zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વિનોદચોત્રીસી' એક અભ્યાસગ્રંથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. ‘વિનોદચોત્રીસી' એક અભ્યાસગ્રંથ

ડૉ. નયના એસ. આંટાળા

જૈનકવિ હરજીમુનિ કૃત ‘વિનોદચોત્રીસી' કૃતિના સંશોધક-સંપાદક ડૉ. કાન્તિભાઈ શાહ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને જૈન સાહિત્યના સંનિષ્ઠ અભ્યાસક છે. એમણે જૈન સાહિત્યની કૃતિઓનું ઠીક ઠીક સંશોધન-સંપાદન કાર્ય કર્યું છે. પ્રસ્તુત કૃતિનું એમણે પ્રબળ ઉદ્યમ કરીને સંપાદન કર્યું છે અને મધ્યકાલીન પધવાર્તાની એક વિશિષ્ટ અને અનોખી કૃતિને પ્રકાશમાં આણી છે.

વિક્રમની ૧૭મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના શ્રી હરજીમુનિ જૈન સાધુ છે. એમની બે રચનાઓ ઉપલબ્ધ થાય છે. (૧) ભરડક બત્રીસીરાસ અને (૨) વિનોદચોત્રીસી / વિનોદ ચુપઈ. ‘ભરાક બત્રીસી'માં હાસ્યરસની બત્રીસ પૂર્ણકથાઓ છે; જ્યારે વિનોદચોત્રીસીમાં ચોત્રીસ હાસ્યરસસભર કથાઓ છે, કૃતિના અંતિમ ભાગે સાંકેતિક રીતે કૃતિની રચ્યા સાલ સંવત ૧૬૪૧ દર્શાવેલ છે.

‘ચંદ્ર-વેદ રસ એક હોઈ, અશ્વન માસ મનોહર જોઈ’

કૃતિનો આરંભ મંગલચરણથી કરી કથાદોર આગળ ચાલે છે. કેન્દ્રવર્તી કથા સાથે ચોત્રીસ લૌકિક વાર્તાઓ વાર્તામાળા સ્વરૂપે ગૂંથાઈ છે. આ વાર્તાઓમાં ઓછે-વત્તે હાસ્યવિનોદ નિષ્પન્ન થયેલો છે. જૈન-ધર્મવિષયક આ વાર્તાઓમાં ધર્મના પ્રચાર અને પ્રસારનું કાર્ય હાસ્ય કથાઓના આયોજન દ્વારા થયું છે, તો જે કાર્ય સીધા ઉપદેશ-વચનથી થતું નથી તે કાર્ય સરસ વાર્તા કથનથી થાય છે.

મધ્યકાળની પદ્યવાર્તાઓ બે સ્વરૂપે છે. (૧) સળંગ સ્વતંત્ર કથા (૨) કથા માળા સ્વરૂપે. ‘વિનોદચોત્રીસી' બીજા પ્રકારની પદ્યવાર્તા છે. કુલ ચોત્રીસ વાર્તાઓની કથાવસ્તુનો આધાર ‘ઉપદેશ પદ’, ધર્મગ્રંથ કે ટીકાગ્રંથ કે કથા સંગ્રહમાંથી મળે છે. કવિએ આ કથાઓનો આધાર કદાચ મૂળ ગ્રંથમાંથી લીધો હોય એવું જણાતું નથી, પરંતુ ગ્રંથોમાંથી ધીમે ધીમે પ્રસરીને લોકજીભે રમતી થયેલી કથાઓનો આધાર લઈને આ ચોત્રીસ કથાઓને કવિએ પોતાની રીતે ચોપાઈ દુહાના માત્રામેળ છંદોલયમાં ઢાળી છે.

કથાક્રમ ચારનો આધાર સ્ત્રોત જંબુકુમારની કથામાંથી કથાક્રમ ૩૦ ‘સુડાબેહોતરી'ની છઠ્ઠા ક્રમની કથા સાથે સામ્ય ધરાવે છે. તો કથા ૨૪ની કથાવસ્તુ માથે ઘીનો લાડવો લઈને જતાં શેખચલ્લીની કથાનું સ્મરણ કરાવે છે. ૨૩ કથામાં રાજાના હાસ્યાસ્પદ નિર્ણયો દલપતરામની જાણીતી કૃતિ ‘અંધેરી નગરીના ગંડુ રાજા'ની વાર્તા સાથે સામ્ય ધરાવે છે.

