< અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’
એમ. આઈ. પટેલ
છેલ્લાં સાત-આઠ વર્ષમાં સામયિકો અને કાવ્યસંગ્રહોમાં છપાતી અને પ્રગટ થતી ગુજરાતી કવિતા એની પૂર્વેના બે-ત્રણ દાયકાઓની કવિતાનું કેવળ પોપટરટણ છે. આજથી બે-ત્રણ દાયકા પૂર્વે લખાતી અને એ કાળે આધુનિક લેખાયેલી, આપણી કવિતા એ પછીના સમયમાં ઝડપથી નિર્જીવ બની ગઈ. આજે મોટા ભાગે ગીત, ગઝલ અને અછાંદસમાં કવિતા લખાય છે. આ બહુ લખાતી કવિતા છે; પરંતુ ગીતમાં રમેશ પારેખ, અનિલ જોશી વગેરેએ સિદ્ધ કરેલી આધુનિકતા અને ગઝલમાં આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી વગેરેએ તોડફોડ કરી પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ આજે આપણે ગુમાવી દીધી છે. ઉછીનાં સંવેદનો લઈ ગીત-ગઝલના રવાડે ચડેલી કેટલીક ‘દેવચકલીઓ' (હરીશનો શબ્દ) અને છાંદસ- અછાંદસ, કાવ્યપ્રકાર, બાની, કલ્પન, પ્રતીક વગેરે કંઈ પણ સમજ્યા વિના ‘કવિતાના નામે કકરા પથ્થરના ઓટે પેણ ઘસ્યા કરતા' (પૃ. 59) કેટલાક ‘વાંકાં અંગવાળાઓ’ (પૃ. 58) કવિતાનાં જે કંઈ ચિતરામણ કરી રહ્યા છે એમાં કવિતા અલ્પ છે. આવી અસંખ્ય કવિ-કલમોને કાવ્યનાયક ધ્રિબાંગસુંદરે પ્રેમપૂર્વક ઠપકો આપતાં એકાધિકવાર કહ્યું છે: ‘પ્રિય મિત્ર, તું કવિતા ન લખે તો નહીં ચાલે? (પૃ. 63 અને 66) આજે ઢગલાબંધ લખાતી કવિતા કવિતા છે ખરી? એ કવિતાને વાંચનારા કેટલા? એને માણનારો વર્ગ કયો અને કેટલો? વગેરે પ્રશ્નો ઉદ્ભવે છે અને જો એ પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો પરિસ્થિતિ ભાગ્યે જ સુખદ લાગે છે.
કવિતાનો આ લીલો દુષ્કાળ છે. આવી પરિસ્થિતિ વચ્ચે આશ્વાસન લેવા જેવી એક બાબત એ છે કે આજે પણ ગીત, ગઝલ અને અછાંદસમાં કેટલાંક આંતર-બાહ્ય પરિવર્તનો દાખવીને, ગણતર ધ્રિબાંગસુંદરો નિજી મુદ્રા-અવાજ- મિજાજવાળી કવિતા લખી રહ્યા છે. ‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’ આવું એક આવકાર્ય કવિકર્મ છે.
ધ્રિબાંગસુંદર આ સુદીર્ઘ રચનાના કવિનાયક છે. ધ્રિબાંગસુંદર સાક્ષાત્ કાવ્યાવતાર-કવિઅવતારરૂપે વિલસે છે : ‘ધ્રિબાંગસુંદર અહો! અવતરે સ્વર્ગ ત્યજીને’ (પૃ. 2). કવિતા વિશેની આ કવિતા છે. એમાં કાવ્યનાયક ધ્રિબાંગસુંદર કવિ અને કવિતા પર અનેકશઃ કટાક્ષ કરે છે. વ્યંગ્ય, કટાક્ષ, તિર્યક્તા રચનાના કેન્દ્રમાં છે. કહો કે એ કાવ્યનાં ચાલક બળ છે. આનંદ પામવા જેવી બાબત એ છે કે વ્યંગ્ય-કટાક્ષ કવિતામાં ઓગળી જઈ, લક્ષ્યવેધ કરે છે. અહીં કવિ કટાક્ષ કરવા ખાતર કટાક્ષ કરતો નથી, પરંતુ એના કટાક્ષ પાછળ આજની અપાકર્ષક અને નિરાશાપ્રેરક કવિતા વિશેનું એમનું બારીક અવલોકન, કવિતાને માર્ગદર્શકરૂપ બની રહે એવા સમજદારીભર્યા પ્રતિભાવનો એમને દેખાયેલો અભાવ, કાવ્ય સંપાદકોની એમણે જોયેલી બિનજવાબદારીભરી સંપાદન-નીતિ-રીતિ, સાચુકલી અનુભવ પ્રક્રિયામાંથી વિચ્છેદ પામી કેવળ શબ્દના ફોગટ વિસ્તારમાં રાચતા અને એમ જ રાજીના રેડ થઈ જતા નવોદિતો વગેરે અંગેની એમની વેદના ડોકાય છે. આ કવિવેદના રચનાના કેન્દ્રમાં છે અને તે સમસ્ત કાવ્યમાં વિસ્તરી રહે છે.
