zoom in zoom out toggle zoom 

< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/મેઘધનુષી લિસોટાનું સરનામું: ‘લાલ લીલી જાંબલી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૦. મેઘધનુષી લિસોટાનું સરનામું :
‘લાલ લીલી જાંબલી'

ડૉ. પીયૂષ ચાવડા

દયારામની ગઝલગંધી રચનાઓથી માંડીને આજે લખાતી ગઝલ સુધીની ગઝલયાત્રા તપાસીએ તો ખ્યાલ આવશે કે સમયાંતરે ગઝલના વિષયથી લઈને તેની અભિવ્યક્તિમાં સતત નાવીન્ય આવ્યું છે. વર્તમાન સમયમાં ગઝલ સાથે કામ કરતા સર્જકોએ એક અલગ ભાવ, વિષય અને અભિવ્યક્તિની રીતે ગઝલને નવી ઊંચાઈ આપી છે. આ સંદર્ભે ઘણા બધા સર્જકોનાં નામ અહીં ટાંકી શકાય, પરંતુ અહીં છેલ્લા અઢીએક દાયકાથી ગઝલસાધના કરતા સર્જકશ્રી ભરત વિંઝુડાની વાત એમના ગઝલસંગ્રહ ‘લાલ લીલી જાંબલી’ના સંદર્ભમાં કરવાનો ઉપક્રમ છે.

શ્રી ભરત વિંઝુડા પાસેથી ‘સહેજ અજવાળું થયું’(૧૯૯૪), ‘પંખીઓ જેવી તરજ'(૨૦૦૩), ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ (૨૦૦૬), ‘મેં કહી કાનમાં જે વાત તને’(૨૦૦૯), ‘આવવું અથવા જવું’ (૨૦૧૩), ‘તો અને તો જ’,(૨૦૧૬), ‘તારા કારણે’ (૨૦૧૮) ગઝલસંગ્રહો પ્રાપ્ત થાય છે. આ બધી ગઝલમાંથી ચૂંટેલી ગઝલોનું ડૉ. હરીશ ઠક્કરે ‘એક સુખ નીકળ્યું કવિતાનું (૨૦૧૮)નામે સંપાદન પણ કર્યું છે. તેમના સર્જનને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૩, ૨૦૦૬), હરીન્દ્ર દવે પારિતોષિક (૨૦૦૬), મનહરલાલ ચોકસી પારિતોષિક (૨૦૦૯), રમેશ પારેખ અવૉર્ડ(૨૦૧૧), દર્શક સન્માન (૨૦૧૨), શયદા અવૉર્ડ (૨૦૧૩), દિલીપ મહેતા પારિતોષિક-ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૦૧૪-૧૫) વગેરે સન્માનોથી પોંખવામાં આવ્યું છે.

‘લાલ લીલી જાંબલી…’ ગઝલસંગ્રહમાં ૧૦૪ ગઝલ છે. આ સંગ્રહની નોંધપાત્ર સફળતા તેના ભાવવિશ્વ અને અભિવ્યક્તિની તરેહમાં છે. આ ભાવવિશ્વ અને અભિવ્યક્તિની તરેહનાં આપણે અનેક ઉદાહરણો ટાંકી શકીએ, પરંતુ અહીં થોડા નમૂના જ નોંધીશું. આ સંગ્રહમાં સહુથી વધુ કોઈ સંવેદન ઘૂંટાયું હોય તો તે પ્રેમનું છે. પ્રેમ એની અસર, વિરહ અને મિલન એમ વિવિધ રંગોમાં આ સંવેદન અસરકારક રીતે આલેખાયું છે. પ્રેમ કોઈને રોગ લાગે તો કોઈના માટે સર્વોપરી, સર્વસ્વ અને દરેક રોગનો ઉપચાર છે. આ વાત કેટલી અસરકારક રીતે વ્યક્ત થઈ છે :

‘પ્રેમ નામે રોગ લાગે કોઈને,
કોઈના માટે નર્યો ઉપચાર છે.’ (પૃ.૨)

સામાન્ય રીતે સરોવરમાં વમળ સર્જાતાં હોય છે. પરંતુ પ્રેમરૂપી સરોવરમાં છળરૂપી વમળ ક્યારેય સંભવી ન શકે, અને જો સંભવે તો તે સરોવર પ્રેમનું જ ન હોય...

‘પ્રેમમાં ક્યારેય છળ હોતું નથી,
આ સરોવરમાં વમળ હોતું નથી’. (પૃ.૨૬)

આ ઉપરાંત આવા ઘણા શે'રો નોંધી શકાય.