‘વિનોદચોત્રીસી'ની ચોત્રીસ કથાઓમાં કેટલાક સમાન કથાઘટકો એમાંથી પસાર થનારને જોવા મળશે. કથાક્રમ ૪, ૫, ૨૬ અને ૩૨માં દેવોને અથવા આરાધ્ય દેવોને પ્રસન્ન કરી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાનું કથાઘટક, તો કથા પ અને ૮માં સાવકા પુત્ર તરફના અપરમાના વ્યવહારવર્તનનું લોકખ્યાત કથાઘટક, વિવાદ સર્જાતાં રાજા કે મંત્રી દ્વારા અપાતા ન્યાયના કથાઘટકનો કથા ક્રમ ૮, ૧૦, ૧૨માં થયેલો જોવા મળે છે.

મોટિફનાં કેટલાંક ઉદાહરણ રૂપે પ્રયોજાયેલું જોઈએ જેમ કે કથાક્રમ ૧૪ તેમજ ૧૬માં ‘કાષ્ઠભક્ષણ'નું મોટિફ પ્રયોજાયેલું જોવા મળે છે. વૃદ્ધ સાસુને પોતાના સંસારમાંથી દૂર કરવા વઢકણી વહુ પ્રપંચ કરી કાષ્ઠભક્ષણ કરવા મજબૂર કરે છે. તો કથા ૧૬માં વેશ્યા કાષ્ઠભક્ષણનું છળ રચે છે. કથા-૧૦માં એકલથી પ્રજ્ઞાવાળા સાધુ અને બીજા સિદ્ધ પુરુષ સાથે શાસ્ત્રજ્ઞાન વિવાદ થતાં રાજાની હાજરીમાં નિર્ણય લેવાય છે. કથાઘટકનું આવું સામ્ય કથા-૨૮માં તેમજ કથાક્રમ ૧૨માં જોવા મળે છે.

વિનોદચોત્રીસીનો હાસ્ય વિનોદ :

‘વિનોદચોત્રીસી'માં મુખ્યત્વે માનવીના ગમારપણા, બુદ્ધિહીનતા, અલ્પબુદ્ધિની કથાઓ અવગુણી વ્યક્તિના અંતે બૂરા અંજામની કથાઓ, ભાગ્યહીન માનવીની કથાઓ અને બુદ્ધિચાતુર્યની કથાઓ છે. આ કથાઓમાં સાદ્યંત હાસ્યથી માંડી હાસ્યની ઓછી-વત્તી છાંટ જોવા મળે છે. ‘પદ્યવાર્તા’નું શીર્ષક (‘વિનોદચોત્રીસી'એ સહેતુક છે. મધ્યકાળની વાર્તાઓ લોકરંજક હોઈ કવિનું ધ્યેય ‘મનોરંજન’નું રહેવાનું. અહીં પણ હાસ્ય રમૂજનો વિશેષ અર્થ સમાવવા સાથે એ વિનોદકથાઓ તરીકે પ્રસ્તુત થઈ છે.

આ ચોત્રીસ કથાઓમાં કેટલીક કથાઓ એવી છે, જેનાં મર્માળુ હાસ્ય, ક્યાંક કરુણતા સાથે હાસ્ય, કેટલીક કથાઓ તો આખે આખી હાસ્યરસ યુક્ત કથાઓ બને છે.

દા.ત, ધન્ય શેઠની દૃષ્ટાંતકથામાં બુદ્ધિવિહીન ગમાર હાલિક પર દયા કરીને શેઠ પોતાને ત્યાં કામ આપે છે. હાલિકની શર્ત એટલી કે દીધું કામ જ કરે. શેઠે ખેતરમાં ઝાંખરામાં અગ્નિ ફેંક્યો તો એમની નકલ કરી હાલિકે પોતાની માથે રાખેલો ઘડો ફેંક્યો, બંને વચ્ચેની ઝપાઝપીમાં શેઠ વસ્ત્રવિહીન થયા. વસ્ત્રવિહીન શેઠને એમની પત્નીએ વસ્ત્ર આપ્યું. પેલો નોકર શેઠની નકલ કરી નિર્વસ્ર અવસ્થામાં શેઠ-પત્ની પાસે વસ્ત્ર લેવા દોડી ગયો. અહીં એક બાજુ હાલિક પર સહાનુભૂતિ કે ચીડ ઉત્પન્ન થાય તો બીજી બાજુ એના વર્તનથી હાસ્ય પણ નીપજે.

