અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ખમ્મા, આલા બાપુને (ઘટનાપુરુષનો કાવ્યાવતાર)
લાભશંકર પુરોહિત
1
રોમૅન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટા ભાગે, બિયાબારું હોય છે, કેમ કે ઇન્દ્રિયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધારે નિસ્બત હોય છે. ‘ખમ્મા, આલા બાપુને' જેવી વ્યાજવીર (Mock-Heroic) કવિતાના રચનાકાર તરીકે, શ્રી રમેશ પારેખની, વ્યંગકવિતા સાથેની સાચી પ્રીત, એમાં સુખદ અપવાદ ઠરે છે અને ઊર્મિસ્પૃષ્ટ રંગદર્શિતા તથા અત્યુક્તિ સ્પૃષ્ટ વાસ્તવમૂલ વિડંબના એમ ઉભયધારામાં સમાનબળે વિચરતા સવ્યસાચી તરીકે સ્થાપે છે.
* * *
નવ જેટલી છંદોબદ્ધ રચનાઓ, આઠ ગદ્યકાવ્યો, બાળગીત, ઊર્મિગીત, ભજનઢાળનું ગીત અને ડિંગળા શૈલીનું ચારણી ગીત મળીને ચાર ગીતરચનાઓ તથા મહેણું ભાંગવા માટે રચી કાઢેલી એક ગઝલ: આમ વિવિધ રચનાપ્રકારોને નાણતી કુલ બાવીસ કૃતિઓ, પ્રસ્તુત સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. વિવિધ કાવ્યબંધોમાં ઊતરેલી આ સૌ રચનાઓ, જોકે, વસ્તુસંદર્ભના પૌર્વાપર્ય કે કથાતંતુની સળંગ સૂત્રતાથી સંબદ્ધ નથી. 1970થી 1985 સુધીના લગભગ પંદરેક વર્ષના ગાળામાં સમયાંતરે લખાયેલી આ રચનાઓ, ભાવસૂત્ર અને રચનાપુદ્ગલની દૃષ્ટિએ, સ્વયંપર્યાપ્ત છે; આમ છતાં, સંગ્રહની સમસ્ત રચનાઓમાં કીલકસ્થાને તો ઘટનાવીર (Legendary Hero) આલા ખાચરની બહુપરિમાણીય વ્યક્તિમુદ્રા ઊપસતી રહે છે. એ કારણે, આલા બાપુના લિજેન્ડરી પાત્રને કેન્દ્રમાં રાખીને, આ રચનાઓનો એકાત્મભાવે વિચાર થવો ઘટે. (જોકે, ‘કોરી ખંભે પછેડી…’ અને ‘મીરાંબાઈને પ્રશ્ન' : એ બે કૃતિઓ-ખાસ તો ‘મીરાંબાઈને પ્રશ્ન’- સંગ્રહની એકંદર તાસીર સાથે બહુ મેળમાં બેસે તેમ નથી. ‘કોરી ખંભે પછેડી….’માં સ્થિતિ-વિપર્યાસની વેદનાને વ્યક્ત કરતી સ્વગતોક્તિ છે, થોડીક આત્મભર્ત્સના છે; પણ વિડંબનાનો સૂર એમાંથી ઊઠતો નથી તો, ‘મીરાંબાઈને પ્રશ્ન'માંની પ્રશ્નોક્તિ, આલા ખાચરની જ હોય એવું,-આલા બાપુની આકૃતિ-પ્રકૃતિ સાથે સંગત ઠરે એવું - આંતર પ્રમાણ મળતું નથી.)
* * *
‘ખમ્મા, આલા બાપુને!’માંની સંકલિત રચનાઓનું રસસૂત્ર વા કળાસૂત્ર શામાં છે? હાસ-વિનોદની સંસૃષ્ટિમાંથી નીપજતા પરિ-હાસમાં? પરિહાસના આવરણ તળે ધબકતા સમીક્ષાત્મક વિચારતત્ત્વમાં? કે પરિહાસ-પર્યેષણાના ઉભયાન્વયી સંઘટ્ટનમાં?- આ મુદ્દાને નજરમાં રાખી સંગ્રહનું વ્યંગસ્વરૂપ, કાવ્યબંધની લયાન્વિતિ અને સંરચનાની પ્રયુક્તિઓનો વિચાર કરવાનું મનમાં છે.
2
વ્યંગકવિતામાં કટાક્ષની કળાઘટના નકરા હાસ-વિનોદ (Wit and Humour)ના પ્રસરણ પર નિર્ભર હોતી નથી. પંક્તિ વા ખંડમાં સદ્યઃ પ્રકાશિત વિસ્મયબોધ કરાવતી ને તર્કાશ્રયી ચમત્કૃતિ દાખવતી વાક્-ચાતુરી (Wit) અને કૃતિના સમગ્ર નિબંધમાંથી પ્રસવતો વિચારગર્ભ મર્મવિનોદ (Humour) સાથલાગાં મળીને વ્યંગરચનાનું હાડ તો બાંધી આપે; પણ એને પ્રાણ તો સાંપડે છે હાસની સપાટી તળે વ્યંજનારૂપે ધબકતી જીવનપર્યેષણાના સંયોગથી. વ્યંગલેખકની ઉત્કટ વેદનાશીલતા, સામાજિક જાગરુકતા, સહાનુકંપા તથા સૂક્ષ્મ અને વ્યાપક જીવનનિરીક્ષણમાંથી વિચારસમીક્ષણ લાધતું હોય છે. જ્યારે હાસ-વિનોદનું વરદાન સાંપડતું હોય છે નિસર્ગદત્ત પ્રતિભાબળે, સહજ પ્રકૃતિબળે સમગ્ર પરિવેશના સમવિષમ અંશો અને અસંગતિઓને જોડાજોડ મૂકી પ્રકાશિત કરી આપવાની તોલનબુદ્ધિ અને તર્કશક્તિ એને માંજી આપે છે. એટલે કળાત્મક કોટિની કટાક્ષરચના માટે પરિહાસ – પર્યેષણનો સમન્વય અનિવાર્ય બની રહે, અન્યથા એ માત્ર સસ્તા વિનોદ, ટીબળ-ટોળ, રમૂજી ટુચકા (Jocks) કે ઠેકડીમાં સરી પડે.
