< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઘરઝુરાપો
ડૉ. જશુ પટેલ
‘ઘરઝુરાપો' એ કવિ બાબુ સુથારનો ઈ.સ.૨૦૧૦માં પ્રકાશિત થયેલો કાવ્યસંગ્રહ છે. બાબુ સુથારે કાવ્યસંગ્રહનું નામ ‘ઘરઝુરાપો' રાખ્યું એ મને ગમ્યું. બાબુ સુથારે ફ્લૅટઝુરાપો, રો-હાઉસ ઝુરાપો, મકાનઝુરાપો ન રાખ્યું એય ઉચિત કર્યું. બાકી ફ્લેટ, રોહાઉસ, મકાનમાં વળી ઝુરાપો હોય ખરો?.. ઝુરાપો તો ઘર માટે જ હોય. આ માટે બાબુ સુથાર અભિનંદનના અધિકારી બને છે. આદિલ મનસૂરીને તો ન્યૂયૉર્કમાં પણ વતનની માટી માટે જીવ હિજરાયો હતો. આથી જ તો એ ઝુરાપાએ લખાવ્યું હતું કે -
ઘટે છે મોહ ક્યાં માટીનો, આદિલ!
હજીયે જીવ અટવાયા કરે છે.
આ કાવ્યસંગ્રહ વિશે હું તો એવું માનું છું કે ઘર તો બધાને હોય છે. પણ ઘર માટે જેણે ઝુરાપો અનુભવ્યો નથી એમને આ કાવ્યસંગ્રહ વિશે કશું બોલવાનો કે કંઈક લખવાનો કોઈ અધિકાર નથી. આવો ઝુરાપો મેં પણ અનુભવ્યો છે. કૉલેજમાંથી દિલ્હી કૉન્ફરન્સમાં ગયેલો. લગ્ન પછી પહેલવહેલી વાર હું ઘર અને પત્નીથી અઠવાડિયું છૂટો પડેલો. સેમિનાર પૂરો થાય પછી તો હું આવતાં-જતાં વિમાનો જોયા કરું. મારા સાહેબ મને ખિજાયેલા.
મને મારા મિત્રોએ કહ્યું કે, તેં બાબુ સુથારનો કાવ્યસંગ્રહ શા માટે લીધો? બાબુ સુથાર તો ખૂબ જ આખાબોલા છે. તું કવિતાથી જરા પણ ફંટાયો તો તારું આવી જ બન્યું માનજે. આમ તો એઓના બેએક લેખોથી પ્રભાવિત થયો હતો. કવિના આ બીજા રૂપનો પરિચય ન હતો. મને તરત જ સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવી ગઈ :
કવિ મળે
એના કરતાં કવિતા મળે
એ આપણા માટે ધન્ય છે.
બાબુ સુથાર ગુજરાતી સાહિત્યના એક પ્રયોગશીલ કવિ, વાર્તાકાર, નવલકથાકાર છે. એમ. એસ. યુનિવર્સિટીના લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપ્યા બાદ તેઓ ૧૯૯૭ના વર્ષમાં અમેરિકાની પેનસિલ્વેનિયા યુનિ.માં પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે જોડાયા. લિંગ્વિસ્ટિક્સના ક્ષેત્રમાં સંશોધનકાર્ય બદલ એમણે પેનસિલ્વેનિયા યુનિ.ની ડૉક્ટરેટ ડિગ્રી મેળવી છે. હાલ તેઓ પેનસિલ્વેનિયામાં જ ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવા આપે છે. એઓના સાહિત્યસર્જનની યાદી હું આપતો નથી, પણ એક વાત જરૂર કહેવા માંગુ છું કે આ સર્જકનો ઉછેર અને ઘડતર જ્યારે આધુનિકતાવાદી પરિબળો આપણે ત્યાં પ્રભાવક બનવા મથતાં હતાં ત્યારે થયો હતો. એ વખતે પણ બાબુ સુથારે ‘ઢંઢેરો’ જેવાં સામયિક અને લેખન દ્વારા પોતાનો વિદ્રોહી અવાજ પ્રગટ કર્યો હતો.
કોઈપણ માનવી સાંપ્રતમાં આનંદ અને ઉલ્લાસથી ત્યારે જ રહી શકે જો એનો અતીત ભવ્ય હોય, ઉમંગો, ઉલ્લાસો, યાદોથી ભરેલો હોય. અતીતના મજબૂત પાયા ઉપર જ સાંપ્રતની ભવ્ય ઇમારતનું નિર્માણ થઈ શકે. આધુનિક માનવીનો અતીત જ અંધકારમય છે, પછી સાંપ્રત અને ભવિષ્યની તો વાત જ ક્યાં કરવી? આ કવિનો અતીત તો જુઓ કવિ કહે છે....
શૈશવમાં જેની સાથે હું મામાનું ઘર કેટલે રમેલો એ દેશકાળ
એકાએક મારા દેહની ભાગોળે
હોળીનો ઢોલ થઈ વાગવા માંડ્યો.
