અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’
— સંજય પટેલ
જીવનમાં થયેલા પ્રેમને ન પામી શકવાને કારણે, એટલે કે પ્રેમની નિષ્ફળતાને કારણે કવિ થયાના ઢગલો ઉદાહરણો આપણા સાહિત્યમાં અને ઇતિહાસમાં છે; પરંતુ જીવનમાં થયેલા પ્રેમને પામ્યા પછી પણ કવિ થયાનું જો કોઈ ઉદાહરણ હોય તો તે, મુખ્યત્વે ગીતકવિ તરીકેની પ્રતિભા ધરાવતા વર્ષા પ્રજાપતિ છે. આ તારણ કવિના અંગત સંપર્કનું પરિણામ નથી પરંતુ કાવ્યસંગ્રહના આરંભે મૂકેલી કવિની કેફિયતને આધારે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુભક્તિ એ દુનિયાની કોઈ પણ ભાષાની કવિતાના સનાતન વિષયો રહ્યા છે. પ્રેમતત્ત્વથી તરબતર કવિતા યુનિવર્સિટીઓના આંગણે જ્યારે હડધૂત થવા માંડી છે ત્યારે આ કવિ તો પ્રેમનો અધ્યાત્મ-તત્ત્વ સુધીનો વિસ્તાર સાધે છે. વ્યક્તિગત પ્રેમ અને આ સમષ્ટિનું જીવાનુભૂત તત્ત્વ પ્રેમ તે બંનેનું અવલંબન અહીં સધાય છે. મોરપીંછના અનુસંધાને કવિજીવનના પ્રેમનાં અનેક ઉદ્દીપનોએ કૃષ્ણપ્રીતિનાં કાવ્યોમાં અવલંબન સાધ્યું છે ત્યારે ભાવ, ભાષા અને લય કવિના મનમાં સતત ઘૂંટાતા રહ્યાં છે. કવિતા અવતરણનું વધુ એક ઉદ્દીપન પિતાના કવિ-વ્યક્તિત્વના સાંનિધ્યથી પણ ઉમેરાતું રહ્યું છે. ‘આચરણ વગરના ચરણ હંમેશાં બ્રેકર ખાવાના' પિતાની આ પંક્તિ કવિના મનમાં સતત ઘૂંટાતી રહી, ને કાવ્ય શું છે એ સમજવાની ઉંમર જ નહોતી ત્યારે પણ સહજપણે ફૂટેલા કાવ્યના અંકુરો જીવનની વિષમ આબોહવામાં પણ પૂર્ણપણે ખીલ્યા. પ્રેમ શું છે એ સમજવાની સતત મથામણ કરતો કવિ પ્રેમના અનેકવિધ આયામવાળી કવિતા નિમિત્તે ‘મોરપીંછના સરનામે’ પહોંચ્યો છે. મોરપીંછના સરનામે પહોંચવાની હૈયાની ઊંડી આરત અને લગભગ બે દાયકાની મથામણને અંતે ૨૦૧૯માં પ્રગટ થયેલા આ ગીતસંચયમાં કુલ ૬૧ રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે. બીજું, આ કાવ્યસંગ્રહનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ એ છે કે આ તમામ કાવ્યો ગીત-રચનાઓ છે. કવિએ પોતાના ભાવને ભાષાના માધ્યમ દ્વારા ગીતના લયમાં જોયો છે, જોકે, આ સંગ્રહનાં ‘લાગણીની ધાર' અને 'જો નજર' જેવાં કાવ્યોમાં ગીત અને ગઝલ વચ્ચે કાવ્યનું ખોડંગાતું સ્વરૂપ નજરે પડયા વિના રહેતું નથી. તો ગઝલ લખવાની અવઢવ માત્ર શબ્દરૂપે વ્યક્ત થઈ છે તેવા સાઈઠમાં ગીતમાં કવિ કહે છે :
'સાંજુકા અવઢવના ઓટે થયા કરે છે મને, સખીરી ગઝલ લખું કે તને
શૈશવની શેરીને પગલે મળ્યા કરે છે મને, સખીરી ગઝલ લખું કે તને’
