< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/દલિત સંવેદનાનો ધબકતો સૂર-‘પીડાની ટપાલ’
ડૉ. જશુપુરી બી. ગોસ્વામી
‘આ તરફ આ વાસને મોકલ હવે;
જન્મોના અંધાર નીચે જીવું છું.’
કવિ શ્રી સાહિલ પરમારની હજારો વર્ષ જૂની વલવલતી વેદનાનો વલોપાત કાળજાં કંપાવતો; દલિત હોવાનો ઝુરાપો અને શોષિત સમાજ પ્રત્યે નિસ્બત, એમની કવિતામાં મુખર થતી કવિતા ‘પીડાની ટપાલ' દલિત હોવાની વિરાસત છે.
આ ‘કવિતા વસિયત’માં દુઝતા ભાવ જેવા રામબાણ શબ્દની નગ્ન સંવેદનાનું સુંદર સત્ય કથિત શિષ્ટ સમાજની કઠોર જણસ પર લિસોટાનું કામ કરતી આ કવિતા અલગ આકાર પામે છે. તેથી પ્રતિબદ્ધ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરતી રચનાઓ કર્તા અલગ જ ભાત પાડે છે. નીલેશ કાથડની કવિતામાં શબ્દનો વૈધક-વિદ્રોહ સ્વભાવનુભવના, રક્તરંજીત રંગની ટશરો જેવી અભિવ્યક્તિ સોરઠીપરિવેશમાં પ્રગટે છે.
નીલેશ કાથડે શબ્દયાત્રાનો આરંભ ‘બોન્સાઈ’ (૧૯૮૪) લઘુકથા સંગ્રહ અને ‘એકલવ્યનો અંગૂઠો’ (૧૯૮૭) દલિત કવિતા સંગ્રહનાં સંપાદનથી આરંભાયેલી યાત્રા ‘અગ્નિકણ’ (૧૯૯૯)થી સતત વિહરતી રહી છે. પરંતુ પછી લાંબા સમયની પ્રલંબ વેદનાની વાચા ‘પીડાની ટપાલ' ૨૦૧૪માં પાકટ અને અનુભવગમ્ય શબ્દ સંવેદના ભાવકના મન સુધી પહોંચવા ‘પીડાની ટપાલ’ રૂપે પ્રગટે છે.
ભૂખ અને દુઃખથી પીડિત સર્જકની સંવેદના સોરઠી લયથી લયાન્વિત બની વિહરતી લાગે વેદનાના દાહથી - દાઝી ગયેલી ફોરમ શબ્દદેહમાંથી મહેકતી લાગે આ રીતે
વેદના, અવહેલના / કેટલાં સહેવા ઝખમ,
ચીસ પીડાની પડી / બોલ વંદે માતરમ્
આંસુની વણજાર, બોલો ક્યાં જવું?
ચોતરફ ધિક્કાર, બોલો ક્યાં જવું?
પ્રેમ રૂપે આંસુની યાતના ડંખ-ગઝલોય શૈલીમાં ધારદારરૂપે પ્રગટે છે. ભી. ન. વણકર તેમના વિશે કહે છે. છુપો ધિક્કાર, પ્રગટ અત્યાચાર આજેય જીવવા માટે જાત છુપાવવી પડે છે. દલિત હોવાની વેદનાનો વલોપાત કવિ નિવેદનરૂપે આ રીતે મૂકે છે.
‘ગામના કોઈ સવર્ણને અડકવું નહીં,
મંદિર પ્રવેશની સખત મનાઈ.’
મૂક; અનુત્તર સામાજિક વિટંબણાને માણસ હોવાના પડકારરૂપે તીવ્ર યાતનાનો પ્રલંબ પીડાકારક સૂર પ્રગટ કરે છે. બંધિયાર અને બંધારણીય અધિકારીય સ્વતંત્રતા-સાઠ વર્ષે પણ પરતંત્ર અને કૂપમંડુક અસહાય બની સામાજિકોના ચરણોમાં આળોટે છે. આપણી ખોખલી પ્રણાલિકાઓ ધાર્મિક અંચળાઓ ઓઢીને પરપીડન વૃત્તિને પ્રોત્સાહિત કરી પોષણ આપતી રહી છે. ધાર્મિક યાતનાઓ અને અસ્પૃશ્યતાનાં આચરણનું અમલીકરણ ગામડાના છેવાડે અલગ. વાસ કે આવાસની વાડાબંધીમાં બંધાયને અવ્યક્ત વેદનાને ભોગવ્યા કરે છે.
સુંદરમ્-ઉમાશંકરની જેમ આ કવિ પણ કહે છે. ‘પ્રકૃતિ બધે સ્વાતંત્ર્ય પણ માનવી કાં ગુલામ' અવહેલનાની આંતર પીડાને - ‘આ ફાટી ગયેલું પેરણ' જેવાં શબ્દમાં જ પ્રગટ કરે છે. કવિનો પ્રશ્ન આંસુની દીવાલ પર ડૂબતો, ઝઝૂમતો અથડાયા કરે છે. ‘પીડાના સરનામે’ જેવી આ રચનામાં દલિત હોવાનો અહેસાસ સતત પ્રગટ્યા કરે છે.
