અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમુખીય વક્તવ્ય:
ચારણી સાહિત્ય: મુદ્રા અને મહત્તા
અંબાદાન રોહડિયા

ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં વિવિધતામાં એકતાનો અહેસાસ થાય છે. સાંસ્કૃતિક ધરોહર એને એકસૂત્રતામાં બાંધે છે અને સમગ્ર ભારતવર્ષનું યથાર્થ પ્રતિબિંબ આ ભારતીય સાહિત્યમાંથી પ્રગટે છે. ભારતીય સાહિત્યમાં વૈદિક સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય અને લોકસાહિત્ય એ ચાર મુખ્ય ધારાઓ દૃષ્ટિગોચર થાય છે. આમાંથી વૈદિક સાહિત્ય અને લોકસાહિત્યનો સુભગ સમન્વય ચારણી સાહિત્યમાં થયો છે. ખરા અર્થમાં આ ઉભય ધારાઓ વચ્ચે રહેલી ભેદની ભીંત્યોને ભાંગીને તેને જોડનાર સેતુબંધનું કાર્ય કર્યું છે ચારણી સાહિત્યએ. આ ચારણી સાહિત્ય મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વિકસ્યું-વિસ્તર્યું હતું. અલબત્ત, ઉભય રાજ્યોની આસપાસના પ્રદેશોમાં પણ તેનો પ્રવેશ-પ્રસાર અવશ્ય થયો હતો. વળી, ચારણી સાહિત્ય મુખ્યત્વે મધ્યકાળે ફૂલ્યું-ફાલ્યું હતું, એ સમયે જાણે એનો સુવર્ણકાળ હતો. આથી આજની નહીં પણ મધ્યકાળની રાજકીય સરહદો-સીમાઓને આપણે ધ્યાનમાં રાખીને વાત કરવી જોઈએ. આથી એમ કહી શકાય કે મધ્યકાળે પશ્ચિમ ભારતીય સાહિત્યમાં એક મહત્ત્વની અને સ્વાયત્ત ધારા તરીકે ચારણી સાહિત્ય ઊપસી આવ્યું હતું. તેની કેટલીક આગવી મુદ્રા અને મહત્તા વિશે અહીં વાત કરવાનો ઉપક્રમ છે. ચારણી સાહિત્ય સાથે હજારેક વર્ષની પરંપરા સંકળાયેલી છે, એ પરંપરાનું અધ્યયન કરનાર આ સાહિત્યને સમજી શકે અન્યથા માત્ર સાહિત્યિક અભિગમ કે વિવિધ શાસ્ત્રોને આધારે જ તેને તપાસવા જતાં અન્યાય થવાની પૂરી શક્યતા જણાય છે. આ ધારાના ઊંડા અભ્યાસી જયમલ્લ પરમાર કહે છે કે, “જે યુગયુગોનાં પિરબળોએ ચારણોનું ઘડતર કર્યું છે, એ પરિબળોને પિછાન્યા સિવાય એનું સાહિત્ય કેમ કરીને સમજાય? હજારો વર્ષની પરંપરાના જીવનની અનુભૂતિમાંથી નીવડેલી વાણીને નરદમ કાવ્યશાસ્ત્રના કાટલાથી તોળવા જતાં વિદ્વત્તા પોતે જ પોતાનાં મૂલ્યો ગુમાવી બેસે. તે છતાંય કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ મૂલવતાં પણ ચારણી સાહિત્યમાંથી ઉત્તમોત્તમ કૃતિઓનો વિપુલ વારિધિ મળી આવશે, એ વાણીનાં અર્થો, મર્મો રહસ્યો અને એનું બંધારણ સમજાશે તો એ વાણીમાં રહેલી કરુણા, આર્દ્રતા, ખુમારી, વીરતા અને રસાનંદની છોળો છલકાતી મળશે. વર્તમાન સુધી એ વાણીમાં એટલું જીવનબળ ન હોત તો ચારણવાણી લોકજીવનને આટલું સમૃદ્ધ ન રાખી શકી હોત.”૧ [1]

ચારણો અને ચારણેતરોનું પ્રદાન

ગુજરાત, રાજસ્થાન, સિંધ, થરપારકર અને માળવામાં ચારણ સાહિત્ય, ડિંગળ સાહિત્ય કે ચારણી સાહિત્ય એવી સંજ્ઞાથી ઓળખાતું આ સાહિત્ય ચારણો અને ચારણેતરોનું પ્રદાન છે. ચારણોએ અપનાવેલી વિશિષ્ટ કાવ્યશૈલીને આત્મસાત્ કરીને ચારણેતર સર્જકોએ પણ આ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. રાજસ્થાની શબ્દકોશના લેખક પદ્મશ્રી સીતારામ લાળશ કહે છે કે “ચારણી સાહિત્યનું તાત્પર્ય અહીં ચારણશૈલીમાં લખાયેલું સાહિત્ય છે.”૨ [2] ચારણી સાહિત્ય ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનારા ચારણેતરોમાં બીકાનેરના રાજકુંવર પૃથ્વીરાજ રાઠોડે ‘વેલી કિસન રુકિમણી રી’નું સર્જન કરેલું છે. તો પંદરમી સદીમાં વીરભાણ (બાદર) ઢાઢીએ ‘વીરમાયણ’માં મારવાડના રાજવી વીરમદેવની વીરતાનું ઐતિહાસિક વર્ણન કર્યું છે. કવિ પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધ’માં કાન્હડદે અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે વિ.સં. ૧૫૧૨માં ઝાલોરમાં થયેલી લડાઈનું નિરૂપણ કર્યું છે. કવિ શ્રીધર વ્યાસે ‘રણમલ્લ છંદ’માં ઈડરના રાવ, રણમલ્લજી અને પાટણના સૂબેદાર મીર ઝફરખાં વચ્ચે થયેલી લડાઈનું વર્ણન કર્યું છે. જયપુરના રાજવી જયસિંહજી (દ્વિતીય)એ જ્યોતિષશાસ્ત્રવિષયક ગ્રંથની રચના કરી છે. રાજકોટના ઠાકોર મહેરામણજીએ પોતાના મિત્રો સાથે મળીને ‘પ્રવીણસાગર’ ગ્રંથની રચના કરી છે. કચ્છના રાજવી લખપતસિંહે ‘લખપતપિંગળ’ અને અન્ય ગ્રંથોની રચના કરી છે. જોધપુરના રાજવી માનસિંહજીએ ‘કવિપુરાણ’ અને રાવ, જશવંતસિંહે ‘ભાષાભૂષણ’ દ્વારા ડિંગળ સાહિત્યક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત રીણા મોતીસરે ‘લીંબડીની ઝમાળ’, કવિ નંદદાસે “માનમંજરી’ અને ‘અનેકાર્થી નામમાળા’ તેમજ ‘પંચાણ રાવળે ‘બુદ્ધિવિલાસ’ અને ‘સુદામાચરિત’ ગ્રંથનું સર્જન કર્યું છે. આ ઉપરાંત સતનાથ ભાટ, કંકાળણ ભાટ, બાલવણ ભાટ, ગીગા બારોટ, ઉનડ બારોટ અને ગોદડ બારોટ ઇત્યાદિનું મહત્ત્વનું પ્રદાન છે. મીર મુરાદ, નાગર કવિ હરખજી મહેતા, શ્રી લાલ ભટ્ટ, મુળજી ભટ્ટ તથા નારણજી ભટ્ટ ઇત્યાદિ કવિઓએ ચારણી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

ચારણી સાહિત્યની દીર્ઘ પરંપરા

ચારણી સાહિત્ય એક સ્વતંત્ર અને સ્વાયત્ત વિદ્યાશાખા છે. આ ધારાનું આગવું છંદશાસ્ત્ર, શબ્દકોશ, પર્યાયવાચી શબ્દકોશ અને કાવ્યરીતિ વિષયક ગ્રંથો મળે છે. તેમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે. એટલું જ નહીં આ બધા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરાવતી વ્રજભાષા પાઠશાળા પણ કચ્છ-ભુજમાં હતી. ત્યાં આ ધારાવિષયક ગ્રંથોનો અભ્યાસ કરાવતો, એ માટે આવશ્યક ગ્રંથોની રચના પણ આચાર્ય હમીરજી રત્નુ અને અન્ય વિદ્વાનોએ કર્યાનાં ઉદાહરણ પ્રાપ્ત થાય છે.

ચારણી સાહિત્યની સુદીર્ઘ પરંપરા ઘણી જૂની હોવાની પ્રતીતિ થાય છે. અલબત્ત, પ્રારંભે કંઠસ્થ પરંપરામાં જળવાયેલી રચનાઓ આજે ઉપલબ્ધ થતી નથી, આથી તેના આરંભ અંગે કોઈ નક્કર આધારો આપી શકાય તેમ નથી, પરંતુ ‘ગાથાસપ્તશી’માં જળવાયેલી અનેક રચનાઓ સુધી ચારણી સાહિત્યનાં મૂળ પહોંચે છે. સિંધમાં ઉનડ જામે સુધમલ્લ શામળને સિંધુનું રાજ્ય દાનમાં આપ્યાનો દુહો મળે છે કે :

“માઈ એહડા પુત જણ, જેહડા ઉનડ જામ;
સમપ્યો સાતો સિંધડી, જ્યું દીજે હિક ગામ,”૩ [3]

એ સમયે ચારણો સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, થરપાકર અને આજના પાકિસ્તાનમાં છેક બલુચિસ્તાન સુધી રહેતા હોવાનાં પ્રમાણો મળે છે. છેક દસમી સદીમાં થયેલ કચ્છના રાજવી રા’લાખા ફૂલાણી (વિ.સં. ૯૧૧થી ૧૦૩૫)ના રાજકવિ માવલ સાબાણીએ રચેલા દુહાઓ મળે છે, તેમાંથી એક દુહો જોઈએ :

