< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘જળની આંખે' કેટલાક મુદ્દાઓ
નીતિન મહેતા
સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી જ કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે. હેરલ્ડ બ્લૂમ એક બાજુથી આ રીતે કહે છે તો બીજી બાજુથી આપણને એ પણ સાંભળવા મળે છે કે દરેક કૃતિ આમ તો સંપૂર્ણ વાક્ય જેવી છે, પણ જો આપણે કોઈ પણ Complete Utteranceને જ માત્ર આદર્શ ગણીએ તો તે માત્ર દુ:સાહસ જ બની રહે. એક બાજુથી વાચનપ્રક્રિયા દરમ્યાન કૃતિની વાસ્તવિકતાને ભાવકની વાસ્તવિકતા વચ્ચે Confrontation રચાય છે અને ઓક્ટોવિયો પાઝ તો કહે છે કે કાવ્યમાં જે ભાષા પ્રયોજાય છે તે કૃતિ અને આપણા અસ્તિત્વને સિદ્ધ કર્યે જતી ક્ષણરૂપે અનુભવાય છે.
‘જળની આંખે'ની કવિતાનું ભાવન કરતાં તેમાં પ્રયોજાયેલી ભાષા દ્વારા ઈતિહાસ-સમય-સ્થળમાં ભટકતાં પુરાણકથાનાં પાત્રો દ્વારા તેની રચનારીતિ દ્વારા સર્જાતી વાસ્તવ અને અનુભવની વિવિધ મુદ્રાઓથી અને તેની કાવ્યબાનીથી જીવનાનંદદાસની દૂરની ખોવાઈ ગયેલી રહસ્યમય સૃષ્ટિના અભાવના સંસ્કારને પરિચય થાય છે. દિર્ઘકાવ્યમાં અનેક સ્તરે જોવા મળતી ભાષાની પુનરાવર્તનની બુદ્ધને તેથી ક્યારેક થતો એકવાક્યતાને અનુભવ પણ અહીં છે. આ પુનરાવર્તનથી સનતાનો ક્યાંક ક્યાંક અભાવ મુખરિત થાય છે ને તેથી મારી ભાવવકતા ક્યાંક ક્યારેક છંછેડાઈ છે તેની પણ થોડી વાત અહીં - યજ્ઞેશની કવિતાના સંદર્ભમાં.
*
પૃથ્વી જળની આંખે જોઈ રહે છે
સૂર્ય ચંદ્ર અને નક્ષત્રોને અપલક
હજી ચૈતન્યને જળે પોતાથી જુદું નથી માન્યું. (પૃ. 46)
‘જળની આંખે'માં આમ તો એક જ કવિતા રચાઈ છે. સમય-સ્થળ અને પુરાણકથાનાં પાત્રની, ઇતિહાસ ને વર્તમાન વચ્ચેના Tensionની, સામસામા ધ્રુવની આ કાવ્યોમાં આવતાં પુરાણકથાનાં પાત્રો, નજીકના ઈતિહાસની વ્યક્તિઓ, દૂરના ભૂતકાળમાં ભટતાં પાત્રો – આ બધાં જ આપણી જિવાતી ‘આજ’નું અર્થઘટન કરે છે. અહીં યોજાયેલી લગભગ બધી જ Myth વર્તમાન સાથેના તિર્યક સંબંધને સૂચવે છે. અહીં સમયની ગતિ ચક્રાકાર છે : વર્તમાનથી અતીત અને અતીતથી વર્તમાનની. બંને અહીં જોડાય છે. તૂટતા, વિખરાતા પણ અનુભવાય છે. થંભેલો સમય, ઊડતો સમય, થાકી--હારી ગયેલા સમયનાં અનેક રૂપો Mythના સંદર્ભોથી જોઈ શકાય છે, અનુભવી શકાય છે. એક બાજુ અસ્તિત્વ છે તો બીજી બાજુ સમય-સ્થળમાં વિસ્તરતો જતો ‘જળ'નો ‘મેટાફર’ છે. આ સમય- સ્થળ ને જળ ક્યારેક ત્રણેય ‘મેટાફર’ રૂપે જોઈ શકાય છે. આ મેટાફર દ્વારા યજ્ઞેશની કવિતા બે ધ્રુવો વચ્ચે વિસ્તરે છે-સમયના અનુસંધાનના અને સમય સાથેના વિચ્છેદના.
