અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘પંખી પદારથ' ગુજરાતી ગદ્યકાવ્યનો અ-નોખો અવાજ…
દિક્પાલસિંહ જાડેજા
સાંપ્રત ગુજરાતી કાવ્યપ્રવાહમાં કવિશ્રી હરીશ મીનાશ્રુ કાવ્યપદાર્થના અનોખા ભાવ, અર્થ, સંવેદનો તેમજ પોતાના સાંવેગિક સંદર્ભોને પોતાની કવિતામાં અનોખી રીતે રજૂ કરવામાં સફળ રહ્યા છે. અહીં તેમના ગદ્યકાવ્યસંગ્રહ ‘પંખીપદારથ' (૨૦૧૧)ને તપાસવાનો એક ઉપક્રમ રાખ્યો છે. સાંપ્રત ગુજરાતી ગદ્યકાવ્યના પ્રવાહમાં આ સંગ્રહ તેની વિશિષ્ટ ગદ્યકાવ્યશૈલીને કારણે ધ્યાનાકર્ષક છે. કાવ્યસંગ્રહના પ્રારંભે જ હરીશ મીનાશ્રુ આ સંગ્રહની કવિતાઓને અછાંદસ કવિતાઓ કહેવાનું ટાળે છે. તેમની કવિચેતનામાં અછાંદસ કવિતાનું સ્વરૂપ અને ગદ્યકાવ્યનું પોત કેવું હોવું જોઈએ તે બિલકુલ સાફ છે. કાવ્યસંગ્રહના પ્રારંભે કવિએ ગદ્યકાવ્યના પોત અને સ્વ-રૂપને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમની આ કેફિયતને આધારે જ ‘પંખીપદારથ'ના ગદ્યકાવ્યોને તપાસીને કવિ હરીશ મીનાશ્રુના કાવ્યપદારથને માણવાની તક જતી કરવા જેવી નથી.
‘પંખીપદારથ' નિમિત્તે કવિની આ કેફિયત જુઓ : ‘૨૦૦૦ની સાલ અને તે પછીના દસકામાં રચાયેલાં ગદ્યકાવ્યોનો આ સંગ્રહ છે : ‘પંખીપદારથ'. ગુજરાતી રીતરિવાજ મુજબ કોઈ એને અછાંદસ કહેવા ઇચ્છે તો ભલે, પણ હું એને ગદ્યકાવ્યો કહીશ. એની પાછળ મારા મનમાં થોડાં કારણો રહેલાં છે. પદ્યમુક્ત પદાવલી પ્રયોજને કાવ્યો રચ્યાં ત્યારે ન્હાનાલાલે એના નામાભિધાન વખતે નન્નો ભણેલો : અપદ્ય અગદ્ય. એ પદ્ય તો નહોતું જ, પ્રાઇમાફેસી, ને ગદ્ય ગણવાનું નહોતું કેમ કે એ કવિચેષ્ટામાં ગદ્યના બહિરંગે કશાક અંતરંગ ગદ્યાતીત તત્ત્વને અવતારવાની પ્રબળ ઝંખનાભરી સિસૃક્ષા રહેલી હતી. એટલે પૂર્વગ અ-ના આશરે નર્યા નેગેશનથી સાદગીપૂર્વક વાત આટોપી લેવાઈ : અપદ્યાગદ્ય. સર્જનાત્મક સંભાવનાના વિદ્યુતભારથી લદાયેલી આ ઘટનાનું નામકરણ દ્વિવિધ નકારવાચકતાથી થયું. પરંતુ હકારવાચકતાનું શું? હું સમજું છું ત્યાં લગી કાવ્યશાસ્ત્ર ભાતભાતના, ઘણા બધા સમર્થ હકારોથી પુષ્ટ થતું રહેવું જોઈએ... (‘પંખીપદારથ', પૃ. ૦૯) ન્હાનાલાલે પ્રારંભે ગુજરાતી કવિતામાં છંદ ત્યજીને જ્યારે ગદ્યના લયાન્વિત લયછંદનો પ્રયોગ કર્યો તેમાં પણ હરીશ મીનાશ્રુ લયના એક આચ્છાદિત છંદને તો સાંભળે જ છે, અને એટલે જ એમણે પોતાની કવિતામાં અપદ્યાગદ્ય સંજ્ઞામાં ગર્ભિત રીતે રહેલા લયના