“તાહરો ફૂલ તણા, લાખા જસ અંબર લગૌ;
ઉપરિ જગતિ અથાહ, જિગિઓ કરણાપતિ જિહિ.”૪ [4]

તો પાટણપતિ સિદ્ધરાજ જયસિંહની રાજ્યસભામાં રાજકવિ તરીકે આલાજી વરસડાને સ્થાન મળેલું. તો આલાજીના જમાઈ કરમાંણંદ અને તેના પિતા આણંદ પ્રસિદ્ધ કવિ હતા. વિદ્યાવાદમાં તેમણે કંકાળણ ભાટ જેવી વિદુષીને પરાસ્ત કરેલાં. આથી સિદ્ધરાજે તેમણે મમ્માણા ગામ દાનમાં આપેલું, ત્યાં તેમના વંશજો આજે પણ વસે છે. આણંદ-કારમાણંદ દુહાવિદ્યામાં અજોડ ગણાયા છે. તેમની રચનાઓ હસ્તપ્રતોમાં અને કંઠસ્થ પરંપરામાં મળે છે. તો આચાર્ય હેમચંદ્રજીના એક શિષ્ય રામચંદ્રજીએ સંસ્કૃત નાટકોની રચના કરી હોવાના પ્રમાણો પ્રિ. નરોત્તમ પલાણે તેમના લેખમાં રજૂ કર્યાં છે.૫ [5] મારી શોધયાત્રા દરમિયાન અને મમ્માણાના મીસણ ચારણોની વંશાવળી મોરઝર ગામેથી ભીમજી ભારમલદેવ પાસેથી પ્રાપ્ત થઈ છે. તેમાં પણ રામચંદ્ર અને કરમાણંદજીને આણંદજીના પુત્રો દર્શાવ્યા છે. વળી, મમ્માણા ગામ મળ્યાની નોંધ પણ છે. આલાજી વરસડાનાં પુત્રી તેજલબાનાં લગ્ન કરમાણંદ સાથે થયેલાં. તેજલબાએ રચેલ કવિત પણ મને શોધયાત્રા દરમિયાન મળેલ છે.૬ [6] આચાર્ય હેમચંદ્રજીએ અપભ્રંશ વ્યાકરણમાં ઉદાહરણાર્થે આપેલા દુહાઓ પણ ચારણી સાહિત્યની પરંપરાની પ્રાચીનતા પુરવાર કરે છે. સોરઠના રાજકવિ લુણપાડ મહેડુએ રચેલી ઢોલા મારુની દુહાબદ્ધ કથાના કેટલાક દુહા પણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત ‘પ્રભાવકચરિત’, ‘પ્રબંધચિંતામણિકોશ’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’, ‘કુમારપાળપ્રતિબોધ’ અને ‘ઉપદેશ સપ્તશતી’એ રચનાઓમાં પણ એમના રચનારાઓએ એ સમયના અન્ય કવિઓએ રચેલાં પ્રચલિત એવાં અનેક પદ્યોને ઉદાહૃત કર્યાં છે. આમ, ગાથાકાળ પછી પ્રબંધકાળમાં ચારણી સાહિત્યની ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થાય છે. ચારણી સાહિત્યને યોગ્ય સ્થાન આપવાના હિમાયતી સમર્થ સંશોધક- ઇતિહાસવિદ્ પ્રિ. નરોત્તમ પલાણે આ ધારાને હેમચંદ્રાચાર્યથી પણ પૂર્વોત્તર કહીને તેનું ગૌરવ કર્યું છે. તો મહામહોપાધ્યાય કે. કા. શાસ્ત્રીજીનો અભિપ્રાય છે કે, “ગુજરાતી ભાષાનું પારણું ચારણોની જીભે, ઝૂલ્યું છે.”

ચારણી સાહિત્યમાં સ્વરૂપવૈવિધ્ય

ચારણી સાહિત્યમાં અપાર સ્વરૂપવૈવિધ્ય જોવા મળે છે. મધ્યકાળની વિશિષ્ટ પરિસ્થિતિ અને તત્કાલીન પરિવેશમાં સાનુકૂળ એવા પદ્યમાં વેલિ, સાકો, રાસો, પ્રકાસ, રૂપક, સરોજ, આખ્યાન, સલોક, ઝમાળ, કવિત, નિશાણી અને ગીત ઇત્યાદિ મળે છે. તો ગદ્યમાં વચનિકા, દવાવેત, ખ્યાત, ઇતિહાસ, પ્રસંગ, પટ્ટા, વિગત, હકીકત, પિઢયાવલી, હાલ, વાત અને વાકિયા ઇત્યાદિ સ્વરૂપો મળે છે. ચારણો એ સંસ્કૃતવૃત્તોથી અલગ એવું પોતાનું આગવું છંદશાસ્ત્ર નિપજાવ્યું છે. પોતાની સર્જનકલાને કારણે આગવી ઓળખ પ્રગટાવવા તેઓ છંદશાસ્ત્રમાં અવનવા પ્રયોગો કરતા અને એક જ છંદના અલગ-અલગ પ્રકારો ૫ર પ્રભુત્વ મેળવતા. સામાન્ય રીતે દુહાના પાંચ પ્રકારો શિષ્ટ સાહિત્યમાં પ્રયોજાય છે, તો રામચંદ્ર મોડ અને કિશનાજી આઢાએ દુહાના એકવીસ અને ત્રેવીસ પ્રકારો વિશે પોતાના છંદશાસ્ત્રવિષયક ગ્રંથોમાં વાત કરી છે. છંદશાસ્ત્રવિષયક આ ગ્રંથોનો નવયુવાનોને અભ્યાસ કરાવવામાં આવતો અને તેમાંની સૈદ્ધાન્તિક વાત નીરસ ન બની જાય, એ માટે છંદશાસ્ત્રવિષયક ગ્રંથોને દ્વયાશ્રયી અભિગમથી રજૂ કરાતા. ક્યારેક તેમાં પ્રભુના ચરિત્રને વર્ણવવામાં આવતું તો ક્યારેક તેમાં અવતારલીલાને કે ઐતિહાસિક ઘટનાને પણ વર્ણવવામાં આવતી. આસાજી રોહડિયાએ ‘રૂપક રાવ ચંદ્રસેણ રા’, રામચંદ્ર મોડે ‘હરિપિંગળ’, ગોદડ મહેડુએ ‘ચોવીસ અવતારનાં ગીતો’, ઉદયરામ રોહડિયાએ ‘કવિ કુલ બોધ’, હમીરજી રત્નએ ‘હરિપિંગળ’, કવિ મંછારામે ‘રઘુનાથ રૂપક ગીતાં રો’, રાઓ, લખપતસિંહે ‘લખપતપિંગળ’ અને પંચાળ રાવળે ‘બુદ્ધિવિલાસ’ ગ્રંથની રચના કરીને ચારણી છંદશાસ્ત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. લીંબડીના રાજકવિ શંકરદાન દેથાએ ‘લઘુસંગ્રહ’માં, રતુદાન રોહડિયાએ ‘ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ’માં અને ડૉ. રમણીકલાલ મારુએ ‘ચારણી ભાષાનું પિંગળશાસ્ત્ર’ ગ્રંથમાં ચારણી છંદશાસ્ત્ર વિશે વિગતે વાત કરી છે. શ્રી નાનુરામ દુધરેજિયા ચારણી સાહિત્ય સંદર્ભે કહે છે કે, “ચારણી સાહિત્યની કૃતિઓને કેવળ પંડિતદૃષ્ટિ વડે ચકાસવા બેસીશું તો અન્યાય થઈ બેસવાનો સંભવ છે. કેમ કે, એના સંદર્ભો, એની રચના, એનું વ્યાકરણ એ બધું આપણે માટે લગભગ અગમ અને અકળ જેવું છે. આથી એને સમજવામાં આપણા માપદંડ નહીં ચાલે.”૭ [7] ડિંગળપરંપરામાં જેને ગીત કહેવાયાં છે, તે પણ મૂળે તો છંદ જ છે. વળી તેનું ગાન નહીં પણ વિશિષ્ટ શૈલીમાં પાઠ કરવાનો હોય છે. તેની રજૂઆતનું આગવું પરંપરાગત શાસ્ત્ર હોવાથી તેને રજૂઆતની કલા (પરફોર્મિંગ આર્ટ) - ગણવામાં આવે છે. ચારણી સાહિત્યની આગવી ઓળખ સમા આ ડિંગળગીતોની સંખ્યા વિશે વિદ્વાનોમાં મતૈક્ય નથી. કેમ કે, છંદશાસ્ત્રીઓએ તેની ૧૨૦ સંખ્યામાં થોડા ફેરફારો દર્શાવ્યા છે અને તેનાં લક્ષણો અને નામમાં પણ તફાવત જણાય છે. અલબત્ત, દીર્ઘકાળ સુધી ચાલેલી આ પરંપચમાં પરિવર્તનશીલતા અને પ્રયોગશીલતાને કારણે તેમજ પ્રદેશભેદને કારણે આમ થયું હોવાની શક્યતા જણાય છે. અલબત્ત, બારેક છંદશાસ્ત્રીઓએ ડિંગળવિષયક ગ્રંથોમાં ગીતોનાં લક્ષણો, તેની રચનાપ્રક્રિયા અને પ્રકારો વિશે વિગતે વાત કરી છે. ગુજરાત અને રાજસ્થાનમાં ચારણી સાહિત્યક્ષેત્રે સંશોધન કરનારા મૂર્ધન્ય સંશોધકોએ ડિંગળ પરંપરાના છંદો-ગીતો વિશે વિગતે ચર્ચા-વિચારણા કરી છે. એ સૌની ચર્ચાના નિષ્કર્ષ કે સારરૂપે રતુદાન રોહડિયાએ ચારણી સાહિત્યની વિશેષતાને આ રીતે તારવી બતાવી છે : (૧) ‘એનું છંદશાસ્ત્ર અલગ છે, ૧૨૦ પ્રકારનાં ગીત નામે એના આગવા છંદો છે, તોપણ પ્રચલિતપણે તેનાં ૮૪ ગીતો મુખ્ય મનાય છે. (૨) ચારણી સાહિત્યમાં ‘વયણ સગાઈ’ એ ચારણી સાહિત્યનો પોતાનો અલંકાર છે. (૩) જથાઓ કે જેને સૌભાગ્યસિંહ શેખાવત એક અલંકાવિશેષ કહે છે. તે જુદી જુદી અને ૧૧થી ૨૧ પ્રકારની છે. તે પણ ચારણી સાહિત્યની એક વિશેષતા છે. (૪) વ્રજ અને સંસ્કૃતના કાવ્યદોષોથી જુદા એવા ૧૧ પ્રકારના નિમ્નોક્ત કાવ્યદોષો ચારણી સાહિત્યના અભ્યાસીઓએ તારવ્યા છે; અન્ય છબકાલ, હીણ, નિનંગ, પાંગળો, જાતિ વિરુદ્ધ, અપસ, નાળછેદ, પખતૂટ, બહરો અને અમંગળ. (૫) ચાર પ્રકારની ઉક્તિઓ - પરમુખ, સન્મુખ, પરામુખ અને શ્રીમુખ. તે ઉપરાંત મિશ્ર ઉક્તિ નામે પાંચમી ઉક્તિ પણ પ્રભેદે મનાઈ છે.૮ [8] સાહિત્યનો યથાર્થ પરિચય કેળવીને તેને મુખ્યધારાની જ એક શાખા તરીકે જોવાની જરૂર છે. પદ્મશ્રી દુલા કાગે યથાર્થ જ કહ્યું છે કે, “સાહિત્ય અને ભાષા એ તો લોકગંગા છે. એના વહેણ કોઈની દખલગીરી સ્વીકારતા નથી. જનસમૂહે સંસ્કૃત ભાષાની સાથે સાથે જ પ્રાકૃતજનોમાં સામાન્ય લોકસમૂહમાં વહેતી લોકભાષાને – પ્રાકૃત ભાષાને પ્રાકૃત વાણીને સાહિત્ય સર્જન માટે અપનાવી. લોકસમૂહના પ્યારા એવા તે જમાનાના ચારણકવિઓ લોકભાષા - પ્રાકૃત ભાષામાં જોડાયા. એમણે પોતાની સંવેદનાઓ, પોતાના વિચારો, લોકોની આકાંક્ષાઓ અને પોતાની કલ્પનાઓ લોકોને જ પ્રિય અને પરિચિત એવી પ્રાકૃત લોકભાષામાં રજૂ કરવામાં પોતાની સરસ્વતી અને પોતાની શક્તિ વાપરી. પરિણામે જનસમૂહના એ અધિક પ્યારા થઈ પડ્યા.”૯ [9] ચારણી સાહિત્યનું છંદશાસ્ત્ર જેમ વિશિષ્ટ છે, એવું જ એનું અલંકારશાસ્ત્ર પણ વિશિષ્ટ છે. કેમ કે, મૌખિક પરંપરામાં દીર્ઘકાળ સુધી જળવાતી રચનામાં ઓછામાં ઓછું પાઠાંતર થાય, પાાંતર થાય તો ભાવકને કે વાહકને પણ સરળતાથી ખ્યાલ આવી જાય અને રચના કંઠસ્થ રાખવામાં પણ સરળતા રહે. આથી તેમાં વયણસગાઈ અલંકારનો પ્રયોગ કરવામાં આવતો હતો. આ વયણસગાઈ અલંકારના પણ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારો છે. ચારણી સાહિત્યમાં ‘વયણસગાઈ’ અલંકારની બોલબાલા હતી, કેમ કે, તેને કારણે છંદોબદ્ધ રચનાને સ્મૃતિમાં અકબંધ રાખવાનું સહેલું હતું. તો છંદના ચાર ચરણ કે બે પંક્તિમાં પણ અંત્યાનુપ્રાસ અલંકારનો સમુચિત વિનિયોગ કરવામાં આવતો. આથી હસ્તપ્રતમાં કે કંઠસ્થપરંપરામાં જળવાયેલી રચનાના ચરણોને સરળતાથી અલગ પાડી શકાય છે. ચારણી સાહિત્યમાં પદ્યાત્મક શૈલીમાં રચાયેલા શબ્દકોશોમાં હ૨રાજકૃત ‘ડિંગળ નામમાળા’, અજ્ઞાત કવિકૃત ‘નાગરાજ ડિંગળ કોશ’, હમીરજી રત્નુકૃત ‘હમી૨ નામ–માળા’, ઉદયરામ બારહટ્ટકૃત ‘અવધાન માળા’, કવિરાજા મુરારિદાનકૃત ‘ડિંગળ-કોશ’, ઉદયરામ બારહટ્ટકૃત ‘અનેકારથી કોશ’, વીરભાણ રત્નુકૃત ‘એકાક્ષરી નામમાળા’, ઉદયરામ બારહટ્ટકૃત ‘એકાક્ષરી નામમાળા’, નાથા વરસડાકૃત ‘અભિધાનકોશ’, ખેતા મોડકૃત ‘બુદ્ધિવિલાસ’, વજમાલ મહેડુકૃત ‘વિજયપ્રકાશ કોશ’ અને કવિવર નંદદાસજીકૃત ‘અનેકાર્થી’ તેમજ માનમંજરીમાળા’ વગેરે ઉલ્લેખનીય છે. પદ્યમાં રચાયેલા આ શબ્દકોશો પણ દ્વયાશ્રયી પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા, જેથી તેને સ્મરણમાં રાખવાનું સહેલું થતું. ચારણી સાહિત્યની કૃતિઓને મુખ્યત્વે છંદપરક’, ‘સંખ્યાપરક’ અને ઘટનાપ૨ક’ એમ ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

