અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘નિર્વાણ' : નિર્ભ્રાન્તિ અને નિઃસંગતિની કવિતા
ડૉ. નીતિન વડગામા
સત્ત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વલણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા, સ્વરૂપ સમૃદ્ધિની દૃષ્ટિએ, મોટા ભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે. અલબત્ત, ગીતને નામે ગવાતું લોકઢાળો ને લોકબોલીનું વરવાપણું, ગઝલને નામે ચલાવાતું ચબરાકિયાપણું તથા ગદ્યકાવ્ય કે અછાંદસને નામે ગદ્યખંડો મૂકી દેવા જેવું રેઢિયાળપણું અકળાવનારું તથા જે તે સ્વરૂપના થતા શિથિલ ઉપભોગ પ્રતિ લાલબત્તી ધરનારું બની રહે છે. જોકે પ્રત્યેક સ્વરૂપને નિષ્ઠાપૂર્વક અને સંકલ્પપૂર્વક સેવનારા અપવાદરૂપ સર્જકો પણ આપણે ત્યાં છે એ આશ્વાસનરૂપ ઘટના છે. જે-તે સ્વરૂપની ખંતપૂર્વક સાધના કરનારા સર્જકો, ભલે આંગળીને વેઢે ગણી શકાય એટલા પણ છે ખરા. શેખ, સિતાંશુ, લાભશંકર આદિથી પ્રથિત અને પુરસ્કૃત ગુજરાતી અછાંદસ કવિતા સાથે સભાનતાપૂર્વક કામ પાડનારા કેટલાક કવિઓમાં કવિ નીતિન મહેતાનું નામ પણ ધ્યાનાર્હ છે. તાજેતરમાં પ્રકાશિત કવિતા કાવ્યસંગ્રહ ‘નિર્વાણ'માંથી કવિની સ્વકીય મુદ્રાનો સહજ આલેખ મળી શકે તેમ છે. આધુનિક કવિતાધારાનું અનુસંધાન ધરાવતી ‘નિર્વાણ’ની મોટા ભાગની રચનાઓમાં નગરસભ્યતાની કૃતકતા; નગરની ભીડ અને ભીંસની વચ્ચે રહેતા રહેંસાતા માણસની વિવશતા અને વિષમતા; એ યંત્રમાનવના જીવનની એકવિધતા અને એકાકિતા; એનો અભાવ, અજંપો અને અંતર્વ્યથા કાવ્યસ્થ થાય છે. આમ, સંગ્રહનો સિંહભાગ નિર્ભ્રાન્ત અને નિઃસંગ એવા માણસની વ્યથાની કથા આલેખે છે. મતલબ કે, મુહદંશે નિર્ભ્રાતિ, નિઃસંગતિ ને નિર્વેદની અનુભૂતિ આ કવિનો સ્થાયીભાવ છે, જેનું નિર્વહણ સંગ્રહની ઘણીબધી રચનાઓમાં થયેલું માલૂમ પડે છે. સંગ્રહની નાન્દીરૂપ પ્રથમ રચના ‘એક પત્ર'માં જ સમગ્ર સંગ્રહના ભાવવિશ્વ અંગેની પર્યાપ્ત ભૂમિકા પ્રાપ્ત થાય છે. નગર અને નાગરિકની સ્થિતિનો બોલકો ચિતાર મુળે છે. અહીં નિરંજન ‘પુચ્છ વિનાની નગરી'ના કલ્પન દ્વારા મુંબઈ નગરીની સૌન્દર્યહીનતા-શક્તિહીનતાને તાકે છે, તો નીતિન મહેતા ‘કાચીંડા’ના ઉપમાન દ્વારા આ શહેરની પ્રવૃત્તિશીલતા-ગતિશીલતાને ઉપસાવે છે. પરંતુ શહેરની આ પ્રવૃત્તિ કે ગતિ આંધળી છે, યાંત્રિક છે. એટલે જ તો કાવ્યનાયક-કવિ- પ્રિયપાત્રને પત્રમાં લખે - ‘તારો નીતિન પણ આ શહેરમાં બોલતો, કોલ્ડ કૉફી પીતો, જેઝ સાંભળતો ઉદાસ હસે છે. ઇમોશનલી ઇર્રેશનલ થઈ ગયો છે એ. વધુ પૂછીશ તો કહીશ ટ્રેન બની આવ-જા કરુ છું અહીંથી ત્યાં. તારે મને યાદ ન આવવું.' પ્રથમ કાવ્યને અંતે ઉલ્લેખાયેલી ટ્રેનનું અનુસંધાન ધરાવતા ‘ટ્રેન વિશે’નાં પાંચ કાવ્યો પ્રથમ કાવ્યની પીઠિકાના પરિપ્રેક્ષ્યમાં જ તપાસવા જેવાં છે. મુંબઈ જેવા મહાનગરમાં વસતા માણસનું અપરિહાર્ય અવલંબન એટલે ટ્રેન પ્રત્યેક સ્ટેશને જથ્થાબંધ ઠલવાતાં માણસોનો સઘળો વ્યવહાર ટ્રેન પર જ અવલંબિત છે. આ ટ્રેન ચુકાય ને બધો જ વ્યવહાર ખોરંભાય આ મુંબઈગરા માણસનો યક્ષ પ્રશ્ન છે ટ્રેન પકડવાનો ને જગ્યા મેળવવાનો. ટ્રેન ચૂકવાને કારણે નિયત સમયે બહેનને ત્યાં ન પહોંચી શકવા બદલ વસવસો કરતા નાયકની સ્વગતોક્તિ રૂપે થયેલા ‘શું કરું? / કોને કહું? / ટ્રેન છે ને?’ જેવા સવાલોમાં નગરમાં વસતા માણસની મજબૂરી અને વિવશતા બોલકી બનીને પડઘાય છે. વળી, Transferable Goods બની ગયેલા આ નગરમાનવને માટે ફાસ્ટ ટ્રેનના ભીડમાં ધક્કામુક્કી કરીને ચડવું-આખડવું-ઊતરવું. ‘સંસાર હૈ ઐસા ચલતા હૈ' કહીને મનને મનાવવું. ‘કેમ મજામાં?’ જેવા ઔપચારિક પ્રશ્નો પૂછી હેં… હેં… હેં… હા.. હા... હા.. ખી... ખી… ખી… કરવું, ગરમીની કે ગવર્નમેન્ટની વાતો કરવી, માગીને છાપું વાંચવું - એ બધું જાણે Routine થઈ ગયું છે. અહીં, મહાનગરના માણસના રોજિંદા જીવનના એકધારાપણાં કે એકસૂરીલાપણાને તાકવા ઉપરાંત એ માણસનો સઘળો વ્યવહાર-પ્રેમવ્યવહાર સમેત-કેવો કૃતક કે યાંત્રિક છે એને પણ ખુલ્લું પડાયું છે. ‘પ્રિયે । તું અને ટ્રેન બંને | ઘણી વાર તો સાથે જ ! યાદ આવો છો.' કે ‘તું યાદ આવે છે ટ્રેન જેવી' વગેરે પંક્તિઓમાં આની પ્રતીતિ થશે. પ્રસ્તુત ગુચ્છમાં નગર-જીવનની વિભીષિકાને કે કૃતકતાને વ્યક્ત કરવા માટે વિનિયોજાયેલી સમુચિત એવી ભાષાનું બળ પણ પ્રમાણી શકાય છે. ‘દરિયો' ગુચ્છનાં કાવ્યોમાં કાવ્યનાયકની નિઃસંગતા કે એકાકીપણાના પ્રતીકરૂપે દરિયો આવે છે. કૌતુકારાગી કવિતામાં પ્રયુક્ત દરિયાના અધ્યાસો અહીં કાર્યસાધક નીવડતા નથી, બલ્કે અહીં તો નાયકની નિર્ભ્રાન્ત કે એકાકી ચિત્તસ્થિતિના પ્રગટીકરણ માટેનું દરિયાનું પ્રતીકાત્મક મૂલ્ય સિદ્ધ થાય છે. શનિવારી બપોરનું દર્પણની પેલે પારથી ચાંચમાં દરિયો ઊંચકીને આવવું, રેતીમાં દટાયેલા નાયકનું નાનાં નાનાં જીવડાંઓથી ખવાઈને-કહોવાઈને બીજે દિવસે દરિયા કિનારે મળી આવવું, દર્પણમાં ઘૂઘવતા દરિયાને આંગળી અડાડી આખી રાત માત્ર બેસી રહેવું - વગેરેમાં દરિયાને અપાયેલાં વિશિષ્ટ પરિમાણની પ્રતીતિ અવશ્ય થાય. દરિયાની આવી આગવી અને પ્રતીકાત્મક મૂલ્યવત્તાના સંદર્ભમાં ‘દરિયો-૩’ રચના મને વધુ નોંધપાત્ર લાગે છે. દરિયાની પડછે નાયકનું એકલવાયાપણું અને ખંડિતપણું ભાષાની-અભિવ્યક્તિની વિશિષ્ટ તરેહ દ્વારા અહીં પ્રગટ કરાયું છે-
‘પણ મારી હાંફમાંથી
આકાશ
ખરતું
રહ્યું
મારી ઊંઘમાંથી હું જરા
ઢો
ળા
ઈ
મારા અવાજોની આજુબાજુ
વિખેરાઈ ગયો.’
