અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/સાહેબની પાટ પર શબદના દીવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦. સાહેબની પાટ પર શબદના દીવા

ડૉ. અરુણ જે. કક્કડ

ઈ.સ.૧૯૭૪-૭૫થી કાવ્યસર્જનક્ષેત્રે પ્રવૃત્ત કવિશ્રી દલપત પઢિયારનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ભોંય બદલો’ ઈ.સ.૧૯૮૨માં પ્રગટ થયેલો. ત્યારબાદ અઠ્ઠાવીસ વરસ બાદ છેક હમણાં ઈ.સ.૨૦૧૦માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘સામે કાંઠે તેડાં' પ્રગટ થાય છે. કવિતા સાથે આ કવિની પ્રથમ અને સ્થાયી સગાઈ છે અને એ સગાઈ અતૂટ છે. પ્રથમ સંગ્રહ ‘ભોંય બદલો’ને ખૂબ આવકાર મળ્યો, કવિને ઘણી પ્રતિષ્ઠા અપાવી, છતાં ઘણાં સમય બાદ આ બીજો સંગ્રહ થયો છે. આ સંદર્ભે કવિએ નોંધ્યું છે કે : ‘કવિતા ઓછી લખાય છે, પરંતુ કવિતા સાથેની મારી નિસબત જરા પણ ઓછી નથી. કવિતા એ મારે મન ગંભીર અને જવાબદારીવાળી, શબ્દની સાધનાની સર્જનપ્રવૃત્તિ છે. એ શબ્દની અસાધારણ ચેતના સાથેની નિસબતનો મામલો છે. આ અર્થમાં કવિતાને હું આધ્યાત્મિક પ્રવૃત્તિ માનું છું. શબ્દ જ્યાં જ્યાં ચેતે છે, એ અજવાળાના સ્થળ વિશે, એ અજવાળાની પળ વિશે મારી શ્રદ્ધા કાયમ છે.’ કવિતાની જેમ ગદ્ય પણ દલપતભાઈનો પ્રિય વિષય છે. ગદ્યની પ્રવૃત્તિ તેઓને ક્યારેય નીરસ કે શુષ્ક લાગી નથી. ગદ્યમાં લખવાનું તેઓને કવિતા જેટલું જ ગમે છે. આમ છતાં થોડા લલિતનિબંધો, ચરિત્ર નિબંધો અને એકાદ ‘છોગાળા હવે છોડો’ જેવી બાળવાર્તા જ તેઓ લખી શક્યાં છે. ગદ્યમાં પણ બહુ લખી શક્યા નથી. તેઓએ નોંધ્યું છે કે : ‘મારી સરકારી વહીવટી સેવાએ મારો વધુ સમય લીધો છે. અધ્યાપક રહ્યો હોત તો સારું, એવું ક્યારેક લાગે છે. નોકરી જ એવી હતી કે એને લઈને મારી સર્જનવૃત્તિને કાપ વેઠવો પડ્યો છે.' જ્યારે ભાવનગર ખાતે તેઓ સરકારી સેવામાં હતા ત્યારે મુકુન્દ પારાશર્યને ઘેર કવિશ્રી ઉમાશંકર જોશીને મળવા ગયેલા. ઉમાશંકર જોશીએ કહેલું કે : ‘વહીવટ કરજો, પણ વહેણ ચાલુ રાખજો.’ ત્યારથી આ કવિ નિસબતપૂર્વક સાહિત્યસર્જન માટે મથતા રહ્યા છે અને તેનું મોડું મોડું પણ જે પ્રમાણ તે આ ‘સામે કાંઠે તેડાં' કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહમાંની મોટા ભાગની રચનાઓ ‘કવિતા', ‘કવિલોક', ‘શબ્દસૃષ્ટિ', ‘પરબ', ‘અખંડ આનંદ' વગેરેમાં પ્રગટ થયેલી છે. પાઠ્યક્રમો તેમજ કાવ્યસંચયોમાં પણ ઘણી બધી રચનાઓ સ્થાન પામેલી છે. આ સંગ્રહની કુલ ૫૬ રચનાઓમાંથી લગભગ પાંત્રીસેક ગીતો છે. પાંચેક કૃતિઓ છંદોબદ્ધ સ્વરૂપની છે અને સોળ અછાંદસ કાવ્યો છે. વિષયની દૃષ્ટિએ અહીં અધ્યાત્મ, પ્રકૃતિ, ગ્રામ અને નગરજીવન, પ્રણય વગેરેને લગતાં કાવ્યો છે. શ્રી ચન્દ્રકાન્ત શેઠે નોંધ્યું છે કે : ‘દલપતની કવિતામાં અધ્યાત્મનો ભગવો રંગ, ઝાડપાનનો લીલો રંગ, માટીનો રંગ, નગરજીવનનો ધૂમ્ર મિશ્રિત રંગ ને અત્રતત્ર ક્યાંક ક્યાંક પ્રેમસંબંધનો કસુંબલ રંગ પણ જોવા મળે છે. પણ એમની કવિતામાં દીવાનો ઝળહળ રંગ ને આકાશનો ગહનગંભીર રંગ સવિશેષ સ્ફુરતો-ઊઘડતો મને લાગે છે.’ ‘સામે કાંઠે તેડાં' સંગ્રહની અધ્યાત્મવિષયક રચનાઓ જોતાં સમજાય છે કે આ કવિ અંતર્મુખ વલણ ધરાવતા કવિ છે. આંતરયાત્રી છે. એકાંતિક અધ્યાત્મસાધનામાં માનનારા કવિજીવ છે. ‘ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!’ ગીતમાં કવિ પોતાની અંદર આસન વાળવાનું જ યોગ્ય માને છે. અંદરની દુનિયામાંથી જ જીવનની સમજ મળે છે :

બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો?
આસન અંદર વાળો, સાધો…
ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો! (પૃ. ૨)
**
આપણા મુકામ વિશે આપણો જ ડાયરો,
અવર કોઈ આવે ના આવે;
આપણું ગગન અને આપણી જ ગોઠડી. (પૃ. ૭)

આંતરખોજ કરીને જ પોતાના સાચા સ્વરૂપને ઓળખી શકાય. પોતાની મૂળ છાપને ઓળખી શકાય. સર્જન પ્રવૃત્તિ દ્વારા જ અંતરને ઓળખી શકાય :

ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું શોધું છું! (પૃ. ૧)

જેને આપણે દૂર રહેલો માનીએ છીએ તે આપણી અંદર જ હોય છે :

તું સમજે જે દૂર! તે સાવ જ તારી કને (પૃ. ૪૦)

તેથી બહારની આળપંપાળ કરવાને બદલે ભીતર શોધ ચલાવવી જોઈએ. કુટુંબની ધાર્મિક પરંપરાએ તથા તેની સાથે જોડાયેલી આધ્યાત્મિક પ્રવૃત્તિએ આ કવિના સર્જકચિત્તને સંસ્કાર્યું છે. અધ્યાત્મનું સિંચન કર્યું છે. કવિના ઘરમાં રવિભાણ સંપ્રદાયની ગાદી છે. કબીરસાહેબના સિદ્ધાંત, સાધના અને તત્ત્વદર્શનને વરેલો આ સંપ્રદાય, ગુજરાતમાં ભાણસાહેબ અને રવિસાહેબે સ્થાપેલો છે. આજથી સવા ત્રણસો વર્ષ પહેલાં ગુજરાતમાં સ્થપાયેલા આ સંપ્રદાયને કારણે ગુજરાતમાં તેજસ્વી સંતોની પરંપરા પ્રગટી તેની અમર ભજનવાણીએ આ કવિને જિવાડ્યા છે. કવિ આ ઉજ્જ્વળ પરંપરાની કૌટુંબિક ગાદીનાં સાતમી પેઢીના વારસ છે. અઢીસોથી વધુ ગામો આ ગાદી હેઠળ છે. કવિ પાટ અને ભજનના માધ્યમથી ‘વસતી ચેતાવવાનો' નિયમ આજે પણ પાળે છે. પાટમાં આખી રાત બેસે છે અને ભજનો ગાય છે. કવિએ નોંધ્યું છે કે : ‘મારી રચનાઓમાં જે આધ્યાત્મિક રંગ ઊઘડે છે તથા મારી કેટલીક ભજન-પ્રકારની રચનાઓમાં આ આખી સંતપરંપરા અને તેમની વાણી સ્થાયી સંસ્કાર અને વાતાવરણરૂપે પડેલા છે.’ આ સંગ્રહની ‘અજવાળાનો અવસર’, ‘પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!’ જેવી ગીતરચનાઓ તેનાં ઉદહરણરૂપ છે. કવિ અજવાળાનો અવસર ઊજવતાં લખે છે :

દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
ભીતર ગગન ઊઘડે બારી. (પૃ. ૧૮)
**
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
ચાંદો સૂરજ ચોકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...
આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું… (પૃ. ૨૬)
**
તેંત્રીસ કરોડ દીવડા, ઝળહળતી જ્યોતું.
તું તો અંદરથી ઓલવીને વહેજે…
સાહેબ, સહેજે સમજીને રહેજે!
કહેતા કબીર કાવડ કાંઠે ઉતારો
તું તો સુરતા શબદ જોડી દેજે…
સાહેબ, સહેજે સમજીને રહેજે! (પૃ. ૨૮)

આ કવિ સતની વાતો કહેનારા છે. તેમનાં ગીતોમાં પણ સતની વાણી સંભળાય છે. ‘સતગુરુની સંગે રે…’ ગીતમાં સતની વાતો સાંભળવાથી આખા ગામની ઘાત જાય તેવું કવિ જણાવે છે :

મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ!
હું તો આઠે પહોર ઉમંગે રે, સતની વાતો થૈ!
સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ!
મારા સતગુરુની સંગે રે.. (પૃ. ૨૭)

સાયબાને કારણે લખાયેલો અક્ષર દીપમાળાની જેમ ઝળહળી ઊઠે છે. ‘હું તો અધરાતે ઊઠી' ગીતમાં સાયબાને ભીતરના ઓરડા ઉઘાડી આપે છે :

અડધું લખું ને ઝળહળ આખું ઉકેલું
મારે અક્ષર અક્ષર દીપમાળ,
સાયબા, તારી પહેરી અંગૂઠી! (પૃ. ૨૯)

‘આમ ગણો તો કશું નહીં!’ ગીતમાં કવિ યોગમાર્ગના ઉન્મેષોને પ્રગટ કરી આપે છે. કબીરપંથી કવિ જ એ કરી શકે :

અસ્થિ મજ્જા રંગરૂપ આકાર આખરી ઓળખ શું છે?
શૂન્ય પછીનું શૂન્ય થતું શણગાર પાધરો પડાવ શું છે?
ઇંગલા પિંગલા આવન-જાવન સૂરજ ચંદર ભણું... (પૃ. ૧૯)

કવિ સુરતાના શબ્દના ઉપાસક છે. હદ-અનહદની પણ પાર પહોંચવાની તાલાવેલી ધરાવે છે. ઊંચે શિખરે આસન જમાવીને સુરતાનો અનુભવ કરવા ઇચ્છે છે. તેમની વૈખરી વાણી પરાવાણીથી પ્રેરિત છે. શબદના આ સાધક, શબ્દના પણ ચાહક છે. તેઓ અંદરની દુનિયામાં રમમાણ રહેવાનું વિશેષ પસંદ કરતા હોવા છતાં, બહારની દુનિયાથી સાવ વિમુખ નથી. બહારની દુનિયા સાથે તેઓ પોતાના જુજવા રૂપે પ્રગટ થાય છે. ‘મેલો ભૈ’, ‘કિયા તમારા દેશ, દલુભા!’, ‘ભલી તમારી ભેટ, દલુભા’, ‘મેલો દલપત ડા’પણ મેલો.’, ‘હું દલપત, દળનો પતિ...!’ રચનામાં આ કવિનો અસલી મિજાજ પ્રગટ થાય છે :

કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારા કુળ?
કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ? (પૃ. ૪)
**
ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો,
તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો! (પૃ. ૫)
**
મેલો, દલપત, ડા'પણ મેલો!
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો! (પૃ. ૩૯)
**
હું દલપત, દળનો પતિ
ધડ પડે ને શીશ લડે,
એ કથા અમારી નથી.
રણ કે મેદાનો વિશે અમને કંઈ માહિતી નથી! (પૃ. ૫૯)

