અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/સાહિત્ય અને સાહિત્યશિક્ષણના પ્રશ્નો – શિરીષ પંચાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. સાહિત્ય અને સાહિત્યશિક્ષણના પ્રશ્નો
શિરીષ પંચાલ

ગુજરાતી ભાષાસાહિત્યના મહાન શિક્ષકોની પરંપરામાં આપ સૌના પ્રતિનિધિ બનીને અહીં ઊભા રહેવાનો પ્રયત્ન કરું છું ત્યારે હૃદય એકી સાથે ગરિમા અને અલ્પતાનો અનુભવ કરે છે. જવાહરલાલ નહેરુએ બે પ્રકારની વિરોધાભાસી હકીકતો ભારતના સંદર્ભે ટાંકી હતી, એકી સાથે ગાડું અને અણુવિદ્યુત. આજે હવે એનું અચરજ નથી થતું. એકવીસમી સદી આવા અનેક વિરોધાભાસોથી છલકાઈ જવાની છે. પરંતુ આપણને સૌને સ્પર્શી જાય એવો એક બીજો વિરોધાભાસ પણ છે, અને એના ઉપર વિચાર કરવાની અનિવાર્યતા સૌને વરતાવી જોઈએ – જો આપણે આપણું માનવ તરીકેનું ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ ટકાવી રાખવા માગતા હોઈએ તો. અત્યાર સુધી વિજ્ઞાન-ટેકનોલૉજીનું ભારે વર્ચસ્‌ હતું, અત્યારે સમાજ-વિદ્યાઓનું વર્ચસ્‌ વધી રહ્યું છે. યુરોપ-અમેરિકામાં જે વિચારધારાઓ પ્રગટી તેને કારણે સર્જનાત્મકતાનું ગૌરવ અમુક અંશે ઓછું થયું હોય એમ લાગે છે. જોકે આપણે ત્યાં એ વિચારધારાઓનું વર્ચસ્‌ નથી, આખા ગુજરાતમાં એ બધાથી પરિચિત કેટલા? માહિતીવિસ્ફોટના યુગમાં અને નવા નવા આવિષ્કારોની અનિવાર્યતાના સંદર્ભમાં વિજ્ઞાન-ટેકનોલૉજીની અવગણના ન થઈ શકે, ‘હિંદ સ્વરાજ’ ગમે તેટલું વિચારોત્તેજક, આદર્શવાદી, ભાવનાવાદી પુસ્તક હોય તો પણ એને અનુસરવાનું આજે હવે જરાય શક્ય નથી. પરંતુ વિજ્ઞાન-સમાજવિદ્યાઓની સાથે સાથે માનવવિદ્યાઓની અવગણના ન કરી શકાય, માનવવિદ્યાઓ અને બધા જ પ્રકારના વિજ્ઞાન વચ્ચેના સંવાદ-વિસંવાદ સંઘર્ષમાંથી જગતને અને જાતને સમજવાની એક તક મળતી હોય છે. આમ તો જમાનાઓથી બધી જ વિદ્યાશાખાઓના મૂળમાં તત્ત્વજ્ઞાનને જોવામાં આવ્યું છે, એક જમાનામાં – ઓછામાં ઓછું ભારતમાં – ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહિત્ય એકાકાર હતાં અને ત્યારે રચાયેલા સાહિત્યને આજે ય જ્યારે આપણે માણીએ છીએ ત્યારે આનંદથી સ્પંદિત થઈ જઈએ છીએ, અને એ આનંદ આપણને વિસ્તારે છે. આજે કદાચ ફરી એ સમય આવ્યો છે જ્યારે એક સાથે એ ત્રણેને પામવા ત્રિવિક્રમ બનવું પડે. પરંતુ સાથે સાથે આત્મપરીક્ષણની આ ઘડી છે. આપણે ધારો કે સાહિત્યસર્જકો નથી, સાહિત્યવિવેચકો નથી, આપણે માત્ર ભાવકો છીએ. સાહિત્યના આદર્શ શિક્ષક તરીકે નહીં, સાહિત્યના માત્ર શિક્ષક તરીકે સાહિત્ય સાથે તારામૈત્રક માણવાની જ આપણી તો નિયતિ છે. કંઈક સંજોગો જુદા ઊભા થયા, બધા પ્રકારના શિક્ષણનું વ્યાપારીકરણ થયું, સામે અનેક પ્રકારનાં પ્રલોભન – ઉર્વશી, રંભા, મેનકાને પણ બાજુએ મૂકે એવાં – પરિબળો આવ્યાં. શોકમોહનાં અગ્નિ એ હતાં, એટલે જે જે ધર્મ સંભાળવાના હતા તે બધા ભૂલતા ગયા. બીજાના ધર્મની વાત ધારો કે ન કરીએ અને સાહિત્યશિક્ષક તરીકેના મારા જ ધર્મની વાત કરું. ધારો કે હું વિદ્યાર્થીઓને કવિતા ભણાવી રહ્યો છું અને એ કવિતા આ રીતે આરંભાય છે :

મ્હોરી ર્‌હે છે તેજમાં કાંચનાર
તો મ્હેકે છે મધુર નિશિગંધા થકી અંધકાર.

