વેણ રાખડી સમારતી, મોતી ઝાકઝમાળ,
લીલવટ ટીલડી શોભતી, કંઠ એકાવલ હાર;
સોળ વરસની સુન્દરી, જુવે નાવલિયા વાટ
ડુંગરિયા દસ આગમાં, મારગ વસમો વાટ;
ગોખે ઊભી ગોરડી, જુવે વહાલાની વાટ.
શ્રાવણ માસે ચાલશું, નવી આવી છે શાળ;
ઈશ્વર પાર ઉતારશે, ઘેર આવીશું કાલ.
ઘન ગાજે અમૃત ઝરે, પિયુ મળવાની આશ;
એ રતે કેમ ચાલશો? અબળા મન ઉદાસ.
ભાદરવો ભર્તા વિના, દોહલા દિવસ ન જાય;
દહીં ને દૂધ અતિ ઘણાં, તેના સ્વાદ મનમાંય.
સખર અંબર છાયલો, ગરુવા વરસે મેહ;
એ રત ઠાકર ચાલિયા, દુ:ખે દાઝે દેહ.
ભાદરવે અમે ચાલીશું, જોશીએ જોયા જોષ;
પારકા પટા લખાવિયા, હૃદે ન ધરશો રોષ.
આસો નહીં દઉં ચાલવા, નવ દહાડા નવ રાત;
દશમે દસરા પૂજશું, કાળી ચૌદશની રાત,
આસો માસ દિવાળીનાં, ઘરધર મંગળ થાય;
ઊઠો સૈયર સુલક્ષણી, આથરણ પહેરો કાય.
આંગણ વાવું એલચી, તોરણ નાગરવેલ;
બાર માસે ઠાકર ના’વિયા, મને મહિયર વાળી મેલ.
રજપૂતોનાં બેટડાં, જુવે વહાલાંની વાટ;
મનાવિયાં માને નહિ, ઠકરાણાંની જાત.
ચિત્ત ચૂરમું, મન લાપશી, ઉપર ઘીની ધાર;
કોળિયે કોળિયે પોખતી, દિવસમાં દસવાર.
ઠાકોર ચાલ્યા ચાકી, મને મૂકી નોધારી;
મુજ સમ રાજ! નહીં મળે, મળશે કોઈ ધુતારી.
સરવર ધોયાં ધોતિયાં, લાલ સુરંગ પાષાણ.
કંકણ વેચું રાજ! ઘર રહો, વેચું હૈયાનો હાર;
ઘેર બેઠાં મોજ માણશું, મુજ નોધારીના આધાર
સૂરજદેવને પૂજતી, કરતી આદિતવાર;
બે ઘડી મોડા ઊગજો, પિય મુજ ચાલનહાર.
કુંજડીઓ ટોળે મળી, જાયે દશ ને વીશ;
પરણ્યો જેનો ઘર નહીં, તેની ગોરી જંપે ઈશ.
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૫૩)
(૨૧)
આણાં મેલજો
ઉનાળે આણાં મેલજો રે વીરડા!
ઉનાળે કાંતું કાંતણાં.
કાંતશે મારા ઘરડાની નાર મારી બેનડી!
તમે તે રે'જો સાસરે.
વરસાળે આણાં મેલજો રે વીરડા!
વરસાળે ખોદું[19] જૂઠડાં?
ખોદશે મારા ઘરડાની નારી મારી બેનડી!
તમે તમારે સાસરે.
શિયાળે આણાં મેલજો રે વીરડા!
શિયાળે સાંધું સાંધણાં
સાંધશે મારા ઘરડાની નાર મારી બેનડી!
તમે તમારે સાસરે.
પિયરનાં ઝાડખાં[20] દેખાડો મારા વીરડા!
એણી ઝાડખડે હીંચતાં!
અતર[21] રે દખણની વાવળ[22] રે આવી
વાવળે રોળાઈ ગ્યાં ઝાડખાં!
પિયરની વાટડી દેખાડો મારા વીરડા!
એણી વાટડીએ હીંડતાં!
એણી વાટડીએ બેસતાં!
અતર દખણના મેહુલા રે આવ્યા,
મેહુલે રોળાઈ ગી’ વાટડી!
પાણીડે રોળાઈ ગી' વાટડી!
મરું[23] તો સરખું ઉડણ ચરકલી
જાઈ બેસું રે વીરાને ઓશીકે !
પંક્તિઓ :
જો રે સરજી હોત ચરકલડી
મારા વીરને ભાલે બેસી જાત જો!
જો સરજી હોત વાદળડી,
મારા વીરને છાંયો કરતી જાત જો!
જાઈ બેસું રે વીરાને ટોડલે!
મરું તો સરજું કૂવાનો પથરો,
માથે ધોવે રે વીરડો ધોતિયાં!
(‘લોકસાહિત્યમાં ઋતુગીતો'-૨ : પૃ. ૭૪, ૭૫)
(૨૨)
કણબીનાં દુ:ખ
સાંભળો દિનાનાથ! વિનંતિ રે, કઈએ કણબીનાં દુ:ખ;
દુ:ખડાં કહું દિનાનાથને રે.
જેઠ માસ ભલેરો આવિયો રે, ખાતર ગાડાં જોડાય;
ખાતર પૂજા હર કોઈ કરે, હઈડે હરખ ન માય
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
અષાડ માસ ભલેરો આવિયો રે, સરવે હળોતરાં થયા;
બંટી બાજરી હર કોઈ પૂંખે, હઈડે હરખ ન માય,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
શ્રાવણ માસ ભલેરો આવિયો રે, ભીંજાય કણબીની નાત;
કમરમાં ભીંજાય કુંવર લાડણો રે, નારી નીતરતી જાય,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
ભાદરવો ભલે ગાજિયો રે, ગાજિયો ધૂમ ગણેશ;
કણબીનાં દિલડાં ડગેમગે, ખેતિયો ગળાં બૂડ રે નાય,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
આસો માસ ભલેરો આવિયો રે, ખેતર માળા ઘલાય;
ઘઉં સરસવ હર કોઈ પૂંખે, હઈડે હરખ ન માય,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
કારતક મઈનો ભલેરો આવિયો રે, શરૂમાં ખરડા લખાય;
દુવાઈઓ ફરી દીવાનની, જેઓ શીંગ ન ખાય!
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
માગશર માસ ભલેરો અવિયો રે, નવા વેરા નંખાય;
સરવે પટેલ લાગ્યા ઝૂરવા, વહે શી ગત્યો થાય?
