અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/ભારતીય કથનશાસ્ત્ર – નરેશ વેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭. ભારતીય કથનશાસ્ત્ર (Indian Narratology)
નરેશ વેદ

ગત સમ્મેલનના પ્રમુખશ્રી શિરીષભાઈ પંચાલ, સ્વાગતાધ્યક્ષ આદરણીય શ્રી ઓધવજીભાઈ પટેલ, યજમાન સંસ્થાના આચાર્યશ્રી તથા સંનિષ્ઠ કર્મચારીઓ, વિદ્યાનુરાગી અધ્યાપક મિત્રો તથા આમંંત્રિતો-મહેમાનો, ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના આ ચોપનમા સંમેલનમાં અધ્યક્ષપદે આપ સૌએ મારી વરણી કરી એ માટે હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આ સ્થાન માટે મારી પાત્રતા કરતાં આપ સૌનો સ્નેહભાવ એમાં નિમિત્તરૂપ બન્યો છે એમ હું માનું છું. આપણા આ સંઘને એના સ્થાપનાકાળથી માંંડીને આજ સુધી અનેક વિદ્યાપુરુષોનું માર્ગદર્શન અને સંચાલન મળતું રહ્યું છે. તે સૌએ આ સંઘને મજબૂત બનાવ્યો છે અને આપણા અભ્યાસ-વિષયનાં અધ્યયન, અધ્યાપન, સંશોધન અને વિસ્તરણના કાર્યને સંગીન બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. એ સૌ વિદ્યાપુરુષોનું સ્નેહાદરપૂર્વક સ્મરણ અને વંદન કરી મારા નાના ખભા પર મુકાયેલી આ મોટી જવાબદારી, અધ્યયન, અધ્યાપનના આ કપરા કાળમાં, નિષ્ઠા અને નિસબત સાથે, યથાશક્તિમતિ નિભાવવાનો હું પ્રયત્ન કરીશ એમ નમ્રતાપૂર્વક જણાવવાની રજા લઉં છું. આવું મોટું અને માનભર્યું સ્થાન સ્વીકારતાં મારા મનમાં જાગેલાં ક્ષોભસંકોચ સાથે એક વિશેષ પ્રકારની પ્રસન્નતાની લાગણી પણ ભળેલી છે. એનું કારણ એ છે કે આ અધિવેશન જ્યાં મળી રહ્યું છે તે મારું વતન છે, જેમણે ભાવપૂર્વક આપણને સૌને નિમંત્ર્યા અને આપણા સૌનું સ્વાગત કર્યું તે મુરબ્બી શ્રી ઓધવજીભાઈ પટેલ મારા આદરણીય ગુરુ છે અને જેમના ઉમંગ અને પરિશ્રમના કારણે આ સંમેલન અહીં યોજાઈ રહ્યું છે તે અહીંના મોટા ભાગના અધ્યાપકો મારા વિદ્યાર્થીમિત્રો છે. જે માટીમાંથી મારો જન્મ થયો. જ્યાંના શૈક્ષણિક સાંસ્કૃતિક વાતાવરણે મારી ભાવસૃષ્ટિ અને માનસિકતાને ઘડ્યાં-પોષ્યાં, જ્યાં મારું વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે ઘડતર થયું એ ભૂમિમાં મારા શિક્ષકો-અધ્યાપકો અને વિદ્યાર્થીઓની મારા માટેની લાગણી ભળેલી છે. આ ક્ષણે આ સૌની લાગણીઓથી ભીંજાઈને એમના પ્રત્યે મારી અંતરની કૃતજ્ઞતા અને આભારવશતા પ્રગટ કરું છું. આપ સૌ જાણો છો કે કથાસાહિત્ય મારો રસ અને અભ્યાસનો વિષય છે. એ વિષયમાં વાચન, લેખન અને સંશોધન કરતાં કરતાં હું કથા-કથનશાસ્ત્ર (Narratology) રચવાની દિશામાં પશ્ચિમી જગતમાં થઈ રહેલી પ્રવૃત્તિના પરિચયમાં આવ્યો. એ વિષયમાં રસપૂર્વક આગળ વધતાં મને સમજાયું કે પશ્ચિમના વિદ્વાનો કાવ્યશાસ્ત્ર (Poetics) અને નાટ્યશાસ્ત્ર (Dramatics)ની માફક કથાકથનનું શાસ્ત્ર (Narrativistics) રચવાની મથામણ કરી રહ્યા છે. ત્યારે એમની સામે ઉદાહરણ રૂપે કેવળ એમનું જ સાહિત્ય છે; ભારતીય કથાસાહિત્ય નથી. હકીકતે ભારત કથાનું પિયર છે. અનેક જમાનાઓથી અનેક પ્રકારની કથાઓ અહીં રચાતી રહી છે અને દેશ-વિદેશમાં પરિભ્રમણ કરતી રહી છે. જો આ બધી કથાઓની નિરૂપણ અને રચનાપદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો અભ્યાસ પોતાની વિચારણા વખતે પશ્ચિમી વિદ્વાનો દ્વારા ન થાય તો કથાકથનશાસ્ત્રનો અભ્યાસ એકાંગી અને અપૂર્ણ રહે. જો એમાં ભારતીય કથનરીતિ – પદ્ધતિનો અભ્યાસ સામેલ થાય તો જ સર્વાંગી અને સંપૂર્ણ સિદ્ધાંત રચવાની ભૂમિકા ઊભી થાય. તેથી મેં Indian Narratology વિશે જિજ્ઞાસાપૂર્વક વાંચવા વિચારવાનું શરૂ કર્યું હતું. મારાં વાચન-વિચારને પરિણામે મને આ વિષયમાં જે કાંઈ કહેવા યોગ્ય પ્રાપ્ત થયું છે એ આજે આપ સૌની સમક્ષ રજૂ કરું છું. કથાકથનશાસ્ત્ર (Narratology) એ સંજ્ઞા નવી છે; પણ એ ક્ષેત્ર (Decipline)ની પ્રવૃત્તિ તો જૂની છે, પશ્ચિમી પરંપરામાં એ છેક પ્લેટો-એરિસ્ટોટલ જેટલી પુરાણી છે. પશ્ચિમમાં વીસમી સદીનાં છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષો દરમ્યાન આ વિષયની વિચારણામાં ઘણો વેગ આવ્યો છે. આ ક્ષેત્રની પ્રવૃત્તિએ સાહિત્યમીમાંસકો, ભાષાવિજ્ઞાનીઓ, ઉપરાંત દાર્શનિકો, મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો, સંકેતવિજ્ઞાનીઓ, લોકવિદ્યા અને નૃવંશવિદ્યા-વિશારદો તથા સંપ્રેષણ સિદ્ધાંતકારોનું સારાય વિશ્વમાં ધ્યાન આકર્ષિત કર્યું છે. Narratology એટલે શું એનો સાદી રીતે ઉત્તર આપવો હોય તો એમ કહી શકાય કે, કથાના સ્વરૂપ અને કાર્યનો અભ્યાસ એટલે કથનશાસ્ત્ર (Narratology). આ શાસ્ત્ર તમામ પ્રકારની કથાઓમાં જે સર્વસામાન્યરૂપે રહેલાં તત્ત્વો છે તેની તપાસ કરે છે, એટલું જ નહીં કયાં તત્ત્વો કઈ રીતે કથાને એકમેકથી જુદી પાડે છે તેનો અભ્યાસ કરતું પણ શાસ્ત્ર છે. મતલબ કે કથાકથનશાસ્ત્રને કોઈ વિશિષ્ટ વાર્તા કે નવલકથાના ઇતિહાસમાં, તેમના અર્થોમાં, અને તેમનાં રસકીય મૂલ્યો સાથે એટલી નિસબત નથી જેટલી અન્ય સંકેતવ્યવસ્થાઓથી કથનવ્યવસ્થાને જુદા પાડતાં ગુણધર્મો (Traits) અનેે એ ગુણધર્મોની રીતપદ્ધતિઓ સાથે છે. તેનું ક્ષેત્ર કેવળ વિદ્યમાન હોય એવી કથાઓ પૂરતું મર્યાદિત નથી પરંતુ સંભવિત સર્વ પ્રકારની કથાઓ જેટલું વ્યાપક છે. એનું મુખ્ય કામ કથાનિર્માણમાં અનુસ્યૂત રહેલી પ્રયુક્તિઓ, પ્રવિધિઓ અને પદ્ધતિઓનું સ્પષ્ટીકરણ અને તેમના પ્રકારોને અવગત કરવાનું છે. પશ્ચિમી વિદ્વાનોએ આ શાસ્ત્ર વિકસાવવાની દિશામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. ભારતીય ભાષાઓમાં કથાકથનની આવી અનેક પરંપરાઓનો ઘણો લાંબો અને વિવિધતાભર્યો ઇતિહાસ છે. માત્ર ઇયત્તાની દૃષ્ટિએ પણ વાત કરીએ તો કોઈ પણ અન્ય દેશની પ્રાચીન અને મધ્યકાલીન કથાપરંપરાઓ સાથે આપણે એને સહેલાઈથી સરખાવી શકીએ. આમાંનું કંઠસ્થ પરંપરામાં રહેલું અસીમિત કથાસાહિત્ય, ઐતિહાસિક પરિબળોની જોહુકમીને કારણે આપણે બચાવી શક્યા નથી. પણ વસ્તુ અને રીતિની અપાર વિવિધતાઓ દેખાડતી એમાંની કેટલીક કથાઓ હજુ આપણા દેશમાં કેટલીક અનુસૂચિત જાતિસમૂહોના મંચન કાર્યક્રમોમાં જોવા મળે છે. આમાંની કઈ અને કેટલી જાતની કથાપ્રણાલીઓ લુપ્ત થઈ ચૂકી છે એનો સર્વગ્રાહી ખ્યાલ તો મળે એમ નથી. પણ હાલ જે મુખપાઠી અને લિખિત પરંપરાઓમાં ઉપલબ્ધ થઈ છે તે આપણી કથાકથનપ્રવૃત્તિ કેટલી સમૃદ્ધ અને સંપત્તિવાન હતી તેનો ખ્યાલ આપે છે. ખાસ કરીને પરંપરાગત કથાઓની આપણી આ નિજી પરંપરાને વિદેશી અસરો રૂંધે કે ક્ષીણ કરે એ પૂર્વેની આપણી પરંપરાગત કથાઓની પ્રવૃત્તિ કેટલી રચનાઓ (Treats) ઉપલબ્ધ થઈ છે તેના પરથી મળે છે. અહીં હું એનું સર્વગ્રાહી વિસ્તૃત સર્વેક્ષણ કે કાળાનુક્રમ ધરાવતો સાંગોપાંગ ઇતિહાસ આપવા માગતો નથી. કેવળ ભારતીય કથનાત્મક પરંપરા ઇયત્તા, ગુણવત્તા અને વિવિધતામાં કેવી હતી તેની ઝાંખી કરાવતી રૂપરેખા આપવા ઇચ્છું છું. ભારતીય કથનાત્મક સાહિત્યનો ઉદ્‌ગમ અને વિકાસ ત્રણ મુખ્ય સ્રોતમાંથી થયેલો છે. આ સ્રોત છે (૧) બ્રાહ્મણસ્રોત (૨) બૌદ્ધસ્રોત અને (૩) જૈનસ્રોત. આ ત્રણ સ્રોતને કારણે ભારતીય વૃત્તાન્તાત્મક સાહિત્ય પ્રધાનતયા ત્રણ ધારાઓવાળું દેખાય છે. (૧) વૈદિક (૨) બૌદ્ધ અને (૩) જૈનધારા. આ ત્રણેય ધારાઓના કથનાત્મક સાહિત્યસર્જન પાછળ બે મુખ્ય હેતુઓ રહેલા જણાય છે : (૧) લોકોમાં ધર્મ, ધાર્મિક ક્રિયાકાંડો અને માન્યતાઓ પ્રત્યે શ્રદ્ધા જગાવવી અને ધર્મસિદ્ધાન્તોનો પ્રચાર કરવો તથા (૨) લોકોનું મનોરંજન કરવું. બ્રાહ્મણસ્રોતનું વૃત્તાન્તાત્મક સાહિત્ય વેદ-સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો તથા ‘કાદંબરી’, ‘વાસવદત્તા’, ‘દશકુમારચરિત’, ‘બૃહત્કથામંજરી’, ‘કથાસરિત્સાગર’, ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ જેવી મનોરંજક કથાઓમાં પથરાયેલું પડ્યું છે. બૌદ્ધસ્રોતનું સાહિત્ય પિટક, જાતક અને અપદાનમાં પથરાયેલું છે. તો જૈનસ્રોતનું સાહિત્ય આગમો, નિર્યુક્તિ, ચૂર્ણી, ભાષ્યો અને ટીકાગ્રંથોમાં પથરાયેલું છે. આપણું વૃત્તાન્તાત્મક સાહિત્ય આટલું સમૃદ્ધ છે, પરંતુ ભારતીય સાહિત્યશાસ્ત્રમાં તેની શાસ્ત્રીય મીમાંસા તદ્દન આછીપાતળી અને અપર્યાપ્ત છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના કેટલાક મુખ્ય ગ્રંથો ‘અગ્નિપુરાણ’, ‘કાવ્યાલંકાર’, ‘સાહિત્યદર્પણ’, ‘ધ્વન્યાલોક’, ‘કાવ્યાદર્શ’, ‘કાવ્યાનુશાસન’ વગેરેમાં કથાની જે ચર્ચા છે તે અછડતી છે. એ ગ્રંથોમાં કથાપ્રકારોના ઉલ્લેખો થયા છે પરંતુ કથા એટલે શું? વૃત્તાન્ત અથવા કથન એટલે શું? વૃત્તાન્તાત્મક સાહિત્યની પ્રકૃતિ કેવી છે? તેનાં પ્રયોજનો અને કાર્યો કયાં છે? તેમાં રચનાનિર્માણ અને નિરૂપણની રીતિ-પદ્ધતિઓ અને પ્રવિધિઓ કેવી છે? વગેરે બાબતો વિશે દ્યોતક ચર્ચાવિચારણા નથી. એમાં એવી કથાઓનાં બહિરંગનું કેવળ વર્ણન વિવરણ છે, તેનાં વિવિધ સ્વરૂપોની આગવી લાક્ષણિકતાઓ અને ખાસિયતોનો વિષદ ખ્યાલ એમાંથી મળતો નથી. ભારતીય વૃત્તાન્તાત્મક સાહિત્યમાં ઇયત્તાની માફક વિવિધતા પણ ઘણી છે. હજારો વર્ષોથી એ નાનાવિધ રૂપોમાં રચાતી આવી છે. ઉપખંડ જેવા આ વિશાળ દેશમાં અનેક સ્થળોએ અનેક ભાષામાં એ અસ્તિત્વ ધરાવતી હતી. જે તે પ્રદેશ અને ભાષાના સાંસ્કૃતિક અંશો એમાં ભળતા હતા. તેથી ભારતીય વૃત્તાન્તાત્મક કથા ગંગા, યમુના, બ્રહ્મપુત્રા કે કાવેરી જેવી નદીઓની માફક અનેક પ્રવાહોથી હંમેશાં ઊભરાતી અને નવાં રૂપો ધારણ કરતી રહી છે. એ બધાં રૂપોનું વર્ગીકરણ કરવું એ સ્હેજ પણ સહેલું કામ નથી. તેમ છતાં વિચારની વ્યવસ્થા અને અભ્યાસની સુગમતા ખાતર આપણે આ કથાના જે અનેક રૂપપ્રવાહો છે તેમાંના તરત જ નજરે ચડતાં આગળ પડતાં (outstanding) પ્રવાહોનાં વહેણો અને વમળોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરીએ. આ કામ ઘણું અઘરું છે; કારણ કે પ્રાચીન અને મધ્યકાળમાં સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, પૈશાચી, અપભ્રંશ, તમિળ અને કન્નડ ભાષાઓમાં અને ત્યાર બાદ અર્વાચીન કાળમાં પચીસ અથવા એથીય વધુ ભાષાઓ, બોલીઓ અને જનજાતિગત વાણીમાં એ બધું ફેલાયેલું છે. તેમ છતાં એને ઓળખવાનો અને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરીએ. ભારતીય વૃત્તાન્તાત્મક કથાને (૧) સૂત્રાત્મક કથા (encrypted narrative), (૨) વંશગાથા (saga narrative), (૩) વીરચરિતગાથા (epic narrative) (૪) શૃંખલાકથા (chain narrative) (૫) રૂપકાત્મક કથા (allegorical narrative) (૬) મહાકાવ્ય (grand narrative) (૭) બૌદ્ધ અને જૈન કથાઓ (buddhist/Jain narrative), (૮) દ્રાવિડિયન કથા (dravidian narrative), (૯) વનવાસી લોકકથા (tribal/folk narrative) (૧૦) મિશ્રકથા (miscellaneous narrative) – એવા વિવિધ પ્રકારોમાં આપણે વિભાજિત કરી શકીએ તેમ છીએ. આ પ્રકારોનો આછો પરિચય પણ આપણે કરીએ.