(૧) છંદપક રચનાઓ

ડિંગળ અને પિંગળના મહત્ત્વના છંદોમાં આ પ્રકારની કૃતિઓ રચવાની પરંપરા છે. કોઈ પણ મહત્ત્વની ઘટના કે પ્રસંગને સળંગ એક જ છંદમાં રચવામાં આવે છે. જેમ કે, સિદ્ધરાજ જ્યસિંહની રાજસભામાં કંકાળણ ભાટ સાથે વિદ્યાવાદમાં આણંદ – કરમાણંદે ‘કવિત’ની રચના કરેલી. તે બધી રચના આણંદ-કરમાણંદ રા’કવિત’ તરીકે જ સંગ્રહીત થયેલી છે, જુઓ : ૧. આણંદ – કરમાણંદકૃત ‘આણંદ કરમાણંદ રા કવિત’ ૨. ઈસરદાસજી રોહડિયાકૃત ‘હાલા ઝાલા રા કુંડળિયા’ ૩. જ્ગમાલજી મહેડુકૃત ‘રાવ દુદા હાડા રી બિયાખરી’ ૪. રીણા મોતીસરસ્કૃત ‘લીંબડીની ઝમાળ’ ૫. ઘેલા ખડિયાકૃત ‘રાવ દુદા હાડા રી બિયાખરી’ ૬. સૂજા દેથાકૃત ‘સોઢા રામ દેપા રા ઝૂલણા’ ૭. ગોદડ મહેડકૃત ‘કવિત રાયસિંહ માનાણી રા’ ૮. આસાજી રોહડિયાકૃત ‘રાખેંગાર રી બિયાખરી’ ૯. અજ્ઞાત કવિકૃત ‘ઠાકોર રવાજીના છંદ’ ૧૦. વીઠૂ સુજાકૃત ‘છંદ રાવ જેતસી રો’ ૧૧. વખતાજી ખડિયાકૃત ‘અમદાવાદ રી રાડ રા કવિત’ ૧૨. માલા સાંદૂકૃત ‘ઝૂલણા દીવાણ પ્રતાપસિંહજી રા’ ૧૩. મેહા વીઠુકૃત ‘પાબુજી રા છંદ’ ૧૪. દુરસાજી આઢાકૃત ‘રાઉ શ્રી સુરતાંણ રા ઝૂલણા’ ૧૫. દુરસા આઢાકૃત ‘વીરમદે રા દુહા’ ૧૬. આસાજી રોહડિયાકૃત ‘ઉમાદે ભટ્ટિયાણી રા કવિત’ ૧૭. બાંકીદાસ આશિયાકૃત ‘રાધાજીની ઝમાળ’ ૧૮. સાંયાજી ઝૂલાકૃત ‘રામાયણનાં કવિત’ ૧૯. પ્રતાપ વાચાકૃત ‘સાંગાજી જાદવની ઝમાળ’ ૨૦. દીનકર ઝૂલાકૃત ‘રાધાજીની નીશાણી.’

