અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના
નીતિન વડગામા

‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ જેમના વિચારબીજમાંથી અંકુરિત થઈને આજે સાત દાયકા સુધીની નિરામય આવરદા સાથે, એક વટવૃક્ષનું રૂપ ધરી શક્યો છે, એવા વંદનીય વિદ્યાપુરુષ ડોલરરાય માંકડની આત્મચેતનાને વંદન કરું છું. આ ક્ષણે વિશેષ કૃતાર્થતા એટલા માટે અનુભવાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યકુલપતિશ્રી ડોલરરાય માંકડના વિદ્યાતપથી આલોકિત એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં સંઘનું આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આહ્લાદક રોમાંચ એટલા માટે અનુભવાય છે કે જે ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન સાથે આરંભે વિદ્યાર્થી તરીકેનું સગપણ રચાયું હતું અને આજે એના અધ્યક્ષ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું બન્યું છે એવા મારા ગુજરાતી ભવનના આતિથ્યે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આનંદ એ વાતનો પણ અનુભવાય છે કે મારા સહાધ્યાયી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના સ્નેહને કારણે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રધારોના સહયોગને કારણે અમારે ઘરઆંગણે આ અધિવેશન યોજાઈ રહ્યું છું.

‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના અડસઠમા અધિવેશનના પ્રમુખ તરીકે આપ સૌ મિત્રોએ સર્વાનુમતિએ મારી વરણી કરી છે એ, મારી પાત્રતા કરતાં વિશેષ તો મારા પ્રત્યેના આપ સૌના પ્રેમાદરનું જ પરિણામ છે, એવી સ્પષ્ટ સમજણ સાથે આ પદનો સ્વીકાર કરું છું અને આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. આ પૂર્વે સંઘનું સુકાન સંભાળી ચૂકેલા તમામ આદરણીય પ્રમુખશ્રીઓનું સાદર સ્મરણ કરીને મારી વાત રજૂ કરું છું.

ગઝલ મારો પ્રથમ પ્રેમ છે. અને એટલે યથાવકાશ ગઝલનું સર્જન અને ગઝલનો સ્વાધ્યાય સમાંતરે થતાં રહ્યાં છે. ગ્રંથિયુક્ત ચિત્તે ગઝલને ઉવેખવાનું કેટલાક વિદ્વાનોનું વલણ રહ્યું છે ત્યારે પણ, ગઝલને તટસ્થભાવે માપવા-મૂલવવાનું મને ગમ્યું છે અને ગઝલમાં રહેલી કવિત્વની શક્યતાઓને તાગવાનું પણ મેં પસંદ કર્યું છે. ગુજરાતી ગઝલની સ્થિતિ-ગતિ વિશે અવકાશે કશુંક લખાતું રહ્યું છે તો હિન્દી ગઝલની ગઈકાલ અને આજ વિશે જાણવાની જિજ્ઞાસા પણ મને થતી રહી છે. અહીં ગુજરાતી અને હિન્દી ગઝલની તુલનાત્મક દૃષ્ટિએ થોડી વાત કરીને કેટલાંક નિરીક્ષણો આપવા ધાર્યું છે. અનુક્રમે ગુજરાતી ગઝલ અને હિન્દી ગઝલની તાસીરને તપાસીને અંતે કેટલાંક તારણો દર્શાવાયાં છે.

અરબી-ફારસીમાંથી આવેલી ગઝલ, અરબસ્તાની ભોંયમાં ઊગીને પછીથી વ્યાપક ફલક પર વિસ્તરી છે અને એમ, ગુજરાતી ભાષામાં પણ આવકાર પામી છે. ગુજરાતી ગઝલ આજે, આપણી જ ભૂમિ ઉપર ઊગેલો-ઊછરેલો છોડ હોવાની પ્રતીતિ કરાવી શકે એવી સ્થિતિમાં છે. ગુજરાતીની કેટલીક સિદ્ધહસ્ત કલમો દ્વારા ગઝલનું સાતત્યપૂર્વક અને સામર્થ્યપૂર્વક સર્જન થયું હોવાને કારણે એ આગંતુક લાગવાને બદલે આપણી આત્મીય હોવાનો અહેસાસ થઈ આવે છે. ઓગણીસમી સદીના અંતભાગમાં ગુજરાતીમાં ગઝલના શ્રીગણેશ થયા. દયારામની કેટલીક કૃતિઓમાં, ‘ગઝલ’ને નામે ઓળખાવાતી જૈન કવિઓની સ્થળ-વર્ણન કરતી અનેક રચનાઓમાં કે પછી ‘ગઝલ’ શીર્ષક તળે પ્રસ્તુત થતા ભવાઈના વેશોનાં પદ્યમાં ગુજરાતી ગઝલનું પગેરું શોધવાના પ્રયત્નો થયા છે, પરંતુ ગઝલનાં આંતર-બાહ્ય ક્લેવરને લાગેવળગે છે ત્યાં સુંધી તો ગુજરાતી ગઝલના પ્રારંભક-પુરસ્કર્તા તરીકેનું શ્રેય બાલાશંકર કંથારિયાને જ જાય છે.

‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે.
બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે.’

જેવા લોકહૈયે વસેલા મત્લાના સર્જક બાલાશંકરને જ ગુજરાતી ગઝલના પ્રણેતા મનાય છે. જાન્યુઆરી, 1887ના ‘ભારતીભૂષણ’ના પ્રથમ અંકમાં પ્રકાશિત બાલાશંકરની ‘હરિપ્રેમ પંચદશી’ ગઝલમાલાથી ગુજરાતીમાં ગઝલનો આવિષ્કાર થાય છે. ત્યાર બાદ ગઝલના રંગે રંગાય છે મણિલાલ નભુભાઈ અને કલાપી. ‘અમર આશા’ જેવી કીર્તિદા ગઝલકૃતિ આપનાર મણિલાલ તથા ‘આપની યાદી’ અને ‘સમનની શોધ’ જેવી યાદગાર ગઝલોના કવિ ‘કલાપી’ ગુજરાતી ગઝલના અરુણોદયમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત એમના સમકાલીનો સર્વશ્રી જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’, અમૃત કેશવ નાયક ‘મુસાફિર’, જન્મશંકર મહાશંકર બૂચ ‘લલિત’, મગનભાઈ ભૂદરભાઈ પટેલ ‘પતીલ’ વગેરે કવિઓ પણ કેટલીક નોંધપાત્ર ગઝલો રચે છે.

બાલાશંકર, મણિશંકર ને ‘કલાપી’ની કવિ ત્રિપુટી દ્વારા ગુજરાતી ગઝલનો બીજનિક્ષેપ થાય છે તો ત્યાર પછીની પેઢીના ગઝલકારો ગુજરાતી ભૂમિમાં આ કાવ્યસ્વરૂપને દૃઢમૂલ કરે છે. ગુજરાતી ગઝલના બીજા સ્તબકના સૂત્રધાર બને છે ‘શયદા’. ‘ગઝલસમ્રાટ’નું બિરુદ પામેલા ‘શયદા’ અને એમના સમકાલીન ગઝલકારો દ્વારા ગુજરાતી ગઝલ જાણે કે ચહેરે-મહોરે બદલાય છે. ‘શયદા’ ઉપરાંત ગની દહીંવાલા, મરીઝ, અમૃત ‘ઘાયલ’, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, બરકત વીરાણી ‘બેફામ’, શેખાદમ આબુવાલા અને આ પેઢીના અન્ય કેટલાય ગઝલકારો દ્વારા ગુજરાતી ગઝલનો વિકાસ-વિસ્તાર સધાય છે. આ પરંપરાનિષ્ઠ કવિઓ ગઝલને સ્થિર કરવાની મથામણ કરે છે તો વળી કરસનદાસ માણેક, વેણીભાઈ પુરોહિત, મકરન્દ દવે, મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ અને બીજા કેટલાક કવિઓ અન્ય કાવ્યસ્વરૂપોની સાથોસાથ ગઝલને પણ ઉપાસે છે અને એમ, આ બીજા તબક્કાના ગઝલકવિઓ દ્વારા ગુજરાતી ગઝલ વધુ સમૃદ્ધ બને છે. આ સમયગાળાના કવિઓ ગઝલને ‘ગુજરાતીતા’ બક્ષે છે તો સાથોસાથ આ ગાળામાં ગઝલ વ્યાપક લોકચાહના રળતી પણ જણાય છે.