કાવ્યના આરંભે-
‘લાયા સાખી બનાય કર, ઈત ઉત અચ્છર કાટ |
કહૈ કબીર કબ લગ જીયે, જૂઠી પત્તલ ચાટ I!'
‘ધ્રિબાંગ સુંદરની જીભે ચાટ્યાનો ચળકાટ ।
કાચો દાણો અન્નનો. આ તેનો કચવાટ II'
(પૃ. 1)
વગેરે કથનમાં ગઝલનું સ્વરૂપ અને આપણી ભાષામાં થયેલા એના વૈભવી ખેડાણ અંગેની એમણે ભૂમિકા રચી આપી છે. કાવ્યનો ઉપાડ દોહરાથી કરી ગઝલના શેર સાથેનું એનું સામ્ય પણ છતું કરી આપ્યું છે. ગઝલ આજે તો એટલા પૃથુલ, પ્રચલિત અને ગળચટી બની ગઈ છે કે ‘વસૂકી ગયેલા (પૃ. 18) વૃદ્ધ ગઝલકારને રસ્તામાંથી ગઝલ જડે, ‘હગવા બેઠેલાં છોકરાં' (પૃ. 1) પણ ગઝલનો શેર જોડી કાઢે! ગઝલની સાંપ્રત સ્થિતિનો આ ઉપહાસ છે.
કવિતાને યોજાતી ભાષાની નપુંસકતા પર કાવ્યનાયક ધ્રિબાંગસુંદર દ્વારા કવિએ કરેલા પ્રહારો નોંધવા જેવા છે :
‘ભાષા, તને ભોગવીને ભવૈયા
જણે ગાભણા થૈ સવાસો સવૈયા.” (પૃ. 12)
‘ગિરવે મૂકી જીભને શબ્દવંશી,
ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા.'
(એજન)
નિરંતર નિરર્થક ચિંતન-મંથનમાં રાચતા ‘અક્ષોહિણી’ કવિઓ-સમકાલીનો માટે કવિ ‘પુખ્તવયના પર્વેયા'ની ગાળ આપે છે. એમના કવિકર્મ વિશે કાવ્યમાં આવા ઉલ્લેખો મળે છે : ‘વલોવ્યા કરે શાહીને નિત્ય ખંતે' (પૃ. 12), ‘એક બટેરું છાશ કરીને છંદે ભરી છલૂડી છે' (પૃ. 13). આવું કવિકર્મ બીજું કશું જ નથી. પરંતુ પ્રસ્તુત કાવ્યસંગ્રહના પૂર્વાર્ધની બારમી ગઝલના અંતે કવિ દર્શાવે છે તેમ ‘સૂક્કી ઝરણાંની ઝૂડી છે’ (પૃ. 13). અહીં ‘લયની દદૂડી’, ‘પિંગળશીની હૂંડી' (પૃ. 13) વગેરે દ્વારા ઠઠ્ઠાચિત્રો ઊભાં કરીને, કવિએ આધુનિક કવિતાવલણોની અને કવિપદવાંછુઓની હાંસી ઉડાવી છે. ઠપકાનો જેમાં સૂર છે એવી પૂર્વાર્ધની તેરમી ગઝલમાં કવિએ ‘લિંબોળી’, ‘ચણોઠડી’, ‘લવિંગ’, ‘તાંબૂલ’, ‘ચારોળી' વગેરેનો જે ઉલ્લેખ કર્યો છે તે નોંધપાત્ર અને આસ્વાદ્ય બની રહે છે.
