અધીત : પ્રમુખીય પ્રવચનો - ૩/શિક્ષણનું નાટક અને નાટકનું શિક્ષણ – સતીશ વ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. શિક્ષણનું નાટક અને નાટકનું શિક્ષણ
સતીશ વ્યાસ

શિક્ષણ એટલે વ્યાખ્યાન નહીં અને શિક્ષક એટલે વ્યાખ્યાતા નહીં. અંગ્રેજી સંજ્ઞા ‘લેક્ચરરે’ આપણને ભુલભુલામણીમાં નાખ્યા છે. એનાથી માત્ર શિક્ષણ સાથે સંકળાયેલા માત્ર એક જ પાસાનો નિર્દેશ થાય છે. જ્યારે શિક્ષણ કે શિક્ષક પાસે એ સિવાયના ઉપરાંતના વિકલ્પોની અપેક્ષા છે. વ્યાખ્યાન તો એકમાર્ગીય છે જેમાં સામેના માર્ગથી કશું જ આવતું નથી. એ માર્ગ નર્યો ખાલી, ગતિવિહીન રહે છે. આ તરફનો માર્ગ અકસ્માત વગરનો, સરળ, વ્યવહાર ઊભો કરી આપે છે. એનો આપણે આનંદ લેતા હોઈએ છીએ. આપણામાંના કેટલાક આ સમયમાં પોતપોતાના વર્ગોના ‘ડિક્ટેટર’ બની ચૂક્યા છે અને સામેના વિદ્યાર્થીઓ નતમસ્તકે એ ડિક્ટેટરે આપેલી નોટ્‌સ ઉતારનારાઓ. આવો ઉતાર ‘પરિણામ’ની દૃષ્ટિએ સંખ્યાવર્ધક હશે પણ ‘ફળ’ની દૃષ્ટિએ એ પોષણસમૃદ્ધ હશે કે કેમ એની શંકા રહે છે. ટ્યૂશન ક્લાસો, માર્ગદર્શિકાઓ અને શોર્ટકટ્‌સ, અપેક્ષિતો અને તૈયાર નોટ્‌સ આદિ કષ્ટભંજનો સાથે ‘શિક્ષણ’ જેવા શબ્દને સાંકળવાનો આપણને લગીરેય છોછ થયો નથી, બલકે એમ જ ચાલ્યા કર્યું છે આવું નાટક. અલબત્ત આ બધાં દૂષણો વચ્ચે ગુજરાતીના અધ્યાપકો પોતાની સજ્જતા વધારવા, વર્ષોથી, વર્ષમાં ત્રણ-ચાર વાર જુદા જુદા નેજા હેઠળ મળતા રહે છે. હજી કેટલાક અધ્યાપકો અંગ્રેજી-સંસ્કૃત વાંચે, સમજે છે અને વાંચતા રહે છે. જુદા જુદા પરિસંવાદોમાં એ ઘડાતો આવે છે. અન્ય વિષયોની તુલનાએ આપણા વિષયનો અધ્યાપક આ રીતે પોતાને તાજો કરતો રહે છે એ એક અપવાદરૂપ આશ્વાસન પણ છે. સ્પર્ધાના આ યુગમાં સ્વનિર્ભર કૉલેજોનું એક વરવું નાટક ચાલી રહ્યું છે ત્યારે એ કૃત્રિમ સ્પર્ધા સામે ટકવું હશે તોયે આપણે આપણી સજ્જતા પુરવાર કરવા મથતા રહેવું પડશે. બજારના આ માહોલમાં આપણે આપણો માલ સમૃદ્ધ છે, સજીવ ખેતીનો છે એ સતત સાબિત કરવું પડશે, અને આથી જ પ્રતિ વર્ષ આપણે મળીએ છીએ, સહચિંતન કરીએ છીએ, સંવાદ કરીએ છીએ અને એમ સજ્જતા વધારીએ છીએ. શિક્ષણનું આ નાટક ચાલી રહ્યું છે ત્યારે હું નાટકના શિક્ષણ માટે વાત કરવા તૈયાર થયો છું ત્યારે મને કેમ એકાએક રમેશ પારેખની આ પંક્તિ યાદ આવતી હશે :

‘દરિયાનું નામ કોઈ જાણતું ન હોય,
પછી માછલીની વાત કરું કોને?’

