zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘મેઘધનુના ઢાળ પર'નો સપ્તરંગી અભિસાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦. ‘મેઘધનુના ઢાળ પર'નો સપ્તરંગી અભિસાર

નિસર્ગ આહીર

રાજેન્દ્ર શુક્લ એટલે ગુજરાતી ગઝલની અનેકવિધ સંભાવનાઓના પર્યાય જાણે. એમનું કવિકર્મ ગઝલને ‘ગુજરાતીપણું' આપવા સુધી કે ‘પરિષ્કૃત' કરવા સુધી જ સીમિત નથી રહ્યું. કિન્તુ ‘આર્ષરૂપ' અર્પવા સુધી વિસ્તર્યું છે. ગઝલના સ્વરૂપમાં ગોપનીય રહેલાં કેટલાંય કલાગત સૌંદર્યસ્થાનો એમણે શોધી આપ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલને ઉચ્ચ કક્ષાનું કાવ્યરૂપ અપાવવા માટે સંનિષ્ઠપણે મથનારાઓનાં રાજેન્દ્ર શુક્લનું ઘણું મોટું યોગદાન છે. જ્યારે ગઝલના નામે બહુધા શબ્દચાતુરી, વાણીવિલાસ, કૃતકતા, છીછરાપણું, લાગણીવેડા, કૃત્રિમ ભાવાવેશ ઇત્યાદિ અનુભવાતાં હોય ત્યારે ‘ગઝલ સંહિતા' રૂપે નખશિખ સુંદર ગઝલોનું પ્રાગટ્ય થાય એ કાવ્યજગતનું અવશ્ય પર્વ ગણાય.

રાજેન્દ્ર શુક્લનું કાવ્યસર્જન આરંભાયું આધુનિક કાળમાં, પરંતુ તેઓ ધીરે-ધીરે આધુનિકતાનો પાર વિસ્તર્યા. પ્રારંભે ગીત, અછાંદસ ઇત્યાદિ આપનાર આ કવિનું તમામ સત્ત્વ આખરે તો ગઝલમાં પરમ પરિણતિ પામે છે. ગઝલના પરંપરિત સ્વરૂપને અકબંધ રાખીને ય તેઓ ખાસ્સા પ્રયોગશીલ રહ્યા છે.

‘ગઝલ સંહિતા'માં પાંચ ભાગ છે, જેનું ‘મંડલ’ નામાભિધાન અપાયું છે. પાંચેપાંચ મંડલમાં કવિની ભાવગત અને સર્જનગત પ્રક્રિયાનો સૂક્ષ્મ આલેખ સમાવાયો છે. ગઝલને પ્રેમનો મિજાજ વિશેષ ભાવે એટલા માટે મુખ્યત્વે પ્રણયકેન્દ્રી રચનાઓ સમાવતા દ્વિતીય મંડલ ‘મેઘધનુના ઢાળ પર’ને મેં અહીં પસંદ કર્યો છે. ‘કોમલ રિષભ’ (૧૯૭૦) સંગ્રહમાંની કવિની આરંભકાલીન ગઝલોથી માંડીને છેક ૧૯૯૯ સુધીની પ્રણય વિષયક રચનાઓ એમાં છે. આ અર્થમાં કવિના આંતરપ્રવાહો કે રચના પ્રક્રિયાનાં સ્થિત્યંતરો પણ એમાંથી પામી શકાય છે.

રાજેન્દ્ર શુક્લનું સર્જનકર્મ અનેકસ્તરીય અને બહુઆયામી છે. ‘મેઘધનુના ઢાળ પર'ના પાનેપાને સર્જકતાનો આગવો પરિચય થાય છે. એમના સર્ગવિશેષો વિશે વાત કરતાં પહેલાં સર્જક સ્વયં શું કહે છે પોતા વિશે તે જાણવું રસપ્રક નીવડશે. ‘સર્જકની આંતરકથા'માં તેઓએ ગદ્યમાં તો બહુ ઓછી વાત કરી. પણ પોતાના સંવિદને વાચા આપતું પદ્ય જ વધારે ટાંક્યું છે. આ ચેષ્ટાનાં ચોક્કસ કારણો છે. તેઓ કહે છે ? ‘વિગતોનો વિસ્તાર તો આમેય ઓગાળી જતો હોય છે એ ધાર પર, જ્યાં રહેવું ગમે છે. મારા શબ્દની ગતિ પક્ષમ ઊઘડવા તરફ ને પછી ઓગળવા ભણી... ઊઘડવું અને ઓગળવું એ બે ક્રિયાપદો મને બહુ ગમે છે.' ('સર્જકની આંતરકથા', પૃ. ૬૦)

આવી અર્થસભર કેફિયત આવ્યા પછી પોતાની જ કાવ્યપંક્તિઓ તેઓ ટાંકે છે. તેમાંના બે શે'ર કવિની સર્જનપ્રક્રિયાને સમજવા માટે જોઈએ :

છેદું, ઘસું, તપાવું, શ્વસું શબ્દ શબ્દને,
અવતારવા કદાચ મથું છું અવાકને. (એજન, પૃ. ૬૧)
તું સતત સમીપની પ્રતીતિ, પણ –
હું સદૂર શબ્દની જ વ્યંજના (એજન)

કવિના આંતરવિશ્વને ઉદ્ઘાટિત કરવામાં આટલા નિર્દેશો કંઈક અંશે ઉપકારક નીવડે. રાજેન્દ્ર શુક્લનો ભાવપિંડ નોખી માટીથી ઘડાયો છે. વ્યક્તિ અને કવિ તરીકેનો એમનો મિજાજ નિરાળો છે. પ્રણય, પ્રકૃતિ, વેદના, ભક્તિ, અધ્યાત્મ, વેદાન્ત, સૂફીવાદ – એ સર્વ પરંપરિત અર્થથી ખાસ્સા ભિન્ન અને સૂક્ષ્મ રૂપે કવિના સંવિમાં વિસ્તરે છે. તેઓ શબ્દાતીતને અવતારવા મથે છે, અવાક્-ને પામવા મથે છે. આ અર્થમાં સૂક્ષ્મ સંપદાના કવિ છે; અભિધાના નહિ, વ્યંજનાના કવિ છે. તેમના આવા સાર્થ ઉદ્યમો ઠેરઠેર જોવા મળે છે.

ગઝલને તેઓ ઋગ્વેદ ઇત્યાદિની ‘સંહિતા' સુધીની કક્ષાએ લઈ જવા મથ્યા છે. ‘ગઝલ-સંહિતા'નાં પાંચ મંડલો પણ સંહિતાના ‘મંડલ' સંજ્ઞાનાં દ્યોતક છે. તેમાં કવિની શબ્દયાત્રા ક્ષરથી અક્ષર સુધી, સ્થૂળથી સૂક્ષ્મ સુધી, અલ્પથી ભૂમા સુધી, પિંડથી બ્રહ્માંડ સુધી વિસ્તરી છે એવા સંકેતો અવશ્ય મળતા રહે છે. ગઝલનું આ પ્રકારનું ઊર્ધ્વકરણ રાજેન્દ્ર શુક્લના હાથે પ્રશસ્ય રીતે થયું છે. એમણે ગઝલને સંહિતાની કક્ષાએ લાવી મૂકવાનો પ્રયાસ કર્યો તે નાનીસૂની વાત નથી. તેમાં ‘ગઝલ' અને ‘સંહિતા’ની સંપૃક્તિ પણ ધ્યાન ખેંચે છે. એ માત્ર બે ભિન્ન સંસ્કૃતિના વાચક શબ્દોની સહોપસ્થિતિ જ નથી સૂચવતા, પણ ઉભયના સુભગ સમન્વય દ્વારા જન્મતી નવી કાવ્યચેતનાની પરમ પરિણિતિ સૂચવે છે. એમાં વેદ-વેદાન્તની સાથે સૂફીવાદનું નવલું સંસ્કરણ થયું છે.

‘મેઘધનુના ઢાળ પર' એ શીર્ષક આ જ સંગ્રહની એક સુંદર ગઝલના શબ્દો (પૃ. ૪૫) પરથી આપવામાં આવ્યું છે. શીર્ષક પ્રમાણે જ આ મંડલમાં મેઘધનુષ્યના રમણીય ઢાળ પર રચાતા પ્રણયની અદ્ભુતરંગી ગઝલરચનાઓ છે. પ્રણયોર્મિની વિવિધ ભાવમુદ્રાઓનું અહીં અનેકસ્તરીય અને બહુઆયામી, કલાત્મક નિરૂપણ છે. ગઝલમાં પ્રેમ-ઇશ્કે મિજાજી ખૂબ ગવાયો છે, પણ તે બહુધા સ્થૂળ કે સપાટી પરનો જ રહ્યો છે. જ્યારે અહીં તે છે સૂક્ષ્મ અર્થનો વાચક. છેક મૌન-અવાક્-ની કક્ષાએ પ્રેમનું નિરૂપણ થયું છે. આમ પણ પ્રેમ એટલે પંડ ઓગાળી નાખવાની ઘટના ને અન્યને આરાધવાની ઘટના. પ્રિયજનને પામીને જ સ્વને પામી શકાય. પ્રેમ થવાની પળે તો અવાચક બની જવાય. વળી, પ્રેમપદારથનું રસાયણ પણ ખૂબ જ રહસ્યમય. એની પ્રક્રિયા અનુભવી શકાય, અભિવ્યક્ત ન કરી શકાય. પ્રણયમાં જે અનંત ભાવલીલા સર્જાય તેનાં અત્યંત સૂક્ષ્મ, સંકુલ, નાજુક ને મનોહર શબ્દચિત્રો આ ગઝલોમાં છે. કવિએ કુશળતાથી ગઝલને પ્રેમની રમણીયતાની વાહક બનાવી છે. મજાની વાત એ છે કે અહીં પરકીયા કરતાં સ્વકીયા પ્રેમનાં, દામ્પત્યપ્રેમનાં સુંદર પ્રણયચિત્રો આકાર લે છે.