ના, ના,
દેહ વિહારસ્થાન નથી જીવનનું
નથી મૃત્યુની વેદી પરનો નવનૈવેદ્ય. (પૃ. 1)
‘ન પ્રવાસી, ન ગૃહવાસી’ ‘ન’ કારોની પુનરુક્તિથી શરૂ થતું આ કાવ્ય સમયના વિચ્છેદક રૂપને આપણી પાસે મૂર્ત કરે છે. અપેક્ષિત હતું તે થઈ શક્યું નથી.
આપણે હોત
જળનું અવિરત ગાન
કે આપણે હોત ચોમાસું લાવરી,
તેમ કેટલીયે વાર
વિચાર્યા કર્યું છે આપણે,
પણ થોડું ય જો હોત આપણા હાથમાં
તો શું ગર્ભાશ્રમની લક્ષ્મણરેખા ઉલ્લંઘી હોત.
આ સુવર્ણમૃગની લાલસામાં? (પૃ. 2)
સમગ્ર રામાયણનો સંદર્ભ અને તેની સાથે સંકળાયેલી યુગોની વેદનાને લાચારીપૂર્વક સ્વીકારી લેવાનો એકરાર અહીં જોવા મળે છે. શક્યતાઓને રૂપ આપનાર સમયની રેખામાં આપણે જીવી શકતા નથી પણ આવનાર સમયનો લાલસામાં, જે સમયમાં જે રીતે જીવવાનું છે તે પણ જીવી શકતા નથી, થંભી શકતા નથી, યાત્રા પગમાં ખોડાયેલી જ છે.
કોઈ એક શતાબ્દીની ખૂંટી પર,
થંભ્યા ન થંભ્યા જરી કે
ને ફરી ચાલ્યા છીએ અવિરત (પૃ. 4, 5)
સમગ્ર કાવ્યમાં સમયની, ઈતિહાસની ગતિની સાથે સ્વત્વ ખોયાની વેદના છે. આપણો વિશુદ્ધ અવાજ ડુબાવનારા આપણે જ છીએ. આમ તો આપણે કોઈ પણ યુગના રહ્યા નથી કે ક્યારેય સ્વત્વ પામ્યા નથી, પોતાની પાસેથી કે અન્ય પાસેથી. એક વખત માનવી કહેવાતા તે પણ દંતકથા જેટલું જ આજે તો સાચું રહ્યું છે. હવે ભવિષ્ય કે ભવિષ્ય ભાખનાર પણ નથી.
એ સહદેવ
એ બધા કાળકાળના ત્રિકાળજ્ઞાનીઓ,
ભીષણ ભાવિને ભાખનારાઓ
હવે માટીમાં માટી છે
ને અગ્નિમાં અગ્નિ. (પૃ. 7)
તો આપણે આખરે છીએ શું? આ ઇતિહાસપ્રશ્ન તો રહે જ છે.
પાત્રમાંનું કપૂર નહીં
પણ કપૂરપાત્ર છીએ આપણે. (પૃ. 7)
અંતે તો મરણ પણ દુષ્કર બને છે. આપણી હયાતીની તીવ્ર વેદનક્ષીલતા આ કાવ્યથી અનુભવી શકાય છે. જીવન ને મૃત્યુ વિનાના આપણે પ્રવાસી પણ નથી. ગૃહવાસી પણ નથી, પણ સતત ભટક્યા કરીએ. તો મરણ વિનાના શાશ્વત જીવનનો ઑથાર, ઊંચકી ફરતા ‘અશ્વત્થામા' એ બીજું કોઈ નથી પણ આપણે જ છીએ.