(૨) સંખ્યાપક રચનાઓ

ચારણી સાહિત્યમાં સંખ્યાપરક રચનાઓ વિપુલ માત્રામાં મળે છે. મૂળ તો સંખ્યાપરક રચનાની પરંપરા સંસ્કૃત સાહિત્યથી શરૂ થયેલી છે, એ પરંપરાનું અનુકરણ વિવિધ સાહિત્યિક ધારાઓ દ્વારા કરવામાં આવ્યું છે. ચારણી સાહિત્યમાં આવી સંખ્યાપક રચનાઓ ઘણી મળે છે, મુખ્યત્વે દુહા કે અન્ય પ્રચલિત છંદમાં આ પ્રકારની રચનાઓ વીસી, પચીસી, બત્રીસી, છત્રીસી, ચાલીસા, બાવની, બહુતેરી, છહુતેરી, શતક અને સતસઈ એમ ભિન્નભિન્ન સંખ્યામાં મળે છે. જુઓ : ૧. પાલરવ પાલિયાકૃત ‘વ્રજવનમાળીની વીસી’ ૨. ગોદડ મહેડુકૃત ‘છત્રસાલ બાવીસી’ ૩. પ્રભુદાન સુરુકૃત ‘કારગીલ પચીસી’ ૪. ખોડાભાઈ સિંહઢાયચકૃત ‘શિવપચીસી’ ૫. દુલા ભાયા કાગકૃત ‘રાષ્ટ્રધ્વજ પચીસી’ ૬. બાંકીદાસ આશિયાકૃત ‘થળવટ બત્રીસી’ ૭. બાંકીદાસ આશિયાકૃત ‘સુર છત્રીસી’ ૮. દુલા ભાયા કાગકૃત ‘સોનલ ચાલીસા’, ૯. નારણદાન બાલિયાકૃત ‘સોનલ બાવની’ ૧૦. દુલા ભાયા કાગકૃત ‘સોરઠ બાવની’ ૧૧. દાદુદાન પ્ર. ગઢવી – કવિ ‘દાદ’ કૃત ‘બંગ બાવની’ ૧૨. પિંગળશી મેઘાણંદ લીલાકૃત ‘ખેડૂત બાવની’ ૧૩. જીવાભાઈ શામળકૃત ‘જસવંત વિરહ બાવની’ ૧૪. ગોદડ મહેડુકૃત ‘જશવંત બહુતેરી’ ૧૫. દુરસા આઢાકૃત ‘બિરુદ છહુતેરી’ ૧૬. નાથુસિંહ મહિયારિયાકૃત ‘ગાંધીશતક’, ‘કરણીશતક’ અને ‘હાડી રાણી શતક’ ૧૭. સૂર્યમલ્લ મિસણકૃત ‘વીર સતસઈ’ ૧૮. નાથુસિંહ મહિયારિકૃત ‘વીર સતસઈ’.

(૩) વિષયપરક રચનાઓ

કોઈ પણ વિષયને કેન્દ્રમાં રાખીને કે નાયક-નાયિકાને કેન્દ્રમાં રાખીને કૃતિની રચના કરવામાં આવે છે. આવી દીર્ઘકૃતિઓમાં પૌરાણિક કથાનકો અને ઐતિહાસિક કથાનકો મળે છે. તેમાંથી પૌરાણિક રચનાઓ અને ઐતિહાસિક રચનાઓ જોઈએ. પૌરાણિક રચનાઓ ૧. આસાજી રોહડિયાકૃત ‘નિરંજન પુરાણ’ અને ‘લક્ષ્મણાયન’ ૨. ઈસરદાસ રોહડિયાકૃત ‘હરિરસ’, ‘દેવિયાણ’, ‘બ્રહ્મવેલ’ અને ‘ગુણનિંદા સ્તુતિ’ ૩. હરદાસ મિસણકૃત ‘જાલંધરપુરાણ’, ભૃંગીપુરાણ’ અને ‘સભાપર્વ’ ૪. સાંયાજી ઝૂલાકૃત ‘નાગદમણ’, ‘રુક્મિણીહરણ’ અને ‘અંગદવિષ્ટિ’ ૫. લાંગીદાસ મહેડુકૃત ‘ઓખાહરણ’ અને ‘એકાદશી માહાત્મ્ય’ ૬. ગોદડ મહેડુકૃત ‘છાયા ભાગવત’ ૭. માવલ વરસડાકૃત ‘વિપ્ર વોળાવડ’ (સુદામાચરિત્ર) ૮. નરહરદાસ બારહટ્ટકૃત ‘અવતારચરિત્ર’ ૯. રામનાથ કવિયાકૃત ‘દ્રૌપદી વિનય’ ૧૦. સ્વરૂપદાન દેથાકૃત ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ ૧૧. ગણેશપુરીકૃત ‘વીરવિનોદ’ (કર્ણપર્વ) ૧૨. હમીરજી રત્નુકૃત ‘બ્રહ્માંડપુરાણ’, ‘હરિજશ નામમાળા’ ૧૩. સૂર્યમલ્લ મિસણકૃત ‘વંશભાસ્કર’ ૧૪. માંડણ વરસડાકૃત ‘બાળલીલા’ ૧૫. જીવણ રોહડિયાકૃત ‘ગજમોક્ષ’ (ગજેન્દ્રમોક્ષ) ૧૬. કરસન ભાટકૃત ‘નરસિંહપુરાણ’ ૧૭. કરસનદાસ બાલિયાકૃત ‘ચંડીપુરાણ’, ‘નિંદાસ્તુતિ’, ‘બીલપુરાણ’ અને ‘ગણ ગોપનાથ રો’ ૧૮. જેઠાભાઈ ઉઢાશકૃત ‘શિવવિવાહ’ ૧૯. પંચાળ રાવળકૃત ‘સુદામાચિરત્ર’ ૨૦. ભીમજીભાઈ રત્નુકૃત ‘દ્રૌપદી વસ્ત્રાહરણ’ અને ‘રુક્મિણીહરણ’ ૨૧. માધવદાસ દધવાડિયાકૃત ‘રામરાસો’, ‘દશમસ્કંધ’ અને ‘ગજ (મોક્ષ)’ ૨૨. રાજા લાંગાકૃત ‘ગંગાલહેરી’ ૨૩. કાનદાસ મહેડુકૃત ‘કાશીવિશ્વનાથનો છંદ.’ ઐતિહાસિક રચનાઓ ૧. શ્રી ગોદડ મહેડુકૃત ‘રાખો, રાયધણજીના છંદ’ ૨. શ્રી ગોદડ મહેડુકૃત ‘ગણ:રાજશી હિંગોળાઉતરો’ ૩. શ્રી લાંગીદાસ મહેડુકૃત ‘રાજસગણ’ ૪. ફૂલ વરસડાકૃત ‘વખત બલંદ’ પ. શ્રી ખેતશી મોડ કૃત ‘કુંડલાની ચડાઈનો પવાડો’ ૬. શ્રી જગા ખડિયાકૃત ‘બપોરું ગંગાવત લીંબાઉત રું’ ૭. કાનદાસજીકૃત ‘શોભા સાગર’ ૮. શ્રી ભોજા ગઢવીકૃત માણેક રાસો’ ૯. શ્રી શિવદાસ ગાડણકૃત ‘અચલાદસ ખીચીની વચનિકા’ ૧૦. શ્રી જગાજી ખડિયાકૃત વચનિકા રાઠોડ રતનસિંહજી મહેશદાસોત રી’ ૧૧. કરણીદાન કવિયાકૃત ‘સૂરજપ્રકાશ’ ૧૨. વીરભાણ રત્નુ કૃત ‘રાજરૂપક’ ૧૩. ગિરધર આશિયાકૃત ‘સગત રાસો’ અને અન્ય રચનાઓ પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની છે. રાજસ્થાનમાં ખ્યાત લેખનની પરંપરા પણ ધ્યાનાર્હ છે. જેમાં ‘મુહતા નેણસી રી ખ્યાત’, મુરારીદાન રી ખ્યાત’, ‘મારવાડ રી ખ્યાત’, ‘બાંકીદાસ રી ખ્યાત’, ‘ડુંગરસી રી ખ્યાત’, ‘દયાલદાસ રી ખ્યાત’ અને ‘ચેનદાસ રી ખ્યાત’ ઉલ્લેખનીય છે. ચારણી સાહિત્યમાં વિષયવૈવિધ્ય ચારણી સાહિત્યમાં પ્રયોજાયેલા વિષયવૈવિધ્યને વિશિષ્ટ સંદર્ભે જોવાની જરૂર છે. ચારણી સાહિત્યની ઐતિહાસિક રચનાઓમાં સમકાલીન રાજવીઓની વાણ અવશ્ય છે, પરંતુ સાથોસાથ તેમણે અઢારે આલમના શૂરવીરો, દાતારો, સંતો, સતીઓ અને શીલવંતોની વાત કરી છે એટલું જ નહીં ભારતીય જીવનમૂલ્યોનું જતન કરનારાને બિરદાવ્યા છે તો સત્ય, નીતિ, કરુણા અને માનવતાના માર્ગથી ચલિત થયેલા પથભ્રષ્ટોની વિસહર કાવ્યો – ઉપાલંભ કાવ્યો’ દ્વારા જાહેરમાં અવમાનના કરી છે. ચારણકવિઓ માનવતાના ઉપાસક અવશ્ય છે, પરંતુ તેમની વાત માત્ર માનવ સુધી સીમિત રહેવાને બદલે જીવમાત્રનો મહિમા કરે છે. પશુ, પંખી, પ્રાણી અને પ્રકૃતિનાં અવનવાં રૂપોને તેમણે ઋતુકાવ્યોમાં વર્ણવ્યાં છે. તો ગિરનાર કે કૈલાસ જેવા પવિત્ર પર્વતો અને ગંગા, યમુના, સરયૂ, નર્મદા, સરસ્વતી, ભાદર કે ગોમતી જેવી પતિતપાવની સરિતાઓનું માહાત્મ્ય પણ શબ્દાંકિત કર્યું છે. પૌરાણિક દેવી-દેવતાવિષયક લઘુકાવ્યો વિપુલ માત્રામાં રચાયાં છે. જેમાં ભગવાન ભોળાનાથ અને પ્રભુ વિષ્ણુની વિવિધ અવતારલીલારૂપ ચોવીસે અવતારનું ગાન કર્યું છે, તેમાં પણ રઘુકુળભૂષણ રામચન્દ્ર અને યશોદાનંદન કૃષ્ણ વિશે તો શતાધિક રચનાઓ મળે છે. ‘રામાયણ’, મહભારત’ અને ‘શ્રીમદ્-ભાગવત’નો આધાર લઈને લઘુકાવ્યો ઉપરાંત આખ્યાનમૂલક દીર્ઘકાવ્યો રચાયાં છે, જે ઈયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. ચારણી સાહિત્યમાં પૌરાણિક દેવીઓમાં આઈશ્રી હિંગળાજ માતાજી, શ્રી નવદુર્ગા માતાજી, શ્રી સતી-પાર્વતી માતાજી અને શ્રી સરસ્વતી માતાજી તેમજ આઈશ્રી આવડ, આઈશ્રી ખોડિયાર, આઈશ્રી વરૂડી, આઈશ્રી પીઠડ, આઈશ્રી રાજલ અને આઈશ્રી સોનલ ઇત્યાદિ ચારણકુળોત્પન્ન આઈઓની આરાધનારૂપે વિવિધ છંદો, ચરજો અને ભેળિયાઓ વિપુલ માત્રામાં રચાયા છે. માત્ર લઘુકાવ્યોની વાત કરીએ તો અંદાજે હજારેક રચનાઓ માત્ર ચારણઆઈઓ વિશે રચાયેલી છે. તો અન્ય લોકદેવી-દેવતાઓના ગુણાનુવાદ પણ અવશ્ય મળે છે. વસ્તુતઃ તો પૌરાણિક દેવી-દેવતાઓ અને લોકદેવી-દેવતાઓ વિષયક ભક્તિમૂલક રચનાઓ પચાસ ટકાથી પણ વધારે માત્રામાં મળે છે. આથી ચારણ માત્ર નારાશંસી નહીં પણ પણ ભાગવતશંસી હોવાની પ્રતીતિ થાય છે. વિવિધ સંપ્રદાયો અને ધર્મવિષયક રચનાઓ પણ તેમાં સમાવિષ્ટ છે. ખરા અર્થમાં તો આ બધી રચનાઓ ચારણોની ધાર્મિક દૃષ્ટિની વિશાળતાનો પરિચય આપે છે. ચારણી સાહિત્યમાં ‘બારમાસા’ નિમિત્તે પણ પ્રકૃતિનું ગાન થયું છે અને પ્રકૃતિકેન્દ્રી રચનાઓ પણ ઘણી મળે છે, ધરતી, અરણ્ય અને આભ સાથે તેનો અભિન્ન નાતો છે. આથી પ્રકૃતિનું મનહર અને મનભર આલેખન તેણે કર્યું છે. તો દુષ્કાળ, જળહોનારત કે ધરતીકંપ જેવી દુર્ઘનાઓ વખતે પણ તેની સંવેદનશીલતા શબ્દાંકિત થઈ છે. આવી રચનાઓ પણ વાસ્તવિક પરિસ્થિતિને પ્રગટાવે છે. માનવના આંતર્-બાહ્ય સદ્ગુણો અને અવગુણો વચ્ચેનો આ સંઘર્ષ હોય છે. ચારણોએ ચિંતનાત્મક સાહિત્યક દ્વારા માનવમૂલ્યો અને સંસ્કૃતિના જતન માટે પ્રયાસ કર્યો છે. વિશ્વકલ્યાણની ભાવના પ્રગટાવતું અને માનવતાને મહેકાવતું આવું ચારણી સાહિત્ય ભારતીય સાહિત્યમાં આગવી ભાત પાડનારું છે. સામાજિક નીતિરીતિનું જતન થાય અને દારૂ, જુગાર અને વ્યસનોને છોડીને સમાજને સદમાર્ગે વાળવાનો પ્રયાસ પણ આ સાહિત્ય દ્વારા થયો છે. આઝાદી આવ્યા પછી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નશાબંધી પ્રચારક મંડળની સ્થાપના કરવામાં આવી હતી. જ્યમલ્લ પરમાર, પદ્મશ્રી દુલા કાગ અને શ્રી મેરુભા લીલા જેવા વિદ્વાનોએ આ ક્ષેત્રે કાર્ય કર્યું છે. પૂ. ભગતબાપુએ તો મજાદરમાં ગીરકાંઠાના સાતસો પરિવારને એકત્ર કરીને પોતાને ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન કરેલું. પૂ. ભગતબાપુએ છેલ્લા દિવસે માથા પરથી પાઘડી ઉતારીને સૌને વ્યસન છોડવાની વિનંતી કરી હતી. તેમના એ પ્રયત્નને કારણે કાંઠાળ વિસ્તારના ચારણ, કાઠી, આહીર, મેર, રબારી, રાજપૂત તેમજ અન્ય જ્ઞાતિજનોએ વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી, આઝાદી પછી સંતશ્રી વિનોબા ભાવેએ ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને ‘ભૂદાન’ માટે પ્રયાસ કર્યો. કવિશ્રી દુલા કાગે તો પ્રારંભે ભૂદાન પ્રવૃત્તિનો વિરોધ કરેલો, પરંતુ શ્રી રવિશંકર મહારાજે તેમને ભૂદાન પ્રવૃત્તિની જરૂરિયાત સમજાવી. આથી તેમણે ૫૧ વીઘા જમીન ભૂદાનમાં આપ્યા પછી ‘ભૂદાનમાળા’ (કાગવાણી’ ભાગ-૬)ની રચના કરીને વિનોબાને બિરદાવ્યા. તો કાગબાપુ અને અન્ય ચારણકવિઓએ ગાંધીજીની પ્રવૃત્તિને ગામડે ગામડે પહોંચાડી છે. અરે! નાથુસિંહજી મહિયારિયાએ તો ‘ગાંધીશતક’ની રચના કરી છે અને અન્ય ક્રાન્તિકારીઓને ચારણે બિરદાવ્યા છે. આઝાદીની લડતમાં કાનદાસ મહેડુ, અજિતસિંહ ગેલવા, કેસરીસિંહ બારહટ, કુંવર પ્રતાપસિંહ, જોરાવરસિંહ બારહટ્ટ અને ઈશ્વરદાન આશિયાએ પ્રત્યક્ષરૂપે ભાગ લીધો છે. બાંકીદાસે તો ઈ.સ. ૧૮૦૫માં અંગ્રેજો વિરુદ્ધ સ્વાતંત્ર્યનું બ્યૂગલ બજાવ્યું હતું. આ બધી બાબતોને આધારે પ્રતીતિ થાય છે કે, ચારણી સાહિત્યમાં વિપુલ વિષયવૈવિધ્ય છે.