એમ કહી શકાય કે ‘કોમલ રિષભ'ની આરંભકાલીન ગઝલોમાં જોવા મળતા પ્રણયના મિલન, વિયોગ, વૈફલ્ય, નૈરાશ્ય, તડપન ઇત્યાદિના ઘેરા ઘેરા રંગો ક્રમશ: ત્યાર પછીની રચનાઓમાં સંયત, સમજણપૂર્વક, વ્યાપક અને સૂક્ષ્મતાનારૂપે પરિણતિ પામે છે. અભિવ્યક્તિ નજાકતમય, સૂક્ષ્મતમ, કલાત્મક અને ગહન-ગભીર બની રહે છે. પ્રણય દ્વૈતથી અદ્વૈત તરફ ગતિ કરતો અનુભવાય ને પ્રેમ શ્રેયમાં લય પામતો જણાય.

અહીં કુલ ૯૩ રચનાઓ છે. મોટા ભાગની ગઝલ પાંચ-સાત શે'રની છે. માત્ર એક જ ‘પરસ્પર’ (પૃ. ૯૦) ગઝલ બાર શે'ર જેટલી દીર્ઘ છે. છંદોવૈવિધ્ય છે છતાં મુખ્યત્વે મધ્યમ બહેરની રચનાઓ જ છે. ‘રતિવાર્તિક’ નામે પણ ગઝલનો આવલિ છે અને ‘જત જણાવવાનું તને……’ શબ્દોથી શરૂ થતી અગિયાર ગઝલની શ્રેણી છે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોમલ રિષભ'માંથી પંદરેક ગઝલરચનાઓ અહીં મૂકવામાં આવી છે.

કોઈ પણ કાવ્યકૃતિનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે બહુધા જે-તે કાવ્યરચનાનાં સ્વરૂપ, વિષય, ભાષાશૈલી ઇત્યાદિનાં ખાનાં પાડી નાખીને શબ્દવિન્યાસ, લયનાદ, છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન જેવા ચોકઠામાં ગોઠવી દેવામાં આવે. બહુધા એ રીતે ઉપલક ને ગતાનુગતિક, બીબાઢાળ વાત કરવામાં આવે. રાજેન્દ્ર શુક્લની ગઝલરચનાઓ વિશે આ રીત અખત્યાર કરીએ તો કાવ્યગત સૌંદર્ય નંદવાઈ જાય. કેમ કે મોટા ભાગની રચનાઓ વ્યંજનાસભર, અર્થબહુલ, બહુઆયામી ભાવસૃષ્ટિ ધરાવે છે. કવિના સવિશેષો અનેક સ્તરે વિહરતા હોઈ એનું મૂલ્યાંકન વિશેષ પ્રકારની માવજત માગી લે છે.

એ પણ એટલું જ સાચું છે કે રાજેન્દ્ર શુક્લની ગઝલો ભાવક-વિવેચક ઉભય પક્ષે ઉચ્ચ પ્રકારની સજ્જતાની અપેક્ષા રાખે છે. ભાવયિત્રી પ્રતિભા વિકસી ન હોય તો તેને સંપૂર્ણતયા ન પામી શકાય એવું પણ બને. અત્યારની મુખ્યત્વે તાલમેલિયા ભાવાવેશ રચતી, આભાસી ચારુતા દાખવતી ને ચમત્કૃતિ ધરાવતી, લોકો પાસે ‘વાહ વાહ!' બોલાવતી એવી સભારંજની ગઝલોથી ટેવાયેલી ભાવકને આ રચનાઓ એટલી જ સ્પર્શે એમ પણ બને. જે ભાવકના શ્રુતિસંસ્કારો, આ કાવ્યશાસ્ત્રીય સંસ્કારો અને સંવિદ્ધા સૂક્ષ્મ સંસ્કારો કેળવાયેલા હોય તેમને જ આ રચનાઓ આકર્ષે. રચનાપોત એવું તો સૂક્ષ્મ-સંકુલ છે કે તે કમળપાંદડી-શું ધીરે ધીરે ખીલે, વિકસે ને સુરભિત સુરભિત બનાવી દે. સજજતા પ્રમાણે ભાવકે ભાવકે અર્થચ્છાયાઓ વિસ્તરતી રહે કે બદલાતી રહે એમ પણ બને.

'મેઘધનુના ઢાળ પર' એટલે સમૃદ્ધ સર્જકતાનો નિચોડ. કવિનું સંસ્કૃત, ગુજરાતી, વ્રજ, હિંદી, અરબી-ફારસી ભાષાનું જ્ઞાન; કાવ્યશાસ્ત્ર જે સૌંદર્યશાસ્ત્રનું જ્ઞાન, બાલ્યવયથી જ દૃઢીભૂત થયેલ છંદશાસ્ત્રનું જ્ઞાન: સંગીતનું સૂક્ષ્મ જ્ઞાન, વેદાન્તપરંપરા અને સૂફીપરંપરાનું વ્યાપક જ્ઞાન - એમ અનેકવિધ જ્ઞાનનો ગઝલમાં ફાલ ઊતર્યો છે. એ બધાં સાથે કવિનું સંવેદનશીલ માનસ, વ્યાપક જીવનદર્શન, આધ્યાત્મિક અનુભવ ઇત્યાદિ ભળે એટલે ગઝલ સોળે કળાએ ખીલી ઊઠે એ સ્વાભાવિક છે. આવાં અનેક આંતિરક-બાહ્ય સર્જકબળો ઉચ્ચ પ્રકારનું કાવ્યત્વ પ્રગટાવવામાં સહાયભૂત થયાં છે. આ બધાંને કારણે ગઝલના સ્વરૂપને અભિપ્રેત એવાં હુશ્ને ખયાલ, અંદાઝે બયાન, મૌસિકી, તસવ્વુફ, મુહાકાત, બદીએ, ઈનાઈયત જેવાં તત્ત્વોની ખૂબ જ સુંદર છબિ રાજેન્દ્ર શુક્લની સૃષ્ટિમાં પામી શકાય છે.

રાજેન્દ્ર શુક્લ વ્યંજના અને ધ્વનિના સર્જક છે. આનંદવર્ધન, અભિનવગુપ્ત ઇત્યાદિનો તેમના પર પ્રભાવ છે. એટલે કવિ મુખર બનીને નહિ પણ કેટલાંક ઇંગિતો દ્વારા કામ લે છે. અતીન્દ્રિય, અનિર્વચનીય, સૂક્ષ્મ, સંદિગ્ધ અને અમૂર્ત ભાવવિશ્વને મૂર્ત રૂપ આપવા માટે કવિ જાતજાતનાં અભિવ્યક્તિગત ઉપકરણોનું નિર્માણ કરે છે. એ સર્વ સ્વયંભૂ અને સાહજિક-કવિની સર્જનમુદ્રાનાં દ્યોતક હોઈ - અભિનવ રીતે નિપજી આવે છે. એ માટે કવિ શબ્દસંકેતો કે અર્થસંકેતો, પારિભાષિક શબ્દો, ચિત્રાત્મક કલ્પન, અરૂઢ પ્રતીકો, સાહચર્યો કે સહોપસ્થિતિ વગેરેનો સધિયારો લે છે. એમની આવી આગવી સિદ્ધિને કારણે, નિજી ભાષાતરાહોને કારણે ગઝલનું શિલ્પ કમનીય રીતે કંડારાયું છે.

રાજેન્દ્ર શુક્લના આવા અનેક વિશેષોને કારણે જન્મેલું ગઝલકર્મ નિજી સંસ્પર્શથી ધબકતું બન્યું છે. એ સર્વ રચનામાં આભાસી ભાવાવેશ, વાયવી આધ્યાત્મિકતા કે કૃતકતાનો સદંતર અભાવ છે. દરેક રચનામાં નરી સચ્ચાઈ દેખાય છે. કવિનો અલગારી મિજાજ, આધ્યાત્મિક અનુભવ, તીવ્ર સંવેદનશીલતા એમાં હૂબહૂ ઝિલાયાં છે. રચનાઓ હૃદયસ્પર્શી છે એનું કારણ એ જ છે કે રાજેન્દ્ર શુક્લની વ્યક્તિછબિ અને સર્જનછબિ વચ્ચે અંતર નથી.

અનુભૂતિની વ્યાપકતા અને ભાવની સઘનતાને કારણે રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ભાવૈક્ય સધાયું છે. કેન્દ્રવર્તી ભાવ કે વિચારને પુષ્ટ કરતા, અનેક આયામી ચિત્ર સર્જતા કે વિવર્તલીલા રચતા એક પછી એક શે'ર આવ્યે જાય. આને કારણે રાજેન્દ્ર શુક્લ પાસેથી ઘણી બધી મુસલસલ ગઝલો પ્રાપ્ત થઈ છે. આ એમની નોંધનીય સિદ્ધિ છે.