પરંપરાનિષ્ઠ ગુજરાતી ગઝલ આગળ જતાં તાસીર બદલે છે અને પ્રયોગશીલ ગઝલમાં પરિણમે છે. હવે ગુજરાતી ગઝલ એના ભાવવિશ્વ અને અભિવ્યકિતની રીતિ પરત્વે પરિવર્તન પામે છે. આ નૂતન પ્રયોગશીલ ગઝલના પુરસ્કર્તા અને પ્રવર્તક બને છે. આદિલ મન્સૂરી. આદિલના આગમનથી ગુજરાતી ગઝલનો અભિનવ ચહેરો ઊપસી આવે છે. આદિલ મન્સૂરી અને સર્વશ્રી મનહર મોદી, ચીનુ મોદી, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, હરીશ મીનાશ્રુ, ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી વગેરે જેવા કવિઓનું ગઝલકર્મ ગુજરાતી ગઝલની એક જુદી જ દિશા ઉઘાડી આપે છે. ગુજરાતી ગઝલની એ વણથંભી યાત્રા સતત આગળ વધે છે અને નવાનવા ઉન્મેષો પ્રગટાવે છે. ઉત્તરોત્તર ગુજરાતી ગઝલનો સહજ સ્વીકાર થતો જાય છે અને એને સાહિત્યિક માન્યતા મળતી જાય છે એના સંદર્ભમાં શ્રી રતિલાલ ‘અનિલ’ લખે છે કે ‘ગઝલ જે હરિજન કાવ્યપ્રકાર ગણાતો તે એકાએક જાણે બ્રાહ્મણ કાવ્યપ્રકાર આ તબક્કે બની જતો દેખાય છે.’ (‘છીપનો ચહેરો ગઝલ’, પૃ.30)

ગુજરાતી સાહિત્યના સાતમા-આઠમા દાયકામાં સર્વશ્રી ખલીલ ધનતેજવી, અદમ ટંકારવી, નયન હ. દેસાઈ, રવીન્દ્ર પારેખ, રમણીક સોમેશ્વર, હેમંત ઘોરડા, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, જયેન્દ્ર શેખડીવાળા જેવા અનેક કવિઓએ ગઝલક્ષેત્રે કલમ ચલાવી છે. તો ત્યાર બાદ પણ સર્વશ્રી ઉદયન ઠક્કર, હેમેન શાહ, અશરફ ડબાવાલા, લલિત ત્રિવેદી, સંજુ વાળા, ભરત વિંઝુડા, રશીદ મીર, મુકુલ ચોકસી, રઈશ મનીઆર, હર્ષ બ્રહ્મભટ્ટ, શોભિત દેસાઈ, ઉર્વીશ વસાવડા, અશોક ચાવડા ‘બેદિલ’ અને આજે લખતા અનિલ ચાવડા સુધીના અનેક યુવા ગઝલકારોએ પોતપોતાની રીતે ગઝલને ઉપાસી છે અને પોતીકી કાવ્યમુદ્રા ઉપસાવી છે. આવા પ્રલંબ પટ પર પથરાયેલી ગુજરાતી ગઝલને અભ્યાસની સુગમતા ખાતર પરંપરિત ગઝલ અને પ્રયોગશીલ ગઝલ જેવા બે વિભાગોમાં વહેંચીને એની ઓળખ અપાઈ છે.

‘ગઝલ એ પ્રેમની જબાન છે.’ કે પછી ‘પ્રિયતમા સાથેની વાતચીત છે.’ એવી ગઝલની વ્યુત્પત્તિગત અર્થછાયા એ વાતનો સ્પષ્ટ સંકેત કરે છે કે ગઝલને પ્રેમભાવ સાથે નિકટનો નાતો છે. એમાંયે પરંપરિત ગઝલોમાં તો પ્રેમભાવની અભિવ્યક્તિ તીવ્ર માત્રામાં થતી રહી છે. પ્રેમનું આયોજન કરતી એ ગઝલોમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી અર્થાત ઇશ્વરીય પ્રેમ અને માનવીય પ્રેમની બે ધારાઓ પ્રવર્તમાન રહી છે. આરંભના ગઝલકારોમાં અને વિશેષત: કલાપીની ગઝલની ગઝલોમાં વ્યક્તિપ્રેમની સીમાને અતિક્રમીને વ્યાપક પ્રેમતત્ત્વને પામવા પ્રતિ કવિની ગતિ રહી છે. ‘સનમને’, ‘સમનની યારી’, ‘સનમની શોધ’, કે ‘આપની યાદી’ જેવી કલાપીની ગઝલોમાં આધ્યાત્મિક પ્રેમના સંકેતો વાંચી શકાય છે.

શયદા, ગની, મરીઝ, શૂન્ય, ‘ઘાયલ’ અને એના સમકાલીનોની ગઝલોમાં બહુધા માનવીય પ્રણયનો રંગ ઘુંટાયા કરે છે. એ ગઝલોમાં પ્રેમજન્ય ઝંખના અને ઝુરાપો, મિલનનું માધુર્ય અને વિરહની વ્યથા કે પછી તરસની તીવ્રતા અને તૃપ્તિની સંતર્પકતાનો પડઘો પડતો રહે છે. ગની દહીંવાલાની આ પંક્તિઓમાં પ્રેમનું લાવણ્ય અને બાનીનું સૌંદર્ય એકસાથે નિખરી ઊઠે છે –

તમારાં અહી આજ પગલાં થવાનાં
ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફૂલોનીયે નીચી નજર થઈ ગઈ છે.

તો મિલનવેળાએ એક પણ શબ્દના ઉચ્ચારણ વિના વ્યાપી વળતી ખામોશી કેવું પરિણામ નિપજાવે એ સંદર્ભે ગની દહીંવાલા આવો માર્મિક શેર કહે છે –

અધરના ગોખમાં બેસી રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

‘મરીઝ’ની ગઝલોમાં પણ પ્રેમ અને પ્રેમસંલગ્ન મિલન-વિરહની પરંપરાગત ભાવોનું નિરુપણ પ્રચુર માત્રામાં થતું રહ્યું છે. પ્રિયજનનું મિલન થતાં જ જાણે કે શૂન્યમનસ્ક થઈ જવાય છે અને એ સ્થિતિ મિલનનો શ્રેષ્ઠ તબક્કો છે, એવું નિદાન કરતાં ‘મરીઝ’ કહે છે –

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો’ ને કશું યાદ ન આવે!

તો વળી, વિદાય વખતના પ્રિયપાત્રના દૃષ્ટિક્ષેપમાંથી જ એના પ્રેમનો યથાર્થ પુરાવો મળે છે, એ મતલબનો પણ ‘મરીઝ’નો જાણીતો શેર છે -

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.

પ્રિયપાત્રનો વિયોગ કેવા દર્દને નોતરે છે એને ઉદ્ઘાટિત કરતી શૂન્ય પાલનપુરીની આ પંક્તિઓમાં, ભાવની નજાકત અને અભિવ્યક્તિની તાજપનો આહ્લાદક અનુભવ થઈ આવે છે -

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌન્દર્યની હજૂરે એ પ્રણયનો વિવેક છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદોનો રાજ્યાભિષેક છે.