ચારણી સાહિત્યમાં ભાષાવૈવિધ્ય

ચારણી સાહિત્યમાં ગુજરાતી, રાજસ્થાની, વ્રજ, કચ્છી અને સિંધી ભાષાની વિશિષ્ટ અસર જોવા મળે છે. તો ગુજરાતીમાં કહેવત છે કે, ‘બાર ગાઉએ બોલી બદલાય’ એ રીતે વિવિધ પ્રદેશોની લોકબોલી પણ ચારણી સાહિત્યમાં તાણાવાણાની જેમ વણાયેલી છે. બીજી તરફ ચારણી સાહિત્યમાં છેલ્લાં અગિયારસો-બારસો વર્ષ પૂર્વેની રચનાઓ મળે છે. તેથી સંસ્કૃતમાંથી પ્રાકૃત જેમ અલગ તરી આવી છે તેમ ચારણોએ પણ રાજભાષા કે પંડિતોની માન્ય ભાષાને બદલે લોકોમાં બોલાતી પ્રાકૃત ભાષાને અપનાવી. મેઘાણીજી તો કહે છે કે, ‘પ્રાકૃત એટલે ગ્રામ્ય ભાષા નહીં પણ પ્રકૃતિગત ભાષા’ વસ્તુતઃ તો આ બધી શાખાઓ એકમેકની પ્રતિસ્પર્ધક નહીં પણ પૂરક છે તે વાત સમજવાની જરૂર છે. ચારણ મૂળે તો યાયાવર છે, તે પોતાના વ્યવસાય નિમિત્તે કે સંજોગોવશાત્ સદાય પ્રવાસી બની રહ્યો છે. કેમ કે, ખેતીવાડી કે પશુપાલનનો વ્યવસાય કુદરતની કૃપા સાથે સંકળાયેલો છે. દુષ્કાળ પડે એટલે ગીર છોડીને એક તરફ છેક દક્ષિણ ગુજરાત અને નિમાડ સુધી જવું પડે તો બીજી તરફ કચ્છ, થરપારકર અને સિંધ સુધી જવું પડે. આવી યાયાવરીય પરિસ્થિતિમાં અલગ-અલગ પ્રદેશની ભાષા અને લોકબોલીનો પ્રભાવ અવશ્ય ઝીલવો પડે એ સ્વાભાવિક છે. તો રાજસ્થાનના લોકોએ વ્યવસાયના ભાગરૂપે પશ્ચિમ ભારતના વિવિધ પ્રદેશો સુધી વિસ્તરવું પડતું હશે. વળી, આ સમય દરમ્યાન દિલ્હી પર મુસ્લિમ શાસકોનું શાસન રહ્યું એથી ઉર્દૂ ભાષા અને એ પછી અંગ્રેજોએ સત્તા મેળવી લીધી. આથી અન્ય ભાષાના સંપર્કમાં આવવાનું બનતું રહ્યું. આ બધી પરિસ્થિતિને કારણે ચારણી સાહિત્યનું શબ્દભંડોળ વૈવિધ્યપૂર્ણ જણાય છે. અલબત્ત, એમાં વિશેષ પ્રભાવ તો જૂની પશ્ચિમી રાજસ્થાનીનો છે. કેમ કે, રાજપૂતકાળની શરૂઆત સુધી પ્રાકૃતમાંથી અપભ્રંશ થઈ છૂટી પડેલી આ ભાષા ગુજરાત અને રાજસ્થાનમાં બોલાતી હતી અને તેમાં બહુ ઓછો ભેદ હતો. એ પછી પંદરમી-સોળમી સદી આસપાસ ગુજરાતી અને રાજસ્થાની અલગ પડી, પરંતુ ચારણોએ પોતાની પરંપરા જાળવી રાખી, આથી ડિંગળ રચનાઓમાં પ્રયોજાતી આવી રચનાઓ ભાષાભેદને કારણે નહીં શૈલીગત ભેદને કારણે અલગ તરી આવે છે. જો કોઈ ભાષાશાસ્ત્રી ઊંડાણથી ચારણી સાહિત્યનો પરિચય મેળવે તો તેના આધારે છેલ્લાં એક હજાર વર્ષની ગુજરાતી ભાષાની ગતિવિધિનો યથાર્થ પરિચય મેળવી શકાય. અલબત્ત, આવી રચનાઓ હસ્તપ્રત આધારિત હોય કે આ પરંપરાના સમર્થ વાહકના કંઠે મૌખિક પરંપરામાં યથાતથ રૂપે જળવાયેલી હોવી જોઈએ. અન્યથા કંઠસ્થ પરંપરામાં અસંપ્રજ્ઞાતપણે તેનું રૂપ બદલાઈ ગયું હોય છે અને લોકોને તેનો ખ્યાલ પણ આવતો નથી.