* * *
પરિહાસ અને પર્યેષણાના સંપુટમાં વિલસતી કટાક્ષરચના તરીકે. ‘ખમ્મા, આલા બાપુને!’ની વ્યાજવીર કવિતા (Mock-Heroic)નું મુખ્ય અધિષ્ઠાન છે આલા ખાચરનું લિજેન્ડરી કેરેક્ટર. ઘટનાપુરુષ તરીકે નામેઠામે એનું ઐતિહાસિક અસ્તિત્વ નથી, ન જ હોય, પણ સ્વભાવગુણે અને તાસીર વડે કરીને તો આલા બાપુ ત્રિકાળવ્યાપી, અખંડભૂમંડળચારી ‘આપ્તમન્ય' છે. નિત્ય વ્યવહારમાં સર્વત્ર પ્રતીત થતી આપણી સ્વભાવગત નબળાઈઓ-મુખ્યતઃ આત્મમહિમા અને આડંબરનું અદ્વૈત – બાપુના વ્યક્તિયોગનું મૂલાધારચક્ર છે. મિથ્યાભિમાન અને દંભની વૃત્તિઓ જેના પર વ્યાપારવતી બને છે એવાં મૂર્ખતા, પામરતા, નિર્વીર્યતા, કાપુરુષતા, રંકતા કે દીનતા, કદર્યતા ઢચુપચુવેડા, સત્તા વા સંપત્તિના વિપર્યાસનો સતત કઢાયો : આવી મનોસ્થિતિઓ કે જીવનવલણો જ્યારે વકરે છે ત્યારે એને પ્રત્યક્ષ કરાવી આપતાં પાત્ર, પ્રસંગ અને પરિસ્થિતિ વિડંબના અને ઉપહાસનો વિષય બને છે. અહીં એ યાદ રાખવું ઘટે કે વ્યક્તિ તરીકે આલા બાપુની રંકતા, વંધ્યતા, રુગ્ણતા, નિઃસાધનતા, નિર્વીર્યતા વા સ્થિતિવિપર્યાસ: આ સૌ જીવનસ્થિતિઓ, કેવળ અભાવાત્મક અવસ્થાઓ તરીકે જ ઉપહાસપાત્ર નથી, પણ આ સૌ દુરવસ્થાઓને વિધેયાત્મક સ્થિતિઓ તરીકે સ્થાપવા માટેના એના કૃતક પ્રયાસો: નકરા અભાવોથી ઊભરાતાં નક્કી વાસ્તવને વિસારી કેવળ કલ્પનાની સ્વપ્નસૃષ્ટિમાં આભાસી સુખોપભોગની રચાતી તરંગલીલા; દુણાયેલી જીવનસ્થિતિઓમાંથી ધરાર માધુરી પામવા માટેનાં વ્યર્થ વલખાં : ટૂંકમાં, અણગમતા વાસ્તવની નિરુપાય સ્વીકૃતિને બદલે એને સતતપણે નકારતા રહેવાથી સરજાતી આત્મવંચના અને પરપ્રતારણાનો મિથ્યાવ્યવહાર વિડંબના-વિષય બને છે. વ્યક્તિકક્ષાએ પ્રતીત થતાં મિથ્યાગૌરવ, શેખી અને દંભ તથા સમુદાય- સમાજકક્ષાએ પ્રવર્તતાં અસુભગ ને કૃતક જીવનમૂલ્યોને વ્યંગકટાક્ષના ઢાળામાં વ્યક્ત કરવા માટે કટાક્ષકાર જ્યારે પરિસ્થિતિનું સામગ્રિક અ-મૂર્ત નિરૂપણ કરવાને બદલે વ્યવસ્થાંતર્ગત અસંગતિઓને મૂર્ત કરી આપતાં ‘ચરિત્ર’ને કૃતિના મુખ્ય આલંબન તરીકે ઉપસાવવાનું પ્રયોજે ત્યારે કસોટીની પળ આવી પડે છે. કેમ કે આવું ‘ચરિત્ર’ સમષ્ટિગત નબળાઈઓના દૃઢભાજકને ધારણ કરતું ‘પ્રતિનિધિક’ (Typical) પાત્ર રહેવા છતાં, વિશિષ્ટ (Particular) પાત્ર તરીકેનું પોતાપણું પણ ધરાવતું હોય એ જરૂરી છે. માંસલ જીવંતતા અને સ્પષ્ટરેખ વ્યક્તિતા મળીને એની અસ્મિતા બાંધી આપે, તો વળી સ્ફૂર્તિલી ગતિશીલતા, પ્રત્યક્ષ ક્રિયાપ્રપંચ અને અતિચિત્રણના સ્પર્શવાળી બહુશાખાળી પ્રભાવકતા એવા પાત્રને ‘લિજેન્ડ'ના દરજ્જે થાપી આપે. જો આમ ન બને તો, સઘન કલ્પકતાના અભાવે, કટાક્ષરચનાનું આવું પાત્ર કેવળ ભાવનાત્મક (Conceptual) ચરિત્રની અવસ્થાએ અટકીને કવિનું ફક્ત મુખપાત્ર (Mouth-Piece) બની રહે.
