અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા
જિગ્નેશ ઠક્કર
વર્તમાન સમયમાં કેટલાક મહત્ત્વના નવોદિત ગઝલકારોમાં પીયૂષ ચાવડાનું નામ લઈ શકાય. પીયૂષ ચાવડા ૨૦૦૮થી ગઝલ સર્જન-ક્ષેત્ર-પ્રવૃત્ત થયા છે. સર્જનમાં તેઓ નરસિંહ મહેતા જેવી ‘તન્મયતા' અને આધુનિક કવિ મનોજ ખંડેરિયા જેવી ભાવની ઋજુતાના આગ્રહી છે. એમનો આ આગ્રહ એમની ગઝલોમાંથી પસાર થતાં સ્પષ્ટ દેખાઈ આવે છે. તેઓ લખે છે કે, ‘ગઝલ સર્જન' માટે ક્યારેક ધોધમાર લખાયું છે તો ક્યારેક એક શબ્દ માટે પણ તરસી જવું પડ્યું છે. કેમ કે, તેમની અભિવ્યક્તિના સિદ્ધાંતો ઊંચા ગજાના છે. અને એટલે જ તેઓ કહે છે,
‘ચીસ પાડીને જગાડે છે મને એ રાતભર,
હા, ગઝલના શે'ર રાતે ઊંઘવા દેતા નથી.’ (પૃ. ૧૯)
એવું આત્મપ્રતીતિપૂર્વક કહેતાં પીયૂષ ચાવડાની ગઝલોમાં ભાવની તીવ્રતા અને અભિવ્યક્તિની ચમત્કૃતિનો સુખદ અનુભવ ભાવકને થાય છે. તેમની પાસેથી એક દાયકાના પરિપાક રૂપે ઈ.સ. ૨૦૧૮માં પ્રથમ ગઝલસંગ્રહ, ‘હાથ સળગે છે હજી' પ્રાપ્ત થાય છે. આ સંગ્રહમાં ૧૦૮ ગઝલો છે. કોઈ પણ કાવ્યસંગ્રહ એ સર્જકની સમગ્ર કાવ્યયાત્રાનો આલેખ રજૂ કરે છે. એ સંગ્રહમાંથી સર્જકને સમગ્ર રીતે પામી શકાય છે. સર્જકની પ્રતિભાને જાણી-માણી શકાય છે. આ સંગ્રહની ૧૦૮ ગઝલમાંથી પ્રસાર થતાં એક વાત સ્પષ્ટ સમજાય છે કે ગઝલના સ્વરૂપને સર્જકે પૂર્ણપણે આત્મસાત કર્યું છે. અને સર્જકની કલમ પણ અભ્યાસુ નજરે પડે છે.
ગઝલના સ્વરૂપને વફાદાર રહીને કવિ પોતાનો નોખો અવાજ પ્રગટાવવાની મથામણ કરે છે. ગઝલમાં જોવા મળતાં દર્દ, વેદના, પીડા કે પ્રિય વ્યક્તિની ગેરહાજરીથી થતી ઉદાસી આ સંગ્રહમાં પણ જોઈ શકાય છે. તો ગામડું છોડી શહેર આવેલા કવિનો વતનપ્રેમ સહજ પામી શકાય છે. જીવન-મૃત્યુ પરત્વેની પોતીકી ફિલસૂફી પણ રજૂ થઈ છે. તો જાત સાથેનો સંઘર્ષ, સ્વને પામવાની ઝંખના અને અનેકાધિક પ્રહારો વચ્ચે રવને ટકાવી રાખવાની સ્વયંથી મળતી પ્રેરણા તેમની મોટા ભાગની રચનાઓમાં વિષય બનીને આવે છે. તો ક્યારેક કવિ ભાવકને સંવેદનની સાથે સાથે પોતાનો દૃષ્ટિકોણ પણ આપે છે -
આંખની બારીએ બેસી તાકતી દૃષ્ટિથી કવિ દૃષ્ટિકોણને વર્ણવે છે.
‘આભને તું કયા ખૂણેથી તાકતો એ મુખ્ય છે.