‘મારા મનમાં હરતી ફરતી હોય છે,
તું મને આમ જ પજવતી હોય છે.’ (પૃ.૪૦)

‘તું દયાની દેવી છે કે પ્રેમની,
તારી ચાહતમાં દશા દયનીય છે’. (પૃ.૯)

‘તારી ચાહતમાં બહુ ઊંડાણ છે,
મારા માટે તો નર્યું ખેંચાણ છે.’ (પૃ.૫૭)

પ્રેમમાં વિરહ એ ખૂબ કપરી સ્થિતિ હોય છે. આ સ્થિતિ જીરવવી ખૂબ કઠિન અને લાચારી ભરેલી હોય છે. પ્રિયપાત્ર પાસે આપણા દિવસરાત અર્થાત્ સઘળું તેની આસપાસ જ હોય છે છતાં અમુક પરિસ્થિતિના કારણે નાયિકા સાથે મિલન થઈ શકતું નથી. આ પીડા આબેહૂબ આલેખન પામી છે,

‘મારા બધા ય દિવસો ને રાત તારી પાસે,
લાવી નથી શકાતી આ જાત તારી પાસે’. (પૃ.૧૦૩)

પ્રિયપાત્ર વગર સર્જક તડપે છે, આખો સંસાર અધૂરો લાગે છે. પોતે હજી જન્મ્યા જ ન હોય એટલે કે સાંસારિક સુખની અનુભૂતિ જ ન પામ્યા હોય એવી સ્થિતિ સર્જાય છે,

‘હું હજી જાણે કે જન્મ્યો હોઉં નહીં,
એવું લાગે છે, મને સંસાર દે,' (પૃ.૧૫)

આ ઉપરાંત પ્રેમમાં મિલનસુખ સંદર્ભના શે'ર પણ માણવા જેવાં છે થોડા નમૂના નોંધીએ:

‘તું જ આવે તો એને શણગારે,
રાત ભરનીંદરે જ બેઠી છે'. (પૃ.૨૪)
‘નીકળું છું માર્ગ પર આગળ જવા,
તું જ મારી હમસફર જો હોય તો' (પૃ.૩૪)

‘તને ય કામ તો જોશે સંવારવાનું,
ને તારી ઝુલ્ફને એથી વિખેરવાનો છું’! (પૃ. ૫૬)

આ સંગ્રહમાં ‘મન' વિષયક સંવેદન પણ ખૂબ ઘૂંટાયું છે. મનવિષયક વિવિધ ભાવ અને તેની અસર ઘણા શે'રોમાં ઝિલાણી છે. નાયિકાના મનની સાદગી વિશેનો શે'ર જુઓ :

‘મનને સ્પર્શે છે તાજગી તારી,
સાચવી રાખ સાદગી તારી’ (પૃ.૩)

મન ક્યારેય ખોટું બોલતું નથી, પ્રામાણિકતાથી જો તપાસવામાં આવે તો એ બધું જ કહી દેશે. અહીં જુઓ સરળ શબ્દોમાં અદ્ભુત ફિલસૂફી રજૂ થઈ છે!

‘મનને પૂછો તો મન કહી દેશે,
કોણ છે પ્રિયજન કહી દેશે' (પૃ.૨૩)
થોડા અન્ય શે'ર પણ નોંધીએ :
‘પ્રભુ કેવી મારી કસોટી કરે છે,
બધું ખૂબ છે ને મન આપી બેઠા' (પૃ.૬૦)

‘તારા કારણ સિવાય કાંઈ નથી,
મનમાં ભારણ સિવાય કાંઈ નથી.’ (પૃ.૯૯)

સર્જક ભીતરથી છલોછલ હોય છે. અહીં ‘ભીતર’નું સંવેદન પણ સરસ વ્યક્ત થયું છે. ક્યારેક ભીતર જે હોય છે એ બહાર આવી નથી શકતું અને એની પીડા અનંત હોય છે :

‘નીકળ્યો નહીં હોઠ પરથી શબ્દ એક,
ભીતરે છું, ભીતરે પડઘાઉં છું' (પૃ.૧૮)

અને જાણે સર્જકે પણ આ સ્થિતિ સ્વીકારી લીધી છે અને કહે છે.

