અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ગઝલ એક, સંદર્ભો અનેક
(મરીઝની ગઝલનો આસ્વાદ)
મણિલાલ હ. પટેલ
દર્દ એવું કે કોઈ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!
શું થયું? તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.
વાત આવી જ હો તો શું કહીએ!
એ નથી કંઈ જ જાણતા જાણે!
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.
એણે આપી ક્ષમા તો એ રીતે,
કંઈ જ સૂઝી નહીં સજા જાણે.
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ',
હો બધાં દર્દની દવા જાણે.
‘મરીઝ' : અબ્બાસ અબ્દુલઅલી વાસી: સુરતમાં જન્મ. (૨૨-૧-૧૯૧૭થી ૧૯-૧૦-૮૩). માંડ બે ચોપડીનું ભણતર. એમને ય જીવતર નામની વિશ્વવિદ્યાલયે ઘડ્યા, તાવ્યા, તપાવ્યા અને વેદના-સંવેદનાની અભિવ્યક્તિએ સૌની સામે સુવર્ણ જેમ ચમકાવ્યા. પત્રકારનો વ્યવસાય પણ તેય વેરવિખેર, ચૌદ વર્ષની વયથી ગઝલલેખનમાં રસ પડેલો. પૂર્વાર્ધમાં તો એ પણ ગઝલ સ્વરૂપની જેમ ઉપેક્ષાયેલા. મોડે મોડે એમની સર્જકપ્રતિભાનો સ્વીકાર થયો હતો. એમની ગઝલોની નિરાળી અને મર્મગામી છટાઓને લઈને એ ‘ગુજરાતીના ગાલિબ’ લેખે પણ પંકાયા છે.
ગઝલના અંતઃતત્ત્વને અને વિશિષ્ટ અભિવ્યક્તિ દ્વારા સિદ્ધ થતા કાવ્યતત્ત્વને સમજવા માટે મરીઝની ગઝલો ઉત્તમ દૃષ્ટાંતો બની રહી છે. સરળતા, સાહજિકતા અને વેધકતા એમની ગઝલોની લાક્ષણિકતાઓ છે. પ્રેમ, ઈશ્વર, ધર્મ વિષયક એમની રચનાઓમાં જીવનની વક્ર ગતિ અને માનવસ્વભાવનાં વૈચિત્ર્યોનું બ્યાન ધ્યાનપાત્ર છે. ‘આગમન’ અને ‘નકશા' એમના ગઝલસંચયોમાં ગુજરાતી ગઝલસમૃદ્ધિ પરખાઈ આવે છે. એમની પ્રેમ વિષયક વિવિધ ભાવસંવેદનાની ગઝલોમાં ગઝલનો અસલ મિજાજ પરાકાષ્ઠા પામે છે. એમના શેરોમાં તાજગી, પ્રફુલ્લતા અને નવતા તથા મર્મનો અનુભવ થાય છે. પ્રેમની ગઝલોમાં દર્દ છેક ચિંતનકોટિએ પહોંચે છે. કલાત્મક રીતે જીવનદર્શનને ચીંધતી એમની ગઝલો ગુજરાતી કવિતાનું ઘરેણું ગણી શકાય એવી છે. ભાવની ખાસ્સી પ્રભાવકતા અને માર્મિક સંવેદનાનું ઊંડાણ પણ મરીઝનો ગઝલવિશેષ છે. ક્યારેક તો સ્વરૂપગત મર્યાદાઓને ઓળંગીને એમની ગઝલો ઊંચાઈને આંબે છે. ‘મરીઝ’ની એક ગઝલ વાંચતાં વાંચતાં વારંવાર એમની બીજી ગઝલો કે એવા શેઅર યાદ આવી આવીને ભાવને ઘૂંટતા અને મર્મને વધારે તીવ્ર બનાવતા રહે છે. ક્યારેક લાગે કે જાણે અનેક છંદોમાં લખાયેલી આ એક જ દીર્ઘકાવ્યરચના છે. કારણ કે મહદંશે, ‘મરીઝ’ની ગઝલોમાં; પ્રેમનું દર્દ, જીવનના અભાવો, માણસોની સ્વાર્થવૃત્તિ; સંવેદનશીલ માણસની ઉદાસી, નિરાશા અને એની જીવનનિયતિ અભિવ્યક્તિ પામતાં રહે છે. પ્રેમના દર્દને ‘મરીઝે’ ‘અંદાઝે-બાં-ઔર'ની ભાતે ગાયું છે. અહીં જે ગઝલને નિમિત્ત બનાવીને આપણે ‘મરીઝ'ની ગઝલોનો (જાણે કે એક ગઝલમાં અનેકોનો) આસ્વાદ લેવા પ્રવૃત્ત થયા છીએ એ ગઝલ પણ અનેક શેઅરને પોતાનામાં જાણે સમેટતી અને દર્દ સંદર્ભે ભાવકને ઘણું ઘણું ચીંધતી પમાય છે.
