અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ
ડૉ. ચંદ્રકાન્ત મહેતા

જેવી રીતે શ્રીકૃષ્ણ એ ભારતના પ્રાદેશિક સાહિત્યને સાંકળનારી કડી છે, તેવી જ રીતે રાધા પણ ભારતના પ્રાદેશિક સાહિત્યને સાંકળનારી એક મહત્ત્વની કડી છે. ગુજરાતી, બંગાળી અને હિન્દી સાહિત્યમાં રાધાનું જે સ્વરૂપ નિરૂપાયું છે, તેમાં કેટલુંક આશ્ચર્યજનક સામ્ય દૃષ્ટિએ પડે છે, જેનું એક કારણ એ છે કે રાધાનું સ્વરૂપ પુરાણોને આધારે કંડારાયું છે. વેદમાં રાધાનું નામ તો મળે છે, જેમ કે, ઋગ્વેદમાં એક મંત્ર છે : સ્તોત્ર રાધાનાં પતે. (૧:૩૦:૨૬); પરંતુ ત્યાં ‘રાધા’નો અર્થ શ્રીકૃષ્ણની પ્રિયતમા નથી; ‘રાધા'નો અર્થ ત્યાં ધન, અન્ન કે નક્ષત્ર એવો થાય છે. શ્રીમદ્ ભાગવત તથા મહાભારતમાં રાધાનો ઉલ્લેખ નથી. ભાગવતમાં શ્રીકૃષ્ણને એક ગોપી પ્રત્યે અનન્ય પ્રીતિ હતી એવો ઉલ્લેખ રાસલીલામાં એક સ્થળે આવે છે. રાસલીલા ચાલતી હતી ત્યારે ગોપીઓનો ગર્વ ઉતારવા શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ જાય છે, ત્યારે ગોપીઓ વૃંદાવનનાં વૃક્ષ અને લતાઓને શ્રીકૃષ્ણની માહિતી આપવા કહે છે, તે સમયે એમણે એક સ્થળ પર શ્રીકૃષ્ણનાં ચરણચિહ્નો જોયાં. ગોપીઓ આગળ વધે છે, ત્યારે એમને કૃષ્ણની સાથે કોઈ વ્રજયુવતીનાં પણ ચરણચિહ્નો દેખાયાં, જે જોઈને ગોપીઓ વ્યાકુળ બની ગઈ, અને અંદર અંદર કહેવા લાગી, જેવી રીતે હાથણી એના પ્રિયતમ ગજરાજની જોડે ગઈ હોય, તેવી રીતે નંદનંદન શ્યામસુંદરની સાથે એના ખભા પર હાથ મૂકીને જનારી કોઈ બડભાગી યુવતીનાં આ ચરણ ચિહ્નો છે. એ પછી એ વિષે લખ્યું છે :

अनयाराधितो नूनं भगवान् हरिरीश्वरः ।
यत्रो विहाय गोविन्दः प्रीतो यामनयद्रहः ॥
(૧૦-૩૦-૨૮)

આ અવતરણથી એટલું સ્પષ્ટ થાય છે કે એક ગોપી કૃષ્ણની અનન્ય ભાવે આરાધના કરતી હતી, એથી એને અત્યંત વહાલી હતી. પણ ભાગવતકારે એનું નામ રાધા જણાવ્યું નથી. હરિવંશ, બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ વગેરેમાં પણ રાધાના નામનો ઉલ્લેખ નથી. આ પરથી એવું ફલિત થાય છે કે ભાગવતના આરાધિત શબ્દ પરથી કોઈએ રાધાની કલ્પના કરી હોય, કારણ કે કૃષ્ણની આરાધિકાને રાધિકા નામ આપવું સહજ છે. રાધા વિષે વિસ્તારપૂર્વક ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણમાં મળે છે. એમાં શ્રીકૃષ્ણના જન્મ વિષે એવો ઉલ્લેખ છે કે ગોલોકમાં રાધા કૃષ્ણને ઢૂંઢતી ઢૂંઢતી વિરજાના મંદિર આગળ ગઈ. ત્યાં શ્રીદામા ચોકી કરતો હતો. તેણે એને અંદર જવા ન દીધી એટલે બંનેએ એકબીજાને શાપ આપ્યો, જેને પરિણામે બંને વ્રજમાં ગોપગોપી રૂપે અવતર્યાં, અને શ્રીકૃષ્ણને પણ અવતરવું પડ્યું. ઘણા વિદ્વાનો રાધાવાદનાં બીજ સાંખ્યદર્શનનાં પુરુષ અને પ્રકૃતિમાં જુએ છે. ડૉ. શશીભૂષણ દાસગુપ્તા રાધાતત્ત્વનું મૂળ પ્રાચીન ભારતીય શક્તિતત્ત્વમાં જુએ છે. એઓ કહે છે, ‘રાધાવાદનું બીજ શક્તિવાદમાં રહેલું છે... શક્તિવાદના ક્રમવિકાસમાં એક વિશિષ્ટ અભિવ્યક્તિ રાધાવાદ છે. જે વિશુદ્ધ શક્તિરૂપિણી હતી તેણે જ પરમપ્રેમરૂપિણીનું મૂર્તિરૂપ ધારણ કર્યું. (શ્રીરાધાર ક્રમવિકાસ, પૃ. ૩). રાધાવાદ એ શક્તિવાદનો જ વિકાસ છે એ ગૌડીય વિચારકોના વક્તવ્યને વૈષ્ણવસંપ્રદાયના વલ્લભ, નિમ્બાર્ક વગેરેએ સ્વીકાર્યું. ચૈતન્ય માયા અથવા શક્તિને ભગવાનની ‘લાદિની' શક્તિ કહે છે, અને તેમાંથી રાધાનું રૂપાંતર થયું હોવું જોઈએ. જીવ ગોસ્વામીએ ‘ઉજ્વલનીલમણિ'ની ટીકામાં એક સ્થાન પર રાધાને શ્રીકૃષ્ણની ‘લાદિની' શક્તિ કહી પણ છે, જે આના સમર્થનમાં જણાવી શકાય. બ્રહ્મવૈવર્તપુરાણમાં કહ્યું છે : ममार्धांशस्वरूपा त्वं मूलप्रकृतिरीश्वरी । (कृष्णनन्मदंड) વળી રાધા અને પોતાના અભેદ વિષે એમાં કહ્યું છે :

यथा त्वं च तथाऽहं च, भेदो हि नावयोर्ध्रुवम् ।
यथा क्षीरे च धावल्यं, यथाग्नौ दाहिका सती ॥
यथा पृथिव्यां गन्धश्च तथाहं त्वयि संततम् ॥
विना मृदा घटं कर्तुं विना स्वर्णेन कुंडलम् । ५८ ॥ ५९ ॥
कुलाला स्वर्णकारश्च न हि शक्तः कदाचन ॥ ६० ॥
तथा त्वया विना सृष्टि न कर्तुमहम् क्षमः ।
सृष्टेराधारमूता त्वं वीजरूपोऽहमच्युतः ॥ ६१ ॥

અભેદની આ કલ્પના ત્રણે ભાષાના કવિએ પણ સ્વીકારી છે. દયારામના એક પદમાં કૃષ્ણ રાધાને કહે છે :