(પૃ. 37)
માણસ યંત્ર સંસ્કૃતિના ભરડામાં ભીંસાતો કે રિબાતો શાપિત આત્મા છે એવી આ કવિની પ્રતીતિ છે. મોંઘા મનુષ્યદેહની દુર્લભતાને બદલે એની દુર્ભગતાનો સ્વીકાર કરવાનું કવિનું વલણ છે. ‘પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી’ કહીને માનવદેહને અભિશાપરૂપ ગણાવી, પોતાની ઓળખ આપતા કે માણસ થવાની પોતાની ચીઢ વ્યક્ત કરતા, માણસ જ માણસનો રોગ છે એવું નિદાન કરતા ને માણસ થવાના બોજાને વર્ષોથી વહન કર્યા કરતા ‘શાપિત માણસ’ની ઊંડી અંતર્વ્યથા છે-
‘તીણા ખીલા બની
ત્વચાની આરપાસ નીકળી જતી દોસ્તી
પથ્થરના પૂતળામાં ઠરી ગયેલો પ્રેમ
દીવાલની જેમ ચોપાસથી ગબડી પડતા સમ્બન્ધો
રણનો વંટોળ બનાવી છોડી દે છે મને
હું તરસ બની ચિત્રિત થઈ ગયેલો રંગ છું.’
(પૃ. 9)
દોસ્તીનાં મહોરા પહેરીને આચરવામાં આવતી લોહીઝાણ દાંભિકતા કે પ્રેમનાં રૂપાળાં નામ નીચે અનુભવાતી કૃતકતા, માનવ-સમ્બન્ધોની જીર્ણતા આ બધાંની વચ્ચે રહેવાનો શાપ પામેલા માણસની નિસ્સહાયતા અહીં મુખર બની ઊઠી છે, માણસની પોતાની જાત સાથેની અને જીવન સાથેની વધતી જતી વિચ્છિન્નતા વ્યક્ત થઈ છે, તો વ્યક્તિ મટીને Object-પદાર્થમાં પરિવર્તિત થતા જતા માણસની મનોગતિ પણ સમાંતરે નિરૂપાઈ છે. માણસોની માનવસહજ નબળાઈઓને તથા જીવનમાં અનુભવાતી Monotony-એક વિધાતાને અભિવ્યક્તિ મળી છે. ‘માણસો’ નામક રચનામાં અંધારામાં અથડાઈ પડતા, ટ્રેનમાં ઊંઘી જતા ને ભળતે જ સ્ટેશને પહોંચી જતા, અસ્થમા જેવા રોગનો ભોગ બનતા, ગુસ્સામાં બીજાને મારી દેતા ને વારંવાર પોતાની વાત કરતા, ફર્નિચરની વાત કરતાં વીલું મોઢું કરતા, ચાવીઓ ખોઈ નાખતા, ભૂતકાળને ખોદ્યા કરતા કે દંભ આચરતા માણસને માટે કવિને માન છે, કારણ કે-
‘તે હજી ઝઘડી શકે છે
મૂંઝાય છે, રઘવાયો થાય છે
ટકી રહેવા ફાંફાં મારે છે
ફીફાં જેવી વાતનો પહાડ કરે છે
એકબીજામાં શંકાનો વિશ્વાસ જગાવી શકે છે.’