‘ભીતરમાં લખાયેલ છે એ બધું.
ભીતરમાં જ રાખું, ન બારું લખું.' (પૃ.૩૧)

સર્જક ચિંતક ન હોય તો જ નવાઈ! અહીં ચિંતન પણ કેટલાક શે'રોમાં વ્યક્ત થયું છે. સામાન્ય રીતે માણસને માન, સન્માન મળે એટલે વિવેકભાન ભૂલીને છકી જાય છે, આ વાત સરસ રીતે અલગ એન્ગલથી આપણી સામે મૂકી આપી છે,

‘તેં મને બેસાડી ઊંચા આસને,
મારી હાલત કેટલી બૂરી કરી’ (પૃ.૧૦)

માણસ સરળ બની શકતો નથી, પોતે મોટો સમજદાર છે એવો અભિમાનનો બોજો લઈને ફરે છે, એટલે જ દુઃખી થાય છે. જુઓ :

‘તો બધું યે સરળ ને સીધું છે,
મૂક બાજુમાં જો સમજદારી' (પૃ.૧૬)

સર્જક વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતાં કહે છે. જો બધા એકમેકની સાથે સમરસતાથી જીવે તો આખું વિશ્વ એક થઈ જાય,

‘વિશ્વ આખું એક થઈ જાશે,
સાંકળો જો તમામના રસ્તા.' (પૃ.૬૩)

જીવનનું અંતિમ સત્ય ‘મૃત્યુ'નું આલેખન પણ સર્જક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક શેરોમાં કર્યું છે. મૃત્યુ નિશ્ચિત છે છતાં તેને સુધારવાની એટલે કે સારાં કર્મો કરવાની દિશામાં કોઈ સામાન્ય રીતે વિચારતું નથી, અન્ય નકામી બાબતોમાં જીવન વેડફાતું જાય છે. આવા સંજોગોમાં આ સર્જક જાગતા રહેવાનું કહી મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવાનું બયાન ‘સડક' અને ‘મહક' શબ્દ વડે અસરકારક રીતે વ્યક્ત કરે છે :

‘સૂની થઈ ગઈ છે સડક જાગતા રહો,
મૃત્યુની આવી રહી છે મહક જાગતા રહો' (પૃ.૧૦૦)

મૃત્યુનો અંદેશો આવી જતાં સર્જક જીવનની વધેલી ક્ષણો પ્રિયપાત્ર સાથે વિતાવવાની ઝંખના સેવે છે અને જાણે નાયિકાને જ કહે છે.

‘કદાચ કાલ નહીં હોઉં એમ લાગે છે,
જરૂરી એટલે છે તારી હાજરી આજે.’ (પૃ.૮)

સમગ્ર સંગ્રહમાંથી પસાર થતાં આપણને ભારતીયતાના સંદર્ભો પણ સાંપડે છે. થોડા શે'ર તપાસીએ. શબ્દને બ્રહ્મ કહેવાની વાતમાં વેદ ઉપનિષદનો પડઘો સંભળાય છે. જુઓ,

હું તને ખેંચી શકું છું માત્ર મારા શબ્દ લગ,
શબ્દ એ તો બ્રહ્મ છે ને એની આ તાકાત છે. (પૃ.૩૭)

જીવનમાં સાચું કર્મો કરીએ તો મૃત્યુ બાદ પણ એનું ફળ મળે છે. સ્વર્ગ નર્કની વિભાવના અહીં અસરકારક રીતે વ્યક્ત થઈ છે.

‘કામ મૃત્યુ પછીય આવે છે,
હોય રાખ્યા જો રામના રિસ્તા’ (પૃ.૬૩)

અન્ય એક શે'રમાં છત્રીસ કરોડ દેવતાની વાત પણ સુંદર રીતે રજૂ થઈ છે :

‘સાથે છત્રીસ કરોડ દેવો છે,
જોઉં છું રાહ ત્યાં પધારી જો!’ (પૃ.૩૨)

‘રાત’ અને ‘દિવસ'નું સંવેદન પણ ઘણી જગ્યાએ ડોકાય છે. સર્જક પોતાને દિવસ અને રાતની વચ્ચે ઊભા હોય એવું અનુભવે છે. અહીં દિવસ અને રાત અનેક અર્થછાયા પ્રગટાવે છે. જુઓ,

‘એક બાજુ છે દિવસ ને બીજી બાજુ રાત છે,
બેઉની વચ્ચે ઊભેલી ક્યાંક મારી જાત છે.’ (પૃ.૩૭)