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
પોષ માસ ભલેરો આવિયો રે ટાઢ્યો ઘણેરી વાય;
ગોદડી હવાલદાર લઈ ગિયો, છઈમાં તરફડિયાં ખાય,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
મહા મઈનો ભલેરો આવિયો રે, ઘઉંમાં ગેરૂ જણાય;
કણબીનાં દલડાં ડગેમગે, હવે શી ગત્ય થાય?
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
ફાગણ માસ ભલેરો ચાવિયો રે, નવા પરબ જ થાય;
ભેંસો ગરસિયા લઈ ગિયા, પરબ શી રીતે થાય?
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
ચૈતર માસ ભલેરો આવિયો રે, ઘઉં ખળે લેવાય;
વાળીઝૂડીને વાણિયો લઈ ગયો, છઈમાં લીંપણ ખાય,
સાંભળો દિનાનાથ! વિનંતિ રે.
વૈશાખે વન વેડિયાં રે, વેડી છે આંબાની ડાળ;
સોના વાટકડી રસ ધોળિયા, જમવું કેની સાથ?
પિયુજી પોઢ્યા શમશાન :
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
બાર માસ પૂરા થયા રે તેરમો અધિક ગણાય;
જે રે સુણે શીખે સાંભળે, તેની વૈકુંઠ વાસ,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
નથી રે ગાયું બામણ વાણિયે રે, નથી ગાયું ચારણ ભાટ;
ગાયું ઘોચરીઆની આંજણીએ, નવખંડ ધરતીમાં વાસ,
સાંભળો દિનાનાથ! વિનતિ રે.
('લોકસાહિત્યમાળા મણકો-૯' : પૃ. ૨૫૭, ૨૫૮, ૨૫૯)
(૨૩)
મહિના
કારતક મઈ'નો કામનો રે વા'લા! કામ ઘણેરાં હોય;
લટકે શું મો'યા રે, સુંદર શામળા રે વા'લા!
માગશરીએ મેલી ગિયા રે વા'લા! મેલી ગિયા મા'રાજ,
લટકે શું મો’યા રે, સુંદર શામળા રે વા'લા!
પોહ મઈનાની પ્રીતડી રે વા'લા! પ્રીત્યુ લગાડી શું જાવ?
લટકે શું મો’યા રે, સુંદર શામળા રે વા'લા!
માહ મઈનાનાં માયરાં રે વા'લા! પરણે સીતા ને સરી રામ;
લટકે શું મો'યા રે, સુંદર શામળા રે વા'લા!
ફાગણ ફૂલ્યો ફૂલડે રે વા'લા! ફૂલ્યાં કેસુડીનાં ઝાડ;
લટકે શું મો’યા રે, સુંદર શામળા રે વા'લા!
ચૈતરે ચાંપો મોરિયો રે વા'લા! મોરી છે દાડમ દ્રાખ;
લટકે શું મો’યા રે, સુંદર શામળા રે વા'લા!
વૈશાખે વન વેડિયાં રે વા'લા! વેડી આંબલિયા શાખ;
લટકે શું મોયા રે, સુંદર શામળા રે વાલા!
જેઠ મઈનાનાં જુગઠાં રે વા'લા! જુગડે રમવા જાય;
લટકે શું મો'યા રે, સુંદર શામળા રે વા'લા!
અશાડે ધમધોરિયો[24] રે વા'લા! વીજ કરે ચમકાર;
લટકે શું મો’'યા રે, સુંદર શામળા રે વા'લા!
શ્રાવણ વરશ્યો સ્રોવડે[25] રે વા'લા! નદીએ બોળુંડાં[26] નીર;
લટકે શું મો’'યા રે, સુંદર શામળા રે વા'લા!
ભાદરવો ભલ ગાજિયો રે વા'લા! ગાજ્યો વીજ્યો અંકાશ;
લટકે શું મો'યા રે, સુંદર શામળા રે વા'લા!
આસોનાં અજવાળિયાં રે વા'લા! ગોપિયું ગરબા ગાય,
લટકે શું મો’યા રે, સુંદર શામળા રે વા'લા!
('લોકસહિત્યમાળા મણકો-૭' : પૃ. ૧૭૮, ૧૭૯)
(૨૪)
મહિના
કારતક મહિને કાન ચાલ્યા કાશી રે, વા'લાજી રે,
અમને રે મેલી ગ્યા છે વનવાસી, મારા વા'લાજી રે.
માગશર મહિને મંદિર ખાવા ધયા રે, વા’લાજી રે,
એકલડી અબળાના દિ’ કેમ જાય? ‘મારા વા'લાજી રે.
પોષ મહિને પડિયા મુજને શોષ રે, વા'લાજી રે,
તેડાવો જોષીડા જોવે જોષ, મારા વા'લાજી રે.
ભાઈ જોષીડા જોને મારા જોષ રે, વા'લાજી રે,
જેવું રે હોય તેવું મુજને કૈશ?[27] મારા વા'લાજી રે.
મા મહિનાની ટાડ્યું મુજને વાય રે, વા'લાજી રે,
હાલ્યો રે હેમાળો કેમ રે'વાય રે, મારા વા'લાજી રે.
ફાગણ મહિને રંગ ગલાલી હોળી રે વા'લાજી રે,
પરથમને પાડોશણ રંગમાં રોળી, મારા વા'લાજી રે.
ચૈતર મહિને ચાંપો મરવો રોપ્યો રે, વા'લાજી રે,
કુમળિયો[28] હતો ને કુંપળ મેલી, મારા વા'લાજી રે.
વૈશાખ મહિને વાડિયું વાઢિયું જાય રે, વા'લાજી રે,
રખોપા[29] વિનાનાં પંખી ખાય, મારા વા'લાજી રે.
જેઠ મહિને ઊતરી તમારી વેઠ રે, વા'લાજી રે,
ગોરીનો પરણ્યો ગ્યો છે દરિયા બેટ, મારા વા'લાજી રે.
બેટ ઈને પરમંદિરમાં વાસ રે, વા'લાજી રે.
પરનારીને હૈયે એનો હાથ, મારા વા'લાજી રે.
પરનારીની પ્રીતુમાં છે પાપ રે, વા'લાજી રે.
પરનારીનાં છોરું નહીં ક્યે[30] બાપ, મારા વા'લાજી રે.