પહેલી પંક્તિમાંથી જ બીજી પંક્તિ વિસ્તરે છે, ઘણીબધી રીતે. આપણા કવિ એટલે કે રાજેન્દ્ર શાહ આ વિસ્તૃતિ કેટકેટલી રીતે સિદ્ધ કરે છે? એ જાણવા માટે કેટલુંક મૂળભૂત મારી સ્મૃતિમાં સચવાયેલું હોવું જોઈએ. હવે કોઈ શિક્ષક એમ કહે કે હું પહેલી પંક્તિમાં કયો છંદ પ્રયોજાયો છે એ ભૂલી ગયો છું. રસાયણવિજ્ઞાન ભણાવતો શિક્ષક સુરોખારના તેજાબનું સૂત્ર ભૂલી જાય તો? ગણિતના શિક્ષકને એનથી આર સુધીની ભૂમિકાઓનું ભાન ન હોય તો એને પણ એ અજ્ઞાન કેમ પરવડે? આમ શિક્ષક બીજી પંક્તિના મંદાક્રાંતામાં વિસ્તરતો પહેલી પંક્તિનો છંદ શાલિની છે એ ભૂલી જાય તો એ અજ્ઞાન કેમ પરવડે? આમ તો કવિતામાંથી જીવન અને જગત પ્રત્યેની દિશાય ઊઘડવી જોઈએ. કાંચનાર જોવું જોઈએ, વિદ્યાર્થીઓને દેખાડવું જોઈએ. લગભગ દરેક ગામમાં કાંચનાર મળે જ. ફૂલોથી શોભી ઊઠતા કાંચનારને જોયા પછી પંક્તિનો મર્મ વધારે સમજાશે. હા, આવું દર વખતે શક્ય ન પણ બને. જેટલું શક્ય બને તેટલું કરી બતાવવું જોઈએ. પછી બીજા પ્રશ્નો આવશે. કવિએ કાંચનાર સાથે અંધકારને મૂકીને કેવા પ્રકારનો પ્રાસ મેળવ્યો? કાંચનાર ફૂલમાં તો રંગોત્સવ છે, ગંધોત્સવ નથી, નિશિગંધામાં તો ગંધોત્સવ છે, એને અને આ દિવસરાતના પરિમાણને કોઈ સંબંધ ખરો કે? બીજી પંક્તિના આરંભે આવતો ‘તો’ માત્ર છંદપૂરક છે કે એ વડે કવિ બીજું પણ કશુંક સિદ્ધ કરે છે? પહેલી પંક્તિમાં કાંચનારને કોઈ વિશેષણ નથી અને બીજી પંક્તિમાં નિશિગંધાની આગળ ‘મધુર’ વિશેષણ શા માટે મૂકવામાં આવ્યું છે? આ અને આવા બીજા પ્રશ્નો માટે મારે સાહિત્યના શિક્ષક તરીકે, ભાવક તરીકે ન પૂછું, તો મારે આતમખોજ કરવી પડે. વિજ્ઞાનટેકનોલૉજી, સમાજવિદ્યાના શિક્ષકોની જે બુદ્ધિમત્તા સરેરાશ હોય છે એનાથી વધારે નહીં તો એમના જેટલી તો કેળવવી પડે. હજુ એક ડગલું આગળ વધું? સાહિત્યમાં તો સંવેદનાજગત, ભાવજગત અને વિચારજગતનો સમન્વય હોય છે, જે વિજ્ઞાનટેકનોલૉજીમાં હોતો નથી; માનવને સંપૂર્ણ બનાવવામાં કળાસાહિત્યતત્ત્વજ્ઞાનધર્મ(ધર્મ શબ્દ પ્રાચીનસંદર્ભમાં)નો બહુ મોટો ફાળો હોય છે; તો આવો સમન્વય કેવી રીતે સિદ્ધ થઈ શકે એ વર્તમાન સાહિત્યકારે અને સાહિત્યના ભાવકે વિચારવાનું કે નહીં? એની સાથે સાથે પ્રશ્ન પૂછીએ કે બૃહદ્‌ સમાજ માનવવિદ્યાઓના અસ્તિત્વને ટકાવવા માગે છે કે નહીં? જો એ ટકાવવા માગતો હોય તો તે કઈ રીતે ટકાવશે? આ સમાજ બહુ બહુ તો ગીતગઝલ, છાપામાં આવતી હપ્તાવાર નવલકથાઓ કે ગળચટી, ચિંતનના ભાસવાળી નિબંધિકાઓને નિભાવશે, પણ ગંભીર સાહિત્યને ટકાવવા માગતો નથી. એટલે જો સાહિત્યના અસ્તિત્વનો પ્રશ્ન – કટોકટીભર્યો પ્રશ્ન – ઘેરો બન્યો હોય તો વિદ્યાપીઠો તરફ દૃષ્ટિપાત કરવો પડે. એવું તો નથી કે આ પ્રશ્ન આપણને જ સતાવી રહ્યો છે. યુરોપ-અમેરિકાની હાલત લગભગ આપણા જેવી