વિટ્જેસ્ટીને કહ્યું છે કે જિંદગીની સંરચના સમજવા માટે આપણે ભાષાની રમત રમીએ છીએ. જીવનની અનેક સંરચનાના અનેક સમયો, અનેક કથાઓથી સભર છે. ભાષાની રમત રમતા આ સમયો એકબીજાની સાથે ક્યારેક સંવાદ તો ક્યારેક વિસંવાદ સાધે છે. ‘અશ્વસ્થામા'માં આવતા સમયનાં પરિમાણો કે ‘માચુપીચુનાં ખંડેરો'માં વિરોધાતા, છેદાતા સમયના ઘટકો વાસ્તવ ને વ્યતીત વચ્ચેના અવકાશને નાટ્યાત્મક ને વાગ્મિતાના કલાત્મક વિનિયોગથી, પ્રતીકોની સંરચનાથી ભરી દે છે. દીર્ઘકવિતામાં આવતાં નાટ્યાત્મક વલણો, પલટાઓ, ભાષાનાં અનેક સ્તરીય ઉત્ખનનો, લયનાં બદલાતાં આવર્તનો આ બંને કાવ્યમાં કાળનાં વિવિધ રૂપો પ્રગટાવી રહે છે અને તે દ્વારા અનેક વાસ્તવિકતાઓને જોડે-તોડે છે. ‘અશ્વત્થામા'માં મીથનો વિનિયોગ સમગ્ર ઇતિહાસની પ્રદક્ષિણા કરી આપણી પાસે અટકે છે ને આપણે પણ અશ્વત્થામાના સમયથી યાત્રાનો ફરી આરંભ કરીએ છીએ. અનેક કેન્દ્રો ધરાવતી આ કૃતિ સર્જકની ઊંડી સંવેદનશીલતાની દ્યોતક બની રહે છે.
વધુ ખોદકામનું બજેટ નથી
પણ આત્મખનન
વારંવાર આત્મખનન
ફરીફરી આત્મખનન
ને અંતે
ઠાલી ઢીબડીમાં ઠનઠન
હા,
મિ. ઢાંકી,
હું જ અશ્વત્થામા. (પૃ. 12)
અશ્વત્થામાં અનેક સમયોને એક જ સાથે અનુભવે છે. સ્થળ અને કાળ સ્વયં અનેક ભાતો ઉપાસાવતાં, અશ્વત્થામામાં શ્વસે છે ને તેને અ-મરણ સુધી લઈ જાય છે. પોતે પોતાનામાં અનેક સમયોને મરતા જુએ છે પણ પોતે મૃત્યુ પામતો નથી. કાવ્યાંતે અશ્વત્થામા બીજું કોઈ નથી, મહાભારતના સંદર્ભોથી ઊખડી ગયેલો, વર્તમાનમાં શ્વસી ન શકવાની અશક્યતા જોતો, સતત વ્રણથી પ્રવહમાણ એવા અશ્વત્થામામાં ભાવકનું રૂપાંતર થાય છે. ‘મહાભારત'માં પણ બે અશ્વત્થામા છે : એક હાથી, એક દ્રૌણસુત. સમયના પ્રવાહમાં, પરિસ્થિતિઓના સંદર્ભો બદલાતાં શાપિત અશ્વત્થામાનો દૂઝતો વ્રણ વધારે ને વધારે સમયને ઇતિહાસ તથા સ્થળોની વેદનાના ઘા સહન જ કર્યે જાય છે, પણ તે મૃત્યુ પામતો નથી. અશ્વસ્થામા હાથી મુક્તિ પામે છે, પણ અશ્વત્થામા માનવી જીવનના પાશથી બંધાયેલો છે. સિતાંશુ યશશ્ચંદ્રના નાટક ‘અશ્વત્થામા'માં પણ નિર્દોષતાના મૃત્યુની વાત આવે છે, અહીં તો નિર્દોષના મૃત્યુની ને જીવવાના અપરાધનો શાપ ભોગવતા અશ્વત્થામાની વાત છે. બંનેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. નાટકમાં પણ સમયનાં રૂપાન્તર પામતાં કેન્દ્રો છે. અહીં પણ સમયનાં બદલાતાં પરિમાણો છે. ‘અશ્વત્થામા'ની આ પૃથ્વી પર અનંત યાત્રા છે.
યુગોયુગોના તળિયે જઈજઈને પણ
સાવ બોદા બૂચની જેમ સપાટી પર તરતો. (પૃ. 9)
કે
નગરનગરને શહેરશહેરની
શેરીએશેરીએ ભટકું છું.