(૧) સૂત્રાત્મક કથા (encraypted narrative)

કોઈ વૃત્ત અથવા ઘટનાશ્રેણીનું વર્ણન કે બયાન વૃત્તાન્તાત્મક માળખું ધારણ કરી સાહિત્યસ્વરૂપોની શ્રેણીમાં આપોઆપ દાખલ થઈ જાય છે. પારસ્પરિક વ્યવહાર કરતાં સમાજમાં રહેતી પ્રત્યેક વ્યક્તિમાં ઘટના કે બનાવનું વૃત્તાન્તાત્મક ઢબે બયાન કરવાનું વલણ જન્મજાત હોય છે. બનાવોને એકસૂત્રે બાંધવા એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા નૈસર્ગિક છે. એ જ રીતે આજના ભાષાવૈજ્ઞાનિકો પણ એવું માને છે કે નામિક રૂપોનું ક્રિયાન્વિત પ્રવૃત્તિઓમાં રૂપાન્તર કરવું એ માનવવલણ પણ સાહજિક છે. નામિક રૂપોના ક્રિયાન્વયનની આ પ્રવૃત્તિ એ બીજું કશું નથી પણ કથન કે વૃત્તાન્તને એના બીજાંકુર રૂપમાં બાંધવાની પ્રવૃત્તિ છે. કથનનાં આવાં લઘુ આવિષ્કરણોને આપણે સૂત્રાત્મક કથાઓ કહીને ઓળખી શકીએ. આપણી દૈનંદિન વાતચીતમાં અપાતાં ઓઠાં કે દૃષ્ટાંતમાં, લોકગીતોમાં, અને પ્રાચીન સમયમાં મૌખિક રૂપે કહેવાતી વૈદિક ઋચાઓમાં આનાં ઉદાહરણો ભરપૂર મળે છે. વેદસંહિતાની ઋચાઓ આમ તો દેવસ્તવનનાં ઔર્મિક સ્તવનો છે પરંતુ એમાં કેટલીક ઋચાઓમાં એવી રીતે કથાના અંશો વણાઈ ગયેલા છે જેમને પાછળથી આખ્યાયિકા, પ્રકરણ કે પ્રબંધો રૂપે વિકસાવવા માટે લોકો આકર્ષાયા, લાલચાયા કે પ્રેરિત થયા છે. આવી સૂત્રતાત્મક કથાઓનુંં આજના વાચકો માટે એની coding device પકડીને decoding કરવું જરૂરી બને છે. જેમ કે ઋગ્વેદના દસમા મંડળમાં યમ-યમી, વરુણ-વસિષ્ઠ વગેરેની કથાઓ મળે છે. એકમાં કામભાવની અને બીજામાં દોસ્તી-દુશ્મનીની કથાના બીજાંકુરો રહેલા છે. આવી અન્ય સૂત્રાત્મક કથાઓ વેદોમાં છે : અગસ્ત્ય અને લોપામુદ્રા તથા પુરુરવા અને ઉર્વશીની. જેમના ઉપરથી પાછળથી કવિ કાલિદાસે વિક્રમોર્વશીયમ્‌ અને ક. મા. મુનશીએ લોપામુદ્રા નાટકો રચ્યાં. આ જ રીતે સંત તિરુવલ્લુવરના તમિલ ભાષામાં રચાયેલ ‘તિરુકુલર’માં આવી સૂત્રાત્મક કથાઓ મળે છે. નાટ્યોર્મિ કાવ્યોમાં આવી વૃત્તાન્તાત્મક કથાઓ વણી લેવાનું વલણ તમિલભાષાના સંગમકાળના સાહિત્યમાં ઘણું જોવા મળે છે. કુરુનટોકઈ નામક ટૂંકાં કાવ્યોના સંચયમાં આવી અનેક સૂત્રાત્મક કથાઓ વણાયેલી છે. સૂત્રાત્મક કથાઓ વણી લેવાની આ પ્રયુક્તિ ભારતીય દૃશ્ય, શ્રાવ્ય અને પ્રયોજ્ય કળાઓમાં પણ વ્યાપક રૂપે દૃષ્ટિગોચર થાય છે. જેમ કે રાજસ્થાની મીનેએચર્સ અને કેરાલિયન મ્યુરલ્સમાં આનાં ઘણાં ઉદાહરણો મળે છે. અગાઉના રાજામહારાજાઓના મહેલોમાં અને એમણે બંધાવેલાં મંદિરો-મ્યુઝિયમોમાં મ્યુરલ્સ શૈલીનાં ચિત્રોમાં આનાં ઉદાહરણો આજે પણ સુલભ છે. ‘ગીતગોવિંદમ્‌’ ભલે બાહ્ય રૂપમાં ઊર્મિકાવ્ય જણાતું હોય તત્ત્વતઃ એના ગાન અને અભિનય વખતે વિષ્ણુનાં વિવિધ રૂપોને સાકાર કરવાના પ્રયત્નોમાં આ જાતની કથાપ્રયુક્તિ પ્રયોજાયેલી છે. એ જ રીતે કર્ણાટકી સંગીતની તરજો બાંધનાર ત્યાગરાજ કે સ્વાતિ તિરુનલ ‘સ્વાતિરામાયણન’ની મલ્ટી મેલડી કમ્પોઝીશનરૂપ ‘રાગમાલિકા’ પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. શિલ્પ અને સ્થાપત્યની કળામાં આ કથાપ્રયુક્તિનાં ઉદાહરણો અજન્ટા-ઇલોરા અને ખજુરાહોમાં તેમ જ અનેક હિન્દુમંદિરોમાં જોવા મળે છે. કેટલીક વાર આ બધી કળાઓમાં કોઈ ખાસ કથાઘટકો (motifs) વારંવાર ઉપયોગમાં લેવાયાં છે.

(૨) વંશગાથા (saga narrative)

આપણા પૂર્વજો પાસેથી મળેલા વારસામાં એક મોટો વારસો પુરાણોનો છે. ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોમાં વેદસંહિતાઓનું જ્ઞાન કથામૂલક રચનાઓ દ્વારા આપવાનો પ્રયત્ન થયો છે. પરંતુ એ અભિજાત વર્ગ માટેના વિદ્વત્તામૂલક પ્રયાસો હતા. એ જ્ઞાન સામાન્ય જનતા સમજે એ રીતે મૂકવાનો પ્રયત્ન પુરાણોમાં થયો છે. તેથી ભારતીય કથનમીમાંસા માટે આ પુરાણો એ ખરા અર્થમાં સમૃદ્ધ ખજાનો છે. એની અંદર અસંખ્ય કથા તો છે જ પરંતુ ભારતીય સર્જકોના માનસમાં રહેલા કલ્પનોત્થ સ્રોત માટેનો એક કેન્દ્રીય સંપ્રત્યય પણ એ પૂરો પાડે છે. પશ્ચિમી જ્ઞાનકોશોમાં અપાતી માહિતી કાં તો વિષયવસ્તુને અનુલક્ષીને અથવા કક્કાવારી પ્રમાણે અનુક્રમ ધરાવતી હોય છે જ્યારે આ પૌરાણિક કથાઓ એથી જુદી કથનાત્મક વ્યવસ્થા (narratological order) ધરાવે છે. જેમ કે શ્રીમદ્‌ભાગવતમાં વિવિધ પ્રસંગોએ વિવિધ કથકો દ્વારા, વિવિધ શ્રોતાઓ પાસે રજૂ કરાતું શ્રેણીબંધ કથન છે. ઉ. ત., અસંખ્ય ગાથાઓને એકસાથે જોડવાની પ્રયુક્તિ તરીકે કથકોની શૃંખલાનો પ્રયોગ થયો છે. જેમ કે વિશ્વનિયંતાએ કથા બ્રહ્માને કહી, બ્રહ્મા પાસેથી નારદ પાસે, નારદ પાસેથી વ્યાસ પાસે એ ગઈ. વ્યાસે શુકને કહી, શુકે સુતને કહી, સૂતે શૌનકને કહી – આ રીતે આ કથાવૃંદો કથકોની પરંપરા દ્વારા પેઢી દર પેઢી પહોંચતી રહી છે. આવાં મુખ્ય અઢાર પુરાણોમાં જે મુખ્ય ખાસિયતો દેખાય છે તે નોંધવા જેવી છે (૧) દૈવી-માનુષી પાત્રો તરીકે વિનિયોગ (૨) મૌખિકતા (૩) પ્રશ્ન-ઉત્તરની નિરૂપણપદ્ધતિ (૪) દૈવી-માનુષી પાત્રો વચ્ચે આદાનપ્રદાન (૫) પાત્ર-પાત્ર વચ્ચે તથા પાત્ર અને શ્રોતા વચ્ચે સંવાદ (૬) અતિ-રાષ્ટ્રીય સ્થળકાળ (supera national)