આમાં માત્ર ગઝલ લખવાની અવઢવની જ વાત છે, પરંતુ આખું કાવ્ય એ સુંદર ગીતરચના છે. અહીં ‘ગઝલ' શબ્દ કવિને પ્રેમના અર્થમાં અભિપ્રેત છે; પરંતુ આ ગઝલ લખવાની વાત આ કાવ્યસંગ્રહ પછી ૬૨માં કાવ્યમાં કેવાં પરિણામ લાવે છે તે તો હવે પછી જોવાનું રહે છે. કાવ્યસંગ્રહનું શીર્ષક જોતાં એમ થાય કે આ કાવ્યસંગ્રહમાં કૃષ્ણપ્રીતિનાં અથવા તો કૃષ્ણ-સંદર્ભનાં કાવ્યો આધિપત્ય ભોગવતાં હશે; પરંતુ સમગ્ર કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં જણાય છે કે કુલ એકસઠ કાવ્યોમાંથી એકત્રીસ કાવ્યો, એટલે કે પચાસ ટકા કાવ્યો તો નારીસહજ પ્રેમ સંવેદનાને અભિવ્યક્ત કરતાં કાવ્યો છે. બાકીનાં પંદર કાવ્યો, એટલે કે પચ્ચીસ ટકા કાવ્યો કૃષ્ણપ્રીતિનાં છે. જેમાં કૃષ્ણ, રાધા, મીરાં, ગોપી, યમુના, યશોદા, સુદામા જેવા કોઈ ને કોઈ સંદર્ભો સમાવેશ પામી કવિની સંવેદના અને ચેતનાનું કેન્દ્ર બન્યા છે. બાકીના સાતેક કાવ્યો એ કવિની અધ્યાત્મ-ભાવનાની અભિવ્યક્તિ કરે છે. કવિશ્રી મકરંદ દવેની યાદ અપાવે, ‘પગલું માંડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ’ એવા વિષયવાળાં કાવ્યો નિમિત્તે કવિએ પોતાની અધ્યાત્મ ભાવનાની અભિવ્યક્તિ કરી બતાવી છે. પ્રકૃતિ અને તેનાં તત્ત્વોને લગતાં છ જેટલાં કાવ્યો કે જે ક્યારેક હોળી, ક્યારેક ફાગણ તો ક્યારેક જળના મેઘથી માડીને આંખો સુધી વિસ્તરતા જળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. બાકી એક કાવ્ય માણસ વિશે અને એક બાળપણ વિશે એમ કુલ એકસઠ રચનાઓ આ કાવ્યસંગ્રહમાં સમાવેશ પામી છે. અહીં કવિના સંવેદનનો વ્યાપ વિસ્તૃત છે પરંતુ વિષયનો વ્યાપ ઘણો મર્યાદિત છે. કવિએ પોતાની નારીસહજ સંવેદનાને પ્રેમ સ્વરૂપે, પ્રેમના તલસાટ સ્વરૂપે, પ્રેમના મિલન અને વિરહ સ્વરૂપે ઘૂંટીને ગાંધીયુગના અને સમકાલીન ગીતકવિઓની અદાથી અભિવ્યક્ત કરી બતાવી છે. મીરાંની વૈરાગી છટાઓ સાથે અર્વાચીન ગુજરાતી ગીત કવિતાની પરંપરા કવિને પોતાનાં ગીતો માટે ઉપકારક સાબિત થઈ છે. આ ગીતોની લયસિદ્ધિ વખતે સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શાહ, રમેશ પારેખ, વિનોદ જોશી અને જગદીશ જોશીનાં ગીતકાવ્યોની ઘેરી છાપ આ ગીત રચનાઓમાં વાંચી શકાય છે. સુરેશ દલાલના કાવ્ય ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ' તેના ઉપાડ જેવું અને તેના અંતરાની તો બિલકુલ બાજુમાં બેસી શકે તેવું ‘કાગળિયા લખતાં ન આવડે’ કાવ્ય અહીં છે. ગીતના બીજા અંતરામાં કવિ લખે છે :
‘સૈયર પૂછે કે અલી, બોલ તારા હાલ શું? કોની? યાદ મહીં ફરતી બેહાલ તું
ફળિયામાં…ફૂલોમાં...ફોરમમાં શોધું છું…કેમ નથી કરતી રે લોચન-સવાલ તું
આંખોમાં ધોધમાર ચોમાસું બેઠું, ને દરિયો ઉલેચતાં આવડે
આખ્યુંને આંજતા તો આવડે રે સૈયર મને કાગળિયા લખતાં ના આવડે'
એ જ રીતે કવિશ્રી રમેશ પારેખની યાદ અપાવતું કાવ્ય ‘હવે તારો મેવાડ મીરાં છોડશે'ની જેમ કવિ પોતાના એક ગીત ‘રાણાજી તારા સુખનો દરવાજો દીધો વાખી'નો ઉપાડ આ રીતે કરે છે,
‘મીરાંએ માધવની પ્રીત એવી ચાખી,
રાણાજી, તારા સુખનો દરવાજો દીધો વાખી'
એ જ રીતે કવિ અનિલ જોશીના ગીત કાવ્ય ‘ખાલી શકુંતલાની આંગળી’ની જેમ કવિ પોતાના ‘હું તો પડછાયે ઊગ્યું ને આથમું' કાવ્યમાં કહે છે :
‘ટહુકામાં, ઝાકળમાં ઊઘડું સવાર લઈ, ઝાડ કોઈ મારામાં વાવતું
હું તો પડછાયે ઊગ્યું ને આથમું...