આ ગાળાના એક વરિષ્ઠ ગઝલકાર અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં પણ પ્રણયસંવેદન વિવિધ રૂપે-રંગે શબ્દસ્થ થતું રહે છે. પ્રેમના ઉદ્વેગને વિલક્ષણ રીતે વ્યક્ત કરતા ‘ઘાયલ’ સાહેબના બેએક શે’ર સાંભળો -

ગભરું આખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે.
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.
દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું ડગલે પગલે પસ્તાવું શું?
એ જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

પ્રેમભાવની અભિવ્યક્તિ એ ગઝલની મૂળભૂત પ્રકૃતિ છે અને એટલે ગુજરાતી ગઝલમાં પ્રેમભાવનું આલેખન સમયે-સમયે સહજ-સ્વાભાવિક રીતે થયું છે. અલબત્ત, સમયાંતરે પ્રેમની અભિવ્યક્તિનું રૂપ બદલાતું રહ્યું છે. ગઝલની સાથે અવિનાભાવે જોડાયેલો પારંપરિક એવો પ્રેમનો વિષય આધુનિક ગઝલકારોની કલમે કલાત્મક માવજત પામે છે. પરંપરાની ગઝલોમાં ખૂબ જ ગવાઈ-ચવાઈ ચૂકેલા ‘મહોબ્બત’ શબ્દમાં, સર્જકતાની સંજીવનીથી કેવા પ્રાણ પુરાય છે એ શ્યામ સાધુના આ શે’રમાં જોઈ શકાય છે–

પછી વનવન નગર ચોમેર જઈજઈને અમે કીધું,
મહોબ્બત કંઈ નથી બીજું ફક્ત ફૂલોના નસા છે.

તો પ્રેમની સાથે અવિનાભાવે જોડાયેલી મિલન અને વિરહની અવસ્થાને રાજેન્દ્ર શુક્લ આ રીતે ઘટાવે છે –

મિલન અને વિરહતણી સ્વતંત્ર હસ્તી છે જ ક્યાં?
છે એક પ્રેમનાં જ એ ઉભય વસન અલગઅલગ.

તો વળી, પ્રેમનું જાહેરનામું બહાર પાડવાને બદલે પ્રેમનો ભીતરી ભાવ સાંકેતિક રૂપે જ પ્રગટ થવો જોઈએ કે પછી પ્રગટપણે પ્રદર્શન કરવામાં નહીં પરંતુ પ્રચ્છન્નપણે સંગોપન કરવામાં જ પ્રેમનો મહિમા છે, એ મતલબની વાત હેમેન શાહ આગવી રીતે રજૂ કરે છે –

પ્રેમના પ્રકરણ વિશે કૈં બોલવાનું છોડીએ.
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

ગુજરાતીની પરંપરિત ગઝલોમાં પ્રેમની મસ્તીની માફક મયપરસ્તી પણ જોવા મળે છે. ફારસી-ઉર્દૂ ગઝલકારો સાકી, સુરા, જનમ, સુરાલય-મયખાના વગેરેને સામગ્રી લેખે વારંવાર ખપમાં લે છે. ‘મરીઝ’ એમની ગઝલોમાં પ્રગટપણે અને પ્રબળપણે મયપરસ્તી દાખવે છે અને એટલે ‘મરીઝ’ની ગઝલોમાં ‘રિદાના’ રંગ બળવત્તર બનીને પ્રગટે છે. સુરાલયને સ્વર્ગનો દરજ્જો આપીને ‘મરીઝ’ એની મહત્તા આ રીતે વર્ણવે છે –

સુરાલય સ્વર્ગ જેવું છે અહીંથી કોણ નીકળે છે?
અમારામાં કોઈ પણ હઝરતે આદમ નથી સાકી.

તો સુરાલયમાંથી નીકળેલા શરાબીની સંતૃપ્તિનું ચિત્રાંકન ‘મરીઝ’ આ શબ્દોમાં કરે છે –

હતા કંઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળેને,
જુએ કોઈ તો સમજે જાય છે વરસાદ પહેરીને.

‘મરીઝ’ની માફક અમૃત ‘ઘાયલ’ની ગઝલોમાં પણ સુરા, સાકી, જામ કે શરાબ જેવાં પ્રતીકો વારંવાર પ્રયોજાય છે. જામની પ્રભાવકતા દર્શાવતા ‘ઘાયલ’ એના આગવા અંદાજ સાથે કહે છે –

નિહાળી જામ ‘ઘાયલ’ રંગમાં આવી ગયા કેવા?
ઘણાં વર્ષો પછી જાણે થયા વરસાદના છાંટા!

તો વળી, શરાબને કેવળ નશીલા પ્રવાહી તરીકે નિહાળવાને બદલે એની અર્થછાયાને વિસ્તારીને કહેવાયેલો ઘાયલનો આ શે’ર પણ અત્યંત જાણીતો છે –

તને પીતાં નથી આવડતો મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી.

પરંપરાગત ગુજરાતી ગઝલમાં પ્રેમની મસ્તી અને મયપરસ્તી આલેખાય છે એ સાચું પરંતુ એની સાથેસાથ સામાજિક વાસ્તવ પણ ઝિલાય છે અને એમ, ગઝલના વર્ણ્યવિષયની ક્ષિતિજનો વિસ્તાર થતો અનુભવાય છે. આધુનિક ગઝલ તો પ્રેમના પરિમિત વર્તુળમાંથી બહાર નીકળીને પોતાની આસપાસના કરુણ-કઠોર વાસ્તવને મુખ્યભાવે આલેખતી જણાય છે, પરિણામે આધુનિક ગઝલમાં સાંપ્રત માનવના જીવનની એકલતા અને ઔપચારિકતા કે સમયબદ્ધતા અને સંવેદનશૂન્યતા તારસ્વરે પડઘાય છે. પરંપરાના એક પ્રમુખ ગઝલકાર અમૃત ‘ઘાયલ’ આધુનિક પરિવેશની વિસંગતિઓને પણ ઉઘાડી પાડે છે. પોતાની આગવી-અલાયદી ઓળખ ગુમાવી બેઠેલા તથા સંવેદનબધિર બની ચૂકેલા નગરમાં વસતા માણસની ઓળખ આપતા ‘ઘાયલ’ કહે છે –

ચહેરા તમામ સરખા નગરના જણાય છે.
જેવા તળેના એવા ઉપરના જણાય છે.
સંજ્ઞા ગુમાવી બેઠા છે સર્વે પ્રકારની
સહુ આંખ, કાન,નાક વગરના જણાય છે.

આધુનિક ગઝલની છડી પોકારના આદિલ મન્સૂરીની અનેક ગઝલોનાં નગરજીવનની વિષમતા અને વિચિત્રતા તેમજ કુત્સિતના અને કૃતકતાને વારંવાર વાચા મળે છે. સ્વકેન્દ્રી બનતા જતા અને સમાજજીવનથી કપાઈને દ્વીપ જેવા બની બેઠેલા આજના માણસને તાકીને આદિલ કેવા પ્રહાર કરે છે !

સંબંધોય કારણ વગર હોય જાણે.
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
માણસને માણસનો ડર હોય જાણે.

રમેશ પારેખ પણ એમની ગઝલોમાં અવારનવાર આધુનિક નગરસભ્યતાને કાવ્યાત્મક સ્તરે શબ્દસ્થ કરે છે. યંત્ર-વિજ્ઞાનને કારણે આજે માણસનું મશીનમાં રૂપાંતર થઈ ગયું છે ત્યારે, અસલી ચહેરા પર દંભ અને આડંબરનાં મહોરાં નગરવાસીને મિષે આ કવિ ભવિષ્ય ભાખે છે કે –

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં,
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં.