આજે તો આ શૈશવની રમતો-સંતાકૂકડી, સાતતાળી, પકડદાવ, લખોટી, ભમરડા, ચલકચલાણી, પાંચીકા, આંધળી દોડ, ઊભી ખો, બેઠીખો, આમલી પીપળી, સાતઠીકરી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ છે. મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, લૅપટૉપ સાથે ચોંટી રહેલાને કેવી રીતે ખબર પડે કે દેહની ભાગોળે હોળીના ઢોલ થઈ વાગવું એટલે શું?
‘ઘરઝુરાપા’ વિશે તૈયારી કરતો હતો ત્યાં જ મને કવિ બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં' કાવ્ય યાદ આવી ગયું. સાથેસાથે જ્યન્ત પાઠકનું ‘વેરાન’ કાવ્ય પણ યાદ આવ્યું. આ કાવ્યમાં સામાન્ય માણસના જીવનની એક સાવ સામાન્ય ઘટના છે. માણસ પોતાના જીવનમાં ભાતીગળ અનુભવોમાંથી પસાર થાય છે. જીવનચક્ર જ એવું છે જેમાં બનતી પ્રત્યેક ઘટના જ્યારે બને છે ત્યારે કાં તો અતિઆઘાતક હોય છે અથવા અતિઉત્સાહપ્રેરક હોય છે. બાબુ સુથારના કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં મને આની પ્રતીતિ થઈ.
સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખીપાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે હા, લીલીછમ બની જાય છે. ભૂતકાળ-વર્તમાન બની રહે છે ને માનવ ભૌતિક જગતમાંથી ભાવજગતમાં સરી પડે છે. ‘ઘર'ને જોતાં હૃદય ચીરી નાંખે તેવા કરુણમાં કવિ સરી જાય છે. ઘરનો સાચો અર્થ સમજાય છે. ઘર એટલે ઈંટ-ચૂનાનું મકાન નહીં. ઈંટ-ચૂનાના ઘરને ભૂલી શકાય પણ લાગણીના ઘરનાં મૂળિયાં ઊંડાં હોય છે. એ ઘર છોડવું અઘરું છે. તેને છોડતાં ચૈતન્ય છિન્નભિન્ન, વિચ્છિન્ન થઈ જાય છે. લોહીલુહાણ થઈ જાય છે. એ ઘર આપણું ‘સ્વીટ હોમ’ હોય છે.
આ ‘જૂનું ઘર ખાલી કરતાં' કે ‘વેરાન'નો વિષય કંઈ કોઈ મહાભિનિષ્ક્રમણ નથી. રામના વનગમન કે બુદ્ધના ગૃહત્યાગ જેવી, સાંસ્કૃતિક સીમા ચિહ્ન જેવી ઘટના પણ નથી. આ વસ્તુમાં કંઈ માલ નથી, પણ કવિએ તેને રસસિદ્ધ કર્યું છે. ગુજરાતી સાહિત્યના છેલ્લા દાયકાના નિબંધો, કથાસાહિત્ય તેમ જ કાવ્યસર્જનના ક્ષેત્રે જે સર્જકો સક્રિય છે તેમનાં મૂળ ગ્રામભૂમિમાં છે. એઓ ત્યાંથી સંજોગોવશાત્ ઊખડીને નગરજીવનમાં પહોંચ્યા છે. સ્થિર થવાની મથામણ કરી, પણ ફાંદની જેમ વધતું આ નગર કોનું થયું છે કે આ સર્જકોનું થાય? એટલે આ સર્જકો જાણે કે આ નગરજીવનમાંથી ઠેલો ખાઈને ગ્રામભૂમિમાં સુગંધ પામવા ગયા વૃક્ષોનો છાંયડો લેવા ગયા. પાણીની પરબે પાણી પીવા ગયા. કોયલનો ટહુકો, મોરની ગહેક સાંભળવા ગયા. એવા આશાભર્યા ગામડામાં ગયા. પણ ત્યાં જઈને જોયું તો જ્યાં મોલ અને કણસલાં હતાં ત્યાં કારખાનાની ચીમનીઓ ધુમાડા ઓકતી હતી. આકાશ ગોરજભર્યું ન હતું, પણ ધુમાડા અને મેશથી ઢંકાયેલું હતું.
વૃક્ષોનાં પાંદડાં પરિપક્વ હતાં તેથી કાળાં ન હતાં, પણ કારખાનાની ચીમનીની મેશથી કાળાં પડી ગયાં હતાં. પરબો તો જોવા જ ન મળી. માણસો પણ જાણે સંબંધને નામે શૂન્ય મૂકીને આંકડાની રમતમાં ખોવાઈ ગયેલાં લાગ્યા. આ સર્જક નગરમાં ન સમાયો અને ગ્રામપ્રદેશમાં પોતાનાં મૂળ અને ભોંય શોધવા ગયો. ત્યાંથી એવો તો હડસેલો ખાધો કે જાણે ક્યાંયનો ન રહ્યો.