છંદોવિધાનને પણ ત્યજીને કાવ્યપદાર્થના ગદ્યને કસી જોયું છે. ગુજરાતી ભાષામાં અભિવ્યક્ત થતાં મનુષ્યનાં હર્ષ-શોક, આશા-નિરાશા, પ્રેમ-ધિક્કાર, સુખ-દુ:ખના સ્વરભંગો, અતૃપ્તિઓ અને સંવેગો, પીડાઓ, કામનાઓ, કુણ્ડાઓના કાકુઓ, ઉન્માદો અને વિકારોનાં વાગ્-રૂપોને મનુષ્યના મનોગત સંદર્ભો સામે રાખીને આ કવિએ વ્યવહારુ ગુજરાતી ગદ્યમાં કાવ્યપદાર્થનો કસ કાઢ્યો છે. સામાન્ય રીતે છંદમાં બદ્ધ નથી રહી તેવી કવિતાઓને આપણે અસંદિગ્ધ રીતે ત્રણ પ્રકારે ઓળખીએ છીએ : લયાન્વિત, અછાંદસ અને ગદ્યકાવ્ય. લય એ અછાંદસના નામે રચાયેલી ગુજરાતી કવિતાઓ આ કવિ પાસે છે ત્યારે આ કવિએ ગદ્યકાવ્યનું એક નક્કર અને અનોખું રૂપ આ ‘પંખીપદારથ’ કાવ્યસંગ્રહ નિમિત્તે ખોલી આપ્યું છે. મનુષ્યના મનોગત સંદર્ભોને આ કવિ ગુજરાતી ગદ્ય-‘કાવ્ય’માં કેવી અને કઈ રીતે ઢાળે છે તે આપણે તપાસવું જોઈએ.
‘પંખીપદારથ' કાવ્યસંગ્રહમાં આ અનુ-આધુનિક કાવ્યચેતના ધરાવતા કવિએ પોતાના સમકાલીનો કરતાં જુદી શૈલીથી કાવ્યો રચ્યાં છે. કાવ્યપદાર્થ અને વ્યવહારુ ગુજરાતી ગદ્યની તાસીર આ કાવ્યોમાં રસાયિત થઈને આવે છે ત્યારે ગુજરાતી ગદ્યકાવ્યને નોખી દિશાઓ સાંપડી રહી છે તેવી પ્રતીતિ આ સંગ્રહ વાંચતા થાય છે. સંગ્રહમાં કુલ ૮૩ કાવ્યો જુદાં જુદાં મનોગતભાવોના ગુચ્છમાં રચાયાં છે. જેમાં પ્રથમ ગુચ્છ છે : ‘પંખીપદારથ’. આ ગુચ્છના ચૌદ કાવ્યોમાં કવિના આધ્યાત્મિક દર્શન અને ચિંતનના ભાવબોધ અસંદિગ્ધતાના કાવ્યાત્મક સૌન્દર્ય સાથે વ્યક્ત થયાં છે. ‘એક અટપટું પંખી' કાવ્યમાં જીવન વિશેનું કવિનું દર્શન જેટલું અટપટું છે એટલું જ સરળ પણ છે. મનુષ્યનો મૂળગત સ્વભાવ જ આત્માને ઓળખવાનો છે એ વાત કવિ પંખી અને વૃક્ષના રૂપકોથી કરે છે. પણ ક્યારેક કવિને પંખી એટલે કે આત્માનો સ્વભાવ અટપટો લાગે છે તો ક્યારેક જીવનરૂપી વૃક્ષ અટપટું લાગે છે, તો એ જ પંખી અને વૃક્ષ જ્યારે જીવનમાં સરળ સ્વભાવ ધારણ કરી લે છે ત્યારે કવિચેતનામાં વિશેષણ વિનાનું એક પંખી અને વૃક્ષ જ નિઃશેષ બચે છે. અટપટો અને સરળતાનો સ્વભાવ પંખી એટલે કે માનવીની આધ્યાત્મિક ચેતનાનો છે અને તેને જ્યારે સરળ વૃક્ષનો આશરો પ્રાપ્ત થાય છે ત્યારે કોઈ પણ વિશેષણ વિનાની નિઃશેષતા. આ ગુચ્છનું બીજું કાવ્ય નીતિન મહેતાના મરસિયા રૂપે ગદ્યમાં ‘કહેવાયું' ('ગવાયું?’) છે. કવિનો આ ગતપંખી પાછળનો વિલાપ એમના જ શબ્દોમાં સાંભળો : હું એ પંખીની વાત કરું છું.