ચારણી સાહિત્યની આગવી ઓળખ સમી ઉપાલંભબાની

ચારણી સાહિત્યની ભિન્નભિન્ન લાક્ષણિકતાઓમાં સૌથી વિશિષ્ટ અને વિલક્ષણ છે ઉપાલંભબાની. સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ તેનું ખૂબ જ મહત્ત્વ છે. મધ્યકાળે રાજપૂતયુગ તો સંગ્રામ અને શસ્ત્રોનો યુગ છે. એક તરફથી ભારતમાં અને સમયે રાજાશાહી છે અને ક્ષત્રિયોનું શાસન છે, પરંતુ છેલ્લાં એક હજાર વર્ષમાં સતત રણનોબતો વાગતી રહી છે. વિદેશીઓ અને વિધર્મીઓએ આક્રમણોની જડી લગાવી દીધી હતી. તો બીજી તરફ નાનાં-નાનાં વર્તુળોમાં વહેંચાયેલા ક્ષત્રિયો મિથ્યા આડંબર અને અહમ્-ને કારણે સંગઠિત ન થઈ શક્યા. મૂઠીભર લોકોએ અહીં આવીને વિજય મેળવ્યા, પ્રજાને ગુલામ બનાવી અને તેને પારાવાર યાતનાઓ આપીને ધર્માન્તરિત કે વર્ણાતરિત કરવામાં આવ્યા. આ બધી દુઃખદ ઘટનાઓ નજરે નિહાળનાર ચારણોએ ક્ષત્રિયોને સંગઠિત થવા, માતૃભૂમિ અને સ્વધર્મની રક્ષાર્થે પ્રાણ આપવા પ્રેર્યા. વીરોને પ્રેરવા અને કાયરોને ઉપાલંભ આપવામાં ચારણી સાહિત્યનું અદ્વિતીય પ્રદાન છે. ચારણી સાહિત્યની આગવી ઓળખસમી ઉપાલંભબાની ચારણોની ધ્યાનાર્હ વિશેષતા છે. ભારતીય સાહિત્યમીમાંસકોએ સાહિત્યમાં રસ, અલંકાર, ધ્વનિ, ઔચિત્ય અને વક્રોક્તિ ઇત્યાદિનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેમાં કુન્તકે વક્રોક્તિને સાહિત્યનો આત્મા કે પ્રાણ માન્યો છે. શબ્દની ત્રિવિધ શક્તિ (અભિધા, લક્ષણા અને વ્યંજના)માંથી વ્યંજનાને પ્રાધાન્ય મળ્યું છે. ચારણોએ ચારણી સાહિત્યમાં તેનો સમુચિત વિનિયોગ કરીને સમાજને ન્યાય, નીતિ, ચારિત્ર્ય, સદાચાર અને માનવતાના માર્ગે ચલાવવા પ્રયાસ કર્યો છે. આ બધાં ભારતીય જીવનમૂલ્યો ત્યજીને અન્યાય, અનીતિ, ચારિત્ર્યહીનતા અને અનાચારના માર્ગે જનારાઓને ચારણે સરાજાહેર ઉપાલંભકાવ્યોના માધ્યમથી વાણીના કોરડાઓ વીંઝ્યા છે. એ વખતે તેને સત્તા, સંપત્તિ કે શસ્ત્રોથી રોકી શકાયો નથી. અલબત્ત, આવી ઉપાલંભયુક્ત બાની પ્રયોજતી વખતે ચારણોની હ્રદયભાવના તો માતુલ્ય રહી છે. આથી ક્ષત્રિયો અને આમજનતાએ ચારણો પ્રત્યે દ્વેષ દાખવવાને બદલે તેમની વાતને નતમસ્તકે સ્વીકારી છે. ચારણી સાહિત્યમાં પ્રયોજાયેલાં ઉપાલંભકાવ્યોમાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે – (૧) પરમેશ્વરના વિવિધ અવતારો કે વિવિધ દેવ-દેવીઓ અને લોકદેવતા વિષયક રચનાઓ અને (૨) માનવ માત્ર કે પશુ, પંખી અને પ્રાણીવિષયક રચનાઓ. ચારણી સાહિત્યમાં ઉપર્યુક્ત બન્ને પ્રકારની રચનાઓ મળે છે, તેમાં ઉપાલંભ રૂપે કહેવાયેલી વ્યંગોક્તિમાં ઘણી વખત નિંદારૂપે સ્તુતિ પણ કરવામાં આવે છે અને ક્યારેક સ્તુતિરૂપે કહેવાયેલી વાત નિંદા પણ બની જાય છે. વસ્તુતઃ તો સર્જકની સર્ગશક્તિનો પણ તેમાંથી પરિચય મળી જાય છે.

ચારણીશૈલીની કથાઓ

ચારણી સાહિત્ય એ શૈલી વિશેષનું સાહિત્ય છે. રાજદરબાર કે લોકદરબારમાં આવી ચારણીશૈલીની કથાઓ નિત્ય મંડાતી. વળી, લોકપરંપરાની લગોલગ વહેતી આ ધારા લોકકથાથી શૈલીગત ભેદને કારણે અલગ તરી આવે છે. કેમ કે, વિશિષ્ટ અને વિલક્ષણ કથનકલાને કારણે ચારણી પરંપરાની વાર્તાને લોકકથાના પ્રકારભેદની દૃષ્ટિએ વર્ગીકૃત કરવાનું શક્ય નથી, તેનું મૂળ કારણ એ છે કે મહારાણા પ્રતાપ કે હમીરજી ગોહિલની કથા રજૂ કરતી વખતે તેમાં રામ-રાવણનું યુદ્ધ કે અર્જુન અને કર્ણનું યુદ્ધ સહજતાથી વણી લેવામાં આવે છે. આથી એ પુરાકથા કે ઐતિહાસિક કથાને સાથે લઈને ચાલે છે. આથી લોકવિદ્યા-લોકસાહિત્યના અભ્યાસીઓએ લોકકથાનું કથનશૈલીની દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. ડૉ. પ્રભાશંકર તેરૈયાએ લોકવાર્તાઓને કથનશૈલીને આધારે છ વિભાગમાં વિભાજિત કરી છે.૧૦ [10] સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્યના સંશોધક નિરંજન રાજ્યગુરુ પણ ઉપર્યુક્ત મતને સમર્થિત કરે છે.૧૧ [11] ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના અભ્યાસુ શ્રી લક્ષ્મણ ગઢવીએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને કથનશૈલી સંદર્ભે અગિયાર વિભાગમાં વિભાજિત કરી છે.૧૨ [12] ચારણીશૈલીની કથાઓની કથન સામગ્રી, વિશિષ્ટ રજૂઆત અને સમુચિત રસનિરૂપણને કારણે એ આગવી ભાત પાડે છે. આ ચારણીશૈલીની વીરરસસભર રજૂઆત ડાયરાઓમાં ખૂબ જ પ્રભાવી રહેતી હોવાથી ચારણેતર લોકો પણ આ શૈલીને આત્મસાત કરીને ચારણી શૈલીના વાર્તાકાર બનવા પ્રયાસ કરે છે.

ચારણીશૈલીની કથાઓ અને કથનપરંપરાની પ્રાચીનતા :

ચારણીશૈલીની કથાઓ નિત્ય ડાયરામાં મંડાતી હોય છે, પરંતુ ચારણીશૈલીની પ્રથમ કથા અંગે કોઈ નક્કર પ્રમાણો ઉપલબ્ધ થતા નથી. પાટણપતિ સિદ્ધરાજ જ્યસિંહ સોલંકીના સમકાલીન લુણપાડ મહેડુને રા’ખેંગારે સોરઠનું રાજ્ય દાનમાં આપ્યું હોવાની વિગતો મળે છે.૧૩ [13] આ લુણપાડ મહેડુએ ‘ઢોલા-મારુ’ની દુહાબદ્ધ કથા લખી છે, જે હસ્તપ્રતોમાં મળે છે અને ગ્રંથસ્થ પણ થઈ છે. અલબત્ત, મૂળકથામાં ઘણા ફેરફાર થયા હોવાનું વિદ્વાનો માને છે. તો બીજી તરફથી ચારણીકથાને રાજસ્થાની ‘બાત’ સાથે અનુબંધ હોવાનું ચર્ચાય છે. વસ્તુતઃ તો ચારણી કથાના મૂળ ‘બાત’ સાથે વણાયેલ છે. કેમ કે ‘બાત’નો કથક પણ ચારણ જ છે.૧૪ [14] આ ‘બાત’ જ ચારણીકથાના નવા નામે અમુક લાક્ષણિકતાઓ સાથે વિકાસ પામી જણાય છે. ચારણોએ સર્જનની સાથોસાથ આગવી કથનશૈલી પણ વિકસાવી છે. કેમ કે, તેઓ એક જ કથાને શ્રોતા, સ્થળ અને પરિવેશની આવશ્યકતાનુસાર ભિન્ન ભિન્ન રીતે રજૂ કરીને પોતાની કથનકલાની પ્રતીતિ કરાવી શકે છે, આથી તો કહેવાયું છે કે :

