અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ભાલણકૃત ‘રામવિવાહ' આખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. ભાલણકૃત ‘રામવિવાહ' આખ્યાન

પ્રા. અશોક પટેલ

સમય :

મધ્યકાલીન સર્જક અને સાહિત્યકૃતિ માટે સૌથી મોટો પ્રશ્ન હોય તો તેના સમયનિર્ધારણનો. ભાલણના જીવન અને કવનકાળ અંગે પણ જુદાજુદા મતો પ્રર્વતે છે. આ અંગે એકાધિક અભ્યાસુઓએ સંશોધન કરીને પોતાના અભિપ્રાયો દર્શાવ્યા છે. જેમાં વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, નર્મદ તથા કેશવ હર્ષદ ધ્રુવે ભાલણના સમય અંગે સંકેત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પછી નારાયણ ભારતી નામના સંશોધકે ઈ.સ.૧૮૮૭માં ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક'માં ભાલણકૃત ‘સપ્તશતી' સંપાદિત કરીને સાથે ભાલણના જીવનવિષયક વિગતો અને સમય અંગે નિર્દેશ કર્યો છે. નારાયણ ભારતીની વિગતોનું સમર્થન કરીને મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક રામલાલ ચુ. મોદી ઈ.સ. ૧૪૦૫થી ૧૪૮૯ સુધીનો ભાલણનો જીવનકાળ ગણાવે છે. ત્યાર બાદ કે. કા. શાસ્ત્રી ભાલણની સમગ્ર કવિતાનો ઊંડો અભ્યાસ કરીને ભાલણનો કવનકાળ ઈ.સ. ૧૫૦૦થી ૧૫૫૦ સુધીનો ગણાવે છે. તો જેઠાલાલ ત્રિવેદી, રામલાલ ચુ. મોદીના મતને સમર્થન આપે છે. ક. મા. મુનશી પણ ભાલણનો સમયખંડ ૧૫મી સદીમાં માને છે. આ બધા અભિપ્રાયોનો તથા ભાલણના સાહિત્ય સર્જનનો ઊંડો અભ્યાસ કરીને બળવંત જાની ભાલણનો સમય ઈ.સ. ૧૪૬૦થી ૧૫૧૦ સુધીનો ગણાવે છે. તેઓ ભાલણકૃત ‘રામવિવાહ આખ્યાન' સૌપ્રથમ વાર પુસ્તકરૂપે પ્રગટ કરે છે.

જીવન :

ભાલણના જીવન અંગે પણ જુદાજુદા મત પ્રર્વતે છે. આ સમગ્રને કેન્દ્રમાં રાખી મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી બળવંત જાનીએ કેટલીક શ્રદ્ધેય માહિતી પૂરી પાડી છે. ભાલણ પાટણનો વતની, જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ અને અવટ કે ત્રવાડી હશે, ભાલણને ઉદ્ધવ અને વિષ્ણુદાસ નામે બે પુત્રો હશે. તે બહોળો સંયુક્ત પરિવાર ધરાવતો હશે, વૈદિક ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન ભાલણ શિવ, શક્તિ, કૃષ્ણ અને રામભક્તિમાં શ્રદ્ધા ધરાવતો હશે. તે સંસ્કૃત અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતો હશે. વિવિધ માનવીય ભાવો અને બાળમાનસને ઉત્તમ રીતે અનુભવી શકતો હશે. તે સંસ્કૃત અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતો હશે. - આ બધી જ વિગતોનાં કોઈ ને કોઈ પ્રમાણો ભાલણની જુદીજુદી કૃતિઓમાં સાંપડે છે. ‘મામકી આખ્યાન'ના અંતે “પૂન તણો પાટણમાં ઠામ, એક વાર બોલો જે જે રામ”- જેવી વિગત મળે છે. ભાલણના બે પુત્રો ઉદ્ભવ અને વિષ્ણુદાસ બંને પિતાનો વારસો જાળવે છે. ગુજરાતી આખ્યાન પરંપરામાં તેમની નોંધ લેવાય છે. તેમની રચનાઓમાંથી તેઓ ભાલણપુત્ર હોવાની વિગત મળે છે. ઉદ્ધવ ‘બ્રબ્રુવાહન આખ્યાન'માં કહે છે... “કર જોડીને કહે આનંદે ભાલણ સુત ઓધવદાસ” તો વિષ્ણુદાસના ‘રામાયણ ઉત્તરખંડ'માં-

“ઉત્તરકાંડ સંપૂર્ણ સુણતાં ઊપજે મન ઉલ્લાસ
કર જોડી ભાલણસુત વિનવે નિજ સેવક વિષ્ણુદાસ"

જેવી વિગત મળે છે.