સમય સતત ક્ષણ સ્વરૂપે સતત વહેતો જાય છે, એમ જીવન પણ ઓછું થતું જાય છે. આ વાત સર્જકે એક શે'રમાં સરસ રીતે ઉપસાવી છે,

‘સમય રાતનો કે દિવસનો હતો,
પરંતુ એ મારા વરસનો હતો’ (પૃ.૭૨)

આ સંગ્રહમાં પીડા, હતાશા, બેચેની, ગૂંગળામણ, અસ્તિત્વ પર પ્રશ્નાર્થ વગેરે સંદર્ભે આધુનિકતાના અંશો પણ જોવા મળે છે. થોડાં એ ઉદાહરણો પણ તપાસીએ. નદીના બે કાંઠા સામસામે હોય છે એ ક્યારેય એક થઈ શકતા નથી. આ બાબતને માણસ અને માણસાઈ સાથે મૂકી સર્જકે સમગ્ર માનવજાત પર વેધક કટાક્ષ કર્યો છે,

‘નદીના એક કિનારે ઊભા છે માણસ સૌ,
ને સામે કાંઠે બધી માણસાઈ બેઠી છે.’ (પૃ.૪)

માણસ મૃગજળ જેવાં આભાસી સુખની પાછળ દોડ્યા કરે છે, તેને અંતે તો નિરાશા જ સાંપડે છે. આ મતલબનો અદ્ભુત શે'ર જુઓ;

‘કંઈ ઉપર હોતું નથી ને તે છતાં,
છે પગથિયાં, માત્ર ચડવાનું જ છે' (પૃ.૧૭)

મનુષ્યની ઇચ્છા ક્યારેય પૂરી થતી નથી અને અંતે વધે છે એકલી વેદના;

‘હતી ખુશીઓ, હવે એની કામના જ રહી,
રહી રહીને વધારામાં, વેદના જ રહી’ (પૃ.૨૫)

આ સંગ્રહને અભિવ્યક્તિના ઉપકરણની એરણ પર તપાસતાં આપણને ઘણી જગ્યાએ પ્રતીકાત્મક અભિવ્યક્તિનાં ઉદાહરણો પણ જોવા મળે છે. એક શે'રમાં ‘થરથરતી જ્યોત’ ‘ઘરના મોભી’નું પ્રતીક થઈને પ્રગટે છે. જુઓ,

‘થરથરે જ્યોત પોતે અંધારે,
ને કરે છે હૂંફાળું અજવાળું' (પૃ.૨૩)

અન્ય એક શે'રમાં ‘ચકલી’ ગમતી વ્યક્તિ કે પરિસ્થિતિનું પ્રતીક બને છે. ગમતી વ્યક્તિ કે પરિસ્થિતિ ગમે તેટલી પ્રિય હોય તેને બાંધી કે કેદ કરી શકાતી નથી,

‘કોઈ ચકલી અહીંથી ઊડી જાય નહીં,
એટલે કંઈ પીંજરે પુરાય નહીં!' (પૃ.૩૩)

આ સંગ્રહના દૃશ્ય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શ અને સ્વાદગત એમ વિવિધ કલ્પનોનો અદ્ભુત ખજાનો આપણને આકર્ષે છે. થોડા નમૂના નોંધીએ :

‘તારી પાસેની છરીને ધાર દે,
કેમ ભોંકાતી નથી તું ભાર દે. (દૃશ્ય કલ્પન) (પૃ. ૧૦)

‘હું હરણની જેમ દોડું છું, મને,
તારી અંદર કસ્તૂરી દેખાય છે. (ઘ્રાણેન્દ્રિય કલ્પન) (પૃ.૩૫)

‘મુલાયમ ઠેસથી ગબડી પડે એવી તબિયત છે!
ફૂલોનો ભાર લાગે એટલી નાજુક હાલત છે.’ (સ્પર્શબોધ કલ્પન) (પૃ.૨૭)

‘અને છે સ્વાદ એકાધિક એના,
ઘડી મીઠો, ઘડી તીખો ને તૂરો’ (સ્વાદગત કલ્પન) (પૃ.૫૦)

સર્જકે પુરાકલ્પનનો વિનિયોગ પણ અમુક જગ્યાએ અસરકારક રીતે કર્યો છે. ભીષ્મનું પુરાકલ્પન માણીએ;

‘બાણશૈયા પર સૂતો છું હું અહીં,
મારા બિસ્તરમાં જગા ખાલી નથી' (પૃ.૫૬)