* * *
વ્યાજવીર કવિતાના ઘટનાપુરુષ તરીકે આલા બાપુ એના નામથી અને કામથી આ……ખ્યા...યે……સંગ્રહમાં, એની રૈયત કરતાં સવાવેંત ઊંચેરા થઈને પથરાયા છે. બાપુના આગમનનું ‘આવણું' લલકારતી, સરલ-તરલ લયમાં રમતી, સંગ્રહનું અને ખુદ બાપુનું, જાણે કે, નાંદી સ્તવન ગાતી પ્રથમ રચનામાં જ, આલા બાપુની આંતરબાહ્ય અસલિયત તથા એના અસબાબ ને અસ્ક્યામતનું જે લઘુચિત્ર (Miniature-Sketch) દોરાયું છે એનો જ લીલાવિસ્તાર પછીની રચનાઓમાં, નાના પ્રકારે, વર્ણવાયો છે. સૂરજવંશી ખાનદાની ને રાજપૂતી રખાવટ, રજવાડી ઠાઠ અને રૈયાતપ્રેમ; ફલવતી પુંસકતા, પરાક્રમ અને પુણ્યપરાયણતા; ઉગ્ર યુયુત્સા અને ધીર તિતિક્ષા સામર્થ્ય અને સમતા; એંટ, અડગતા, અતિથિપ્રેમ અને અપત્યસ્નેહ; અનર્ગળ વૈભવ અને વિલાસિતા અપાર સત્તા અને ઝાંપે ઝાલક નાખથી સાહ્યબી: કેવી ગરવી અને અનસૂયાપ્રેરક છે આ ભાવસ્થિતિઓ? ગતકાલીન વૈભવ અને જાહોજલાલીનાં દિવાસ્વપ્નોમાં વિચરતા આલા બાપુ પાસે આમાંનું કશું નથી. ચૂંચી, મોતિયાથી પીડાતી, આંસુ ટપકતી, રાતી લબરક આંખો; લબડી ગયેલી અને માથે માખીઓ બણબણતી હોય તેવી મૂછો, આંચકા મારતો હૈડિયો, માખીઓથી છવાયેલું મોઢું, ઉધરસથી હાંફીહાંફીને બેવડી વળી જતી. ‘ગજવેલ’ જેવી છાતી, નમી ગયેલી કેડ, ધ્રૂજતી આંગળીઓ ને કફ, હાંફ, ઉધરસ, કળતર, ટચકિયું, ગૅસ, મોતિયો, ધાધર ને લાલ ઘોલાં જેવી ફોફળ જેવડી બાંબલાઈ - એ ‘સકળ રોગ જેને વંદે’ એવી જાજરી કાયા ધરાવતા આ ઘટનાપુરુષ દેહયષ્ટિએ તો અષ્ટાવક્ર અને બાહુકના ગોત્રબંધુ છે. ધાબડી ભીંત્યું, તૂટેલ મિજાગરાંવાળી ઉઘાડીફટ્ટાસ ડેલી ને ઉઘાડભઠું ફળિયું ધરાવતા, ચુડેલના વાંસા જેવી ગધેડિયા ગઢમાં કાયમ મુકામ ધરાવતા ‘ગણતરીપાળ’ ઘરાનાના આ ઘટનાવીરની અસ્ક્યામતમાં ઝોળો ખાઈ ગયેલ વાણવાળી ખાટલી, કટાઈ ગયેલી તલવાર, ફસકાઈ પડેલી મોજડી, ફાટેલો કોટ ને બીડીનું ઠુંઠું છે. બગાઈગ્રસ્ત ટાયડું ઘોડું ને ખસૂડિયું કૂતરું જ માત્ર નહિ; જૂ, ચાંચડ ને ગરોળી પણ બાપુનાં ‘આપ્તમન્ય’ છે. બબ્બે ઠકરાણાં છતે, કુંવરસુખના ઓરતા અધૂરા રહ્યા છે જેના એવા ‘બોતેર પેઢીનું નાક' ને ‘છપ્પન ભાયાતુંના શિરમોર' આલા બાપુની કુંડળીમાં સ્ત્રીભુવનમાં પાપગ્રહો પડ્યા હોય કે શુક્ર ખાડે પડ્યો હોય વા મંગળ માથાબાંધણે બેઠો હશે; અન્યથા આ ‘ઝાડાફું દેતા સાવજ' અને ‘ધગધગતાં લોહીના ધણી’નાં ‘બીજુવારુકાં ઠકરાણાં ઉઘાડેછોગ બહાર ભટકે' એનો શો ખુલાસો આપી શકાય? ધૂળમાં દોરેલા ગાયના ચિત્રની આગળ પાંચસોનો આંકડો લખી અર્ધસહસ્ત્ર ગાયોનાં દાનનું પુણ્ય કમાયાનું ગૌરવ માણતા બાપુ દિવાસ્વપ્નમાં સોનાનો તોડો, જરઝવેરાતનાં ગાડાં અને બબ્બે ગાય દાનમાં આપી દેતાં પાછું વાળીને જોતા નથી! ‘અરધી રાતે' ને ‘સામી છાતીએ’ ગોળિયું (બંદૂકની નહિ, દવાની) ખાવામાં કે કાચેકાચી ને લુખ્ખેલુખ્ખી ડુંગળી એક પછી એક ખાવામાં, ‘સમરાંગણમાં ઝાટકા ખાનારના વંશના લેરા' એવા આલા બાપુ, ‘તલવાર્યુંના ઝાટકા ખાધા’ હોય એવા ધીંગા પરાક્રમનું ગૌરવ માણે છે! -કેવું વરવું છે આલા બાપુનું આ વાસ્તવ? કુત્સિતતા અને જુગુપ્સા પ્રેરે એવું બાપુનું દેહચિત્ર છે, અને कदर्येण वासितं इदं सर्वम् यद् किंचित् दुर्ग गर्दभे-नुं પ્રમાણપત્ર આપવું પડે એવુ ગધેડિયા ગઢનું આંતરબાહ્ય સંસારચિત્ર છે. આમ કાયાસ્થ અને ગૃહાસ્થ: બન્ને અસ્થાની વરવી વાસ્તવિકતાને છાવરવા, અણદેખી કરવા માટે નિથ્યા કુળગૌરવ અને મહિમાસ્થાપનની વૃત્તિથી પ્રેરાઈને, પુરસ્કારપાત્ર અભિજાત આદર્શો અને ગુણાત્મક ભાવસ્થિતિઓની પોતાના વર્તમાનમાં પણ ઉપસ્થિતિ છે એવી આત્મવંચનામાં, ચાહી કરીને, એ રાચતા રહે છે. કટાક્ષકવિતાના ઘટના પુરુષ લેખે, આલા ખાચરની ચરિત્ર-બાંધણીમાં