‘હું એ પંખીની વાત કરું છું
જેણે પોતાની બંને પાંખો ખેરવી નાખી છે ને
હવે એનો કેવળ સાદડી તરીકે ઉપયોગ કરે છે
લક્કડખોદ કંસારા અને દરજીડા જેવું જ
આમ તો દેખાય છે
પણ નાગરોએ એને નાત બહાર મૂકેલું છે
............
હું એ પંખીની વાત કરું છું
કે જે હતું
ત્યારે ભારોભાર ન હતું
ને હવે
આ પિંજરમાં
એનું ન હોવું
હળવે હળવે ઝૂલી રહ્યું છે.’ (એજન, પૃ. ૧૯)
અહીં ‘પિંજરમાં એનું ન હોવું’ અને ‘હળવે હળવે ઝૂલવું’ જેવા ગદ્યપ્રયોગ પંખીના પીંછાની હળવાશ લઈને આવે છે. એ પછીના કાવ્યમાં શગ જેવાં તગતગતાં ચંચુથી વીજળીના તણખલાં વીણીને જીવનદર્શનનો માળો રચતાં હૂંફાળી રાખના નિભર્યુ એવાં આત્મન પંખીનું સરળ દર્શન કવિએ વ્યક્ત કર્યું છે. તો એ પછીના કાવ્યમાં પંખી અને તેના શરસંધાન નિમિત્તે કવિએ જીવનના અર્થોને દાર્શનિક ઢબે વ્યક્ત કર્યા છે. જુઓ : ‘હજાર પાન/હજાર ફૂલ/હજાર ફળ/હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે/ને એની એકાદ હથેસળીમાં/ હાજર છે/એક પંખી/એટલું બધું જીવંત કે મૃતક જેટલું સ્થિર…' (‘પંખીપદારથ', પૃ. ૨૧) આ સમગ્ર કાવ્યમાં પારધી, વ્યાપારી, ગૃહસ્થ, પ્રણયી, એકાકી, જોગી અને પંખીની આંખમાં સ્વયંની છબિ જોઈ શકતા એક એવા બાણાવળીના આત્મીય શરસંધાનની વાત છે જે હવે પોતાની ‘સાચ્ચી ઓળખ' પામીને પંખીની જેમ જીવનવૃક્ષ પર સ્થિર થઈ બેઠો છે. તો વળી આ જ ગુચ્છના એકબીજા કાવ્યમાં ‘ઋષિના મન અથવા કુપાચ્ય અન્નની..’ કથા માંડીને કવિએ આપણા જ્ઞાન વિકારોને ગદ્યકાવ્યમાં વ્યક્ત કર્યા છે. ઉચ્છિષ્ટ અને ઉપનિષદ વચ્ચેનો ભેદ જાણતું કવિનું આત્મન્ પંખી હવે નિજના નિરંતર ઉપવાસમાં ઊડી ગયું છે એવો નિર્લેપતાનો સૂર આપણને આ કાવ્યમાંથી સંભળાય છે. તો અન્ય કાવ્યમાં કવિનું નામ વિનાનું નિરંતર ઊડતું પંખી જટાયુ, જોનાથન લિવિન્ગસ્ટન સીગલ, મીઠ્ઠુ મિયાં, કાકભુશુંડી, કે ડોનાલ્ડ ડક જેવા નામધારી પંખી બનવા કરતાં સર્વનામોની સોંસરવું ઊડી રહ્યું છે તેની પૂર્ણ પ્રતીતિ કવિને થાય છે. પંખીગુચ્છના આ તમામ કાવ્યોમાં કવિ આપણી સાચી ઓળખને જ વ્યક્ત કરવા મથી રહ્યા હોય તેવા ગદ્યના સૂર આપણને સંભળાય છે, ક્ષુધા અને પિપાસા આપણા કુળની-પંખીકુળની જુગજૂની સમસ્યા છે. એની હગારની વાસથી અઘરો બની ચૂકેલો આપણો હતપ્રભ પંખીપિંડ એક એવા આકાશની શોધમાં છે જે આપણી અંદર જ સમાયેલું છે.