કૃષ્ણ અને મીરાં સંદર્ભનાં પુરાકલ્પન પણ નોંધવા જેવાં છે,

‘તું જેમ વાંસળી હોઠે લઈ વગાડે છે,
હું મારા ઢોલ એ સ્વરમાં બજાવાનો છું’. (કૃષ્ણ) (પૃ.૫૬)

‘ઝેર પીવાનું અને પીને બચી જવાનું પણ,
જગ બધાનું અહીં મીરાંબાઈ જેવું છે’ (મીરાં) (પૃ.૯૪)

આ સંગ્રહમાં ઘણા અલંકારોનો પણ વિનિયોગ થયો છે. ઉપમા અને રૂપનું એક એક ઉદાહરણ નોંધીએ :

‘શિશુની જેમ રમવા જોઈએ,
રમકડાં છે કે તૂટી જાય છે' (ઉપમા) (પૃ.૨૦)

‘સહુથી મોટો છે કારકુન ખુદા,
જે બધાંના હિસાબ રાખે છે’ (રૂપક) (પૃ.૭૭)

છંદ વૈવિધ્ય એ આ સંગ્રહનું જમાપાસું છે. અહીં સર્જકે ઘણાબધા છંદો પ્રયોજ્યા છે, તેમાં રમલ, ભુજંગી, કામિલ, હજઝ, રજઝ, મુતકારિબ વગેરે છંદો વિશેષ પ્રયોજાયા છે. થોડાં ઉદાહરણો નોંધીએ. રમલછંદ પરની સર્જકની પકડ ઊડીને આંખે વળગે છે. ગાલગાગા, ગાલગાગા, ગાલગાનાં આવર્તનો કેવા સરસ રીતે આ શે'રમાં ગોઠવાઈ ગયા છે!

‘પ્રેમ તારી લીલા અપરંપાર છે,
સ્વપ્નમાં આવે તે શિષ્ટાચાર છે'.(પૃ.ર)

હજઝ છંદનો પણ એક શે'ર તપાસીએ. લગાગાગા, લગાગાગા, લગાગાના બે આખા અને એક અડધું આવર્તન જુઓ :

‘પ્રેમમાં પડવાનું પડવાનું જ છે,
એ વગર આંસુએ રડવાનું જ છે,’ (પૃ.૫૭)

તો, મુતદારિક છંદમાં ગાગા ગાગા ગાગા ગાગાના આવર્તનો કેવા સુંદર રીતે પ્રોયાજાયા છે, જે શે'રનું સૌંદર્ય પણ વધારે છે જુઓ :

‘પૂરી જાત કરી જા યાર,
અરધો જીવ ભરી જા યાર' (પૃ.૩૮)

છંદ વૈવિધ્યની સાથે સાથે રદીફ-કાફિયા વૈવિધ્ય, બહર વૈવિધ્ય પણ ઊડીને હૈયે વળગે છે. એક હમરદીફ હમકાફિયાનો ઉત્તમ નમૂનો તપાસીએ :

‘જે મને થાય છે મહોબતમાં,
તું ય ચાહે છે તે હકીકતમાં' (પૃ.૪૧)

એક લાંબી બહેરની ગઝલના એક શે'રને માણીએ :

‘ગમે એકાંતમાં - રહેવું, બીજું વળગણ નથી ગમતું
મને સૌ કોઈ ધિક્કારો, મને કંઈ પણ નથી ગમતું!’ (પૃ.૬૨)

એક ટૂંકી બહેર પણ નોંધીએ :

‘નામ રાખે છે નામના રિસ્તા,
પોતપોતાના કામના રિસ્તા' (પૃ.૬૩)

આમ સમગ્ર સંગ્રહમાંથી પસાર થતાં સર્જકતાના અનેકવિધ ચમકારા આપણે અનુભવી શકીએ છીએ, પરંતુ એકાદ મર્યાદા પણ ધ્યાને આવે છે. ક્યારેક કોઈ શે'ર સાવ વિધાન બનીને અટકી જાય છે, તો ક્યાંક શે'ર પર ગદ્યપણું વધારે સવાર થઈ જાય છે. આ એકાદ મર્યાદાને બાદ કરતાં સમગ્ર સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં અને ભાવકના મન પર પોતાની આગવી અને ઊંડી છાપ છોડી જાય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ સર્જન બદલ સર્જક અભિનંદનના અધિકારી છે.

(‘અધીત : એકતાળીસ')
(લાલ, લીલી, જાંબલી, ભરત વિંઝુડા, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૫, મૂલ્ય : ૧૦૦)