શિક્ષણપદાર્થ વિશે, એની વ્યવસ્થા વિશે, એના પ્રભાવ વિશે, એના મહત્ત્વ વિશે, એની ઉપયોગિતા વિશે ખરેખર કોઈ ગંભીરતાપૂર્વક જાણે છે ખરું? કોઈ પણ શિક્ષણપ્રધાન શિક્ષણને પ્રધાન ગણે છે ખરા? સમાજ તો નર્યો ઉદાસીન છે આથી મને ઉપરની પંક્તિ સ્મરણે ચઢે છે ને તોય આપણામાંના કેટલાક હજી વાંચે-વિચારે છે, મથામણો કરે છે એ નજરમાં રાખીને હું નાટકના શિક્ષણ વિશે વાત કરવા માગું છું. શિક્ષણમાં આપણે વર્ગખંડમાંના પણ બધા વિકલ્પો ખોલ્યા નથી. હજી નવી આવેલી ટૅક્‌નિકો પણ બધે વપરાતી નથી. એનો અવકાશ પણ ક્યારેક આપણને મળતો નથી. અહીં નાટક સાથે સાંકળીને શિક્ષણના અન્ય વિકલ્પો પ્રત્યે પણ મારે ધ્યાન દોરવું છે. આ કળાપ્રકારનો અભ્યાસ આપણે માટે સહજ રીતે જ શિક્ષણના અન્ય વિકલ્પો ખોલી આપે એવો છે. મેં અહીં ‘કળાપ્રકાર’ શબ્દ વાપર્યો. હા, આ સ્વતંત્ર અને સ્વાયત્ત કળાપ્રકાર છે. એ પ્રસ્તુતિ સાથે સંકળાયેલો છે. મને અહીં સહજ રીતે જ સ્મરણે ચઢે છે ફાધર ડિસૌઝા, ફીરોઝ દાવર, સંતપ્રસાદ ભટ્ટ, નિરંજન ભગત, ડૉ. આર. આઈ. પટેલ. અકસ્માતે આ બધાં નામો અંગ્રેજી વિષય સાથે સંકળાયેલાં છે. હા, સંસ્કૃતના ભગવતીપ્રસાદ પંડ્યાને હું આમાં ઉમેરું ગુજરાતીના ઉમાશંકર જોષી, વિનોદ અધ્વર્યુ, સિતાંશુ યશશ્ચન્દ્ર અને લાભશંકર ઠાકરને પણ સ્મરું. આ શિક્ષકોનું નાટ્યપઠન આપણે સાચવી શક્યા નથી. પણ એમણે એમના પઠનમાત્રથી નાટકને અડધું તો વિદ્યાર્થીઓને ગળે ઉતારી દીધેલું. નાટકનું પઠન મોટો પડકાર તો છે જ. એમાં આવતી વિવિધ પાત્રોક્તિઓ આપણે એક જ પ્રકારના લહેકા-લહેજાથી નહીં બોલી શકીએ. એને માટે પૂર્વાભ્યાસ કરી લેવો પડશે. બને તો પૂર્વધ્વન્યાંકન કરી, એને સાંભળી એમાં ઉચિત ફેરફારો કરવાના લાગે એ કરી એને પ્રસ્તુત કરવું જોઈએ. નાટ્યશિક્ષણ માટે આ પહેલું પગથિયું. હવે એક બીજી શક્યતા, બીજા વિકલ્પ તરફ ધ્યાન દોરું. ધારો કે આપણો અવાજ એને માટે આપણને યોગ્ય લાગતો નથી તો આપણે કોઈક પાસે ધ્વન્યાંકન કરાવી રજૂ કરી શકીએ. કોઈક વિદ્યાર્થીને પણ તૈયાર કરાવી શકીએ. એ નાટકની સી. ડી. કે ઓડિયો કૅસેટ મળતી હોય તો એનો પણ ઉપયોગ કરી શકીએ. આપણે જેટલાં પાત્રો એટલા વિદ્યાર્થીઓ પાસે પણ એ વંચાવી શકીએ. મેં આવા પ્રયોગો કર્યા છે. ‘સન્નિધાન’ની બાલાસિનોરમાં યોજાયેલી એક શિબિરમાં મેં લાભશંકર ઠાકરના એકાંકી ‘બાથટબમાં માછલી’ને બે વિદ્યાર્થીઓની સાથે મળીને આ રીતે રજૂ કર્યાનું સ્મરણ છે. અનુભવ એકદમ પ્રત્યાયનક્ષમ હતો એમ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આ પ્રકાર પ્રસ્તુતિ સાથે સંકળાયેલો હોઈ એના નિયમો અને ધોરણો પણ આપણે જાણી જ લેવા જોઈએ. અભિનયભેદોનો ખ્યાલ પણ આપણને હોવો જ જોઈએ. વાચકની વચ્ચે વચ્ચે લેખકે છોડેલા અવકાશો અભિનયને કેવો અવકાશ પૂરો પાડે છે એ સમજાવવાનું છે. ‘મૌનનો મહિમા અનેરો હોય છે’ કેવો એ કઈ રીતે? એમાં રહેલી વ્યંજનાઓ ખોલી આપવાની હોય છે. આ પ્રકારમાં ‘સર્વાંગી’ શિક્ષણની અપેક્ષા છે, અંગો વિદ્યાર્થીઓનાં તો ખરાં જ પણ શિક્ષક તરીકે આપણાં પણ ખરાં. આપણે યે અંગોપાંગોનો ઉપયોગ આ પ્રકારને ભણાવતી વખતે સૂઝસમજપૂર્વક કરી શકીએ. અલબત આપણો વર્ગખંડ મંચ નથી પણ એને આપણે ક્ષણભર તો કાલ્પનિક મંચમાં રૂપાન્તરિત કરી જ શકીએ. આપણે વેષભૂષા બદલવાની નથી કે આવશ્યક ‘મેઇક અપ’ પણ કરવાનો નથી. એ રીતે નાટ્યશિક્ષણમાં આપણે વર્ગ અને મંચની વચ્ચેની મધ્યવ્યક્ત-સ્થિતિમાં હોઈએ છીએ. આંગિક અભિનયના આવા અવકાશની સાથેસાથે નાટકે જે વિવિધ આહાર્ય સામગ્રીનો ઉપયોગ કર્યો હોય એનો અભ્યાસ પણ અનિવાર્ય બને છે. આંગિક માટેનું એક દૃષ્ટાન્ત સૂઝ્‌યું. એની વાત કરી લઈએ. ઉમાશંકર જોશીના ‘કડલાં’ એકાંકીમાં એની નાયિકા છેવટે કડલાં ઉતારી નાખે છે અને ત્યારે એની ચાલ કડલાંવાળા ચરણો કરતાં કડલાં વગરનાં ચરણો હોવા છતાં અત્યંત ભારે થઈ જાય છે. હવે આવી ચાલ આપણે શિક્ષક તરીકે જો વિદ્યાર્થીઓને બતાવી શકીએ તો નાટકની વ્યંજના કેવી તરત જ ઊઘડી જાય. ભાસના ‘ઊરુભંગ’માં દુર્યોધનના ખોળે, અંતે બેસવાની માંગણી કરતા દુજેયને લીધે તૂટેલા પગવાળા દુર્યોધનને કયો, કેવો આંગિક અભિનય કરવો પડશે. એ દર્શાવવાનો પ્રયત્ન કરી આપણે નાટકને યોગ્ય રીતે વિદ્યાર્થીઓ સામે પહોંચાડી શકીશું. આહાર્ય પ્રત્યે તો આપણે ભાગ્યે જ ધ્યાન દઈએ છીએ. આપણે ક્યારેક ચેખોવનું પેલું વાક્ય ઉપયોગમાં લઈએ છીએ ખરા કે દીવાલ પર લટકાવેલી બંદૂક ગમે ત્યારે નાટક દરમ્યાન ફૂટવી જોઈએ પણ એ બંદૂક કેમ દીવાલ ઉપર મુકાઈ છે. એનું નાટ્યકાર્ય કહેતાં કલાકાર્ય કેવું છે એની ચર્ચા ભાગ્યે જ કરીએ છીએ. ઉમાશંકર ‘સાપના ભારા’માં ગાયવાછરડાં લાવે છે તો ગામ-વાછરડાંને રંગભૂમિ ઉપર કઈ રીતે લાવી શકાય એવા બાલીશ પ્રશ્નો કરીએ છીએ. અરે, પૂર્વે પણ રંગભૂમિ પર ઘોડા-વાઘ આવ્યા છે ને એ યે સાચા! આપણે વિદ્યાર્થીઓને આ સમજ આપ્યા પછી એ યે સમજાવવું કે, આ નાટક છે અહીં જેમ સાચો મહેલ બનાવવાનો નથી કે સાચું ખેતર બતાવવાનું નથી તેમ સાચાં ગાયવાછરડાં પણ લાવવાનાં નથી. શંકુકનો ‘ચિત્રતુરયન્યાય’ અહીં ખપમાં આવશે. આપણે એ યે કહી શકીએ કે ગાયવાછરડાં મૂકઅભિનયથી પણ બતાવાય કે વિકલ્પે માનવપાત્રો પાસે, મ્હોરાં દ્વારા, ગાયવાછરડાંની ભૂમિકા ઊભી કરી શકાય. સિતાંશુ યશશ્ચન્દ્રના ‘આ માણસ મદ્રાસી લાગે છે’માં આવતા કૂતરાને પણ શ્વાન મ્હોરા દ્વારા જ દર્શાવવો પડે એમ છે. લો, જુઓ : આપણી વાત કેટલી હળવી, સરળ પ્રત્યાયનક્ષમ થઈ જાય છે, આમ! આહાર્યની વાત નીકળી છે ત્યારે સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિકમ્‌’ પણ યાદ આવે. શૂદ્ર કે ઘરેણાંની પોટલીનો અને રત્નાવલિની માટીની ગાલ્લીનો કેટલો સરસ વિનિયોગ એમાં કર્યો છે! ભાસે ‘દૂતવાક્યમ્‌’ના પ્રારંભે દુર્યોધનનું આસન ઊંધી દિશામાં દીવાલ તરફ મૂકી કેટલી મોટી કમાલ કરી છે! કૃષ્ણાગમને એણે સન્માનાર્થે ઊઠવું ન પડે એટલે એણે એમ કર્યું છે. આ વાત વિદ્યાર્થીઓને આહાર્યના ઉપયોગથી આપણે સમજાવી શકીએ. ‘અભિજ્ઞાન શાકુંતલમ્‌’માંથી વીંટીને જ કાઢી નાખવામાં આવે તો નાટક ટકી – બની શકશે ખરું એવો પ્રશ્ન કરી કાલિદાસે એક નાની, નકામી લાગતી ચીજમાંથી કેટલું મોટું નાટક કર્યું છે એ આપણે બતાવી શકીશું. નાટ્યપદાર્થમાં આવી નાની નાની વસ્તુઓએ કેવા મોટા ચમત્કાર કર્યા છે એ વસ્તુસંસારને પ્રગટ કરવાનો આમ આપણને લ્હાવો