(૩) વીરચરિત ગાથા (epic narrative)

વીરચરિત ગાથાનાં બે મુખ્ય ભારતીય ઉદાહરણો છે : (૧) રામાયણ અને (૨) મહાભારત. વંશગાથા (saga narrative) અને વીરચરિત ગાથા (epic narrative) ભારતીય કથાપરંપરાનાં બે મહત્ત્વનાં સ્વરૂપો છે. બન્ને વચ્ચે કથાવસ્તુ અને કથાસંરચનામાં ઘણી ભિન્નતા છે. વંશગાથા અથવા પુરાણો કિંવદંતીઓને ઇતિહાસરૂપે રજૂ કરે છે. જ્યારે વીરચરિત ગાથા અથવા મહાકાવ્ય ઐતિહાસિક વસ્તુને દંતકથારૂપે રજૂ કરે છે. આ ઉપરાંત વસ્તુ, ચરિત્ર, કાળ વગેરે ઘણી બાબતોમાં આ બન્ને ઘણાં જુદાં પડે છે. આ પ્રકારની કથાની મુખ્ય લાક્ષણિકતાઓ છે : (૧) રાષ્ટ્રીય વીરચરિતનું કથાનક (૨) તેની વીરોચિત ઢબે માવજત (૩) કાલાનુક્રમિક કથાસંરચના (૪) પ્રેમ અને શૌર્યભાવનાનું નિરૂપણ (૫) દૈવી-માનુષી પાત્રોની આંતરક્રિયા (૬) મૂલ્યબોધનો ઉદ્દેશ (૭) સ્તવનોનો વિનિયોગ. રામાયણની વસ્તુસંચનામાં એકેન્દ્રીય પાત્ર છે અને એક નિયામક કથનસૂર છે. પણ મહાભારતમાં આવો કેન્દ્રીય એક સૂર કે એક કેન્દ્રીય પાત્ર પણ નથી. તેથી રામાયણ એક નદી સમાન છે, મહાભારત દરિયા જેવું છે. રામાયણ એક મુખ્ય વીરચરિત્રવાળી, એક કેેન્દ્રીય ઘટનાવાળી, ઉપ કે આડકથાઓના અભાવે એક કેન્દ્રબિંદુવાળી સાદીસીધી વૃત્તાન્તરચના છે. જ્યારે મહાભારત અનેક ઉપાખ્યાનથી ઊભરાતી બહુપાત્રી, બહુકેન્દ્રી, બહુધ્વનિયુક્ત બહુવિધ કથા છે.

(૪) શૃંખલાકથા (chain narrative)

આ જાતની કથાનાં ઉદાહરણો ભારતીય કથાસાહિત્યમાં ઘણાં મળે છે. પૈશાચી ભાષામાં ગુણાઢ્યે રચેલી બૃહત્કથા, ક્ષેમેન્દ્રે રચેલી બૃહત્કથામંજરી, સોમદેવરચિત કથાસરિત્‌સાગર, દંડીરચિત દશકુમારચરિત વગેરે આ પ્રકારના જાણીતા કથાગ્રંથો છે. આ બધા કથાસંગ્રહોમાં અલગ અલગ કથાઓને જોડતી એક ફ્રેમસ્ટોરી હોય છે. આ ફ્રેમસ્ટોરી કથાસર્જકની કલ્પકતાનો પરિચય કરાવનારી હોય છે. એમાં સ્થળ, કાળ, પ્રસંગ અને કથકની પસંદગી મૂળ માસ્ટર-નેરેટર એટલે કથાસર્જક ખુદ નક્કી કરતો. પણ અંદરની કથાનું કથન એકાદ ચરિત્રને કથક બનાવીને સોંપતો. મતલબ કે સર્જક કથાકથનથી એક ચોક્કસ અંતર અને સ્વાતંત્ર્ય જાળવતો. આજની કથનશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો autogenious અને hetrogenious narrator હતા. કથનની આવી બહુ સંવિભાગી રચનાની આજના વાચકોને તો કલ્પના જ કરવાની રહે. એમાં કથનની નાટ્યાત્મક ક્ષણો માણવા સાથે કથનના ધાર્મિક, તાત્ત્વિક અને ચૈતસિક સૂચિતાર્થો પણ માણવા મળે છે. સિંહાસન દ્વાત્રિંશિકા, વેતાલપંચવિંશતિ, શુકસપ્તતિ વગેરે આ જાતની શૃંખલાકથાનાં અન્ય ઉદાહરણો છે.

(૫) રૂપકાત્મક કથાઓ (allegorical narrative)

સંસ્કૃતમાં આ જાતની કથાઓ માટે સંજ્ઞા છે ‘ૐઙજાદ્બદ્બચ્દ્બરદ્ધટ્ટદ્બ’ તમામ પ્રકારના વાચકો માટે લોકભોગ્ય એવી, પણ બાળકોને વધારે પ્રિય એવી પશુપંખીને નિમિત્ત કરીને લખાયેલી આવી રૂપકાત્મક કથાઓ મૂળે તો નીતિબોધની કથાઓ છે, પણ આપણું એ સૌથી વધારે લોકપ્રિય કથાસ્વરૂપ છે. આવી કથામાં પશુપંખીઓ પણ મનુષ્ય કે તેના કોઈ વિચારોને મૂર્ત કરવા માટે પાત્રરૂપે લેવામાં આવેલાં હોય છે. આ જાતની કથાઓનું ઉત્તમ ઉદાહરણ પંડિત વિષ્ણુદેવ શર્મારચિત પંચતંત્ર અને નારાયણ ભટ્ટરચિત હિતોપદેશ છે. પાત્રવૈવિધ્ય, આ પાત્રોનાં નિરૂપણમાં રહેલી ભિન્નતા, અને કથા (story) તથા પ્રોક્તિ (doscourse) વચ્ચે સતત ચાલતું રહેતું આંતરક્રિયા આદાનપ્રદાન, આ બન્ને રચનાઓને આગવો ઉઠાવ આપે છે. એમાં નૈતિક હેતુ માટે કથાનો ઉપયોગ કરેલો હોય છે. આ વાર્તાઓ કાંઈ વાસ્તવિક ઢાંચામાં રચવામાં નથી આવી, કેમ કે જીવનનું પ્રતિબિંબ આપવાની એમાં નેમ નથી, પરંતુ શું બની શકે તેનો ઇશારો આપવાની એમાં નેમ હોય છે. ટૂંકી અને સારગર્ભ અભિવ્યક્તિ દ્વારા જીવનમાં સદ્‌ગુણોની વ્યાવહારિક ઉપયોગિતા શી હોય છે તેનો આ કથા બોધ કરાવે છે.

(૬) મહાકાવ્યાત્મક કથાઓ (grand narrative)

ભારતીય મહાકાવ્યાત્મક કથાઓ મુખ્યત્વે બે પ્રકારની છે : (૧) વ્યાસ અને વાલ્મીકિ જેવા ઋષિમુનિઓ દ્વારા રચવામાં આવેલાં મહાભારત અને રામાયણ જેવાં epic of nature અને (૨) કાલિદાસ, માઘ, શ્રીહર્ષ અને ભારવિના રઘુવંશ, કુમારસંભવ, શિશુપાલવધ, નૈષધચરિત, કિરાતાર્જુન વગેરે જેવાં epic of art અથવા court epic. આમાંથી આગલા પ્રકારની ચર્ચા આપણે વીરચરિતકથા રૂપે આગળ કરી, પણ બીજા પ્રકારનાં આ મહાકાવ્યો જરા જુદી લાક્ષણિકતાઓ ધરાવે છે. તેમના સર્જન પાછળનો મુખ્ય ઉદ્દેશ રસાનુભવનો હતો; તેથી તેમાં જૈન-બૌદ્ધ કથાઓમાં છે તેવો બોધાત્મક ઉદ્દેશ નથી. એટલું જ નહીં ઇતિહાસ અથવા વીરચરિત કથાઓ કરતાં આ જાતની કથાઓ તેની વિભાવનામાં વધારે બિનસાંપ્રદાયિક હતી. નિરૂપિત કાળખંડની સામાજિક-રાજકીય પરિસ્થિતિઓના નિરૂપણ સાથે એની નિસબત હતી. રાજઘરાણાંના રજવાડી ઠાઠમાઠનું એમાં ચિત્રણ હતું. પુરાણ અને ઇતિહાસ કરતાં એમાં વધારે શાલીનતા હતી. મતલબ કે અગાઉનાં કથાસ્વરૂપો કરતાં એમાં વધારે સાહિત્યિક સભાનતા તથા કથાના કાર્ય વિશેની અભિજ્ઞતા જણાય છે. એમાં વર્ણનાત્મકતા કરતાં કથનાત્મકતા વિશેષ છે.

(૭) બૌદ્ધ અને જૈનધારાની કથા (Buddhist/Jain narrative)

પાલિ અને પ્રાકૃત ભાષાઓમાં રચાયેલ બૌદ્ધ અને જૈનકથાઓ ઉપર ચર્ચેલી કથાઓ કરતાં એના કથાવિભાવન અને શિલ્પનિર્માણમાં ઘણી જુદી પડી આવે છે. એમાં રૂપગત વૈવિધ્ય પણ ઘણું છે. એની વિગતવાર છણાવટ ન કરતાં સંક્ષેપમાં આ પ્રવાહની કથાઓની મુખ્ય લાક્ષણિકતાઓ જ આપણે નોંધીએ. આ કથાઓ ભદ્ર અને ઉજળિયાત સમાજની સંસ્કૃત ભાષા છોડી પાલિ-પ્રાકૃત અને પૈશાચી-માગધી જેવી લોકોમાં બોલાતી બોલીઓમાં રચાયેલી છે. એના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ તો પોતપોતાના ધર્મસિદ્ધાન્તોના પ્રચાર-પ્રસારનો હતો. એમાં નિરૂપાતી વાર્તાઓમાં સમાંતરતા (parallelism)નો પ્રયોગ વિશેષ હતો. એટલે કે એમાં વિષયવસ્તુ જન્મપુનર્જન્મનું કથાચક્રવાળું હતું. એમાં કથાઘટકો અને નિરૂપણ શૈલીમાં પુનરાવર્તન ઘણું જોવા મળે છે. એનો ઝોક રૂપકાત્મકતા તરફ વિશેષ છે. તેના સૂર અને મિજાજમાં મધ્યકાલીન મનોદશા વિશેષ પડઘાય છે. તેમ છતાં આ કથાઓમાં અનુરંજનનું તત્ત્વ પણ બહોળા પ્રમાણમાં છે. આ જાતની કથાઓના નમૂના જાતકગ્રંથો, પિટક અને અપદાનોમાં તથા આગમો, ભાષ્યો, ટીકાગ્રંથોમાં સમાયેલા છે.