સંઘટ્ટકસૂત્ર તરીકે અતિસયોક્તિ વ્યાપાર પ્રવર્તે છે. આ અતિશયોક્તિ વિવિધ સ્તરે અતિચિત્રણ ઊભું કરે છે. એક તરફ આલા બાપુની વિરૂપ શરીરઘટના અને વિકૃત મનોઘટનાની, યુગપત્ વ્યક્તિતાની વિડંબનાત્મક મુદ્રાઓ ઉપસાવી આપે છે; તો બીજી તરફ બાપુની વ્યક્તિતાને પ્રકટ વ્યવહારની બેસણી સાંપડી રહે તેવી હાસપ્રેરક પરિસ્થિતિઓ ગોઠવી આપે છે. એક અન્ય રીતે જોઈએ તો આલા ખાચરના ચરિત્રઘટનમાં અતિશયોક્તિ દ્વિવિધ સ્વરૂપે / પ્રકારે ગતિ કરતી દેખાય છે. વ્યક્તિ આલા બાપુ અને તત્સંબદ્ધ બાહ્ય સંદર્ભોના જે અંશોની હાસપ્રેરકતામાં કારકતા હોય તેનું નિરૂપણ કાં તો લાઘવીકરણ (Minimisation) કાં વિપુલીકરણ (Maximisation) દ્વારા કરે છે. કહેવાનું એટલું જ છે કે આલા ખાચર (ચરિત્ર અને રચના)માં અતિશયોક્તિનો દ્વિવિધ સ્તરે સ્વરૂપે વિનિયોગ, ઉપહાસ-નિબંધન સાધી આપે છે. –પરંતુ, કટાક્ષકૃતિ તરીકે પ્રસ્તુત રચનાની કળાત્મકતા સાધી આપવામાં, ઉપહાસ-વિડંબનની અતિયાત્રા સાથે, ચરિત્ર અને કૃતિ - ઉભયમાંથી, પરતઃ પ્રકારે ફૂટતાં વ્યંજનાત્મક સમીક્ષા બોધન કે વિચારપર્યેષણની ઉપયુક્તતા માત્ર મહત્ત્વની નહિ, નિર્ણાયક પણ બની રહે છે. સીધી સમીક્ષા કે પ્રત્યક્ષબોધનને તો કટાક્ષની કળાત્મકતા પણ ન સાંખે. અહીં ઘટના-નાયક આલા બાપુની પ્રકટ. પ્રચ્છન્ન જીવનલીલામાં આત્મમહિમા અને આડંબર કેવાં કેવાં અજબગજબ આશ્ચર્ય રૂપો ઊભાં કરે છે? એના કૃતક આચારનું આખુંયે સમાંતર જગત દ્વૈતના જે વિસ્મયલોકનો આપણને સાક્ષાત્કાર કરાવે છે તે કેવળ આશ્ચર્યમુગ્ધ કરીને જ અટકતો નથી, અનુકંપા અને તદનુષંગી આત્મપરીક્ષણ કરવા પ્રાણ પ્રેરે છે. આલા બાપુની સહસશીર્ષ મોં-કળામાં કેટલા બધા ભિન્નભિન્ન ચહેરાઓની કોઈ ને કોઈ રેખા ઊભરી આવતી દેખાય છે? ‘Wonders are many, but nothing is more wonderful than man'ની દૃઢ પ્રતીતિ બાપુ કરાવી રહે છે.
3
સંગ્રહની રચનાઓના કાવ્યબંધ તરીકે ગદ્ય અને પદ્ય-બન્નેને પ્રયોજ્યાં છે. વ્યંગને રોમૅન્ટિક વલણો સાથે મેળ ઓછો પડે, ભાવની આછી છાલક સાથે મહદંશે એમાં બુદ્ધિસ્પર્શનું તત્ત્વ વધારે પણ હોય, એ કારણે વાસ્તવ, નિર્ભેળ વાસ્તવના માધ્યમ એવા ગદ્યબંધમાં ઊતરવાનું એને વધુ ફાવે. અહીં ‘આલા ખાચરનું ઊંડું, ‘આલા ખાચરનું ઓયવોય’, ‘બાપુની ધુળેટી’, કીરતિ કેરાં કોટડાં’, ‘સામી છાતીનાં ધીંગાણાં’, ‘બાપુનું હા રે અમે ગ્યાં’તાં’, આલા ખાચરનું આપણું તો', ‘બાપુ ધાગધાગા' અને ‘બાપુને નામે આમ?’-મળીને કુલ નવ રચનાઓ ગદ્યબંધમાં છે. આ રચનાઓમાં બાપુની જે વિવિધ ભાવમુદ્રાઓ પ્રગટ થાય છે તે, આમ તો, આપણે ત્યાં પ્રચલિત ટુચકા, ટૂંકાં પ્રાસંગિકો (Episodes) કે ટોળ-ટીખળના કિસ્સાઓની ઓથે બહાર પડતી મૂર્ખતા, દાંભિકતા વા નિર્બળતાની ઢબછબની છે; પરંતુ અહીં એમાંથી નરી સ્થૂળતા, ગ્રામ્યતા કે અપરસતા કંઈક અંશે ખરી પડે છે અને જે કળાત્મક વ્યંગની ધાર પ્રાપ્ત થાય છે એમાં, એના સબળ અને વૈવિધ્યપૂર્ણ વ્યંજક ગદ્યલયની ઉપકારકતા મહત્ત્વની છે. રચનાઓની ભાષાનું પોત કે કાઠું (Texture) પ્રદેશવિશેષની ઘેરી છાંટ ધરાવતી બોલીમાંથી ગંઠાયું છે. ગદ્ય જ નહિ, પદ્યબંધના પોતને પણ બોલીવિશેષનો ઘાટો સ્પર્શ સાંપડ્યો છે. અહીં પ્રયોજાયેલું બોલીરૂપ ગદ્ય, બોલચાલની ભાષા સાથે સાવ ઘસાઈને ચાલતું હોવા છતાં, ભિન્નભિન્ન તરાહો દ્વારા કેવું તો આસ્વાદ્ય બને છે તે જોઈએ : (1) યાંત્રિક ને બીબાંઢાળ એકવિધતાથી જીવનના સકલ ‘વિલાસો’ જ જ્યાં અબખે પડી ગયા છે તેની મૂઢ વેદનાને વ્યક્ત કરતી, ‘આલા ખાચરનું ઊંહું'માંની આ પંક્તિઓમાંનો ગદ્યલય, ક્રિયાપદને ઉપાંત્ય સ્થાને ગોઠવીને, ભાવોદ્રેકની તરડાયેલી મીંડ કેટલી તીવ્રતા-ઉત્કટતાથી વ્યક્ત કરે છે?