માણસમાં એક છેડે જેમજેમ આધુનિક વલણો વિકસતાં ગયાં તેમતેમ બીજે છેડે એની પોતાની આદિમવૃત્તિઓ તરફ પણ એનું આકર્ષણ વધતું ગયું. એને જાણે કે આધુનિક બનવું છે પણ એની ભૂતકાળની મૂડી ખોવાની એની જરીકે ઇચ્છા નથી. આધુનિકતાવાદનાં કેટલાંક લક્ષણોમાં એક લક્ષણ હતું આદિમતાવાદનું. આદિમતાવાદનો અર્થ જ એટલો થતો હતો કે મૂળભૂત જન્મજાત અને સહજવૃત્તિઓનું આકર્ષણ અને પ્રગટીકરણ, આધુનિકતાવાદમાં કે અનુઆધુનિકતાવાદમાં પણ માનવી પોતાનાં મૂળ તરફ વાળવાની મનોવૃત્તિનું આલેખ તો અનેક રીતે કરતો રહ્યો છે.
બાબુ સુથારે પણ આધુનિક અને અનુઆધુનિક વિચારધારાઓ સાથે, આધુનિક સંવેદનાઓ વિશે પણ વાંચ્યા-વિચાર્યા કર્યું છે. એ નોખી રીતે વિચારે છે ને જે અનુભવે સમજાય છે તેને શેહશરમ વિના આક્રમક રીતે મૂકી જાણે છે. ઉદ્યોગીકરણ, યંત્રવાદ અને નાણા આધારિત સમાજવ્યવસ્થાના ત્રિવિધ મારથી તૂટી પડેલો પલ્લીસમાજ કદાચ કોઈ સમાજશાસ્ત્રીના અભ્યાસનો વિષય બની શકે, પણ જ્યારે બાબુ સુથાર જેવો કવિ તેને જુએ છે ત્યારે તેનો વિષાદ તે કદાચ સમસ્ત પલ્લીસમાજનો પ્રતિઘોષ બની રહે છે.
નિત્યે નામના જર્મન ફિલોસોફરે એમ કહેલું કે “જે વૃક્ષ પોતાની ડાળીને અથવા પોતાની શાખા-પ્રશાખાઓને વિશાળ આકાશમાં ઊંચે પ્રસારવા માંગતું હોય તે વૃક્ષનાં મૂળ ધરતીમાં એટલાં જ ઊંડે જવાં જોઈએ.” દેખીતી રીતે જ એ સાચું છે કે ધરતીના ઊંડાણમાંથી મૂળે જે પોષણ મેળવ્યું હોય છે તે જ આકાશમાં પ્રસરેલી શાખા-પ્રશાખાની ટોચે ફૂલરૂપે અને ક્યારેક ફળરૂપે પ્રગટ થાય છે. આ આખીય વાતને એલેક્ષહેલીએ ‘The Roots' નવલકથામાં મૂકી આપી છે. જોકે સંદર્ભ ત્યાં બદલાયેલો છે.
ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારમાં ભારે ક્રાંતિ આવી અને માણસે વિદ્યા કે સંપત્તિની પ્રાપ્તિ અર્થે સ્થળાંતર પ્રક્રિયાનો સાહસના એક ભાગરૂપે સ્વીકાર કરી લીધો, એટલેકે પોતાનાં મૂળિયાં ખેંચીને જ્યાં સંપત્તિ, સમૃદ્ધિ, વિદ્યા કે વૃદ્ધિ જોયાં ત્યાં દોટ મૂકી. ત્યારે પણ ઘડીક શ્વાસ લેવા ઊભે ત્યારે એ પાછળ નજર નાંખી લીધા વિના રહેતો નથી.
બાબુ સુથારનો ‘ઘરઝુરાપો’ એ વડોદરાના કોઈક ગામમાંથી અમેરિકા ગયેલા બાબુ સુથારની આગળ દોટ મૂકતી વખતે પાછળ કઈક જોઈ લેવાની મનોવૃત્તિનું જ પરિણામ છે. અહીં માત્ર વ્યતીતરાગ નથી. યંત્રચેતના અને આધુનિકતાવાદી વલણોએ જીવન અને જીવ જે લે કરી છે એની વેદના પણ છે. વલોપાત પણ છે અને અંદરથી શારી નાખતી ચીસ તથા ચુપકીદી પણ છે. કોઈપણ કાવ્યસંગ્રહમાં મહત્ત્વનું તો એનું કાવ્ય અને તેની કાવ્યસૃષ્ટિ જ હોય છે. પણ એ કવિની ચિત્તસૃષ્ટિમાં ડોકિયું કરવા જેટલી બારી ઉઘાડી તો હોય છે જ, અને એ બારી તે કાવ્યસંગ્રહના આરંભમાં ટાંકેલાં વિધાનોમાં Novalis કહે છે: "Philosophy is properly home sickness; it is the urge to be at home everywhere.” એટલે કે, “તત્ત્વચિંતન એ ખરેખર તો ઘરઝુરાપો જ છે. એ એક અંદરની તીવ્ર ઊલટ છે કે જે સર્વત્ર પોતાના ઘરને શોધે છે."
તો વળી Martin Heldegger કહે છે કે “He who does not know what homesickness is cannot philosophize.” એટલે કે “ઘરઝુરાપો શું છે એ જે જાણતો નથી તે કોઈપણ પ્રકારની ફિલસૂફી કરી શકે નહિ.”