બાબાસાહેબ તરફના કૃતજ્ઞભાવે પ્રતિબદ્ધ રહીને સંપૂર્ણપણે કવિતામાં અભિવ્યક્ત થાય છે. તેથી કાવ્યત્વનો અણસાર આછેરો બની જાય તે સ્વાભાવિક છે. કવિના સમર્પણભાવે યુગપ્રવર્તક પુરુષનું વ્યક્તિત્વ અંકાય છે. જોકે તેમાં તેમના તરફનો આદર વધુ ઝિલાતો લાગે છે. સભાનતાપૂર્વકની અવગણનાને વીંધાવાની નૈતિક હિંમત અને આશાનું કિરણ ‘પીડાની ટપાલ છે - હૈયા' ઉલકત અનુભૂતિને ‘શબ્દ હમારા ખડતર ખાંડા, રાહણી હમારી સાચી (ગોરખ)નાં વિધાનની યથાર્થતાને વર્ગ-વિભાજન તરફના એકાંકી વિદ્રોહને શબ્દબદ્ધ કરે છે. નીલેશ કાથડની શબ્દચેતના હાડમાંસના માનવીને ધ્રુજાવી મૂકે તેવી વિત્તવાળી અને સહજ લાગે તેવી છે તેથી તેમાં ક્યારેક શબ્દનું ચાતુર્ય કે અર્થઘટનની અર્થછાયામાંથી મુક્ત, ગદ્યાળું લાગે, પરંતુ કવિને તેની ખેવના નથી. તેથી તેની શબ્દ હરકત તેની પીડાનો જ પ્રત્યુત્તર છે.
આંસુની દીવાલ પર શું લખવું?
દુ:ખનાં હર સવાલ પર શું લખવું?
‘ટપાલ આપણી સંવેદનાનો દસ્તાવેજ છે. સુખ, દુઃખની સાંત્વના કોઈ પત્રથી સાંપડે પરંતુ અહીં હાલ-બેહાલ છે. ‘બાવનની બહાર', ‘ભૂખ તો ઘેરીવળી’માં વેદનાનું ઠોસ અનુભવ જગત સંક્રાંત થાય યોદ્ધાની જેમ ‘કાયમ' ઘેરાયેલા પીડિત પાસે શબ્દ જ ખૂટી પડ્યા - અભિવ્યક્ત કેમ થવું? તેમની ‘લખવું', ‘ચૌદમીનો સૂર્ય', ‘આપણે', ‘અવગણે છે', ‘દાવ છે, ‘હતું', ‘લખમને’, ‘વારકર' જેવી ગઝલીય અંદાઝેબયાં તેમની કવિતાનો ‘પીડા' સૂર છે. ધર્મને નામે ધર્માન્તર, વ્યભિચાર અને ખોખલાપણાને કવિ આ રીતે ધિક્કારે છે.
‘પ્રાર્થનામાં બંદગીમાં ફેર ક્યાં છે?
ધર્મના નામે માખીઓ બણબણે છે.’
કવિ નીલેશ સામંતો અને દલિતો વચ્ચેના ભેદને આ રીતે રજૂ કરે છે.
એમના ઘર તો સલામત છે બધાં
આપણા ઘર બળવાના ક્યાં લગી?
‘પીડાની ટપાલ'માંની કેટલીક રચનાઓમાં સુન્દરમ્ની ‘માકોર'ની યાદ અપાવી જાય છે. ‘આયખાનું ગીત’માં, ‘હાસ્ય માનવા’ જેવી રચનામાં મનોજ અને રાજેન્દ્રનો પ્રભાવ વર્તાતો લાગે.
‘મા’ પીડા, દુ:ખ અને દર્દ અને દર્દનું પ્રતીક છે. ગુજરાતી કવિતામાં ‘મા' વિષયને લઈને ખૂબ જ લખાયું છે. ‘મા' વસુંધરા છે. પાલક-પોષક અને વહાલપનો છલકતો મહેરામણ-તે વહાલની અપેક્ષામાં જુઓ કવિ આ છાલકથી ભીંજાવા તલપાપડ, અભાવ કે પીડાથી વંચિત ને હંમેશાંને માટે તેનો ખટકો રહી જાય છે. કવિ આ પીડાનો પગરવ જાણે તેની આ રચનામાં ગોપિત અદૃશ્ય અભાવને અનુભવતા હોય તેવો પડઘો પાડે છે. ‘હું લખું પીડાની ટપાલ', ‘આભડછેટ એટલે શું?’, ‘આંખમાં આંસુ આંજી’, ‘મા કહેતી' વગેરેમાં ‘મા’ની વેદનાનું સુવાળું પ્રતિબિંબ આંસુ-અભાવ, પીડા, વલોપાત રૂપે વ્યક્ત થાય છે. ખોખલી વર્ણવ્યવસ્થા શ્રદ્ધા ડગાવી દે તેવી ધર્મ જાતિ, અલગતાવાદી વલણ, વિભાજન કરનારી રાજનીતિ, શોષણ કરનાર સામાજિકો તરફનો રોષ સાંપ્રત સમાજ વ્યવસ્થા અને સ્વતંત્રતાની સામે ખંડ-પ્રશ્ન સમાધાન અને આશાવાદને જાણે જગાડતું પીડાનું ઝરણ ચોક્કસ-સવર્ણ અને શોષિતોને ઢંઢોળવાનું કામ કરે છે.