“આલ્લીલી વીડીય, કઉં છું
ભલે ગળશી જાય હરાયાં ઢોર.
* * *
થોભિયા પડે ભાડ્યમાં
બધી બારછાઈ જાય ચૂલમાં,
ને આબરૂની માને પૈણે કૂતરા
* * *
‘બાવડાં મર્ય થઈ જાય ચીંથરું
નથી હાંભળવી તબેલામાં વિચારોની હેષા,
તર્કનું ભાલું ભલે લટકે એની માના છક્કામાં,
ભલે ઠકરાણાંની છેડતી કરે આખ્ખું ગામ.
* * *
બહુ નાહ્યા હવે,
હુક્કો ઠરતો હોય તો ઠરવા દે ને ભાઈશાબ,
મૈલ્ય એમાં પૂળો"
-અને જાણે પોતે જ પડ્યને સાદ દેતા હોય તેમ,
“છે કોઈ હાજર? સાંભળે છે કોઈ મારો સાદ?"
(2) ક્રિયાત્મક ગતિશીલતાનું પૅનોરેમિક ચિત્ર પ્રસ્તુત કરતા કથ્યવાર્તાના નિરૂપક ગદ્યલયની આ નોખનોખી તરાહો જુઓ :
(i)“ભાયાતુંનું ધાડિયું ભલકારા દ્યે છે
પિચકારિયું લઈ ફળિયામાં.
આવ-જા આવ-જા થાય છે ઘેરૈયા
કેસરિયાં દૂધના કઢા તો બોઘરણે બોઘરણે પીવાય છે.
મીઠાઈયુંના થાળ લઈ ગોલાં હડિયું કાઢે છે.
રાંધણિયે લાપસીનાં આંધણ ઊકળે છે…
ગઢની માલીપા ડાયરો લહલહે છે ને
વાર્તાયું મંડાણી છે.”
(‘બાપુની ધુળેટી', પૃ. 16)
(ii)"હડૂડૂડૂ કરતાં સૌ થ્યાં ભેળાં.
રોશનિયું – બોશનિયું થઈ ગઈ છૂ.
હૈયે હૈયું દબાય છું.
જુવાનિયા અમથા અમથા ડાંડિયા ઉલાળે છ્.
સૌના પગમાં હરખ આંટો વાઢી ગયો છ્.
વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્.”
(‘બાપુનું હાં રે અમે ગ્યાં'તાં', પૃ. 29)
– આરોહ કે અવરોહની ઊંચીનીચી થડક મુદ્દલ દાખવ્યા વગર, પંક્તિના-ને સમગ્ર ખંડના પણ સાદ્યંત બંધમાં સમથલપણે વહેતી, કથ્ય વાર્તાની તરલ પ્રવાહિતા જો ઉપરની બનને કંડિકાઓમાં અનુભવવા મળે છે તો કેવળ આરોહાત્મક લયતરંગોથી રચાતી પ્રશ્નમાલાની આ ગદ્યમાંડણીનો ઠસ્સો સાવ નિરાળો જ છે :
(iii)(“કાંઆંઆંઆં... બાપુનાં વજન લાગ્યાં?
ઠકરાણાંના અણગલા લાગ્યા?
ભાયાતુંની નજરું લાગી?
કોના પેટમાં તેલ રેડાણાં?
બાપુનાં ને ખાટલીનાં
સદેવંત સાવળીંગા જેવાં હેત
કોનાથી ન જિરવાણાં?