મેં જાણ્યું કે ઊજળું એટલું દૂધ રે, વા'લાજી રે,
જાતે ન જનમારે માંડ્યાં જુદ્ધ, મારા વા'લાજી રે.
મેં જાણ્યુંજી લીલા એટલા મગડા રે, વાલાજી રે,
જાતે ને જનમારે માંડ્યા ઝઘડા, મારા વા'લાજી રે.
('લોકસાહિત્યમાળા મણકો-૭' : પૃ. ૮૬, ૮૭)
(૨૫)
તુલસીની બારમાસી
અષાડે તુલસી રોપ રોપાવે, શ્રીકૃષ્ણ પોઢ્યા છે તુલસીને ક્યારે :
શામળો ગુણવંતા
શ્રાવણે તુલસી દો દો રે પાન, હરખ્યા નારાયણ તુલસીને નામે. – શા.
ભાદરવે તુલસી ભેર રે આવ્યાં, જાદવરાયે કંઠે સોહરાવ્યા. – શા.
આસોએ તુલસી આશાવળુધ્યાં : દેવ દામોદરે ખોળામાં લીધાં. – શા.
કાર્તકે તુલસી બાલકુંવારી, લગન નિર્ધારીને પરણ્યા મોરારિ. – શા.
માગશરે માવઠડે રે જઈએ : શિયાળે તુલસીનાં જતન જ કરીએ. – શા.
પોસ માસે પડ્યા રે પુકાર: તુલસી વિના સૂનો સંસાર. – શા.
માહ મહિને સુધબુધ બોળે : તુલસી વિના ત્રિભુવન ડોલે. – શા.
ફાગણે હોળી ખેલે ગોવાળા : આકાશે ખીલે લીલાવતી ચંદા. – શા.
ચૈત્ર માસે બંધાવ્યા હિંડોળા, હિંડોળે હીંચે શ્રી રામજી ભોળા. – શા.
વૈશાખે વાવલીયા વાયા, એ રતે રમે માડીજાયા. – શા.
જેઠ માસે તુલસી કરમાયાં: સોળસે ગોપીઓ પાણીડાં ચાલ્યાં. – શા.
ધનધન માલણ બેટડો જાયો; તુલસીને માટે ક્યારો ખોદાવ્યો. – શા.
‘હું તમને પૂછું મારાં રે તુળશી:
કોણ તમારી માતા? ને કોણ તમારા પિતા?’ – શા.
‘ધરતી મારી માતા, ને મેઘ મારા પિતા :
વસુદેવ સસરો, ને શ્રીકૃષ્ણ ભરથારા.' – શા.
જેને તે બારણે તુલસીના ક્યારા : તેના તે સફલ થયા જન્મારા. – શા.
જેને તે બારણે તુલસીનાં કૂંડાં, તેને તે અખંડ હેવાતન રૂડાં. – શા.
તુલસીને ક્યારે ઘીના તે દીવડા, 'હરિ' 'હરિ' કરતા જાશે જીવડા. – શા.
જે કોઈ ક્યારામાં રેડે રે પાણી, તેને ઇન્દ્રાસન રાજાની રાણી – શા.
જે કોઈ ક્યારામાં ઘાલે રે ગાર, તે ઇન્દ્રાસન રાજા થનાર. – શા..
જે કોઈ ક્યારામાં વાળે ગોરમટી; તે તો ઇન્દ્રની થાશે રે બેટી. – શા.
ગાય શીખે ને સાંભળે જે કો, વ્રજ વૈકુંઠમાં વાસ છે તેનો – શા.
ના ગાય ના શીખે જે નરનાર, તેનો તે પશુપંખીનો અવતાર. – શા.
('લોકસાહિત્યમાળા મણકો-૫' : પૃ. ૫૪, ૫૫)
(૨૬)
ગોવિંદ હાલરું
પહેલા તે માસનાં વધામણાં હરિ! હાલરું રે,
બીજો માસ જાય રે ગોવિંદ! હાલરું રે.
તીજા તે માસનાં વધામણાં હરિ! હાલરું રે,
ચોથો માસ જાય રે ગોવિંદ! હાલરું રે.
પાંચમા તે માસનાં વધામણાં હરિ! હાલરું રે,
છઠ્ઠો માસ જાય રે ગોવિંદ! હાલરું રે,
સાતમા તે માસનાં વધામણાં હર! હાલરું રે,
આઠમો માસ જાય રે ગોવિંદ! હાલરું રે.
નવમા તે માસનાં વધામણાં હરિ! હાલરું રે,
દશમે જન્મ્યો કહાન રે ગોવિંદ! હાલરું રે.
બાળક રહીને બોલિયું હરિ! હાલરું રે,
માડી! મને 'હાલા' ગાવ રે ગોવિંદ! હાલરું રે.
જતાં તે નાખીશ હીંચકો હરિ! હાલરું રે,
આવતાં ‘હાલા’ ગાઈશ રે, ગોવિંદ! હાલરું રે.
બાળક રહીને બોલિયું રે, હરિ! હાલરું રે,
માડી! મને દાતણ દેવ રે, ગોવિંદ! હાલરું રે.
પિત્તળ લોટો જલે ભર્યો, હરિ! હાલરું રે,
દાડમ દાતણ દઈશ રે, ગોવિંદ! હાલરું રે.
બાળક રહીને બોલિયું, હરિ! હાલરું રે,
માડી! મને નાવણ દેવ રે, ગોવિંદ! હાલરું રે.
તાંબા તે કૂંડી જળે ભરી હરિ! હાલરું રે,
દૂધડે સમોવણ દઈશ, ગોવિંદ! હાલરું રે.
બાળક રહીને બોલિયું, હરિ! હાલરું રે,
માડી! મને ભોજન દેવ રે, ગોવિંદ! હાલરું રે.
સોના તે થાળી ભોજન ભરી, હરિ! હાલરું રે,
ગરગરિયો કંસાર રે, ગોવિંદ! હાલરું રે.
બાળક રહીને બોલિયું, હરિ! હાલરું રે,
માડી! મને મુખવાસ દેવ રે, ગોવિંદ! હાલરું રે,
લવિંગ, સોપારી, એલચી, હરિ! હાલરું રે,
બીડલે બાસઠ પાન રે, ગોવિંદ! હાલરું રે.
બાળક રહીને બોલિયું, હરિ! હાલરું રે,
માડી! મને બેસણ દેવ રે, ગોવિંદ! હાલરું રે.
સંઘાતે માંચી હીરે ભરી, હરિ! હાલરું રે,
બાજઠ બેસણ દઈશ રે, ગોવિંદ! હાલરું રે.