(૮) દ્રાવિડિયન કથાઓ (Dravidian narrative)

પ્રત્યેક રાષ્ટ્ર, ભાષા કે સાહિત્ય પોતાનું આગવું વૃત્તાન્તાત્મક કથાસ્વરૂપ ધરાવતા હોય તેમ દક્ષિણ ભારતે ભગવાન ઈસુના જન્મ પૂર્વે અને પછી પણ કથાનું પોતાનું આગવું સ્વરૂપ વિકસાવેલું છે. તમિલ ભાષામાં બે જાતનું સાહિત્ય છે : પ્રકૃતિએ ઊર્મિલક્ષી એવું એકમ સાહિત્ય અને પ્રકૃતિએ કથનાત્મક અને વર્ણનાત્મક એવું પુરમ્‌ સાહિત્ય. સૂત્રાત્મક કથાઓ (encrypted narrative) તો આ બન્ને સાહિત્યમાં મળે છે. પ્રાચીન તમિલ સાહિત્ય ‘કલિટોકાઈ’માં એનું ઉત્તમ ઉદાહરણ મળશે. એમાં સંયોગ-વિયોગની એક તરાહવાળી એકવિધ અનેક પ્રણયકથાઓ મળે છે. પરંતુ કપિલરે ચારસો પુરમ્‌રૂપે રચેલી કાવ્યમાળામાં કથનાત્મકતાનો પૂર્ણ આવિર્ભાવ જોવા મળે છે. એ ઉપરાંત તમિલ ભાષામાં શિલાપટ્ટીકમ્‌, મણિમેખલાઈ, જીવચિંતામણિ, કુંડલકેશી અને વલ્લલાયપત્તી જેવી પાંચ શિષ્ટ કથારચનાઓ પણ ઉપલબ્ધ છે. સંસ્કૃત કથારચનાઓ કરતાં આ રચનાઓ એ રીતે જુદી પડે છે કે એમાં કથા ઉપરાંત એની રજૂઆત સંગીત અને નૃત્ય સાથે થતી. મલયાલમ ભાષાના અધ્યાત્મ રામાયણની માફક એનું ખાસ વર્ગ દ્વારા સ્થળે સ્થળે ગાન થતું. એમાં વર્ણનાત્મકતા નામમાત્ર રહેતી, એમાં લોકતત્ત્વોની અધિકતા રહેતી. એમાં યાત્રાપ્રવાસનું કથાઘટક પુનરાવર્તિત થયા કરે છે. સૌથી નોંધનીય બાબત એ છે કે સંસ્કૃત વૃત્તાન્તાત્મક સાહિત્ય પુરુષપ્રધાન હતું, પણ તમિલ અને મલયાલમ ભાષાઓમાં રચાયેલું આ સાહિત્ય સ્ત્રીપ્રધાન છે. એમાંની ઘણીખરી કથારચનાઓની પ્રવક્તા (protogonis) સ્ત્રી છે, પુરુષો નહીં.

(૯) વનવાસી અને લોકકથાઓ (tribal & folk narrative)

વન-વગડાના અંતરિયાળ પ્રદેશોમાં વસતી અને નિતાંત તળપદું કુદરતી જીવન જીવતી આ દેશની વનવાસી અને લોકવરણ પ્રજાએ સાહજિક ઉદ્‌ગારોરૂપે પોતપોતાની બોલીઓમાં રચેલું વૃતાન્તાત્મક સાહિત્ય એટલું વિપુલ, વૈવિધ્યયુક્ત અને અભ્યાસક્ષમ છે કે એના વિશે સંશોધકો જેટલું કરે એટલું કામ હંમેશાં ઓછું પડશે. હજુ સુધી એ એકઠું કરીને વર્ગીકૃત થયું નથી, તેથી તે વણસ્પર્શ્યું, અમુદ્રિત અને ચિર પ્રતીક્ષા કરતું સાહિત્ય છે. સર્જન અને સંપ્રેષણમાં એ લિખિત નહીં પણ મૌખિક રૂપમાં છે. આ ધારાની પ્રમુખ ખાસિયતો છે : (૧) આ કથાઓનો નાભિનાળસંબંધ સ્થાનિક સ્થળકાળ અને પર્યાવરણ સાથે હોવા છતાં એની અપીલ સાર્વત્રિક રૂપની છે. (૨) એ કોઈ વિશિષ્ટ વ્યક્તિના સર્જન કરતાં વિશેષ તો સંઘોર્મિનું સર્જન છે. એમાં સામૂહિક ચેતના વ્યક્ત થાય છે. (૩) આ કથાઓ કોઈ વ્યક્તિવિશિષ્ટના અંગત અનુભવોનું બયાન કરતી નથી, તેનું કથન નિતાંત બિનંગત ઢબનું છે. (૪) આ કથાઓ કોઈ પરંપરા કે વિવેચનાએ નિર્ધારિત કરેલી કારિકાઓ મુજબ રચાયેલી નથી. તેથી તદ્દન અનૌપચારિક, સાહજિક અને સંસ્થાકરણથી સુરક્ષિત રહેલી છે. (૫) આ કથાઓ તત્ત્વતઃ પ્રવાહી પાઠ (floting text) ધરાવતી હોવાથી એની કોઈ નિશ્ચિત સંપાદિત પાઠરચના નથી તેથી તેને કોઈ વિવેચનાત્મક પીઠબળ પણ નથી. (૬) આ કથાઓમાં કથનનાં લગભગ બધાં તત્ત્વો પુરાકલ્પનો, તરંગો, રૂપકો, રોમાંચક અંશો, વહેમો, અતિ પ્રાકૃતિક સત્ત્વો – વગેરે બધું સામેલ હોય છે. વનવાસી રામાયણ-મહાભારત, પાબુજી અને અન્ય લોકદેવતા, લોકવીરોને લગતાં કાવ્યો આ જાતની કથાનાં મુખ્ય ઉદાહરણો છે. દેશના ઘણાખરા પ્રાંતોમાં આ જાતની કથાઓ મળે છે.

(૧૦) અન્ય કથાઓ (miscellaneous narrative)