સમગ્ર કાવ્યસંગ્રહમાં કવિ રૂપકોની મદદથી જ મનોગત ભાવપદાર્થોને ખોળતા હોય એવી પ્રતીતિ સતત થાય છે. ગદ્યમાં આ મનોગત ભાવને રસાન્વિત કરવા માટે કવિએ ચિત્રાન્વિત ગદ્યશૈલીનો અનેક સ્થળે વિનિયોગ કર્યો છે. તેનું એક ઉદાહરણ આ રહ્યું :
આ તે પંખી છે કે પડી ગયેલો પવન?
ખરેલા જાસૂદના ફૂલ જેવડી ડોકી ને કરમાયેલી પાંખો, -
એની પર ફડફડ થતી પાનખર પણ તમે જોઈ શકો નરી આંખે-
બંધ પોપચાંમાં બળબળતી બે ચણોઠીઓ
ફાટેલી ચાંચની બખોલમાં રઝળે છે રણનાં જીવતાં કલ્પન
ને ગલોફાં મૃગજળથી પલળી ગયાં હોય એમ તતડે છે
પગની લબડતી દોરડીઓમાં ગાંઠો પડી ગઈ છે ચકરાવના થાકથી
રગ રગમાં ફૂલી ગયા છે અડસઠ તીરથના ગૂંચવાયેલા મારગ
પારધીએ ફેંકેલી પગદંડીઓની જાળમાં
ભરાઈ ગયેલા રાંક પગલાં
રુદિયું તો રુધિરનું ધબધબ ખાબોચિયું
પંખી તો કેવળ બહાનું છે
આ પીંખાયેલા પીંછાના ઢગલાને ઊંચાનીચા થવાનું
આ લોથપોથ શરીર
જાણે પંખીએ પોતે જ પોતાની ઉપર
મંદાક્રાંતામાં ફેંકતાં ફેંકી દીધેલો પથ્થર' (એજન, પૃ. ૨૯)
-ગદ્યચિત્રની આછી રેખાઓ કાવ્યમાં કેટલી સરળતાથી પંખી ને પવન ને પવનને પંખી બનાવી દે છે! કાવ્યમાં ગદ્યનો એક એક વર્ણસૂર આધુનિક ભાવચિત્રો રચીને અનેક અર્થસંદર્ભો સુધી ભાવકને લઈ જાય છે. પંખીગુચ્છના આ કાવ્યોમાં આમ અનેક રીતે મનોગત અર્થસંદર્ભોને કવિએ ઉઘાડ્યાં છે.
‘નારંગીગાથા’ ગુચ્છના કાવ્યોમાં નારંગીના રૂપક નિમિત્તે જીવન અને તેના રહસ્યાત્મક અર્થસંકેતોને ખોલવાનો પ્રયત્ન કવિએ કર્યો છે. અહીં ‘હું તમાર હથેળીમાં નારંગી મૂકું છું’ કાવ્ય સંવાદાત્મક રીતિથી કહેવાયું છે. નારંગી અહીં કોઈ ફળ માત્ર ન રહેતા જીવનદર્શનનું પ્રતીક બનીને આવે છે. તો વળી ‘નારંગી રંગ છે કે ફળ?' કાવ્યમાં નારંગીના તમામ અધ્યાસો બદલી નાખીને ચિત્રકાર અને માળી વચ્ચે વિવાદ ઊભો કરાવ્યો છે અને બંને પોતપોતાની દલીલોને પુરવાર કરવા માટે અનેક પુરાવાઓ આપે છે, પરંતુ અંતે તો એક નિષ્કર્ષ આવ્યો કે, ‘આદિમ નથી હોતો રંગ કે નથી હોતું ફળ… આદિમ તો હોય છે કેવળ પ્રકાશ.’
તો, ‘નારંગીગાથા’ ગુચ્છમાં ‘તમે સમજદાર હો સારી પેઠે... એક સુંદર ગદ્યકાવ્ય છે. અહીં નારંગી જીવનનું એક એવું વસ્તુતત્ત્વ બને છે કે જે પોતાના ભાવસંદર્ભો બદલીને માનવીની ઇપ્સિત વસ્તુ બની જાય છે અને પછી નારંગીપણાની પાછળ જ મનુષ્યનું ભટકણ શરૂ થઈ જાય છે. આ ગુચ્છના તમામ કાવ્યોમાં કવિની આધુનિક મનુષ્યની આંધળી અને પાંગળી નારંગીગાથા જુદા જુદા વાગ્સૂરમાં કહેવાઈ છે.
