અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીયઃ અધ્યયન-અધ્યાપન, અનુ-આધુનિકતાવાદ – ડૉ. જગદીશ ગૂર્જર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રમુખીયઃ અધ્યયન-અધ્યાપન, અનુ-આધુનિકતાવાદ અને નવસંસ્કરણની દિશા...
ડૉ. જગદીશ ગૂર્જર

ગુજરાતીનો અધ્યાપકસંઘનું ૬૪મું અધિવેશન રૉફેલ કૉલેજ, વાપીના રિસ૨માં યોજાઈ રહ્યું છે, જેના પ્રમુખ તરીકે મારી વરણી થઈ એમાં આપ સૌ સુજ્ઞ અધ્યાપકોની સહૃદયતા અને ઔદાર્ય નિહાળું છું. આપણા પ્રતિભાવંત પૂર્વસૂરિઓએ સંઘની દીર્ઘકાલીન પરંપરાને ઉત્તરોત્તર સમૃદ્ધ કરી છે. એમાં સાતત્ય અને સક્રિયતાથી સંવર્ધન કરવાનું શ્રેય સંઘના કાબેલ મંત્રીઓ તથા રચનાત્મક નેતૃત્વ પૂરું પાડનારા સૌ દૃષ્ટિવંત પૂર્વપ્રમુખશ્રીઓને શિરે જાય છે. વિશેષ આભાર રૉફેલ કોલેજનાં આચાર્યા ડૉ. હેમાલીબેન દેસાઈ, સંચાલકો તથા કોલેજ પરિવારનો માનું છું કે સંઘને પોતાને આંગણે નિમંત્રણ આપી વિશેષ સ્વાધ્યાય માટેનો મંચ પૂરો પાડ્યો.

(૨)

વૈશ્વિકીકરણના પ્રભાવે જગતનાં તમામ ક્ષેત્રોમાં તેમ ઉચ્ચ શિક્ષણમાં પણ વૈવિધ્ય અને વ્યાપ વધતાં ગયા છે. Global Marketની અપેક્ષાઓ વધી છે. ભાષા સાહિત્યના આપણા અભ્યાસક્રમોમાં સાહિત્યના સંદર્ભે અન્ય આંતરવિદ્યાકીય વિકલ્પો – જેમ કે, સાહિત્ય અને સમાજશાસ્ત્ર, સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, સાહિત્ય અને મનોવિજ્ઞાન, સાહિત્ય અને પત્રકારત્વ, સાહિત્ય અને ફિલ્મ, સાહિત્ય અને કથનકળાશાસ્ત્ર, સાહિત્ય અને સમૂહમાધ્યમો, સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય ઇત્યાદિનો સમાવેશ સાંપ્રત અનુ-આધુનિક વિચારવલણોનો પ્રભાવ દર્શાવે છે. આંતર-વિદ્યાકીય શાખાઓની વિશેષ ઉપલબ્ધિઓના પ્રકાશમાં પ્રજાને સાહિત્યની નિકટ આણવાના નવા પરિપ્રેક્ષ્ય તથા નવી અભિજ્ઞતાનો ઉઘાડ આપણા અધ્યયન અદ્યાપન સ્તરે નવીનીકરણનો સંકેત છે જે અધ્યાપક તરીકેના આપણા વધતા જતા ઉત્તરાયિત્વનો પણ નિર્દેશ છે. આ સંદર્ભમાં નવસંસ્કરણની દિશા તરફ આપણું અધ્યયન-અધ્યાપન તેજસ્વી બને. નવી પેઢીનો આપણો અધ્યાપક Powerful Researcher બને તેમ જ આપણી શોધવૃત્તિમાં શૌર્યવૃત્તિનું ઉમેરણ થાય એવી આશા અને શ્રદ્ધા સહજપણે જાગે છે.

(૩)

ઝટ ડહોળી નાખો રે,
મન-જળ થંભ થયેલું...