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૧૪૫, ૧૪૬)
(૨૭)
શ્રવણનું લોકગીત
રા રા, સમુંદર વચમાં બેટ, બગળી બેઠી દરિયા બેટ,
બગળી બેઠી દરિયા બેટ, શ્રવણ પો ઈની માના પેટ,
એકમો મઈનો બેઠો માસ, બગળી બેઠી દરિયા બેટ,
બેમો મઈનો ત્રણમો માસ, બગળી બેઠી દરિયા બેટ.
ત્રણમો મઈનો, ચોથો માસ, શરવણ પો ઈની માના પેટ,
ચોથો મઈનો, પાંસમો માસ, શરવણ પો ઈની માના પેટ.
પાંચમો મઈનો, છઠ્ઠો માસ, શરવણ પો ઈની માના પેટ,
છઠ્ઠો મઈનો, સાતમો માસ, શરવણ પો ઈની માના પેટ.
સાતમો મઈનો, આઠમો માસ, શરવણ પો ઈની માના પેટ,
આઠમો મઈનો નુંમો માસ, શરવણ પો ઈની માના પેટ.
કાળી ચૌદશની પાસલી રાત, શરવણ જલમ્યો માઝમ રાત,
બગળી બેઠી દરિયા બેટ.
('લોકસાહિત્યમાળા મણકો-૧૨' : પૃ. ૨૨૩, ૨૨૪)
લોકસાહિત્યની સત્યાવશ બારમાસીઓને એની વિષયસામગ્રીના સંદર્ભે રાધા-કૃષ્ણવિષયક, સામાજિક સંદર્ભવિષયક તેમજ પ્રકીર્ણ એવા ત્રણેક વિભાગમાં વિભાજિત કરીને એનું વિશ્લેષણ અત્રે કર્યું છે.
(૧)
આ બારમાસીઓમાં બહુધા વિરહના ભાવને અને સામાજિક સંદર્ભોને પણ વણી લેવાયેલ જોવા મળે છે. માનચિત્તમાં ઊઠતા ભાવોને સહજ રૂપની અભિવ્યક્તિ સાંપડી છે. એની પદાવલિમાં રોજબરોજની ભાષા છે, ક્યાંક વ્યાકરણના નિયમોને નેવે મૂકીને, ક્યાંક સીધેસીધું - સણસણતું પરખાવી દઈને તો ક્યાંક હૃદયની વેદનશીલતાનેની સરળતા અને નિર્દોષતાથી, રજૂઆત થઈ છે. આ જેવી છે તેવી નિર્વ્યાજ - અનપોલિશ્ડ પદાવલિઓએ મારા જેવા આ અનેકોને મુગ્ધ કર્યા છે. કેટલીક બારમાસીઓ કે એની પદાવલિઓ તો આજ સુધી કંઠસ્થ પરંપરામાં આપણે ત્યાં ટકી રહી છે. એમાં ઘૂંટાયેલું કવિત્વ ન હોત તો ભાવકના સ્મૃતિગગનમાં આજ સુધી એના ગડગડાટનું અનુરણન પડઘાયા કરતું ન હોત.
(૨)
આપણે ટૂંકમાં તમામ બારમાસીઓ'ના વિષયગત અને અભિવ્યક્તિગત સૌંદર્યને જોઈએ. રાધા-કૃષ્ણવિષયક બારમાસીઓના જૂથમાંની બારમાસીઓ મોટા ભાગે રાધા-કૃષ્ણના વિરહભાવને લક્ષે છે, પરંતુ કેટલીક એ નિમિત્તે કુટુંબજીવનના ભાવોને પણ તાકે છે. ૨.૧ : માગશરે મથુરા ભણી ગયેલા કાન કારતકે ધેર આવ્યા ત્યાં સુધીનો પ્રત્યેક મહિનાઓનો આલેખ આપતી ‘વાલા!’ શીર્ષકની બારમાસીમાં નાયિકાની વિરહાવસ્થા તારસ્વરે વ્યક્ત થઈ છે. પોષ મહિને શોષમાં સુકાયેલી ને રોષમાં ફરતી ગોપીની તીવ્રતમ વ્યથા વ્યક્ત થઈ છે ફાગણમાં -
‘વાલા’! ફાગણ હોળી હૈયે બળે રે,
દીનાનાથ ગોત્યા ક્યાંય નવ મળે રે!’
હોળીના સામાજિક પ્રસંગની સાથે જ હૈયામાં બળતી હોળી અને એને પરિણામે પેદા થતી હૈયાની બળતરાના સાહચર્યથી અહીં, નાયિકાનો વેદનાગર્ભ વિયોગ સુપેરે વ્યક્ત થયો છે. એવી જ રીતે કૃષ્ણના મથુરાગમનને પરિણામે સર્જાયેલી રાધાની વિરહવ્યાકુલ મન:સ્થિતિ, ‘રાધિકાના મહિના'માં વેધક રીતે વ્યક્ત થઈ છે. એમાં યે -
‘કે ભાદરવો ભલી પેર ગાજે,
કે સહિયર ઘેર વલોણું ગાજે,
કે તે તો મારા રુદિયામાં દાઝે,
કે જમુના જાવા દો પાણી!’
જેવી પંક્તિમાં તો રાધાની આ વિરહવિકલતાની પરાકોટિ અનુભવાય છે. સહિયરને ઘેર ગાજતાં વલોણાંના અવાજે પોતાનું કુદિયું દાઝે! સહિયર પ્રિયતમમિલનનું સુખ માણી શકે છે, જ્યારે એની પડખે જ રહેતી પોતે, એ મિલનસુખથી વંચિત છે એ વાત અહીં માર્મિક રીતે રજૂ થઈ છે. સહિયરને ત્યાં મહીનું મંથન કરતું વલોણું જાણે કે પોતાના મનનું મંથન કરે છે! આમ, પોતાની અને સહિયરની સ્થિતિની સહોપસ્થિતિ દ્વારા, રાધાની વિરહવેદનાની તીવ્રતા અહીં આબાદ રીતે દર્શાવાઈ છે. તો ‘વાલાજી’ શીર્ષકની બારમાસીમાં પ્રિયતમની પ્રતીક્ષા કરતી પ્રોષિતભર્તુક જોશીડા તેડાવવાની ને જોશ જોવડાવવાની વેતરણ કરે, ને જોશીડાને રૂડા જોશ જોઈ દેવાનું કહે -
‘ભાઈ, જોષીડા! જોજે રૂડા જોષ રે વાલાજી.'