જ્યાં એકએક વન છે ખાંડવ,
એકએક ઘર લાક્ષાગૃહ
ને
એકએક નગર એક ટીંબો. (પૃ. 17)
કાવ્યમાં આવતા ‘હોથલ’ અને ‘લોથલ'ના બે પ્રાસ બે કાળને વિભક્ત કરનાર સૂત્ર તરીકે જોઈ શકાય. બંને શબ્દો પોતાના બધા જ સંદર્ભો અહીં ઊંડાણથી વિસ્તારે છે. અશ્વત્થામા ભિખ્ખુ આનંદના સમયમાં આપણને લઈ જાય છે કે જેનો સમય તેના મરણ સાથે તૈનામાં જ અંત પામે છે. પણ અનંત-સમયના અનંત યાંત્રિક અશ્વત્થામાની યાત્રા તો નિરુદ્દેશ છે તેથી આગળ આપણામાં તે તેની યાત્રાનો આરંભ કરતાં પહેલાં આપણને પૂછે છે -
અને કહો,
હવે મરણનોય
શો રહ્યો છે ઉદ્દેશ? (પૃ. 18)
મીથના સક્ષમ, વ્યંજનાયુક્ત વિનિયોગ દ્વારા અતીતની ભવ્ય ને વેદનશીલ છબિ કાવ્ય ઉપસાવે છે. સાથે સાથે વર્તમાન પ્રત્યોનો કવિનો અસંતોષ ને કરુણ આક્રોશ પણ પ્રગટ થયાં છે. આપણા સમયની વેદના વ્યક્ત કરવા માટે પુરાણકથાના પાત્રની ભવ્યતા, ગરિમા, ઉજ્જ્વળતા, ઊંડી વેદનશીલતાને સામસામે મૂકવાનો પ્રયત્ન ‘અશ્વત્થામા', ‘ન ગૃહવાસી, ન પ્રવાસી’, ‘માચુપીચુનાં ખંડેરોમાં' અને સમૃદ્ધ જેવાં કાવ્યોમાં થયો છે. હવે પ્રશ્ન થાય કે મીથની વાત કરનારને આપણે શું પ્રતિગામી કહીશું? મીથ દ્વારા પોતાના જિવાતા સમયની વેદનાને ઇતિહાસમાં જોવાનો પ્રયત્ન કરીશું? આધુનિક કવિતામાં થયેલા મીથના વિનિયોગમાં વર્તમાન સમયના સંદર્ભોને ભૂતકાળના સમયોના ધ્રુવોને ક્ષણના સૂચ્ચાગ્ર બિન્દુથી કવિ સ્પર્શે છે. ‘જટાયુ', ‘બાહુક' ને ‘અશ્વત્થામા’ આ સંદર્ભમાં વિશેષ અભ્યાસ માગી શકે. અહીં આધુનિક સંદર્ભો સંવેદના પ્રગટાવી વ્યંજનાના વિસ્તાર માટેની અનેક Text પ્રગટાવવાનો અવકાશ રચી આપે છે. મીથમાં મૂળ સત્ય સાથેનો એક બાજુથી સંબંધ રચાય છે તો બીજી બાજુથી ભંગુર વાસ્તવિકતાના સંદર્ભ પણ તેની વાચના શક્ય બનતી હોય છે. આ વાચનપ્રક્રિયા દરમ્યાન સ્વની વેદના અને ઇતિહાસની વેદના કોઈ એક બિન્દુએ આપણામાં ભેગા થઈ જાય છે.
‘માચુપીયુનાં ખંડેર' એ અતીતથી વિખૂટા પડ્યાનો ભાવ તો નિરૂપે છે તો સાથેસાથે એ સંસ્કૃતિની ક્ષહિષ્ણુતાનું પણ કાવ્ય છે. તેમાં થયેલી કાળની યોજના ‘જ્યાં-જ્યાં'નાં પુનરાવર્તનો, કોઈના નિર્દેશો, ‘કોણ'ની પુનરુક્તિઓ દ્વારા ખંડેરની વાત કરતાં કરતાં સંસ્કૃતિને લાગેલા લૂણાની, તેને થયેલા ક્ષયની વાત કવિ સૂચવી દે છે. માચુપીચુની ભવ્યતા ને ખંડિયેરપણું બંનેનો સાક્ષી માનવી છે. અંતે તો આર્દ્રાનો ગુલાબી તારો જ, વ્યક્તિનાં આંસુમાં ચળકે છે. આમાં સંસ્કૃતિની વેદના, પ્રકૃતિમાં પરાવર્તિત થઈ વ્યક્તિની નિજી એકલતાભી વેદનામાં જ શેષ રહે છે એ Note સાથે કાવ્યનો અંત આરંભાયો છે.