જ છે. આ સંજોગોમાં વિદ્યાપીઠો સામે અને એથીય આગળ જવું હોય તો શાળાઓ ઉપર નજર સ્થિર કરવી પડે. બાળપણથી જ કળાસાહિત્યના સંસ્કારો ચિત્ત ઉપર ઝિલાવા જોઈએ. મારી દીકરીની દીકરી અમદાવાદની શ્રેયસ શાળામાં ભણે છે, તે બાલવાડીમાં હતી ત્યારથી એને ગુજરાતી ભાષાનાં ઉત્તમ ગીતકાવ્યો (બાળકોની ગ્રહણશક્તિની સીમામાં રહીને)નાં ચાર સંકલન ઇતરવાચનશ્રવણ માટે નિયત કરી આપ્યાં હતાં. આપણી વિદ્યાપીઠોમાં ઇતર વાચનની કોઈ શ્રેણીઓ છે? ઉમાશંકર જોશીનો તો પ્રેમાગ્રહ હતો કે ગુજરાતી સાહિત્યરસિક (સર્જક, વિવેચક, ભાવક, વિદ્યાર્થી)ને હજાર જેટલી કાવ્યપંક્તિઓ તો કંઠસ્થ હોવી જોઈએ. કૉલેજમાં પ્રવેશ મેળવવા માગતો વિદ્યાર્થી જો અણઘડ હોય તો શિક્ષક ઘડતરનો આરંભ કરે કેવી રીતે? વળી એ શિક્ષકની રુચિના પ્રશ્નો પણ એટલા જ સંકુલ નથી? એની રુચિ કેળવાય, એને પુસ્તકાલયની પૂરતી સગવડ મળે એવા સંજોગો પણ હોવા જોઈએ. કોઈનો બચાવ કરવાનો આશય નથી પરંતુ યુનિવર્સિટીમાં કામ કરતા શિક્ષકોને બધી જ સગવડો ઉપલબ્ધ હોય છે, એ તો સરેરાશ અઠવાડિયે દસ જ વ્યાખ્યાનો લેતો હોય છે અને ચાર-પાંચ વરસ પહેલાં તો કેટલાય શિક્ષકો માત્ર છ-સાત જ વ્યાખ્યાનો લઈને થાકી જતા હતા! જ્યારે ગામડાગામની કૉલેજોમાં શિક્ષકે અઠવાડિયે અઢારેક વ્યાખ્યાનો લેવાનાં હોય છે. આવા સંજોગોમાં બધા પ્રકારના પડકારો ઝીલીને પણ ઉત્તમ શિક્ષણકાર્ય કરી શકાય છે એવું કેટલાય મિત્રોએ આપણને પ્રમાણ પૂરું પાડ્યું છે. એક બીજી રીતે વિચારી જુઓ. ગુજરાતી સાહિત્યના શિક્ષકને એક બીજો લાભ મળ્યો છે. એના અભ્યાસક્રમમાં પશ્ચિમની, ભારતની કાવ્યવિવેચનની પરંપરાઓનો સમાવેશ થાય છે. કેટલેક સ્થળે ગુજરાતી સાહિત્યવિવેચનને પણ સ્થાન મળ્યું છે. આ લાભ જેવોતેવો નથી. કદાચ એ લાભ અંગ્રેજી કે સંસ્કૃતના શિક્ષકને મળતો નથી. (થોડાં વરસોથી અંગ્રેજીના અભ્યાસક્રમોમાં ભારતીય સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે એ આનંદની વાત છે) પરિણામે ગુજરાતી સાહિત્યના શિક્ષકની પરિપક્વતા માટે વિશેષ અનુકૂળ સંજોગો ઊભા થયા છે એમ કહી શકાય અને છતાં જો શિક્ષકને અભ્યાસક્રમની અધૂરપો વરતાતી હોય તો એ નિવારવાના પ્રયત્ન બીજી રીતે કરવા જોઈએ. અભ્યાસક્રમની બહાર જઈને જ્ઞાન સંપાદિત કરવાના અને તેનું વિતરણ કરવાના અનેક માર્ગો છે, એ શોધતાં આવડવું જોઈએ. એક બીજી મુશ્કેલી સાહિત્યના શિક્ષકને નડી. ૧૯૪૦ પછી જન્મેલાઓનું સંસ્કૃત અને અંગ્રેજી કાચું રહ્યું. જાતમહેનતે જેમણે સાવધાની રાખી તેમની વાત તો જુદી હતી. ધારો કે એ પ્રભુત્વ ન આવે તો કંઈ નહીં. ગુજરાતી ભાષા પર તો પ્રભુત્વ મેળવવું જ રહ્યું. આજે પણ એક કામચલાઉ યાદી બનાવીએ : હરિનારાયણ આચાર્ય, છોટુભાઈ સુથાર, રત્નમણિરાવ જોટે, હરિપ્રસાદ શાસ્ત્રી, હસમુખ સાંકળિયા, પી. સી. વૈદ્ય, મનુ કોેઠારી, ઉપેન્દ્ર બક્ષી, રસિક શાહ (આ યાદી હજુ લંબાવી શકાય) જેઓ ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા ન હોવા છતાં તેમનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અસામાન્ય છે, કેવી રીતે આ બધાએ આવું પ્રભુત્વ મેળવ્યું? એનો એક માત્ર ઉત્તર છે વિવિધ પ્રકારની ગુજરાતી ભાષાના વાચન દ્વારા. આપણે ભાષા દ્વારા માત્ર ભાવજગતમાં જ નહીં પણ વિચારજગતમાં પણ વિહાર કરીએ છીએ. આ વૈચારિક અભિવ્યક્તિ માટે જે પ્રકારની ભાષા જરૂરી હોય તે બધા પ્રકારો ઉપર પ્રભુત્વ મેળવવું જ પડશે, એટલે સર્જનાત્મક અને અસર્જનાત્મક એમ બંને પ્રકારની એ ભાષાનો પરિચય કેળવવા સિવાય અને બોલાતી ભાષા ઝીલવા કાન સાબદા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો? આજે તો સાહિત્યના જ નહીં પણ એકેએક વિદ્યાશાખાના શિક્ષણની, પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની પરિસ્થિતિ કથળી છે. દરેકને માટે શિક્ષણ હોડમાં મૂકી શકાય એવું કશુંક છે. શિક્ષણના વિકેન્દ્રીકરણે ભારે પ્રશ્નો ઊભા કર્યા, પ્રત્યેક સરકારે સ્વાર્થ સાધવા ભ્રષ્ટાચારને છુટ્ટો દોર આપ્યો. બિનજરૂરી કૉલેજો ઊભી થઈ એ સાચું તો સાથે સાથે સાવ નાના ગામડાગામમાં ભણતા ભૂપેશ અધ્વર્યુ જેવાને જ્ઞાનવિજ્ઞાનની નવી ક્ષિતિજો પામવા માટેની થોડી સોઈ કરી આપી એ વાત પણ ભૂલવા જેવી નથી. એવા ગામડાગામના વિદ્યાર્થીને (જે પાછળથી અધ્યાપક બને છે) એક વસવસો ભારે હોય છે. ‘અમને રામનારાયણ પાઠક, સુરેશ જોષી, પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી જેવા પાસે શીખવા જ ક્યાં મળ્યું? જો મળ્યું હોત તો અમે પણ આગળ આવ્યા હોત...’ અંગત વાત કરું તો મને પણ ઘણાબધા પાસે ભણવા નથી મળ્યું. આપણું સ્વપ્ન તો એવું જ હોય કે આ બધા એકસાથે આપણને ભણાવતા હોત તો કેવું સારું! પરંતુ મેં મારો માર્ગ એકલવ્ય બનીને કાઢ્યો. એમનાં પુસ્તકો સામે રાખ્યાં, તેઓ આ પ્રશ્નનો કેવી રીતે વિચાર કરત એ વિશે પૂછતો ને પૂછતો જ રહ્યો. ને આ જ મહાનુભાવો શા માટે? જયંત પારેખ, પ્રમોદકુમાર પટેલ, જયંત કોઠારી, ચંદ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, નીતિન મહેતા, જયદેવ શુક્લ જેવા ઘણા બધાને આરાધવા પડે. સાહિત્યના પાઠ કે કોઈ પણ પાઠ ભણવા કે ભણાવવા માટે ક્યાં કોઈ વય હોય છે? વળી, આ કંઈ મારા એકલાની વાત ઓછી છે? આપણા સૌ વડીલો અને સમકાલીન મિત્રો સાહિત્યના પાઠ આ જ રીતે શીખતા રહેલા છે અને શીખે છે. કદાચ પલટાતા સમયમાં આપણે જુદી જુદી સુવિધાઓનો ઉપયોેગ કરીએ, દૃશ્યશ્રાવ્ય માધ્યમોનો, અન્ય વીજાણુ સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ, અને છતાં મૂળભૂત પાઠ તો એનો એ જ રહે છે અને તે સાહિત્યની ઉપાસનાનો, એ તૌ સૌથી પહેલાં શીખવો જ પડે.