‘પંખીપદારથ' કાવ્યસંગ્રહમાં ઉત્તમ ગદ્યકાવ્યો જો કોઈ ગુચ્છમાં હોય તો તે ‘…ચીતરવા વિશે’, ‘...સાપુતારા' અને ‘...ગૃહસ્થસંહિતા’ કાવ્યગુચ્છમાં છે. આ ત્રણ ગુચ્છની કવિતાઓ એવી છે કે જેમાં કવિએ પ્રયોજેલું ગુજરાતી વ્યવહારુ ગદ્ય કાવ્યપદાર્થને પચાવી શક્યું છે. એક ચિત્રકારની જીવનચિતરામણની મૂંઝવણ કવિએ ‘…ચીતરવા વિશે’માં વ્યક્ત કરી છે. કવિની ચિત્ર વિશેની સમજણ એમને ગદ્ય ચીતરવામાં કામે લાગી છે. ‘શબરી ચીતરવા વિશે’ કાવ્યનો આ સર્જનાત્મક ગદ્યઉઘાડ કાબિલેદાદ છે. જુઓ : ‘વન ચીતરવું હોય તો પરથમ પહેલાં ઊભી લીટીઓ દોરવી પડશે./કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની, ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી./લીટીઓ, સાવ સીધી તો નહીં જ, ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં/ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી./પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં/એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી, ટટાર ઊભી લીટીઓ./ એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને ‘અડોઅડ’, ‘ખીચોખીચ’, ‘ગાંઠાળી’, ‘વાંકીચૂકી’, ‘ભમરાળી', ‘રંગ બદલતી’ જેવા શબ્દપ્રયોગોમાં ગદ્ય આકારિત થતું આવે છે. વળી, આ સમગ દીર્ઘકાવ્યમાં આવા તો અનેક ગદ્યચિત્રો છે કે જેનાથી કવિની સર્જનાત્મકતાનો અણસાર આવી શકે. વધુ એક ઉદાહરણ જુઓ :
- ‘પેલી બાઈના સ્થિર શરીર પર / જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે. / એને મન તો ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય - બધું સરખું છે. એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે / અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી. / ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ તો ખાખરાનું ચપટું પાન / ને ધૂળિયાં પાંસળાં પર લબડે છે સ્તનોના ઓઘરાળા. / એની દીંટડીઓને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી. / ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ / ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં. / એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે. / એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો / સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય / ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી.’ (એજન,પૃ. ૮૬)
આ સમગ્ર કાવ્યમાં બારીકમાં બારીક અવસ્થાઓનું ચિતરામણ આપણા આ ગદ્યચિત્રકારે સુંદર રીતે કર્યું છે. સલામ ગુજરાતી કાવ્યગદ્યના આ ચિત્રકારને જોકે આ કાવ્ય જ કવિએ આપણાં સમર્થ ચિત્રકાર અતુ ડોડિયાને અર્પણ કર્યું છે. ‘…ચીતરવા વિશે’ ગુચ્છમાં આવાં જ સુંદર ભાવસંદર્ભો ને જીવનના ગૂઢ રહસ્યોને ચિત્રિત કરતાં ગદ્યચિત્રો ‘પૃથ્વી ચીતરવા વિશે’, ‘સ્થળસમય ચીતરવા વિશે’, ‘ઝાકળ ચીતરવા વિશે’ કાવ્યોમાં કવિએ દોર્યા છે.
તો, ‘સાપુતારા’ (ડુંગરા ચીતરવા બેઠેલા ચિતારાઓની વચ્ચે) ગુચ્છમાં ગદ્યચિત્રોનું એક રસલી ચિતરામણ કવિએ કર્યું છે. એમાંના એક કાવ્યનો આ ઉઘાડ જુઓ: ‘હજી તો ચાર પાંચ ગાઉ આઘે ઊભા છે માઘના પ્રહર / તોય રહી રહીને એ તરફ લળી પડે છે પોષના ઠંડાગાર ડુંગરા. / સૂર્ય સ્ટ્રોબેરીના ચાળા પાડે છે / ને છેટે બેઠેલી કિરાતબાળા મધમાખ બનીને ચૂસે છે તડકાની ખટુમડી ગંધ ... ધોળેદહાડે ડુંગરાના ખડકાળા હાડમાં રહી રહીને અંધારાં ચળકે છે...’ (એજન, પૃ. ૧૦૪) ઇન્દ્રિયવ્યત્યયોની મદદથી ‘સાપુતારા' ગુચ્છના કાવ્યો સમગ્ર કાવ્યસંગ્રહમાં વધુ જીવંત બન્યા છે.