આ ગીતના ત્રણેય અંતરાનો લય એકમેકને મળતો આવે છે. એકાદ અંતરો જોઈએ....
‘કોની સુગંધ મને તાણી લઈ જાય દૂર આકાશી દરિયાના દેશે
આજે તો સૈ મને પૂછી લેવા દે, કિયા સાદે આ જીવ ચઢે ઠેસે
પીડાની જાત બની જન્મોજનમ હું તો વગડામાં ઉછરું ને આથડું
હું તો પડછાયે ઊગ્યું ને આથમું...
નદીઓનાં નીર નથી નદીઓનાં નીર એ તો કેવળ છે આંસુનો રેલો
બાવળને જોઈ-જોઈ મોહી પડું છું, મને વગડાને મારગડે ઠેલો
ભીતરને અજવાળે દીવો ધરું એ પછી પથરાતું જાય ભળભાંખળું
હું તો પડછાયે ઊગ્યું ને આથમું....’
તો સુરેશ દલાલના એક કાવ્ય 'અમે કરીશું પ્રેમ'નો એક અંતરો છે :
'તમે રેત કે હથેળી ઉપર લખો તમારું નામ
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાનાં નહીં વ્હેમ,
તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ.’
એ જ રીતે કવિશ્રી વર્ષા પ્રજાપતિ અહીં લખે છે :
'કોરી-કોરી આંખોમાં છે લીલો-લીલો દેશ
કેમ કરી સમજાવું સાજન કેવો મારો વેશ
રણમાં મારું નામ લખ્યું તો ઊગી ગયું ત્યાં ઝાડ
મારી ભીતર પાંગરતી આ કંઈ કાંટાળી વાડ?
જાણીને અણજાણ બનો તો અમને જાગે દ્વેષ
કેમ કરી સમજાવું સાજન કેવો મારો દેશ’
તો જગદીશ જોશીના એક કાવ્ય 'અણગમતું આયખું આ લઈ લો….’ની સાથે આ કાવ્યસંગ્રહના ‘જંગલમાં લાગી ગઈ આગ'નાં લયનું મળતાપણું પણ નોંધવા જેવું છે. એક અંતરામાં કવિ કહે છે :
‘સહરાના રણને તો પૂછો રે કોઈ, તને લીલપની પ્યાસ કદી જાગી?
થોર મહીં ઊગેલા કાંટાએ કીધું, ત્યાં રણની મીઠાશ મને વાગી
ઊગવું ને આથમવું આંખોનો વ્હેમ, ભલે રણમાં ન ખીલે કોઈ સાગ
આંખોમાં ટોળે વળેલું એક જંગલ, ને જંગલમાં લાગી ગઈ આગ.’