હું ને તું તે એકરૂપ નિશ્ચે જાણજે જો,
દેહ બે ને એક પ્રાણ છે પ્રમાણજે જો.
(દયારામ રસસુધા, પૃ. ૩૯)
વળી અન્ય એક પદમાં એનો કૃષ્ણ કહે છે :
વસ્તુતા સહી જો, અગ્નિજ્વાળા બે જેમ એક
તારો મારો બે મળીને એક પ્રાણ છે જો.
(દયારામ રસસુધા, પૃ. ૪૩)

અહીં બ્રહ્મવૈવર્તપુરાણના દૃષ્ટાંત અગ્નિ અને દાહકતાને સ્થાને અગ્નિ અને જ્વાળાનું દૃષ્ટાંત આપ્યું છે, પણ અગ્નિ અને દાહકતાનું રૂપક એકતાનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. પ્રિયકાન્ત મણિયારે એમના ‘રાધાકૃષ્ણ' કાવ્યમાં રાધા અને કૃષ્ણનો અભેદ તો દર્શાવ્યો છે; જેમ કે : આ પર્વતશિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. અહીં કેડી વિનાનું પણ પર્વતશિખર હોઈ શકે, એટલે કે કૃષ્ણનું અસ્તિત્વ રાધા વિના હોઈ શકે. તેવી જ રીતે : આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે. આ પંક્તિઓમાં પણ પૂરો અભેદ નથી, કારણ કે પોયણી વિનાનું પણ સરોવ૨ હોઈ શકે, જ્યારે અગ્નિ અને દાહકતા કે પૃથ્વી અને ગંધમાં પૂર્ણ અભેદ અભિપ્રેત છે. સૂરદાસે એમના એક પદમાં કહ્યું છે કે : राधा हरि आधा आधा तनु एकै हूवे द्वै व्रज में अवतरि । (સૂરસાર, પદ ૨૩૧૧) द्वै तनु, जीव एक हमतुम होउ सुखकारण उपजाये । (સૂરસાગર, પદ ૨૩૦૫) આમ સૂરદાસે દયારામની જેમ જ રાધાકૃષ્ણનું અદ્વૈત ગાયું છે. બંગાળી કવિતાના ગોવિંદ અધિકારીના પદમાં શુકસારિકાના સંવાદ દ્વારા રાધાકૃષ્ણનો સંબંધ રસપ્રદ રીતે નિરૂપાયો છે :

શુક બોલે
– સારિકા બોલે - આમાર કૃષ્ણેર માથાય મયુર પાખા,
શુક બોલે - આમાર કૃષ્ણેર ચૂડા બામે હેલે,
સારિકા બોલે - આમાર રાધાર નાટિ તાતે લેખા.
(એઈ જાય ગો દેખા)
સારિકા બોલે - આમાર રાધાર ચરણ પાબે બોલે.
(ચૂડા તાઈતો હેલે)
શુક્ર બોલે - આમાર કૃષ્ણેર બાંસી કરે ગાન,
સારિકા બોલે સત્ય બટે. બોલે રાધાર નામ.
(નૈલે મિછે સે ગાન)
(વૈષ્ણવ પદાવલિ, પૃ. ૩૧૨)

અહીં કૃષ્ણ રાધા અન્યોન્યાશ્રયી છે તે આહ્લાદમયી રીતે દર્શાવ્યું છે. અહીં કૃષ્ણને માથે મોરપીંછ છે પણ તે પર રાધાનું નામ લખ્યું છે. કૃષ્ણનો મુગટ ડાબી તરફ લળે છે રાધાના ચરણનો સ્પર્શ કરવા માટે. કૃષ્ણની બંસી ગાન ગાય છે, પણ ગાનમાં રાધાનું નામ જ રટે છે. આમ રાધા વિના કૃષ્ણનું અસ્તિત્વ તો હોય પણ એમાં પ્રાણ ન હોય. એ ફિક્કું હોય. કવિરાજ ગોસ્વામી એમના એક પદમાં કૃષ્ણના જીવનમાં રાધાનું સ્થાન ક્યાં અને કેવું છે, તે દર્શાવતાં કહે છે : જગતમોહન કૃષ્ણ, તાહાર મોહિની । X રાધા પૂર્ણ શક્તિ, કૃષ્ણ પૂર્ણ શક્તિમાન । દૂઈ વસ્તુ ભેદ નાહિ... X રાધાકૃષ્ણ ઐછે, સદા એકઈ સ્વરૂપ । લીલારસ આસ્વાદિત ધરે દૂઈ રૂપ ।। આમ રાધાકૃષ્ણનું અદ્વૈત રાધાને શક્તિ અને કૃષ્ણને શક્તિમાન કહીને પ્રતીતિકર રીતે દર્શાવ્યું છે. રાધાકૃષ્ણ વચ્ચે અદ્વૈત હોય તો પછી રાધાકૃષ્ણની લીલા જે વર્ણવાયેલી છે, તે શી રીતે સંભવી શકે? એટલે કવિરાજ ગોસ્વામીએ આ કાવ્યમાં એ વિષે સ્પષ્ટતા કરી છે, કે રાધાકૃષ્ણ સદા એક રૂપે હોવા છતાં, લીલારસનો આસ્વાદ લેવા બે રૂપો ધારણ કરે છે. અને એ રીતે અભેદમાં ભેદનો સ્વીકાર કરવાથી વિવિધ લીલાઓની સ્થાપના કરવામાં વિરોધી રહેતો નથી. પુષ્પિસંપ્રદાયની ઉપાસનાપદ્ધતિમાં યુગલસ્વરૂપને માન્યતા તો અપાઈ છે, પણ પુષ્ટિસંપ્રદાયના પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યે એમના એ માર્ગવિષયક દાર્શનિક સિદ્ધાંતોમાં રાધાને કશું સ્થાન આપ્યું નથી. એ સ્થાન મળ્યું નિમ્બાર્ક અને ચૈતન્ય દ્વારા. એ બંનેએ દ્વૈત તથા ભેદને ‘અદ્વૈત' તથા ‘અભેદ'ની સાથે દાર્શનિક સ્વીકૃતિ આપી, એટલે કે રાધાકૃષ્ણના યુગલરૂપનો તત્ત્વતઃ સ્વીકાર કરવામાં આવ્યો કે જેથી દ્વૈતાદ્વૈત' તથા ભેદાભેદ ચરિતાર્થ થઈ શકે. નિમ્બાર્ક અને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ પુષ્ટિસંપ્રદાય પર પડ્યો, ને તેથી વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ એમના ‘સ્વામિન્યષ્ટક’ તથા ‘સ્વામિનીસ્તોત્ર’ એ બે કાવ્યોમાં રાધામહિમા ગાયો; કારણ કે એમના સમયમાં ચૈતન્ય અને એમના વૃંદાવનવાસી ભક્તો જીવ અને રૂપ ગોસ્વામીના પ્રભાવને કારણે પુષ્ટિસંપ્રદાયમાં પણ રાધાનું સંચારણ થયું હતું. આથી જ પુષ્ટિસંપ્રદાયના કવિ સૂરદાસે કુરુક્ષેત્રના યુદ્ધ પછી જ્યારે રાધા અને કૃષ્ણનું મિલન થયું, તે પ્રસંગનું વર્ણન કરતાં બંનેની એકતા ગાતાં કહ્યું છે : राधा माधव भेट भई, राधा माधव, माधव राधा कीटभृंगगति होई जो गई. અહીં રાધા અને માધવનું પૂર્ણ અદ્વૈત દર્શાવાયું છે, અને એ પુષ્ટિસંપ્રદાયમાં રાધાને જે સ્થાન પ્રાપ્ત થયું તેનું નિદર્શન કરે છે. બંગાળના સહજિયા સંપ્રદાયના એક કવિએ એકમેવાદ્વિતીય બ્રહ્મમાંથી કૃષ્ણ અને રાધિકાની ઉત્પત્તિ શી રીતે થઈ તેનું નિરૂપણ કરતાં કહ્યું છે:

એક બ્રહ્મ જખન દ્વિતીય નહિ આર,
સેઈ કાલે શુનિ ઈશ્વર કરે વિચાર.
અપૂર્વ રસેર ચેષ્ટા અપૂર્વ કારણ,
કે મને હઈબ ઈહા કરેન ભાવન.
ભાવિતે ભાવિત એક ઉદય હઇલ,
મનેતે આનન્દ હૈયા વિભોર હઈલ,
અર્ધ અંગ હઈતે આમિ પ્રકૃતિ હઈબ,
અંશિની રાધિકા નામ તાહાર હઈબ.
(રાધિકા-રસ-રાધિકા)

એક બ્રહ્મ, જેને દ્વિતીય નથી, તે ઈશ્વર વિચારે છે, કે અપૂર્વ રસાનુભવ શી રીતે થાય? વિચારતાં વિચારતાં એમને સૂઝ્યું, કે એના અર્થ અંગમાંથી એ પ્રકૃતિ બને, અને એ અંશને રાધિકા નામ આપે. આ વિચારથી બ્રહ્મ આનંદવિભોર બની ગયા. તે પછી યુગલસ્વરૂપમાં બ્રહ્મ રાધાકૃષ્ણ રૂપે વિહાર કરવા લાગ્યા. અહીં રાધાકૃષ્ણની એકતા આગવી રીતે કવિએ ગાઈ છે. જો રાધા પરબ્રહ્મની માયાશક્તિ હોય, કે પ્રકૃતિ હોય, તો પછી રાધાકૃષ્ણની લીલા સ્થળકાળ પૂરતી જ મર્યાદિત ન રહે, એટલે અખંડ વ્રજ અને અખંડ રાસલીલાની કલ્પના ઉદ્ભવી. નરસિંહે કહ્યું છે કે : શ્યામ શોભા ઘણી બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી. (કાવ્યદોહન : ભાગ-૧, ૫૬ ૪૯) વળી શિવજી નરસિંહને અખંડ વ્રજમાં તેડી જાય છે ને રાસનાં દર્શન કરાવે એ આપણા કવિઓએ વર્ણવેલો પ્રસંગ પણ એ જ દર્શાવે છે કે કૃષ્ણરાધા પુરુષ ને પ્રકૃતિ કે બ્રહ્મ ને માયા હોવાથી એઓ સ્થળકાળથી પર છે. હિન્દી કૃષ્ણકાવ્યમાં પણ અખંડ વ્રજમાં રાધાકૃષ્ણના નિત્યવિહાર વિષે હરિ વ્યાસ કહે છે કે :- नित्यविहरत जहां, नित्य कैसोर होउ, नित्य सहचारिन संग नित्य नवरंग । (निम्बार्कमाधुरी, पृ. ६०) ધ્રુવદાસ પણ નિત્યવિહારની વાત તો કરે છે, પણ સાથે સાથે બંનેના નિત્ય વિવાહની પઢણ વાત કરે છે ઃ नित्यबिहारु, विवाह नित दुलहिन दुलहलाल नित सखी सुख नित ही लेत रहत सब काल । (वृंदावनमाधुरी, पृ. ६०) બંગાળના વૈષ્ણવ સહજિયા પંથનાં કાવ્યોમાં પણ નિત્યવૃંદાવનની કલ્પના આલેખાઈ છે. એ મત પ્રમાણે રાધાકૃષ્ણ યા પુરુષપ્રકૃતિનું યુગલ તત્ત્વ જ પ્રેમની પરાકાષ્ઠાની એટલે સહજ સ્થિતિ છે અને એમાંથી જ જગતપ્રપંચ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. એ સહજ સ્થિતિનું ધામ નિત્યવૃંદાવન છે, જેને સ્થળકાળનો બાધ નડતો નથી. એ નિત્યવૃંદાવનને એ પંથમાં ‘ગુપ્તચંદ્રપુર’ કહે છે. એ પંથના અનુયાયીઓ એમ માને છે કે ‘ગુપ્તચંદ્રપુર’ના રાધાકૃષ્ણના લીલાવિહારમાંથી જે અજસ્ર પ્રેમધારા વહ્યા કરે છે, તેનો પ્રભાવ પૃથ્વીવાસી નરનારી પર પડે છે. ‘ગુપ્તચંદ્રપુર'ની નિત્યલીલા એ પંથમાં સહજલીલા કહેવાય છે, ને જગતના જીવો સ્ત્રી-પુરુષ રૂપે જે લીલા કરે છે, તેને એમની પરિભાષામાં ‘શ્રીરૂપલીલા' કહે છે. અને અપ્રાકૃત નિત્યવૃંદાવનની કે ગુપ્તચંદ્રપુરની લીલા જ પાર્થિવ જગતમાં પ્રવેશતાં શ્રીરૂપલીલા બને છે. વૃંદાવનમાં રાધાકૃષ્ણે જે ગોપગોપી-લીલા કરી તે તો પેલી નિત્યલીલાનો પૃથ્વીવાસીઓને આભાસ કરાવવા માટે યોજાઈ હતી. સહજિયા કવિએ કહ્યું છે તેમ ઃ અપ્રાકૃતલીલા અવિશ્રાન્ત ચાલ્યાં કરે છે, એનો કોઈ કિનારો નથી.

નિત્યલીલા કૃષ્ણેર નાહિ કો પારાવાર
અવિશ્રામ વહે લીલા જેન ગંગાધાર.
X X X
રાધાસહ નિત્યલીલા કરે દિવારાતિ.
(સહજઉપાસનાતત્ત્વ, મુકુન્દદાસ, પૃ. ૯૧)

સૂરદાસે પણ કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાધાકૃષ્ણનું પુનર્મિલન થાય છે, ત્યારે પણ રાધાકૃષ્ણની પ્રીતિ સ્થળાકાળબાધિત છે, અને એમનો વિહાર શાશ્વત છે એનો ઉલ્લેખ કરતાં કહ્યું છે :

माधव राधा प्रीति निरन्तर, रसना कही न जाई ।
X X X
सूरदास प्रभु राधा माधव, व्रजविहार नितं नई नई ।