આધ્યાત્મિક સાધના અને સંતવાણીના વારસાને કારણે સર્જાયેલી આ પ્રકારની રચનાઓ પાછળ રવિસાહેબના શબદનું તેજ પામી શકાય છે. સંતસાહિત્ય અને લોકસાહિત્યના રસ ઉપરાંત આ કવિ સંશોધન - વિવેચનક્ષેત્રે પણ પ્રવૃત્ત રહ્યા છે. મોહનભાઈ શં. પટેલ, કનુભાઈ જાની, ચન્દ્રકાન્ત શેઠ, શાંતિભાઈ આચાર્ય જેવા અધ્યાપકોએ આ કવિના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ કવિના ચિત્ત પર તેમના વતનપ્રદેશનો પણ મોટો પ્રભાવ છે. તેમના ગામ કહાનવાડીમાં તેઓ ગ્રામજીવનનો પૂરો અનુભવ પામ્યા છે. બાળપણમાં સીમ-ખેતરની જે માયા હતી, તે હજુ પણ અકબંધ છે. રાવજી પટેલની જેમ આ કવિનાં કાવ્યોમાં પણ કૃષિજીવન અને ગ્રામીણ વાતાવરણ આગવા રંગે પ્રગટ્યું છે. કદાચ તેથી જ કવિએ આ કાવ્યસંગ્રહ રાવજી પટેલને અર્પણ કર્યો છે. આ કવિનાં મૂળિયાં માટીમાં છે. ખેતરની ધૂળ તેમના અંતરંગમાં વણાયેલી છે :

માટી મારું મૂળ છે :
થોડા દિવસ લોહીમાં ખેતર જેવું
તતડ્યું પણ ખરું! (પૃ. ૪૫)
**
કોઈ મને મૂકી આવો એવા સ્થળે
જ્યાં માટી જેવું મળે!
ઊંડા ચીરા હોય ચાસના તોય ખેતરને
લેણું આખર હળે… (પૃ. ૧૩)
**
લીલાં લીલાં ઝાડ કે અમને ધૂળ થવાનું મન,
મૂળ થવાનું મન ધરાની ધૂળમાં થવું મગન! (પૃ. ૩૩)
**
કોઈ
કોદાળાની મૂંદર મારો
મારા માથામાં!
કોશવાળું હળ ચલાવો
મારી છાતી ઉપર!
હું ખેતર ભૂલવા લાગ્યો છું! (પૃ. ૫૦)

ગ્રામ-ખેતરનો જીવ નગરમાં આવીને વસે છે. ગ્રામવાસ કરતાં નગરવાસનો સમયગાળો વધી જાય છે, પરંતુ નગરવાસમાં કવિ ઊખડેલા ઊખડેલા રહ્યા છે. નગરમાં આવ્યા પછી નગરનાં થઈ શકાયું નથી. હવે તો એવી પરિસ્થિતિ થઈ છે કે ‘નગર ફાવતું નથી અને ગામ આવકારતું નથી.’ ગ્રામજીવનને લગતી રચનાઓ ગીતમાં છે, તો નગરજીવનની વાત અછાંદસ કાવ્યોમાં મોટા ભાગે પ્રગટ થઈ છે :

ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોકરું,
બળદની ડોકેથી ઊતરે ના જોતરું,
સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને?
ચલણ તો ચોખાનું, બાકી બધું ફોતરું;
સોનાની હોય તોય જાળ અંતે જાળ છે,
માછલીએ મરવાનું મૈં! (પૃ. ૮)

નગરસભ્યતામાં નાટકીયપણું હોય છે. સરકારી અધિકારી થઈને નગરનો નિવાસ સ્વીકાર્યો. ગાંધીનગરનાં મકાનમાં ફળિયામાં કવિએ સરગવો રોપેલો. પણ વધારાનો રૂમ બાંધવાનું થતાં જાતે જ સરગવાને કાપેલો. તેનો અપરાધભાવ કવિના 'સરગવો' કાવ્યમાં વ્યક્ત થયો છે :

આજે
અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં
મોટ્ટો, લીલોકચ સરગવો હતો…
એક અપરાધ કુહાડી થઈ ગયો છે…
મને કોઈ ઊંઘમાં પણ ટચકા મારે છે..
તમે નહીં માનો
મેં કેટલીય વાર
નવા સરગવા રોપ્યા છે,
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી! (પૃ. ૪૩)