(પૃ. 10)
માણસો માટે ‘સાચ્ચે જ', ‘હજી' કે ‘ખરેખર' માન હોવાનું કહેતા કવિ માણસો માટે માન હોવાનાં કારણો દર્શાવે છે આમાં કરુણામિશ્રિત વક્રતાનો સૂર સંભળાય છે, તો માણસની સાહજિક-સ્વાભાવિક કે કેટલીક દૈનંદિન પ્રવૃત્તિઓનો આલેખ કવિની ઝીણવટભરી દૃષ્ટિનો પરિચાયક બની રહે છે. આજના માનવનો આ ભર્યાભાદર્યા જીવન સાથેનો તંતુ તૂટી ગયો છે, માનવસમ્બન્ધની સંપન્નતા અને સ્નેહ-સમ્બન્ધની સભરતા હવે જાણે અનુભવાતીત બની ગઈ છે. ‘અનુભૂતિ’ શીર્ષકની રચનામાં આવી અભાવાત્મક અનુભૂતિ શબ્દસ્થ થઈ છે. ‘ખાલી રસ્તા વચ્ચે બપોર થઈને પલળતા વરસાદને ખાલી ખાલી કપ-રકાબીના અવાજથી ગળતી જતી સાંજ'માં ‘ખાલી' શબ્દનું આવર્તન આરંભથી જ અભાવની અનુભૂતિને દૃઢાવે છે. પછીથી બળવત્તર બનતી જતી આ વિશીર્ણતા કાવ્યના મધ્યભાગમાં મર્મવેધક બનીને આવે છે-
‘આંગળીના પોલાણ વચ્ચે
વૃક્ષ થઈ પવન પસાર થઈ જાય
અને આપણી આંધળી ચિંતાઓ
અને તડ પડેલાં સપનાંઓ
બારી-બારણાંની જેમ અથડાયા કરે,
રોજ સવારસાંજ વંટોળની જેમ’
(પૃ. 21)
નરી ભૌતિકતાની ભરમાર વચ્ચે જીવતા માણસને માટે હવે, સપનાંની સમૃદ્ધિનો અનુભવ પણ ગઈ કાલની ઘટના બની ગઈ છે. નિર્ભેળ સપનાનું સુખ પણ ન માણી શકતા માણસની છિન્નતા કે વિવધતા તેને, એક સાથે કરુણા અને દયાનું ભાજન બનાવે છે. અહીં પણ, ‘આંધળી ઇચ્છાઓ’ અને ‘તડ પડેલાં સમનાંઓ' દ્વારા આ વિચ્છિત્તિની તીવ્રતા પ્રગટ થાય છે. ‘ખોડાયેલા વ્યંજનો જેવા’ કે ‘તરસ્યા ખેતર જેવા' આપણી પાસે કોઈની પણ વાત કરવા જેવું કશું ન હોવા છતાં હવામાનની, પુસ્તકોની, ચિત્રોની, મીનાના કાકાની ને મનુની માસીની, શિવામ્બુ ને ઉપવાસ ને જૈનદર્શનની, કવિતાનાં પ્રતીકની ક્લીયોપેટ્રાના સ્તનની, ખણકતી ખાંસીની ને સ્વપ્ન સાવની વાતો કર્યા કરીએ છીએ, ને આવી ફોગટ પ્રવૃત્તિઓથી ‘ખંડિત દર્પણ જેવાં’ આપણાં વર્ષોને વાતોથી સાંધવાની વ્યર્થ મથામણ કરીએ છીએ એ વાત ‘એ જ એ જ' કાવ્યનો વિષય બને છે. આપણાં હોવાપણાંનો દંભ નથી જીરવાતો એનો સ્વીકાર આ કાવ્યમાં છે, તો ‘અશક્યતા’માં પણ પોતાની જાતને જ તાગી ન શકતા-કળી ન શકતા કાવ્યનાયકનો ધારદાર પ્રશ્ન છે કે ‘આ હોવું એ શું હશે?’ ‘ભાવ-પ્રતિભાવ'માં કેટલાક ક્ષુલ્લક પ્રશ્નોમાં પરોવાતા મનને મનનો જ જે પ્રતિભાવ મળે એની તિર્યક્ અભિવ્યક્તિ છે; ‘સમાધાન’ જાત સાથે સંવાદ સાધતાં અને સમાધાન શોધતાં કાવ્યનાયકના માનસને પૃથક્કૃત કરે છે, તો ‘વિકલ્પ' પણ આ જ તાસીરની રચના છે. ‘સવાર' શીર્ષકની બંને રચનાઓમાં કવિએ સવારનાં મૃદુ-મુલાયમ ચિત્રો આપવાનું કે સૂર્યોદય વેળાનો પ્રાકૃતિક પરિવેશ પ્રગટાવવાનું મુનાસિબ માન્યું નથી. અહીં તો, સવાર પડે ને ‘સ્ટૉપર