કાવ્યમાં પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ અને ઉત્તર ઉત્તરાર્ધ એ ત્રણ ખંડોના આરંભે ગદ્યમાં પ્રાક્-કથન મૂક્યું છે. આ પ્રાથનમાં કટાક્ષસભર ઉલ્લેખો છે જે એ પછી આવનાર કાવ્યપરિવેશ માટેની ઉચિત અને બળૂકી પીઠિકા રચી આપે છે. દા. ત. ‘વ્યંજન વલૂર્યાં તો વનમાં દવ લાગ્યો’, …સીટી વગાડી તો પોલીસવાળાઓએ અંગત પિંગળશાસ્ત્રો રચી લીધાં', ‘કમોદના કોળિયામાં કરગર આવી' (પૂર્વાર્ધ, પૃ. 1); સંપાદનકાળમાં એમણે ઘણી ત્યક્તાઓને કાવ્યાશ્રય આપેલો', ‘એમને મળતી રોયલ્ટીમાંથી એમણે વ્યંઢળોને પુલ્લિંગ વહેંચેલાં', ‘વિવેચક તો ક્ષત્રિય જ હોવા ઘટે એવી એમની દૃઢ માન્યતાના અનુમોદનમાં એમણે પોતે જ પોતાની કટારી પોતાના પેટમાં ઘોંચી દીધેલી', 'અનુવાદ કરવાથી દીપી ઊઠે એવી શૈલીમાં તેમણે પોતાનું કાવ્યવિધાન રચેલું', ‘તેઓશ્રીના પૂર્વજો હિંગનો વ્યાપાર કરતા', ‘પોતે જ ડમિ અકાદમિ’, ‘એમના જવાથી પ્રકાશકો જુગનું થઈ ગયા અને ભાવકો ભડથું', ‘એમના જોડાની ચૈડ થકી મંદાક્રાંતા શીખતા નવોદિતો', “એમની સમાધિ પર ફૂલ ચડાવવાથી વસૂકી ગયેલા ગઝલકારોનેય એ ઉંમરે ઓધાન રહે', ‘શાક્યબળે કેટલાક પાઠ્ય બને છે પુસ્તકોમાં' (ઉત્તરાર્ધ, પૃ. 18); ‘બત્રીસ બત્રીસ વાર કોઈ અન્ય નક્ષત્રની Frequencyથી સિંહાસન પર ગયા ને બત્રીસ બત્રીસ વાર પૂતળીઓએ ટોક્યા’, ‘ગુજરાતી કવિતાના જીર્ણજળમાં અકીકના ટુકડા ફેંક્યા. કાચનું શાપિત સરોવર તૂટવાની વ્યથા વેઠીને પણ વમળ ન રચવાની પ્રથા જાળવે' (ઉત્તર ઉત્તરાર્ધ, પૃ. 35).
‘લયની હીંડછા જોઈને મોં મચકોડ્યું, ‘ખીલેલાં ફૂલોની ગભરુ ગંધમાં એનું સંવિદ્ બાલાં મારે, ‘કિશમિશના ઓશિકે માથું મેલીને વાઙ્મય વામકુક્ષિ કરે’, ‘કવિતાનાં પિયેરિયાં ઝાંઝરની ઘૂઘરીના ઘરમાં ઘણાં વર્ષોથી ભાડે રહે છે.' કલમયષ્ટિને ટેકે ટેકે....શંખજીરુની મૂછો ફફડાવતા… કવિતા મહર્ષિઓ…. પારિતોષિકા નામની ધોળેશરી વિષકન્યાને ચુંબન કરે છે’, ‘વિવેચકોને રસચર્વણ માટેની દંતાવલિથી વિશેષ કીમતી એવા હાથીદાંત ફૂટી નીકળ્યા છે’. (ઉત્તર ઉત્તરાર્ધ - 1, પૃ. 36); ‘વયોવૃદ્ધ કવિઓએ હાથે ચડ્યા તે સાઇઝના મુકુટો કંકાલ પર ધારણ કરી પાટનગર ભણી મોજડીઓ હંકારી મૂકી’, ‘શબ્દની કુલડીમાં ગોળ ભાંગ્યો', ‘કવિઓના દદડતા પિંગળરેલવા જેવું માસિક આવ્યું ને સૌ ખૂબ ખૂબ ખુશ થઈ ગયા' (ઉત્તર ઉત્તરાર્ધ - 2, પૃ. 45); 'શુદ્ધ સંપાદક સૂપડું હોવા ઘટે કે ચાવણી?’, ‘અંબેરિકા ને રશિયાએ તો વહાલથી પરાવાસ્તવિક પ્રજાઓને આપણી પૃથ્વી વતી વાયવ્ય ચુંબનો પાઠવ્યાં' (ઉત્તર ઉત્તરાર્ધ-3, પૃ. 59); ‘બેઠી દડીના કવિઓ અભરાઈ પર મૂકેલી અભિધા સુધી પણ પહોંચતા નથી’, ‘મુશાયરામાં બેઠેલી સ્વજન જેવી જીવાત’ (પૃ. 67) વગેરે. કાવ્યના દરેક ખંડને આરંભે મુકાયેલ આ પીઠિકાનું કાવ્યમાં કાવ્ય જેટલું જ મહત્ત્વ છે.