તો વળી, સંવેદનાની સંપદા ગુમાવી ચૂકેલા આજના માણસની કરપીણ સ્થિતિને પણ રમેશ પારેખ વક્રવાણીમાં શબ્દબદ્ધ કરે છે –

નહોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ,
આવ્યો’તો હું રમેશ, અરીસાઓ વેચવા.

ટપાલ જેમ તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શ્હેરના લોકો અભણ મળે તમને.

આધુનિક કવિ મનોજ ખંડેરિયા પણ ગઝલના માધ્યમથી પોતીકી રીતે નગરનું ચિત્ર દોરે છે. ઉપચારનાં આવરણોથી આચ્છાદિત અને આત્મપ્રપંચમાં રાચતા નગરવાસીના સંદર્ભમાં આ કવિ આવો શે’ર કહે છે –

બુકાની બાંધી ફરનારનું આ તો છે નગર મિત્રો,
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

તો શ્યામ સાધુ નગરમાં સર્વત્ર વ્યાપ્ત ઉદાસીને વાંચીને, નગરને નિસાસાનું પર્યાય સમજે છે -

ઉદાસી લઈને આંખોમાં અહીં ફરનારા ખાસ્સા છે.
મને લાગે તમારું શહેર આ ઊંડા નિસાસા છે.

પ્રયોગશીલ ગઝલમાં આ પ્રકારે નગરજીવનની એકલતા કે ઔપચારિકતા, એકવિધતા કે એકતાનતા, શૂન્યતા કે શુષ્કતા જેવા આધુનિક ભાવાબોધનું અનુસંધાન સતત જળવાતું જોવા મળે છે. કેટલાંક દૃષ્ટાંતો જોઈએ -

કાચ, કાગળ, કાષ્ઠની માફક કપાતા આપણે.
માત્ર ચાલે શ્વાસ એથી ઓળખાતા આપણે.
-ચીનુ મોદી
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
-જવાહર બક્ષી
ક્યારે બની ને ક્યાં બની ઘટના શહેરમાં ?
વૃક્ષો હતાં ત્યાં છે હવે કમરા શહેરમાં.
-લલિત ત્રિવેદી
હોય પોતાના ઘરનો જે ખૂણો,
કેમ ક્યારેક લાગે છે કૂવો ?
-સંજુ વાળા
પોટાશ જેવો આપણો આ વર્તમાન છે.
ને કમનસીબે આપણી રૂની દુકાન છે.
-અશોકપુરી ગોસ્વામી

ગુજરાતી ગઝલના આ અને આવા અનેક શે’ર પ્રકારાન્તરે સાંપ્રત સમયના સામજિક વાસ્તવને અસરકારક રીતે આલેખે છે. આ પ્રકારની ગઝલો આખરે તો એ વાતની ગવાહી આપે છે કે ગઝલ હવે કેવળ રોમૅન્ટિસિઝમમાં રાચતી નથી કે પ્રેમનું ગાણું ગાઈને માત્ર મનોરંજનનું સાધન બની રહેતી નથી, પરંતુ માનવજાતની વાત કરવા સુધી વિસ્તરે છે. વિચારસૌન્દર્ય-હુસ્નેખયાલ-એ ગઝલનો એક મહત્ત્વપૂર્ણ ગુણ ગણાયો છે. ગઝલના અંતરંગના એક અગત્યના લક્ષણ તરીકે વિચારસૌન્દર્યનો સ્વીકાર થયો છે. ગુજરાતી ગઝલ પણ આરંભકાળથી અદ્યપર્યન્ત વિચારસ્ફુલિંગો પ્રગટાવતી રહી છે. આપણી ગઝલોમાં જાત અને જગત વિશેનું કે પછી જીવન અને મૃત્યુ વિશેનું ચિંતન-મનન-અર્થઘટન પ્રસ્તુત થતું રહ્યું છે તેમજ જીવનની ગતિ કે માનવનિયતિ વિશેના કેટલાક સર્વગ્રાહી વિચારો વ્યક્ત થતા રહ્યા છે. પરંપરાની ગઝલ કે પ્રયોગશીલ ગઝલ, સર્વત્ર આપણે ત્યાં ગઝલના માધ્યમથી ગઝલને ઉપકારક એવા વિચારતત્ત્વનું જતન થયેલું જોઈ શકાય છે. વિચારનું અજવાળું પ્રગટાવતા ગુજરાતી ગઝલના કેટલાક ઉત્તમ શે’ર પ્રસ્તુત છે –

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
-મરીઝ
સમીર કહેતો હતો કાનમાં ચમેલીને,
બહુ સસ્તી બની ગઈ છે સુગંધ ફેલીને
- ‘અમૃત ઘાયલ’
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી
આમ મનસૂર ને મજનૂની કથા એક જ છે.
વિશ્વથી તૃપ્ત ને તરસ્યાની દશા એક જ છે.
- હરીન્દ્ર દવે
ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.
- મનોજ ખંડેરિયા
ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકુ
મને મળે ગજરો ઉત્તરમાં.
- રમેશ પારેખ
ફૂલ કે કાંટાઓ બદલાતા નથી.
આપણા મનમાં જ કારણ હોય છે.
- મનહર મોદી
એ જ, એના એ માણસનો વખત બદલાય છે.
દોસ્ત! સૌના આંખ, સંબોધન તરત બદલાય છે.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અલગ કરતી ઓળખનાં વસ્ત્રો ઉતારી
ચલો એકસાથે પલળીએ આ તડકે.
- સંજુ વાળા
અધીરો છે તને ઇશ્વર બધુંયે આપવા માટે.
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે ?
- અનિલ ચાવડા

બોલચાલની સહજ-સરળ ભાષા દ્વારા વ્યક્ત થયેલા આવા વિવિધ-વિચારોથી આપણી ગઝલ સમૃદ્ધ બની છે તો આપણી ગઝલે તત્ત્વગર્ભ પીઠિકા રચીને દાર્શનિક ઊંચાઈ પણ સિદ્ધ કરી છે. ગુજરાતીની આરંભકાલીન ગઝલોથી જ ગઝલમાં સૂફીવાદનો સંસ્પર્શ અનુભવાય છે. પછીથી પણ ગઝલના માધ્યમથી આપણે ત્યાં અધ્યાત્મચિંતન વ્યક્ત થતું રહ્યું છે. પ્રયોગશીલ ગઝલકવિતાની ધારામાં રાજેન્દ્ર શુક્લએ ગઝલમાં નવું પરિમાણ પ્રગટાવ્યું છે. ત્યારબાદ પણ હરીશ મીનાશ્રુ, જવાહર બક્ષી, લલિત ત્રિવેદી જેવા આપણા કેટલાક કવિઓએ ગઝલરૂપે અધ્યાત્મદર્શન પ્રગટ કરવાનું વલણ દાખવ્યું છે.

ગુજરાતી ગઝલમાં આમ, ગઝલનાં રૂપ-રંગને અનુરૂપ એવાં ભાવ-સંવેદનો શબ્દસ્થ થતાં રહ્યાં છે અને ગઝલના વિષયનો ત્રિજ્યાવિસ્તાર પણ થતો રહ્યો છે. એ ગઝલોમાં સાદગીનું સામર્થ્ય છે તો અંદાઝેબયાંનું સૌન્દર્ય પણ છે. આપણી ગઝલની સુદીર્ઘ પરંપરામાં અભિવ્યક્તિની અપૂર્વ છટાઓ દાખવતી સંખ્યાબંધ ગઝલો સુલભ બને છે તો આજના કેટલાક ગઝલકારોની ગઝલોમાં પણ રજૂઆતની કળાનું કામણ ધ્યાન આકર્ષે છે. ગઝલની ભાવનિષ્પતિ માટે પ્રયોજાતી ભાષાનું પોત પણ સમયાંતરે બદલાતું રહ્યું છે. ગુજરાતી ગઝલોમાં રોજિંદા વ્યવહારની ભાષા ખપમાં લેવાય છે, ભાષાનું સર્જનાત્મક રૂપ સિદ્ધ થાય છે, તો કથયિતવ્યને અનુરૂપ અંગ્રેજી શબ્દો પણ પ્રયોજાય છે.