ગઝલની સ્વરૂપગત લવચીકતાને કારણે વિષયબાધ નથી, શરત માત્ર એટલી કે ગઝલિયતની માવજત થવી જોઈએ. જમાના પ્રમાણે ગઝલમાં પરિવર્તન થતાં જ રહ્યાં છે. ગઝલસ્વરૂપની આ લવચીકતા-અનુનેયતા પિછાણીને રાજેન્દ્ર શુક્લે એની અનેક નવ્ય દિશાઓ ઉઘાડી આપી છે. ગઝલ અનેક અર્થની વાહક બની તે કવિની આવી સમજણ અને સજ્જતાને કારણે.

સચોટતા, તીવ્રતા, સઘનતા ઇત્યાદિની અહીં વિશેષ માવજત થઈ છે. ભાવ અને ભાષા ઉભયની ધાર નીકળી છે. વિધાન-સમર્થનની અર્થાન્તરન્યાસ અલંકાર જેવી પદ્ધતિ દ્વારા શેરિઅતનું સૌંદર્ય તેઓ સરસ રીતે પ્રગટાવી શક્યા છે. એ જ કારણોસર તગઝ્ઝુલની પણ માવજત દૃષ્ટિગત થાય છે. ભાવ અને ભાષાના બારીક નકશીકામને કારણે સુંદરતા પ્રગટી છે. ઉભયના પરંપરિત અને સાંકડા ખયાલો ભૂંસી નાખી ગઝલને અનેકાર્થની ભૂમિકાએ તેમણે મૂકી આપી છે. એ માટે ભાવને અનુરૂપ ભાષા પ્રોયજવાની એમની આગવી સૂઝ છે. વળી, તેઓ ભાષાનો માત્ર સાધન તરીકે વિનિયોગ નથી કરતા, પણ ભાષા સ્વયં સાધ્ય બનીને કલાકીય સૌંદર્ય નિર્મે છે. તેઓ સંસ્કૃત તત્સમ શબ્દો, અરબી-ફારસી શબ્દો, વેદાન્ત ઇત્યાદિના પારિભાષિક શબ્દો, તળપદી બોલીના લય-લહેકા વગેરેનો બખૂબી વિનિયોગ કરી જાણે છે.

‘મેઘધનુના ઢાળ પર'માં સમગ્રતયા અને મુખ્યત્વે પામી શકાતા રાજેન્દ્ર શુક્લના આવા સર્ગવિશેષો જોયા પછી પ્રતિનિધિ રચનાઓને આધારે વાતને સદૃષ્ટાંત સ્પષ્ટ કરવા પ્રયાસ કરીએ :

આ મંડલનું શીર્ષક જેના પરથી આપવામાં આવ્યું છે એ આખી ગઝલ અદ્ભુત છે. કાવ્યનાયક વ્યવહારદક્ષ ને સંવેદનશૂન્ય સંસારથી દૂર એવી સ્વપ્નભૂમિ પર મળવા માટે પ્રિયજનને ઇજન આપે છે; જ્યાં પ્રેમપોષક રમ્યતા સિવાય બીજું કશું જ ન હોય. મેઘધનુના ઢાળ પરના મિલન માટે ઇજન આપવું એ જ પ્રેમની સૂક્ષ્મ માવજત, પ્રિયજનને સાંસારિક બંધનોથી મુક્ત થવાનું સૂચન ઇત્યાદિ ઘણું ઘણું સૂચવી દે છે. આ જ છે એમનું કવિકર્મ કૌશલ્ય :

પગલાં ય બંધાઈ જતાં પાકું ચણેલી પાળ પર,
મળવું જ છે તો મળ મને તું મેઘધનુના ઢાળ પર. (પૃ. ૪૫)

‘ગઝલ' નામમાં જ પ્રિયજન સાથેની ગુફ્તગૂનો ધ્વનિ છે. એ માટે તો પ્રણયસિક્ત મધુર વ્યવહાર, મીઠી મીઠી વાતો, સહજ જ રચાતું ક્ષણશિલ્પ વગેરે જરૂરી છે. ગઝલની આવી ભાવસઘન ક્ષણ કવિ કેટલી સહજતાથી રજૂ કરી દે છે અહીં!

ગઝલ ગૂઢઘનતા, નિકટગાઢતા,
ઊર્દૂ હૂં... હજી સ્ટેજ ઓરાં ખસો! (પૃ. ૮૦)

કવિનો બોલચાલની ભાષાનો આ ઉદ્દગાર અને સંવેદનઘટ્ટ આરત જોઈ?!