*

વર્ગખંડમાં શિક્ષક સામે કૃતિ અને કૃતિની આંતરિક સંરચનાઓ કેમ ઉઘાડવી એ શીખવા માગતા વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉત્તમ ભાવકો કેમ બને તેની આપણને સૌને ખેવના છે. વિવેચનના ગમે તેટલા અભિગમો ઉત્કૃષ્ટ હોય અને આપણા સમયમાં કૃતિનિષ્ઠ વિવેચન સામે ધારો કે ગમે તેટલી સૂગ જન્મી હોય તો પણ આપણે એ અભિગમ વડે જ વિદ્યાર્થી સાથે સંવાદ માંડવાનો છે, ત્યાર પછી જ આપણે સર્જકસંદર્ભ તપાસીશું, યુગસંદર્ભ (તે પણ સર્જકનો અને આપણો પોતાનો) તપાસીશું. વળી, જો આપણે સાહિત્યને લલિત કળાઓમાંની એક ગણતા હોઈએ તો સાહિત્યકૃતિ કળાકૃતિ તરીકેની મૂળભૂત અપેક્ષાઓને કેવી રીતે સંતોષે છે એ પ્રશ્નનો ઉત્તર સુધ્ધાં શોધવો પડે. હવે જ્યાં આ પ્રશ્નનો ઉત્તર શોધવા જાઓ ત્યાં સાહિત્ય અને અન્ય કળાઓ વચ્ચેના પ્રશ્નો તપાસવા પડે. દૃશ્ય- કળાઓનો સામાન્ય પ્રાથમિક પરિચય અહીં વધારે ઉપયોગી પુરવાર થશે. ભરતે ‘નાટ્યશાસ્ત્ર’માં રસ વિશે જે ચર્ચાઓ કરી છે તે સાહિત્યના સંદર્ભે નથી, નાટકના સંદર્ભે છે, ‘નાટ્યશાસ્ત્ર’માં માત્ર નાટકની નહીં, સંગીત, નૃત્ય, સાહિત્યની ચર્ચા કરવામાં આવી છે. તેમણે તો પ્રત્યેક રસ સાથે રંગોને પણ સાંકળ્યા છે. એમાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કેટલોક પરિચય આપણે જાતે કેળવતા થઈએ તો પણ અનેક દિશાઓ ખૂલી જશે. કેટલીક વખત એક વસ્તુ શોેધવા જતાં બીજું જ કશું હાથમાં આવી જતું હોય છે. ભરત મુનિ પોતાના ગ્રંથમાં છંદોની જે યાદી આપે છે તેમાં મંદાક્રાંતા નથી. અર્થાત્‌ ભરત મુનિને કાલિદાસના ‘મેઘદૂત’નો પરિચય નથી. ભરત અને કાલિદાસના સમયનિર્ણય કરવા માટેની એક નક્કર વિગત આપણને મળી આવી. આપણી મૂળ વાત પર પાછા આવીએ. એક કળા અને બીજી કળા વચ્ચેના ભેદક લક્ષણ તરીકે તો માધ્યમને જ સ્વીકારવું પડે. એમ કરતાં કરતાં દરેક માધ્યમની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓની ચર્ચા ઉપાડી લેવાની હોય. સાહિત્યના માધ્યમની વિશિષ્ટતામર્યાદાની ઝીણવટભરી ચર્ચા આપણને અન્ય માધ્યમો તરફની ચર્ચા સુધી લઈ જશે. ધીમે ધીમે આપણા વિદ્યાર્થીને સમજાવા લાગશે કે સંગીત, ચિત્ર જેવી કળાના માધ્યમને ભાવકો તરીકે આખી દુનિયાના ભાવકો મળી શકે છે જ્યારે સાહિત્યના માધ્યમને તો માત્ર એના પ્રદેશના જ ભાવકો મળવાના. સાહિત્યના માધ્યમની આ મર્યાદા મોટામાં મોટી હોય તો એને દૂર કરવા સાહિત્યસર્જક શું કરી શકે? આપણો અનુભવ છે કે ભલે સાહિત્યકૃતિ અનુવાદમાં કેટલુંય ગુમાવતી હોય છે તો પણ અનુવાદ દ્વારા બીજી ભાષાના ભાવકો સુધી પહોંચી શકાય છે. વળી એવું માની નહીં લેવું કે સંગીત, ચિત્ર, શિલ્પનાં માધ્યમ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય છે. દરેક કળા સાથે પ્રાદેશિકતા અનિવાર્યપણે સંકળાયેલી છે. હવે જો આવા પ્રશ્નો આપણે સાહિત્યકૃતિને નામે છેડવાના હોઈએ તો સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારીશું અને તે છે સાહિત્યસ્વરૂપનો. જેવી રીતે દરેક માધ્યમની વિશિષ્ટતા છે એવી રીતે દરેક સ્વરૂપની વિશિષ્ટતા છે, મર્યાદા છે. સર્જકે અને વિવેચકે/ભાવકે/અધ્યાપકે એને ઓળખવી પડે. જો આટલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીએ તો ઓછામાં ઓછા કૃતિનિષ્ઠ અભિગમ, ઐતિહાસિક અભિગમ અને પ્રકારલક્ષી અભિગમ સુધી તો આપણે આવી પહોંચ્યા. સાહિત્યના શિક્ષકે એક અથવા બીજા રૂપમાં આ પ્રશ્નોનો વિચાર ઓછીવત્તી માત્રામાં કરવો પડતો હોય છે. બીજા શબ્દોમાં સાહિત્યવિવેચન, સાહિત્યનો ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્ર – પરસ્પરાવલંબી છે, એક અંગની ચર્ચા બીજા અંગ સુધી દોરી જતી હોય છે, એ વાત ધીમે ધીમે સમજાવા માંડે છે. હવે આપણી સામે એક બીજો પ્રશ્ન આવે છે. સાહિત્યકૃતિની ચર્ચા કૃતિનિષ્ઠ ભૂમિકાએ ચર્ચ્યા પછી સાહિત્યકૃતિની બહાર જવું કે નહીં? બીજા શબ્દોમાં આનો અર્થ એવો પણ થાય કે અભ્યાસક્રમની મર્યાદાઓને ઓળંગવી કે નહીં? સામાન્ય રીતે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કૃતિ બહાર કે અભ્યાસક્રમની બહાર જવાનું પસંદ નહીં કરે, મોટા ભાગના પરીક્ષાલક્ષી અભિગમ ધરાવતા હોય છે પરંતુ એ અભિગમ નીચા નિશાનનો છે અને નીચા નિશાનને તો માફ ન કરાય, પૂછો બ. ક. ઠા. ને અને ઉમાશંકર જોશીને. હવે જો એક વાર નક્કી કરીએ કે કૃતિની બહાર જવું છે તો પછી કેવી રીતે જવું? ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા છે અને એને સમજવા માટે ‘ગુજરાતનો નાથ’ કે મુનશીની બીજી કોઈ પણ નવલકથા પસંદ કરવી કે પછી રમણભાઈ નીલકંઠકૃત નાટક ‘રાઈનો પર્વત’ પસંદ કરવું? ‘ગુજરાતનો નાથ’ને સગવડ ખાતર ભલે આપણે નવલકથા તરીકે ઓળખાવીએ પણ એનામાં રોમાન્સનાં લક્ષણો વિશેષ છે. એટલે ફરી પ્રશ્ન આવ્યો કે જો ‘સરસ્વતીચંદ્ર’ને નવલકથા કહીને ઓળખાવીએ ત્યારે રોમાન્સથી અથવા ‘છિન્નપત્ર’ જેવી લિરિકલ નવલકથાથી એ કેવી રીતે જુદી પડે છે? કે પછી આપણે એની ચર્ચા કરવા ‘દિવ્યચક્ષુ’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’ની મદદ લઈએ? જેમ જેમ આપણે નવલકથાઓનું વિશેષ વાચન કરતા જઈશું તેમ તેમ આપણને એક કૃતિની બહાર જવા માટે બીજી કઈ કૃતિ પાસે જવું એની સમજ આપોઆપ પડવા માંડશે. કૃતિની બહાર જવા માટે અન્ય ભાષાની કૃતિઓ પણ છે, વિદેશી કૃતિઓ છે, એક જ સમયની કૃતિઓ છે તો બીજા કાળખંડની કૃતિઓ પણ છે. કૃતિનિષ્ઠ ભૂમિકાએ કૃતિનાં ઘટકો (છંદ, અલંકાર, બાની, વસ્તુસંરચના, કથનકેન્દ્ર વગેરે)ની