કવન :

ભાલણના સમગ્ર સર્જનને વિષયસામગ્રીની દૃષ્ટિએ બળવંત જાની નીચે પ્રમાણે વિભાજિત કરે છે. (૧) રામકથાનક પર આધારિત રચનાઓ (૨) કૃષ્ણકથાનક પર આધારિત રચનાઓ (૩) શિવકથાનક પર આધારિત રચનાઓ (૪) શક્તિકથાનક પર આધારિત રચનાઓ અને અન્ય કથાનક પર આધારિત રચનાઓ ભાલણ પાસેથી મળે છે, જેમાં * સળંગબંધની રચાનાઓમાં : (૧) શિવ-ભીલડી સંવાદ (૨) દ્રૌપદીવસ્ત્રાહરણ (૩) કૃષ્ણવિષ્ટિ. * કડવાંબંધની રચનાઓ એટલે કે આખ્યાન સ્વરૂપની રચનાઓમાં ૧. રામવિવાહ આખ્યાન, ૨. મામકી આખ્યાન, ૩. રામાયણ, ૪. ચંડી આખ્યાન, ૫. મૃગી આખ્યાન, ૬. જાલંધર આખ્યાન, ૭, ધ્રુવ આખ્યાન, ૮, નળાખ્યાન, ૯, કાદંબરી આખ્યાન (સારાનુવાદ). * કડવાંપદ-મિશ્રબંધની રચનાઓમાં ‘દશમસ્કંધ'નો સમાવેશ થાય છે. પદબંધની રચનાઓ એટલે કે છૂટક પદોની રચનાઓમાં રામબાલચિરતનાં પદો તથા પ્રકીર્ણ અન્ય છૂટક પદોનો સમાવેશ થાય છે જેમાં કૃષ્ણલીલાને આલેખતાં પદો મળે છે.

‘રામવિવાહ આખ્યાન' :

ભાલણે ‘રામવિવાહ આખ્યાન'ની રચના માટે મુખ્યત્વે ‘વાલ્મીકિ રામાયણ'ના બાલકાંડને કેન્દ્રમાં રાખ્યો હોવાનું જણાય છે. ક્યાંક અલ્પ ફેરફારો નજરે પડે છે. જેમાં કોઈ તત્કાલીન કૃતિનો પ્રભાવ પણ હોઈ શકે. આ આખ્યાન ૨૧ કડવાં અને ૨૭૦ કડીઓમાં રચાયું છે. બળવંત જાનીએ આ આખ્યાનની એકમાત્ર હસ્તપ્રત ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાંથી પ્રાપ્ત કરી તેને પ્રથમ વાર પુસ્તકરૂપે ૨૦૦૪માં પ્રકાશિત કરી છે.

કથાનક :

અસુરો દ્વારા વિશ્વામિત્ર ઋષિના યજ્ઞમાં વિઘ્ન, મદદ માટે વિશ્વામિત્રનું અયોધ્યા પધારવું, મદદ માટે રામની માગણી, પિતા દશરથનો અચકાટ, કુલગુરુ વશિષ્ટનું દશરથને આશ્વાસન, રામ-લક્ષ્મણનું વિશ્વામિત્ર સાથે પ્રયાણ, બલા-અતિબલા વિદ્યાની પ્રાપ્તિ, તાડકા, મારિચ અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ, સીતાસ્વયંવર માટે જનકરાજાનું વિશ્વામિત્રને આમંત્રણ, શિવધનુષ્યનાં દર્શન માટે રામ-લક્ષ્મણનું પણ સાથે જવું, સીતાની ઉત્પત્તિનો સંદર્ભ, જનકરાજા દ્વારા સીતાસ્વયંવર યોજવો, રસ્તામાં ગૌતમઋષિના આશ્રમનો સંદર્ભ, અહલ્યાના ઉદ્ધારની કથા, નાવિકની રામભક્તિ, રાવણનું છૂપા વેશે વિદર્ભનગરીમાં પ્રવેશવું, શિવધનુષ્ય નીચે ફસાવું, રામ દ્વારા શિવધનુષ્યનો ભંગ, રામ-સીતાનાં લગ્ન વગેરે પ્રસંગો ભાલણે કથાનકમાં સુંદર રીતે ગૂંથી લીધા છે.