અહીં રાધાકૃષ્ણની લીલા શાશ્વત છે એમ જણાવી અખંડ વ્રજની ભાવનાને બહલાવી છે. યુગલસ્વરૂપમાં રાધાને ગુજરાતી કવિતામાં અલ્પાંશે, અને હિન્દી તથા બંગાળી કવિતામાં મહદંશે કૃષ્ણ કરતાં પણ વધારે મહત્ત્વ અપાયું હોય એવાં પણ અનેક દૃષ્ટાંતો મળે છે. એનું એક કારણ એ જણાય છે કે હિન્દીભાષી પ્રદેશમાં રાધાવલ્લભ સંપ્રદાયની સ્થાપના થઈ, જ્યારે બંગાળામાં જયદેવ તથા ચૈતન્યના પ્રભાવને કારણ રાધાને કૃષ્ણ કરતાં પણ વધારે ગૌરવ અને મહત્ત્વ આપવામાં આવ્યાં. આમ કરવા જતાં કૃષ્ણ રાધા સમક્ષ પોતાની અપૂર્ણતા વ્યક્ત કરે છે, અને રાધાની આરતી ઉતારે છે. કૃષ્ણ રાધાને મળવા માટે જાતજાતના વેશ ધારણ કરે છે. ક્યારેક મણિયાર બનીને ચૂડી પહેરાવવાને બહાને એને મળે છે, ક્યારેક સ્ત્રીરૂપ ધારણ કરે છે, ક્યારેક વૈદ બનીને જાય છે. આ પ્રકારનાં કાવ્યોમાં રાધા કૃષ્ણ પાસે પહોંચવાનું સાધન હોવાથી, એની મહત્તા શરૂઆતમાં ગવાઈ, પરંતુ ક્રમે ક્રમે સાધનનું મહત્ત્વ વધવા માંડ્યું. હિન્દીના કવિ બિહારીએ એની સતસઈની શરૂઆતમાં પ્રથમ દોહામાં જ રાધાને વન્દન કર્યું છે, સૂરદાસે એના સૂરસાગરના પદ ૧૬૭૩માં રાધાવંદના કરીને અંતિમ પંક્તિમાં કહ્યું છે :

कृष्णभक्ति दीजै श्रीराधे, सूरदास बलिहार ।

વળી પદ ૩૨૮૨થી ૩૨૮૬ સુધી રાધાનું આરાધ્યા સ્વામિની રૂપે વર્ણન કર્યું છે. દયારામે એના એક પદની શરૂઆત જ આ રીતે કરી છે : રટ શ્રીરાધા રાધાવર ગિરધારી. (દયારામ રસસુધા, ૫૬ ૨૦૯) એમ કહેવાય છે કે રાધાવલ્લભ સંપ્રદાયના સ્થાપક હિતહરિવંશને સ્વપ્નમાં રાધા દ્વારા દીક્ષા મળી હતી. એ સંપ્રદાયનું પ્રચલિત ગીત છે. “હર રસના રાધા રાધા ટ. હિતહરિવંશે એમના એક પદમાં રાધાને પ્રાધાન્ય શા માટે આપવામાં આવ્યું છે, તે જણાવતાં કહ્યું છે :

जाहि विरंचि उमापति नाये, तामै तै वनफूल विनाये ।
जे रस नेति नेति श्रुति भाख्यो, ताकौ अधर सुधारस चाख्यो |

આમ શ્રુતિ જેને નેતિ નેતિ કહે છે, તેના અધર સુધારસનું પાન રાધા કરે છે, માટે એ સંપ્રદાયના કવિઓ રાધાનો અપાર મહિમા ગાય છે અને રાધાની કૃપાને જ મહત્ત્વ આપે છે. વૃંદાવનધામમાં જે અનંતપ્રેમની લીલા નિત્ય થતી રહે છે તેમાં પ્રવેશ કરવાનો અધિકાર રાધાની કૃપાથી જ પ્રાપ્ત થાય એવી એમની માન્યતા છે. એ કૃપા વિના સમસ્ત પ્રેમરહસ્ય અગમ્ય જ રહી જાય. પરમાનંદ દાસે કહ્યું છે :

प्रथम यथामति प्रणमउं श्री वृंदावन अतिरम्य,
श्री राधिकाकृपा विनु सबके मननि अगम्य ।

હરિદાસ વ્યાસ રાધા વિષે કહે છે :

रसिक अनन्त हमारी जाति
कुलदेवी राधा, बरसानो खेयौ ब्रजवासिन सों पाति ।

આમ રાધાવલ્લભ સંપ્રદાયના અનુયાયીઓ સમક્ષ વૃંદાવન સાચું ધન છે, કારણ ત્યાં જ સ્વયં લક્ષ્મી પણ શ્રી રાધાની ચરણરજ લે છે.

वृंदावन साचो धन भैया
X X X
जई श्रीराधाचरणरेणु श्री कमला लेति बलैया ।

બંગાળામાં શ્રી ચૈતન્ય પોતાની જાતને રાધા માનીને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા હતા. આ કારણે રાધાનું ગૌરવ ભાવભરી વાણીમાં વૈષ્ણવ કવિઓએ આલેખ્યું છે. બંગાળી કવિઓએ રાધાની વિવિધ મનઃસ્થિતિનું ચારુતાભર્યું આલેખન કર્યું છે. યદુનંદન દાસની રાધા કહે છે :

આનિયા વિષેર્ ગાછ રૂપિલામ અંતરે
વિષેલે નીરિલ દોષ દિવ કારે
એ કૂલ ઓ કુલ સાખિ દો કૂલ ખોવાલૂ

મેં જ વિષનું વૃક્ષ અંતરમાં રોપ્યું અને દેહ વિષમય થઈ ગયો. આ કુળ અને પેલું કુળ બંને ખોયાં તેમાં દોષ કોને દઉં? આલાઉલની એક કવિતામાં રાધાને મોડું થયું તેથી નણંદ ખબર પૂછે છે. ત્યારે, પાણીમાં એ કમળ તોડવા ગઈ, ને ચૂડી, ચાંદલો બધું પાણીમાં તણાઈ ગયું એવાં બહાનાં કાઢે છે. પવ્રિાજક કૃષ્ણપ્રસન્ન સેન શક્તિ વિષેનું ગીત રચતાં રચતાં આખરે રાધા પાસે આવીને વિરામે છે :

કૈલાસે તુમિ ઉમા તુમિ વૈકુંઠે રમા.
X
તાઈ તો આધા રાધા આધા કૃષ્ણ, સાજિલે વૃંદાવને.

અહીં પણ રાધાને ઉમા ને રમાની હરોળમાં બેસાડીને એને કૃષ્ણનું અર્ધાંગ કહી છે. શક્તિસંપ્રદાયનું જ્યાં પ્રચલન વિશેષ છે તેવા બંગાળામાં રાધાનું આ પ્રકારનું નિરૂપણ બંગાળાના રાધાસ્વરૂપની વિશેષતા દર્શાવે છે. ગોવિંદ ચૌધરી રાધાવિષયક આ જ પ્રકારનો ઉલ્લેખ કરતાં જણાવે છે :

આજ જેમન ગોવિંદર કાછે દુર્ગા રૂપે એસે છે
કાલ દેખબે રાધા રૂપે શ્યામેર વામે બસે છે.