પ્રયોગશીલ ગુજરાતી ગઝલકારો કલ્પન, પ્રતીક, પુરાકલ્પન જેવાં અભિવ્યક્તિનાં નવ્ય ઉપકરણો યોજીને ગઝલને સૌન્દર્યાત્મક દરજ્જો બક્ષે છે અને એવા સર્જનાત્મક ઉદ્યમ કરીને ગઝલને સાહિત્યિક પ્રતિષ્ઠા અપાવે છે. તો વળી ગીત- ગઝલ, હાઈકુ- ગઝલ, દુહા- ગઝલ, સોનેટ- ગઝલ કે અનિયંત્રિત ગઝલ જેવા કેટલાક સ્વરૂપગત પ્રયોગો કરવાના વ્યામોહમાં જ્યારે ગઝલના આંતરસત્ત્વનું જતન નથી થયું ત્યારે ગઝલને વેઠવું પડ્યું છે. એવી રચનાઓ કાવ્યદૃષ્ટિએ ઉત્તમ હોય તોપણ, ગઝલના સ્વરૂપ સંદર્ભે તો પાછી જ પડે છે. એવી જ રીતે ગઝલની આભાસી સરળતાથી આકર્ષાઈને આજે ઘણાબધા નવકવિઓ દ્વારા કશા જ નવોન્મેષ પ્રગટાવ્યા વિના ગઝલનો મબલક ફાલ ઊતરે છે એ પણ એટલું જ જોખમી છે. એવી બીબાંઢાળ ગઝલોનું ઉત્પાદન ગઝલને બદનામ કરવાનું નિમિત્ત બને છે. જો કે ગઝલને માત્ર મનોરંજનનું માધ્યમ કે શબ્દોની રમત સમજવાને બદલે જીવનદર્શન વ્યક્ત કરવાનું વાહન સમજીને ગઝલ સાથે નિષ્ઠા અને નિસબતપૂર્વક કામ પાડનારા ગઝલકારોને હાથે ગઝલ અવશ્ય સુરક્ષિત છે. આખરે તો સવાસો વર્ષની આવરદા વટાવી ચૂકેલી ગુજરાતી ગઝલનો ગુજરાતી કાવ્યસાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર હિસ્સો છે એ પણ સ્વીકારવું જ રહ્યું.

ગઝલનું સ્વરૂપ અત્યંત લોકપ્રિય બન્યું છે અને એટલે અરબી-ફારસીમાંથી અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગઝલનું અવતરણ થયું છે. ગઝલે મુસ્લિમ દરબારોથી લઈને જનસામાન્યને પોતાના રંગમાં રંગીને, વિભિન્ન ભાષાઓમાં મહત્ત્વનું સ્થાન અંકે કર્યું છે. ઉર્દુ-ફારસીની ગઝલોથી પ્રભાવિત થઈને હિન્દી કવિઓએ પણ ગઝલને અભિવ્યક્તિના માધ્યમરૂપે અપનાવ્યું છે અને એમ, હિન્દીમાં પણ ગઝલની પરંપરા સમૃદ્ધ થઈ છે. દેખીતી રીતે જ હિન્દીમાં ગઝલની વ્યાપકતા અને લોકપ્રિયતાની નોંધ લેવાતી રહી છે. ઉચ્ચ કોટિના ફારસી ગઝલકાર અમીર ખુશરોએ હિન્દીમાં પણ ગઝલો લખવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે હિન્દી ગઝલના પ્રણેતા અમીર ખુશરોને માનવામાં આવે છે. જોકે હિન્દી ગઝલ ભારતેન્દુયુગમાં અને ત્યાર પછીના સમયગાળામાં. હિન્દી ગઝલનો એક આગવો અધ્યાય છે. ભારતેન્દુયુગથી માંડીને આધુનિક યુગ સુધીની હિન્દી ગઝલની યાત્રામાં ભારતેન્દુ હરિશ્ચંદ્ર, બદ્રીનારાયણ ચૌધરી ‘પ્રેમધન’, અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’. જયશંકર પ્રસાદ, સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’, રામેશ્વર શુક્લ ‘અંચલ’, બલબીરસિંહ ‘રંગ’, શમશેર બહાદુરસિંહ વગેરે જેવા સંખ્યાબંધ કવિઓએ હિન્દી ગઝલને સમૃદ્ધ કરી છે. દુષ્યંતકુમારના પ્રવેશથી હિન્દી ગઝલ મહત્ત્વનો વળાંક ધારણ કરે છે. દુષ્યંતકુમાર હિન્દી ગઝલને પરંપરાગત પ્રેમ અને સૌન્દર્યના સાંકડા સીમાડામાંથી મુક્ત કરીને સમસામયિક જીવનસંદર્ભો સાથે જોડી આપે છે. દુષ્યંતકુમાર બાદ પણ સર્વશ્રી કુંઅર બેચૈન, સૂર્યભાનુ ગુપ્ત, ચંદ્રસેન ‘વિરાટ’, વિજેદ્રસિંહ ‘પરવાઝ’, વિજ્ઞાનવ્રત, રાજેશ રેડ્ડી, મુનવ્વર રાના, રાહન ઇન્દૌરી, દીક્ષિત દનકૌરી, અતુલ અજનબી, દીપ્તિ મિશ્ર જેવા અનેક શાયરોએ ગઝલની સાધના કરી છે. તો જેમને ઉર્દૂ કવિના રૂપમાં વિશેષ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠા મળી છે એવા કેટલાક કવિઓએ પણ હિન્દી રંગમાં ગઝલો લખી છે. ડૉ. બશીર બદ્ર, અમીક હનફી, બેકલ ઉત્સાહી, વસીમ બરેલવી કે નિદા ફાઝલી જેવા ઉર્દૂ શાયરોએ પણ હિન્દી બાની અને ભારતીય સાંસ્કૃતિક પશ્ચાદને ખપમાં લઈ ગઝલો લખી છે અને એટલે એ ઉર્દૂ ગઝલકારોની નોંધ પણ હિન્દી ગઝલસાહિત્યક્ષેત્રે લેવાતી રહી છે.

ગઝલને પ્રેમ કે મહોબ્બતના ભાવને વ્યક્ત કરવાનું એક મહત્ત્વનું માધ્યમ માનવામાં આવ્યું છે ત્યારે, હિન્દી આરંભકાલીન ગઝલોનાં પણ વિશેષત: પરંપરાગત પ્રેમાનુભૂતિ વ્યક્ત કરવાનું શાયરોનું વલણ રહ્યું છે. ઉર્દૂ ગઝલથી પ્રભાવિત થવાને કારણે હિન્દીના અનેક ગઝલકારોએ પણ પ્રેમપરક ગઝલોની રચના કરી છે. દુષ્યંત પૂર્વેની હિન્દી ગઝલોમાંથી આ વાતને સહજ સમર્થન સાંપડી શકે તે છે. બલવીરસિંહ ‘રંગ’ની ઇશ્કેમિજાજી રંગમાં લખાયેલી ગઝલોમાંથી એકાદ ઉદાહરણ જોઈએ –

જમાના આ ગયા રુસવાઈયોં તક તુમ નહીં આયે,
જવાની આ ગઈ તનહાઈયોં તક તુમ નહીં આયે.
કિસી કો દેખતે હી આપકા આભાસ હોતા હૈ,
નિગાહેં આ ગઈ પરછાઈઓં તક તુમ નહીં આયે.