કથા-૧માં રાજા, મંત્રી પુરોહિત અને શ્રેષ્ઠિના ચારેય પુત્રો પોથીપંડિત તો થયા, પરંતુ લોકવ્યહારજ્ઞાનનો અભાવ રહ્યો. આ અભાવને કારણે અજાણતાં જ તેઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. આ યુવાનોનું રમૂજભર્યું વર્તન લેખકે કર્યું છે. અહીં હસવાની સાથે ‘હાણ’ની સ્થિતિ સર્જાય છે.

આવું જ કથાવસ્તુ કથાક્રમ ૨૧માં જોઈ શકાય છે. વિધવા ડોશી પોતાના ગમાર પુત્રને સામેવાળી વ્યક્તિ સાથે કેમ વર્તવું એ શીખવે છે, પરંતુ વિવેકબુદ્ધિના અભાવે માતાની સલાહનો જડતાપૂર્વક અમલ કરવા જતાં તે આફતમાં મુકાય છે. જંગલમાં આદિવાસીઓના હાથે માર ખાય છે, ધોબીના હાથનો પણ માર ખાય છે. માતાની સલાહનો ઉપયોગ કરતાં બીજી આફત નોતરે છે. અહીં હસવું અને હાણની પરિસ્થિતિનો ભાવકને અનુભવ થાય છે.

કથા-22માં દેવદેવીને માનવીની જેમ ઠગાઈ અને પીડનનો ભોગ બનવું પડે એ પરિસ્થિતિ ભાવકોમાં હાસ્ય સાથે દુઃખનો એમ બે ભાવ જન્માવે છે. માણસ ખુદ ઈશ્વરને જ માનવીના છળ-કપટનો ભોગ બનતા જુએ ત્યારે હસ્યા વગર કેમ રહી શકાય?

કથા-૩૩માં મૂર્ખ બ્રાહ્મણપુત્ર ગુણવર્મા પિતાની ભણવાની સલાહ લઈ એક વૈદ્યની હાટડીએ બેસે છે. હાટડીએથી ‘હરડે, સંચળ ને પીંપર એ ત્રણ ઔષધથી પેટના બધા રોગ શમે છે એવું ગુણવર્મા શીખે છે. જુદા જુદા પ્રસંગે એકના એક ઔષધની સલાહ આપે છે, પરંતુ એનું ભાગ્ય એવું પ્રબળ છે કે એનો આ ઉપાય બધી જગ્યાએ સફળ નીવડે છે. સાવ જુદો જ વિષય હોવા છતાં આ કથા હાસ્યરસિક બની રહે છે.’

ભાષાપ્રૌઢિ, ચિંતન વર્ણન :

કૃતિમાં જીવનલક્ષી ચિંતન બોધની સાથે સાથે ૧૦૩ જેટલા સંસ્કૃત શ્લોકો, ૨૫ પ્રાકૃત ગાથાઓનો વિનિયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં પણ આ સંસ્કૃત શ્લોકો કે પ્રાકૃત ગાથાઓ કૃતિના આસ્વાદમાં બાધારૂપ બનતા નથી, કેમ કે એને મૂળ કૃતિ સાથે કોઈ મજ્જાગત સંબંધ નથી. સંસ્કૃત શ્લોકો, પ્રાકૃત ગાથાઓ ચિંતનાત્મક સુભાષિતો એ આ કૃતિનું એ કાળે કદાચ જમા પાસું હશે. આ કથામાલામાં કથાબોધ કથામર્મને અનુરૂપ સુભાષિતોને સાંકળવામાં આવ્યા છે. આ શ્લોકો કે સુભાષિતો કવિના સ્વરચિત હશે કે કેમ? કેટલાક શ્લોકો સંસ્કૃત શ્લોકોના ભાવાનુવાદ જેવા છે. શક્ય છે, કે કેટલાક લોકપ્રચલિત દુહાઓમાંથી પણ લીધા હોય તો કેટલાક દુહામાં વિષય કે કલ્પનાચિત્ર અન્યત્રથી ઉપાડીને કવિએ પોતાની રીતે ઢાળ્યા હોય. આ બાબત પણ કૃતિના ભાવક માટે સંશોધન વિષય બની રહે છે.