આ ઉપરાંત ઊથલો પહેલાની આગળ શ્વેત્લાના બૉયમનું The Future of Nostalgia’માંથી ટાંકેલું એક લાંબું વિધાન ઘરઝુરાપો સમજવાની અને માણવાની ભૂમિકા પૂરી પાડે છે. આખું વિધાન ટાંકવાનો લોભ હું જતો કરું છું. પણ એનો મર્મ એવો છે કે ઘરઝુરાપો એ ખરેખર તો જે ઘર હવે હયાત જ નથી તેની શોધ છે. વિસ્થાપિત થયેલાઓને ખોવાયેલા સ્થળકાળની સ્મૃતિ જંપવા દેતી નથી. મૂળિયાં તો ઊખડી જ ગયાં છે પણ એને ચોંટેલી માટી અને તેની ગંધ જીવને અને જીવનને જંપવા દેતી નથી. એ સ્વપ્નલોક અતીતરાગી છે. એને કોઈ એક કલ્પન કે પ્રતીકમાં બાંધવા જાઓ તોપણ તે મુઠ્ઠીમાં સાચવેલી રેતી જેવું છે. ૨૦મી સદી ભવિષ્યદર્શન સાથે આરંભાય છે અને અતીતરાગી બની આથમે છે. અતીતરાગી સ્થળ-કાળ લોકલ છે અને જ્યાં કવિ આજે વસે છે તે યુનિવર્સલ છે. આ અતીતરાગ એ તો વ્યક્તિની જીવનકથા અને એક સમૂહની જીવનકથા વિશેનો સાથેલાગો આલેખ છે.
ઘરઝુરાપો હોય એટલે ગામઝુરાપો હોય જ. ગામઝુરાપો હોય એટલે લોકઝુરાપો પણ હોવાનો જ. બાબુ સુથારને આવા લોકઝુરાપાએ પણ સતાવ્યો છે. કહો કે કલમને કાગળ ઉપર ઉતારવા વિવશ કર્યા છે. કેટકેટલાય લોકોએ બાબુ સુથારનાં જીવનને સંકોરવાનું, અંકુરિત કરવાનું કામ કર્યું છે! આ બધા નથી તો મહાત્મા ગાંધી, નથી તો નહેરુ કે નથી તો ઓબામા. એઓ તો ગામડાગામના સાવ સામાન્ય માણસો છે. પણ આ સામાન્ય માણસો જ એમની ધોરીનસ છે. આવા માણસોએ જ જીવનની ભરપૂરતા બક્ષી છે, જીવનસુગંધનો અહેસાસ કરાવ્યો છે. આ બધા લોકોથી, સ્વજનોથી નાળસંબંધ તૂટી ગયો છે. કવિ જોજનો દૂર જઈ વસ્યા છે, પણ અંતરતમમાં પડેલા આ સ્નેહીઓ જ ઊથલો મારે છે.
કવિ કહે છે....
બેનાળી પર ભરોડી - બારોડાને
આવળના ફૂલની જેમ ભેરવીને
ચાલ્યા જતા હશે કાજીદાદા - ૨૫
કુબેરિયો ભગત જાગી ગયો અને ગાવા લાગ્યો :
અંજવાળું અંજવાળું આજ મારે...……
ત્યાં જ મેં જોયાં આંધળાં અંબાડોશીને
એ ઊભા થવા જતાં હતાં એ જોઈને
એમને ટેકો આપવા દોડ્યો
પણ ઠેસ વાગી
ને પડી ગયો.
હું જરા આગળ વધ્યો
ત્યાં જ મેં જોયા ચૂલા પાસે બેઠેલા
ગંભીરસિંહ દાદા
હાથમાં ચાંદીનો હોકો લઈને.
ખભે બે-નાળી લઈને ઘર તરફ જઈ રહ્યો છે કાજી
લીલી ઘોડી પર સવાર થઈને.
સાંચીવાળો પણ ગામછેડાની માતાએ કૂકડો વધેરીને
ઘેર પાછો પહોંચી ગયો છે.
જોડેવાળા હીરાભાઈ
પડાળ પરથી ડોડા ઉતારી રહ્યા છે.
ગામના મગનકાકાની ખાટી આમલીના થડમાં રહેતી ચુડેલ આવતી.
મારા ખાટલાના ચાર પાયે ચાર કોડિયાં મૂકતી ને પછી ચાલી જતી.
ગામના મહાસુખકાકાના પીપળાના થડમાં રહેતો ભૈરવ મારા
ઓશીકાની નીચે
એનો ગમાણિયો દાંત મૂકી જતો.
મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી.
મારા ગામમાં
સાતસાત પેઢીથી રહેતા
ગુલમા ઘાંચીની ઘાણીને
ગઈ રાતે જ
કેસરી રંગના કાચંડાઓએ
બાળી મૂકી.
અનિચ્છાએ કે કહેવાય છે એમ સ્વેચ્છાએ સ્વદેશ છોડી ગયેલી પ્રજાઓ કે લોકો માદરે વતનના જીવનપ્રવાહમાંથી લગભગ કપાઈ ગયા હોય છે. પરદેશ વસતા લોકો કે લેખકો માતૃભાષાના મુખ્ય સાહિત્યપ્રવાહથી કપાઈ ગયા હોય છે. આખા ગામથી વિચ્છેદ થયો છે એટલે પરાયાપણું કે પારકાપણું અસ્તિત્વમાં આવ્યું છે. આ પરાયાપણાના ભાવે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. લેખકને કે કવિને જાણે કે આ પ્રદેશમાં પોતાની અવગણના થઈ રહી હોય એવું લાગે છે. આ ઉપેક્ષાને કારણે કવિહૃદય દુ:ખાનુભવ કે દુભામણ અનુભવે છે. એટલે જ તો બાબુ સુથારે એ દુ:ખાનુભાવ કે દુભામણ જરાક જુદી રીતે ઉપરની પંક્તિઓમાં વ્યંજિત કર્યાં છે.