ખૂલે' એ પહેલાં, રાત દરમ્યાનની માનવના પશુભાવની પ્રતીકાત્મક અભિવ્યક્તિ થઈ છે, તો વળી ધૂમ્રથી આચ્છાદિત એવા શહેરી સવારની વાત કરાઈ છે. ‘ગાય' રચના, વાહનોના પેટ્રોલની વાસથી ખીચોખીસ શહેરના રસ્તાની વચ્ચે, ગાયના મરી જવાની ઘટનાનો કશા જ અભિનિવેશ વિના વ્યક્ત કરે છે. ‘પથ્થર' ગુચ્છનાં લઘુકાવ્યોમાં કવિ પથ્થરને નવું જ પરિમાણ બક્ષી પ્રગટાવે છે. કવિ પાસેથી ‘ઘર'ની તાજગીપૂર્ણ વ્યાખ્યા આવી મળે છે -
‘પથ્થરો ચૂપચાપ
એકબીજામાં લપાયા
થોડા દિવસ પછી
ખાલી જગ્યા
ઘર કહેવાઈ'
(પૃ. 29)
ઘરને ‘ઘર' બનાવનારા જ પથ્થર, પણ અંતે તો એ પથ્થર સિવાયની ‘ખાલી જગ્યા' જ ‘ઘર'નું અભિધાન પામે એ કેવું વૈચિત્ર્ય! આપણી ગાંધીયુગીન કવિતામાં તુચ્છ કે નગણ્ય એવા વિષયોની પ્રતીકાત્મક અભિવ્યક્તિ કરવાનું કવિવલણ દેખીતું છે. કવિ નીતિન મહેતાએ ઉકરડો જેવા વિષયોને નિમિત્તે કાવ્યો કર્યાં છે. અલબત્ત, આ કવિ આ તુચ્છ વિષયોની પસંદગી જુદા જ દૃષ્ટિકોણથી કરે છે. પુરોગામી કવિઓની માફક આ કવિને કંઈ એ તુચ્છ વિષયોનું પ્રતીકાત્મક મૂલ્ય સ્વીકારીને એની મહત્તા પ્રસ્થાપિત કરવી નથી. અહીં તો મોક્ષ આપવાની ‘કવિવર’ને કાક્લૂદી કરતી જાજરૂની માખી દ્વારા કે ઊંચા વિચાર, પ્રતીક, અલંકારની ભાષામાં પોતાને અસર કરવા વિનવણી કરતા ચુસાયેલા ગોટલા થકી કટાક્ષાત્મક અભિવ્યક્તિ થઈ છે. વળી, આ તુચ્છ વિષયો અને સાથે જ પ્રચંડ પૂર્વસૂરિઓ-પોતાનો પીછો છોડતા નથી એનો સંકેત પણ અહીં મળે છે. ગોટલાની અમર કરવાની આજીજીને ગણકાર્યા વિના, એને જોરથી લાત મારીને ઘેર આવ્યા પછીની સ્થિતિમાં આ સંકેત વાંચી શકાય છેઃ
‘ઘરે આવીને જોઉં છું તો
અંગૂઠામાં લોહી જામી ગયું છે
ને પાનીમાં આંબાની ડાળી
ફૂટી નીકળી છે.’
(પૃ. 32)
ઉકરડાને પણ ‘ઇષ્ટદેવ’ વિશેષણ પ્રયોજીને, ઉકરડા પર ભજવાતાં દૃશ્યોને નિરૂપતું ‘ઉકરડો' કાવ્ય વાંચીને કેટલાકની સુરુચિનો ભંગ થવાનો સંભવ પણ ખરો. આ ‘ઇષ્ટદેવ' સમા ઉકરડા પર ઉંદરડાઓ ને વંદાઓનું ચોર્યાસી લાખના ફેરા ફરવાનું, શ્વાનયુગલનું રતિમગ્ન હોવાનું કે કોઈ પાગલનું હસ્તમૈથુન કરતાં કરતાં તેની પ્રદક્ષિણા ફર્યા કરવાનું; ગાંધીજી, ફ્રોઈડ, માર્ક્સને ટાગોરનું તીનપત્તી રમવાનું કે પછી નાગાંપૂગાં બાળકોનું સંતાકૂકડી રમવાનું- આ બધું ભદ્રલોકના નાકનાં ટેરવાં ચઢાવવા માટે પૂરતું છે. પરંતુ ગંદું કે ગોબરું ગણીને એને ઉવેખવાનો દંભ કરવાને બદલે જેનાથી છૂટી કે છટકી શકાતું નથી એનો સ્વીકાર કરવાનું કહેવાનું જ જાણે કે કવિને અભીષ્ટ છે. ‘પ્રવાસ', ‘યાત્રા', ‘મન' અને ‘અનંતયાત્રા' એ એક જ રગમાં લખાયેલી રચનાઓ છે. આ રચનાઓ પ્રવાસને લગતી છે, પરંતુ કોઈ સ્થળવિશેષના સ્થૂળ એવા