આજે ગોવિંદને પડખે દુર્ગા રૂપે આવી છે, તો કાલે શ્યામને વામાંગે રાધા રૂપે બેસશે. ત્રણે ભાષાના કવિઓએ પોતે તો પ્રત્યક્ષ રૂપે રાધાનો મહિમા ગાયો છે; એટલું જ નહીં, પણ કૃષ્ણમુખે પણ રાધાની સ્તુતિ કરાવી છે અને કૃષ્ણનું એ કેવળ રાધાના પ્રણયી જ નહીં પણ સેવક હોય એ રૂપે નિરૂપણ કર્યું છે. દયારામનો કૃષ્ણ કહે છે :

મારી રસના રાધા રટણ મૂકતી નથી જો.
X X X
પીતવરણ તારો માટે પીતાંબર ધરું જો,
શ્યામ તે માટે, તુજ અંજનનું ચિંતન કરું જો.
X X X
રાખું વાંસળી તારાં કરવા ગુણગાન જો,
એવો દુર્લભ છું મળતો નથી કોઈને જો,
તો હું છું તારે આધીન જીવું જોઈને જો.
(દયારામ રસસુધા, પૃ. ૫૧)

ભાલણ પણ એના દશમસ્કંધમાં કૃષ્ણ પાસે કહેવડાવે છે :

આજ્ઞાકારી તાહરો, તું જેમ રાખે તેમ રહું.
(દશમસ્કંધ, પૃ. ૧૭૮)

હિન્દી કવિ ધ્રુવદાસ કૃષ્ણની રાધા સમક્ષ આવી જ દશા થાય છે. તેનું નિરૂપણ કરતાં કહે છે :

प्रिय प्रवीनरस प्रेम में, कह्यो सहचरी कौन,
दान, मान, रस छांडि कै सीस पगन कर दीन ।

અહીં રાધા કૃષ્ણની આરાધ્યદેવી હોય એમ એ એનો ચરણસ્પર્શ કરે છે. રાધાકૃષ્ણના યુગલસ્વરૂપમાંથી રાધાને કવિએ સમાન સ્થાનની અધિકારી બનાવવાને બદલે ઊંચે સ્થાને બેસાડી છે, ને કૃષ્ણનું સ્થાન એના ચરણમાં રાખ્યું છે. કવિરાજ ગોસ્વામી પણ રાધાનું સ્થાન પોતાના જીવનમાં ક્યાં છે, તે વિષે વિચારતાં કૃષ્ણ પાસે ઉચ્ચારાવે છે :

મોર બંસી ગીતે આકર્ષયે ત્રિભુવન,
રાધાર વચને હરે આમાર શ્રવણ.
યદ્યપિ આમાર રસે જગત સરસ,
રાધાર અધર રસે આમા કરે વશ.

“મારા બંસીગીતથી ત્રિભુવન આકર્ષાય છે. પણ મારા કાન તો રાધાનાં જ વચનો સાંભળે છે. મારા રસથી જગત સરસ બને છે, પણ મને તો રાધાનો અધ૨૨સ જ વશ કરે છે. આમ કૃષ્ણ રાધાવાદના પ્રચારક બને છે. રાધા ભારતીય સાહિત્યમાં કૃષ્ણ પછી હજારો વર્ષ પછી પ્રવેશ પામી, છતાં કૃષ્ણ કરતાંય અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું. મોડેથી આવ્યા છતાં નિમ્બાર્ક, મધ્વ, ચૈતન્ય, રૂપ અને જીવ ગોસ્વામી ઇત્યાદિએ એને દાર્શનિક રૂપ આપ્યું, અને એનું સ્વરૂપ ક્રમશઃ વિકસતું ગયું ને એ કૃષ્ણને આંબી ગઈ એ ત્રણે ભાષાના કવિઓમાંથી લીધેલાં અવતરણો પરથી પ્રતીત થાય છે. રાધાના ક્રમવિકાસ તરફ દૃષ્ટિ નાખતાં એમ જણાય છે કે રાધાના પ્રવેશથી કૃષ્ણની લીલાને એક નવી દિશા મળી, અને પ્રણયનું શતદલકમળ પ્રફુલ્લિત થઈને દશે દિશામાં એની મહેક પ્રસારવા માંડ્યું. ‘પુરાણોમાં તથા ‘ગીતગોવિંદ' જેવી કૃતિઓમાં રાધાવિષયક જે ઉલ્લેખો મળે છે, તેમાં સામંજસ્ય નથી; જેમ કે, બ્રહ્મવૈવર્તપુરાણના કૃષ્ણજન્મખંડના પંદરમા અધ્યાયમાં કહ્યું છે કે એક વાર નંદ શ્રીકૃષ્ણને ભાંડીરવનમાં લઈ ગયા, ત્યાં કૃષ્ણે એમની લીલાથી આકાશને મેઘાચ્છન્ન કરી દીધું. નંદે વિચાર્યું કે છોકરો બી જશે. એવામાં રાધા ત્યાં આવી ચડી એટલે નંદે રાધાને કૃષ્ણને ઘેર પહોંચાડવાનું કામ સોંપ્યું. આ પ્રસંગને આધારે ગીતગોવિંદનો પ્રથમ શ્લોક રચાયો છે. સૂરદાસ, વલ્લભ ભટ તથા ગિ૨ધરે આ પ્રસંગ પર ગીતરચના કરી છે. રાધા કૃષ્ણને ભાંડીરવનમાં લઈ ગઈ ત્યાં બ્રહ્માએ બંનેનાં લગ્ન કરાવ્યાં એમ પણ બ્રહ્મવૈવર્તપુરાણમાં કહ્યું છે. એમાં બધી વિધિનું વર્ણન કર્યું છે. (શ્લોક ૧૨૨થી ૧૨૮). સત્તરમા અધ્યાયમાં કૃષ્ણની રાધા પત્ની હોવાથી એમના વામાંગે બેઠી છે એમ કહ્યું છે.’ રૂપ ગોસ્વામીએ એમના ‘ઉજ્વલનીલમણિપ્રબંધ'માં કૃષ્ણવલ્લભા અધ્યાયમાં કૃષ્ણવલ્લભાના બે ભાગ પાડ્યા છે : સ્વકીયા અને પરકીયા. રુક્મિણી, સત્યભામાવિવાહિતા અને પતિપરાયણા હતી. એટલે એમને સ્વકીયા કહી છે, જ્યારે કૃષ્ણની ગોપી પ્રેયસીઓને પરકીયા કહી છે. ગોસ્વામીજીએ રતિનું વિશ્લેષણ કરતાં ત્રણ પ્રકારની રતિ ગણાવી છે : સાધારણી, સમંજસા ને સમર્થા. કુબ્જાની કૃષ્ણ પ્રત્યેની રતિ સાધારણી, રુક્મિણી આદિ પત્નીઓની સમંજસા ને રાધાની સમર્થા. સમર્થા રતિની વિશેષતા એ છે કે જે રતિ દ્વારા તાદાત્મ્ય પ્રાપ્ત થાય તે સમર્થા. એ રતિ ઉત્પન્ન થાય ત્યારે કુળ, ધર્મ, ધૈર્ય, લજ્જા બધાનું વિસ્મરણ થાય છે. રાધા પ્રત્યેની કૃષ્ણની પરકીયા રતિને તાત્ત્વિક રૂપ ચૈતન્યના સમયમાં આપવામાં આવ્યું. અને એ પરકીયાપ્રેમનો પ્રચાર સ્વયં ચૈતન્યે જ કર્યો. ચૈતન્યચરિતામૃત’માં કહ્યું છે કે પરકીયાપ્રેમમાં જ ઊર્મિઓનો તથા ભાવોનો ઉલ્લાસ હોય છે :