મળશે. શૅક્સપિયરના ‘મેકબેથ’માં બાન્કોના મૃત્યુ પછી યોજાયેલી મહેફિલમાં બાન્કોનું આવું જ રિક્ત આસન દર્શાવવામાં આવ્યું છે એ અભ્યાસીઓ જાણે છે. આપણે એવી તુલના પણ કરી શકીએ. આયનેસ્કોના ‘ચેર્સ’ની રિક્તતા કેટલી ભરચકતાનો ભીડનો અનુભવ કરાવી વાતાવરણને વિષાદમય બનાવી દે છે! નાટકમાં તો આવી સામગ્રી અત્યંત કાર્યસાધક હોય છે. શબ્દ કે તેનો અર્થ જ નહીં, આવી આવી ક્ષુલ્લક લાગતી ચીજો પણ અર્થપૂર્ણ હોય છે, કાર્યસાધક હોય છે એ દર્શાવી શકીશું. ‘ઓથેલો’ નાટકના રૂમાલની ભૂમિકા જ કંઈક જુદી નથી લાગતી? એ કાઢી નાખીએ તો? નાટક થશે ખરું? આ રૂમાલને રંગભૂમિ પર દિગ્દર્શક ધીમે ધીમે ખોલીને અત્યંત મોટો પણ બતાવી શકે એવી શક્યતા જરૂર વિદ્યાર્થીઓનું ધ્યાન દોરી આ પ્રકાર કેવો રંગભૂમિ સાથે સંકળાયેલો છે એની વાત પણ કરી શકાય. નાટકમાં ભાષાનું કાર્ય અન્ય સ્વરૂપો કરતાં જુદું છે. એમાં સદ્ય પ્રત્યાયનની અપેક્ષા રહે છે. એ ભાષા પણ અભિનયનું રૂપ ધારણ કરે છે. હેમ્લેટની ‘ટુ બી ઓર નોટ ટુ બી’ જેવી અત્યંત સાદી લાગતી ઉક્તિ પણ એના સંપ્રેષણને કારણે પ્રભાવક બની શકે એવી છે એવું આપણે એ ઉક્તિના વિવિધ સૂરે અને સ્વરભારે દર્શાવી શકીએ. ક્યારેક નાટકમાં આવતી વાગ્મિતાના પ્રયોજનને, કે કલાકારોના શૈલીગત ઉચ્ચારણોને પણ ન્યાય્ય ઠેરવી શકીએ. આ રંગભૂમિસાપેક્ષ પ્રકાર હોઈ એની શબ્દસંયોજના, વાક્યસંયોજના ગદ્યના અન્ય પ્રકારો કરતાં કઈ રીતે નોખી છે, વર્ણન-કથન નાટકને કેમ ઓછાં ઉપકારક છે અને કેમ માત્ર સંવાદ જ એને વધારે ખપમાં આવે છે એની વાત કરી શકીએ. સંવાદ, એકોક્તિ, સ્વગતોક્તિ અને સમૂહભાષ્ય જેવી પ્રયુક્તિઓનો પણ વિદ્યાર્થીઓને ખ્યાલ આપી શકાય. આ પ્રકાર ‘પ્રત્યક્ષ નેત્રયજ્ઞ’ છે. એમાં દૃશ્યોની અનિવાર્યતા છે. નાટ્યકારે એ દૃશ્યો કઈ રીતે ઊભાં કર્યાં છે એ પણ સમજાવવું પડે. ‘લીલાનાટ્ય’ આપણે પણ કરવું પડશે, એ યાદ રાખીને કે આપણે મંચનાટ્ય નથી કરતા, વર્ગનાટ્ય કરીએ છીએ. કૃતિ અને સાક્ષાત્‌ પ્રયોગની વચ્ચેની એક ભૂમિકાએ છીએ. કૃતિમાંથી બહાર નીકળી મંચ સુધી પહોંચવાની એક ભૂમિકા