આરંભ અને અંત :

આખ્યાન વિષયમાં કાવ્ય તો ભાલણની પહેલાં પણ રચાયાં છતાં ‘આખ્યાન' નામ પાડીને એમાં પણ એને કડવાબંધથી પ્રચલિત કરવાનું સૌપ્રથમ શ્રેય ભાલણના ફાળે જાય છે. 'રામવિવાહ'ના પ્રારંભમાં જ કવિ પરંપરા પ્રમાણે મંગળાચરણ આપે છે. પ્રથમ કડવામાં જ કવિ રામને પ્રણામ કરીને પછી વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ કરે છે...

“શ્રીરામ પ્રણમું શ્રી લંબોદર,
સુખ ને સંપત્તિ કરે.
હરસુત સ્વામી તમને વિનવું રે.”

ભાલણ આખ્યાનના અંતે ફલશ્રુતિ આપે છે…

“વિવાહ રામ લક્ષ્મણ તણો જે કરે શ્રવણે પાન
તે માત ઉદરે આવે નહીં રે લક્ષ ચોરાસી ખાણ ।।
શીખ ગાએ સાંભળે તે વૈકુંઠ પામે વાસ
નવ રાગ સોહામણા પદબંધ લીલ વિલાસ ।।“

અંતે ભાલણ પોતાનું નામ દર્શાવે છે...

“ધન્ય ગુરુની ક્રિયા એ પુરણ હવા સાર
કર જોડી કહે ભાલણ જન પદબંધ કરાં વિસ્તાર /”

કથા પ્રસંગોની ગૂંથણી :

‘રામવિવાહ'માં ભાલણે નાયક રામના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા એક પછી એક ઉચિત પ્રસંગોની ગૂંથણી કરી છે. વિશ્વામિત્ર ઋષિની રામની વીરતા પર શ્રદ્ધા, દશરથ રાજાની મૂંઝવણ, અસુરોનો વધ જેવા પ્રસંગોમાં રામનું એક ઉત્તમ વીર નાયક તરીકેનું ચરિત્ર પ્રગટે છે. અહલ્યાના ઉદ્ધારની કથા એક ઉપકથાની જેમ આલેખાઈ છે. ભાલણે ૯-૧૦-૧૧ એમ ત્રણ કડવામાં આ કથા સુંદર રીતે વણી લીધી છે. જેમાં રામનો એક દેવપુરુષ તરીકેનો પરિચય કરાવ્યો છે. નાવિકનો પ્રસંગ મૂકી કવિએ રામના ભગવદ્ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં છે. ત્યાર બાદ રાવણનું સીતાને વરવાની ઇચ્છાથી ગુપ્ત રીતે શિવધનુષ્ય જોવા આવવાનો પ્રસંગ રસિક રીતે આલેખાયો છે. સીતાનો રામ પ્રત્યેનો સ્નેહ, જનકરાજા દ્વારા દશરથરાજાને જાન લઈ આવવાનું આમંત્રણ, જાનનું આગમન, અંતે જનક રાજા દ્વારા ચારે પુત્રીઓનું ચારે ભાઈઓ સાથે લગ્ન જેવા પ્રસંગો કવિએ સુંદર રીતે મૂકી આપ્યા છે. રામના ભવ્ય વ્યક્તિત્વને અનુરૂપ ઉચિત કથાપ્રસંગોને ગૂંથી આપી કવિએ એક સળંગ રસપ્રદ આખ્યાનકૃતિ રચી આપી છે. ભાલણ પ્રસંગના ચિત્રણ કરતાં પ્રસંગનિરૂપણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે. ઘટનાઓનું ઝડપથી આલેખન કરે છે.