પરકીયાભાવે અતિ રસેર ઉલ્લાસ, વ્રજ વિના ઇહાર અન્યત્ર નાહિ વાસ.
વ્રજવધુગણેર એઈ ભાવ નિરવધિ, તાર મધ્યે શ્રીરાધાર ભાવેર અવધિ.
(ચૈતન્યચરિત્રામૃત, આદિ ૪ ખંડ)

આમ પરકીયારતિ શ્રેષ્ઠ છે અને એનું પર્યવસાન રાધાપ્રેમમાં થાય છે. પરકીયાપ્રેમ એ કસોટીમાંથી પાર ઊતરેલું સોનું છે, કારણ એ સર્વત્યાગી, સર્વલજ્જા-ભય-બાધા-નિર્યુક્ત પ્રેમ છે. આથી જ જગતમાં જે ઉત્તમ પ્રેમગીતોની રચના થઈ છે તેની પ્રેરણા સ્વકીયા પ્રત્યેના પ્રેમમાંથી મળી નથી, પરંતુ પરકીયાપ્રેમમાંથી જ મળી છે. બંગાળની વૈષ્ણવ કવિતામાં રાધાને પરકીયા રૂપે જ સ્વીકારાઈ છે. તેનું એક કારણ એ છે કે રાધાવિષયક જે વિવિધ આખ્યાનોની રચના થઈ છે, તેમાં રાધા વૃષભાનુની પુત્રી અને આયાન ઘોષની પત્ની હતી. એમ કહેવાયું છે. એ આયાન ઘોષ ગોપરાજ માલ્યકનો પુત્ર હતો. એની માનું નામ જટિલા હતું. એને ત્રણ બહેનો હતી, તેમાંની એક બહેન તે યશોદા. એ રીતે આયાન ઘોષ શ્રીકૃષ્ણનો મામો થાય. રાધિકા કૃષ્ણની મામી થાય. વળી રાધિકા કૃષ્ણ કરતાં ઉંમરમાં ઘણી મોટી હતી, તેવું પણ અનેક પુરાણોમાંથી તારવી શકાય છે. ગીતગોવિંદ'ના પહેલા જ શ્લોકમાં એનું ઇંગિત છે. વળી પ્રચલિત કિંવદન્તી અનુસાર આયાન ઘોષ પુરુષત્વવિહીન હતો. અને એ રીતે રાધા એના પતિની અવજ્ઞા કરતી હોય અને રૂપગુણમાં સર્વોત્તમ એવા નાગર કૃષ્ણ પ્રત્યે એ આકર્ષાઈ હોય એ સ્વાભાવિક છે. રૂપ ગોસ્વામીનું અનુસરણ કરીને જીવ ગોસ્વામીએ પણ સ્વકીયા પરકીયા પરત્વે સારા પ્રમાણમાં ચર્ચા કરી છે. એમણે કરેલી ચર્ચા જોતાં એ સ્પષ્ટ થાય છે કે એમણે પરકીયાવાદનું સમર્થન કર્યું નથી. એમના મતાનુસાર પરમ સ્વકીયા સ્વરૂપે જ રાધાનો ચરમોત્કર્ષ છે. એથી એમણે એમના ‘ગોપાલચંપૂ’માં રાધાકૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે. એઓ કહે છે કે અપ્રગટ ગોલોકલીલામાં સ્વકીયા રૂપ જ પરમ સત્ય છે, પરકીયા રૂપ તો માયારૂપ છે. પરંતુ જીવ ગોસ્વામી પછી પરકીયાવાદ બંગાળામાં ફૂલ્યોફાલ્યો તેનું કારણ જણાવતાં ડૉ. શશીભૂષણ દાસગુપ્તા જણાવે છે કે બંગાળનાં વૈષ્ણવ ધર્મ અને સાહિત્ય મુખ્યતઃ રાધાકૃષ્ણની પ્રેમલીલાનું અવલંબન લઈને, સમૃદ્ધ થયાં છે. જયદેવ પછી વિદ્યાપતિ, ચંડીદાસ અને ત્યાર પછીના સમયમાં સામાજિક વિધિનિષેધને કારણે રાધાની વિવિધ મનોદશાનું સુચારુ નિરૂપણ થયું છે. એ કવિતામાં રાધાનું પરકીયા સ્વરૂપ એવી રીતે સુપ્રતિષ્ઠિત થયું કે તર્કનો આશ્રય લઈને તેનો અસ્વીકાર કરવો કે સુષ્ઠુ વ્યાખ્યા કરીને તેને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવો એ શક્ય નહોતું. પરકીયાતત્ત્વને ફક્ત માયિક કહીને સ્વીકારવાથી રાધાકૃષ્ણની પ્રણયલીલા પ્રાણહીન બની જાત. વૈષ્ણવ કવિઓએ કંડારેલી રાધાની પ્રેમમયી મૂર્તિને જીવંત રૂપે ગ્રહણ કરવામાં પરકીયાના પરમાર્થતત્ત્વને સ્વીકારવાની જરૂર હતી. ગુજરાતીમાં રાધાવિષયક કાવ્યોમાં રાધાનો સ્વકીયા તથા પરકીયા એમ બંને રૂપોમાં સ્વીકાર થયો છે. અનેક ગુજરાતી કવિઓએ રાધા અને કૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે. જોકે, નરસિંહ અને રણછોડે જ પ્રગટ રીતે લગ્ન કરાવ્યાં છે, અન્ય કવિઓએ કાં તો રાધા સ્વપ્નમાં પરણી હોય અથવા રમતમાં તેણે લગ્ન કર્યું હોય એમ દર્શાવ્યું છે. નરસિંહે વસન્તનાં પદોમાં રાધાકૃષ્ણનાં લગ્નનું વર્ણન કરતાં કહ્યું છે :

વસંતવિવાહ આદર્યો રે, પરણે છે નંદજીનો લાલ,
કલશ થપાવું, ને ગણેશ બેસારું, તોરણ બંધાવું દ્વાર.
(નરસિંહકૃત કાવ્યસંગ્રહ, પૃ. ૨૫૩)

રાજેએ રાધાકૃષ્ણને સ્વપ્નમાં પરણાવ્યાં છે; પરંતુ રાજેનું લગ્નવર્ણન અત્યંત રસપ્રદ છે. રાધાની મા રાધાને સવારના સૌભાગ્યનાં ચિહ્ન જોઈ પૂછે છે તેના જવાબમાં રાધા કહે છે :

માતા મારો માંડવડો મનમાં રોપ્યો, ઉમાએ વરને પોંખ્યો રે.
માતા મારી શિવે કન્યાદાન દીધાં રે.
(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૮૨૭)

રણછોડે તો એના રાધાવિવાહ કાવ્યમાં બંનેનાં લગ્નનું વર્ણન વિગતથી કર્યું છે; જેમ કે :

હસ્તમેળાપ કીધો હરિ, ગીત ગોપિકા ગાય.
X × X
ચતુરાએ ચોરી રચી, કીધી સઘળી રે રીત, મંગળફેરા ત્યાં ફર્યા, કરી પૂરણ પ્રીત.
(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૭૬૮-૬૯)

રાજેની રાધિકા વધારે પ્રગલ્ભ છે. એની મા કૃષ્ણને ધુતારો અને કાળો કહે છે ત્યારે તેના જવાબમાં રાધા કહે છે :