આ કે 'જે મારા કરમડિયાના દોષ મારા વાલાજી!'
પ્રિયતમવિરહને લીધે સર્જાયેલી પોતાની દારુણ સ્થિતિ માટે જવાબદાર પોતે અને પોતાનાં કર્મો જ છે એવું આશ્વાસન લેતી નાયિકા, પ્રિયતમના નહિ, પરંતુ કરમના જ દોષ જોવાનું કહે છે, ત્યારે એની ગુણગ્રાહિતા ઉઘાડી પડે છે, તો અન્ય બારમાસીઓમાં મોટા ભાગે ભાદરવાની નદીયુંમાંથી ઊતરીને કંથ કેમ આવશે? એવી ચિંતાનો સૂર વ્યક્ત થાય છે, જ્યારે અહીં ભાદરવામાં ભરદરિયે ડૂબેલી નાયિકાને કંથ વિના કર ઝાલીને કોણ ઉગારશે? એવો પ્રશ્ન છેડાય છે. કારતકથી આસો માસ સુધીની સ્થિતિના વર્ણન પછી પણ કેટલીક પંક્તિઓમાં પિયુને આવવાની વીનવણી કરવામાં આવે છે. બારમાસીના સ્વરૂપ સાથે અસંગત જણાતા એવા આ ભાગમાં લોકસમાજના ભાવો વ્યક્ત થાય છે અને તેમાંથી પરંપરાગત પરિવારનો પરિવેશ પણ સર્જાય છે. અહીં ‘આવડલી’, ‘કરમડિયા’, 'સાસુડી’, ‘છોરુડા’- જેવા સ્વાર્થિક ‘ડ' કે 'લડ' કે 'ડલ' લાગીને બનતા, લઘુતાસૂચક શબ્દો ધ્યાન ખેંચે છે, જે શબ્દપ્રયોગો પછીથી આપણને ન્હાનાલાલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ‘લાલજી’ને ઉદ્દેશીને નાયિકાની વિયોગી મનોદશાને વ્યક્ત કરતી ‘લાલજીના મહિના’ રચનામાં, ‘ઓ લાલ, વહેલા આવજો હો લાલ!’ ‘જેવી ધ્રુવપંક્તિ દ્વારા લાલને વહેલા આવવાનું કહેવાય, સાથે જ કારતકથી આસો સુધીની ‘લાલજી'ના વિરહે ગોપીની મન:સ્થિતિ પણ વર્ણવાય; પરંતુ પછીથી ફૂલવાડીમાંનાં રંગીન બાવળનાં લાકડાંની ઘડાવેલી નવરંગ પાવડીઓ પહેરીને લાલજી આવશે એવો મિલનનો આશાવાદ પણ અહીં વ્યક્ત થાય છે. આમ, કેવળ કારતકથી આસો મહિના સુધીની વાત કરતી પરંપરિત બારમાસી કરતાં અહીં જુદી તરેહનો અનુભવ થાય છે. ‘સાંભળ સાહેલી'માં સાહેલી સમક્ષ અંતર ઉઘાડતી ગોપીની કેટલીક વાત તો સામાન્ય અને પૂર્વકથિત છે, પરંતુ -
‘આ સુખનાં સરોવર સૂકઈ જિયાં,
મારે દુ:ખનાં ઊજ્યાં ઝાડ, સાંભળ સાહેલી!’
જેવી પંક્તિમાં જે કાવ્યાત્મક સ્પર્શ અનુભવાય છે એ આસ્વાદ્ય છે. સુખ અને દુઃખ જેવાં અમૂર્ત તત્ત્વોનું ‘સરોવર' અને 'ઝાડ' દ્વારા થયેલું મૂર્તિકરણ અત્યંત ધ્યાનાકર્ષક છે. નાયિકાની ચિત્તસ્થિતિની આવી કલ્પનયુક્ત અભિવ્યક્તિ જવલ્લે જ જોવા મળે છે. એ જ રીતે ‘વિનતિ’માં કૃષ્ણના વિયોગને પરિણામે વ્રજની નારીનું ચિત્રણ છે. અહીં પ્રત્યેક માસના પરિપ્રેક્ષ્યમાં થયેલી વાત પરંપરાગત બારમાસીઓ કરતાં જુદી પડે છે અને નૂતન સ્પર્શ પામીને નિરૂપાય છે. દા.ત, -
‘પોષે પ્રભુજી ગયા પરદેશ
નારીને મેલ્યાં એકલાં રે લોલ.’
('રઢિયાળી રાત-ર' : પૃ. ૧૩૯)
જેવી પંક્તિની વર્ણસગાઈ તથા પોષમાં શોષ પડવાના પરંપરિત નિરૂપણ કરતાં નોખાપણું ધ્યાનપાત્ર છે. ‘વૈરાગના મહિના' શીર્ષકની રચનામાં પ્રત્યેક પંક્તિ/ચરણને અંતે ‘કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?' એવો પ્રશ્ન છેડતી નાયિકાની સ્થિતિને વેધક વાચા મળી છે. અહીં, સમગ્ર રચનામાં વાત વૈરાગની નહિ, પણ નાયિકાના વિરહભાવની જ છે, તેથી આ રચનાને અપાવેલા ‘વૈરાગના મહિના’ શીર્ષકને બદલે ‘વિજોગના મહિના' શીર્ષક જ સમુચિત જણાય છે. વળી અહીં, પોષ પછી સીધી ફાગણની વાત આવતાં એક મહિનો - મહા મહિનો ખંડિત થયેલો માલૂમ પડે છે. ‘કૃષ્ણના મહિના' શીર્ષકની બંને બારમાસીઓમાં કૃષ્ણવિરહને પરિણામે ગોપીની દેશા વર્ણવવામાં આવી છે. અહીં, પ્રથમ રચનામાં આસો માસ ખંડિત થતો હોઈ કારતકથી ભાદરવા સુધીની જ વાત છે, એવી જ રીતે, ‘જમના જાવા દો પાણી રે'માં પણ આસો માસ ખંડિત થયેલો અનુભવાય છે. તો ‘મહિના', 'રમવા આવો ને રે’, ‘આવો હરિ’, ‘બાર મહિના તથા 'રાધાવિરહ-૧'અને 'રાધાવિરહ-૨’ વગેરે બારમાસીઓમાં મોટા ભાગે પૂર્વકથિત ભાવો નિરૂપાયા છે. અને એમાં મહદંશે પરંપરાનું અનુરણન સંભળાય છે. રાધા-કૃષ્ણવિષયક મોટા ભાગની બારમાસીઓમાં ભાવનિરૂપણની માફક વર્ણનમાં પણ એકવિધતા જોવા મળે છે, પરંતુ અપવાદરૂપ કેટલીક બારમાસીઓમાં ભાષાનો અર્વાચીન પાશ લાગેલો જણાય છે, મોરારને આણાં મોકલવાની વીનવણી કરતી 'આણાં' રચના આરંભે વિરહિણીની વ્યથા અને અંતે આણાં આવ્યાંના સમાચારથી અનુભવતા આનંદને વ્યક્ત કરે છે. બાર માસ દરમિયાનની નાયિકાની મનોસંતની વાત કર્યા બાદ -
‘ખાજાં તો ખરાં થિયાં ને લાડુડા ખારા ઝેર,
જલેબીએ તો જુલમ કર્યો, દહીંથરિયે વાળ્યો દાટ
કે આણાં મોકલને મોરાર!’