સાંજ ઢળી ચૂકી છે
ઝાંખા પ્રકાશમાં રેખાચિત્ર જેવી
લીમડાની ચમરી હળવા પવનમાં જરાક કંપે છે
સાંધ્ય આકાશમાં આર્દ્રાનો ગુલાબી તારો
મારાં આંસુમાં ચળકે છે. (પૃ. 32)
‘મોતીસરનું વન’ ઇન્દ્રિયસંવેદ્ય શુદ્ધ સૌંદર્યાભિમુખ રચના છે. તેની કલ્પનશ્રેણીથી આખું કાવ્ય આસ્વાદ્ય બને છે. વનશ્રીની પંખી વૃક્ષસૃષ્ટિના વર્ણનથી ભાવક્તા સૌંદર્યમથી ચેતના સભર બને છે.
કંસારીના ઝાંઝરનો સૂર
ગોરડ, બાવળ ને હરમાની વિકળ ગંધ…
એકાએક પૂર્વજન્મની કરુણ સ્મૃતિ જેવો
બપૈયાનો આર્જવભર્યો ટહુકો
ઝાંખા ચન્દ્રની જેમ ઊગી શમી જાય અંધકારમાં (પૃ. 20)
બે ઉપમાઓથી ચંદ્ર ને ટહુકાના ઊગવા-આથમવાના સમયો એક જ ક્ષણમાં ક્રિયાન્વિત થતા આપણે અનુભવી શકીએ છીએ તો સાથે દૂરની સૃષ્ટિનો અનુભવ કરાવતી જીવનાનંદ દાસની સૃષ્ટિના સંસ્કારો પણ જાગે છે.
વોલેસ સ્ટીવન્સે કહ્યું છે કે આપણી વાસ્તવિકતા કંટાળાજનક ને એકવિધ છે તેમાંથી મુક્ત થવા માટે, પલાયન થવા માટે સર્જક રચનાનીતિના અનેક પ્રયોગો કાવ્યમાં કરતો હોય છે. ‘સમુદ્ર' કાવ્યમાં સમુદ્રનું પ્રતીક સાંપ્રત વાસ્તવિકતાના બિન્દુથી વિસ્તરતું વિસ્તરતું તેના જન્મની જુદી જ મીથ આપતું, આપણા ઘરે પહોંચ્યા વિનાની યાત્રા જેટલું જ સમયના વ્યાપ ને ઊંડાણને તાગે છે. સમુદ્રનાં અનેક સ્પર્શક્ષમ રૂપો ચિત્રાત્મકતાથી કવિએ આલેખ્યાં છે :
પૃથ્વીનો ફરી સાદ સાંભળી,
કાંઠા પરનું એક નાનકડું શંખલું નીકળે છે
દરિયાનો છેડો શોધવા
ને રહે છે
સમુદ્ર, સાંધ્ય પ્રકાશ,
લવણગંધ, નાનાંમોટાં ખાબોચિયાંમાં ઝિલાયેલા સહસ્ત્ર સૂર્યો (પૃ. 41)
આ સમુદ્રમાં કાળની અનેક મુદ્રાઓની ઝાંખી થાય છે. અહીં કાળની ભરતી ને ઓટ, સંકોચન ને વિસ્તરણ બંને છે :
સિંદબાદના શરીરમાંથી
કેટલાક દરિયાઓની દેશદેશાવરની ભૂમિની ગંધ (પૃ. 43)
અહીંથી શરૂ થઈ ‘કેરેબિયન સમુદ્રમાં સામ્યવાદનો પગ' સુધીના સમયની છલાંગ અહીં છે, તો બીજી બાજુ સમુદ્ર ખારો કેમ થયો તેની કથા પણ કવિ કહે છે :
ઈશ્વરની આંખમાં પહેલી જ વાર એક આંસુ.
એ આંસુ અનેક યોનિમાં સરતું સરતું
સરવાણી વહેળો,
ઝરણું, નદી, બની સરી પડે સમુદ્રમાં,
ને સમુદ્ર ખારો ઉસ. (પૃ. 46-47)
સમુદ્ર આમ પણ આપણી યાત્રાઓનો સાક્ષી છે. ઓડિસીએ તો નીકળી શકાય, ઇથિકામાં આવવું તો અશક્ય છે. સમુદ્ર માનવઅસ્તિત્વની યાત્રામાં સહભાગી છે જ્યારે માનવી પોતે જ પોતાના ઘર તરફ પાછો ફરી નથી શકતો તે ઓડિસ્યુસની કથાના સ્થળ માત્રના ઉલ્લેખથી કવિએ સૂચવ્યું છે.