ગોળ કે ચોરસ તને આકાશ પણ લાગી શકે.’ (પૃ. ૫.)
કવિ પ્રેરણા પણ આપે છે -
‘તું જરા સંભાળજે આ રેશમી રસ્તા ઉપર,
પાથરેલાં ફૂલમાંથી ફાંસ પણ વાગી શકે.’ (પૃ. ૫)
જાત જેવો આયનો આ જગતમાં ક્યાંય નથી. કવિ ધૈર્ય ધરી આગળ વધવાની શિખામણ આપે છે. આભથી પેટાળનો કક્કો જાણી શકાય, પણ જન્મ-મૃત્યુને પામવું અઘરું છે. ક્યારેક પ્રિયજનનો પત્ર રક્ત થઈ ભીતર વહે છે. તેની વેદના છે તો -
‘છે એક પંખી ભીતર, એનાં જ ગીત ગાતું,
હર રાત મારી વીતે છે ટહુકા ગણી ગણીને.’ (પૃ. ૧૬)
પ્રિયજનનો વિરહ પણ છે. અને એ કારણે કવિ કહે છે કે,
‘તું અડે છે તે છતાં કંઈ થાય નહિ,
રૂક્ષ જીવન આટલું જિવાય નહિ.' (પૃ. ૨૩)
દર્દ, વેદના, પીડા, એકલતા અને ખાલીપાની આ અનુભૂતિ છે,
‘કટકા કરું છું રોજે, હું રાતને ચીરીને,
દિવસો પછી વીતે છે, ટુકડા બધા વીણીને’ (પૃ. ૩૦)
જીવનને ચીતરવાનો કવિને થાક લાગ્યો છે. પોતાના સ્વજનને હાથે પોતાની વાવ ખોદાય છે. અને છતાં કવિ દર્દને વંદન કરે છે. કેમ કે આ બધું દર્દથી જ સર્જાય છે. જિંદગી ચલણી નોટ જેવી છે, બધાના હાથમાં જતાં ફાટી ગઈ છે. કવિ કહે છે,
‘વાત મીરાંની બધાં કરતાં રહ્યાં
એક રાણાની પીડા અકબંધ છે.' (પૃ. ૩૫)
આ કારમી પીડા હવે અંધારનો પર્યાય બની ગઈ છે. ને બુઠ્ઠું ટાંકણું લઈને ભાગ્યને ઘડવાનો નિરર્થક પ્રયાસ ચાલે છે. અંતે કવિ સ્વભાગવત્ લખે છે.
‘ઘેરી વળી ઉદાસી તો પુષ્પ પાસે જઈને,
મહોરાં બધાં ઉતારી, ઝાકળ બની જવાનું.’ (પૃ. ૪૪)
ઝાકળ જેવા હળવાફૂલ એ પણ દર્દમાં, એ તો કવિ હૃદય જ અનુભવી શકે. કેમ કે સમયના ગાલ પર તમાચો નથી મારી શકાતો, ઇચ્છાઓની લાશો પડી છે ને પ્રિયજનનું સ્મરણ પૂરની જેમ વહે છે,
‘પૂર જેવાં એમનાં સ્મરણોને ખાળી ના શક્યો,
પત્ર તો ફાડ્યો પરંતુ યાદ ફાડી ના શક્યો.’ (પૃ. ૫૧)
પ્રિયજનની યાદોને ફાડી શકાતી નથી, કેમ કે
‘યાદનું કહેવાય નહીં એ તો ફરેબી હોય છે,
ભીતરે ગરજે અને એ આંખથી વરસી પડે.’ (પૃ. ૪૭)
કવિને સૌની જિંદગી એક અફવા લાગે છે
‘આપણાં સપનાંના તૂટ્યા ચૂડલા,
શક્યતાની સ્ત્રી હવે વિધવા બની.’ (પૃ. ૫૪)