એવી ભોજનની કેટલીક સામગ્રીને આલેખીને ભોજનના પ્રાકૃત રસમાં કાવ્ય સરી ગયું છે, ને કવિકર્મ પણ નબળું બન્યું છે. વળી, બાર મહિનાની ગતિવિધિના આલેખન બાદ પંદરેક પંક્તિઓ સુધી કાવ્ય વિસ્તર્યું છે, જે બારમાસીના સ્વરૂપ સાથે સુસંગત બનવાને બદલે પરિશિષ્ટરૂપે પાછળથી આવ્યું હોય એમ લાગે છે. તો નંદલાલને રમવા આવવાનું કહેણ મોકલાવતી ગોપીની મનોગત ને નિરૂપતી ‘નંદલાલના મહિના'ના આરંભે –
‘કારતક તો કષ્ટ કહાડ્યો, ભદરિયે જેમ જહાજ,
માગશર મારગડે મેલી, હવે મારું કોણ છે બેલી?’
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૧)
જેવી પંક્તિમાં ‘જહાજ’, ‘બેલી' જેવી મુસ્લિમપરંપરાની શબ્દરચના જોવા મળે છે. અલબત્ત, આ પરંપરાનું અનુસંધાન રચનાના અંત પર્યન્ત ચાલુ રહેતું નથી. પરંતુ પછીથી તો પરંપરિત બારમાસીઓના ભાવ અને ભાષાનું રૂપાંતર જ મળે છે, એટલે મુસ્લિમપરંપરાના શબ્દોવાળો રચનાનો આગળનો ભાગ કોઈએ ઉમેર્યો હોય કે જોડી કાઢ્યો હોય એમ પણ બનવાજોગ છે. આમ, રાધા-કૃષ્ણવિષયક કેટલીક બારમાસીઓ વિષયગત અને અભિવ્યક્તિગત સૌંદર્યને કારણે આપણા આસ્વાદ અને અભ્યાસનો વિષય બની રહે છે. ૨.૨ : આ બારમાસીઓમાં એક બાજુ રાધા-કૃષ્ણના વિરહભાવની અભિવ્યક્તિ છે, તો બીજી બાજુ એમાંથી કેટલીક વખત સામાજિક સંદર્ભો અને પારિવારિક પરિવેશ પણ પ્રગટે છે. આવા ભાવને નિરૂપતી કેટલીક બારમાસીઓને 'સામાજિક બારમાસી'ના અલગ જૂથમાં મૂકી શકાય તેમ છે. ‘એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!’ એ ધ્રુવપંક્તિવાળી ક્રમાંક. ૧૯મી બારમાસીમાં પરદેશ જતા પિયુને દરેક મહિને કોઈ ને કોઈ કારણોસર રોકવા મથતી અને સંભવિત વિયોગની કલ્પનાથી ફફડાટ અનુભવતી નાયિકાની સંવેદના આ સામાજિક પ્રકારની બારમાસીમાં વ્યક્ત થઈ છે. સંયુક્ત કુટુંબમાં રહેતી પતિવિહોણી પત્નીની સ્થિતિના ચિતારમાંથી આખોયે સામાજિક સંદર્ભ સ્ફુરણ થાય છે :
‘પોષે જે અબળાને પિયુડે પરહરી,
તે નારીનાં પૂરણ મળિમાં પાપ જો,
સાસરીએ રહીને તે શાં સુખ ભોગવે,
મઈયરમાં નવ ગાંઠે મા ને બાપ જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!’
અહીં, સમગ્ર રચના દરમિયાન રાધા-કૃષ્ણના ઓઠા વિના જ, સામાન્ય પતિ-પત્નીના પ્રણયભાવનું નિરૂપણ, નિરાળી રીતે થયું છે. આ કૃતિમાં પરંપરાગત બારમાસીઓમાં વારંવાર પ્રયુક્ત શબ્દગુચ્છો કે પ્રાસો પડઘાતા નથી, પરંતુ ધર્મેતર એવાં સ્ત્રી-પુરુષના પ્રણયની વાત આગવી રીતે આલેખાઈ છે. વળી, આ બારમાસીના ભાવનું -
‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે’
એ જાણીતા લોકગીતના ભાવ સાથેનું સામ્ય પણ ચીંધી શકાય તેમ છે.
એવી જ રીતે ‘રામદે ઠાકોર અને ઠકરાળાંનાં બારમાસ’ શીર્ષકની રચનામાં યુદ્ધ માટે જતા પતિને, યુદ્ધમાં ન જવાની પત્ની દ્વારા થતી વીનવણી કાવ્યવિષય બની છે. ક્ષાત્રધર્મની આ કૃતિમાં યુદ્ધમાં પ્રસ્થાન કરતા પિયુને - ઠાકોરને, કોઈ ને કોઈ બહાનું બતાવીને, રોકવાની ક્ષત્રિયાણીની મથામણ મુખ્યત્વે વ્યક્ત થઈ છે. સંક્રાન્તિકાળના આ લોકકાવ્યમાં સર્જકનું સભાન કર્તુત્વ સમજાય છે, ક્યાંક તત્સમ શબ્દોની છાંટ પણ અનુભવાય છે. દા. ત. -
‘શુભ શકુન જોવરાવશું, તમે હદે ન ધરશો રીસ.’