પાત્રાલેખન :

‘રામવિવાહ'માં રામનું એક વિરલ પાત્ર પ્રગટી આવે છે. કવિ વિવિધ પ્રસંગો દ્વારા રામના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ પ્રગટાવે છે. જેમાં કુશળ યોદ્ધા, આજ્ઞાકારી પુત્ર, ઉત્તમ શિષ્ય, ધર્મ રક્ષક, દેવપુરુષ, ઉદ્ધારક, ભક્ત પર કૃપા કરનાર જેવાં વિવિધ પાસાંઓનો પરિચય થાય છે. આખ્યાનમાં નિરૂપાયેલી મહત્તમ ઘટનાઓમાં રામનું વ્યક્તિત્વ પ્રગટી આવે છે. તો સાથે-સાથે ગૌણપાત્રોમાં પુત્રવત્સલ દશરથ, ઋષિવિશ્વામિત્ર, કુલગુરુ શિષ્ટ, લક્ષ્મણ, રાજા જનક, સીતા, નાવિક, ગૌતમઋષિ, અહલ્યા, રાવણ વગેરે પાત્રોની સ્વાભવગત રેખાઓ સુંદર રીતે પ્રગટે છે. આ બધાં જ પાત્રો આખ્યાનના કથાનકને વધારે વેગવંતું અને રસદાયક બનાવે છે.

રસનિરૂપણ :

‘રામવિવાહ'માં વીરરસ, વાત્સલ્ય, વિપ્રલંભ શૃંગાર, અદ્ભુતરસ અને હાસ્યરસનું નિરૂપણ જોવા મળે છે. પ્રેમાનંદની જેમ ભાલણને રસનિરૂપણકલા હસ્તગત નથી છતાં પણ પ્રસંગોચિત રસાનુભવ થાય છે. નાયક રામના પરાક્રમ આલેખનમાં વીરરસની પ્રતીતિ થાય છે. તાડકા, મારિચ અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ, શિવધનુષ્યનો ભંગ વગેરે પ્રસંગોમાં ક્ષત્રિય વીરને શોભે એવું રામનું વ્યક્તિત્વ પ્રગટે છે. પુત્ર રામ પ્રત્યેના પિતા દશરથરાજાના સ્નેહમાં વાત્સલ્યરસની પ્રતીતિ થાય છે. બાળક રામને કેવી રીતે અસુરો સામે યુદ્ધ કરવા જવા દેવા તેની ચિંતામાં પિતાનો અપાર પુત્રપ્રેમ પ્રગટે છે. ઇન્દ્ર દ્વારા ગૌતમઋષિનું રૂપ લેવું, બિલાડાના રૂપે ભાગવું, રામના ચરણસ્પર્શથી પથ્થરથી શિલામાંથી અહલ્યામાં રૂપાંતર થવું, દેવો દ્વારા આકશમાંથી પુષ્પવર્ષા થવી, રાવણનું ગુપ્ત રીતે જનકપુરીમાં પ્રવેશવું વગેરે પ્રસંગોમાં અદ્ભુત રસનો અનુભવ થાય છે. ક્યાંક ક્યાંક હાસ્યરસની સેર પણ વર્તાય છે. જેમ કે નાવિક દ્વારા રામને પોતાની હોડીમાં બેસાડી નદી પાર ઉતારવાની ના, ચરણસ્પર્શથી હોડી સ્ત્રી બની જવાની તેની શંકા, બે સ્ત્રીઓનું પોતે ભરણપોષણ કેવી રીતે કરશે તેની ચિંતા જેમ કે,

“નાવિક વળતો બોલિયો સાંભલો મારા સ્વામ
સાથ સહુ કે નાન્યે બેસો નહીં, બેસારું રામ ।
વારતા મેં સાંભલી છે ચરણ રેણથી અપાર
અહલ્યા તાં થઈ સારી સહી, પાષાણ ફિટિ નાર ||
આજીવકા મારી એહે છે જૂઓ મનને વિવેક
સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક ।।
આજીવકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર
બે મિલને સુ જમે હું શી કરું તાં પેર ।।"

જ્યારે રાવણ ગુપ્ત રીતે શિવધનુષ્ય જોવા માટે અયોધ્યામાં પ્રવેશે છે અને ધનુષ્યને ઉપાડવા જતાં તેના હાથ ધનુષ્ય નીચે ફસાઈ જાય છે - તે પ્રસંગાલેખનમાં હાસ્ય અનુભવાય છે. તો સીતાના રામ પ્રત્યેના સ્નેહમાં વિપ્રલંભ શૃંગારનો અનુભવ થાયે જેમકે,

“વચન સુણીને જાનકી તે ગોખે આવી જોય
રામ લક્ષ્મણ નવણે નીરખી ચંતાતુર મંન હોય
ધીખ પિતા પણ શો કરો ધનુષ કઠિન પીષ્ટ કઠોર
કેમલ કરે કંમ ધરી શો. શકશે રઘુનાથજી કિશોર ।।"

પુત્ર રામ પ્રત્યેની પિતા દશરથની ચિંતામાં વાત્સલ્યની સાથેસાથે આછો કરુણ પણ વર્તાય છે. આ યથાપ્રસંગ રસાનુભવ થાય છે.