નર્મદના આ આહ્વાનમાં સમય સાથે પરિવર્તન ઝંખતી એની સર્વગ્રાહી સંસ્કૃતિચેતનાની શૌર્યવૃત્તિ અને શોધવૃત્તિનો સંકેત નિહાળી શકાય. સુધારાના સેનાની અને સમયમૂર્તિ વીર નર્મદ થકી અર્વાચીનકાળના આરંભે વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં નવાંનવાં મંડાણ થયાં. માતૃભાષા ગુજરાતીને બચાવી લેવા આજે સર્વત્ર વિવિધ અભિયાન મંડાઈ રહ્યાં છે ત્યારે સ્મરણમાં આવે છે કે દાયકાઓ પૂર્વે નર્મદે સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય સહિત બહુવિધ ક્ષેત્રોમાં નવાં પ્રસ્થાનો કરવાની સાથે ગુજરાતી ભાષાનું કલાત્મક, કલ્પનારંગી અને મજબૂત કાઠું ઘડી આપ્યું. સુધારાના ક્ષેત્રનો ઘડવૈયો અને ગરવી ગુજરાતી માતૃભાષાનો લડવૈયો નર્મદ. રૂઢિજડતાનું વિઘટન કરવા ચીલાચાલુ રૂઢિઓનો પરિહાર કરી. નવી કેડીઓ, નવાં તત્ત્વો અને નવા વિચાર પુરસ્કારી, અનેા થનગનાટ, તાજગી અને ઉત્સાહ સાથે પોતાના યુગસંદર્ભને નખશિખ પલટી નાખવાની યુયુત્સા દર્શાવે છે. અનેક સ્વરૂપોમાં પહેલ કરનારી નર્મદની અધ્યયનશીલ પ્રકૃતિ-પ્રવૃત્તિનું સ્મરણ આપણા અધ્યયન-અધ્યાપનમાં નવસંસ્કરણ ગાડવા નોખું પ્રેરકબળ સિદ્ધ થાય. સુધારો નર્મદ માટે આગવી શોધનો પર્યાય અર્થાત્ અધ્યયનનો વિષય પણ બન્યો છે. નર્મદના અનુગામીઓ નવલરામ, મણિલાલ દ્વિવેદી, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, વિયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, સુન્દરમ્ વગેરે સારસ્વતોની સંશોધનનિષ્ઠાએ પોતપોતાની ક્ષમતા થકી મૂલ્યવાન અર્પણ કર્યું છે. વચગાળાનાં આ સ્થિત્યંતરોની મહત્તા સ્વીકારવાની સાથે નર્મદકાળ સદેશ પ્રભાવક સ્થિત્યંતર આપણને સ્વાતંત્ર્યોત્તર કાળમાં અનુભવવા મળે છે.

(૪)

સ્વાતંત્ર્યોત્તર સમયમાં આધુનિકતાવાદી વિચારવલણોના પ્રબળ પુરસ્કર્તા સુરેશ જોષીએ નૂતન પાશ્ચાત્ય વિચારધારાઓ તથા એનાથી પ્રેરિત કલાવિચારણાનો વિશદ્ અને ઊંડો પરિચય કરાવ્યો. ચીલાચાલુ અર્થઘટનોમાં, મૂલ્યાંકનો નામે વિવરણ કે સારસંક્ષેપ તારવવામાં રાચતું આપણું અધ્યયન સુરેશ જોષીની તાજગીપૂર્ણ અને કળાપક સંપ્રજ્ઞતાએ મૂળગામી પરિવર્તનની દિશામાં વિકસ્યું. કળાસર્જન એક અદ્વૈતુક નિર્માણની પ્રક્રિયા તથા કેવળ લીલામય પ્રવૃત્તિરૂપે પ્રસ્થાપિત થયું. ‘કૃતિનો આકાર’ એ જ રૂપનિર્મિતીની પ્રક્રિયારૂપે ઓળખાતો થયો. કૃતિ અંતર્ગત પાત્રવિધાન, ઘટનાતત્ત્વ, સમયબોધ, કપોળકલ્પિત અંશો, ભાષાનાં સ્તરો, ટૅક્નિક વગેરે, સંદર્ભે ‘શુદ્ધ કલાપ૨ક’ દૃષ્ટિનો ઉઘાડ વર્તાયો. ટૂંકી વાર્તા, ઊર્મિકાવ્ય, નવલકથા આદિ સ્વરૂપો પ્રસ્થાપિત રૂઢ સ્વરૂપગત લક્ષણોનાં જડ ચોકઠાંમાંથી બહાર આવી ‘રસકીય કોટિઓ’ રૂપે આવકાર પામ્યાં.

(૫)

આધુનિકવાદી વલણોના પ્રભાવમાં આધુનિક ગાળાના સર્જકોની કળાસાધના વિકસતી ગઈ તથા કલાપક અભિગમને કારણે સર્જન-વિવેચનમાં વિલક્ષણ પરિમાણો ઉમેરાયાં. પરંતુ એમાં ક્રમશઃ અપ્રસ્તુત અભિનિવેશો ભળવા લાગતાં, વાસ્તવબોધની કેટલીક કુંઠાઓ પણ ઉમેરાતી ગઈ. સાહિત્યકૃતિ ‘સ્વયંપર્યાપ્ત વિશ્વ’ – ગણી લેવાતાં સર્જક-સ્વાતંત્ર્યના ભોગવટા નિમિત્તે તેમ જ ‘શુદ્ધ કળા’ અને ‘નિરપેક્ષતાના દુરાગ્રહે, કૃતિબાહ્ય સંદર્ભોની નિતાંત ઉપેક્ષા કરતો થયો. સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક કે એવાં અન્ય જાગતિક સંદર્ભોના અર્થપૂર્ણ અનુસંધાન વિના કૃતિ માત્ર Verbal Icon તરીકે પ્રસ્થાપિત બની રહી. દુહ્ય ચૈતસિક વાસ્તવનો તાગ મેળવવાના પ્રયાસોમાં કૃતિની ભાષા જલ્પનસદૃશ્ય Jargonsરૂપે પ્રયોજાવા લાગી. ‘આત્મનિષ્ઠ સૌન્દર્યબોધ’, ‘વૈયક્તિક સર્જકતા’, ‘અખંડ આકૃતિ’, ‘અપૂર્વ રૂપ’, ‘શુદ્ધ કળા’, ‘કળા ખાતર કળા’ – જેવા મંત્ર આધુનિકોની એકમેવ રટણા બની હતી. કૃતિની આકૃતિ એટલે એની સંરચના (Structure) અને એનું પોત (Texture) એવા એકાંગી અભિગમ તથા કૃતિબાહ્ય ઇતર સંદર્ભોની ઉપેક્ષાએ આધુનિકતાવાદી વલણોને મંદપ્રાણ કર્યાં.