જેવામાં ‘શકુન’ એ પાછળથી ઉમેરાયેલો - સંસ્કારાયેલો પાઠ પણ હોય, કેમ કે લોકસાહિત્યમાં તો ‘શકુન'ને બદલે 'શુકન' શબ્દ જ વિશેષ પ્રચલિત છે, તો -
‘માહ માસે અમે ચાલશુ મંગળ બાધ્યા બહાર;
ઊંટ આથર ભીડિયા, કામની સજે શણગાર.'
જેવી પંક્તિઓમાંનાં મેગડ - ઊંટના ઉલ્લેખને લીધે અને ચોક્કસ પ્રકારના વર્ણનને કારણે સૈન્યનો પરિવેશ પ્રત્યક્ષવત થાય છે. તો વળી, પ્રિયપાત્ર સાથેના સ્નેહસમ્પ્રત સંબંધની ઇન્દ્રિયસંવેદ્ય અભિવ્યક્તિ પણ એટલી જ આકર્ષક છે -
‘ચિત્ત ચૂરમું મન લાપશી, ઉપર ઘીની ધાર;
કોળિયે કોળિયે પોખતી, દિવસમાં દસ વાર.'
અહીં આપણને લોકસાહિત્યના ‘તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર' પ્રયોગનું સ્મરણ થઈ આવે છે. સંવેદનની માફક સંવિધાનની દૃષ્ટિએ પણ આ રચના અન્ય બારમાસીઓ કરતાં જુદી પડે છે. અહીં સર્જકનું સંવેદન દોહાબંધમાં રજૂ થયું છે. જોકે એમાં કવિ ક્યારેક કેટલીક છૂટછાટ લઈ લે છે -
‘આસો નહીં દઉં ચાલવા, નવ દહાડા નવ રાત;
દશમે દસરા પૂજશું, કાળી ચૌદશની રાત.’
અહીં ‘કાળી ચૌદશની રાત'માં લય તૂટે છે, હકીકતે તો અહીં ‘કાળી ચૌદશ રાત' પ્રયોગ જોઈએ. પણ વાતની વધુ સ્પષ્ટતા કરવા ખાતર જ કદાચ કવિ આ છૂટ લે છે. 'ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે.’ ગીતમાંના કાવ્યનાયકને, પરદેશ જવાનો ઇન્કાર કરતી નાયિકાના મનોભાવ સાથે, આ કાવ્યની મન:સ્થિતિનું પણ, પૂરેપૂરું મળતાપણું વાંચી શકાય છે. ‘આણાં મેલજો'માં સાસરિયેથી પિયર આવવા ઇચ્છતી બહેન ઋતુએ ઋતુએ પોતાના ભાઈને તેડવા આવવાનું કહેવરાવે, વળી પોતે ઉનાળે કાંતણાં કાંતશે, વરસાએ જૂઠડાં ખોદશે ને શિયાળે સાંધણાં સાંધશે એમ કહીને બધાં કામ કરી દેવાની ખાતરી આપે, પણ ભાઈ તો જુદાં જુદાં બહાનાં બતાવી બહનને તેડાવવાને બદલે ‘તમે તમારે સાસરે જ સારાં છો’ એમ કહેવરાવે, ફરી પાછી બહેન પોતાના પિયરનાં બાળ-સાથીસમાં ઝાડવાં ને રસ્તા દેખાડવાનું કહે ત્યારે પણ એ ઝાડવાં ને રસ્તા હવે રહ્યાં નથી એવો જૂઠાણાંવાળો જવાબ ભાઈ તરફથી મળે. અંતે પિયર જવાનું એક પણ નિમિત્ત ન મળતાં, પોતે મરી જઈને ચકલીનો અવતાર પામવાની કે કૂવાનો પથ્થર બનવાની ઝંખના સેવે. આમ, સમગ્ર કાવ્યમાં બહેનની પિયર-દર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત થઈ છે. પતિ-પત્ની કે પ્રિયતમ-પ્રિયતમાની વિયોગવ્યથા જ મોટા ભાગનાં બારમાસી કાવ્યોનો વિષય બને છે ત્યારે ભાઈ-બહેન વચ્ચેના આવા સંવાદને નિરૂપતાં વિરલ કાવ્યો પણ અત્યંત ધ્યાનપાત્ર બની રહે છે. 'કણબીનાં દુ:ખ’માં નાયક-નાયિકાની વિરહવેદનાને બદલે કૃષિજીવનની દુર્નિવાર વેદનશીલતા પ્રગટે છે. સાથોસાથ અહીં મહેનતકશ કૃષિકારોની વાતમાંથી ખેતીકામનું સમયપત્રક પણ મળે છે. ‘મહિના' શીર્ષકની રચનામાં વિશેષત: પ્રકૃતિના પરિપ્રેક્ષ્યમાં બાર માસનું વર્ણન છે, જે પ્રકૃતિનો લોકોને પ્રત્યક્ષ પરિચય છે એનું ચિત્રણ કરીને અહીં આખોયે પ્રાકૃતિક પરિવેશ સર્જાયો છે. તો ‘મહિના' શીર્ષકની અન્ય રચના અંતર્ગત કાન-ગોપીને નિમિત્તે દરિયાખેડુ દંપતીની વિરહવ્યથા વ્યક્ત થઈ છે. વળી, બારમાસીની સાથે સેળભેળ થયેલી આ રચનામાં કારતકથી માંડી જેઠ મહિના સુધીની જ વાત છે, એ બાબત પણ ધ્યાન ખેંચે છે. ૨.૩ : વિષય સંદર્ભે રાધા-કૃષ્ણવિષયક તેમજ સામાજિક બારમાસીના જૂથ ઉપરાંત પ્રકીર્ણ એવી બારમાસીઓ પણ અલગ તારવી શકાય એમ છે. વિષય અને સંવિધાનની બાબતમાં પરંપરાગત બારમાસીને અનુસરવાને બદલે નિરાળી ચાલે ચાલતી આ પ્રકારની બારમાસીઓ, બારમાસી સ્વરૂપના ચુસ્ત દૃઢબંધને સ્વીકારતી નથી, તેમ છતાં તેના પર પડેલો બારમાસીના સ્વરૂપનો પ્રભાવ સ્વીકારવો પડે તેમ છે. એટલે બારમાસીનો આભાસ ઊભો કરતી આ પ્રકારની અલ્પસંખ્ય કૃતિઓ પણ ધ્યાનાર્હ બને છે. તુલસીને વિષય બનાવીને લખાયેલી ‘તુલસીની બારમાસી' નોખી જ ભાત પાડે છે. અષાઢથી આરંભીને જેઠ સુધી જુદા જુદા સંદર્ભોમાં તુલસીની વાત કર્યા બાદ અહીં તુલસીનું મહિમાગાન ગવાયું છે. બારમાસીનો આભાસ ઊભો કરતી ‘ગોવિંદ હાલરું' રચનામાં કૃષ્ણ જન્મ પૂર્વેની અને કૃષ્ણજન્મ પછીની સ્થિતિ શબ્દસ્થ થઈ છે. કૃષ્ણના જન્મ પહેલાંના નવ મહિનાના ઉલ્લેખ બાદ, દસમા મહિનામાં કૃષ્ણના જન્મ થયા પછી, કૃષ્ણની વિવિધ માગણીઓનું આલેખન અહીં થયું છે. તો 'શ્રવણનું લોકગીત' એ પણ બારમાસીનો આભાસ ઊભો કરતી કૃતક રચના છે. એના સંવિધાન ઉપર બારમાસીના સ્વરૂપની અસર વરતાય છે, પરંતુ અહીં વિષય તરીકે ગર્ભસ્થ શ્રવણની વાત આલેખાઈ છે.