આ રચનાઓ રચાઈ છે અમેરિકની ભૂમિ પરથી. એનો રચનાકાર અનેક સમયસંદર્ભોની વચ્ચે ઊભેલો છે. વતનનો વ્યતીત અને પારકાદેશનો સાંપ્રત આ કવિ ગતિશીલ શબ્દો વડે આપણી સામે Juxtapose કરી આપે છે.
આ ડાયસ્પોરના સર્જકો બે જગતમાં જીવતા હોય છે. (૧) જે છોડી ગયા તે સ્વદેશમાં, (૨) જ્યાં જઈ વસ્યા તે પરદેશમાં. જે છોડી ગયા તે સ્વદેશ સાથે કવિની અતૂટ કલ્પનાઓ જોડાયેલી હોય છે. જ્યારે જ્યાં જઈ વસ્યાં તે પરદેશમાં રોજિંદી વાસ્તવિકતા જોડાયેલી હોય છે. જે કવિ સ્વદેશ છોડીને પરદેશમાં જઈ વસ્યો છે તે કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. એનો ગમતીલો, મજાનો, રસીલો અતીત એનો પીછો છોડતો નથી. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કારને યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. આવું બાબુ સુથારમાં પણ અનુભવવા મળ્યું, પણ સેની વાત પછી. ચાલો આપણે પ્રથમ જ્યાં જઈને વસ્યા તે પરદેશમાં જઈએ અને બાબુ સુથારે ત્યાંની રોજિંદી વાસ્તવિકતા આલેખી છે તે પણ નોંધી લઈએ.
બરફ પડી રહ્યો છે
વીજળીના અજવાળા સાથે ચાંદીની
પતરીઓ ઘસાઈ રહી છે.
દિવસે અંગૂઠાના નખ જેવડું લાગતું આ શહેર
રાતે જોજનોના જોજનો સુધી
પથરાઈ ગયું છે.
વૃક્ષોની અંદર અને વૃક્ષોની બહાર
સૂનકાર જાળાં ગૂંથી રહ્યો છે.
આખું શહેર જાણે કે
ચાંદીમાં બોળેલું રૂનું પૂમડું.
હમાં સવાર થશે,
દૂધિયા કાચની પેલે પાર
એક સૂરજ ઊગશે
પછી આ શહેર ખભા પર
અને
બધા શહેરના ખભા પર
બારિયા ભૂતની જેમ ચડી બેસીને
નીકળી પડશે.
બાબુ સુથાર પણ બે જગતમાં જીવે છે. ૧૯૯૭ના વર્ષમાં અમેરિકાની પેનસિલ્વેનિયા યુનિ.ના પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે જોડાયા. આ એમનું બીજું જગત છે. જ્યાં જઈ વસ્યા તે પરદેશનું જગત. જ્યાં જઈને વસ્યા તે પરદેશમાં બધું જ છે પૈસો છે, જાહોજલાલી છે, મિત્રો છે, કાચ જેવા રસ્તા છે, બરફીલો પ્રદેશ છે, ગોરાગોરા સ્વચ્છ લોકો છે. નદીઓ છે, પર્વતો છે, આછુંઆછું સ્મિત આપતી સ્ત્રીઓ છે. આમ છતાં આટલી બધી સુંદરતા અને જાહોજલાલીની ઝાકમઝાળ વચ્ચે પણ કવિ બાબુ સુથારને જે છોડી ગયા તે સ્વદેશ યાદ આવે છે. આ કવિની અતૂટ કલ્પનાઓ આ સ્વદેશ સાથે જોડાયેલી છે. આ કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટઆટલી ભરપૂરતા વચ્ચે પણ આ કવિ શૂન્યતાનો, રિક્તતાનો અનુભવ કરે છે.
તો હવે આપણે જોઈએ, જે છોડી ગયા તે સ્વદેશ સાથે આ કવિને કેવો નાતો છે?
મને યાદ આવે છે મારા ગામની એ રાતો
જ્યારે હું સૂતો હતો ઓસરીમાં
ઘઉંના મોલની આંગળી ઝાલીને.
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છે
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળની ઘૂઘરીની જેમ
લણકાવતી આવી રહી છે.
ફળિયાની વચ્ચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ.
એમને જોઈને મણિમાસી કહે છે
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે.
માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,
નહિ તો આખું ફિલાડેલ્ફિન્સ્યા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.
ક્યારેય નહિ
ને આજે શબ્દોમાંથી
ડમરાની સોડમ કેમ આવે છે?
નક્કી વાડામાં
ના'વાના પથરા કને મેં રોપેલા ડમરા
આજે મને યાદ કરતા હશે,
નહિ તો ના બને આવું.