પ્રવાસની વાત અહીં નથી, અહીં તો છે કાવ્યનાયકના પોતાનાથી પ્રારંભાયેલા ને પોતાના સુધીના જ પ્રવાસની વાત, પોતાને પામવાના પ્રવાસની વાત. ટૂંકમાં, માણસની પંડને પામવાની મથામણ તથા એની નિરર્થક દોટનું આલેખન આ પ્રવાસ વિષયક કાવ્યોમાં કેન્દ્રસ્થાને છે. એમાં પણ, પહેલાં બે કાવ્યને મુકાબલે પછીનાં બે કાવ્યો – ‘મન' અને ‘અનંતયાત્રા'- વિષયની વિગતપૂર્ણ અને લક્ષ્યગામી રજૂઆત કરે છે. ‘મન’માં ‘કન્ના કપાઈ ગયેલા મન’ની ઊડાઊડ તો દર્શાવાઈ છે, સાથોસાથ અવાજ વિનાની ટેપની જેમ અવકાશને સાંભળ્યા કરવો, વારંવાર ફ્યૂઝ ઊડી જવા છતાં પણ અંધારામાંથી ભાગી ન છૂટવું, ખાલી ખુરશીઓની ભીડ વચ્ચે ખાલી ખાલી બેઠા રહેવું, ઝાકળની જેમ પુલનું ઊડી જવું, આ પાર કે પેલે પાર જવાનું નક્કી ન કરી શકવું, અજવાળામાં પડેલા પૈસાને અંધારામાં શોધ્યા કરવું-વગેરે દ્વારા માનવીનું નિરર્થકપણું, ઠાલાપણું કે બોદાપણું પણ માર્મિક રીતે દર્શાવાયું છે. ‘અનંતયાત્રા’ પણ માણસની નિરર્થક અને નિષ્યપ્રયોજન યાત્રાને વિશે લખાયેલું કાવ્ય છે. ચાલ્યા કરવાનો અભિશાપ પામેલા માણસે, ઘાણીના બળદની માફક ચક્રાકાર ગતિએ, બસ ચાલ્યા જ કરવું પડે છે. યંત્રવત્! લેશ પણ બેસવાનું કે ઊભવાનું નથી એવા આ માણસની ટ્રેજેડી તો એ છે કે ઘર પાસેથી પસાર થવાનું પણ ઘરમાં જવાનું નહીં! વળી, કશા જ વાંકગુના વિના કેવળ ચાલ્યા કરવાની સજા ભોગવતા માણસની કરુણતાની પરાકોટિ તો એ છે કે પોતાને ભોગવવી પડતી સજાનું પ્રતીતિકર કારણ પણ જાણી નથી શકાતું, અને છતાંય એના નસીબમાં નિર્વિવાદપણે ચાલ્યા કરવાનું તો લખાયું જ છે! ને નિરંતર ચાલ્યા કરવા છતાંય એનો કશો અર્થ નથી. આ શાપિત માણસની નિર્દેતુક પ્રવૃત્તિને વધુ ઘેરી બનાવવા માટે સિસિફસનો સંદર્ભ ઉચિત રીતે જ અહીં આવી ગયો છે. ‘તરસ' આ સંગ્રહની એકાધિક દૃષ્ટિકોણથી સ્વતંત્ર તપાસ માગતી રચના છે. આમ તો, ‘નદી’ના ભાવવિશ્વનું અનુસંધાન અહીં આગળ વધતું જણાય છે. કેટલુંક પુનરાવર્તિત પણ થાય છે અહીં. ‘નદી'માં ‘રેતી ઓઢીને સૂતેલી નદી’ અને નાયકના ‘ગળામાંથી ઘૂમરી ખાતાં ઊડતાં તમરાંઓ’ તથા ‘છાતી સુધી ઊછળતી આવતી રેતી’ની સંનિધિ નાયકની તરસને પ્રગટાવવામાં ઉપકારક નીવડે છે. અહીં ‘તરસ'માં પણ ‘ગળાથી નાભિ સુધી રેતીથી ભરાઈ ગયો છું’ કે ‘ગળામાં ચામાચીડિયાની જેમ બાઝી ગઈ છે તરસ જેવી પંક્તિઓ સામી મળે છે. આ રચનામાં વિશેષ તો પાણીની-એ નિમિત્તે પંચતત્ત્વોમાંનાં એક એવા જળની - પ્રાપ્તિ માટેનો નાયકનો ઝુરાપો કાવ્યરૂપ પામે છે. અથવા કહીએ કે, જળ જેવા જીવનરક્ષક સત્ત્વની શોધયાત્રા અહીં કાવ્યવિષય બને છે. કેટલાંક તાજાં ઉપમાનો દ્વારા કાવ્યમાં સાદ્યંત નાયકની એ જળતત્ત્વને પામવા માટેની મથામણ વ્યક્ત થાય છે. તો —