દલિત હોવાની પીડા ‘સાવરણ’ રચના ૧થી ૯માં સંવેદનાનું દ્યોતક બને છે. તેનો વિસ્તાર અહીં ‘સાવરણ’ દલિતોના અધિકારનો ઓછાયો બની જાય છે. તેની સામે સમાજિકોની સ્વચ્છતા તરફની નીતિનો નિર્દેશ કરે છે. ‘સાવરણો' દલિતની પીડાનું પ્રતીક છે. તેમનું નાવીન્ય પણ છે. બાપુભાઈ ગઢવીની ‘અગિયાર રૂમાલ' જેવી સ્વરૂપ યોજના સાવરણો શીર્ષક હેઠળના કાવ્યગુચ્છમાં સાંપ્રતની પીડા લઈ સ્વને શોધતો કવિ કળણમાંથી કણસતો કંપી ઊઠે આ રીતે
‘ઉકરડાના ઓશીકે મીઠી નીંદર માણતો હું
અચાનક ઊંઘમાંથી જાગી ગયો’
ને હું ચોંકી ઊઠ્યો.
મારે માથે હર રોજ થૂંકતા મારા દેશબાંધવોને જોઈને!
માનવી તોય ના માનવ ગણે છે.
મારી સંસ્કૃતિ મને પણ અવગણે છે.
વણઉકેલી પીડાની ટપાલને શબ્દદેહે ભાવકના ચૈતસિક જગતને તમ્મર લાવી દે તેવી ટપાલ ટચ કરે છે. ડૉ. નીરવ પટેલની વાત સાથે સહમત થવાય તેમ છે. આ નીલેશ કવિની કવિતા તેની ઓળખાણ છે. સમાજાભિમુખ કવિતાના ભાવ સંવેદનારૂપે ‘બાવળ', ‘પાનખર', ‘ઝખમ’, ‘ખાલી પેટનો જંગ’, તેની ચેતનાનો શબ્દસંચાર છે. પ્રતિબદ્ધ સાહિત્યને બળકો સધિયારો આપે છે. વેદનાનો અગ્નિ, પીડાનો ડંખ ભાવસભર અર્થછાયા પીડાની વેણ રૂપે નવસર્જનની સંભાવનાની કેડી કંડારી છે. ક્યાંક કાવ્યકલાના ટાંચાં સાધનોથી તેની મુલવણી કરી શકાય નહિ, જેને કલાની ખજ કરવી છે. તેણે નિરાશ થવું પડે તેમ બને. ક્યાંક ભાષામાં સરળતા અભિધાત્મકતાનો વ્યાપ વિશેષ દેખાય. પીડા પ્રશ્નાર્થ કે આશ્ચર્યચિહ્નમાં જ અટકી જાય, પરંતુ પ્રતિબદ્ધ સાહિત્ય ચેતના પીડાનાં પૈગામરૂપે સભર કરી જાય છે. ગઝલના કેટલાક શેર ખૂબ જ ધારદાર છે. શબ્દની મીણબત્તી પેટાવનાર કવિ નીલેશ કાથડ આવી શબ્દપીડા લઈ શબ્દદેહે મળતા રહે તેવી શુભકામના. અસ્તુ.
સંદર્ભ સૂચિ :
(૧) પીડાની ટપાલ - નીલેશ કાથડ - 2014
(૨) દલિત સાહિત્ય વિશેષાંક - સંપાદક : હર્ષદ ત્રિવેદી (શબ્દસૃષ્ટિ) ૨૦૦૩
(૩) હયાતી – ગુજરાતી દલિત કવિતા વિશેષાંક-૨૦૦૧
(૪) ‘પણછ' દલિત કવિતા- આસ્વાદ હરીશ મંગલમ્-૨૦૦૧
(૫) ‘ઓવરબ્રિજ' - ભી. ન. વણકર
(૬) દલિત કવિતા - સંપાદક ગણપત પરમાર અને મનીષ જાની
(૭) ‘એકલવ્યનો અંગૂઠો’ નીલેશ કાથડ-૧૯૮૭
(૮) ‘અગ્નિ કણ' - નીલેશ કાથડ-૧૯૯૯
(૯) ‘અનૌરસ સૂર્ય' કિસન સોસા ૧૯૯૧
(૧૦) ‘ઓવરબ્રિજ' - ભી. ન. વણકર-૨૦૦૧
(૧૧) દલિત ચેતના સામયિકના અંકો
(૧૨) હયાતી ત્રિમાસિકના અંકો
❖
(‘અધીત : એકતાળીસ')