‘વસ્તુઓ’ યજ્ઞેશનું મહત્ત્વનું કાવ્ય છે. વસ્તુઓની યાદી ચિત્તગત વાસ્તવરૂપે સજીવ થતી આપણે કવિતાથી પામીએ છીએ. વસ્તુઓમાં જ આપણાં અસ્તિત્વનાં સત્યો ઊઘડતાં કવિએ જોયાં છે. વસ્તુ આપણા સ્વત્વને ખુલ્લું કરે છે. આમ તો હાઈડેગરના મતે જે આપણને ભેગાં કરે તે મૂળથી તો આપણને જુદાં પાડે છે. વસ્તુઓ દ્વારા પ્રમાણભૂત માનવીય અસ્તિત્વ ઉઘાડ પામતું જોઈ શકાય છે. વસ્તુઓ આપણા અસ્તિત્વ પર પકડ જમાવી બેસી જાય છે, આપણે વસ્તુઓ પર પકડ જમાવીએ છીએ એ વાત જ ભ્રામક છે. વસ્તુઓ સમય, સ્થળને જોડી આપનારી, ચિત્તમાં સમયનાં એક રૂપાંતરો સિદ્ધ કરનારી, બે યુગ, બે જૂથ, બે વ્યક્તિ, બે વિચારધારા-આ બધાંના સંકેતો વસ્તુઓમાં વિસ્તરે છે. ‘સચવાવું'ને ‘અનુસન્ધાવું' આ જ તેનો ગુણધર્મ બની રહે છે છતાં આ વસ્તુઓ ચૂપ છે. વસ્તુઓ આપણા વાસ્તવને અનેક સમયોની, સ્થળોની ભૂમિમાં પ્રવાસ કરાવે છે. આ વસ્તુઓ વસ્તુપણાને અને આપણી હયાતી સુધ્ધાંને ઓળંગે છે.
અને આપણે તો જાણતા નથી
સાવ સીધી સાદી વસ્તુ પારના
વસ્તુનું સત્ય. (પૃ. 34)
અથવા તો
વસ્તુઓ જાણતી નથી કે
વસ્તુઓથી જ વિરોધાય છે વસ્તુઓ
બે સ્થળોનો વિરોધ ને સમયની સળંગસૂત્રતા પણ વસ્તુઓ જ દેખાડે છે.
વ્હાઈટ હાઉસ ક્યારેય નથી ઉડાવતું
મારા આ પડુંપડું થતા ઘરની ને
આ ઇલેક્ટ્રોનિક ટાઈમવૉચ
ક્યારેય આગળ નીકળી જવા નથી માગતી
મારા દાદાની ગારલીંપ્યા ઓરડાની જૂની ડંકા ઘડિયાળથી. (પૃ. 37)
આ વસ્તુઓમાં સમયના સંકેતોનાં અનેક પરિમાણો વિસ્તરેલાં છે છતાં આ જ વસ્તુઓ ‘પૃથ્વીમંત્રથી દીક્ષિત' છે. માનવીનાં અનેક પાસાં, અનેક વર્તનો, અનેક ઇચ્છાઓ આ વસ્તુઓએ જોયાં છે. આ કાવ્યમાં આવતું ઝીણું નકશીકામ, સૂક્ષ્મ નિરીક્ષણદૃષ્ટિ ને વસ્તુની સાથે જોડાયેલા ઉપયોગિતાના ભ્રમનું નિરસન પણ આસ્વાદ્ય છે. આપણી ચેતના ને વસ્તુઓ પૃથક નથી તે પણ અહીં Thing in Itselfને ઓળંગીને સૂચવાયું છે.
આ બધાં જ કાવ્યોમાં રેખાયિત સમયને કવિએ ભૂંસી નાખ્યો છે. અહીં જે છે તે Situational Time Sequences છે. સ્થળ સમયમાં, સમય સ્થળમાં ભળી જાય છે ને ક્યારેક બંનેની સહોપસ્થિતિ પણ જોવા મળે છે. આ બધાં કાવ્યોમાં આવતા સાંસ્કૃતિક સંદર્ભો, પુરાણકથાનાં પાત્રો સાથેનાં સાહચર્યો સજીવતાથી, સંવેદનની ઊંડી સમજથી તંતોતંત કાવ્યરચનાનો અવિનાભાવી અંશ બની આવ્યાં છે. ‘માચુપીચુ…’, ‘અશ્વત્થામા’ કે ‘સમુદ્ર’માં યજ્ઞેશ અંતરાય વિના એક સમયથી બીજા સમયની આપણને યાત્રા કરાવે છે ને અખિલાઈનો અનુભવ પણ સાથે સાથે.