‘ઊકળતા ચરુ જેવી જિંદગી’ (પૃ. ૫૭) વચ્ચે આપણી આ રમત છે. આપણી પીડાને અન્ય સાથે સરખાવી આપણે જ આપણી પીડાને દૂર સુધી લંબાવીએ છીએ. આ બધા વચ્ચે કવિને સ્નેહનો કક્કો ઘૂટવો છે. ને બધાં જ બિંબો પ્રતિબિંબો ત્યજવાં છે. પણ બધા જ આયના ફોડ્યા પછી બિંબ જીરવવું દુષ્કર છે. પણ ક્યારેક આવી શાતા પણ મળે છે –
‘સ્મિતના પાણીને રેલાવી તમે,
વિસ્તરેલી આગ અટકાવી તમે.’ (પૃ. ૬૮)
પાનખર બાગની સુગંધની ચૂંટી ગઈ છે, ને પ્રેમ તો સંપૂર્ણ સમર્પણ માંગે છે. જાત ઓગળી જવી જોઈએ ત્યાં સુધી. એટલે કવિ કહે છે કે,
‘વ્યક્ત થાશે આપમેળે - જાત ઓગાળો કદી
આપ કેવળ પ્રેમમાં ગુલાબને આપી શકો.’ (પૃ. ૮૫)
જાતને બીજાના બીબામાં ઢાળવામાં મૂળ ઓળખ ખોવાઈ જાય છે. પોતાનું અસ્તિત્વ રહેતું નથી. કેમ કે,
‘મંદિર, દેવ, ઈશ્વર, મસ્જિદ, ને ખુદા પણ,
એ વ્યર્થ છે બધું જો ખુદને મળી શકો નહિ.’ (પૃ. ૯૯)
કવિ કહે છે એમ નાવની ક્ષમતા મજધારમાં પરખાય છે' આ સંગ્રહમાં પણ કવિની ક્ષમતા પરખાય છે. ગામડાથી શહેર આવેલા કવિની આ સંવેદના છે -
‘અંદરથી સાવ નોખો, ને બહારથી અલગ છું.
રીઢો બની ગયો છું, શહેરે ભણી ભણીને.’ (પૃ. ૧૬)
શહેરે કવિને સંવેદનબધિર બનાવી મૂક્યા છે. શહેરમાં તે એકલા થઈ ગયા છે; કેમ કે, ગામડાના માણસને ચાહનારો, એની દરકાર રાખનારો કવિ શહેરમાં આવીને માણસભૂખ્યો થઈ ગયો છે. તે કહે છે
‘પોતપોતાની રીતે સૌ જિંદગી જીવ્યા કરે,
ભીડ વચ્ચે દોસ્ત, કોઈ આપણું ક્યાંથી મળે?’ (પૃ. ૧૧)
કવિ શહેરી માણસની સ્વભાવગત લુચ્ચાઈને નિરૂપતાં વર્ણવે છે કે,
‘આપણે શીખ્યા નહીં બસ એટલે અળખા થયા,
માત્ર મીઠું બોલનારાઓ સદા વખણાય છે.’ (પૃ. ૦૭)
અને આજના યુવાનો સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે પરિણામે ગામની વેદનાને કવિ નિરૂપે છે -
‘છોકરાં હર ગામનાં બસ વ્યસ્ત માબાઇલમાં
સાવ સૂનાં પાદરો તડપ્યાં કરે છે, થાય શું?’ (પૃ. ૧૨)
સાંપ્રત સમસ્યાને પણ કવિએ અહીં જુદી રીતે રજૂ કરી છે. દરેક સર્જક, માતાની સંવેદનાને, એના સુખ-દર્દને વર્ણવે છે. આ કવિ આ વાતને અલગ રીતે અહીં મૂકી આપે છે,
‘કાતર પીડાની લઈને, મા પણ બની છે.