આમ કવિ તેમના ગુજરાતી સમકાલીન અથવા તો તેમના પૂર્વકાલીન ગીત કવિઓનાં ગીતોના પરિશીલનથી સમૃદ્ધ પોતીકા અવાજને રજૂ કરે છે. કલ્પનાનો સુંદર ઉઘાડ, દૃશ્ય-શ્રાવ્ય કલ્પનો, ઊર્મિનો ઉછાળ ને ભાવનું ઊંડાણ કવિને તેમના પૂર્વસૂરિઓના કાવ્યલયમાં પણ નિજી મુદ્રા અંકિત કરવામાં સહાયરૂપ બને છે. સંગ્રહનાં નારી સંવેદનને આલેખતાં કાવ્યોમાંથી ‘આંખોમાં ઘેન ભરી આપો', 'યાદોની વણજાર’, ‘કોઈ પૂછે તો સરનામું આપજે’, ‘મને યાદ છે', ‘ત્યારે કોને જઈને કહેશો’, ‘હું તો પડછાયે ઊગું ને આથમું’, ‘અવઢવનું ગીત’, ‘સાંવરિયો', ‘મને ના જુઓ આમ', 'સખીરી ગઝલ લખું કે તને’, ‘અમે ચૈતરનું આભ' જેવાં દસેક ગીતો સુંદર અને ઉત્તમ લયમાધુર્ય નીપજાવતી રચનાઓ બની શકી છે. કૃષ્ણપ્રીતિનાં કાવ્યોમાં મોટા ભાગે કૃષ્ણના ગોકુળ છોડ્યા પછીનો રાધા અને ગોપીઓનો તલસાટ વ્યક્ત થયો છે. કૃષ્ણ ગોકુળ છોડ્યા પછી ક્યારેય પાછા ફરી શક્યા નથી આ એક દુ:ખદ ઘટનાને કવિએ પોતાની અલગ-અલગ સંવેદન તરેહોથી અભિવ્યક્ત કરી છે. તો ક્યારેક મીરાંની દૃષ્ટિએ કૃષ્ણનો લગાવ પણ વ્યક્ત થયો છે. એટલે કે રાધાનો તલસાટ અને મીરાંની ન્યોછાવરી કૃષ્ણપ્રીતિનાં કાવ્યોમાં સૌથી મોટો ભાગ ભજવે છે. તો એ નિમિત્તે ક્યારેક વાંસળી, યશોદા અને સુદામા પણ સંવેદનનું કેન્દ્ર બન્યા છે. કેટલીક ઉત્તમ પંક્તિઓ આ સંદર્ભે જોઈ શકાય :
‘લોકો કહે છે એક દીવાની પરણી ગઈ હૈયામાં મોરપીંછ રાખી
રાણાજી! તારા સુખનો દરવાજો દીધો વાખી.
મીરાંએ માધવની પ્રીત એવી ચાખી’
‘રણનું મેદાન મારા જીવતરનું નામ, કોઈ થોર જેવું મારામાં ઊગે,
વાદળનું નામ હજી લીધું નથી ને ત્યાં જ, તળમાં ભીનાશ બધી પુગે
આંસુના સાથિયે દીવો કર્યો છે સખી, કેમ કરી અંધારે જીવું?
આંખોમાં મોરપીંછ દોરી દીધું છે સખી, કેમ કરી પાળિયાને પૂજું?’
‘આંખોએ કીધેલી વાતો હજીયે મને, દર્પણમાં જોઉં તો સાંભરે
ગમતો પડછાયો કોક ચોરી ગયું છે. હવે શ્વાસોમાં સંતાડું નામ રે
ગોવર્ધન કરતાંયે ભાર મારા હૈયાનો ઊંચકી શકે ના તારી આંગળી
કહાના…તેં મારી એકેય વાત નથી સાંભળી’
આ ઉપરાંત ‘તમે રાધાની આંખોનું ગાણું’ ગીત પણ ભાવના ઊંડાણ, ભાષાના કાર્યસાધક ઉપયોગ અને કલ્પનાના નાવીન્યને કારણે ધ્યાન ખેંચતી રચના બની શકી છે. કવિના કૃષ્ણપ્રીતિનાં કાવ્યો સંદર્ભે કહી શકાય કે તેમના આ કાવ્યસંગ્રહનો પ્રિય વિષય કૃષ્ણપ્રીતિ રહ્યો હોવા છતાં કવિના એ વિષયનાં કાવ્યો નારીસહજ સંવેદનાનાં કાવ્યો જેટલાં માતબર બની શક્યાં નથી. આ વિષયને લઈ કંઈક નવું આપવાની ખેવના ધરાવતા કવિ વિષયને છેડે છે ખરાં પણ અભિવ્યક્તિની કે ભાવની એવી કોઈ વિશિષ્ટ તરેહ કાવ્યમાં અભિવ્યક્ત કરી શકતા નથી. એટલે કે ભાવ અને ભાષાને, તો