‘તને' એ યજ્ઞેશની નબળી રચના છે. વ્યર્થ લંબાણ, પુનરાવર્તનો, નાટ્યાભાસી ભાષાયોજના ને વાગ્મિતાના પૂરમાં કવિતા Textની બહાર નીકળી ગઈ છે ને રચના રોમૅન્ટિકના માંદલા પ્રલાપ જેવી બની ગઈ છે. થોડી પંક્તિઓ સારવી શકાય, કાવ્યના પુદ્ગલના ભોગે.
શ્રી સિતાંશુએ યજ્ઞેશની કવિતામાં ક્યાંક ક્યાંક જીવનાનંદ દાસની સૃષ્ટિના સંસ્કાર જોયા છે. સંસ્કૃતપ્રચુર બાનીનો અલબત્ત, નિષેધ ન હોય. શિષ્ટ ભાષા પાંડુરંગી છે તે ઘણી વાર જોમ પ્રગટાવી શકતી નથી. આખરે તો ભાષા યોજવાની પદ્ધતિમાં જ કવિનો વિશ્વ પરત્વેનો દૃષ્ટિકોણ છતો થતો હોય છે. અહીં યોજાયેલી પદાવલિ જીવનાનંદ દાસની, ટાગોરની બાનીના સંસ્કાર જગાવે છે. અને તે દ્વારા આ વિશ્વનું રહસ્યમય અટપટાપણું તો સૂચવાય જ છે પણ સાથે સાથે દૂરના ભૂતકાળ સાથેનું અનુસન્ધાન ને ગુમાવેલી સૃષ્ટિની વેદના પણ સાકાર થયાં છે. ટાગોરથી અલગ પડવા, સભાનતાથી ટાગોર માટેના આદરથી, જીવનાનંદ દાસે પોતાની આંતરિક અનિવાર્યતા અનુસાર કાવ્યબાની ઉપજાવી છે. યજ્ઞેશે પણ હવે પછીની રચનાઓમાં જીવનાનંદ દાસની બાનીના સંસ્કારથી પોતાની રચનાઓને જુદી પાડવાની રહેશે, પોતાની આગવી ભાષા શોધવાની રહેશે. બીજો નાનો મુદ્દો છે કવિતામાં Compactnessના અભાવનો. ભાષાનાં એક જ ધાટીનાં રૂપોનાં પુનરાવર્તનોમાંથી પણ મુક્ત થઈ શકાય. સભાનતાથી દીર્ઘકવિતા ભાષાનાં અનેક સ્તરો, લયના અનેક આવર્તનો-વિવર્તનો નાટ્યાત્મક સ્તરે ઉપજાવી શકે છે તેની પ્રતીતિ આપણને હજી વધારે આવનારી રચનાઓમાં થશે એવી અપેક્ષા અત્યારે તો.
બાકી યજ્ઞેશની કવિતામાં લયનાં, ચમત્કૃતિનાં ગતકડાં ભાગ્યે જ જોવા મળે છે. ઇન્દ્રિયવ્યત્પયોની ઉબાઈ ગયેલી યાંત્રિકતા નથી, પ્રલાપ દ્વારા પ્રાસમાં સરી પડવાની વૃત્તિ નથી. મીઠા ને ઝટ દેતાંકને ગળે ઊતરી જતાં લયનાં ચોસલાંઓ નથી. ઇતિહાસ ને સમય દ્વારા, પુરાણકથાનાં પાત્રોનો આધુનિક સંવેદનના સંદર્ભમાં સમર્થ રીતે થતો વિનિયોગ, હયાતીની વાસ્તવિકતાની અનેક સમયો ને સ્થળોમાં કલ્પન, પ્રતીક ને મેટાફરની સ્પર્શક્ષમ અર્થઘટનોની શક્યતાઓ પ્રગટાવતી સૃષ્ટિ છે. આ બધું જ્યાં કાવ્યની નસેનસમાં લોહીરૂપી વહ્યું છે તે જ બચવાનું છે – કવિતામાં, તેના ભાવનમાં.
❖
(‘અધીત : દસ')
- ↑ 1 ‘જળની આંખે', યજ્ઞેશ દવે, કવિલોક પ્રકાશન-12, 1985, પૃ. 47, રૂ. 7-00