દા.ત.,

‘અતિલોભો ન કર્તવ્યો, લોભં ત્વેવ પરિત્યજેત,
અતિલોભાભિભૂતાનાં બુદ્ધિરંઘલતાં ગતા (કથા-૪, શ્લોક-૪)'

ગુણીજન નિર્ગુણી પાસે જતાં તેના ગુણ પણ દોષ બની જાય છે, એ સુભાષિત જુઓ.

‘નદી જિહવારઈ એકલી હોઈ, તેહનું નીર પીઈ સહુ કોઈ,
સમુદ્રમાંહિ ભલી જેતલઈ, એપેય ઉદક રૂઉ તેતલઈ.’
(કથા-૩, શ્લોક-૬૭)

અહીં આપેલ શ્લોક સંસ્કૃત સુભાષિતમાં ઉપલબ્ધ છે. કવિએ આ સુભાષિતને પઠોબદ્ધ કરેલ છે.

માણસની અવિશ્વસનીયતા અને માયાવીપણું દર્શાવતો દુહો જોઈએ.

‘માયાવંતા માણસાં, કિમ પતીજણ જાઈ?
નીલકંઠ મઘરું લવઈ, સ-વિસ ભૂયંગમ ખાઈ (કથા-૪, શ્લોક-૨૬)’

આ દુહો અન્યત્રથી અહીં અવતરિત કરેલો છે.

વ્યવહારું જ્ઞાન આપતો દુહો જોઈએ.

‘ગામ ગમતું દોહીંઈ, સભા સરીખી ગોઠિ,
ગાઈ ગમતું દોહીંઈ, તું પારૂ ન વાઈ હોઠિ’
(૨૬, ૧૬)

આ સુભાષિત શ્લોક દ્વારા સંસારદર્શન, જનમાનસનું નિરીક્ષણ, દુનિયાદારીથી સાત્ત્વિક જીવનની વાતો, દૃષ્ટાંત દ્વારા કહેવાઈ છે. તેમજ જૈન મુનિઓ દ્વારા ધર્મનું મહત્ત્વ અને ગુરુમહિમા દર્શાવાય છે.

હાસ્યરસ સભર કથામૂલક આ કથામાળામાં રસમય પરિસ્થિતિઓ, પ્રસંગો, ઘટનાઓ, પ્રકૃતિ સ્થળનાં આલંકારિક વર્ણનો બે-ચાર પંક્તિમાં ઊભું થતું પાત્રનું સજીવ હૃદયંગમ કાવ્યચમત્કૃતિભર્યા વર્ણનો એની આસ્વાથતામાં સહાયરૂપ ઉમેરો કરે છે. આમાંના કેટલાંક વર્ણનો માત્ર પરંપરાગત મૂકેલાં છે. કવિએ ઉપમા, દષ્ટાંત, દૃષ્ટાંતમાલા, માલોપમા રૂપક, સજીવારોપણ, અર્થાન્તરન્યાસ, ઉત્પ્રેક્ષા, અલંકારોની પણ નોંધ લેવા જેવી છે.

ઉપમા અલંકાર :

‘માનવ એહવું આયખું, ઠાર તણઉં જિમ બિંદ’ (૧૩, ૪૪)
—‘મૂર્ખ શિખામણ કહેવી કહી, ભરિયા ઘડા ઉપર ગયું વહી’ (૨૧, 45)

દૃષ્ટાંત અલંકાર :

‘એક માહિં સાકર મેલઈ, બીજા માહિં વિસ મિલિઈ,
એક આહારિઈ અંગ જ ઠરઈ, બીજ ઈ, આહારાઈ તત્ક્ષણ મરઈ’
(ક.પી. ૬૪)

દૃષ્ટાંતમાલા:

‘સુરજ વિનાજિમ દિવસ જ નહીં, ચંદ્ર વિના જેમ રયણી નહીં,
પતિ વિના નારી ન ન હેતિ, દેવ વિના પ્રાસાદ ન હેતિ.’ (ક.સ. ૪૯)

રૂપક :

‘જરા ધૂતારી ધોબિલિ, ધોયા દેશ-વિદેશ
વિણ સાબૂ વિણિ પથરિ, ધુલા કીઆ કેસ.’ (૧૩, ૧૧)