આ જ પ્રમાણે કવિ માટે ગઝલલેખન એ અનુભૂતિના ઉદ્ગારરૂપે સહજ રચાયે જતો ભાવબંધ છે એવો નિર્દેશ સ્વયં જ આપે છે :

કૈં ખબર પડતી નથી, કાળ વીત્યે જાય છે,
શ્વાસમાં ઉચ્છ્વાસમાં બસ ગઝલ ગૂંથાય છે. (પૃ. ૧૦૪)

કવિની રચના પ્રક્રિયા અને ભાવસંપદા પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યા પછી ક્રમવાર રચાતું આવતું કાવ્યસૌંદર્ય માણીએ :

ઓઢ્યાં એવાં નમણાં આળ,
કમળપાંદડે બાંધ્યો કાળ! (પૃ. ૧૧)

સંગ્રહની પ્રથમ ગઝલનો આ પ્રથમ શે'ર - મત્લા-જ રાજેન્દ્ર શુક્લની કેટલીય વિશેષતાઓને વ્યક્ત કરી દે છે. ટૂંકી બહેરનો આ શે'ર પ્રણયોભવની નાજુક રમ્ય ક્ષણોનું બયાન કરે છે, પણ ક્યાંય ‘પ્રણય’ જેવો શબ્દ કવિ વાપરતા નથી. ‘નમણાં આળ' કે ‘કમળપાંદડે’ કાળ બાંધવાના શબ્દસંકેત દ્વારા જ પ્રણયસિકતતાનાં અર્થવલયો વિસ્તરે છે. આ જ પ્રકારે, ગ્રામકન્યાના તળપદા મિજાજમાં વ્યંજનાસભર વિરહઘન ચિત્ર રચાય છે :

આંગણામાં ખાખરો ને ફાગણના દંન,
આવામાં નૈ જ હવે જાજું જીવાય! (પૃ. ૧૨)

પ્રિયજનવિચ્છેદની તીવ્રતા કવિ આ રીતે પ્રગટ કરે છે :

રાખ વળી ગઈ છે વરસોની,
ધખ્યા કરે છે હજી ય ધૂણો.
તમ વિષ્ણુ સાજન ભર્યા લોકમાં,
અવતાર રહ્યો છે ઊણોઊણો. (પૃ. ૧૩)

તળપદા શબ્દો અને એવા અધ્યાસો દ્વારા કવિ ગતકાલીન પ્રણયસંબંધ માટેનો ઝુરાપો પ્રતીકાત્મક રીતે પ્રગટ કરે છે :

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે. (પૃ. ૧૫)

જીવનમાં વ્યાપેલ સંબંધરિક્તતા, વંધ્ય એષણાઓ અને એ બધાંને કારણે ઘેરી વળતી શૂન્યતાને ખૂબ જ વેધક રીતે કવિએ અહીં ઊંટ અને રેતીના સંકેતો દ્વારા ધ્વનિત કરી છે.

કવિની આરંભની રચનાઓમાં પ્રણયની મધુરપ કરતાં કડવાશ વધારે તીવ્રતાથી આલેખાઈ છે. પ્રણય નિમિત્તે જન્મતી કેટલીય કટુ સંવેદનાઓ અનેકવિધ રીતે કલાઘાટ પામી છે એ આરંભની ગઝલોમાં જેમ કે -

નથી કે ખબર નથી કૈં ખુલાસો,
સમી સાંજે બાંધી ગયું કોઈ જાસો.
પછી બારણામાં જ બેસી પડાયું.
વસ્યો વળગણીએ જઈને દિલાસો. (પૃ. ૧૯)

‘જાસો' અને‘'વળગણી'ના નાવીન્યસભર અર્થસંકેતો દ્વારા તડપન ઘટ્ટ બનીને સુંદર ભાવચિત્ર સર્જે છે.

જંતરને બાઝ્યાં છે ઝાળાં,
જાંઇ હવે ગળવા હેમાળા (પૃ. ૨૧)

લોકકથાનાં પ્રેમીપાત્રો પ્રત્યે લોકોએ આચરેલી ક્રૂરતાનો સોરઠી લહેકામાં ઉલ્લેખ કરી, પ્રેમનું નવસંસ્કરણ કરવાની વાત કવિ બખૂબી સૂચવી દે છે. તો વળી, આ સંસારમાં, પ્રણયમાં મેઘધનુષી સપનાં સજાવી શકાતાં નથી એ અન્ય રીતે પણ કરે છે :

મારાં હરેક સ્વપ્નનો સૂનો કિનાર પર,
ડોકાઈ કોણ જાય છે કાળા લિબાસમાં? (પૃ. 22)