આપણે ઊભી કરવાની છે. સાથે સાથે નાટકના સિદ્ધાંતોની, સ્વરૂપાદિલક્ષણતાની, વ્યાવર્તકતાની વાત કરી શકીએ. પહેલાં સ્વરૂપચર્ચા અને વિકાસચર્ચાને બદલે પહેલાં કૃતિપરિચય અને પછી સ્વરૂપવિમર્શ કરીએ તો વાત વિશેષ અર્થપૂર્ણ બને. ટૂંકમાં, આવું આવું ઘણું કરીએ તો આ પ્રકાર દ્વારા જ એરિસ્ટોટલ ભરતની જેમ આપણે પણ નાટ્યના માધ્યમે સાહિત્યસમ્મુખતા ઊભી કરી શકીશું. જગતના જુદાજુદા મંચોનો પરિચય આપી આ સ્વરૂપની વાત કરી શકીશું અને કળાપદાર્થમાં પ્રસ્તુતિનો, પ્રત્યક્ષતાનો કેવો મહિમા છે એ સમજાવી શકીશું. પણ એમાં પ્રથમ સમજ અને પછી સમજાવટ. સમજથી સમજાવવાની આ પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે. આમે ય શિક્ષણનો સમગ્ર વ્યાપાર પણ પ્રત્યક્ષતાનો છે. આપણે પણ એક પ્રસ્તુત કર્તા – પરફોર્મર – જ છીએ. નાટકનો ઉપયોગ આપણે કોઈ પણ (નાટકેતર પણ) પ્રકારની, સિદ્ધાંતની, ઇતિહાસસામગ્રીની વાત કરતાં કહી શકીએ. ભાષામાં પણ આરોહઅવરોહ ઊભા કરી શકીએ, કોમિક રિલીફ આપી શકીએ, ઘેરી અસરો ઊભી કરી શકીએ, વાગ્મિતા સર્જી શકીએ. વક્તૃત્વ પણ એક પ્રકારની પ્રસ્તુતિ છે. અને આથી જ શિક્ષણ એટલે માત્ર સામગ્રીસંક્રમણ નથી. શિક્ષકના વ્યક્તિત્વનું પણ સંક્રમણ છે. આ પ્રકાર આપણને આવી તક-તાલીમ પૂરી પાડે છે. હજી આ પ્રકારના શિક્ષણ અંગે ઘણી ઘણી વાતો થઈ શકે. અધ્યયન-અધ્યાપન સાથે સંકળાયેલું આ સત્ર મને આથી જ એના પ્રશ્નોની વાત કરવા પ્રેરે છે. અધ્યાપક સંઘના સદસ્યોએ મારામાં શ્રદ્ધા રાખી મને આ એક વર્ષ માટે એમના પ્રમુખ તરીકે પસંદ કર્યો ત્યારે એનો આનંદ પ્રગટ કરું છું. કયા કયા મનીષીઓ, અધ્યાપકો અને વિદ્વાનોએ આ સ્થાન શોભાવ્યું છે એ યાદ કરું છું ત્યારે મને એ હરોળમાં છેવાડાના સ્થાને આર. કે. લક્ષ્મણના કોમનમેનની જેમ વાંકો વળીને ઊભેલો મને નીરખું છું. અને યાચું છું કે એ ગરિમા સુધી પહોંચવાના અધ્યયનશીલ માર્ગો મને પણ મળી રહો. આપણા અંદરની વિદ્યાપ્રીતિ નિત્ય વધતી રહો અને સાહિત્યનું શિક્ષણ પ્રસ્તુત અને પ્રભાવી બની રહો. અસ્તુ.

૨૦૦૬, કેવડિયા કોલોની
(અધીત ૨૯)