માતા હવે પરણ્યા તે ફોક કેમ થાશે, જો સૂરજ પશ્ચિમ જાશે રે,
માતા તારે કરવું હોય તેમ કરજે, મરવું હોય તો મરજે રે.
(કાવ્યદોહન ભાગ-૧, પૃ. ૮૨૦)

દયારામમાં રમતના એક પ્રકાર તરીકે રાધાકૃષ્ણ પરણે છે. એમાં પીઠી ચોળવાનું, હસ્તમેળાપનું, મંગળફેરાનું, કંસાર ખવડાવવાનું વિગતથી વર્ણન કર્યું છે. ગુજરાતના કવિઓમાં રાધાનું સ્વરૂપ સ્પષ્ટ ન હોવાથી એ બંનેનાં લગ્ન રમત કે સ્વપ્નના કોઈ મિષે કરાવ્યાં છે અને એમણે સ્વકીયા તેમ જ પરકીયા એમ બંને રૂપો જોડે સંપર્ક રાખ્યો છે. વળી રાધાને સ્વકીયા તરીકે નિરૂપવામાં પ્રણયભાવોની વૈવિધ્યભરી ચારુતા, પ્રેમની અભિવ્યક્તિમાં અંતરાય વગેરે દર્શાવી શકાય નહીં અને રસપ્રાચુર્યને અવકાશ ન રહે. ભાલણ એના દશમસ્કંધમાં કૃષ્ણની પ્રણયક્રીડાની માગણીના જવાબમાં રાધા પાસે કહેવડાવે છે :

સાંભળશે તો અહીં આવશે, તાત મારો વૃખભાન,
પરાણે પ્રીત ન ઊપજે, મારે માથે છે ભરથાર.

આવા ઉલ્લેખો બહુ થોડા મળે છે, કારણ કે ગુજરાતના કવિઓએ જ્યાં પરકીયાસ્વરૂપને નિરૂપ્યું છે ત્યાં વિશેષતઃ ગોપીઓનો જ આલંબન તરીકે આશ્રય લીધો છે. રાધાવિષયક કાવ્યો ગુજરાતીમાં અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે, તેનું એક કારણ એ હોઈ શકે કે કૃષ્ણકાવ્યો વિશેષતઃ ભાગવત-આધારિત છે અને ભાગવતમાં રાધાનો નામોલ્લેખ નથી. રાધાવિષયક વધારેમાં વધારે કાવ્યો. દયારામે લખ્યાં છે. તેનું એક કારણ એ હોઈ શકે કે દયારામે વ્રજભૂમિની અનેક વાર યાત્રા કરેલી, અને તેથી વ્રજભૂમિમાં પ્રચલિત રાધાવાદનો રંગ એને લાગ્યો હોય. હિન્દી કવિઓમાં સૂરદાસે તો રાસલીલા ચાલતી હતી તે વખતે વચમાં જ રાધાકૃષ્ણનાં ગાંધર્વલગ્ન કરાવ્યાં છે. છતાં લગ્નમાં મોરલી વગાડી બધાંને આમંત્રણ અપાય છે, કુંજમાં મંડપ રચાય છે, વેદીની રચના થાય છે, ને ગોપીઓ મંગળગીત ગાય છે, પાણિગ્રહણ થાય છે.

ता परि पानिग्रहण कीन्हो, तब मंडप भ्रमि भंवरि दीन्हो ।
(સૂરસાગર, રાધાવિવાહ, પૃ. ૩૬૯)

તે પછી ઉત્તર પ્રદેશમાં ગવાતાં ફટાણાંનો પણ ઉલ્લેખ છે. આમ આ વિધિથી રાધા કૃષ્ણની પત્ની રૂપે સ્થાપિત થતાં, ફરી રાસલીલા શરૂ થાય છે, ત્યારે,

राधा वामअंग पर कर धरि, मध्यहि कुंवर कन्हाई ।
(સૂરસાગર, પૃ. ૩૫૦)

આમ રાધા કૃષ્ણની પત્ની તરીકે એનું અધિકૃત સ્થાન લે છે ને એને વામાંગે રહે છે. ધ્રુવદાસે પણ રાસ શરૂ થતાં પહેલાં રાધાકૃષ્ણનાં લગ્ન કરાવ્યાં છે, પણ ‘વનવિહાર’માં વળી પાછાં લગ્ન કરાવ્યાં છે. રાધાવલ્લભ સંપ્રદાયના કવિઓએ, તથા હરિદાસી અને નિમ્બાર્ક સંપ્રદાયના કવિઓએ રાધાકૃષ્ણનું વર્ણન દંપતી રૂપે કે ‘દુલહ-બ્દુલહિની' રૂપે કર્યું છે. એટલે લગ્નના વર્ણનની જરૂર રહેતી નથી. સૂરદાસે કુરુક્ષેત્રના યુદ્ધ પછી રાધાકૃષ્ણના મિલનનું વર્ણન યોજ્યું છે, ત્યારે પણ રુક્મિણી કરતાં રાધાનું જ વધારે મહત્ત્વ દર્શાવ્યું છે. રુક્મિણીને એક વાર કૃષ્ણ કહે છે : सूनु रुक्मिणी राधिका बिनु मोहि पल छिनु कल्प बिहाई । જ્યારે રુક્મિણી રાધાને મળે છે, તે સમયે સૂરદાસે દર્શાવ્યું છે કે બંને પ્રેમના અધિકારની ભાવનાથી પર થઈને આત્મસમર્પણના ક્ષેત્રમાં પહોંચી જાય છે, તેથી એકબીજા પ્રત્યે સહાનુભૂતિસભર દૃષ્ટિથી જુએ છે. એ પ્રસંગના વર્ણનમાં રાધાની સાથે સાથે રુક્મિણીની ઉદાત્તતાનું ચિત્રણ પ્રતીતિકર રીતે થયું છે :

रुक्मिणी राधा ऐसे बेठी
जैसे बहुत दिननकी विछुरी एक बापकी बेटी ।
एक सुभाव एकलै दोउ, दोउ हरिकी प्यारी,
एक मन एक दुहुन को तनु करि देखियत न्यारी ।
निज मंदिर लै गई रुक्मिणी पहनाई विधि ठानी।
सूरदास प्रभु तहं पग धारे, जहां दोउ ठाकुरानी ।
(સૂરસાગર, પૃ. ૩૫૬)

નરસિંહ મહેતાએ રાધા અને કૃષ્ણના પુનર્મિલન સમયે કહ્યું છે :

રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો.
(નરસિંહકૃત કાવ્યસંગ્રહ, પૃ. ૪૨૬)

આમાં રુક્મિણી અને રાધાને સમાન સ્થાન આપ્યું છે, પણ કવિએ ભાવનિરૂપણ કરવાની એક સુંદર તક ગુમાવી છે. બંગાળના વૈષ્ણવ કવિઓએ એમનાં કૃષ્ણકાવ્યોમાં રાધાનો પરકીયાભાવ નિરૂપીને રાધાની વિવિધ મનઃસ્થિતિનું સુચારુ રીતે ચિત્રણ કર્યું છે. ગોકુળચંદ્રના સખીસંવાદમાં રાધા મથુરા એની સખીને કૃષ્ણ પ્રત્યે સંદેશ લઈને મોકલે છે; પણ ત્યાં નંદનંદનને કોઈ જાણતું નથી, બધા દેવકીનંદનને અને કંસના વધ કરનારને જ ઓળખે છે, તે જણાવ્યું છે. સૈયદ મુર્તુન્હાના પદમાં રાધા પોતાની વિરહવ્યથા નિરૂપતાં કહે છે :

મોરે કર દયાદેહ પદછાયા, સુનહ હો પરાન કાનુ,
કુલ શીલ સબ ભાસાઈલુ જલે, પ્રાણ ના રહે તોમાર વિના.