ફાટો, મોઢામાંથી ફાટો")
(“સામી છાતીનાં ધીંગાણાં', પૃ. 24)
-આક્ષરિક લિપિસંકેતો કે રૂઢ વિરામચિહ્નો જેને પૂર્ણપણે સંકેતિત કરવે સક્ષમ ન નીવડે એવો કેવળ વાચિક સ્તરના કાકુઓના લયવિવર્તો દ્વારા પણ ભાવવ્યંજનાનું કામ અજબ રીતે પાર પાડે છે. કેટલાંક નમૂના દાખલા નોંધીએ : (i) ‘જોગણિયું વાદાકોદ કરે : હું રમું ને તું નહીં / હું રમું ને તું નહીં.’ (પૃ. 29) (ii) ‘બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.’ (iii) ‘આપણું તો એવું / દઈ દીધી.” (પૃ. 36) (iv) ‘આંખ્યુંમાંથી પલપલિયાં પડી જાય, પલપલિયાં' (પૃ. 36)
* * *
સંગ્રહની કેટલીક રચનાઓમાં જ્યાં પદ્યબંધ પ્રયોજાયો છે ત્યાં રૂપમેળ / માત્રામેળ છંદો ઉપરાંત ભજન-ગીતના લોકઢાળ અને ‘શૌર્યગીત’માં તો ચારણી શૈલીમાં કટાવની મુક્ત ચાલ વહાવી છે. ‘શૌર્ય’, ‘બાપુ અને કૂતરું', ‘ધીંગાણું', ‘મોજડી’, ‘બાંબલાઈ’ તથા ‘બાપુ અને ઉદરશૂળ' : સોનેટ ગુચ્છમાંની આ રચનાઓમાં અનુક્રમે શિખરિણી, ઉપજાતિ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા, વસંતતિલકા અને પૃથ્વી તથા ‘આલા ખાચરની સવાર'ને ‘આલા ખાતર અને સંધિકાળ’માં વિવિધ વૃત્તોને ખપમાં લીધાં છે. (સૉનેટરચનાઓમાં ક્યાંક ખોડંગાતા યતિ અને ખૂટતી માત્ર / શ્રુતિને કારણે છંદોભંગના નીપજતા ‘બનાવ’ને આલા બાપુ નજરાઈ ન જાય એ માટેનાં કાજળટપકાં તરીકે જ નભાવશું ને?) અહીં પ્રયોજાયેલા રૂપમેળ છંદો કૃતિ અંતર્ગત તુચ્છવા ક્ષુદ્ર ભાવવસ્તુને, ઉદાત્ત-ગંભીર ને ગરિમાપૂર્ણ લય સાથે વિરોધાવીને વ્યંગ ઉપસાવવામાં ઉપકારક બને છે.
(1)કહે : ‘નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે.’
-કર્તા, ક્રિયાપદ કે કર્મ-કર્તા-ક્રિયાપદ: આવા સાદા ને સરળ પદાન્વય ધરાવતી કેવળ ગદ્યાળુ કહેવત / રૂઢિપ્રયોગને, એના મૂળ વાક્યબંધમાં મુદ્દલ હેરફેર કર્યા વિના, શિખરિણીના લગાગાગાગાગા / લલલલલગા / ગાલગાગાના અક્ષરબંધયુક્ત છાંદસ શ્રુતિલયમાં કેટલી સહજતાથી પલટી દીધાં છે! તુચ્છ, ક્ષુદ્ર કે નર્યા સામાન્યનું ગૌરવપૂર્ણ ને આરોહ-અવરોહમાં મિશ્ર લય સાથેનું વિરોધાત્મક સંતુલન જ અહીં હાસનું કારણ બને છે. તો વળી, સ્વપ્નચર્યાની અગંભીર ગતિસ્થિતિનું અનુષ્ટુપની ગંભીર લયતરાહમાં થયેલું આ નિરૂપણ હાસનો બીજો નમૂનો છે.
‘કૂતરાં ટૂંટિયું વાળી ફળિયા વચ્ચે જ ઊંઘતાં
ધૂળમાં, કોઈ ખખડાટી થાતાં મ્હોં સ્હેજ ઊંચકી
કાન ઊભા કરી આખ્ખી હવા શંકિત સૂંઘતાં
ઘૂરકી, આંખ અધખૂલી પાછી બંધ કરી જતાં.’
(‘આલા ખાચરની સવાર')
-‘મોજડી’માં મંદક્રાન્તાના આ પ્રયોગની વિડંબનવ્યંજકતા જુઓ:
‘ઘા ભેળી બેત્રણ ગજ જઈને થઈ ધૂળધાણી,
બાપુને શું? મર્ય ગધનીને કૂતરાં જાય તાણી.’
-તો વળી, ‘બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી, આરોહઅવરોહમાં ભાવગંભીર લયસંચલનો દ્વારા બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોની અ-ગંભીર સ્થિતિનું ગંભીર લયમાં નિરૂપણ સાધી કેવળ લય દ્વારા જ હાસપ્રદતા ઉપસાવી છે :
‘તને, ગંધની ફાફડી, ખૂટલ, ગોલકીની ફટ,
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?’
-આ આખી રચનામાં, પ્રથમ ચતુષ્ક પછીના બન્ને ચતુષ્કો અને અંતિમ પંક્તિયુગ્મમાં ક્રમશઃ બાપુની ઉદરપીડાનાં મંદ-તીવ્ર વમળાંતરો, પ્રતિકાર-સંકલ્પ અને ‘જલદ હિંગની ફાકડી’ દ્વારા શૂળશમનના ઉપચારની અગંભીર ને સામાન્ય ક્રિયાઘટનાનું, પૃથ્વીનાં લઘુગુરુ શ્રુતિઘટકોનાં સમવિષમ સંયોજનોની કઠોર-ગંભીર- લયરમણામાં થતું આલેખન હાસ્ય નિષ્પન્ન કરે છે.