માનવ સભ્યતાના ઉદયકાળથી માનવ સહજપણે કથાકથન કરતો આવ્યો છે. એમાં કથાકથનની એટલી બધી તરાહો છે કે એના વિશે વર્ષો સુધી સંશોધન-અધ્યયન કરવું પડે. આવી કથાઓ કંઠસ્થ અને ગ્રંથસ્થ બન્ને પરંપરાઓની છે. હજુ આજે પણ દેશના અતિ અંતરિયાળ ભાગોમાં પ્રયોજ્યરૂપે કંઠસ્થ પરંપરા જીવંત છે. જેમ કે કેરાલામાં આવી પરંપરા ‘કુડીયતમ્‌’ નામે એને અન્ય ભારતીય ભાષાઓમાં એ હરિકથા, કીર્તનકથા, કથાકથન નામે આજેય પ્રચલિત છે. મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં આ ઉપરાંત કિસ્સા, મરસિયા, મસનવીસ, કથાના, દાસ્તાન, વંશીપત્તુ, બુરંજી, અત્થકહા, બારગીત, વાર વગેરે અનેક કથનપ્રણાલીઓ અસ્તિત્વ ધરાવતી હતી. સંસ્કૃત સાહિત્યની માફક કન્નડ, મૈથિલી, મલયાલમ, ઓરિયા અને તેલુગુ ભાષાઓમાં ચંપૂકાવ્યોની પણ દીર્ઘ પરંપરા છે. મૌખિક અને લિખિત કથાપરંપરાઓ હંમેશાં અલગ જ રહી છે એવું પણ નથી. ક્યારેક એમનું અમુક કથનપ્રણાલીમાં સંયોજન પણ થયું છે. ઉદાહરણરૂપે આસામમાં અંકિયાનાટ અને કેરેલામાં કથકલી એ ભજવાય ત્યારે અત્થકહા કહેવાય છે. એમાં રાગ, તાલ અને મેળ સાથે કથાનકની પ્રસ્તુતિ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રાંતોમાં વૃત્તાન્તાત્મક કથાના વિશિષ્ટ નમૂનાઓ મળે છે તેની નોંધ પણ લેવી જોઈએ. એમાં બંગાળનાં ‘મનસા મંગલકાવ્યો’, ‘લલિત ચરિત’ જેવાં મરાઠી ચરિત્રો, બુરંજીના નામે ઓળખાતા ઐતિહાસિક દસ્તાવેજો, સિંધી ભાષાનાં પ્રેમગીતો, કાશ્મીરી અને ઉર્દૂ ભાષાના ‘મસનવીસ’, તમિલ ભાષાના ‘પરાનીસ’ વિશેષ ઉલ્લેખપાત્ર છે. હજુ આ યાદી સંપૂર્ણ નથી એમાં હજુ પણ કથનાત્મક પરંપરાઓ ઉમેરવી પડે એવું બને. પણ અહીં થોભીએ. ખરેખર તો ભારતીય કથનાત્મક સાહિત્યધારાનું સંશોધન હડપ્પા અને મોંએજોદરોના ઉત્ખનન-સંશોધન જેવું જ ભગીરથ કામ છે. ભારતીય કથાસાહિત્યમાં નિરૂપ્યમાણ વસ્તુ બહુ વિવિધતાવાળું નથી. ધાર્મિક કથાઓમાં શરીર અને સંસારની અસારતા તથા વૈરાગ્ય અને ધર્મશરણનું વસ્તુ મુખ્ય છે. તો રંજકકથાઓમાં સંસારી રસની વાત મુખ્ય છે. કન્યાહરણ, એક યા બીજા કારણે ઘર છોડીને નીકળેલાં સ્ત્રી પુરુષના માર્ગમાં આવતાં વિઘ્નો, એમનાં પરાક્રમો અને એમની ઉપલબ્ધિઓનું વસ્તુ તેમાં મુખ્ય છે. હિન્દુ જીવનદૃષ્ટિ, પાપ-પુણ્ય, સદ્‌-અસદ્‌ કૃત્યો, તેમનાં સારાં-માઠાં પરિમાણરૂપ કર્મફળ, કર્મબંધનથી જીવની અનેક યોનિમાં જન્મજન્માંતર રૂપે થતી ગતિમાં માને છે. તેથી આ કથાઓમાં પાત્રોના અનેક જન્મો-ભવોની કથા નિરૂપાયેલી છે, જાતકકથાઓ, સમરાદિત્યકથા, પૃથ્વીચંદચરિત, સદેવંત-સાવલિંગા-જેવી કર્મવિપાકનાં અટપટાં પરિણામો દર્શાવતી કથાઓ દ્વારા એક બાજુથી કથાને ચમત્કારયુક્ત અને મનોરંજક બનાવાઈ છે. બીજી બાજુથી ધર્મે જય, પાપે ક્ષય, જન્મ-પુનર્જન્મ, મનુષ્ય પ્રારબ્ધ અને ઈશ્વરકૃપા જેવા ખ્યાલોનો પ્રચાર કરી શકાયો છે. મનોરંજક કથાઓમાં જીવનમાં અર્થ અને કામની પ્રબળતા સૂચવતાં કથાનકો લેવાયાં છે. સંપત્તિ કે સુંદરી પ્રાપ્ત કરવા પ્રવાસ કરતાં, પરદેશ ખેડતાં, મુશ્કેલીઓ, વિઘ્નો, આવેગો અને આપત્તિઓ વેઠતાં, સાહસ-પરાક્રમ કરતાં, આપબળ અને અક્કલ હોશિયારીથી સત્તા, સંપત્તિ અને સુંદરી પામતા મનુષ્યોની કથાઓમાં એમાં વિપુલ પ્રમાણમાં છે. ‘કથાસરિત્‌સાગર’, ‘વસુદેવહિંડી’, ‘દશકુમારચરિત’ આવા નાયકોનાં સાહસ પરાક્રમનું વસ્તુ જ પ્રસ્તુત કરે છે. આ સિવાય રંજકધારાની જે કથાઓ છે તે વિષયવસ્તુની દૃષ્ટિએ પાંચ ભાગમાં વહેંચીને ઓળખી શકાય એમ છે. (૧) સ્ત્રીપુરુષ વચ્ચેનો રાગમૂલક સંબંધ વિરોધ અને વિઘ્ન છતાં લગ્નમાં પરિણમી શકે અને સમાજ, ધર્મ તથા રૂઢિની દૃષ્ટિએ સ્વીકૃત બની શકે તેમ હોય તેવા વસ્તુવાળી તે પ્રેમકથા (પુરુરવા-ઉર્વશી, દુષ્યંત-શકુંતલા, કચ-દેવયાની, ભવિસયત્તકહા, માધવાનલ-કામકંદલા, રૂપસુંદરકથા, ઢોલામારુ, કામાવતી) વગેરે, (૨) સ્ત્રીપુરુષ વચ્ચેનો રાગમૂલક સંબંધ સમાજ, ધર્મ અને નીતિની દૃષ્ટિએ ગ્રાહ્ય બને તેવો ન હોય તેવા શરીરસંબંધો કે આડવ્યવહારની વસ્તુવાળી કથા તે કામકથા (ચંદ્રાશ્રી, સિંહબલ-કલ્યાણવતી, નાપિતા, શ્યામદત્ત અને અગડદત્ત, દેવદૂત અને નુપૂરપંડિતા, દુર્ગલા, મનમોહિની, ગંગ-દૂધા વગેરે) છે. (૩) વિપરીત સંજોગોના સકંજામાં સપડાયેલાં સ્ત્રીપુરુષો છળ, બળ અને કળથી એમાંથી પોતે ઊગરી જઈ વિઘ્ન ઊભું કરનાર કે વિષમ પરિસ્થિતિ સર્જનારને જ તેમાં ફસાવે તેવી વસ્તુવાળી ચાતુર્યકથા (સૂડાબહોંતેરી અને શુકસપ્તતિની કથાઓ) છે. (૪) પરપુરુષથી હિંમત અને ચાતુર્ય વડે પોતાના શિયળનું રક્ષણ કરતી સ્ત્રીઓના વસ્તુવાળી શીલકથાઓ (નંદબત્રીસી, મદનમોહના, ચંદ્રચંદ્રાવતી વગેરે) છે. (૫) અશક્ય કાર્યને પોતાની ચતુરાઈ અને કુનેહથી શક્ય બનાવતાં સ્ત્રીપુરુષ પાત્રોના વસ્તુવાળી ધૂર્તકથાઓ (તેમાં વેતાળપંચવિંશતિ, વિક્રમચરિત્ર, અંબડચરિત્ર જેવી ચાતુર્યકથાઓ, મૂલદેવ, શશધર, ઘટકર્પર જેવાં પાત્રોની ધૂર્તકથાઓ તથા ભરડકબત્રીશી, વિક્રમચરિત્રરાસ અને ગૌતમકુલક બાલાવબોધ જેવી મૂર્ખની હાસ્યકથાઓનો સમાવેશ થાય છે. આ કથાઓ અદ્‌ભુત રસનો ગાઢ અનુભવ કરાવે છે. આમ તો માણસે કથા નિપજાવી એ પોતે જ એક ચમત્કાર છે. આવી ચમત્કારી કથામાં પોતાની તરંગ અને કલ્પનાશક્તિ કામે લગાડીને કથાસર્જકોએ ચમત્કાર અને વિસ્મયજનક તત્ત્વોની ગૂંથણી કરી છે. વાસ્તવિક જીવનમાં પોતે જેને સંતોષી શક્યો ન હોય એવી કામનાઓની તુષ્ટિ અર્થે આવો વ્યાપાર એમણે કથાઓમાં ચલાવ્યો હોય તે સમજી શકાય તેમ છે. ઉપરાંત, પ્રાકૃતિક સત્ત્વોની અગાધ શક્તિ સમક્ષ પોતાની લઘુતા અને લાચારી જોતાં-અનુભવતાં પોતાના કરતાં અનેકગણી વધુ શક્તિ ધરાવતાં આધિભૌતિક અતીન્દ્રિય અને અલૌકિક તત્ત્વોની કલ્પના કરી હોય, અથવા આસમાની આફતોમાંથી બચવા તેમણે કરેલી લોકોત્તર શક્તિ વિભૂતિ કે સાધનોની કલ્પનામાંથી આવા ચમત્કારક, તિલસ્માતી અને વિસ્મયજનક અંશો આ કથાઓમાં આવ્યા છે. વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથોમાં દૃષ્ટાંતરૂપ જે કથાનકો છે તેમાં આવા ચમત્કારકઅંશો છે. ઉપરાંત, મહાકાવ્યો, આખ્યાનો, ચંપૂકાવ્યો, કથાકાવ્યો, રાસ, પ્રબંધો અને ચરિતોમાં પણ આવા અંશોનું નિરૂપણ છે. પુરાણકથાઓમાં તો આવી ઘટનાઓનું નિરૂપણ પ્રચુર પ્રમાણમાં છે. સ્તંભિની, મોચની, મૃતસંજીવની, પ્રજ્ઞપ્તિ, અવસ્વાપિત્તી, તાલોદ્‌ઘાટિની, વશીકરણ જેવી વિદ્યાઓ, મનુષ્યોનું જાતિપરિવર્તન, પદાર્થોનું સ્વરૂપાંતર, સ્થાવર પદાર્થોનું જંગમીકરણ, જંગમ પદાર્થોનું સ્થિરીકરણ, પાત્રોનું આકાશ-પાતાલ ગમન, પશુપંખીઓમાં માનવ ભાવોનું આરોપણ – વગેરે અંશોનું નિરૂપણ આ કથાઓમાં છે. કૌતુકલક્ષી અને જિજ્ઞાસા દ્રવતી વાર્તાઓ વડે આનંદ આપવા તાકતાં આ સાહિત્યમાં દેવ, દેવી, યક્ષ, કિન્નર, ગંધર્વ, ડાકણ, શાકણ, પરી, રાક્ષસ જેવાં માનવેતર પાત્રો અને મેના, પોપટ, હંસ, હાથી, ઊંટ, ભારંડ, ગરુડ, સર્પ જેવાં પશુપંખી અને જીવજંતુનો ચમત્કારના સાધન તરીકે સાહજિક રૂપમાં વિનિયોગ થયેલ છે. પાત્રોની વિપદ, સંકટ કે આપત્તિગ્રસ્ત અવસ્થામાં દૈવી તત્ત્વ અવારનવાર મદદે આવતું નજરે પડે છે. પાત્રો દ્વારા એમનું સ્મરણ કરાતાં જ તેઓ સહાય અર્થે હાજર થઈ જાય, અથવા એ અંગે પાત્રોને તે અગાઉથી સંકેત નિર્દેશસૂચન કરે, અથવા એમણે આપેલાં મંત્ર, અંજન, દંડ જેવાં સાધનો વડે એમનો ઉગારો થાય એ રીતે આ ચમત્કારો નિષ્પન્ન થતા હોય છે. ક્યારેક એથી ઊલટું નિરૂપણ પણ હોય. રાક્ષસો વિદ્યાધરો કે વ્યંતરો પાત્રોનાં કાર્યોમાં વિઘ્નો નાખે, એમનું અહિત કરે – એ રીતે પણ વિસ્મયના ભાવોનું આલેખન થતું હોય છે. આ ઉપરાંત, ઊડતી શેતરંજી, પવનપાવડી, ઇલમી મોજડી, ઇચ્છિત કાર્યસિદ્ધિ આપતાં દંડ અને જાદુઈ કટોરા, કરમાય નહીં તેવું કમળ, અદૃશ્ય બનાવતું આંજણ, ઊડવાની શક્તિ આપતી તલવાર, કોઈ પણ અસ્ત્રશસ્ત્રથી ન ભાંગી શકાતું અમોઘ શસ્ત્ર વજ્ર, ઊડતા ઘોડા, સોનૈયા આપતી અને ઇચ્છિત સ્થળે પહોંચાડતી ઊડતી ખાટલી – જેવાં સાધનોની સહાયથી મુશ્કેલ કે અશક્ય જણાતાં કાર્યો પાર પાડતાં પાત્રો, માણસને શ્યામવર્ણી કે રોગી બનાવતી જડીબુટ્ટી, માટીમાંથી સોનું બનાવતું તેમ સ્ત્રીમાંથી વાંદરી અને ફરી તેમાંથી સ્ત્રી બનાવતું વિદ્યાબળ, આકાશમાં મહેલ ઉડાડી શકતા મંત્રો – જેવી સાધના-સિદ્ધિઓ, તથા યોગબળે અદૃશ્ય થતાં ગણ, આપત્તિગ્રસ્ત પાત્રોને ચેતવતું, સ્થળાંતર કરાવતું અને ઉગારતું ભારંડ પક્ષી, ત્યજાયેલ બાળકને દૂધ પાતી ગાય, જન્મતાંની સાથે જ બોલતી છોકરી, સમુદ્રમાં સૂતેલા માણસની જાંઘ નડવાથી અટકતું વહાણ, જાંઘ તોડી તેમાંથી બનાવાતી હોડી, મડદામાં જીવનપ્રવેશ, મરેલી માછલીનું હાસ્ય, વિદ્યાધર બાળાના ગર્ભને ખાવાથી પ્રાપ્ત થતું વિદ્યાધરપણું, પાત્રના માથે રહેતી બગીચાની છત્રછાયા, માણસનું બળદ અને વાંદરાના રૂપમાં થતું પરિવર્તન, પાણીના છંટકાવ દ્વારા લગ્નમંડપનું સર્જન, યાંત્રિક હંસ દ્વારા રાજભંડારમાં થતી ચોરી – જેવી કપોલકલ્પિત ઘટનાઓ, આ કથાઓને કપોલકલ્પિત અને મનોરંજક બનાવે છે. કોઈ વ્યક્તિ છ મહિના સ્ત્રી અને છ મહિના પુરુષ રહે (ગુણવતીરાસ), કોઈ સ્ત્રી કે પુરુષને માછલી ગળી જાય, માછીમાર માછલીનું પેટ ચીરે ત્યારે તેમાંથી તે જીવતાં નીકળે (ઉત્તમકુમાર, કુસુમશ્રી, મત્સ્યોદર રાસ), કોઈ પુરુષ પથ્થરમાં ફેરવાઈ જાય, ભગવાનની મૂર્તિના સ્પર્શથી ફરી સજીવન થાય (ચિત્રસેન-પદ્માવતી), કોઈ માણસ સર્પ બની જાય (મહાબળ-મલયસુંદરી), કપાયેલા હાથ ફરી સાજા થાય (કલાવતી રાસ), ગરુડ વિષ ચૂસે તેથી મૃત વ્યક્તિ જીવિત થાય (હંસરાજ-વત્સરાજ), કોઈ સ્ત્રીને ૪૯ જોડકાં બાળકો જન્મે (આદિનાથ ઋષભદેવ), શીલની આણથી સ્ત્રી નદીના પૂરને ખાળે (રોહિણીરાસ), પાત્રોનાં જન્મ, લગ્ન કે વિઘ્ન સમયે આગાહી અથવા આકાશવાણી થાય (આર્દ્રકુમાર, દામન્નક, નંદિષેણ, જયાનંદકેવળી, અમરકુમાર, સુરસંદરી) – આ જાતનાં ચમત્કારી નિરૂપણો તિલસ્માતી