અત્યારે તો
રાત હશે ત્યાં.
બાપા મગફળીના ખેતરમાં
તાપણીના પાયે
ચાંદાના ઓશીકે
સૂતા હશે
અત્યારે તો રાત હશે. ત્યાં
નહિ તો આ અક્ષર
આટલા શ્યામ ન હોત,
નહિ તો કાગળની આ બાજુ
આટલી બધી ઊજળી ન હોત.
કવિતા લખવાને બહાને
મેં ઘડીભર ઝૂલી લીધું
મારી ઇન્દ્રિયોમાં;
કબૂતરના ગળે હાથ નાંખી
હું ઊભોઊભો આંટો મારી આવ્યો
મારા વેચાઈ ગયેલા
પાસાયતામાં અને વાડામાં,
ત્યાં ઊગેલી બાજરીના
એકેએક ડૂંડાના મેં લઈ લીધા હસ્તાક્ષર
મારી જીભ પર.
હું જોતો જ રહ્યો ને
છાપરે કોળાનો વેલો ચડે એમ
મારા ગામનું પાદર
પણ ચડી ગયું મારા ડિલ પર.
પના પગીના વડલાની સાથે
ગામછેડાની માતા પણ
મગર પર સવાર થઈને આવી ગઈ.
ગામની ભાગોળે આવેલી પ્રાથમિક શાળાનાં
પગથિયાં પણ
વાલોળનો વેલો થઈને ચડી ગયાં.
હું ચાલતો હતો
અને ઓચિંતો જ એક થોરિયાએ મને
એક કાગળ આપ્યો.
એ એક માફીપત્ર હતો.
એમાં લખ્યું હતું :
નાનપણમાં પાડવેલાની ભાજી વીણતી વખતે
અમે તને વાગેલા
તે બદલ ક્ષમાયાચના!
મેં જોયાં ઘર,
પૂરમાં પડી ગયેલાં તે
મેં જોઈ ગામની તળાવડી
તૂટી ગયેલી એ.
મેં જોઈ મારી માને
એકની ઉપર બીજો
બીજાની ઉપર ત્રીજો
અને ત્રીજાની ઉપર ચોથો ખાટલો મૂકી
એની ઉપર ચડી
લડતી પૂરની સામે
તણખલાથી.
મેં જોયા મારા બાપાને
ઇન્દ્રના કાન કાપી લેતા-
પૂર પાછું વાળ, નહિ તો
ડોળા પણ કાઢી લઈશ તારા હો!
અહીં ઘઉંનાં ખેતરો અને ઘરની ઓસરી સાવ નજીક દર્શાવીને કવિએ પ્રકૃતિ અને કૃષિજીવનનું સહજ નૈકટ્ય બતાવ્યું છે. અહીં આલેખાયેલું ગ્રામજીવન પણ કેટકેટલા લૌકિક સંદર્ભોથી અને દંતકથાઓથી, રીતિરવાજો, માન્યતાઓથી ચિત હતું એ વર્ણવાનું આવે છે એમની પ્રત્યેક રચનામાં.
આ કવિએ શબ્દો પાસેથી, ભાષા પાસેથી જે કામ લીધું છે એ અદ્વિતીય છે. આટલી સાદી, સરળ ભાષામાં શબ્દો દ્વારા આવી અભિવ્યક્તિ તો બાબુ સુથાર જ સાધી શકે. ‘ઘરઝુરાપો’ દ્વારા એક વાતનો પરિચય થયો કે શબ્દોમાં પણ અભિવ્યક્તિ સાધવાની કેટલી જબરી તાકાત છે…! શબ્દો તો જાણે આખું જગત રચી આપે છે. શબ્દોમાં કેટકેટલું માધુર્ય છે, શબ્દોમાં કેટકેટલી સંવેદના રહેલી છે તેનો પરિચય આ સંગ્રહ નિમિત્તે થયો. તળભાષા, બોલી, પાત્રો, પરિસરનો વિનિયોગ આ કાવ્યોને વધારે નોખાં બનાવે છે. ચાલો, આપણે તે માણીએ.
હજી તો હમણાં જ
અનુસ્વરોના સાફા પહેરાવવાના
શરૂ કર્યા છે
નાસિક્ય સ્વરોને
હજી તો જાન જોડવાની બાકી છે
‘ણ' અને ‘ળ' ની
મારા સિવાય એમનું છે કોણ બીજું
આ જગતમાં?
પણ, મારું કોઈ સાંભળતું નથી.
ઓ મારી ગુજરાતી ભાષા!
હું આપીઆપીને તને શું આપી શકું?
લે આ વિક્રમરાજાની વાર્તા,
મારી માએ કહેલી એ,
હું તને સાદર ભેટ ધરું છું.
મારા નળિયાંવાળા ઘરમાં ચૂવા પડતા હતા
ત્યારે બાએ મૂકેલાં વાસણમાંથી આવતો હતો એ,
તને કામ લાગશે કદાચ.
અને લે આ મારા બાપાની દાઢીનો સ્પર્શ
મેં ખાસ સાચવી રાખ્યો છે.