* * *
વ્યંગનિરૂપણમાં, ગદ્યપદ્યના કાવ્યબંધોની વિવિધ લયતરાહો સમર્પક બને છે એમાં કાવ્યબાનીના ભાષાપોતની વિલક્ષણ પ્રકૃતિ ઉપકારક નીવડે છે. સંગ્રહમાંની મોટા ભાગની રચનાઓમાં કથન-વર્ણનના કેટલાક અંશોને બાદ કરતાં, ઘણે ભાગે, આલા બાપુનાં સ્વગત-જલ્પનો, આત્મસંભાષણો કે થીગડિયાં રજવાડાંની નાનાવિધ રૈયત - ભગો રાત, નરભો ગોર, રામજી લુવાર, ટપુડો કોળી, કસળચંદ, બાલુ બજાણિયો, ફતેપરનો માગણ-આવી પાત્રસૃષ્ટિની સંવાદોક્તિઓમાં પ્રયોજાતી ભાષા, રચનાંતર્ગત વિડંબન-વેદનાન્તે સુપેરે વ્યક્ત કરવા સક્ષમ નીવડે છે. આંતરબાહ્ય સકલ ભાવવિવર્તોને ઝીલવામાં સમર્થ એવા લહેકાઓ, કાકુઓ અને લિપ્યંતર કે વિરામચિહ્નો દ્વારા પણ અનુલ્લેખ્ય વાડ્ભંગિઓ કાવ્યબાનીને વાસ્તવસ્પર્શ તો આપે જ છે, વ્યંજનાગર્ભ પણ બનાવે છે. ‘આબરૂની માને પૈણે કૂતરા’, ‘બારછાઈ જાય ચૂલામાં’, ‘પત્તર ખાંડ માં’, ‘મેલ્ય એમાં પૂળો', ‘ઘરવટ ગઈ હાથઘરણે', ‘યાજનફાજન’, ‘બાપો…બા…પો’, ‘ગધની’, ‘બખ્ખાં', ‘ગોલકીના', ‘ગેસડું’, ‘ગોકીરો’ : સ્લૅન્ગના આવા છૂટથી થતા વપરાશ સાથે ‘વીરશ્રી', ‘નિષ્કાસિત', ‘યુદ્ધનાદ', ‘વિચારોની હેષા’ જેવા તત્સમ શબ્દોનો સાભિપ્રાય પ્રયોગ કાવ્યબાનીનું વિચિત્ર સપ્તક સાધી આપે છે.
4
પ્રસ્તુત સંગ્રહમાં, ઉપહાસ અને તે થકી નીપજતા વ્યંગની મર્મઘટનામાં સંવિધાનની કક્ષાએ જે પ્રયુક્તિઓનો વિનિયોગ થયો છે તે નોંધવા જેવું જ નહિ, રસપ્રદ પણ છે. તુચ્છ, ક્ષુદ્ર, અગંભીર કે અત્યંત સામાન્ય વિભાવોને મુકાબલે ઉદાત્ત, ભવ્ય, ગંભીર અને ગૌરવપૂર્ણ વિભાવોનું વિભિન્ન સ્તરે સન્નિધિકરણ યોજીને, વિભાવાત્મક સંદર્ભોના અંતર્-બહિર્ વિરોધમાંથી વિડંબનમૂલક હાસ-પરિહાસને પ્રકાશિત કરનારી વિવિધ પ્રયુક્તિઓ (Technique) આ રચનાઓમાં પ્રયોજી છે. વિભાવોનાં શબ્દગત, વાક્યગત, ખંડગત અને સમગ્ર રચનાગત-એમ વિવિધ સ્તરીય સન્નિધિકરણો અહીં યોજાયાં છે; અને એમાંથી વિરોધમૂલક સંતુલન (Antithetical Balance) નીપજાવીને પ્રાતિપક્ષિક સમાંતરતા (Antithetical Parallalism) અને શબ્દાંતરિત સમાંતરતા (Synonymous Parallalism)ના પ્રયોગનાં અનેક નિદર્શનો અહીં સાંપડે છે. વિસ્મયબોધક વાક્-ચાતુરી (Wit) અને મર્મબોધક હાસવિનોદ (Humour)થી સંયુક્ત પરિ-હાસઘટના (Satirical Formation)માં આ પ્રયુક્તિઓ નિર્ણાયક નીવડે છે. (1) વિરોધમૂલક સંતુલન : સંસ્કૃત તત્સમ શબ્દ / શબ્દગુચ્છની પડખે જ તળપદા કે સ્લૅન્ગમાં વપરાતા શબ્દ / શબ્દગુચ્છની સાભિપ્રાય ગોઠવણ.
– થોભિયા માથે વીરશ્રી ઝગમગી રહે.’ (પૃ. 5)
– ‘અંતમાં ગર્જના સાથે નિષ્કાસિત કરે, હફ.’ (પૃ. 4)
– ‘બાપુ પ્રસ્વેદથી આખ્ખેઆખ્ખાયે પલળી જતા.' (પૃ. 7)
– ‘નથી હાંભળવી તબેલામાં વિચારોની હેષા.'
– ‘ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી.’
– ‘અંતઃપુરનાં છિનાળાં સ્ટોપ.’
ઉપરની પંક્તિઓમાં ‘વીરશ્રી', ‘નિષ્કાસિત', ‘ગર્જના’, ‘પ્રસ્વેદ', ‘હેષા', ‘ત્વરા’, ‘ગંઠનવતી’, ‘અંતઃપુર’- આ સૌ તત્સમ શબ્દોની પડખે જ ‘થોભિયા', ‘હફ', ‘આખ્ખેઆખ્ખા’, ‘હાંભળવી’, ‘હડફ’, ‘નાડી’, ‘સજડબમ’ અને ‘છિનાળાં’ જેવા કથ્ય બોલીના શબ્દોની સહોપસ્થિતિ-અને ‘અંતઃપુરનાં છિનાળાં સ્ટોપ' જેવી પંક્તિમાં તો અનુક્રમે તત્સમ, કથ્ય બોલી અને અંગ્રેજી શબ્દોની સહોપસ્થિતિ - વિવક્ષિતાર્થની સંયુક્તતાનું વ્યંજનાપૂર્ણ વિગલન સાધી આપે છે. (2) પ્રાતિપક્ષિક સમાંતરતા : વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક વિભાવસામગ્રી / વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવ્યંજક વિભાવ / વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય-તુચ્છનો વિરોધ ઉપસાવે છે. ક્ષુદ્ર, તુચ્છ કે અગંભીર ઘટના પરિસ્થિતિને ઉન્નત, ગૌરવાન્વિત, ગંભીર ઘટના-સ્થિતિની સમાંતરે, ક્વચિત્ સાદૃશ્યવાચી કલ્પનો, દૃષ્ટાંતથી સાકળતું સન્નિધિકરણ જ્યાં યોજાયું છે ત્યાં આ પ્રાતિપક્ષિક સમાંતરતાની પ્રવિધિ નજરે પડે છે :
(i) ‘માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું
(યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું)’
(ii) ‘બાપુ જેવા સકળશરણા તો હશે કોણ અન્ય?