(૩)
૩.૧ : વિષયી માફક સંવિધાન અને પદબંધની બાબતમાં પણ આ બારમાસીઓમાં વૈવિધ્ય અનુભવાય છે. અહીં, 'તુલસીની બારમાસી' જેવી રચનામાં એક પંક્તિની કડી : ‘લાલજીના મહિના', 'નંદલાલના મહિના', 'જમના જાવા દો પાણી રે', 'બાર મહિના', 'સાંભળ સાહેલી', 'વાલા', 'વાલાજી', જેવી અનેક રચનાઓમાં બે પંક્તિની કડી; ‘મહિના', 'કણબીનાં દુઃખ', 'આણાં' વગેરેમાં ત્રણ પંક્તિની કડી; ‘વૈરાગના મહિના', 'રાધિકાના મહિના', 'કૃષ્ણના મહિના' જેવી કેટલીયે કૃતિઓમાં ચાર પંક્તિની કડી; 'સામાજિક બારમાસી'માં પાંચ પંક્તિની કડી કે 'રાધાવિહ' જેવી રચનામાં ત્રણ, ચાર ને પાંચ એમ મિશ્ર કડીઓમાં બારમાસી રચાયેલી જોવા મળે છે. જોકે અહીં બે પંક્તિઓની કડીમાં ભાવાભિવ્યક્તિ કરવાનું વલણ વિશેષ રહ્યું છે. ૩.૨ : લોકસાહિત્યની બારમાસીની આપણી પરંપરામાં કેટલુંક પુનરાવર્તન વારંવાર નજરે ચડે છે. જેમ કે પોષે શોષ પડે, ફાગણે હોળી આવે, ચૈતરે ચિત્ત ચાળા કરે ને ચંપો, દાડમ ને ધ્રાખ મોરે, આસોમાં દિવાળી આવે ને સુંવાળી સેવ વણાય - આ તમામ વાતો મોટા ભાગની બારમાસીઓમાં પુનરાવર્તિત થાય છે. આમ, કેટલીક વાર થતા પદબંધના પુનરાવર્તનની જેમ ભાવનું પુનરાવર્તન પણ અહીં જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી બારમાસી રચનાઓની જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી - એમ વિવિધ ધારાઓ છે, તે રીતે કંઠસ્થ પરંપરાની બારમાસીઓમાં ચારણીપરંપરાની તથા લોકસાહિત્યની પરંપરાની બારમાસીઓની બીજી ધારા છે. આ સ્વતંત્ર ધારાપ્રવાહની બારમાસીઓમાં પણ ભિન્ન ભિન્ન રીતે વિષયસામગ્રી પ્રયોજાઈ હોય એ સ્વાભાવિક છે. સમાન પ્રવાહની બારમાસી પણ કેવું વૈવિધ્ય ધારણ કરતી હોય છે અને સાથે સાથે પરંપરાનું અનુસંધાન કેવી રીતે જાળવતી હોય છે તેનો ખરો ખ્યાલ આ સ્વાધ્યાય દ્વારા મળી રહે છે. આમ, ગુજરાતમાં થયેલો બારમાસીના સ્વરૂપવિષયક વિચારણાનો પરિચય, બારમાસીનું સ્વરૂપ, લોકસાહિત્યની સત્યાવીશ બારમાસીઓ તથા એનું વિશ્લેષણ - એમ ચાર બાબતોવિષયક મારાં સ્વાધ્યાયનિરીક્ષણો પ્રસ્તુત કર્યાના આનંદ સાથે વિરમું છું.
*
('અધીત : પંદર')
- ↑ 1. દેખાડો
- ↑ હારે
- ↑ રૂપ
- ↑ છત્રીસ
- ↑ ટાઢો-ટાઢનું બહુવચન
- ↑ ૫. ચરણાંચીર - દેહ ઢંકાય એવી સાડી.
- ↑ જય જયકાર
- ↑ ઊમટ્યાં, ઊગ્યાં?
- ↑ વરસ્યો
- ↑ સરવડી
- ↑ પાઠાંતર : (૧) આવો હરિ! રાસ રમો વાલા, (૨) આવો હરિ! રાસે રમવાને,
- ↑ મારગડે
- ↑ પડ્યો
- ↑ વાટલડી
- ↑ 5. અૂસકડે-ધ્રુસક
- ↑ 6. . દેવ-તરસ્યો,બપૈયો
- ↑ 7. તલસે-ટળવળે
- ↑ સરખાવો : (૧) ‘૨. રા.' ભા. ૩, ગીત ૬પ, પૃ. ૮૩ (૨) ‘ગુ. લો.’ (૩) મણકા પહેલામાંનું ગીત
- ↑ ડાભનું ઘાસ
- ↑ ઝાડવાં
- ↑ 3. ઉત્તર-દક્ષિણની
- ↑ 4. વાવાઝોડું
- ↑ સરખાવો :
{[gap}}ગુર્જર ગીતની ('રઢિયાળી રાત' ભાગ 'મહેમાન') - ↑ અંધાર્યો
- ↑ સરવડે
- ↑ બહોળાં, ઘણાં
- ↑ કહીશ
- ↑ કુમળો
- ↑ ચોકિયાત
- ↑ કહે