કવિશ્રી ચિનુ મોદી પ્રેરિત સાહિત્યવર્તુળ આ કવિને પ્રેરક બન્યું છે. આધુનિક કાવ્યસર્જન સંદર્ભે ‘હોટલ પોએટ્સ ગ્રૂપ'નો પ્રભાવ રહ્યો. ‘ઓમિસ' નામની સાબરમતીના કિનારા પાસેની કેન્ટીન પર મળીને લખાયેલાં કાવ્યોનો વિશેષાંક ‘ઓમિસિયમ' આ કવિના પ્રગટ થયેલ પ્રથમ કાવ્યોનો અંક છે. આ કવિ પોતાની કવિતાની સ્કૂલના પ્રથમ શિક્ષક તરીકે ચિનુ મોદીને ગણાવે છે. ‘ભૂકંપની છઠ્ઠી', ‘કાલે રાખીએ’, ‘શબ્દોના સરકારીકરણ’, ‘ગ્રીનસિટી', ‘પૉલિસી પાકે છે' વગેરેમાં આધુનિક શૈલીએ કટાક્ષ, વિડંબના વગેરેને પ્રગટ કરે છે. ‘આઝાદીની સુવર્ણ જયંતી’ કાવ્યમાં કવિ સ્પષ્ટ રીતે સત્ય ઉચ્ચારે છે :

આઝાદીનાં બસ, વર્ષો ગણ્યાં છે,
ક્યાં કોઈએ ખેડ્યું કે ગોડ્યું કશું છે?
ખેતર બધાં ખાલી ખાલી લડ્યાં છે! (પૃ. ૧૭)
**
માણસોને તો ખબર નહીં
પણ વૃક્ષોને તો લાગવા માંડ્યું છે કે
એમનામાં રોજ કોઈ
સિમેન્ટ પૂરી રહ્યું છે! (પૃ. ૪૨)
**
છેક આજે ખબર પડી કે
આખો કાફલો કયા નાકે છે?
પણ, સમજોને!
આપણી પૉલિસી પાકે છે! (પૃ. ૫૮)
**
ત્યાં મીટિંગમાંથી કેટલાક મિત્રો ઊઠ્યા.
‘સાહેબ, પૉઇન્ટની બસનો ટાઇમ થઈ ગયો....’
બાકીનું કાલે રાખીએ…
મેં કહ્યું : ‘કાલે રાખીએ!’ (પૃ. ૫૫)
**
મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
મારા અવાજને ફાઇલ-બોર્ડમાં મૂકીને
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
હું કદાચ બંધ થવા આવ્યો છું. (પૃ. ૪૧)

આ સચેત કવિ જાતશોધન પણ કરે છે. પોતાનામાં પણ ભૂલ હોય તેમ માને છે. મન વિશે મનન કરે છે :

તન ઊજળાં ને માહ્યલાં મનડાં એંઠા જો! (પૃ. ૯)
**
મનનો મૂળ બગડેલો બાંધો... (પૃ. ૨)
**
બહાર ભલે અકબંધ લાગે અંદર તૂટી ગયું છે!
પ્રશ્ન માત્ર પાણીનો નથી, મન જ ખૂટી ગયું છે! (પૃ. ૧૩)
**
કેમ રે સંકેલું કેમ કરી ઊકલું.
અમે અમારા ભીડેલા ભોગળ દ્વાર રે! (પૃ. ૨૧)

‘ડૉ. બાબાસાહેબને' કાવ્યમાં કવિ ભાષા કરતાં ભાવનું મહત્ત્વ વધારે છે. તે દર્શાવે છે :

અમે થોડાં ફૂલ
થોડા શબ્દો
થોડાં પર્વો ગોઠવીને
તમારી ભવ્ય પ્રતિમાની ફરતે
બેઠા અને બોલ્યા : (પૃ. ૫૬)