ભાષાશૈલી :

મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને ‘ગુર્જરભાષા' એવું નામ આપનાર ભાલણ પ્રથમ છે. તે ‘દશમસ્કંધ'માં ‘ગુર્જર ભાખા' કહે છે તો ‘કાદંબરી’માં ‘કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી'- એમ કહે છે. ‘રામવિવાહ'માં ભાલણની ભાષાશક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધુ રસ છે. તે પ્રેમાનંદની જેમ યથાપ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા રોકાતો નથી. આ કૃતિમાં પ્રારંભનાં ૧૬ કડવાં સુધી તો ઝડપથી એક પછી એક ઘટનાઓનું નિરૂપણ કરે છે. ત્યાર બાદ અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈ આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહવિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન કરે છે. કેટલાક પ્રસંગાલેખનમાં ભાલણની વર્ણનશક્તિનો પરિચય મળે છે જેમ કે, –

તાંહાં લગ્ન મનોહર લીધું, રાઘવજીએ મલ સ્નાન જ કીધું
પેહર્યા પેહર્યા તિતાંબર સાર, પેહર્યા તાણ સકલ સંણગાર ॥
એ જ રીતે તાડકા રાક્ષસીનું વર્ણન કવિ કેવું ભયાનક રીતે આલેખે છે–
કોને ઝલકે નરના કપાલ, કેડે લગણ આંતરડાની માલ
હસ્તી ચર્મતણાં વાસન, કાલી રાત્રી જાણી એ જયમ ધન ॥

ભાલણ અંત્યાનુપ્રાસ, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો સહજ પ્રયોજે છે-

ધનુષ્ય બાહાર ણી દીસ માહાં વિકરાલ
શેષનાગ જાણીયે સૂતો છે ધ્રૂજ્યા બહુ ભૂપાલ ।।

સમકાલીન જીવનરંગો :

‘રામવિવાહ'માં યથાયોગ્ય પ્રસંગોમાં તત્કાલીન પરિવેશનું પ્રતિબિંબ જોવા મળે છે. યશ કે પૂજા-અર્ચનાનું જીવનમાં મહત્ત્વ, શ્રીરામની જાનના વર્ણનમાં એ સમયની વિવિધ જ્ઞાતિઓ-જાતિઓ, તેમનો વ્યવસાય, વિવાહ - માટેની વિધિઓ વગેરેમાં તત્કાલીન રીતરિવાજો, માન્યતાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. મધ્યકાળની પ્રજાની ચમત્કાર તરફથી શ્રદ્ધા, દેવકૃપા વિશેની માન્યતા વગેરેનો પરિચય મળે છે.

વિશેષતા મર્યાદાઓ :

ભાલણ પાસે પ્રેમાનંદ જેવી કથનકલા સૂઝ, વર્ણન શક્તિ કે રસનિરૂપણ કલા નથી છતાં ભાલણને આખ્યાનનો પિતા ગણ્યો છે તે યથાયોગ્ય ગણી શકાય. ભાલણ પહેલાં પણ નરસિંહ, કર્મણમંત્રી, જનાર્દન વગેરેને હાથે આખ્યાન રચવાના પ્રયત્નો થયા છે. પણ ભાલણ સૌપ્રથમ વાર કડવાબદ્ધ આખ્યાન રચવાનો પ્રારંભ કરે છે. ત્યાર પછી ભાલણે કંડારેલી કેડી ઉપર નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની અને પ્રેમાનંદ રાજમાર્ગ કંડારે છે અને આખ્યાન સ્વરૂપને લોકપ્રિય બનાવે છે.

સંદર્ભગ્રંથ :

૧. ભાલણકૃત રામવિવાહ આખ્યાન, સંપાદક - બળવંત જાની
૨. ભાલણની કાવ્યકૃતિઓ ખંડ-૧, સંપાદક - બળવંત જાની
૩. ભાલણ : એક અધ્યયન, લેખક - કે. કા. શાસ્ત્રી
૪. ગુજરાતી સાહિત્ય: મધ્યાકાલીન, લેખક - અનંતરાય રાવળ
૫. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ—મધ્યાકાલીન, લેખક પ્રસાદ બ્રહ્મભટ્ટ

(‘અધીત : સત્તર’)