તો, ‘ગૃહસ્થસંહિતા'ના ‘ગૃહિણી'ના કાવ્યો કવિની પાકટ વયના પતિના ભાવથી સર્જાયા છે. આ સમગ્ર નવ કાવ્યોમાં પત્નીના વર્તન અને પતિના ગૃહસ્થી પ્રતિભાવોમાંથી આ કવિતાઓ રચાઈ છે. ગૃહસ્થી સંસારના અનેક કૉલાજ કવિએ આ નવ કાવ્યોમાં પોતીકા ગદ્યની રંગીન છાંટથી ચીતરી બતાવ્યા છે. યયાતિ અને ‘ગૃહઉદ્યાન'ના કાવ્યગુચ્છો પણ એક રીતે જોઈએ તો ‘ગૃહસ્થસંહિતા'ના જ પ્ર-ભાગો છે. તો ‘પડોશી’, ‘છાપાવાળો છોકરો' અને ‘આ પોપટો, અમારા વિદ્યાનગરના' જેવા ગદ્યકાવ્યો આધુનિક ભાવસંદર્ભો લઈને સામાજિક રુગ્ણતાઓ ઉપર મર્માળા કટાક્ષો કરે છે. ‘છાપાવાળો છોકરો' કાવ્યમાં કવિનું વ્યવહારુ ગદ્ય મીઠા આક્રોશથી રજૂ થયું છે. પુરુષગુચ્છના ત્રણ કાવ્યોમાં અધ્યાત્મનો રાગ કવિએ ગાયો છે. જુઓ : ‘...એના એકે હાથમાં / નથી પદ્મ, નથી છદ્મ / નથી વાદ્ય, નથી વેદ્ય, / નથી આયુધ, નથી અર્થ / નથી વ્યૂહ, નથી વ્યવહાર. / કેવળ ફરફર્યાં કરે છે એના અગણિત હાથ / અંદર બહાર / સુગંધની જેમ જોજનના જોજન નિષ્પ્રયોજન / સ્પર્શની સીમા વટાવીને એના અનન્ય હાથ / હરિરંતર સર્વત્ર સ્પર્શતા રહે છે કેવળ સ્વયંને.’ (એજન, પૃ. ૧૫૮)
‘મીડિયા-મેટાફર' ગુચ્છના ત્રણ કાવ્યો પણ આધુનિક અર્થસંદર્ભોને લઈને આવે છે. જેમાં ‘એકવડા બાંધાના માણસનો અહેવાલ’, ‘પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ’, ‘કોમર્સિયલ બૅંકવાળી છોકરીનો એપિસોડ’ આધુનિક ગદ્યકાવ્યની અવનવીન તાસીરને આલેખે છે. આ કાવ્યોમાં કવિએ કોઈ ને કોઈ જીવનના દારુણ સત્યને નિરૂપિત કર્યું છે. કોઈ ફેક્ટરીમાં કામ કરતો માણસનો અહેવાલ તેના જીવનની જેવો જ ભૂખાવળો હોય છે તેની પ્રતીતિ ‘એકવડા બાંધાના માણસનો અહેવાલ' કાવ્ય વાંચતાં થશે. ગદ્યમાં કવિએ મૂકેલા કાવ્યગત ચમકારા જુઓ તો આપણને પણ વિન્સેટ વાન્ગોગના ચિત્ર ‘પોટટો ઈટર્સ' જોતાં જે પ્રકારની ભૂખ લાગતી તેવી જ ભૂખ ‘એકવડા બાંધાના માણસનો અહેવાલ' વાંચતા થાય છે. અદ્દલ નારાયણ પૂંજા જેવા દેખાતા આ માણસની પત્ની સાવિત્રી તેને રોજ ટિફિન ભરી શાક…’ (એજન, પૃ. ૧૬૨) એકવડા બાંધાના આ માણસની પત્ની વિશેનું કવિનું આ નિરીક્ષણ પણ ચૂકવા જેવું નથી. જુઓ : ‘એક વાત કહેવાની વીસરી ગયો : પેજ થ્રીવાળા કહે છે એમ એ બાઈનું