અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હરિરસ' એક પરિચય
તીર્થંકર રોહડિયા
ભારત વર્ષમાં ભક્તો અને કવિઓનાં આસન ઊંચાં, મહત્ત્વપૂર્ણ અને અદ્વિતીય માનવામાં આવે છે. તેમની સત્યનિષ્ઠા, નિર્ભયતા અને જ્ઞાનપરાયણતા પાસે મોટા-મોટા રાજા-મહારાજા, બુદ્ધિમાન અને શૂરવીર નતમસ્તક રહે છે. આવા અનેક ભક્તો-કવિઓમાં આગલી હરોળમાં આવી શકે તેવા ભક્તકવિ ઈસરદાસજી છે. હિન્દી સાહિત્યમાં જે સ્થાન રામભક્ત ગૌસ્વામી તુલસીદાસ અને કૃષ્ણભક્ત સુરદાસનું છે. તેવું જ મહત્ત્વનું સ્થાન રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધઘાટ અને થરપારકરમાં ભક્તવર ઇસરદાસજીનું છે. ભક્તકવિ ઇસરદાસજીનો જન્મ મારવાડ દેશના બાડમેર પરગણાના ભાવેશ ગામમાં વિ.સ.૧૫૧૫માં થયો હતો. ઇસરદાસજીની જન્મસાલ અંગે ગુજરાત અને રાજસ્થાનના વિદ્વાનો વચ્ચે મતમતાંતર જોવા મળે છે. પરંતુ ગુજરાતના વિદ્વાનોના સંશોધન દ્વારા અને ઐતિહાસિક સંશોધનની દૃષ્ટિએ વિ.સં.૧૫૧૫ માન્ય સમયગાળો છે. ઇસરદાસજીનું નિર્વાણ વિ.સં.૧૬૨૨ ચૈત્ર સુદ ૯ (રામનવમી)ના થયું હતું. તેમણે પોતાના ઘોડા પર સવાર થઈને આ દિવસે સમુદ્રગમન કરી સમાધિ લીધેલ હતી. તેમના પિતાનું નામ સુરાજી રોડિયા હતું તથા માતાનું નામ અમરાબાઈ હતું. ઈસરદાસજીની બાલ્યાવસ્થામાં તેમનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં. ત્યારબાદ ઈસરદાસજીનું લાલન-પાલન અને શિક્ષણકાર્ય તેમના કાકા આશાજી રોહડિયાના હાથમાં થયું હતું. કાકા પાસે મેળવેલ સાહિત્યિક શિક્ષણને કારણે ઈસરાસજીએ અનેક ગ્રંથો રચ્યા છે. જે આ મુજબ છે : (૧) હરિરસ (૨) નાનું હરિરસ (૩) દેવિયાણ (૪) ગુણ રાસલીલા (૫) ગુણ આગમ (૬) ગુણ વૈરાટ (૭) નિંદાસ્તુતિ (૮) ગુણ ભગવત હંસ (૯) ગુણ બાળ લીલા (૧૦) સભાપર્વ (૧૧) ગરુડપુરાણ (૧૨) આપણ (૧૩) દાણ લીલા (૧૪) સામળા રા દૂહા (૧૫) સાખિયાં (૧૬) હાલા ઝાલા રા કુંડળિયા (૧૭) વીસ દૂહાળો સૃષ્ટિ ઉત્પત્તિ રો ગીત તથા ભક્તિરસ અને વીરરસથી સભર અનેક ગીતો પણ મળે છે. ઈસરદાસજીના આ ગ્રંથોમાં હરિરસ, દેવિયાણ, નિંદાસ્તુતિ, સભાપર્વ જેવા ગ્રંથો ખૂબ પ્રસિદ્ધ છે. આમાંથી આપણે હરિરસનો આસ્વાદ કરીએ. આચાર્ય પં. બદરીપ્રસાદ સાકરિયાએ હરિરસના સંપાદન પહેલાં પોતાના પૂર્વેની ૨૫ જેટલી હરિરસની પ્રતોનો આધાર લીધો છે. હરિરસની ભાષા મધ્યકાલીન શુદ્ધ સાહિત્યિક મારવાડી ભાષા છે. હરિરસમાં કુલ ૩૬૦ છંદ છે. હરિરસમાં ૫ પ્રકારના છંદ જેમ કે ૧૦૨ દુહા, 2 ગાથા, ૩૦ બિઅખરી છંદ, ૨૦૬ મોતીદામ છંદ અને ૨૧ છપ્પય જોવા મળે છે. સંપાદકશ્રીએ આ હરિરસના વિષય પ્રમાણે વિભાગ તથા પેટા વિભાગો પાડ્યા છે, જે નવતર પ્રયોગ માની શકાય. જેમાં પહેલો વિષય વિભાગ કર્મકાંડ છે. પેટા વિભાગનાં નામ તથા તેમાં ઉપયોગ થયેલ છંદ જોઈએ.
(૧) શ્રી સરસ્વતી-ગણપતિ વંદના - જેમાં દુહા તથા ગાથાનો ઉપયોગ થયો છે.
(૨) શ્રી ગુરુવંદના - જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
(૩) કથારમ્ભસ્તુતિ – જેમાં દુહા તથા છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
(૪) અવતાર નામાવલિ - જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
(૫) અવતાર ચરિત્ર જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૬) અવતાર સ્તુતિ - જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૭) શરીરનાં અંગોનો ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવા અને તેના દ્વારા પવિત્રીકરણનું વર્ણન જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
જ્યારે બીજો વિષય વિભાગ ઉપાસના કાંડ છે જેમાં જોઈએ તો,
(૧) ઈશવંદના – જેમાં દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે.
(૨) ઈશમહિમા – જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૩) નામમહિમા – જેમાં ગાથા, દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ- છપ્પયનો ઉપયોગ થયો છે.
(૪) શ્રીચરણમહિમા-મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૫) ભક્તિમહિમા - જેમા છંદ બિઅખરી, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
અને ત્રીજો વિભાગ જ્ઞાનકાંડ છે. તેમાં નજર નાખીએ –
(૧) બ્રહ્મદર્શન અર્થાત્ આત્મસાક્ષાત્કર - જેમાં છંદ બિઅખરી મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે.
(૨) ઈશ્વર સત્તાના આધીન કર્મોની મહત્તાને સ્વીકારીને સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે.
(૩) શ્રી હરિસ્મરણ ઉપદેશ જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે.
(૪) સત્યમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
(૫) શ્રીમદ્ ભાગવતમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
(૬) શ્રી હરિરસમહિમા - જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થશે છે.
હરિરસ ઈસરદાસજીની ખૂબ વિશિષ્ટ એવી આધ્યાત્મિક કૃતિ છે. હરિરસનો અર્થ (૧) હરિની ભક્તિ અને (૨) હરિભક્તિનો આનંદ, એમ બે પ્રકારના છે. હરિરસનો પ્રારંભ કર્મકાંડ વિભાગના મંગલાચરણ એટલે કે શ્રી સરસ્વતી ગણપતિવંદના દ્વારા થાય છે. જે જોઈએ.
‘સરસતિ સ્નેહે હોં જ્યાં, ગણપતિ લાગાં પાય,
ઈસર ઈસ આરાધવા, સદબુધ કરો સહાય.' ॥ ૧ ॥
(શ્રી સરસ્વતીમાનો સ્નેહપૂર્વક જાપ કરી અને શ્રી ગણપતિનાં ચરણોમાં વંદન કરીને હું ઈસરદાસ પ્રાર્થના કરું છું કે તમે મને ઈશ્વર આરાધના કરવામાં સદ્ગુદ્ધિ આપીને મારી મદદ કરો.)
હવે બીજા થોડા જે ખૂબ પ્રખ્યાત અને મહત્ત્વના દુહાઓ જોઈએ.