જેનાં જૂ, ચાંચડ, ભડ, ગરોળીય હો આપ્તમન્ય
(ii) ‘બાપુ વિચારજળમાં નખશિખ બૂડે,
ને બાંબલાઈ પર કેવળ માંખ ઊડે.’
(iv) 'વદે : ભલભલા અમે દુશમનો દીધા ઝાટકે,
અરે, સુભટ છું, નહીં ટકર ગેસડું લૈ શકે.’
(3) શબ્દાંતરિત સમાંતરતા: એકાત્મક ક્રિયા-સ્થિતિને ભિન્નભિન્ન સમર્પક / સમર્થક પંક્તિઓ કે વાક્યખંડો દ્વારા વારંવાર ઘૂંટીને સન્નિધિકરણની સઘનતા ઉપસાવવામાં આ પ્રવિધિનો પ્રયોગ દેખાય છે :
(i) ‘શું જોવાનો ડોડડિયો છે તમને?
આ ગઢને જોવાનો? / ગઢના દેરાર જોવાનો?
લ્યો, ત્યારે જુઓ / જુઓ, આ રહ્યો ગઢ, ચુડેલના વાંસા જેવો
લ્યો, જુઓ, ફળિયામાં બાંવકારા મારતાં ખસૂડિયાંને.....
લ્યો, નીરખો, ધડોધડ ભટકાતાં કમાડને....’
(‘બાપુની ધૂળેટી')
(ii) ‘સાચું કે' જે ભગા, / છોકરાંવ છે તેથી શું?
તે એટલું તો જાણે છે ને કે પરપોટો છે?
એટલું તો જાણે છે, પરપોટો ફૂટે,
એટલું તો જાણે છે, પરપોટો ફોડાય,
એટલું તો જાણે છે, સોય હોય,
એટલું તો જાણે છે, સોય ગોતાય
એટલું તો જાણે છે, ઘાસની ગંજીમાં…’
(‘આ. ખા.નું ઓયવોય')
-આ પ્રકારે, સન્નિધિકરણ દ્વારા ઊભી થતી સમાંતરતા અને સંતુલનની પ્રવિધિઓ યોજીને ક્ષુદ્ર / તુચ્છનો ભવ્ય / ગંભીરની સાથે, સમગ્ર કૃતિના રચનાબંધમાં પણ, પૂર્વ-પરક્રમે, સંતુલન વિરોધ દર્શાવતી મર્મહાસ્યને અહીં નીપજાવ્યાં છે.
5
ગુજરાતી કવિતાપરંપરાના છેલ્લા હજારેક વર્ષના ઇતિહાસમાં, સળંગ કે શૃંખલાબદ્ધ સ્વતંત્રપણે હાસવિનોદને કલાત્મક રીતે પ્રયોજતી અને એ નિમિત્તે માનવીય જીવનવ્યવહારની નબળાઈઓ, પામરતા કે મૂર્ખતાઓને મર્મપૂર્વક ઉપસાવતી રચનાઓ સાંપડી નથી. અખામાં તત્ત્વવિચારની ઓથે ઘૂરકતો કટાક્ષ કે પ્રેમાનંદમાં ધર્મમંગલની આખ્યાનરચનાઓમાં, ઓછાવત્તા આટાપણ કે મોણરૂપે આંતરેઆંતરે ઊઠતા હાસવિનોદના બુટ્ટાઓનું સ્વરૂપ કટાક્ષકૃતિનું નથી; પણ વિષયના ગંભીર નિરૂપણની પડછે, અગંભીરનું ગૌણભાવે વિનોદસભર સમાંતર નિરૂપણ કરતી Serio-Comic પ્રકારનું છે. અર્વાચીનોમાં દલપતરાયના ‘વેનચરિત્ર'માંનો વાંઢાવિનોદ પણ એ જ કક્ષામાં આવે. ‘શેષ, માણેક, ઉમાશંકરમાં કેટલીક છૂટી રચનાઓ હાસ્યને તાકે છે. લા. ઠા, સિતાંશુ, રાવજી, ચંદ્રકાન્ત શેઠનાં વિડંબનાત્મક પાત્રકાવ્યો અરે, ખુદ રમેશ પારેખની ‘મોરારજી ઓઘડદાસ’, ‘પ્રાણજીવન મોદી', ‘અરજણ વેલજી આલીશાન કે સરલા રંભા વ. પાત્રાવિશેષની વિશિષ્ટ વ્યક્તિત્વમુદ્રાઓને વિલક્ષણ શૈલી પરિવેશમાં નિરૂપતી રચનાઓ, પિંડે અને પ્રકૃતિએ, નોખા બરની છે. ગધેડિયા ગઢનું થીગડિયું રજવાડું લઈને, પોતાના માજન-ફાજન, સિપાઈસપરાં, હજામલુવાર, ગોરગઢવી, ખેડુવસવાયાં માતરને, પુછકટ્ટા શ્વાન અને ટાયડીઘોડીની જુગલબંદીને સાથલાગી રાંગમાં લઈને, બબ્બે ઠકરાણાં સહિત, ગુજરાતી કવિતામાં રણવટ ખેલવા છડી સવારીએ આવી પૂગેલા આલા ખાચર આપણી કટાક્ષકવિતાના રિક્તપાત્રમાં ઉમેરણ નહિ, આરંભ બની રહેશે.
❖
(‘અધીત : અગિયાર’)