પ્રેમભાવને કેન્દ્રસ્થ કરતી હિન્દી ગઝલોમાં મિલનની તુલનાએ વિયોગનું ચિત્રણ સવિશેષ થયું છે. ડૉ. ઊર્મિલેશ એમની એક ગઝલમાં વિરહજન્ય અનુભૂતિની અભિવ્યક્તિ આ શબ્દોમાં કરે છે -

પાસ આકર હમેં દૂર જાના પડા.
પ્યાર મેં યહ ચલન ભી નિભાના પડા.
રેત પર ઉંગલિયોં સે લિખે નામ કો
આંખ મે અશ્રુ ભર કર મિટાના પડા.

દુષ્યંતકુમારની ગઝલોમાં પરંપરાના હિન્દી શાયરોની માફક પ્રણયભાવનું બાહુલ્ય નથી, પરંતુ એમના કેટલાક શે’રમાં પ્રેમભાવનું સહજ પ્રગટીકરણ થયેલું જોઈ શકાય છે. પ્રેમની નજાકતનું બયાન કરતા એમના બેએક શે’ર પ્રસ્તુત છે -

એક જંગલ હૈ તેરી આંખોં મેં
મૈં જહાં રાહ ભૂલ જાતા હૂં.
મૈં તુઝે ભૂલને કી કોશિશ મેં
આજ કિતને કરીબ પાતા હૂં.

તો ચન્દ્રસેન ‘વિરાટ’ પ્યારના સંબંધને રૂપકાત્મક રીતે રજૂ કરતાં કહે છે -

જો મરુસ્થલ એ નદી કી ધાર કા સમ્બન્ધ હૈ,
ઠીક યહ મેરા-તુમ્હારા પ્યાર કા સમ્બન્ધ હૈ.
પૂછતે હૈં લોગ ફિર ભી તો બતાતા હૂં તુમ્હેં
હૈ વહી જો નાવ સે પતવાર કા સમ્બન્ધ હૈ.

કુંઅર બેચૈન બે પ્રિયપાત્રો વચ્ચે રચાયેલા સુગંધના સેતુને પ્યારનું નામ આપીને, કવિત્વના સંસ્પર્શ સાથે પ્યારને પરિભાષિત કરે છે –

તેરે ઘર સે મેરે ઘર તક એક ખૂશ્બુ કી લકીર
ખીંચ દી જિસને ઉસકા નામ શાયદ પ્યાર હૈ.

તો પ્રેમસંબંધની પીડાજન્ય ભાવસ્થિતિ અને એના જોખમને તાકીને કુંઅર બેચૈન આ મતલબનો શે’ર કહે છે -

મેરે દિલ કો તુમ્હારે પ્યાર સે હોકર નિકલના થા.
કિ ઈક ચલતી હુઈ તલવાર લે હોકર નિકલના થા.

વસીમ બરેલવી અણસમજુ એવી મહોબ્બતને આંખોની ભાષાથી સમજાવવાની હિમાયત કરે છે -

મુહબ્બત નાસમઝ હોતી હૈ, સમઝાના જરૂરી હૈ.
જો દિલ મૈં હૈ, ઉસે આંખો સે કહલાના જરૂરી હૈ.

તો વળી મુનવ્વર રાના મહોબ્બતમાં, પ્રગટપણે થતાં ઘોંઘાટને બદલે અપ્રગટપણે-મૌનભાવે થતા અહેસાસનો વિશેષ મહિમા કરતાં જણાય છે –

મોહબ્બત કરનેવાલા જિંદગીભર કુછ નહીં કહતા.
કિ દરયા શોર કરતા હૈ સમન્દર કુછ નહીં કહતા.

પ્રેમ, સૌન્દર્ય અને સંવાદના શાયર બશીર બદ્રની અનેક ગઝલોમાં પણ પ્રેમનું મનોહારી ચિત્રાંકન થાય છે. પ્રેમની સુકુમારતા અને સ્નિગ્ધતાનો પરિચય આ શાયર નિરાળી રીતે આપે છે –

ગુલાબોં કી તરહ દિલ અપના શબનમ મેં ભિગોતે હૈં.
મોહબ્બત કરનેવાલે ખૂબસૂરત લોગ હોતે હૈં.

તો પ્રિયપાત્રના અભાવનું દર્દ કે વિયોગજન્ય પીડાને પણ બશીર બદ્રએ નજાકતપૂર્ણ અભિવ્યક્તિ આપી છે -

સોયે કહાં થે આંખોં ને તકીયે ભિગોયે થે.
હમ ભી કભી કિસી કે લિએ ખૂબ રોએ થે.

દીપ્તિ મિશ્ર પોતીકા મિજાજમાં અને અભિવ્યક્તિની વિલક્ષણ છટામાં મહોબ્બતનો એકરાર કરતાં આ મતલબનો શે’ર કહે છે -

વો નહીં મેરા મગર ઉસસે મુહબ્બત હૈ તો હૈ.
યે અગર રસ્મોં, રિવાજોં સે બગાવત હૈ તો હૈ.

હિન્દી ગઝલના પ્રત્યેક તબક્કે આમ, પ્રેમસંલગ્ન પીડા કે પ્રશન્નતા, આશા કે નિરાશા, વિહ્વળતા કે વિવશતા જેવી ભાવસ્થિતિનું નિરૂપણ થતું રહ્યું છે અને કાલાંતરે પ્રેમસંવેદનની અભિવ્યક્તિનું રૂપ પણ બદલાતું રહ્યું છે.

હિન્દી ગઝલ પ્રેમ જેવા પરંપરાગત વર્ણ્ય વિષયને યોજે છે, પરંતુ હિન્દી ગઝલકારોએ કેવળ વ્યક્તિવાદી લૌકિક પ્રેમની જ વાત નથી કરી. એ શાયરોએ તો પીડિત અને શોષિત માનવો પ્રત્યેના પ્રેમનો સૂર પણ પ્રગટ કર્યો છે. રાજનૈતિક અને સામાજિક સંદર્ભો સાથે હિન્દી ગઝલોમાં વ્યક્તિગત અને સમષ્ટિગત પીડાનો બુલંદ પડઘો પણ પડતો રહ્યો છે. મતલબ કે સામાજિક વાસ્તવબોધ પણ હિન્દી ગઝલકારોની રચનાઓમાં બળવત્તર બનીને મુખરિત થાય છે. માનવીય મૂલ્યોનો થતો જતો હ્રાસ, રાજનેતાઓ દ્વારા રાષ્ટ્રની થતી અધોગતિ કે પછી શહેરી સભ્યતાની વિરૂપતા આ શાયરોને અકળાવે છે અને એ બધું ગઝલનો આકાર ધરે છે.

જયશંકર પ્રસાદ એમની અનેક ગઝલોમાં દેશની દુર્દશાને ચીંધે છે અને દીન-હીન પ્રજાજનોની વ્યથાને વાચા આપે છે. દેશની સમસ્યાને અનુલક્ષીને પ્રસાદ સીધી ટકોર કરે છે.

દેશ કી દુર્દશા નિહારોગે.
ડુબતે કો કભી ઉબારોગે.

છાયાવાદના વિદ્રોહી કવિ તરીકે જાણીતા બનેલા સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ પણ એમની રચનાઓમાં સમાજમાં વ્યાપત વિષમતાને વ્યક્ત કરતા રહ્યા છે. ઉદ્યોગપતિઓના કારસ્તાનને તાકીને ‘નિરાલા’ ઉઘાડેછોગ કહે છે –

ભેદ કૂછ ખૂલ ગયા વહ સૂરત હમારે દિલ મેં હૈ.
દેશ કો મિલ જાયે વો પૂંજી તુમ્હારી મિલ મેં હૈ.