સુભાષિતોની સાથે પ્રયોજાયેલ કહેવતો તથા દુહાઓ અભિવ્યક્તિમાં સોંસરવાપણું (Pointendnes) લાવે છે અને કવિનું કથયિત્વ ધારદાર બને છે. મોટા ભાગે લોકરંજક અને લોકપ્રચલિત દુહાઓ જોવા મળે છે. જેના દ્વારા લોકવાણીનો પડઘો દેખાય છે. કેટલાક દુહાઓમાં ભાષાની છાંટ ભળેલી દેખાય છે. આવી અભિવ્યક્તિ એક છટા ઊભી કરે છે. જેમ કે

,

‘યૌવન તરલ તુખાર ચઢાઈ, ફિરતુ ચ્યારઈ દેસ,
જરા પુહતી બપ્પરી તબ આંગણિ હૂયા વિદેસ’ (૧૩-૯)
યૌવન જાતઈ છ ગયા, માન મુહુન નઈ લજ્જા,
તુરીય નખાંસણ, સ્ત્રી રમણ, અરિ-સરિ વાહણ ખગ્ગ (૧૩-૧૦)

દુહા ઉપરાંત કેટલીક કહેવતોનો વિનિયોગ પણ કવિએ કર્યો છે. ઉદા. તરીકે

‘ભઈસ આગલિ ઉ નર વાજંતિ, ઊંઘઈ ઉગાલઈ કાંઈ ન લહંતિ
(૩, ૮૦)
‘પગે માછા મૂહિ રામ’ (૯,૧૮)
‘બોલિ બોલિ થઈ શકિ, કાંટઈ કાંટઈ વાઘઈ વાડિ,
ર્ટીપઈ ટીંપઈ સરોવર ભરાઈ, ટૂંબઈ ટૂંબઈ શર જારહુ વાઈ’
(૧૨,૨૪)
‘જેતલંઈ થયૂં આપણુ કામ, હું કુણ નંઈ તુઝ કેહૂ ઠામ' (22, ૨૧)
પાણિ પહિલી બાંધે પાલિ’ (૨૭, ૧૮)

કહેવતોની જેમ રૂઢિપ્રયોગોનો વિનિયોગ પણ કર્યો છે.

‘ભૂઈ ભારે થઈ’ (૩,૭૦)
‘પેટિ લીહ પડી’ (૯, ૧૬)
'પાણી ઉતાર' (ક.પી. ૯૬)

આ ઉપરાંત કૃતિનું ભાષાપોત અને એમાં પ્રયોજાયેલાં રૂપો, નઈ વિભક્તિ અનુગ ‘ષ' અને ‘ખ'નાં અવાંતર રૂપો વગેરે તત્કાલીન ગુજરાતી ભાષા ભૂમિકાના અભ્યાસક્રમને ઉપકારક બને તેમ છે.

ઉપસંહાર :

જૈન સાહિત્યકાર હરજીમુનિએ ‘વિનોદચોત્રીસી'માં મુખ્યત્વે જૈન ધર્મના નિયમગ્રહણ, વ્રત અંગીકાર, અનશન તેમજ જૈનપરંપરાની વાત થયેલ છે. છતાં પણ ધર્મોપદેશના કોઈ પ્રયોજનથી આ કૃતિ રચાઈ હોઈ એમ જૈનેતર ભાવકને જરા પણ લાગે નહીં.

મુખ્ય કથા દ્વારા ગૂંથાયેલી ૩૪ કથાઓ જૈન મુનિ દ્વારા કહેવાય એટલે જૈન ધર્મના ઉલ્લેખો અહીં થયા છે. તેથી કહી શકાય કે જૈન જૈનેતર ભાવકો માટે આ કૃતિ આસ્વાદ્ય છે. કૃતિનો હાસ્યવિનોદ પણ આસ્વાદ્ય બને છે.

કૃતિના અંતિમ ભાગે આવેલ શબ્દકોશ અભ્યાસની દૃષ્ટિએ ઉપયોગી છે. એમનાં સંશોધિત પાઠ, શબ્દકોશ, કથા સંક્ષેપ કૃતિને સમજવામાં ઉપકારક બની રહે છે. આ પુસ્તક અભ્યાસગ્રંથ તરીકે સફળ થશે એટલું જ નહિ અભ્યાસી તેમજ વાચકો માટે ઉપયોગી નીવડશે.

(‘અધીત : ત્રીસ')