વાતડિયું વગતાળિયું, જણ જણ જૂઝવિયું;
જેડા જેડા માનવી, એડી એડી વાતિડયું.૧૫ [15]

ચારણીશૈલીની કથાનું સ્વરૂપ

ચારણીશૈલીની કથા લોકપરંપરાનું જ ઊજળું અનુસંધાન છે. એ લોકકથાની જેમ કંઠસ્થપરંપરામાં જળવાય છે. શિષ્ટ સાહિત્યની ટૂંકીવાર્તાની જેમ તેનું નિયત સ્વરૂપ હોતું નથી. લોકકથાની પરંપરા સાથે ચારણીશૈલીની કથાને અનુબંધ હોવા છતાં બંને પરંપરા વચ્ચે તફાવત છે. લોકકથા હંમેશાં બોલીમાં જ હોય છે અને તેની રજૂઆત પણ પ્રમાણમાં સરળ છે. જ્યારે ચારણીશૈલીની કથાનાં સર્જન અને કથન માટે વિશિષ્ટ પ્રકારની પ્રતિભા જરૂરી છે. સર્જનકલાની સાથોસાથ કંઠ અને કહેણીનો કસબ અનિવાર્ય છે. ચારણશૈલીની કથા લોકડાયરામાં રજૂ થાય, આમ છતાં તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન હોતો નથી, પરંતુ તેમાં જીવનમૂલ્યો, નીતિમત્તા, શૌર્ય, ભક્તિ, ત્યાગ અને બલિદાનનો આદર્શ નિહિત હોય છે. ચારણીશૈલીની કથાઓમાં એક તરફથી સાંસ્કૃતિક અસ્મિતાનું ગૌરવગાન હોય છે, તો બીજી તરફથી તેમાં કલાની ઉપાસના અને તેના પ્રસ્તુતીકરણનો હેતુ હોય છે. ચારણીશૈલીની આવી વાર્તાઓ એનું મોઢિયું, માંડણી, વળોટ અને વચ્ચે વચ્ચે આવતા દુહાઓને કારણે લોકહૃદયમાં સ્થાન પામી છે. ચારણીશૈલીની વાર્તાઓનું દુહાબદ્ધ ક્લેવર એ તેની સૌથી મોટી વિશેષતા છે. પુષ્કર ચંદરવાકર જેને દરબારી ઠાઠની લોકવાર્તા કહે છે, તે વાસ્તવમાં ચારણીશૈલીની કથાઓ છે. તેના વ્યાવર્તક લક્ષણોમાં પુષ્કરભાઈએ “મોઢિયું, માંડણી, વળોટ, ઠાબંધી, નાદવૈભવ, શબ્દચિત્ર, કહેણી, સંવાદતત્ત્વ, હોંકારો અને અંત-એ દસ લક્ષણો દર્શાવ્યાં છે.”૧૬ [16]જે હકીકતે તો ચારણીશૈલીની વાર્તાઓમાં વિશેષ રૂપે દૃષ્ટિગોચર થાય છે. ચારણીશૈલીની વાર્તાઓને સ્મૃતિમાં રાખવા માટે સર્જક તેને દુહામાં ઢાળતો, વાર્તાના થાંભલાસમા દુહાઓને સ્મૃતિમાં રાખીને કથક પોતાની કથનશૈલીના બળે વાર્તાનું નૂતન સ્વરૂપ પ્રગટાવી પોતાની નવોન્મેષશાલિની પ્રતિભાનું દર્શન કરાવી શકતો. મૂળ કથાને અખંડ રાખીને થતી રજૂઆત લોકોને આકર્ષી શકતી ચારણીશૈલીની કથામાં દુહાનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે વિદ્વાનો એમ કહેતા કે, ‘દુહે ગાલડિયું સચ્ચીયું.’ ચારણી પરંપરાની આવી દુહાબદ્ધ કથાઓને લિપિબદ્ધ કરવાની પરંપરા પણ હતી જ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્રી રતુદાન રોહડિયા ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાં સચવાયેલી કેટલીક હસ્તપ્રતોમાં ‘ઢોલો અને મારુ’, ‘વિરમદે અને પન્ના’, ‘કુતુબદ્દીન અને સાહિબા’, મોજદ્દીન અને મહેતાબ’ અને ‘માનવતીનું રુસણું’ ઈત્યાદિ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. જેનું સંપાદન શ્રી રતુદાન રોહડિયાએ ‘સાજણ સાંભરિયા’ ગ્રંથમાં કર્યું છે. અલબત્ત, એ પૂર્વે કંઠસ્થપરંપરાની ચારણીશૈલીની વાર્તાઓનાં સંપાદનો અવશ્ય થયાં છે, પરંતુ તેનું સર્વોત્તમ રૂપ તો મેઘાણીભાઈએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧ થી ૫ અને ‘સોરઠી બહારવિટયા’ ભાગ-૧ થી ૩માં રજૂ કર્યું છે. જોરાવરસિંહ જાદવ૧૭, [17] રતુદાન રોહડિયા૧૮ [18] અને નરોત્તમ પલાણે૧૯ [19] આ કથાઓને ચારણીશૈલીની કથા તરીકે ઓળખાવી છે. તો પદ્મશ્રી દુલા ભાયા કાગ તો સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓને ચારણી વાર્તાશૈલીના ફોટાઓ તરીકે જ ઓળખાવે છે.૨૦ [20] ચારણીશૈલીની કથામાં મુખ્યત્વે (૧) પૌરાણિક આખ્યાનકથાઓ, (૨) ઐતિહાસિક વાર્તાઓ અને (૩) લૌકિકકથાઓ એવા ત્રણ વિભાગ જોવા મળે છે. ચારણીશૈલીની કથાઓ મુખ્યત્વે રાજપૂતો, કાઠી, આહીર, મેર અને ચારણજ્ઞાતિના ડાયરામાં રજૂ થતી. પૌરાણિક કથાનકોમાં મુખ્યત્વે ‘રામાયણ’ અને ‘મહાભારત’નું કથાનક કેન્દ્રમાં રહેતું. ખાસ કરીને રામ, કૃષ્ણ, ભીષ્મ, કર્ણ અને અભિમન્યુના વીરત્વના આલેખતી ચારણી પરંપરાની દીર્ઘરચનાઓમાંથી મહત્ત્વના ઘટના પ્રસંગોને રજૂ કરતી છંદોબદ્ધ રચનાઓને કવિઓ બુલંદકંઠે રજૂ કરતા. તો મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી કે હમીરજી ગોહિલ અને અન્ય શૂરવીરો-વિષયક ઐતિહાસિક પ્રસંગો રજૂ કરવામાં આવે છે. લૌકિક કથાઓમાં કોઈ સંત, સતી અને શૂરાની વાતોને સ્થાન મળતું. ચારણીશૈલીની કથાઓની સંસ્કારલક્ષી વાતો, કહેણી અને કરણીની એકતાએ તેને લોકહૃદયમાં સ્થાન અપાવ્યું છે.

ચારણીશૈલીની કથાઓની રજૂઆતનું કૌશલ્ય

ચારણીશૈલીની કથાઓની રજૂઆત કરવા માટે કુદરતદત્ત કંઠ, કહેણી અને કસબની અનિવાર્યતા છે. એ ત્રણે કૌશલ્યનો ત્રિવેણીસંગમ હોય એવો વાર્તાકાર- કથક જ સફ્ળ થઈ શકે છે. ચારણી સાહિત્ય રજૂઆતની કલા (પરફોર્મિંગ આર્ટ) હોવાથી કાગળ પર નિષ્પ્રાણ લાગતા શબ્દો સમર્થ વાર્તાકાર-કથક તેને વાણીનાં આરોહ-અવરોહ, નાદવૈભવ અને પ્રલંબ કંઠે રજૂ કરે ત્યારે સાંગોપાંગ જીવંત બને છે. કંઠ અને કહેણીનો કસબી વાર્તાકાર વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, દ્વિરુક્ત, ઉદ્ગારવાચક અને રવાનુકારી શબ્દો પ્રયોજીને દુહાબદ્ધ રીતે રજૂ કરે ત્યારે જ તે મૂળ સંદર્ભમાં માણી શકાય છે. કથક તેમાં સ્થળ, શ્રોતા અને પરિસ્થિતિ પ્રમાણે ફેરાર કરે છે. આથી એ કથા સીધી વહેતી નથી, પરંતુ આડકથામાં વહેંચાતી આવે છે. એક જ આઠ દિવસ સુધી ડાયરામાં કથા રજૂ કરી શકે છે.