સીવે છે બધાંના સુખને, આંસુને વેતરીને?’ (પૃ. ૩૦)
કવિ સૌરાષ્ટ્રના વતની છે ને એમને ગમતા સર્જક નરસિંહ મહેતા અને મનોજ ખંડેરિયા છે. મનોજ ખંડેરિયાની રચનાઓ પર એમણે સંશોધનકાર્ય પણ કર્યું છે. મનોજ ખંડેરિયાની ગઝલોમાં નરસિંહ મહેતાનું સંવેદન વિશ્વ ઝિલાય છે તો પીયૂષ ચાવડાની કવિતામાં આ બંને સર્જકોનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. એના કેટલાક શેર જોઈએ -
‘ભીતરે નરસિંહ અને ખંડેરિયા ધબક્યા કરે,
ક્યાં ઠરે છે! આજ પણ આ હાથ સળગે હજી’ (પૃ. ૧)
‘કરતાલ ને એ ઝૂલણાં થંભી ગયાં છે ત્યારથી,
પથ્થર તળેટીનો બિચારો એકલો રડતો હતો.’ (પૃ. ૪૨)
‘વાત એ નરસિંહની પાનાં વચાળે કૈદ છે,
હાથ ક્યાં આખો બળે છે માણસોની ભીડમાં.’ (પૃ. ૪૩)
કવિના ઉપરોક્ત શેર સાંભળતાં જ કવિ મનોજ ખંડેરિયાના આ શેર યાદ આવી જાય છે. અને જેમાં એમની અસર પણ જોવા મળે છે -
‘પકડો કલમને કોઈ પળે એમ પણ બને,
આ હાથ આખે આખો બળે એમ પણ બને.’
અને વળી આ -
‘તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાંય કરતાલ વાગ્યા કરે છે.’
આ સંગ્રહ સર્જકનો પ્રથમ સંગ્રહ હોઈ થોડીઘણી મર્યાદાઓ હોય એ સહજ છે. આ સંગ્રહની મોટા ભાગની ગઝલો એક જ લયમાં લખાઈ છે. સર્જકનું વલણ ક્યાંક પ્રયોગશીલ બન્યું છે, કેટલાક પ્રયોગો અને ગઝલની પદાવલિમાં નવા શબ્દોના ઉમેરણનો ઉત્સાહ જરૂર જણાય છે; પરંતુ કેટલાક શબ્દો ભાવાભિવ્યક્તિમાં ઓગળીને નવો અર્થ ન આપતાં ખટકે છે. આ સર્જકને ‘શ્વાસ' શબ્દ પ્રત્યે વધુ ખેંચાણ છે. તેમની મોટા ભાગની ગઝલોમાં ‘શ્વાસ’ શબ્દ અનેક રીતે પ્રયોજાયો છે. પરંતુ આ શબ્દાવલી એકાધિક વાર પ્રયોજાતા એકવિધતાનો અનુભવ કરાવે છે. જેમ કે, ‘શ્વાસકુંડળી’, ‘શ્વાસસાંકળ’, ‘શ્વાસપેટી', ‘શ્વાસગુફા', ‘શ્વાસનું રણ’, ‘શ્વાસનું ઘર’, ‘શ્વાસનું હરણ’, ‘શ્વાસનું ખેતર’, ‘શ્વાસનું નિર્જન વન', ‘શ્વાસનું આંગણ’, ‘શ્વાસનું ટ્રાફિક’, ‘શ્વાસનું આંધણ’, ‘શ્વાસનું વાસણ’, ‘શ્વાસનો દરિયો’, ‘શ્વાસનું પાથરણ’, ‘શ્વાસનું સામયિક', ‘શ્વાસનું ટેબલ', ‘શ્વાસ સળિયા’, ‘શ્વાસની દીવાલ’, ‘શ્વાસનું હરણ’, ‘શ્વાસનાં મેદાન’, ‘શ્વાસશીશી', ‘શ્વાસનું ફાટેલ વસ્ત્ર', વગેરે શબ્દો એકવિધતાનો અનુભવ કરાવે છે. અને અભિવ્યક્તિનું નાવીન્ય લાવવામાં ક્યારેક પણ સફળ થયા છે. આવા જ કેટલાક શબ્દો આ સંગ્રહમાં તમને વારંવાર પ્રયોજાતા દેખાશે જેમાં, ‘એષણા’, ‘ઇચ્છા', ‘જાત’, ‘સૂર્ય', ‘રાત' વગેરે જેવા શબ્દોનું એકાધિકવાર પ્રયોજન એકવિધતાનો અનુભવ કરાવે છે. આ શબ્દો ભાત સાથે ઓગળી જવાને બદલે ક્યાંક ખટકે છે. જેવા કે, ‘સ્ટ્રેસ', ‘રોડ’, ‘ડિડિટલ', ‘ટેબલ', ‘ફટકડી', ‘હૉર્ન' જેવી ચીસ, ‘કટર', ‘પરિકર', ‘કંપાસ', ‘હોજ, ‘ટ્રાફિક' ‘કેરોસીન' વગેરે જેવા શબ્દો અભિવ્યક્તિમાં ઓગળી ન જતાં ભારરૂપ થઈ રહે છે. સર્જકે ક્યાંક ક્યાંક રૂપકો પ્રયોજ્યાં છે. તો ક્યાંક ઉપમાનોનો પણ ઉપયોગ કર્યો છે પણ એ રૂપકો-ઉપમાનો ક્યારેક સાર્થક નીવડયાં નથી. ઉદાહરણ જોઈએ,
‘આંધળી કંઈ એષણા કચરો બની ખડકાય છે,
શ્વાસપેટી પર ઉકરડો ઢગ થઈ છલકાય છે.' (પૃ. ૭)
‘હરક્ષણે છંટાય કેરોસીન તારી યાદનું,
રોજ મોટું થાય છે ભીતર સળગતું તાપણું.’ (પૃ. ૮)
‘લાગણીનો રોડ પણ અદ્ભુત છે,
ખૂબ ટ્રાફિક તોય કો’ અથડાય નહિ.’ (પૃ. ૨૩)
‘આયખું-દાતરડું બૂઠું, એટલે લાચાર છું,
રોજ વધતું વેદનાનું ઘાસ વાઢી ના શક્યો.’ (પૃ. ૧૧)
ઉપરનાં ચાર ઉદાહરણમાં પ્રથમમાં ‘એષણાનો કચરો’ અને ‘ઢગ’ સાથેની તુલના નિમ્ન સ્તરે છે. એ જ રીતે યાદનું ‘કેરોસીન’ પણ ખટકે છે. ‘લાગણીનો રોડ' અને ‘આયખાને બૂઠા દાતરડા’ સાથેની સરખામણી કાવ્યનું સૌંદર્ય જન્માવી શક્યા નથી. આવી અનેક સરખામણી આ સંગ્રહમાં છે જે આ સંગ્રહની મર્યાદા બની રહે છે. આ ઉપરાંત ‘દેહનો દરબાર', ‘એષણાના ડાઘિયા’, ‘આંસુનાં બાળક’, ‘એષણાની ગંજીઓ’, ‘એષણાના ગંજ', ‘વિશ્વાસનો આયનો’, ‘હોજ જેવી જિંદગી’, ‘પીડાનું બાળક’, ‘સપનાંનું બાળક’, ‘જિંદગી એક રબ્બર’, ‘માયાનો ફુગ્ગો’, ‘સમજણની દીવાલ’, ‘લાગણીની નોટ’, ‘જિંદગી સાગર', ‘સ્નેહની ફટકડી', ‘ઇચ્છાની મજૂરણ’ જેવા અનેક શબ્દોમાં કવિની શબ્દપસંદગી, તુલના અભિવ્યક્તિ અભિધાસ્તરે જ રહી જવા પામી છે. જોકે કવિને આ પ્રથમ સંગ્રહ હોય ત્યાં આવી ભૂલો ક્ષમ્ય છે.
કવિ પીયૂષ ચાવડાની આ સંગ્રહની ગઝલોમાંથી પસાર થતાં જણાય છે કે કવિ નોખો અવાજ પ્રગટાવી શકે એવી પ્રતિભા ધરાવે છે. કવિ પીયૂષ ચાવડા ઊગતા ગઝલકાર છે અને આશા રાખીએ એમની પાસેથી વધુ પ્રતિભાવન ગઝલો મળે.
❖
(‘અધીત : બેતાળીસ')
૧. ‘હાથ સળગે છે હજી', (ગઝલસંગ્રહ), પીયૂષ ચાવડા, આસ્થા પબ્લિકશન રાજકોટ, પ્ર.આ ૨૦૧૮, પૃ. ૧૨૮ કિ. ૧૧૦