સામાજિક સંપ્રજ્ઞતાને પરિણામે દુષ્યંતકુમારની ગઝલોમાં સમસ્ત સમાજની પીડા સમ્મિલિત થઈને પ્રગટે છે. એમની ગઝલો પ્રજાની પ્રતિનિધિ બનીને જાણે સૌં કોઈની પીડાનુ પ્રગટીકરણ કરે છે. ભ્રષ્ટ સામાજિક વ્યવસ્થા પર પ્રહાર કરતા દુષ્યંતકુમાર શે’ર કહે છે –

હર સડક પર ઈસ કદર કીચડ બિછા હૈ.
હર કિસી કા પાંવ ઘુટનોં તક સના હૈ.

સાંપ્રતકાલીન સામાજિક વિસંગતિઓને વેધક રીતે વ્યક્ત કરતા દુષ્યંતકુમાર રુગ્ણ પરિસ્થિતિનું યોગ્ય નિદાન કરીને એનો ઉપચાર કરવો પણ આવશ્યક સમજે છે અને એને કારણે એમની પાસેથી આવો શે’ર સાંપડે છે -

અબ તો, ઈસ તાલાબ કા પાની બદલ દો,
યે કંવલ કે ફૂલ કુમ્હલાને લગે હૈં.

દુષ્યંતકુમાર ભૂખ્યા-તરસ્યા કે તિરસ્કૃત-બહિષ્કૃત એવા મનુષ્યોની અવદશાથી વ્યથિત છે તો સાથોસાથ મનુષ્યનું ગૌરવ પુન:સ્થાપિત થાય એ માટે કૃતસંકલ્પ પણ છે, એટલે એ વ્યથા-વિષમતા કે વિસંગતતાથી થાકી-હારી જવાને બદલે ખુમારીપૂર્વક એને નાથવાની ઝુંબેશ પણ કરે છે. શાયરનો અસલી મિજાજ પ્રગટ કરતા બએક શે’ર પ્રસ્તુત છે –

સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,
હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહિએ.

ડૉ. કુંઅર બેચૈન પણ વાસ્તવના ધરાતલ પર ઊભા રહીને દુનિયા નિહાળે છે. વિવાદ કે વિભાજનના પ્રપંચોમાં રાચતી દુનિયા આ શાયર પાસે આવા ઉદ્ગાર કઢાવે છે-

ફૂલો કો ખાર બનાને પે તુલી હૈ દુનિયા.
સબકો અંગાર બનાને પે તુલી હૈ દુનિયા.
મૈં મહકતી હુઈ મિટ્ટી દું કિસી આંગન કી,
મુઝકો દીવાર બનાને પે તુલી હૈ દુનિયા.

તો એવી સ્થિતિમાં પણ આપણી લાચારી કે ખામોશીથી અકળાઈને ડૉ. કુંઅર બૈચેન એમની અન્ય ગઝલમાં જાણે કે નિસાસો નાખે છે -

જલ રહા હૈ શહર સારા ઔર હમ ખામોશ હૈ.
જર્રા-જર્રા અંગારા ઔર હમ ખામોશ હૈ.
ફિર રહા હૈ અપને ઘરમેં હી યતીમોં કી તરહ
મન હમારા મારા-મારા ઔર હમ ખામોશ હૈ.

સમાજજીવનની વિડંબનાની માફક નગરજીવનની વિભીષિકાએ પણ હિન્દી ગઝલકારોનું ધ્યાન આકૃષ્ટ કર્યું છે. ચન્દ્રસેન ‘વિરાટ’ને મહાનગર ધોખા કે દેખાડાના પર્યાય સમું ભાસે છે -

જલતા જંગલ મહાનગર.
સૂખા દલ-દલ મહાનગર.
ગરજા પર કભી ન બરસા,
પ્યાસા બાદલ મહાનગર.

તો સમયનો અંદાજ ન હોવા છતાંય સમયના ગુલામ બની ચૂકેલા કે ઘડિયાળના કાંટામાં કેદ થઈ ગયેલા શહેરના લોકોને નિમિત્તે હરજિત સિંહ કટાક્ષના કાકુ સાથે કહે છે -

કિસીકો વક્ત કા અંદાજ તક નહીં લેકિન,
યે શહર હાથ કી ઘડિયોં કે સાથ મિલતા હૈ.

ભૌતિક ઉપલબ્ધિઓની વચ્ચે શહેરી સભ્યતાએ વ્યક્તિની નિજી વ્યક્તિતા ભરખી લીધી છે એ મોટી કમનસીબી છે. આપણા અળપાઈ ગયેલ અસ્તિત્વના સંદર્ભમાં રાજેશ રેડ્ડી પાસેથી આવો શે’ર મળે છે –

{{Block center|<poem>બડે નકશે મેં છોટે શહર જૈસા,

વજૂદ અપના કહીં ગુમ હો ગયા હૈ.

હિન્દી ગઝલમાં પ્રેમભાવનું બયાન કે સમાજજીવનનું ચિત્રણ થવાની સાથે, ઉદાત્ત જીવનમૂલ્યોનું પ્રાગટ્ય તેમજ સાર્વજનીન કે સર્વકાલીન વિચારોનું ઉદ્દઘાટન પણ થતું રહ્યું છે. મતલબ કે હુશ્ને-ખયાલ જેવા ગઝલના શિલ્પવિધાનના એક મહત્ત્વપૂર્ણ તત્ત્વનું જતન પણ એ ગઝલોમાં થયું છે. દુષ્યંતકુમારની ગઝલોમાં સામાજિક દુર્દશા અને રાજનૈતિક ભ્રષ્ટતા પ્રત્યે આક્રોશ છે, તેમ એમની ઘણી ગઝલોમાં ચિંતન-દર્શનનો અજવાસ પણ છે. મનુષ્ય ઇચ્છે તો અસંભવ બાબતોનો પણ ઉકેલ લાવી શકે છે અને મનુષ્ય પ્રયત્ન કરે તો એનું પરિણામ અવશ્ય આવી શકે છે, એવો આશાવાદ દુષ્યન્તના આ શે’રમાં પ્રગટ થયો છે –

કૈસે આકાશ મેં સૂરાખ નહીં હો સકતા,
એક પત્થર તો તબિયત સે ઉછાલો યારોં!

એવી જ રીતે જીવનની વ્યથાગ્રસ્ત સ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ બદલી જાય તો પીડા પણ પ્રસન્નતામાં પરિવર્તિત થઈ શકે છે, એવો વિચાર દુષ્યંતકુમાર દ્વારા આ રીતે વહેતો મુકાયો છે -

ઈસ નદી કી ધાર મેં ઠંડી હવા આતી તો હૈ.
     નાવ જર્જર હી સહી લહરોં સે ટકરાતી તો હૈ.

સૂર્યભાનુ ગુપ્તની ગઝલોના અનેક શે’ર પણ વિચારસમૃદ્ધ છે. ચિંતનના રસાયણથી સમ્પૃક્ત એવા એમના બેએક શે’ર સાંભળો -

જિનકે અન્દર ચિરાગ જલતે હૈં.
ઘર સે બાહર વહી નિકલતે હૈં.
દિન પહાડોં કી તરહ કટતે હૈં,
તબ કહીં રાસ્તે પિઘલતે હૈં.

તો કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ કે નાસીપાસ થવાને બદલે દરેક સ્થિતિનો સ્વીકાર જ દુ:ખમાંથી મુક્તિનો માર્ગ છે, એવા હકારાત્મક અભિગમની હિમાયત પણ સૂર્યભાનુ ગુપ્ત કરે છે –

એ દોસ્ત જિન્દગી સે ન ઈતના નિરાશ હો,
સૂખા ભી હૈ નદી તો સમઝ રાસ્તા હુઆ.