સમાજ, કાળ અથવા નિયતિની ક્રૂરતા કદીય બે પ્રણયીજનોને મનગમતી મોકળાશ આપતાં નથી. ઘણું બધું ઝૂંટવાઈ જતું હોય છે. એ મરી ગયેલ મધુરપને કવિ આ રીતે પ્રગટ કરે છે

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં! (પૃ. ૨૩)

અહીં ‘એ’ ભૂતકાળદર્શક સર્વનામ અને ‘ઘ’ વર્ણનું આવર્તન ભાવને કેટલો ઘટ્ટ બનાવે છે! આ જ પ્રમાણે ગતકાલીન સ્મૃતિ અને સાંપ્રત સ્થિતિને પાસપાસે મૂકી રચાતા વિરોધ દ્વારા પણ કવિ ભાવતીવ્રતા સાધે છે -

ટોડલે ઝૂલે છે ટહુકા નીલરંગી એ જ પણ –
આંખમાં અવ કોઈ શ્યામલ મેઘ વિખરાતા નથી! (પૃ. ૨૪)

હુસને ખયાલ, અંદાઝે બયાન અને એમાં નિહિત મૌસિકીનાં સુંદર દૃષ્ણાંતો રાજેન્દ્ર શુક્લના નિધિમાં અનેક મળી આવે. જેમ કે -

એ ક્ષિતિજની પારની સૌરભ સમાં,
આંખને અડક્યાં કે અંજન થઈ ગયાં. (પૃ. ૩૧)

રદીફ-કાફિયાના વૈવિધ્ય સાથેનો આ શે'ર જુઓ -

પવનની પાંખડી પલકી, પલકતાં એક પળ તારી,
સરોવરને સુગંધોને છલકતાં એક પળ લાગી. (પૃ. ૩૪)

એકલતા અમૂર્ત છે, પણ કવિ એ એકલતાને સ્પર્શ અને દર્શનનો વિષય બનાવી ઇન્દ્રિયસંવેદ્ય રૂપ આપે છે :

આમ અડકે, આમ અડકાતું નથી,
આમ સામે, આમ સામે પાર છે. (પૃ. ૩૯)

અગમ્ય, અકળ અને રહસ્યમય સ્થિતિને કવિ વિરોધી ભાવસ્થિતિ દ્વારા પ્રગટ રૂપ આપે છે :

શબ્દની સંમુખ થતાં ફફડી, ઊઠું,
ગ્રંથના ગ્રંથો છપાતા હોય છે. (પૃ. ૪૦)

પ્રણયોદ્ભવને કારણે લજજાભીરુ બનેલ મુગ્ધાની મનોસ્થિતિને કવિ કેટલું સુંદર ચાક્ષુષરૂપ આપે છે :

હાર નવસર હેતનો હૈં ઝલમલે છે ડોકમાં,
આંખ ઊંચકતી નથી, લાજી મરું છું લોકમાં (પૂ. ૪૪)

શબ્દના દીપક હોલવી નાખ્યા પછી સિત્કારની ભાષા અજવાળશે એમ કહેવામાં સંભોગશૃંગારનું અત્યંત માર્મિક બયાન છે :

લો, શબ્દનો દીપક બુઝાવી દો, પ્રિયે,
અજવાળશે ભાષા હવે સિત્કારની (પૂ. ૪૮)

‘રતિવાર્તિક’ શીર્ષકનો ત્રણ ગઝલોમાં પ્રણયોપચારની સૂક્ષ્મ ગતિવિધિનું ખૂબ જ વ્યંજનાગણે નિરૂપણ છે. ‘પ્રથમ’ ગઝલમાં પ્રણયનો આરંભ સૂચવાયો છે:

પ્રથમ ફૂલ ચૂંટ્યું, પ્રથમ તીર તાક્યું. પ્રથમ એક જુદું જ આકાશ આંક્યું. (પૃ. ૪૯)

બીજી, ‘પછી’ ગઝલમાં પરિરંભનની કલાત્મક રજૂઆત છે :

જડ્યાં કે જડાઈ જવાયું જડોજડ,
હવાએ જ હળવે રહી દ્વાર વાસ્યું! (પૃ. ૫૦)

ત્રીજી 'અને' ગઝલમાં પ્રેમની પરાકાષ્ઠારૂપ જન્મતા ઐક્યનું મનોરમ આલેખન છે :

અને અંતરિક્ષે શ્વસે પદ્મ સ્વર્ણિમ,
અધિક આ થકી કૈં જ નવ હોય આગે... (પૃ. ૧૧)