કાવ્યનું રચનાવિધાન ધ્યાનાર્હ છે. તેમાં પૂવાર્ધ, ઉત્તરાર્ધ, ઉત્તર ઉત્તરાર્ધ એમ ત્રણ ખંડો છે. ઉત્તર ઉત્તરાર્ધમાં વળી ત્રણ પેટા-ખંડો છે. પૂર્વાર્ધમાં સોળ ગઝલો છે, ઉત્તરાર્ધમાં સોળ ગઝલો છે અને ઉત્તર ઉત્તરાર્ધમાં ગીત પરંપરિત અને અછાંદસના પ્રયોગો છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની ગઝલોમાં અને એ પછી ઉત્તર ઉત્તરાર્ધની રચનાઓમાં એક સળંગ ભાવતંતુ-વિચારતંતુ વહે છે. કવિ, કવિતા, કાવ્યસર્જન, ભાવન, વિવેચન વગેરેના સંદર્ભે વ્યંગ્યભર્યું કવિનું બયાન ભાતીગળ બની સમસ્ત રચનામાં વિસ્તરે-વિલસે છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની ગઝલો સ્વતંત્ર ગઝલરચના તરીકે આસ્વાદ્ય છે અને ગઝલમાળા રૂપે પણ આસ્વાદ્ય બની રહે છે.
કવિનું ભાષાકર્મ ખાસ ધ્યાનાર્હ છે. પોતાના વ્યક્તને અનુરૂપ બની રહે ઉપરાંત તેને બળ આપે એ રીતે કવિએ શિષ્ટ ગુજરાતી શબ્દોની સાથે સાથે તત્સમ, દેશ્ય, ઉર્દૂ, હિન્દી, વ્રજ, બંગાળી અને અંગ્રેજી ભાષાના શબ્દોની સહોપસ્થિતિ યોજી છે. દા. ત. ‘દોષ હમારા નહીં હૈ' (પૃ. 5), ‘છલક છલક, બદરિયાં' (પૃ. 6), ‘યે હિ ઇક ઔષધ' (પૃ. 8), ‘તુમિ તા જાનો ના કિછું' 4. 19), “હાથ, તિહારો થામ્યો હમને બિચ બજરિયાં' (પૃ. 29), ‘મુખ પૈ પરદા ડારિ ચલત હૈ ગઝલસાહિબા’ (એજન), ‘તંગ તરન્નુમ’ (પૃ. 6), ‘લોચનની તશ્કરી’ (પૃ. 31), ‘પત્ર છૂંદણાં લિખું' (પૃ. 8), ‘ટિલડીનો બવ મોહ’ (પૃ. 15), ‘આમાર સકલ ગાન' (પૃ. 19), ‘ગઝલેર અંધકારે કિંશુક દ્યુતિ' (એજન), ‘ઇન્ડિપેણટંકાર' (પૃ. 32), ‘હેઠો મેલ્ય ટેલિફોન' (પૃ. 62), ‘ડળક ડળક ડિવિડન્ડ વોરન્ટ' (એજન), ‘હુંય તારા ગામનું ક્યારેક્ટર છઉં' (પૃ 24) વગેરે વિવિધ ભાષાસ્તરે કાર્ય થયું હોવા છતાં હરીશની ભાષામાં ક્યાંય વર્ણસંકરપણું વરતાતું નથી ઊલટું એમને વશવર્તીને ચાલતી ભાષા ક્યારેક નરી કથનાત્મક ‘પાદવાની હોંચ નહિ, તોપચીમાં નામ છે’, ‘મર્યા પછી મનોહર ટપાલટિકિટ થશે’ / ‘વિશ્વનાગરિક બની રઝળતું નામ છે' પૃ. 33; ‘પૂંકેસરની સળીઓ લૈને સુંદિરવરજી / દેવચકલીઓએ ગૂંથેલા માળે બેઠા’ (પૃ. 26); ‘માંગો તો આજ આપું ગઝલપિયારી' પૃ. 27 વગેરે), નરી કાવ્યાત્મક (પૂર્વાર્ધ- ગઝલ; 4, 5), નરી બળકટ (પૂર્વાર્ધ- ગઝલ : 3, પૃ. 4), ડિંગળશાઈ (ઉત્તર ઉત્તરાર્ધ-2, પૃ. 55) થઈ શકી છે. કવિએ પ્રયોજેલી રમ્ય પદાવલિ ક્યારેક ગઝલને ગીતસદૃશ્ય (પૂર્વાર્ધ- ગઝલ : 2, પૃ. 3) બનાવી મૂકે છે. ભાષાની ઘણીખરી શક્યતાઓને કવિ અહીં ખપમાં લઈ શક્યા છે.