પ્રકારનાં છે. આ ચમત્કારો બે પ્રકારના છે : (૧) દૈવી અને (૨) માનુષી, સર્વ શક્તિમાન ઈશ્વર તો આગ, અકસ્માત, ધરતીકંપ, વાવાઝોડાં, જલતાંડવ, દુષ્કાળ જેવા કોઈ પણ ચમત્કારો કરવા સમર્થ છે. પરંતુ એના જેવી જ શક્તિ જ્યારે દેવ, દેવી, યક્ષ, કિન્નર અને ગાંધર્વ જેવા અર્ધમાનવો, ઋષિમુનિઓ જેવા નરોત્તમો, પશુપંખી જીવજંતુ જેવાં ક્ષુદ્ર તત્ત્વો દાખવે ત્યારે ખરેખર કથારસ નિષ્પન્ન થાય છે. માનુષી ચમત્કારો ત્રણ પ્રકારના છે : (૧) તેની માનવેતર ગૂઢ શક્તિના ચમત્કારો એટલે કે શાપ અને વરદાન, (ઉ. ત., નર્મદાસુંદરી, મહાબળ-મલયસુંદરી, આરામશોભા, નળદમયંતી) (૨) માનવીએ વિકસાવેલી શક્તિના ચમત્કારો (ઉ. ત., ભીમનું શરીરબળ, બીરબલનું બુદ્ધિબળ, ભીષ્મનું પ્રતિજ્ઞાબળ, અગસ્ત્ય-પરશુરામનું તપોબળ, વિક્રમનું સાહસબળ વગેરે) (૩) માણસની અસ્ત્રશસ્ત્ર અને કળાઓમાં નિપુણતા દ્વારા જન્મતા ચમત્કારો (ઉ. ત., અર્જુનનો મત્સ્યવેધ, નળની અશ્વવિદ્યા, ઉદયનની સારંગીવાદનની નિપુણતા ઇત્યાદિ). આવા ચમત્કાર અને વિસ્મયજનક તત્ત્વોના અને તિલસ્માતી તથા કૌતુકરાગી ઘટનાનિરૂપણથી ભારતીય કથાસાહિત્ય અદ્‌ભુત રસનો આસ્વાદ ઉત્કટપણે કરાવે છે. બીજી રીતે કહીએ તો આજની રંજનકથાઓ (Romance) ને મળતી તરંગ અને કલ્પનાજનિત, અદ્‌ભુતરસિક તથા રંગીન અને રોમાંચક સૃષ્ટિ છે એ. સુખદ અને મંગલ અંત એ આ કથાઓની ધ્યાન ખેંચતી વિશેષતા છે. એનાં બે કારણો છે : (૧) હિન્દુ પ્રજાની માન્યતા (૨) આદર્શવાદી દૃષ્ટિકોણ. હિન્દુ પ્રજાની એક મૂળભૂત માન્યતા એ છે કે સર્વથા કર્તૃમ્‌, અન્યથા કર્તૃમ્‌ ઈશ્વર છે. એની યોજના હંમેશાં કલ્યાણમય જ હોય છે. એ રાખે તેમ જ જીવનમાં રહેવાનું હોય છે. ઈશ્વર મનુષ્યનાં સત્કૃત્યો અને દુષ્કૃત્યોનો યોગ્ય બદલો વાળી આપે છે. જીવનમાં જો સુખ શાંતિ મળે તો ઈશ્વરકૃપા અને દુઃખદર્દ મળે તો કર્મફળ અને પ્રારબ્ધ એવી તેની માન્યતા હોવાને કારણે તેનું માનસ સંતોષી, નિરૂપદ્રવી અને સમાધાનકારી છે અને એનો જીવન, જગત, જાત અને ઈશ્વર પ્રત્યેનો દૃષ્ટિકોણ આદર્શવાદી છે. તેથી જેનો અંત સારો; એનું સઘળું સારું એમ માનતી આ પ્રજા છે. એની આવી માન્યતાઓનું પ્રતિબિંબ એના કથાસાહિત્યમાં પડ્યું છે. ભારતીય કથાસાહિત્યમાં દુઃખદ અને કરુણ અંતવાળી કથાઓ નથી એમ નહીં. કહેવાનો મતલબ એ છે કે એવી કથાઓ અપવાદરૂપ અને જવલ્લે જ છે. અધિકાંશ રચનાઓ સુખદ અને મંગલમધુર અંતવાળી છે. મનોરંજક કથાઓમાં પાત્રોને એનું ધારેલું, ઇચ્છેલું, ઇપ્સિત-સત્તા, સંપત્તિ, સુંદરી વગેરે મળે છે. જ્યારે ધર્મકથાઓમાં પાત્રો સંસાર ત્યાગી, વૈરાગ્ય ધારણ કરી, સાધના, તપશ્ચર્યા કરી, કર્મો ખપાવી, અશોકાવસ્થા, ઇચ્છામૃત્યુ, મોક્ષ કે કેવળપદ પ્રાપ્ત કરે છે. ભારતીય કથાસાહિત્યના કથાવસ્તુના સંદર્ભમાં એક અન્ય નોંધપાત્ર હકીકત એ છે કે તેમાં વસ્તુની મૌલિકતા (originality) અને અનન્યતા (uniqueness) જેવા ખ્યાલો અપ્રસ્તુત છે. જોકે આ ખ્યાલો પશ્ચિમના સાહિત્યમીમાંસકોએ રજૂ કરેલા છે. પરંતુ એ ખ્યાલોનો વિચાર આપણે આધુનિક ભારતીય ભાષાઓના કથાસાહિત્ય માટે કરીએ છીએ, તેમ પ્રાચીન ભારતીય કથાસાહિત્ય પરત્વે કરીએ તો ખ્યાલ આવે છે કે એને માટે એ ખ્યાલો પ્રસ્તુત નથી. તેનાં કેટલાંક કારણો છે : (૧) આ સર્જકોએ વસ્તુ માટે ઇતિહાસ, પુરાણ અને પૂર્વસૂરિઓના સાહિત્ય ઉપર આધાર રાખ્યો છે જેમ કે, બૃહત્કથા શ્લોકસંગ્રહ, બૃહત્કથામંજરી, કથાસરિત્‌સાગર વગેરે કથાઓ મૂળ ગુણાઢ્યની બૃહત્કથાના સારસંક્ષેપો છે. તેમ વેતાલ પચ્ચીશી, સૂડા બહોંતરી, પંચતંત્ર વગેરે કથાસરિત્‌સાગરના સારસંક્ષેપો અથવા ઉપબૃંહણો છે. રામાયણ અને મહાભારતમાં અનેક ઉપાખ્યાનો વેદો, બ્રાહ્મણો અને આરણ્યકોમાંથી લેવાયાં છે, અને એ બે મહાકાવ્યમાંનાં એ ઉપાખ્યાનોને આધારે પાછળથી ઘણાં આખ્યાનો, પ્રબંધો, ચરિત, અને રાસાઓ રચાયાં છે. રામાયણ મહાભારત અને અન્ય મહાકાવ્યોના સારસંક્ષેપો રજૂ કરતા ગ્રંથો પણ રચાયા છે. અને એમને સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ તરીકે સ્થાન મળ્યું છે (જેમ કે, રામાયણસાર, મહાભારતસાર વગેરે), રાસા, પ્રબંધો અને કથાકોશોની કથાસામગ્રી તત્કાલીન લોકસાહિત્યમાંથી લેવાયેલી છે. જાતકકથાનાં ઘણાં કથાનકો પણ લોક સમુદાયમાંથી લેવાયાં છે. અને એમનો પ્રભાવ વળી એમની ઉત્તરકાલીન રચનાઓ ઉપર પડ્યો છે (દા.ત., કંસકથા, કૃષ્ણજન્મકથા વગેરે). બીજું, આ કથાઓ ધાર્મિક પ્રચાર અને મનોરંજન એવા બેવડા હેતુથી રચાતી હતી. ભલે એમાં સ્વરૂપનું વૈવિધ્ય હતું (જેમ કે રાસ, ચરિત, પ્રબંધ, ચોપાઈ, મહાકાવ્ય, આખ્યાન, પદ્યવાર્તા), પરંતુ એમાં વસ્તુયોજના અને વસ્તુનિરૂપણનું માળખું એકસરખું હતું. અનુરાગકથા સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, અપભ્રંશ કે ગુજરાતી કોઈ પણ ભાષાની હોય કે એ કોઈ પણ સ્વરૂપમાં હોય તોપણ એમાં (૧) અનુરાગ બીજનો ઉદ્‌ગમ (૨) અનુરાગ પ્રગટીકરણ અને પ્રસ્તાવ (૩) અનુરાગમાં વિઘ્નો-અંતરાયો (૪) વિઘ્નો-અંતરાયોમાંથી ઉગારો – મુક્તિ, પ્રિયજનપ્રાપ્તિ એમ એકસરખી રૂપરેખાવાળું કથામાળખું રહેતું હતું. એવું જ કામકથાઓ, શીલકથાઓ, ધૂર્તકથાઓ, ચાતુર્યકથાઓ, પરાક્રમકથાઓ, વ્રતકથાઓ, નીતિકથાઓ, બોધકથાઓ અને લોકકથાઓનું પણ છે. ધાર્મિકકથાઓમાં સંસારનાં મોહ-માયામાંથી મુક્ત થઈ વૈરાગ્ય અને દીક્ષા પ્રત્યે અભિમુખ થતાં સ્ત્રીપુરુષનાં જ કથાનકો મળે છે. એમાં પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં હોય કે અમુક ઘટનાઓ કે પરિસ્થિતિઓ આઘીપાછી કે આછીપાતળી કરવામાં આવી હોય છે, બાકી કથાઓનું વસ્તુ અને તેનું સંયોજન-નિરૂપણ એકસરખું જ હોય છે. તેથી આ કથાઓ એકમેકથી જુદી પડે, એના નિજી વ્યક્તિત્વથી અલગ તરી આવે એવી મૌલિકતા કે વ્યાવર્તકતાનો ગુણ ધરાવતી નથી. આ કથાઓ ઉપર વેદ-વેદાંગ, રામાયણ, મહાભારત, પુરાણો, સ્મૃતિઓ, શ્રુતિઓનો એટલો ઊંડો અને વ્યાપક પ્રભાવ છે કે એમનું કથાવસ્તુ ઇતરોત્થ છે, એમાં મૌલિકતા નથી. તેમ તેનું કથાવિભાવન, સંયોજન અને નિરૂપણ એકસરખું બીબાંઢાળ છે; તેથી તેમાં અનન્યતાનો ગુણ પણ પ્રમાણમાં ઓછો છે. ભારતીય કથાઓનું structure કેવું છે તેનો વિચાર કરતાં ખ્યાલમાં આવે છે કે પ્રાકૃત ભાષાઓમાં રચાયેલ કથાકોશમાંનાં ટૂંકાં અને વિનોદી કથાનકોને બાદ કરતાં આ કથાઓ પ્રમાણમાં લાંબી છે. એ કોઈ ને કોઈ રૂપે ખંડકોમાં વહેંચાય છે. જેમ કે, આખ્યાયિકાઓ ઉચ્છ્‌વાસમાં, આખ્યાનો કડવામાં, મહાકાવ્યો સર્ગોમાં, મનોરંજક કથાઓ લંભકોમાં, અને પ્રેમાખ્યાનો સંધિઓમાં વહેંચાયેલાં છે. આ કથાઓની વસ્તુસંરચના સાદી અને સરળ રૂપની નહીં; પરંતુ જટિલ અને સંકુલ રૂપવાળી છે. તેમાં પાત્રોના યાત્રાપ્રવાસ અને દેશાટનથી, પાત્રોના જન્મજન્માંતરથી, ઉપકથા, આડકથા અને દૃષ્ટાંતકથાઓ વણાટથી, વિષયાન્તર થવાથી – એમ જુદાં જુદાં કારણોને લઈને આ જાતનું કથામાળખું રચાયું છે. રામાયણ તો રામ-સીતા વચ્ચેના એકનિષ્ઠ પ્રણયની કથા છે. છતાં તેમાંય ઉપાખ્યાનો ગૂંથાયેલાં છે. મહાભારતમાં તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – જીવનના ચારેય પુરુષાર્થોને અનુલક્ષતાં અનેક ઉપાખ્યાનો ગૂંથાયેલાં છે. એ કારણે તો એ અનેક કથાઓ-ઉપકથાઓને સાંકળતો આકરગ્રંથ જ બની રહ્યો છે. બૃહત્કથા, બૃહત્કથામંજરી, કથાસરિત્સાગર, દશકુમારચરિત, વસુદેવહિંડી જેવા મોટા કથાગ્રંથો પાત્રોના પ્રવાસ અને એ નિમિત્તે રજૂ થતી એમના પરાક્રમોની પ્રસંગપરંપરાને કારણે જટિલ વસ્તુમાળખાવાળા ગ્રંથો બન્યા છે. કાદંબરી અને ઉપમિતિભવપ્રપંચકથા જેવી કથાઓ પાત્રોનાં જન્મજન્માંતરના ઘટનાતંત્ર અને રૂપકગ્રંથિને કારણે જટિલ ઉપરાંત સંકુલ વસ્તુરચનાવાળી બની છે. એવું જ અવંતીસુંદરી, તરંગવતી વગેરે કથાઓનું છે. ભારતીય પુરાકથાઓ અને ધર્મકથાઓમાં ethical અને religious principle કામ કરે છે એ કારણે એમનું structure ખાસ પ્રકારનું છે. રંજનાત્મક કથાઓનું structure એથી જુદા પ્રકારનું છે. તેમાં didacticism નથી, ત્યાં free imagination કામ કરે છે. ભારતીય કથાઓનું આયોજન ખોખામાં ખોખું, એમાં ખોખું, એમાં ખોખું એ જાતની Box-in typeની છે. સીધી ગતિએ વસ્તુ આગળ નથી વધતું, ચક્રાકારે ગોળ ફરતું અને ઉપચય સાધતું cyclicle structure વાળું છે. Horizontalyએ અપારદર્શક જણાય, પણ vertically છેક એના તળિયા સુધી જોઈ શકાય એવું માળખું છે. કથામાં કથા ગૂંથવવાની પદ્ધતિ મોટા ભાગના કથાસર્જકોએ અપનાવી છે. એમાં ઊંડા ઊતરતાં કેટલીક તરાહો દેખાય છે : (૧) મુખ્ય પાત્રોની ભ્રમણકથા કે અનેક પત્નીઓની પ્રાપ્તિની કથા (બૃહત્કથા, વસુદેવહિંડી), અનેક ભવની કથા (જાતકકથા, કાદંબરી, સમરાદિત્ય, પૃથ્વીચંદ્રચરિત્ર, સદેવંત સાવલિંગા), અનેક પ્રસંગોને લગતી આડકથાઓની ગૂંથણી (પંચતંત્ર), અનેક પાત્રોની વીતકકથા કે અનુભવકથાની ગૂંથણી (અવંતીસુંદરીકથા, દશકુમારચરિત્ર), મુખ્યપાત્રની પરાક્રમકથા કે પરોપકારકથા (વિક્રમકથા, અંબડચરિત્ર), અમુક વિષય સાથે સંકળાયેલ કથાગુચ્છો (કુવલયમાલા, ઉપદેશમાલા, શીલોપદેશમાલા, ભરડકબત્રીશી), અમુક ઘટના બનતી રોકવા યુક્તિરૂપે કહેવાતી કથાશ્રેણી (શુકસપ્તતિ, ચિત્રકરસુતાનીકથા, મતિસુંદરીની કથા, વેતાલ પંચવિંશતિ, ભવાટ્ટિકાની કથા વગેરે), આ કથાઓમાં વસ્તુ વળાંક લે છે ત્યાં મુખ્ય પાત્રનાં વૈયક્તિક, માનસિક કે સામાજિક સંજોગો જવાબદાર નથી હોતા, તેમાં એ કામ super natural element કરે છે! ભારતીય વૃત્તાન્તાત્મક કથાધારાને વર્ગીકૃત કરીને એમની વિશેષતાઓનું અવલોકન કર્યા બાદ હવે આ કથાસાહિત્યની વ્યાવર્તક લાક્ષણિકતાઓ કઈ છે તેની વાત કરીએ. આ સમગ્ર સાહિત્યને લક્ષમાં લઈને એની આ લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરીએ તો એમાં એમણે વિવિધ પ્રકારની નેરેટિવ પ્રયુક્તિઓ વાપરી છે જે આ કથાઓને એની આગવી વ્યક્તિતા આપે છે.