ચર્ચા તો કરીએ પણ એક બીજો પ્રશ્ન પણ સામે આવે છે. કૃતિની ચર્ચા માત્ર ઘટકોના સંદર્ભે પૂરી નથી થતી, એ કૃતિની કોઈક સામગ્રી છે, એ સામગ્રી આપણને જે તે સમયસ્થળ વિશે, જગત વિશે કશુંક કહે છે અને એ વિશિષ્ટ હોય છે, એ આપણા મનમાં પ્રતિભાવો જગાડે છે. સાહિત્યકૃતિને માણવી કેવી રીતે અને એના વિશે પ્રતિભાવ કેવી રીતે આપવો? માનવા ખાતર માની લો કે હું નર્યો નાસ્તિક છું, ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી અને મારી સામે કૃષ્ણભક્તિનાં કાવ્યો છે. હું ઈશ્વરમાં માનતો નથી એટલે આ કાવ્યો પ્રત્યે મારો પ્રતિભાવ ઉપેક્ષાનો હોય, અનાસક્તિનો હોય તો? અથવા હું ચુસ્ત વૈષ્ણવ છું અને મારી સામે ખ્રિસ્તી ધર્મને વિષય બનાવતી કૃતિ હોય તો? ધર્મઝનૂની, સંપ્રદાયઝનૂનીઓએ અન્ય માન્યતાઓવાળી કૃતિઓનો ખાત્મો બોલાવી દીધો. અફઘાનિસ્તાનમાં બૌદ્ધમૂર્તિઓનો વિનાશ આવી જ અસહિષ્ણુતાનું દૃષ્ટાંત છે. સંભવ છે કે કોઈ સાહિત્યકૃતિ આપણી ચૈતસિક સૃષ્ટિની બહારની હોઈ શકે, આપણી માન્યતાઓની વિરુદ્ધની પણ હોઈ શકે. (અન્ય સંપ્રદાયની જ શા માટે? અંગત રીતે હું નીતિવાદી છું અને સર્જક અથવા નાયકનાયિકા વ્યભિચારી છે, તો મારો પ્રતિભાવ કેવા પ્રકારનો હોઈ શકે? (એક નૃત્યાંગનાએ રવીન્દ્રનાથ ઠાકુરના લગ્નેતર સંબંધની વાતો જાણીને એમની કળા પ્રત્યેનું વલણ સાવ મોળું થઈ ગયાની તાજેતરમાં જ જાણ કરીને મને આઘાત આપ્યો!) ઓગણીસમી સદીના છઠ્ઠા દાયકામાં ફ્લોબેરની ‘માદામ બોવારી’ સામે નાયિકા વ્યભિચારિણી હોવાને કારણે કેટલો બધો ઊહાપોહ થયો હતો! ઇબ્સનના ‘ઢીંગલીઘર’ની નોરાના ગૃહત્યાગને કેટલા બધા લોકોએ વખોડી કાઢ્યો હતો અને જર્મનીમાં નાટકનો અંત બદલવાની તેને ફરજ પડી હતી. બીજા શબ્દોમાં સર્જકે આલેખેલું જગત આપણને પજવે છે, આપણી પરંપરાગત માન્યતાઓ ઉપર આકરા પ્રહારો કરે છે. આપણને રહી રહીને થાય છે કે શા માટે સગર્ભા સીતાનો ત્યાગ આટલી બધી ક્રૂરતાથી રામે કર્યો? શા માટે સરસ્વતીચંદ્રે કુમુદનો ત્યાગ કર્યો? આનો અર્થ એ થયો કે કૃતિમાં નિરૂપિત જગત અને આપણા જગત વચ્ચે સંઘર્ષ ઊભો થવાની શક્યતા હોય છે. હું જો સાવ અણઘડ હોઉં તો આ સંઘર્ષ મારા પક્ષે અનુદારતામાં, ઝનૂનમાં કે હિંસામાં પરિણમી શકે. શું કળામાં, સાહિત્યમાં એવી શક્તિ છે કે આવા પૂર્વગ્રહ ધરાવતા મનુષ્યને ઉદાર, પૂર્વગ્રહમુક્ત બનાવી શકે? હજુ આ વાતને સાદી રીતે મૂકવી હોય તો આમ કહી શકાય. સાહિત્ય કે કળા દ્વારા મનુષ્યને સંસ્કારી શકાય? હજુ આજે પણ કેટલાક એવું માને છે કે વર્તમાન મનુષ્ય કળાસાહિત્યથી ખૂબ જ વેગળો ચાલ્યો ગયો છે એટલે એ હિંસક, આક્રમક, વિકૃત બની ગયો છે અને એને પરિણામે હિંસકતા બર્બરતાનું પ્રમાણ વધી ગયું છે. આની સામે