કાવ્યમાં, ખાસ કરીને અછાંદસ પ્રયોગોમાં, લયતત્ત્વ જો ક્ષીણ કે નિર્બળ હોય તો ભાષાભિવ્યક્તિમાં જોડાતાં તત્ત્વો પરસ્પરથી વિચ્છિન્ન બની રહેવાનો ભય રહે છે. હરીશની આ રચનામાં લયતત્ત્વ ભાષાને એકતા અર્પવામાં, વિભિન્ન કલ્પનોના અર્થસંકુલનો પરિચય કરાવી આપવામાં અને ગઝલના શેર તથા અછાંદસની કંડિકાઓના સંયોજનમાં સમર્પક બની રહે છે. એ રીતે કવિ ઉપરના ભયને ઓળંગી ગયા છે. ગુજરાતીમાં આ પૂર્વે લખાયેલી લાભશંકર ઠાકરની લઘરો જૂથની કવિતા અને સિતાંશુના મગનકાવ્યોની પરંપરામાં હરીશની આ સુદીર્ઘરચના કીમતી ઉમેરણ બની રહે છે. લાભશંકરના ‘લઘરો'માં કથનનું પ્રાધાન્ય છે. અનેક વાર એમાં કૃતકતા વરતાય છે અને એની ‘અપીલ' પણ નહિવત્ છે. સિતાંશુના મગનમાં સપાટી પરની વિસ્તૃતતા અને સાયાસ ચપળતા અધિક છે, એમાં ઊંડાણ ઓછું છે અને એ ઝાઝાં પરિણામ પણ પ્રકટાવતું નથી. ‘ધ્રિબાંગસુંદર એણી પર ડોલ્યા’ આ બંનેથી જુદી રીતે પ્રવર્તે છે. અહીં કાવ્યત્વ છે. એમની આ રચના ગુજરાતી સાંપ્રત કવિતાનો બળવાન ઉન્મેષ છે અને આપણી કાવ્યવિવેચનાને લાંબા સમય સુધી અનેક રીતે પડકારી શકે એવી એ પુંસક છે.
વર્ષો પછી હરીશ કવિતાક્ષેત્રે ફરી પાછા પ્રવૃત્ત થયા છે. આ રચનાથી એમનું પુનરાગમન ઊંચી અપેક્ષાઓ જગાડનારું બન્યું છે. પરંતુ એમણે કહ્યું છે: ‘ફરી કવિતાસર્જનમાં પ્રવૃત્ત તો થયો છું પણ વેળાસર એનાથી પૂર્ણતયા નિવૃત્ત પણ થઈ જઈશ એવું તો લાગ્યા જ કરે છે.’ (‘શેષવિશેષ', પૃ. 2). ફરીથી એ કવિતાપ્રવૃત્તિથી વિમુખ બની બેઠા છે. હાલમાં તો ચૂપ છે. પણ ફરીથી કવિતાક્ષેત્રે એ પ્રવૃત્ત થાય એવી લાગણી સાથે આ પંક્તિઓથી અલમ્:
‘ધ્રિબાંગસુંદર બૈઠિયો કેવટ હોઈકે તીર ।
કવિતા નાહીં કૂપજલ, ભાષા બહતા નીર ।।'
❖
(‘અઘીત : તેર')