‘પાણી પીવું છે
પાણી ખાવું છે
પાણી જોવું છે
પાણી પાણી પાણી
વાણી પાણી વાની
પાણી વાણી ખાલી'
(પૃ. 54)
વગેરેમાં વિશિષ્ટ એવા શબ્દસંયોજનને પરિણામે પાણી માટેની નાયકની તીવ્રતમ ઝંખના અને પાણી વિના સુકાતી વાણીની વાત બળકટ રીતે રજૂ થાય છે. વળી, ‘વાણી પાણી વાણી' કે ‘પાણી વાણી ખાલી’ જેવા વિલક્ષણ પ્રયોગો પણ આગવું ઔચિત્ય ધરાવે છે. એવી જ રીતે સમગ્ર કાવ્યના ભાવને વ્યંજિત કરવામાં અહીં, સમુચિત રીતે જ, નાટ્યાત્મક રીતે મદદે આવે છે. મૃત્યુ વિશેનાં બે કાવ્યોમાં મૃત્યુ અંગેના પ્રચલિત સાહચર્યોને કામે લગાડીને મૃત્યુની ભયાવહતા દર્શાવવાને બદલે મૃત્યુની અનુભૂતિને કવિ જુદી જ રીતે વ્યક્ત કરે છે. પ્રથમ કાવ્યમાં મૃત્યુ જેવા ગહન-ગંભીર વિષયની વાતચીતના લહેકામાં રજૂઆત થઈ છે, તો ‘આજે મને શ્વાસમાં / સંભળાય છે લીલી લીલી મહેક'થી પ્રારંભાતી દ્વિતીય રચનામાં ઇન્દ્રિયસંવેદ્ય અભિવ્યક્તિ સધાઈ છે. મૃત્યુ પહેલાંની ક્ષણની સ્થિતિનો સ્પર્શક્ષમ ચિતાર અહીં અપાયો છે, તો દવાની માફક પોકળ આશ્વાસન આપતાં, ચોમાસાનાં જંતુઓનાં જંતુઓની જેમ આંખોનાં ખાબોચિયાંમાં બણબણતાં સગાંઓ પ્રત્યે વિડંબના પણ વ્યક્ત થઈ છે. કવિ સંવિત્માં એકાકાર થયેલી આદિમતાની અનુભૂતિના સંદર્ભે ‘અલોપ' રચના ધ્યાનાર્હ જણાય છે. ‘પુનરાવર્તન જેવા' પોતાના પૂર્વજોથી છૂટવા-છટકવા-ભાગવા મથતા કાવ્ય-નાયકના લોહીમાં પણ અંતે તો પૂર્વજોની હાર પહેરેલી છબિઓ જ ટીંગાઈ જાય! ને અંતે પોતે પોતાપણું ગુમાવી, કપાળ વચ્ચેના દર્પણમાં ખડખડ ઝગમગતા પૂર્વજોમાં જાણે અલોપ થઈ જાય! આમ, નાયકની, પીછો ન છોડતા પોતાના પૂર્વજોમાં થતી પરિણતિની પ્રક્રિયા અહીં કાવ્યરૂપ પામે છે. કાવ્યનાયકની આવી જ આદિમ ચેતનાને શબ્દરૂપ આપતી અન્ય રચના ‘હવે' પણ આ જ ધારામાં લખાયેલી છે. સંગ્રહના અંત ભાગમાં શબ્દનિર્વાણ અને કાવ્યનિર્માણની સંકુલ પ્રક્રિયાને પ્રગટ કરતાં બબ્બે કાવ્યો મુકાયાં છે, તો અંતિમ રચના ‘એકરાર'માં સંવેદનને મળેલાં અને ભવિષ્યમાં મળનારા શબ્દરૂપ અંગેની કવિકેફિયત પ્રસ્તુત થઈ છે. કવિ નીતિન મહેતાની કવિતાનું ભાષાકર્મ પણ ઉલ્લેખનીય છે. અહીં કવિ, સંસ્કૃત-તત્સમ પદાવલિને મુકાબલે, બોલચાલની ભાષાને જ ખપમાં લઈને વિશિષ્ટ પરિમાણ પ્રગટાવે છે. કોઈની પણ પરવા કર્યા વિના મનની ક્રિયા અને પ્રતિક્રિયામાં જ મસ્ત એવો ‘ભાવ-પ્રતિભાવ'નો નાયક જે બેફિકરાઈથી પ્રતિભાવ આપે છે, એમાં બોલચાલની સહજ લઢણનો કાકુ ભળ્યો છે તે સાંભળવા જેવો છે -
‘જગત ભલેને જખ માર્યા કરે
આપણે તો એમ જ
અમથા બેઠા છીએ
કોલ્ડ કૉફી વીથ આઇસક્રીમ હાથમાં લઈને.’