સ્વરૂપની દૃષ્ટિએ આ કવિને ગીતનું સ્વરૂપ સૌથી વધુ ફાવ્યું છે. ગીતોમાં એમની લય-બાનીનું સીધું અનુસંધાન સંતવાણી સાથે રહે છે. સૂર, શબ્દ અને ભાવાનુભૂતિને કારણે આ ગીતો આકર્ષક બન્યાં છે. નાનપણથી સર્જકના ચિત્તમાં લોકગીત અને ભજનોના રાગ-ઢાળ પડ્યાં હતાં. આ બધા રાગો, ઢાળોએ કવિ માટે છંદોની ગરજ સારી છે. આ સંગ્રહમાં લોકઢાળ અને બોલીમાં રચાયેલાં ગીતો પ્રભાવક બન્યાં છે :

મારે આંગણે તલાય એંયે માછલી રોળાય!
જેવી માછલી રોળાય એવા મેલો ભૈ રોળાય! (પૃ. ૯)
**
મોભારે બોલે મીંદડી… ઢોલી ઢોલ વગાડો!
મેલા ભૈ માગે મોજડી… ઢોલી ઢોલ વગાડો! (પૃ. ૧૦)
**
એક ગર્દભડી જે ગાજરની લાંચી...
હોંચી રે હોંચી!
કુશકા ખાતા એને કાંકરી ખેંચી
હોંચી રે હોંચી! (પૃ. ૧૧)
**
વાત જરા છાની છે, કોઈનેય કે'વાની નૈ!
નદી સાવ નાની ને તોય એ તો વહેવાની થૈ!
વાદળીને એવું કંઈ થોડું પુછાય છે.
ઇચ્છા કેમ ઓતવાની થૈ? (પૃ. ૧૨)
**
અમને આખે મારગ કંકુ જેવું લાગે,
ચનોખડી ચગે મગે!
અમને ઝેણી ઝેણી વાછંટ જેવું લાગે,
ચનોખડી ચગે મગે! (પૃ. ૩૧)
**
મારા વાડામેં ઉમેડી,
ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી! પૃ. ૩૬)

ગ્રામીણ ધરતીની સુગંધ લઈને આવતાં આ ગીતોની સંખ્યા ઘણી છે. કેટલાંક ગીતોમાં આધુનિક ગીતશૈલીના વળાંકો પણ જોઈ શકાય છે. શહેરમાં આવીને કવિએ લીધેલી સુગમસંગીત અને સિતારવાદનની તાલીમ આ ગીતોને ઉપકારક બની છે. આ બધાં ગીતો કવિને મુખે ગવાતાં સાંભળીએ ત્યારે રજૂઆતને કારણે તેની અસરકારકતા વધતી જણાય છે. સામ્પ્રત પરિસ્થિતિના ચિત્રણ માટે કવિ અછાંદસ લય અને વ્યવહારની વાક્છટાઓનો ઉપયોગ કરે છે. લય, ભાષા, કલ્પન, અલંકાર વગેરેની દૃષ્ટિએ તપાસતાં કવિની અભિવ્યક્તિ ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેમની વિલક્ષણ રીતિઓને પામી શકાય છે. જળનાં જૂજવાં અભિવ્યક્તિ રૂપો આ સંગ્રહની રચનાઓમાં ઝિલાયા છે, તેથી સંગ્રહનાં નામકરણ દ્વારા કવિએ અહીં ‘ઝીલણ ઝીલવાને’ સારુ સૌને તેડાં મોકલ્યાં છે. આણંદ જિલ્લાના આ કવિના કાવ્યસંગ્રહ વિશે આણંદમાં વાત થાય એનો આનંદ છે. ‘સામે કાંઠે તેડાં' સંગ્રહની કાવ્યરચનાઓને સમગ્ર રીતે જોતાં આપણને તેના કવિની સચ્ચાઈ, અંતરમુખતા, સાહજિકતા, અહંભાવને ઓગાળવાની મથામણ અને સતના માર્ગે વળવાની તાલાવેલી દેખાય છે. શ્રી ચન્દ્રકાન્ત શેઠે નોંધ્યું છે કે : ‘દલપતનો શબદયોગ ચાલતો રહે અને કબીરસાહેબની પાટ પર શબ્દના નવા નવા દીવા સતત પેટાવીને અજવાળું આપતા રહે. એ દૃષ્ટિએ, ‘સામે કાંઠે તેડાં' સંગ્રહનું એકેએક કાવ્ય સાહેબની પાટ પર પ્રગટેલાં શબદના દીવા જેવું છે.

(‘અધીત : પાંત્રીસ')