(૧) આંતરભાવિતા (interiorisation)

આ કથાની વસ્તુરચના કથામાં કથા એમાં કથા એવી (emboxed tichinique) વાળી છે. મનુષ્ય પાત્ર કોઈ વ્યક્તિ કે વસ્તુની શોધ કે પ્રાપ્તિ અર્થે પ્રવાસે નીકળે, તેના માર્ગમાં અનેક દુખિયારાં અને ગરજાઉ પાત્રો મળે અને તે જે કાર્ય માટે જઈ રહ્યો હોય તે પૂરાં કરીને પરત આવે ત્યારે પોતાનાં દુઃખદળદર ફીટે અને મનવાંછિત પ્રાપ્ત થાય, મનોરથ ફળે એવી અલભ્ય વસ્તુઓ, આશીર્વાદ કે કૃપાપ્રસાદ લાવી અને મેળવી આપવાની વિનંતી કરે, પેલું પરોપકારી પાત્ર એ વિનંતી સ્વીકારે અને પોતાનું ઉદિષ્ટ સાધવાની સાથોસાથ એ બધાંની ઇચ્છા-એષણાઓ પણ સંતોષે એવી ઘટનાઓ અનેક લોકકથાઓ અને વ્રતકથાઓમાં નિરૂપાયેલી છે. દાવાનળમાં દાઝતાં કે રોગદોગમાં સબડતાં જીવજંતુઓ અને મનુષ્યો પોતાને ઉગારવાની મુખ્ય પાત્રને વિનંતી કરે, ફળ નહીં આપી શકતાં આંબા અને એના જેવાં વૃક્ષો ફળાઉ થવામાં સહાય કરવા તેને વીનવે, નિઃસંતાન દંપતી સંતાનપ્રાપ્તિમાં સહાયરૂપ થવા વીનવે. આછાં અથવા ખારા જળવાળાં નદી-સરોવર-કૂવા મીઠા અને સભર થવા સહાય કરવા વિનવે વગેરે દ્વારા આવી કથાઓ મુખ્ય કથાપ્રવાહમાં વણાઈ છે. આવી યુક્તિથી મુખ્યપાત્રનાં કાર્યોનો વિસ્તાર કરી શકાય છે. તેના વ્યક્તિત્વના ઉમદા ગુણોને પ્રગટ કરી શકાય છે, કથાનો વિસ્તાર કરી શકાય છે, દુઃખીદર્દીઓને અને જરૂરિયાતમંદોને આવા કોઈ પરગજુ સહાયરૂપ થતાં જ હોય છે અથવા થવા જ જોઈએ એવું શ્રોતાઓને શ્રદ્ધાવલંબન પૂરું પાડી શકાય છે. જન્મ-પુનર્જન્મની કથાઓ પણ આવા જ હેતુથી કથામાં કથારૂપે સાંકળવામાં આવી છે.

(૨) ધારાવાહિકતા (serialisation)

કથામાં કથાઓની આવી ફૂલગૂંથણી હોવા છતાં આ કથાઓ ધારાવાહિકતાનો ગુણ ધરાવે છે. ભારતીય ધરતીનું વાતાવરણ અને ભારતીય પ્રજાનું માનસ ખરેખર કથા માટે ઘણું અનુરૂપ છે. કારણ કે ભૌગોલિક રીતે ભારત ઉષ્ણ કટિબંધવાળો દેશ છે અને ભારતીય પ્રજા આસ્તિક અને ધર્મપ્રિય માનસવાળી છે. જે સમયગાળામાં આ કથાઓની રચના થઈ તે કાળે મનોરંજનનાં આજના જેટલાં અને જેવાં સાધન હતાં નહીં. કેવળ કથાશ્રવણ લોકમનોરંજનનું સહજપ્રાપ્ય માધ્યમ હતું. તેથી સાયંકાળે ટાઢાપહોરે નવરાશ અને ફુરસદની પળોમાં સ્ત્રી-પુરુષો બેઠક જમાવી કથાવારતાશ્રવણનો સામૂહિક રીતે આનંદ માણતાં. એ કથાઓ રજૂ કરનાર કથક ચાહે જે હોય તે – સૂત, પુરાણી, કીર્તનકાર, માણભટ્ટ, બારોટ-એ કથાઓ દિવસો સુધી નિરાંતે માંડીને લડાવી-મલાવીને મનોરંજક રૂપમાં રજૂ કરતો. તેથી એ કથાઓ એકાદ દિવસના મર્યાદિત કલાકોમાં માણવાની કળાઓ ન હતી; દિવસો સુધી ચાલતી ધારાવાહિક વસ્તુરચનાવાળી હતી.

(૩) કપોળકલ્પિતતા (fantasisation)

આ કથાઓ સાંભળતા શ્રોતાઓમાં કુતૂહલ અને જિજ્ઞાસા જાગ્રત રહે અને રસિકતા ઊભી થાય એ માટે આ કથાઓમાં કપોળકલ્પિતતાની ટેક્‌નિક જુદા જુદા રૂપે અજમાવવામાં આવી છે. જેમ કે એક પ્રયુક્તિ વારંવાર પ્રયોજાઈ છે તે દેવવાણી, આકાશવાણી અને ભવિષ્યવાણીની. પાત્રોનાં જન્મ, વિવાહ, લગ્ન કે કોઈ અગત્યના જીવનપ્રસંગે તેની કુંડળી, હસ્તરેખા કે મુખાકૃતિ જોઈ થતી ભવિષ્યવાણી અથવા કોઈ વ્યક્તિ, દેવ-દેવી કે તપસ્વી દ્વારા થતી દેવવાણી કે આકાશવાણીની પ્રયુક્તિથી કથામાં કુતૂહલ અને જિજ્ઞાસાનાં તત્ત્વો દાખલ થયાં છે. તે પાત્રના જીવન માટે થયેલી આવી અગમ્ય વાણી વડે થયેલી આગાહી સાચી પડશે કે કેમ અથવા આવી વાણી દ્વારા પૂર્વસંકેત અપાયેલો હોવા છતાં પાત્ર એનાથી જુદી રીતે વર્તે છે કે કેમ તે જાણવાની શ્રોતા-વાચકને જિજ્ઞાસા રહે છે અને તેથી કથા રસિક બને છે. બીજી પ્રયુક્તિ પ્રયોજાઈ છે તે છે મનુષ્યવાણી બોલતાં પશુપંખીઓની પ્રયુક્તિ. કથાને રોચક બનાવવા માટે આ પ્રયુક્તિ ખપમાં લેવાઈ છે. પાત્રના પૂર્વભવની અથવા ભાવિજીવનની ઘટનાઓ વિશે પશુપંખીઓ એકબીજાં સાથે અંદરોઅંદર વાત કરતાં હોય, તે પાત્ર સાંભળી જાય અને એમને કાં તો પોતાનું જાતિસ્મરણ થાય અથવા તે કોઈ આઘાત કે આપત્તિમાંથી બચી જાય એવી ઘટનાનિર્માણની યુક્તિ શ્રોતાવાચકોની ઉત્સુકતાને સંકોરે છે અને એમને પાત્રના જીવન વિશેની ખપપૂરતી માહિતી પણ પૂરી પાડી શકાય છે. આ કથાઓનું વસ્તુ આકર્ષક અને રોચક બનાવવા માટે તેમાં સુંદર, ચતુર અને કુટિલ સ્ત્રી પાત્રોનો પણ એક પ્રયુક્તિ તરીકે વિનિયોગ કરવામાં આવેલો છે. ઉર્વશી, રંભા, મેનકા જેવી અપ્સરાઓનાં પાત્રો કોઈનું મન ચળાવવા અને મૃત્યુલોક તથા દેવલોકને સાંકળવા માટે કામ કરતાં જણાય છે. ગણિકા, વેશ્યા, વારાંગના કે પણ્યાંગનાનાં પાત્રો આ કથાઓમાં અનેક વાર આવતાં રહ્યાં છે. દામ્પત્યજીવન કે સંસાર પરત્વે અનાસક્ત કે ઉદાસીન પુત્રોને સંસાર તરફ વાળવા, એમનામાં કામભાવના અને વિષયવાસના જાગ્રત કરવા આવી વારાંગનાઓને ત્યાં સામે ચાલીને વડીલો પોતાનાં સંતાનોને મોકલતા હોય, એ સૌ એમના મોહપાશમાં બંધાઈ, એની પાછળ લુબ્ધ અને ખુવાર થઈ જાય, એની પાછળ ધન દોલત યુવાની બધું ફના કરે અથવા એવી સ્ત્રી દ્વારા હડધૂત થતાં કે એનું મહેણું વાગતાં પોતાની શક્તિ કે શહૂર બતાવવા તે અશક્ય અને મુશ્કેલ કાર્યો કરે અથવા એની સાથેના અતિભોગથી થાકી કંટાળીને સંન્યસ્ત કે વૈરાગ્ય ધારણ કરે એવું આલેખન આ કથાઓમાં થતું રહ્યું છે. આવાં વિલક્ષણ સ્ત્રીપાત્રો આ કથાસૃષ્ટિમાં બીજાં પણ છે. એમાં ખાસ કરીને વિષકન્યા, માલણ અને ઘાંચણનાં પાત્રોનો ઉલ્લેખ કરવો જોઈએ. વિષકન્યાનું પાત્ર એ કાળના કથાકારોનું એક તરંગ પાત્ર છે. લલિતાંગી, લાવણ્યમય વિષકન્યાનો મુખ્ય ચરિત્રના દુશ્મનોનો નાશ કરવા માટે એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે એવી પ્રયુક્તિ આ કથાઓમાં દેખાય છે. આવા પ્રયોગથી યુવતીઓનાં અમોઘ રૂપકામણ, તેમની કાતિલ સુંદરતાનો અને તેની સમક્ષ સ્ખલન પામતા પામર મનુષ્યમનનો પરિચય કરાવાય એવો હેતુ પણ એમાં કળાય છે. માલણ અને ઘાંચણનાં પાત્રો આ કથાઘટનાઓને ચાલના કે વળાંક આપવા માટેનાં પ્રેરક કે ઉત્તેજક પરિબળો જેવાં છે. આ પાત્રો ભારે ચતુર, દક્ષ, મુત્સદી અને વ્યવહારકુશળ હોય છે. વાર્તાનાં મુખ્ય સ્ત્રીપુરુષ પાત્રોને આશરો આપવો, એમને જરૂરી માહિતી પૂરી પાડવી, એમનો ઇચ્છિત પાત્રો સાથે મેળાપ કરાવી આપવો, આવાં પાત્રો જો કોઈ મુશ્કેલીમાં ફસાયાં હોય તો તત્કાળ બુદ્ધિથી એમનો ઉગારો કરાવો – વગેરે કાર્યો આ પાત્રો કરે છે. આવાં ચતુર, સુંદર, ધીટ, અને ધૂર્ત પાત્રો દ્વારા વાર્તામાં રસપ્રદ કડીઓ ઉમેરવી, જરૂર પડ્યે કથાને વેગ, વળાંક કે ચાલના આપવાં, એમાં પરિવર્તન લાવવું વગેરે કાર્યો આ કથાકારોએ લીધાં છે. અહીં એક બાબત ખાસ ઉલ્લેખનીય છે કે આ કથાઓમાં સાધ્વી, તાપસી, દાસી જેવાં પાત્રો નાયિકા સ્થાને આવ્યાં છે પણ એમાં ક્યારેય ગણિકા, વેશ્યા, વારાંગના, ઘાંચણ અને માલણનાં પાત્રોને મુખ્ય પાત્ર કે નાયિકાનો મોભો કે દરજ્જો મળ્યો નથી. એમનાં પાત્રો ગૌણ અને સહાયક પાત્રના રૂપમાં જ આવ્યાં છે. આ પાત્રો એ કાળના સમાજજીવનની છબિ તો રજૂ કરે જ છે પણ સાથોસાથ એ જમાનાનું આ જાતની સ્ત્રીઓ તરફનું પોતાનું વલણ પણ પ્રગટ કરે છે.