‘જત જણાવવાનું તને...’ શબ્દો દ્વારા આરંભાતી અગિયાર ગઝલની આવલિમાં પ્રણયની સૂક્ષ્મ-સંકુલ ભાવોર્મિ પ્રિયજનને લખાતા પત્રની શૈલીમાં હૃદ્ય રીતે કલાઘાટ પામે છે. એમાં પ્રણયની વિવિધ મુદ્રાઓ તો છે જ, પરંતુ તે ક્રમશઃ સ્થૂળમાંથી સૂક્ષ્મ બની જતી જણાય છે. એનો ક્રમિક વિકાસ નોંધનીય છે :

જત જણાવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ. (પૃ. ૧૫૫)
જત જણાવાનું તને, તારા નશામાં હોઉં છું,
શું લખું, શું કહું તને, હું ક્યાં કશામાં હોઉં છું! (પૃ. ૫૯)
જત જણાવાનું તને કે શબ્દને સીમા નડે,
નાળિયેરીનાં દ્રુમો શું મૌન આકાશે અડે. (પૃ. ૬૪)

આ બધી ગઝલ થોડા થોડા સમયના અંતરે લખાયેલી છે, તોય એમાંનું ભાવસાતત્ય સાદ્યંત જળવાયું છે.

પ્રણય ધીરે ધીરે ગહન અર્થનો વાચક બને છે, તેનો ભાવગત વ્યાપ દૂર દૂર સુધી વિસ્તરે છે.

સારું થયું કે મળવું થયું આ,
તું ક્યાંક હોતાં હું ક્યાંક હોત. (પૃ. ૭૧)

સંસ્કૃત તત્સમ શબ્દોનો સુંદર વિનિયોગ કરતા કવિ કંઈક આખી ગઝલને કોઈ સંસ્કૃત પથબંધનો અહેસાસ કરાવે તે રીતે, સંસ્કૃત કાવ્યની કક્ષાએ પણ મૂકી આપે જેમ કે -

દપિતવક્ષ પરે રતિશ્રમજલે સિક્તતનું મુદ્રિતલોચના,
લલિત લોલ લયે શમે નીરવ અંતે શ્રુતિ યથા સમગામિની. (પૃ. ૭૨)

આ પ્રકારની પ્રયોગશીલતા દુર્બોધ બનવા પણ સંભવ ખરો.

પ્રણયનો રંગ ઘટ્ટ થતાં કવિ સંયત રીતે, સમજપૂર્વક છતાં કલાત્મક રીતે પ્રેમની વ્યાપકતાને શબ્દરૂપ આપે છે. પ્રેમ વ્યક્તિથી સમષ્ટિ સુધી, દ્વૈતથી અદ્વૈત સુધી, સ્થૂળથી સૂક્ષ્મ સુધી વિસ્તર્યાનો અહેસાસ થાય છે. આ સ્થિત્યંતર નોંધનીય છે. હવે પહેલાં જેવો તીવ્ર ભાવાવેગ નથી. જેમ કે -

શ્વાસો સમીપ એવું ઊઘડતાં રહો સદા,
દૂરી ન દર્દ હો કે વિરહ પણ વ્યથા ન હો. (પૃ. ૭૫)
પ્રથમ એ બનો કે કશું ના નકારું.
પછી શક્ય હો તો તને આવકારું (પૃ. ૮૪)

ગોઠડી રૂપે પણ એ જ ભાવ

‘આપણું હોવું પ્રથમ કેવું હતું!’
‘ક્યાંક તું ને ક્યાંક હું, એવું હતું!’ (પૃ. ૮૫)

નગરની કૃતકતા પ્રણયમાં બાધા ઊભી કરે તેની વાત પણ આ રીતે કવચિત્ મૂકી આવે -

આ જ રીત જો હોય નગરની,
ચલો સખી, વનમાં જઈ વસિયેં (પૃ. ૯૭)

પ્રેમનું સાર્વત્રિક વિલસત કે વ્યાપકતામાં પરિણતિ :

કળી, કુસુમ ને સુવાસ તું છે,
પુનિત, પનોતો પ્રવાસ તું છે. (પૃ. ૧૦૧)

અદ્વૈતનો ભાવ -

હું અલ્પને હમણાં જ ઓળંગી જઉં,
તો એ તરફ પણ તું જ અપરંપાર છે. (પૃ. ૧૦૫)

આ રીતે, ‘મેઘધનુના ઢાળ પર' એ ‘ગઝલસંહિતા'નું દ્વિતીય મંડલ પ્રણયોર્મિના સપ્તરંગી મેઘધનુષ્યને એ મેઘધનુષ્યના ઢાળ પરનો અદ્ભુતરસિક અભિસાર સુપેરે રચી આપે છે.

(‘અધીત : ઓગણત્રીસ')