(પૃ. 73)
આમ, વાતચીતના સ્તરનાં ગદ્યનો લય ભાવોપકાર બનીને અહીં આવે છે. આવાં અન્ય ઉદાહરણો પણ સંગ્રહમાંથી મળી આવશે. વળી, કશી જ સભાનતાપૂર્વક લય કે પ્રાસની ખેવના રાખ્યા વિના લક્ષ અને પ્રાસ અહીં કાવ્યભાવને પોષક બનીને સહજ રીતે જ આવી જાય છે. ‘તરસ’ રચનાનું અન્ત્યાનુપ્રાસની સહજ જાળવણી કરતું, લયાત્મક ગદ્ય જુઓ -
‘રગેરગમાં આગન દરિયો સૂસવાય
રૂંવાડે રૂંવાડે હજારો સૂર્યો ભોંકાય
વરસાદનાં પગલાં કાન પાસે આવી ઊડી જાય
ક્યાંય કશું ન દેખાય.’
(પૃ. 53)
જોકે લયસિદ્ધિ માટે મથામણ કરવાનું દેખીતું વલણ નથી. લય કે પ્રાસની જાળવણી મોટા ભાગે તો, સાહજિક રૂપે જ થઈ છે, તો ‘ના ના ના / હા હા હા / ના હા ના' જેવામાં ભાષાનો વળોટ કાવ્યનાયકના દ્વિધા પ્રગટ કરવામાં કામયાબ નીવડે છે. એવી જ રીતે ‘તડ પડેલાં સપનાંઓ’, ‘પીળી વેદનાનો અંધકાર', ‘જંગલની વચ્ચે ચાલી જતી કેડી જેવી જીભ', ‘કન્ના કપાઈ ગયેલું મન' અને અન્ય કેટલાંક ઉદાહરણો કવિની ઈન્દ્રિયસંવેદ્ય અભિવ્યક્તિનાં પરિચાયક બની રહે છે. અલબત્ત, નાહકનાં કૃતક કલ્પનોના ખડકલા કરવાનું આ કવિનું વલણ નથી, અને તે કવિતાના હિતમાં છે. કથયિતવ્યને વ્યક્ત કરવાનો માટે કવિ મહદંશે અહીં, કથનાત્મક - નિવેદનાત્મક અને નાટ્યાત્મક રીતિ અખત્યાર કરે છે. એમાં પણ કથન કે નિવેદનને મુકાબલે નાટ્યાત્મક પદ્ધતિ વક્તવ્યને સ્ફુટ કરવામાં ને અભિવ્યક્તિની ધાર કાઢવામાં વિશેષ ઉપયુક્ત નીવડે છે. ‘તુચ્છ વિષયનાં કાવ્યો', ‘અનંત યાત્રા', ‘તરસ' વગેરે કાવ્યો આનાં ઉત્તમ ઉદાહરણો છે. જેમ કે ‘તરસ' કાવ્યમાં જળ તત્ત્વનાં - પાણીના -પ્રાદુર્ભાવ વિશે, સ્વગતોક્તિ રૂપે પુછાયેલા પ્રશ્નોની આવલિને મળેલું, લયાત્મક અને નાટ્યાત્મક રૂપ જુઓ-
‘કોણે પ્રથમ ઉચ્ચાર્યો હશે આ શબ્દ
કોણે પ્રથમ જીભ પર વાવ્યો હશે. આ શબ્દ
કોણે પ્રથમ ચાખ્યો ચાવ્યો હશે આ શબ્દ
કોણે પ્રથમ ગળે ઉતાર્યો હશે. આ શબ્દ.'
(પૃ. 56)
ભલે નવી જ અર્થચ્છાયાઓ પ્રગટાવતાં હોય, છતાં દરિયો અને દર્પણ આ કવિના કવિતામાં વારેવારે પડઘાય છે, જે ખૂંચે છે. એવું જ મિથનું છે. અહીં પ્રયુક્ત પૂર્વની અને પશ્ચિમની મિથ કેટલીક વાર કાવ્યોપકારક બનીને પોતાની અનિવાર્યતા સિદ્ધ કરે છે, તો ક્વચિત્ આગંતુક પણ બની રહે છે. આ અપવાદનો તો ઉલ્લેખ માત્ર. આમ, નીતિન મહેતાનાં કાવ્યોમાં આધુનિક સંવિત્તિ ને એને મળતાં કલાકીય કાવ્યરૂપનો એકસાથે અનુભવ થાય છે. કવિ ભલે કહે, ‘આ જે કાંઈ લખાયું છે તે કવિતા નથી.’ પણ ‘નિર્વાણ'નાં કાવ્યોમાં કવિના સંવેદનને Significant Form મળ્યું છે એની કોઈ ના કહી શકશે નહીં, ખુદ કવિ પણ નહીં.
❖
(‘અધીત : ચૌદ')