ક્યારેક ભાવ અને અભિવ્યક્તિને પણ ઘણું છેટું પડી જાય છે, ને કહેવા ધારેલી વાત પૌરાણિક ઘટનાનું બયાનમાત્ર બની રહે છે. એટલે કાવ્યસંગ્રહના શીર્ષકને આધારે જ એમાં ઊતરનાર ભાવકને કૈંક જુદો જ અનુભવ લાધે એવું અહીં બને છે. સંખ્યા અને ગુણવત્તા એમ બંને રીતે આ સંચયનું કેન્દ્રસ્થાન કૃષ્ણપ્રીતિ નહીં પરંતુ નારીપ્રેમના વિભિન્ન ભાવો અને મુદ્રાઓ છે એટલું નોંધવું રહ્યું. આ ઉપરાંત વીજાણું માધ્યમોની પરિભાષા પ્રયોજતા ને સમૂહ-માધ્યમોના વાચકોની જિજ્ઞાસાને સંતોષતા ‘આંખોને ઑનલાઇન…’ કે ‘વાંચે છે મોબાઇલમાં વૉટ્સઅપના ટહુકા…’ જેવાં કાવ્યો પણ સભારંજની અવસ્થાથી ઉપર ઊઠી શકે એવાં નથી. નવાઈ તો એ વાતની છે કે આજના ઑનલાઇન રેટિંગ-યુગમાં વધુ લોકચાહના પામેલું ગીત કવિને તો ગમે જ પરંતુ સાહિત્યના ઊંડા અભ્યાસીઓને પણ આવા ગીતમાં કવિના ઉત્તમ કર્તૃત્વના અંશો દેખાયા છે. ખરું જોતાં આ ગીતોમાં અભિવ્યક્તિ નબળી છે. એટલું જ નહીં, પણ આ યાંત્રિક પરિભાષાઓ પ્રયોજવા જતાં ગીતનો લય પણ જળવાતો નથી અને તેથી સાવ કૃત્રિમતામાં સરી પડતા હોય તેવું બન્યું છે. આ કાવ્યસંગ્રહની કેટલીક રચનાઓમાં કાવ્યના રચનાગત પ્રશ્નો પણ જોવા મળે છે. કાવ્યના ઉપાડ અને અંત વચ્ચેનું અનુસંધાન ન જળવાતું હોય એવું પણ ક્યારેક બને છે. કાવ્યના આશય, ઉદ્દેશ અને પક્ષ છેવટ જતાં બદલાઈ જતા પણ ક્યારેક અનુભવાય છે. ‘રાણાજી તારા સુખનો દરવાજો દીધો વાખી’ એ કાવ્ય મીરાંના પક્ષે રચાયેલું કાવ્ય અંતે જતાં રાણાજીના પક્ષમાં ભળી જાય છે. એટલે કે કાવ્યના સંવેદનની અખિલાઈ કે ભાવનું એક સમગ્ર ચિત્ર ઊપસતું જણાતું નથી. ક્યારેક પ્રાસની મેળવણી માટે કોઈ અણધાર્યા અને અરુચિકર સંદર્ભોનો પ્રવેશ પણ કાવ્યમાં થાય છે. ‘આંખોને ઑનલાઇન...’માં આધુનિક પ્રેમલક્ષણા ભક્તિથી કાવ્ય આરંભાય છે. તે અંતે જતાં જશોદા માતા સુધી પહોંચ્યા પછી પણ સાવ છેલ્લી પંક્તિમાં કવિ સુદામાનો પ્રવેશ કરાવે છે. તે માત્ર ને માત્ર ‘કાહના’ અને ‘સુદામા’નો શબ્દપ્રાસ મેળવવા માટે જ. ‘તારો ભૂલો પડ્યો છે સુદામા, હવે આંખોને ઑનલાઇન રહેવા દે કાહના’ આ બે પંક્તિઓનો પ્રાસ ઉત્તમ છે પરંતુ કાવ્યના પ્રારંભિક સંવેદનના અંકોડા અંતે જતાં સાવ છૂટા પડી જાય છે. અહીંયા ઘણાં ફિલ્મીગીતો જેવી ઘટના ઘટે છે. જેમ કે તે કર્ણપ્રિય હોય અને લોકપ્રિય પણ હોય પરંતુ અર્થપ્રિય નથી હોતાં. એવું આ કાવ્ય નિમિત્તે બન્યું છે. આધુનિક ઉપકરણો અને ટેક્નોલૉજીનો ગીતમાં અને પૌરાણિક સંદર્ભમાં વિનિયોગ કરવા જતાં નરી કૃત્રિમતા ઊપસી આવી છે. આ કાવ્ય અંતે જતાં તો મારી-મચડીને પૂરું કર્યું હોય તેવી ગદ્યાળુતા ઊપસી આવે છે, જે બાબત કવિ-પ્રતિભાને કનડે છે.