સચોટ દલીલ તો એ કરી શકાય કે મનુષ્ય જ્યારે કળાના નિત્ય સંપર્કમાં રહેતો હતો ત્યારે શું એ હિંસક નહોતો? હિંસા એ મનુષ્યની પ્રકૃતિ છે અને અહિંસા મનુષ્યની સંસ્કૃતિ છે. હિંસામાંથી અહિંસા તરફ ગતિ કરવી એ ઉત્ક્રાંતિ છે, પછીનું પગલું સમુત્ક્રાંતિનું હોઈ શકે. મહર્ષિ અરવિંદચીંધી દિશા હમણાં બાજુ પર રાખીએ. છતાં કેટલાક પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી મેળવી શકાતા નથી, એના વિશે વિચારવિમર્શ જ કરી શકાય. સાર્ત્રે ક્યાંક લખ્યું હતું કે યહૂદી વિરોધ કે યહૂદી તિરસ્કારને સ્વીકૃતિ આપતા વિષયવસ્તુ ઉપર મારાથી કોઈ કૃતિ રચી જ ના શકાય. બીજા શબ્દોમાં મનુષ્યપ્રેમ એ હકારાત્મક મૂલ્ય છે અને મનુષ્યદ્વેષ નકારાત્મક મૂલ્ય છે. હજુ કોઈને પ્રશ્ન થઈ શકે કે આ પ્રકારની ચર્ચા આપણને નીતિઅનીતિના પ્રશ્નો તરફ તો નથી લઈ જતી ને? અને ધારો કે લઈ જતી હોય તો? કેટલાંક મૂળભૂત મૂલ્યો માટે સર્જક અને તેણે રચેલાં પાત્રો જીવસટોસટનાં સાહસો આદરી શકે કે નહીં? સર્જકસૃષ્ટિ મૂલ્યઆધારિત હોય જ નહીં તો એ કેટલે અંશે સ્વીકૃત બને? જર્મન ચિંતક શીલર માનતા હતા કે મનુષ્ય સૌંદર્ય દ્વારા સ્વતંત્રતાને પામી શકે છે. તેમની વાતને પરંપરાનું અનુમોદન છે. જેને અસ્તિત્વ છે (જુદી પરિભાષા વાપરીને કહેવું હોય તો જે સત્‌તા ધરાવે છે) તે પરતંત્ર કેવી રીતે હોઈ શકે? હજુ એક ડગ આગળ વધીને કહીએ : જે સ્વ-તંત્ર છે, જેને અસ્તિત્વ છે, જે સત્‌તા ધરાવે છે તે બીજાનું સત્‌ છિનવી શકે? બીજાને પરતંત્ર બનાવી શકે? અહીં સ્વતંત્રતાને રાજકીય અર્થમાં લેવાની ન હોય. કારણ કે કહેવાતી રાજકીય સ્વતંત્રતા મનુષ્યને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવશે જ એવી કોઈ ખાતરી નથી. એટલે લોકશાહીમાં પણ તાનાશાહી સંભવી શકે છે. ગણ્યાગાંઠ્યા લોકો તાનાશાહીના માર્ગે સમાજને ગેરરસ્તે દોરતા હોય અને સમાજનો મોટો લાચાર વર્ગ એનો વિરોધ કરી શકતો ન હોય તો તે સમાજને સ્વતંત્ર કહી શકાતો નથી. એવા સમાજને સ્વતંત્ર કરવા, સાચાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા કળાકારે કળાસર્જન કરવું જ પડે. આ અર્થમાં દરેક સર્જક પ્રતિબદ્ધ છે, જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં જ સૌંદર્ય સંભવે, જ્યાં સૌંદર્ય ત્યાં જ સ્વતંત્રતા અર્થાત્‌ અસ્તિત્વ – ચૈતન્યમય અસ્તિત્વ. આવા અસ્તિત્વના પાઠ સાહિત્ય કે કળા શીખવી શકે. એ શીખેલા પાઠ આપણે ફરી આપણા વિદ્યાર્થીઓને શીખવવાના રહે છે અને એમ એ પરંપરા, એ ચક્ર અવિરત ચાલ્યા કરે છે. ઘોર અંધકારમાં પણ કોઈક ખૂણે, હૃદયના કોઈક ખૂણે એ ગતિની અનુભૂતિ થતી જ રહેવાની એવી અચળ શ્રદ્ધા સાથે અહીં વિરમું છું.

૨૦૦૪, ઊંઝા
(અધીત ૨૪)