પણ જીરો ફિગર હતું / જબરી જિગરવાળી બાઈ / લગભગ રોજ એકટાણાં કરતી ને એનું પેટ કાયમ ભરેલું રહેતું : અંગૂઠા જેવડું એક બચ્ચું ઊંધે માથે ચોંટેલું હતું એના પેટમાં. મ્હોલ્લાવાળાને એક વાતની ચિંતા રહેતી કે ન કરે નારાયણ ને એ પણ એકવડા બાંધાનું પાકશે તો? (એજન, પૃ. ૧૬૧) ગદ્યના આ ચાબખા ભાવકને સળ પાડ્યા વિના રહેતા નથી. ‘કોમર્સિયલ બ્રેકવાળી છોકરીનો એપિસોડ' કાવ્યનું ગદ્ય એક અલગ આસ્વાદ રોકી લે તેવું આધુનિક ઢબનું છે. કાવ્યનો આ ઉપાડ તો જુઓ : ‘ચૌદેક વરસની થઈ / ત્યારે એને ખબર પડી કે / એની ઊંચાઈ કેવળ પાંચ ફૂટ છે ને એ ઠીંગણી છે. / અરીસાએ ચાડી ખાધી, પડછાયાએ ચીડવી / એટલે એણે પગ પછાડ્યા ને અંબામાના ફોટા તરફ જોઈને ટિટોડી જેવો ચિત્કાર કર્યો : શીટ્ / કાવ્યમીમાંસાની દૃષ્ટિએ આ ‘અફેકતટીવ ફેલસી’ હતી.’ (એજન, પૃ. ૧૬૫)
‘..કેમ્પેઈન’, ‘…જુબાની', '..જાતકકથા', ‘રંગની દુકાને’ અને ‘….સમુદ્રમંથન’ જેવાં કાવ્યોમાં પણ કવિના તીર્યક વાગવ્યવહાર સંભળાય છે.
‘પંખીપદારથ' કાવ્યસંગ્રહના પાકકથનમાં કવિએ જે કાવ્યના લય, અ-છાંદસ અને ગદ્યકાવ્ય સંદર્ભે કેફિયત આપી છે તેમાં આ તમામ કવિતાઓ ગદ્યકાવ્યના સ્વભાવને બરાબર ઝીલી શકી છે પરંતુ તેમ છતાં ‘પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ' કાવ્યના ઉઘાડમાં ભલે આછો પણ લયનો એક ભાવછંદ તો સંભળાય જ છે. સાંભળો : ‘એની કને / પોણા બે વીઘાનું ખેતર હતું. / વાડમાં ચિભડાં, એક-બે છીડાં, શરાફનાં મીંડાં / સાત બારનો એક ઉતારો ને આખા ગામનો ઉતાર તલાટી હતો / બધાંયને હોય એમ એને ય હતાં, બાયડી છોકરાં. / બે બાખડી ભેંસો, પેટનું જૂનું દરદ, / પચ્ચી ફૂટનાં આંતરડાં, આવડી અમથી જઠર ને કંકાસિયો કૂવો. / મવડાની પોટલી ચડાવીને એ ધૂણ્યા કરતો, માતાજીનો ભૂવો...’ (એજન, પૃ. ૧૬૩) આમાં એક કઠણ તો કઠણ પણ લય તો છે જ. જોકે કવિપક્ષે એક આશ્વાસન એ પણ છે જ કે વ્યવહારુ ગદ્યમાં પણ લયના સંચલનો તો હોય જ છે. તો પછી કાવ્યપદાર્થ જ વધુ મહત્ત્વનો હોવો જોઈએ..… ક્યારેક લય, અછાંદસ કે ગદ્યકાવ્યની સંજ્ઞાઓને સ્વ-ભાવ કે સ્વ-રૂપ આપવામાં કાવ્યતત્ત્વને નુકસાન ન થઈ જાય એ પણ આધુનિક ગુજરાતી ભાષાના કવિઓની જવાબદારી છે, સાહેબ.
(‘અધીત : છત્રીસ')