‘એકવાર યશોદા તું મોકલી તો જો તારીખ ફૂટેલી મટુકીનું માખણ,
વોટ્સઅપમાંથી જ સીધી મારશે છલાંગ તારી આંખોનું થઈ જાશે આંજણ’
આવી પંક્તિઓમાં લય-પ્રાસ તૂટે છે અને આખું કાવ્ય ગીતરચના તરીકે પણ નિષ્ફળ જાય છે. કવિશ્રી વિનોદ જોશી કહે છે તેમ, ‘ગીતના કાવ્ય સ્વરૂપમાં ભાષાને ભાવના સ્તરે લઈ જનારું કવિકર્મ અપેક્ષિત હોય છે.’ શ્રી વિનોદ જોશીના આ વિધાન અને ‘મોરપીંછના સરનામે’ કાવ્યસંગ્રહની તમામ રચનાઓનું મૂલ્યાંકન કરતાં કહી શકાય કે શબ્દ અને સંવેદનાનું દ્વંદ્વ અનુભવતી કવિતાનો શબ્દ ક્યારેક હાંફી જતો અનુભવાય છે. સંવેદનની તીવ્રતા શબ્દમાં ઊતરતા છિન્નભિન્ન થઈ જતી હોય તેવું પણ ક્યારેક અનુભવાય છે. મઝધારનું ઊંડાણ તાગવા નીકળેલી કવિતા કિનારાના છીછરા પાણીમાં જ છબછબિયાં કરી પાછી વળે છે. કવિતામાં પલોટાયેલો કવિનો શબ્દ હાંફી ગયો છે, એટલે પરાણે ચલાવવાથી તે ઢળી પડે તેના કરતાં તેને થોડો આરામ આપવો એ વધારે ઉચિત છે. થોડો આરામ જ કદાચ શબ્દનું સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને પાછા આણી શકે. સમગ્ર રીતે જોતાં આ કાવ્યસંગ્રહની કેટલીક આત્મલક્ષી રચનાઓ, નારી સંવેદનાને સિદ્ધ કરતી રચનાઓ ઉત્તમ બની છે. તો કેટલાંક કૃષ્ણપ્રીતિનાં કાવ્યો ઉત્તમ બન્યાં છે; પરંતુ તેમાં કવિએ પોતાના પુરોગામી કે સમકાલીન કવિઓનો લય-પ્રાસ ઉછીનો લીધો હોવાનું સતત અનુભવાય છે. જોકે, કેટલાંક દૃશ્ય-શ્રાવ્ય કલ્પનો દ્વારા કવિ પોતાની અલગ સંવેદનતરેહો અભિવ્યક્ત કરી શક્યાં છે એ તેમની મોટી ઉપલબ્ધિ છે. સાથે, સંવેદનને અભિવ્યક્ત કરી શકે એવું ભાષાનું માધ્યમ પ્રાપ્ત કરવાનું અથવા તો તેવી ભાષાસાધના કરવાનું બાકી હોય તેમ પણ આ રચનાઓ પરથી જણાય છે. સંગ્રહની મોટા ભાગની રચનાઓ એકવિધ લાગે છે. વિષયની રીતે, માવજતની રીતે તેમજ આ ગીતરચનાના લય-પ્રાસને લીધે પણ ઓછી વિવિધતા કવિ દાખલ કરી શક્યા છે. એમ છતાં, છેલ્લા દાયકામાં ગુજરાતી ગીતકવિતાક્ષેત્રે ગણ્યાગાંઠ્યા નવ્યકવિઓમાં કવિ પોતીકો અવાજ પ્રગટાવવાની મથામણ કરી, ગઝલ જેવા લપસણા અને લોભામણા સ્વરૂપથી દૂર રહી ગીતકવિ તરીકે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યાં છે. ભાવ અને ભાષાનાં ઊંડાણ દ્વારા અને કવિકર્મના સાતત્ય દ્વારા કવિ ભવિષ્યમાં કેવી પોતીકી પ્રતિભાનો પરિચય આપે છે અને પોતાની શબ્દસાધના દ્વારા ગીતને કેટલી ઉત્તમ કોટિએ લઈ જાય છે તે જોવાનું રહે છે.
❖
(અધીત : તેતાળીસ’)