‘આદ તણો જોતાં અરથ, ભાજે મુઝ ન ભ્રમ્મ,
પહલા જીવ પ્રગટ થિયા, કિયા કિ પહલા કર્મ' || ૩૦૦ ||
(જ્યારે હું આદિ ઉત્પત્તિ વિશે વિચારું છું તો મારો એ શક દૂર નથી થતો કે તમે પહેલાં જીવની રચના કરી કે કર્મોની?)
‘ખાણં ચિયાર ખોણધર, જાયા જે દી જંત,
કીધા કુણ પારવૈ કિસન, ઉત્તમ, મધ્યમ, અંત’ || ૩૦૪ ||
(હે કૃષ્ણ જ્યારે તમે પૃથ્વી ઉપર બધા જ પ્રકારના જીવ ઉત્પન્ન કર્યા તો આ જીવોને ઉત્તમ, મધ્યમ અને નિમ્ન પ્રકારના શા માટે બનાવ્યા?)
‘અવધ નીર તન એંજલી, ટપકત સાસ-ઉસાસ,
હરિ ભજન વિણ જાત હૈ, અવસર ઈસરદાસ' |॥ ૩૧૨ ||
(ઈસરદાસજી કહે છે કે શરીરરૂપી અંજલિમાંથી આયુરૂપી જલ શ્વાસોશ્વાસનાં ટીપાં રૂપે ટપકી રહ્યાં છે. એટલે કે શ્વાસ પ્રતિ શ્વાસ આ શરીરનું આયુષ્ય વીતી રહ્યું છે. આ મનુષ્યશરીર મળ્યાનો અમૂલ્ય અવસર હરિનાં ભજન કર્યા વિના આમ જ વેડફાઈ રહ્યું છે.)
‘ભાગ બડા તો રામ ભજ, દિવસ બડા કછુ દેય,
અકલ બડી ઉપકાર કર, દેહ ધર્યા ફૂલ એહ' || ૩૨૭ ||
(હે પ્રાણી જો તું ભાગ્યશાળી છો તો શ્રી રામનું ભજન કર, સમય અનુકૂળ (સારો) હોય તો દાન કર અને જો બુદ્ધિશાળી હોય તો ગરીબો પર ઉપકાર કર. મનુષ્યશરીર ધારણ કરવાનું ફળ આ બધાની અંદર સમાયેલું છે.) ભક્તકવિ ઇસરદાસજી જ્ઞાન કાંડમાં હરિરસનો મહિમા સમજાવી સમાપન કરે છે. અંતનો દુહો જોઈએ –
‘કવિ ઈસર હરિરસ કિયો, છંદ તીનસો સાઠ,
મહા દુષ્ટ પામૈ મુગત, પો ઊઠી કી જૈ પાઠ' || ૩૬૧ ||
(ભક્ત કવિ ઈસરદાસજી કહે છે કે મેં આ ૩૬૦ છંદના હરિરસનું નિર્માણ કર્યું છે. જેનો નિત્ય સવારે ઊઠીને પાઠ કરવાથી મહાદુષ્ટ પણ આ જન્મના ભવોભવના ફેરાથી મુક્ત થઈ જાય છે.) આ પ્રમાણે હરિરસના દુહાઓ ભગવાનના ગુણગાન કરે છે. આ હરિરસને ચારણો તથા ચારણેતર લોકો મંદિરમાં સ્થાન આપે છે. તો કેટલાક લોકો નિત્ય સવારે પાઠ કરીને પાવન બને છે. ઘણી વખત લોકો મરણાસન્ન વ્યક્તિ પાસે ગીતાનો પાઠ કરે છે એ જ પ્રમાણે હવે હરિરસનો પણ પાઠ કરે છે. એટલે કે હરિરસને ગીતાની સમકક્ષ ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર વગેરે જેવાં શહેરોમાં આજે સ્વાધ્યાય પરિવાર સભાની જેમ હરિરસ અને દેવિયાણની સ્વાધ્યાય સભા પણ નિયમિતપણે યોજાતી રહે છે.
❖
(‘અધીત : અઠ્ઠાવીસ')