અને હા, આ એક લીમડાની સળી,
ક્યારેક સ્વર-વ્યંજનની વચ્ચે
જગ્યા પડી જાય
અને એમની વચ્ચે કશુંક
ભરાઈ જાય તો
એને દૂર કરવા કામ લાગશે.
હું તને બીજું તો શું આપી શકું?
હું પણ તારા જેટલો જ દરિદ્ર છું.
હજી મારી પાસે એક ચીજ બચી છે
તારા માટે,
તને કદાચ એ ગમશે.
મારા પુરોગામી સર્જકોની અપૂર્ણ કૃતિઓની
હસ્તપ્રતો.
જે તે દહાડે હું ક લખતાં શીખેલો
તે દહાડે
મારા મેરુદંડના મૂળમાં
ઊગી નીકળેલી એ
એમાંની એકએક હસ્તપ્રતને પૂરી કરીને
મેં કરી છે કવિતા.
એ હસ્તપ્રતના દેહ સાથે
મેં કલમ કરી છે મારા જીવની
અને ઉગાડી છે થોડીક કથાઓ.
લે, એમાંની એક હસ્તપ્રત પૂરી કરીને
હું આપું છું તને
આ કવિતા,
મારા બીજા બધા સર્જકોની જેમ
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.
કવિ બાબુ સુથાર વડોદરાથી હજારો માઈલ દૂર ગયા છે. ફિલાડેલ્ફિયામાં નિવાસ કરે છે. પરિવેશ બદલાયો છે, સમાજ બદલાયેલો છે, વાતાવરણ બદલાયું છે, લોકો બદલાયાં છે. આ બધું બદલાયું છે પણ કવિની ભાષા તો એની એ જ છે. ભાષાને તો એમણે એમની સાથે જ રાખી છે. કવિ ગામથી, લોકોથી હજારો માઈલ દૂર ગયા હોવા છતાં ભાષાથી દૂર ગયા નથી. ગુજરાતી ભાષા સાથેનો નાતો એમણે અકબંધ રાખ્યો છે. ગુજરાતી ભાષાના કેટકેટલાય શબ્દો એમના હૃદયમાં ઘર કરી ગયા છે. એ શબ્દોને હડસેલીને કઈ રીતે પરદેશ જઈ શકાય? એ શબ્દોને તરછોડીને કઈ રીતે પરદેશમાં રહી શકાય?
સામાન્ય માણસ પોતાના જીવનમાં ભાતીગળ અનુભવોમાંથી પસાર થાય છે. જીવનચક્ર જ એવું છે જેમાં બનતી પ્રત્યેક ઘટના જ્યારે બને છે ત્યારે કાં તો અતિઆઘાત હોય છે અથવા અતિઉત્સાહપ્રેરક હોય છે. સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખી, પાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે. અનુઆધુનિકવાદનો આ કવિ ડાયસ્પોરા લિટરેચરથી પ્રભાવિત ન થાય એવું ન બને.
બાબુ સુથાર જેવા સહૃદયી કવિ પોતાના પ્રદેશની વિપરીત પરિસ્થિતિથી દુઃખ કે દુભામણ અનુભવે એ સ્વાભાવિક છે. આ કવિ સ્વદેશ છોડી પરદેશમાં જઈ વસ્યો છે. આવા કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કાર યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. ‘ઘરઝુરાપો’માં અતીતની ચીડ, ઘૃણા, તિરસ્કાર વેધકતાથી રજૂ થયાં છે. આવી ભાષા માટે કવિ મજબૂર થાય એવો જડ-કઠોર આપણો વર્તમાન છે.
ચાલો આપણે આ વેધકતાને માણીએ :
મારા ગામમાં
સાતસાત પેઢીથી રહેતા
ગુલમા ઘાંચીની ઘાણીને
ગઈરાતે જ
કેસરી રંગના કાચંડાઓએ
બાળી મૂકી.
એ સાથે જ મારા ખેતરોમાં લહેરાતા
તલના મોલનું પણ
સાતન પેઢીનું નખ્ખોદ ગયું
પણ કવિની વિડમ્બના તો હવે રજૂ થઈ છે. થયેલ Actionનું આવેલું Reaction જોવા જેવું છે.
પણ કોઈએ પોક ના મૂકી
એના શોકમાં
કેવળ મારી મા રડી
કેવળ મારો બાપ રડ્યો.
એક ચોધાર આંસુએ
એક પોકેપોકે.
ગુજરાતમાં થયેલા રમખાણોનું આનાથી વધુ વેધક આલેખન બીજું કયું હોઈ શકે? આ ઘટનાઓએ કવિ બાબુ સુથારને વિક્ષુબ્ધ કરી નાંખ્યો છે તોડીફોડી તહસનહસ કરી નાખ્યો છે. ‘ઘરઝુરાપો’ કાવ્યસંગ્રહનો આ ચોથો ઊથલો છે. હૃદયરોગના હુમલામાં હૃદય ઊથલો મારે, બેએક ઊથલામાં તો માણસ જીવી જાય. પણ આ તો ચોથો ઊથલો છે. એ ઊથલા પછી તો કવિ બચી જ કઈ રીતે શકે?
આથી આ કવિ કહે છે :
આ ક્ષણે બેઠો છું હું
ઘરઝુરાપાના ચોથા હુમલાને
કાગળ ઉપર ઉતારવા
પણ, એક પણ શબ્દ
ઉતારી શકતો નથી.