દર્દ એવું કે કોઈ ના જાણે
હાલ એવા કે જે બધા જાણે!
પ્રેમના દર્દનો અનુભવ બધાનો હોવા છતાં એ દર્દ તો દરેકનું નોખું નોખું જ હોવાનું એટલે મરીઝ કહે છે કે આ અમારું દર્દ એવું છે કે એને કોઈ જાણતું નથી. મથીને ય એ જાણી શકાતું નથી. ઉમાશંકર જોશીના એક સૉનેટની છેલ્લી બે પંક્તિઓ યાદ આવે છે :
કદી હો નારીનું હૃદય, વળી તે હો પ્રણયમાં;
વીતી શું શું તે તો-શિર ગૂજરી-જાશે જ મનમાં!
પ્રેમના દર્દમાં બીજાનાં દૃષ્ટાંતો કામ નથી લાગતાં… એ તો પોતાનાં તે પોતાનાં જ! જોકે પ્રેમીના હાલ-હવાલ (જે બહાર પણ વર્તાતા રહે છે માટે) બધાંને ખ્યાલ આવી જાય છે. લોક દર્દને પ્રમાણતાં નથી પરંતુ દર્દે કરેલી બેહાલીને જાણે છે. આ વાત પર વ્યંગ કરતાં મરીઝે જ કહ્યું છે :
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!
દુર્દશા નોતરતો પ્રેમ માણસને સમજદારી શીખવે છે. દર્દ એટલે વ્હાલું લાગે છે. દર્દને નહીં જાણતા લોકો પ્રણયીના હાલ-હવાલની મજાક ઉડાવે છે પણ દર્દ તો પ્રણયીને મન મૂડી છે - ખરું જીવન છે. એને પ્રિયજનનો વિરહ તો પજવે છે પણ પ્રિયજનની યારી અને કૈફ બન્ને વધુ વેદના આપે છે. મરીઝ એક શેઅરમાં કહે છે :
હવે એવું કહીને મારું દુ:ખ શાને વધારો છો,
કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.
આ દર્દ જ હઠીલું છે. પ્રેમીને ઇનકારમાં મજા પડે છે તો સામે પ્રિયજનને પણ હઠ કરવામાં મજા પડે છે.
અચલ ઇનકાર છે એનો ‘મરીઝ’ એમાં નવું શું છે?
મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી…
ને મસ્તીની દશા બાબતે દીવાનો શાયર ઉક્ત ગઝલમાં કહે છે -
શું થયું? તે ય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદ જાણે.
આ મસ્તી છે; દીવાના-શાયરની બે-ફિકરાઈ છે… આ સ્તો પ્રેમનો ખુમાર છે.
મરીઝે ગઝલ સર્જનને જિંદગીથી - નિજી જિંદગીથી અળગી ગણીને ગઝલ-ઉપાસના નથી કરી. જિંદગી અને ગઝલ જેને મન પર્યાય હોય એ જ શાયર આમ કહી શકે :
ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો,
હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો?
હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો?
તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો.
ક્યારેક વાત જ ન માની શકાય એવી હોય ને તોય પ્રિયજનની તો અપેક્ષા રહે જ કે એ આવે, મળે, વાત કરે! પણ કવિ કહે છે તેમ મન મનાવવું પડે છે :
આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.
હૃદયમનથી તો પ્રિયજનની પાસે જ હોય છે - ભટકવાનું / રઝળવાનું તો નિરર્થક છે. ખરેખર તો પ્રિયપાત્રથી દૂર ગયા જ નથી. આ રઝળપાટ ‘આપ’ વગરનો છે. કેટલીક વાતો પીડા વધારનારી હોવા છતાં એ ખેંચીને હળવા થઈ શકાતું નથી. પ્રણયની પોતાની પીડા કરતાં વધારે તમા પ્રિયતમાના હિતની હોય છે.