કહાન, સાંભળો! તમે દયા કરીને તમારા ચરણમાં સ્થાન આપો. મેં મારાં કુળ, શીલ બધું પાણીમાં તણાવા દીધું છે. કાનાઈ ખૂટિયાના એક પદમાં રાધા કૃષ્ણને કહે છે :

મન ચોરાર બાંસી બાજિઓ ધીરેધીરે,
આમરા ફૂલેર નાહિ હઈ, ગુરુજનાર માઝે રઈ.
જે બા છિલ કુલાચાર, સે ગેલ યમુનાપાર,
કેવલ તોમારા એઈ ડાક.

જરા ધીરેધીરે વાંસળી વગાડો. કુટુંબમાં રહીએ છીએ. મોટેરાંઓની વચ્ચે રહીએ છીએ. જે કુળાચાર હતો, એ તો જમનામાં વહી ગયો. ફક્ત તમારું આમંત્રણ જ સંભળાય છે. બંગાળી વૈષ્ણવ કવિઓએ રાધાના અભિસારને પણ વિવિધ રીતે વર્ણવ્યો છે, અને મિલનનો આનંદ તથા વિરહની વ્યથાના નિરૂપણમાં વૈવિધ્ય આપ્યું છે. એ કવિતામાં ગોપીઓનું રાધાથી સ્વતંત્ર એવું સ્થાન નથી. માત્ર રાધાની સખી તરીકે જ એમનું સ્થાન છે, જેમની આગળ એ આત્મનિવેદન કરે છે કે પ્રિયતમને સંદેશો મોકલે છે કે ગોપીઓએ ભૂલથી પણ કૃષ્ણનો પક્ષ લીધો હોય તો ઝઘડો કરે છે. ગુજરાતી તથા હિન્દી કવિતામાં ભ્રમરગીત દ્વારા ગોપીઓની સાથે સાથે રાધાની વિરહવ્યથાનું પણ ચિત્ર અંકિત થયું છે. એમાં રાધાનો કૃષ્ણ માટેનો અનન્ય પ્રેમ બંને ભાષાના કવિઓએ વ્યક્ત કર્યો છે. ભાલણની રાધા ઉદ્ધવને કહે છે :

ઉદ્ધવ સાચું કહો નિરધાર.
કુબ્જા અમથી રૂપે રૂડી ચતુરાઈ અપાર,
જેને દેખીને મોહ પામ્યા તત્ક્ષણ દેવ મોરાર.
મેં તો બીજો કોય ન દીઠો એક જ નંદકુમાર,
પુનપિ મનમાં તેને વાંછું વૃંદાવન મોઝાર.
(દશમસ્કંધ, પૃ. ૨૧૭)

અહીં સ્રીસહજ ઈર્ષા હોવા છતાં એની કૃષ્ણ પ્રત્યેની એકનિષ્ઠ પ્રીતિનું આલેખન થયું છે. પણ રાધાની કૃષ્ણવિરહોત્પન્ન કરુણ દશાનું દર્શન જે ઉદ્ધવને થાય છે, તેનું વર્ણન સૂરદાસે આપ્યું છે તે ભાવાભિવ્યક્તિની તથા પાત્રનિરૂપણની કવિની શક્તિનો આહ્લાદક પરિચય કરાવે છે. એ કહે છે :

अति मलिन वृषभानुकुमारी ।
हरि श्रम-जल भींज्यो उर अंचल, तिहिं लालच न छुवावती नारी
अधमुख रहति अनत नहीं चितवति, ज्यों गथ हारे थकित जुवारी |
छूटे चिकुर बदन कुम्हिलाने, ज्यों नलिनी हिमकर की मारी ।
हरिसन्देश सुनि सहज मृतक भई ईक बिरहिनी दूजे अलि जारी ।
सूरदास कैसे करी जीऐ, ब्रजबनिता बिन श्यामदुलारी ।
(સૂરસાગર, પૃ. ૭૧૨)

સૂરદાસે અત્યંત સુકુમારતાથી રાધાનું ચિત્ર આંક્યું છે. સૂરદાસની રાધા એટલી બધી કૃષ્ણ પ્રતિ અનુરક્ત છે કે એ કૃષ્ણની સ્મૃતિ જાળવી રાખવા માટે એનો સાડલો પણ ધોતી નથી! બંગાળી વૈષ્ણવકાવ્યમાં જે પ્રકારે રાધાની વિવિધ મનોદશાનું વર્ણન છે તેવી રીતે અર્વાચીન ગુજરાતી કાવ્યમાં રાધાનો વિવિધ રીતે પુનર્જન્મ થયો છે, કારણ કે રાધાકૃષ્ણ એ નરનારીના સનાતન પ્રેમનાં પ્રતીકો છે. પ્રિયકાન્ત, સુરેશ દલાલ, હરીન્દ્ર વગેરેએ રાધાને વિવિધ રૂપે આલેખી છે. એમાં સ્વકીયા પરકીયાની, વૈધ-અવૈધની સમસ્યા નથી ઊઠતી, કારણ સાચો પ્રેમ એ બધાથી પર છે. બંગાળામાં ગુરુદેવ ટાગોરે ‘ભાનુસિંહેર પદાવલિ'માં રાધાકૃષ્ણપ્રેમને મન ભરીને ગાયો છે. અને એ રીતે રાધાકૃષ્ણનો પાછો કાવ્યજગતમાં સન્માનસહિત પરિચય કરાવ્યો છે. એમના એક પદમાં રાધા કહે છે :

माधव, ना कहु आदर वाणी, ना कर प्रेमक नाम ।
जानयि मुजको अबला सरला, छलना ना करो श्याम ।
कपट - काह तूं हुं झट बोलसि, पीरित करसि तू मोय?

રાધા કૃષ્ણને ફરિયાદ કરે છે. પોતાને ઠગી એમ કહે છે; પણ તરત જ ભાવ પલટાય છે ને એ પૂછે છે :

माधव, कठोर बात हमारा मन लागल कि तोर?

આમ માધવની દૃષ્ટિએ પણ વિચાર કરે છે, ને પછી ક્ષમાયાચના કરે છે :

माधव, काहो तू मलिन करलि मुख, क्षमह गो कुवचन मोर ।

ને વચન આપે છે :

निर्दय बात अब कबहुं न बोलब, तूंहुं मम प्राण के प्राण ।

આ પદમાં કેવું મનોરમ ભાવપરિવર્તન દર્શાવ્યું છે! ગુરુદેવે એક જ પદમાં રાધાનાં અનેક રૂપોનો રુચિર રીતે પરિચય કરાવ્યો છે. આમ ગુજરાતી, બંગાળી તથા હિન્દી કવિતામાં આલેખાયેલાં રાધાનાં વિવિધ રૂપો આપણને પ્રેમની આહ્લાદૈકમયી સૃષ્ટિમાં વિહાર કરાવી આપણી ચેતનામાં સંજીવની છાંટે છે.