આ કાગળ પર
પછી કવિ કહે છે
હું જે કંઈ હાથમાં આવે
તેના વડે લડવા માંડું છું
એ કાચંડાઓ સામે.
કોઈક ધીમે રહીને
મને કાનમાં કહે છે.....
‘ઘરઝુરાપા’ સંવત પૂરું થયું છે.
અને કાચંડા સંવત બેસી ગયું છે.
તું નહીં લડી શકે આ કાચંડાઓની સામે.
હવે તો સર્વત્ર કાચંડાઓનો જ જ્યયકાર!
મંગાકાકાની વાડ પણ બચી નથી
ગામમાં શાક વેચવા આવતી એ
ચાંદબીબીની કબર પણ બચી નથી.
હવે ઘરઝુરાપાનો કોઈ અર્થ રહ્યો નથી.
છેલ્લે જ્યારે કવિ ગામ ગયા ત્યારે ગામના પાદરને બાઝી પડેલા, જેમ બાળક માને બાઝી પડે એમ.
કવિને એમ કે પોતે જે ઉમળકો ગામના પાદર માટે દર્શાવ્યો છે, તો સામેથી પણ એવો જ ઉમળકો મળશે
પાદર કવિને ઊંચકી લેશે
એક ખભેથી બીજા ખભે કરશે
ચાર-પાંચ બકીઓ કરી લેશે.
પણ એવું કાંઈ ન બન્યું આથી કવિ કહે છે.
ઊલટાનો હું લોહીલુહાણ થઈ ગયો.
કવિ જ્યારે પણ ગામ જતા ત્યારે નાગધરે
જઈ નાગોમે પોતાની કથની કહેતા
હવે એ નાગોમાનાં કેટલાકે
ત્રિશૂળદીક્ષા લીધી છે
તો કેટલાકે ખંજરદીક્ષા.
કેટલાકે કેસરિયા સાક્ષ પહેર્યા છે
તો કેટલાકે લીલા પટકા
લીલા અને કેસરી રંગના કાચંડાઓની વાદે ચઢીને
પોતપોતાના નામની
ધજાઓ ફરકાવવા માંડ્યા છે ઠેરઠેર.
ઘરઝુરાપાનો હવે કશો જ અર્થ રહ્યો નથી.
કવિની સંવેદના તો હવે પછીની પંક્તિમાં વ્યંજિત થઈ છે :
કહેવાય છે કે,
કાચંડાઓના રાજના નાગિરકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની
ભાષા બોલવા લાગ્યા છે.
આ કવિ એટલો બધો ક્ષુબ્ધ બની ગયો છે કે -
આ કાચંડાઓના રાજ્યમાં હવે
કલ્પનો કામ કરે એમ નથી.
તમે નહિ માનો,
અત્યાર સુધી કવિતા લખવા માટે મારે
ઈશ્વરની પણ પરવાનગી લેવી પડતી ન હતી,
પણ હવે.
મારે આ કાચંડાઓની પરવાનગી
લેવી પડતી હોય છે.
આ કાચંડાઓ આમ તો ખૂબ કૃપાળુ છે.
તેઓ મને કવિતા લખવાની
પરવાનગી આપતાં ખચકાતા નથી,
પણ એક શરતે-
રોજ સવારે મારે એમને
મારી જીભ પર
વિષ્ટા કરવા દેવી પડે છે.
કહેવાય છે કે.......
હવે આ રાજ્યમાં
ગાયો, ભેંસો, કીડીઓ અને ઢેલો
કાચંડા જણશે-
કેસરી રંગના
લીલા રંગના.
આ બીજી પેઢીના કાચંડાઓને હવે
શસ્ત્રોની દીક્ષા લેવી નથી પડતી
તેઓ ચાકુ, કુહાડી, ધારિયા
સૂતળી બોમ્બની સાથે જ જનમી રહ્યા છે હવે....
સુજ્ઞ મહાનુભાવો, અહીં હું મારી વાતને વિરામ આપું છું. ‘ઘરઝુરાપો’ કાવ્યસંગ્રહની ભાવનથી હું પોતે પણ હચમચી ગયો છું. મારી મતિ અને ક્ષતિ મુજબ ‘ઘરઝુરાપા'નું મૂલ્યાકંન કર્યું છે. મહાનુભાવો બેઠા છે. એઓશ્રીના સૂચનો, માર્ગદર્શન, ટીકાટિપ્પણ આવકાર્ય છે. આપનું એકમાત્ર સૂચન મારા માટે તો દિશાનિર્દેશ જેવું બની રહેશે. અંતે ‘તથાપિ’ના ૧૯મા અંકમાં ડૉ. મણિલાલ પટેલસાહેબના વિધાનથી હું મારી વાતને વિરામ આપીશ. પટેલસાહેબે કહ્યું છે કે “વ્યતીતની માધુરી અને વર્તમાનના વલોપાતને વ્યક્ત કરતી આ કવિતા, થંભવા લાગેલાં કવિતાજળને પુનઃ આંદોલિત કરવાનો સફળ પ્રયાસ કરે છે."
❖
(‘અધીત : ચોત્રીસ’)