સર્જકોની દીર્ઘપરંપરા

ચારણી સાહિત્યને સવિશેષ ગૌરવ અપાવ્યું છે ચારણકવિઓની દીર્ઘ પરંપરાએ. પોતાની કુળ પરંપરાથી સાહિત્યસાધનાને સ્વીકારનારા ચારણસમાજમાં પેઢી દર પેઢી કવિઓ થયા છે, ચારણકવિઓની એક સુદીર્ઘ પરંપરા આપણને મળી છે, જેમાં માવલ વરસડા, આણંદ-કરમાણંદ મીસણ, આસાજી રોહડિયા અને ભક્તકવિ ઇસરદાસજી રોહડિયા, ભક્તકવિ સાયજી ઝૂલા, શિવભક્ત હરદાસ મીસણ, પીઠવાજી મીસણ, દુરસાજી આઢા, લાંગીદાસ મહેડુ, ગોદડ મહેડુ, હમીરજી રત્નુ, કાનદાસ મહેડુ, બાંકિદાસ આશિયા, સૂર્યમલ્લજી મીસણ, નરહરદાસ બારહટ્ટ, કેસરીસિંહ બારહટ્ટ, પદ્મશ્રી દુલા કાગ અને કવિશ્રી ‘દાદ’ જેવા સમર્થ કવિઓ સમાવિષ્ટ છે. ચારણી સાહિત્યમાં શતાધિક કવિઓ એવા છે કે જેને પ્રથમ હરોળમાં સ્થાન આપવું પડે અને તેમની રચનાઓ કાલજયી બનીને લોકપરંપરામાં જીવે છે. અલબત્ત, આ પ્રથમ પંક્તિના સર્જકો ઉપરાંત એક વર્ગ એવો હતો કે જેમનામાં સર્જનાત્મક શક્તિ પ્રમાણમાં અલ્પ હોય આમ છતાં નિત્ય સાધના કરવાને કારણે તેઓ મધ્યમસ્તરની રચનાઓ કરી શકતા અને પોતાના પૂર્વસૂરિઓની રચનાઓને જિહ્વાગ્રે રાખીને તેને પ્રસ્તુત કરતા હતા. આ રીતે પેઢીદર પેઢી વારસા રૂપે ઝિલાયેલું સાહિત્ય અન્ય ધારાથી અલગ પડી જાય છે. ચારણી સાહિત્ય અને સંસ્કૃતિ ચારણી સાહિત્યમાં સચાવેલી સામગ્રી સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ આ સામગ્રી વગર અધૂરો છે. ખરી વિગતો અહીં સ્થાન પામી નથી. કેમ કે, રાજદરબાર અને લોકદરબારને જોડનાર ચારણીકવિઓએ ઘણી બધી એવી વિગતોને કાવ્યાંક્તિ કરી છે, જેનો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ મળતો નથી. રાજા-મહારાજાઓ કે વિદ્વાનોથી દૂર વસેલા ગ્રામજનો, અરણ્યમાં વસતા માલધારીઓ કે છેવાડાના માનવીઓએ દાખવેલાં શૌર્ય, ત્યાગ, બલિદાન, ચારિત્ર્યશીલતા અને માનવતાનાં ભરપૂર ઉદાહરણો મળે છે. માતૃભૂમિ, સ્વધર્મ, અબળા અને નિર્બળના રક્ષણ માટે ક્ષત્રિયોની જેમ સમાજના અન્ય લોકો પણ લડ્યા છે, તેમની શહાદતને ચારણોએ અવશ્ય લાડ લડાવ્યા છે. આથી તો ચારણકવિઓએ કહ્યું છે કે :

‘ધરજાતાં, ધર્મ પલટતા, ત્રિયા પડન્ત તાવ;
એ તીનો ટાણાં મરણ રા, કોણ રંક કોણ રાવ.’૨૧ [21]

અવસર આવ્યે ખાંડાના ખેલ ખેલીને ધર્મ, ધરા અને અબળાનું રક્ષણ કરનારા શૂરવીરોને ચારણે નાત-જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર બિરદાવ્યા છે. ચારણી સાહિત્યમાં આથી તો જોગડા ઢોલીની ઉદારતા અને વીરતાને, કાનિયા ઝાંપડાની શૂરવીરતાને, વીરમાયાએ પાટણમાં લોકહિતાર્થે આપેલા બલિદાનને, સાંગા ગોડે આપેલી કામળીના કોલને કે દાદુ પઠાણે ચારણકવિ આસાજી–ઈસરદાસજીને કરેલી મદદને સરાહી છે. ચિત્તોડના લાખપશાવ ન સ્વીકારનારા કવિએ દાદુને અમર કરી દીધો, જુઓ :

ચિત્તોડે મન ચળ્યું નઈ, દેતાં લાખો દામ;
બાંધ્યું બાલાગામ, દાણો પાણી દાદવા.૨૨ [22]

અરે! એક જત કન્યાને આશ્રય આપીને મોતને મીઠું કરનારા મૂળીના પરમારો હોય કે કાંધલજી મેરને આશ્રય આપી બલિદાનના રાહ પર ડગ ભરનારા વંથલીના નાઘોરીઓ હોય ચારણી સાહિત્યમાં તેની કથાઓનો ચારણે કાળજે કંડારી છે, સાંપ્રદાયિક ધાર્મિક વિવાદોની સામે માનવતાનો મહિમા વ્યક્ત કરતી આવી રચનાઓ આપણી સાંસ્કૃતિક એકતાનું યશોજ્જ્વલ ઉદાહરણ છે. ચારણી સાહિત્ય અને ચારણ સમાજ – વિષયક આ બધી વિગતોમાંથી પસાર થનાર સંશોધકે તેનો વિવેપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે, અહીં દર્શાવેલી વિગતોનો જો પૂર્ણ સમજણપૂર્વક અભ્યાસ ન થાય તો અહીં દર્શાવેલી વિગતોનો અતિરેક તેની મર્યાદા પણ બની જાય. કેમ કે, દરેક સમાજ અને સાહિત્યમાં કેટલીક ક્ષતિઓ અવશ્ય હોવાની જ. એક કાવ્યપંક્તિ છે કે, ‘જે પોષતું તે મારતું’ એ ન્યાયે કેટલીક વિશિષ્ટતા જ મર્યાદા બની જાય. જેથી સંશોધકે આ બધી કાચી સામગ્રીમાંથી અતિશયોક્તિપૂર્ણ વિગતોને સાહિત્યિક ઉપમા માત્ર ગણીને તેને ગાળી-ચાળી નાખવી પડે. ઇતિહાસવિષયક ગ્રંથોને વિવિધ સમકાલીન ગ્રંથો સાથે મૂલવીને તેમાંથી તથ્ય તારવવું જોઈએ. કંઠોપકંઠ સચવાયેલી સામગ્રીમાં ભેળસેળ થયેલી વિગતોને અલગ તારવવી પડે, પાઠાંતરોને કારણે થતો વિગતદોષ નિવારવા માટે મૂળ પાઠ કે શુદ્ધ પાઠ મેળવવા પડે, હસ્તપ્રતવિદ્યાનો સમુચિત વિનિયોગ કરવો પડે, છંદશાસ્ત્રનું જ્ઞાન મેળવવું પડે, તત્કાલીન ભાષા, બોલી, ખાનપાન અને રીતિરવાજો જાણવા પડે, એટલું જ નહીં પુરાણ, ઇતિહાસ અને લોકપરંપચનું જ્ઞાન મેળવી નીર-ક્ષીરવિવેકથી કાર્ય કરીએ તો જ ચારણી સાહિત્યની સાચી મુદ્રા અને મહત્તા સમજાશે.



સંદર્ભગ્રંથ:

  1. ૧ જયમલ્લ પરમાર : ‘લોક : સાહિત્ય અને સંસ્કૃતિ’, પૃ. ૩૧૩.
  2. ૨ સીતારામ લાળશ : ‘રાજસ્થાની શબ્દકોશ’, પૃ. ૮.
  3. ૩ અંબાદાન રોહડિયા : ‘અસ્મિતા અને અનુસંધાન’, પૃ. ૧૧.
  4. ૪ એજન, પૃ. ૨.
  5. ૫ પ્રિ. નરોત્તમ પલાણ : ‘૫રબ’, અંક-૮, ૧૯૯૯, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
  6. ૬ રાજસ્થાનની શોધયાત્રા દરમિયાન સોહાગી ગામના શ્રી છત્રદાનજી જવાહરદાનજી મહેડુ પાસેથી મળેલ કવિત.
  7. ૭ દુલા ભાયા કાગ : ‘કાગવાણી’ ભાગ-૭, પૃ. ૧૨.
  8. ૮ રતુદાન રોહડિયા : ‘ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ’, પૃ. ૨૦.
  9. ૯ લક્ષ્મણ ગઢવી : ‘ચારણોની અસ્મિતા’, પૃ. ૨૯૭.
  10. ૧૦ સંપા. રમેશ મહેતા / મનોજ જોશી : ‘હુતશેષ’, પૃ. ૭૮.
  11. ૧૧ સંપા. બળવંત જાની / રાજુલ દવે : ‘લોકગૂજરી’, વાર્ષિક અંક-૧૫, પૃ. ૩૩.
  12. ૧૨ લક્ષ્મણ પી. ગઢવી : ‘સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક વૈભવ’, પૃ. ૧૭૨.
  13. ૧૩ સં. નરોત્તમ સ્વામી : ‘બાંકીદાસ રી ખ્યાત’, પૃ. ૧૨૨.
  14. ૧૪ ડૉ. શાંતિભાઈ આચાર્ય : ‘લોકસાહિત્ય : કથનશૈલી’, પૃ. ૪૪. લેખક : નરોત્તમ પલાણ, લેખ : ચારણી કથાઓ.
  15. ૧૫ સં. રતુદાન રોહિડયા : ‘સાજણ સાંભરિયા’, પૃ. ૧૫.
  16. ૧૬ પુષ્કર ચંદરવાકર : ‘લોકવાર્તા’, પૃ. ૬૪.
  17. ૧૭ જોરાવરસિંહ જાદવ : ‘લોકગૂર્જરી’-૭, લેખ : ‘લોકસાહિત્ય અને તેનું સંશોધન’, પૃ. ૪૯
  18. ૧૮ રતુદાન રોહડિયા : ‘ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ’, પૃ. ૨૬૮,
  19. ૧૯ સંદર્ભનોંધ ૧૪ પ્રમાણે, પૃ. ૪૫
  20. ૨૦ દુલા ભાયા કાગ : ‘કાગવાણી’ ભાગ-૩, પૃ. ૧૫૨.
  21. ૨૧ ઝવેરચંદ મેઘાણી : ‘ચારણો અને ચારણી સાહિત્ય’, પૃ. ૧૩૬
  22. ૨૨ એમ.આઈ. પટેલ, અંબાદાન રોહડિયા : ‘ચારણસર્જક પરિચય-૧’, પૃ. ૨૬