(૪) સ્થળસમયનું સંયોજન (spatio-temporal arrangement)

આ કથાઓમાં સ્થળનું પરિમાણ અતિ-રાષ્ટ્રીય (supra national) રૂપનું છે. કથાઘટના પાતાલલોક, મૃત્યુલોક, સ્વરલોક, દેવલોક, સ્થળમાં, જળમાં, અવકાશ એમ કોઈ પણ સ્થળે આકાર ધારણ કરે છે. વળી, આ કથાઓ જે જગ્યાએ જેમની સમક્ષ કહેવાતી હોય કે ભજવાતી હોય ત્યારે ત્યાંના સ્થળ અને શ્રોતાઓ મુજબ એમાં સ્થાનિક રંગો ઉમેરવામાં આવે છે કે એમાં પરિવર્તનો પણ કરવામાં આવે છે. પાત્રોની જન્મજન્માંતરોની કથા રજૂ કરવાની હોઈ એમાં વૃત્તાકાર સમયરચના (Cyclical time)નો વિનિયોગ કરવામાં આવ્યો છે. નારદ અને વિદ્યાધરનાં પાત્રો ભારતીય કથાસાહિત્યનાં વિલક્ષણ પાત્રો છે. નારદ મુનિ છે અને વિદ્યાધરો વિવિધ વિદ્યાના ધારકો છે. તેથી બન્ને પાસે ચમત્કારિક શક્તિઓ છે. તેથી આ પાત્રો કાં તો મુખ્ય પાત્રોને એમના માર્ગમાં વિઘ્નો-અવરોધો ઊભાં કરીને મુશ્કેલીમાં મૂકી શકે છે અથવા એમના માર્ગમાં ઊભાં થયેલાં આવાં વિઘ્નો-અવરોધો દૂર કરી આપવામાં સહાયક પણ બને છે. આ જાતનાં પાત્રોનો ઉપયોગ કરવા પાછળ ખાસ દૃષ્ટિ રહેલી જણાય છે. આ પાત્રો એમની વિલક્ષણ શક્તિસિદ્ધિઓને કારણે ગમે તે સ્થળકાળમાં ગતિ અને વિહાર કરી શકે છે, ગમે તે વાત પ્રસંગ કે બિના જાણી કે બદલી શકે છે. તેથી એમના દ્વારા મુખ્ય પાત્રને સલાહ અને માર્ગદર્શન અપાવવાનું કામ લેવાયું છે. આજની નવલકથાઓમાં નાયક (Hero)ને મદદ કરતાં સહાયક પાત્રો (Helping characters) હોય છે તેમના જેવાં આ પાત્રો છે. આ પાત્રોના વિનિયોગ વડે કથાકારો વાર્તામાં સમયસાંધણ, પરિવર્તન કે સંકલનનાં કાર્યો પાર પાડે છે. સ્થળસમયની અનુનેયતા અને કામરૂપતા હાંસલ કરવા માટેની આ એક પ્રયુક્તિ છે. આવું જ કામ પાર પાડવા માટે એમણે બીજી જે પ્રયુક્તિ ખપમાં લીધી છે તે છે શાપની પ્રયુક્તિ (Device of Curse). આ કથાઓમાં ગુસ્સે થયેલા કે ક્રોધે ભરાયેલા દેવ, દાનવ, માનવ કે ઋષિમુનિ અન્યને શાપ આપી દેતા હોય એવી ઘટનાઓ અવારનવાર જોવા મળે છે. શાપની આ પ્રયુક્તિથી આ કથાનિર્માતાઓએ અનેક Narrative Functions હાંસલ કર્યાં છે. જેમ કે તેથી કથામાં વિષયાન્તર કરી તેને વિસ્તારવાનું કામ થઈ શક્યું છે, સંઘર્ષનું તત્ત્વ ઉમેરી શકાયું છે, તેથી કુતૂહલનિર્મિત વડે રસનિષ્પત્તિ સાધી શકાઈ છે, પણ સૌથી વિશેષ તો કથાસમયમાં આગળ-પાછળ જઈ ગતિ અને પરિવર્તન સાધી શકાયાં છે.

(૫) રૂપકાત્મક માવજત (allegorisation)

આ કથામાં તેના રચયિતાઓએ પરી અને પશુપંખીઓનાં પાત્રો દાખલ કરી તેમનો એક પ્રયુક્તિરૂપે વિનિયોગ કર્યો છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’, ‘સૂડાબહોંતરી’ જેવી અનેક કથાઓમાં અને દાદા-દાદીના મુખે કહેવાતી બાળવાર્તાઓમાં આવતી પરીકથાઓમાં પશુપંખી કે પરીનાં જે પાત્રો આવે છે તે મનુષ્ય અને તેના નીતિ, સદાચાર, ધર્મ, મૂલ્યો માટેના ખ્યાલોને અવાંતરરૂપે પ્રગટ કરવા માટે આવ્યાં છે. જ્યોર્જ ઓરવેલ જેમ એમની જગપ્રસિદ્ધ ‘એ નિમલ ફાર્મ’ નામક કથામાં તેમ કામૂ તથા કાફકાએ તેમની ‘મેટા મોર્ફોસિસ’ અને ‘મિથ ઑફ સિસિફસ’માં જે રીતે અવાંતર રૂપે વિચારો રજૂ કર્યા છે એવી જ આ પ્રાચીન ભારતીય કથાપ્રયુક્તિ છે. એના વડે શ્રોતાવાચકોને નીતિ-મૂલ્યોનું શિક્ષણ આપી શકાયું છે.

(૬) અપૌરુષેયતા (anonymisation)

ભારતીય કથાસાહિત્ય પૈકીની વેદસંહિતાઓની રચના કોણે કરી છે એ જેમ જાણવામાં આવ્યું નથી તેમ ‘રામાયણ’, ‘મહાભારત’ના રચયિતાઓ વાલ્મીકિ અને વ્યાસ પણ કોઈ વ્યક્તિનામો નથી પણ એ કથારચનાઓનું દળકદ જોઈને યોજવામાં આવેલાં રૂપકો છે એમ મનાય છે. આવું જ વનવાસી અને લોકવરણ દ્વારા રચાયેલી અને ભારતીય સમાજમાં સહસ્ર વર્ષોથી તરતી રહેલી અસંખ્ય મૌખિક કથાઓ (Oral tales)નું છે. કોઈને કંઈક સ્ફુર્યુ, કોઈકે એ ગાયું, તરતું મૂક્યું, કોઈકે ઝીલ્યું, પોતાની રીતે એનું પુનઃપ્રસારણ કર્યું, એમ કરતાં કોઈકે એમાં કંઈક ઉમેર્યું, કોઈકે કંઈક બાદ કર્યું પણ એ કથા અવનવાં રૂપો ધરતી અને તરતી રહી. આવી બધી કથાઓનું કર્તૃત્વ નિશ્ચિત થઈ શકે તેમ જ નથી અને તેથી એ અપૌરુષેય છે.

(૭) આશુકરણ (improvisation)

આ કથાઓની સૌથી મોટી વિશેષતા આશુકરણની છે. પ્રત્યેક પ્રયોગે તે નવું રૂપ ધારણ કરે છે. કેમ કે મુખ્યત્વે આ કથાઓ સામે બેઠેલા શ્રોતાઓ સમક્ષ મનોરંજક રૂપે લડાવી-મલાવીને રજૂ કરવાની હતી. તેથી કયા સ્થળે, કયા સમયે, કઈ જાતના શ્રોતાપ્રેક્ષક વર્ગ સમક્ષ, કોણ એ રજૂ કરી રહ્યું છે એના ઉપર આ કથાઓના રૂપચયનનો આધાર રહેતો હતો. નિમિત્ત, પ્રસંગ, સંયોગ અનુસાર એને રજૂ કરનાર એમાં શીઘ્ર પરિવર્તનો કરતો જતો. ક્વચિત્‌ એનો ઢાંચો ઔપચારિક હોય તોપણ એમાં અનૌપચારિક ઢબે પરિવર્તનો થયાં હતાં. અને આમ પણ દુનિયામાં કથાઘટકો તો સીમિત સંખ્યામાં જ છે. એમાંથી હજારો-લાખોની સંખ્યામાં નવીનવી કથાઓ જન્મતી રહે છે તે તો એ કથાઘટકોના મિશ્રણ અને પરિવર્તન (permutationcombination)થી જ આવું આશુકરણ (improvisation) આ કથાઓને હંમેશાં આકર્ષક બનાવતું રહ્યું છે.

(૮) શૈલીવિશેષ (stylisation)

આ કથાઓ પદ્યમાં, ગદ્યમાં તેમ પદ્યગદ્યમિશ્ર એમ ત્રણેય માધ્યમોમાં રચાયેલી છે, એમાં ગાન, વાદન, નર્તન, અભિનયનની પણ સહાયતા મળતી રહી છે. એ શિષ્ટ ભાષાથી માંડીને તળપદ વાણી અને પ્રાદેશિક બોલીઓમાં પણ રચાઈ છે. સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, પૈશાચી, અર્ધમાગધી, મારુગુર્જર, તમિળ, મલયાલમ, ઉર્દૂ, વગેરેમાં રચાયેલી છે. એમાં આજના અભિજાત અને શિક્ષિતદીક્ષિત કથાસર્જકોની પ્રાંજલ અને અલંકૃત શૈલી નથી પણ તળપદ ધરતી અને ભાતીગળ લોકના સાજમિજાજને પ્રગટ કરતી અદલ શૈલી અવશ્ય છે. એમાં માર્ગી પ્રવાહ પર દેશી પ્રવાહની સરસાઈ સિદ્ધ કરવાના પ્રસંગો અવશ્ય છે. આ બધું જોતાં એટલું સ્પષ્ટ થશે કે પશ્ચિમી કથનમીમાંસા અને કથાવિવેચનથી પરિચિત અને પ્રેરિત આપણે આપણા અક્ષય રસભંડાર જેવા ભારતીય કથાસાહિત્ય (Indian narrative)નું આકલન અને મૂલ્યાંકન કરવાનાં સાધનો શોધવાં અને સર્જવાં પડશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે વિદેશથી આયાત કરેલી તૈયાર કારિકાઓ (formulas) દ્વારા આકર્ષાયેલા અને રોકાયેલા રહ્યા. પરંતુ ન તો પારંપરિક ડહાપણે કે ન તો આયાત કરેલી વિચારશ્રેણીઓથી આપણે ભારતીય કથાસાહિત્યના આ અતિ સમૃદ્ધ ખજાનાને સમજવા-મૂલવવામાં સફળ થઈ શકીશું. એ માટે આપણે આપણા આ મહામૂલા ભંડાર પાસે જ જવું પડશે, એનો સઘન અભ્યાસ કરવો પડશે. એને માપવા મૂલવવાનાં ધોરણો આપણે જ ઊભાં કરવાં પડશે. આપણી યુવાન પેઢીના અધ્યયન-સંશોધનપ્રેમી અધ્યાપકમિત્રો આ ક્ષેત્રમાં રસ લઈને વધુ ને વધુ સંખ્યામાં કામ કરતા થાય એવી શુભભાવના સાથે મારો આ સ્વાધ્યાય આપ સૌના કરકમલમાં ધરું છું.

૨૦૦૫, મોરબી
(અધીત ૨૮)