ડૉ. કુંઅર બેચૈનના પ્રસ્તુત શે’રમાં પણ આવો જ કંઈક હકારાત્મક અભિગમ વ્યક્ત થયો છે –

દુનિયા ને મુઝ પે ફેંકે થે પત્થર જો બેહિસાબ,
મૈંને ઉન્હી કો જોડ કે કુછ ઘર બના લિએ.

જીવનના પ્રવાસમાં આવતાં વિઘ્નો કે વ્યવધાનોને અવગણીને આગળ ધપવાની કે પછી જગતને બદલવાની અપેક્ષાએ જાતને બદલવાની ઠાવકાઈથી વાત કરતા નિદા ફાઝલીના પ્રસ્તુત શે’ર પણ ખૂબ જ જાણીતા છે -

સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો.
સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો.
કિસી કે વાસ્તે રાહે કહાં બદલતી હૈ,
તુમ અપનેઆપ હો ખુદ હી બદલ સકો તો ચલો.

હિન્દીમાં ગઝલના માધ્યમથી વૈચારિક સૂક્ષ્મતા સાથે ઊંડી સંવેદના પ્રગટ કરવાની અનેક ગઝલકારોએ કોશિશ કરી છે. એવા કેટલાક વિચાર-સમ્પૃક્ત શે’ર પ્રસ્તુત છે -

મુઝ કો અપને પાસ બુલાકર.
તૂ ભી અપને સાથ રહાકર.
- વિજ્ઞાન વ્રત
જબ પહાડોં પે કોઈ ચઢતા હૈ
બોઝ લગતી હૈ કામ કી ચીજેં.
- હરજિત સિંહ
પર્વતોં કે ઉપર સે ઉડના સીખ લો યારોં,
ઉમ્ર બીત જાતી હૈ રાસ્તા બનાને મેં.
- રાકેશ શર્મા
રોજ ઈન આંખોં કે સપનેં ટૂટ જાતે હૈં તો ક્યા
રોજ ઈન આંખોં મેં ફિર સપને સજાને ચાહિએ.
- રાકેશ રેડ્ડી
લાઝિમ નહીં કિ હર કોઈ હો કામયાબ હી,
જીના ભી સીખ લીજિએ નાકામિયોં કે સાથ.
-દીક્ષિત દનકૌરી

હિન્દી ગઝલમાં આમ, વાસ્તવના વહેણની સાથે વિચારનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. એ વિચારો એક બાજુ જીવનને માટે દિશાદર્શક નીવડે છે તો ક્યારેક ભારતીય જીવનદર્શન અને નૈતિક મૂલ્યોથી આવેષ્ટિત એ વિચારો ભીતરી વિશ્વની ક્ષિતિજો પણ વિસ્તારે છે. ભાવતત્ત્વ અને કલાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં હિન્દી ગઝલનો વિચાર કરીએ છીએ ત્યારે, દુષ્યંતકુમાર દ્વારા એ ગઝલ કરવટ બદલતી માલૂમ પડે છે તેમજ દુષ્યન્ત તથા એના કેટલાક અનુગામી ગઝલકારો સર્જનાત્મક મથામણ કરતા જણાય છે.

ગુજરાતી અને હિન્દી ગઝલના અવલોકલ અને અભ્યાસને અંતે આવા કેટલાક નિષ્કર્ષ પર આવી શકાય છે –

ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ગઝલની સમૃદ્ધ પરંપરા છે અને બંને ભાષાની આરંભકાળની ગઝલોએ સ્વાભાવિક રીતે જ અરબી-ઉર્દૂ ગઝલનો પ્રભાવ ઝીલ્યો છે. ગુજરાતીની પ્રારંભકાલીન ગઝલમાં ઇશ્કેમિજાજી અને ઇશ્કેહકીકી રંગનું પ્રગટીકરણ વિશેષ માત્રામાં થયું છે. ગુજરાતીની તુલનાએ હિન્દીની ગઝલોમાં ઈશ્કેમિજાજીને બદલે જાણે કે ઇશ્કેઇન્સાનિયત પર વધુ ભાર મુકાયો છે.

ગુજરાતી અને હિન્દી બંને ગઝલ ઉત્તરોત્તર પ્રેમના પરિધમાંથી બહાર નીકળીને માનવીય પીડા અને સંઘર્ષનું બયાન કરે છે.

ગુજરાતી ભાષામાં ગહન ચિંતનની પૃષ્ઠભૂમિ પર આધારિત ગઝલો કે શે’રનું પ્રમાણ વિશેષ છે. ગુજરાતીની તુલનાએ હિન્દીમાં પ્રેમપરક, વાસ્તવપરક અને વ્યંગપરત ગઝલ વધુ લખાઈ છે અને વિચારપરક ગઝલોનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

સાંપ્રતકાલીન ગુજરાતી ગઝલ સમસામયિક ચેતના અને નગરસંવેદનાને વિશેષભાવે વ્યક્ત કરે છે તો સાથોસાથ વિચારસૌન્દર્ય પણ સુપેરે પ્રગટ કરવાનું વલણ વિશેષ દાખવે છે. સમકાલીન સમસ્યાઓ અને શાસનની આલોચનાને જટલું મહત્ત્વ હિન્દી ગઝલમાં અપાયું છે એટલું સ્થાન એને ગુજરાતી ગઝલમાં મળ્યું નથી.

ગુજરાતી અને હિન્દી ગઝલોમાં પરંપરાગત સ્વરૂપાનુસન્ધાન જાળવીને પણ નવી ભાવભૂમિની શોધ થતી રહી છે અને ગઝલના નવાનવા આયામોનું ઉદ્ઘાટન પણ થતું રહ્યું છે.

ગઝલની અભિવ્યક્તિ બાબતે કલ્પન, પ્રતીક, પુરાકલ્પન જેવાં અભિવ્યક્તિનાં નૂતન ઉપકરણો યોજીને ગુજરાતી ગઝલકારો શિલ્પવિધાન પરત્વે જે ઝીણું કોતરણીકામ કરે છે એવું હિન્દી ગઝલોમાં પ્રમાણમાં બહુ ઓછું જોવા મળે છે. જોકે હિન્દી ગઝલોમાં પણ કલ્પન (બિંબ), પ્રતીક અને પુરાકલ્પન (મિથક)ને કેટલાક કવિઓ પ્રયોજે છે પરંતુ એના થકી સિદ્ધ થતી સર્જનાત્મક કક્ષા અને એના પ્રયોગની માત્રાની બાબતમાં ગુજરાતી ગઝલ અવશ્ય આગળ નીકળી જાય છે.

શું ગુજરાતીમાં કે શું હિન્દીમાં, નવોદિત ગઝલકારોએ ગઝલને માત્ર અભિવ્યક્તિનું સરળ માધ્યમ સમજીને ગઝલ સાથે કામ પાડ્યું છે ત્યારે એમાંથી કશું નીપજ્યું નથી. એવે વખતે ગઝલના બહિરંગની જાણવણી થઈ છે પરંતુ ગઝલના અંતરંગનું જતન થઈ શક્યું નથી.

ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં સાતત્યપૂર્ણ રીતે ગઝલસર્જન થતું રહ્યું છે, પરંતુ આપણે ભાષાના કે પ્રદેશના કોઈ પ્રકારના પક્ષપાત વિના તટસ્થભાવે એમ કહી શકીએ છીએ કે ગુજરાતી ગઝલના ઐશ્વર્ય અને સૌન્દર્ય જેવા સુખદ-સંતર્પક અનુભવ હિન્દી ગઝલોમાં થતો નથી. એટલે ‘થાય સરખામણી તો ઊતરતા છીએ.’ એવું કહેવાની સ્થિતિ ગુજરાતી ગઝલની નહીં, બલ્કે હિન્દી ગઝલની છે.