‘નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.’
પ્રેમમાં પામવાની જીદ હોય છે ખરી પણ એ જીદ જ દર્દનું કારણ બને છે.
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે!
કે જ્યાં ‘મરીઝ' જેવો સમજદાર પણ ગયો.
આવી સમજદારી ફનાવૃત્તિ આગળ લાચાર હોય છે. એટલે શાયર કૈંક ઉદાસી સ્વરમાં કહે છે :
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો.
તારી મળવાની હો જગા જાણે.
અશક્ય વળી શક્ય ક્યાંથી બનવાનું? ને તોય અંદરનો ખુમાર જંપવા દેતો નથી. અહીં ‘તારા મળવાની’ નહીં પણ ‘તારી મળવાની હો જગા જાણે.’ની વાત છે… અરે, એનું સ્થાન તો ભલા ક્યાંથી મળવાનું હતું-આપણને?! છતાં એવા અશાકશા ભાવથી (ઉદાસ આંખોથી) આભ ભણી જોઈ રહેવાનું બને છે... એ આભ જ જાણે મુક્તિ છે. ઉદાસ આંખે જોવામાં એવા સ્વર પણ સંભળાય છે. ‘મરીઝ' કહી ઊઠે છે -
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી
જીવનના દર્દની તો કોઈ સારવાર દે!
પણ પ્રિયજન પાસે ન તો સારવાર છે ન તો કશી સજા! કદાચ પરિસ્થિતિઓ જાતે જ સજારૂપ છે. પ્રિયતમાના અપરાધો તો ગણા કર્યા છે _
મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?
દિલબરને તો સજા મંજૂર છે... પણ દિલદાર તો ક્ષમાના પક્ષે છે. સજાના આદિને (ટેવાયેલાને) ક્ષમા મળે છે ત્યારે ય ઊણપ લાગે છે :
‘એણે આપી તો ક્ષમા એ રીતે
કંઈ જ સૂઝી નહીં સજા જાણે.’
જોકે પ્રેમીની સજા દેવાની રીત જ નોખી-ન્યારી હોય છે… મરીઝ કહે છે:
આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી.
બધાં જ દર્દોની દવા તો નિરાશાને અપનાવવામાં મળે છે. નિરાશામાં નિરાંત જોતો આ શાયર ઉદાસીને અને ઉદાસીમાં રહેલી સુખડ બળવા જેવી મધુર વેદનાને વ્હાલી કરીને ગાઈ ગયો છે :
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધાં દર્દની દવા જાણે.
નિરાશા એ પછી બાહ્ય વચનથી પણ અંદરનું-અસ્તર બની રહે છે.
મેં એમનાથી યે મોં ફેરાવી લીધું છે ‘મરીઝ',
આ નમ્રતાની છે અંતિમ હદ, મિજાજ નથી.
નિરાશા આવી આદરપાત્ર નમ્રતા સુધી લઈ જાય છે. નિરાશાને મરીઝ ગઝલમાં એક દર્શન સુધી લઈ જાય છે –
મરણ કે, જીવન હો એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ', એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.
‘બીજી વ્યક્તિ’ ગમે કે ના ગમે; બીજા વિના જીવન જતું નથી. આ બીજી વ્યક્તિ જો સુખનું નામ છે તો એ જ ગમ અને નરકનું નામ છે. પણ માણસ લાચાર છે. નિરાશા જે શાણપણ સંપડાવે છે તે આવું છે -
જોઈ છે જ્યારે થઈને અલગ તારી યાદથી,
માની નથી શકાયું આ મારી છે જિંદગી.
પણ એથીય વધુ સમજદારી કવિ દાખવે છે : દર્શનની વાણી પ્રગટતી હોય એમ કહે છે :
હા, સૌને પ્રેમ કરવાને લીધો'તો મેં જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયાં.
પ્રેમી અને ખુદા બન્નેની ઓળખ જેને થઈ હોય તે શાયર કવિ તરીકેય મોટો છે. ‘મરીઝ’ એવા શાયર છે જે પ્રીતિ અને ભક્તિ બન્ને એકાકાર જાણે છે - ભણે છે :
‘જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’
❖
(‘અધીત : અઠ્ઠાવીસ')