(૬)

વીસમી સદીના અંતભાગે માહિતી પ્રસારનાં સાધનો (Information અને Communication)ના ઝડપી વિકાસે પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોમાં ભારે ઊથલપાથલ અને પરિવર્તન આણ્યાં છે. ઇન્ફોટેકની અસાધારણ ગતિવિધિઓએ વિરાટ વિશ્વને નાનકડું Town બનાવી મૂક્યું છે. ટેલિવિઝન, કોમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ તેમજ મોબાઈલ સહિતનાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સનો અતિશય વપરાશ આક્રમક જીવનશૈલી ઘડી રહ્યો છે. વિશ્વના સંદર્ભમાં જીવનને જોવાની દૃષ્ટિમાં આમૂલ બદલાવ આવી રહ્યો છે. જ્ઞાનવિજ્ઞાન, નીતિવિચાર તથા માનવમૂલ્યો સંદર્ભો સત્ય અને વાસ્તવિકતાનાં પરિમાણો ઝડપી બદલાતાં જાય છે. આંતરવિરોધો અને સંકુલતાઓથી ભરચક બહુત્વવાદી સંસ્કૃતિ (Composite Culture)ની બહુરંગી વાસ્તવિકતાઓને સર્વાશ્લેષી અભિગમથી અવલોકવાની નિખાલસ સમજ અને સમત્વપૂર્ણ દૃષ્ટિમતિ આકાર પામી રહી છે. આ વિલક્ષણ દૃષ્ટિમતિ ધરાવતી અનુ-આધુનિક પેઢી આધુનિકતાવાદી અભિનિવેશોની કુંઠાઓ સામે પ્રતિક્રિયા સ્વરૂપે સર્જન-વિવેચન પરત્વે સક્રિય બને છે. આ પ્રકારની તીવ્ર પ્રતિક્રિયારૂપે અમેરિકામાં વીસમી સદીના સાતમા-આઠમા દાયકામાં રેનેશાના અધ્યયન તરફ ધ્યાન દોરાયું છે. અનુઆધુનિક વલણોના કેન્દ્રીય વિભાવ સમા નવ્ય ઇતિહાસવાદ (New Historicism)ની સંજ્ઞા ઈ.સ. ૧૯૮૨માં સ્ટીફન ગ્રીનબ્લાટ દ્વારા પ્રયોજાઈ. ઝાક દેરિદા અને મિશેલ કૂકોના અનુસંરચનાવાદ (Post Structuralism). ડોલીમોર તથા સિનફિલ્ડ જેવાએ પુરસ્કારેલ સાંસ્કૃતિક ભૌતિકવાદ (Cultural Materialism) તથા અન્ય ચિંતકોએ આવકારેલા નવા ચિંતનપ્રવણ સ્વરો પોતાના સમયની સાંસ્કૃતિક કટોકટીની ચિકિત્સામાં સક્રિય બને છે. નારીવ્યક્તિના અને નારીત્વના નિજી સ્વરોની અનુગુંજ, ગ્રામચેતનાના ભાતીગળ સ્વરો તથા દેશીવાદનો પ્રતિધ્વનિ એમાં ભળે છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા, અવગણના પામેલાં અને ત્યજાયેલાં, ઉપેક્ષિતો અને વંચિતો, સર્વહારા દલિત-પીડિતો અને શ્રમજીવીઓ, કેદીઓ, વેશ્યાઓ, મનોરોગીઓ, વતન-દેશથી અન્યત્ર પુનર્વસન પામેલાઓના ઊખડેલાં મૂળિયા તથા ભૂંસાયેલી ઓળખ અને સ્ત્રીપુરુષોના સમલૈંગિક સંબંધો – પરત્વે અનુઆધુનિકોનો નવા ભાવાવરણ સાથેનો નવી બૌદ્ધિકતા ધરાવતો દૃષ્ટિકોણ ઊઘડી રહે છે. વ્યાપક સાહિત્યસૃષ્ટિની શોધમાં તાત્ત્વિક અને કલાપ૨ક, સામાજિક અને ભાષાશાસ્ત્રીય, મનોવૈજ્ઞાનિક અને નૃવંશશાસ્ત્રીય એમ વિભિન્ન વિદ્યાશાખાઓની વિચારધારાની પ્રકાશઊર્જા સમાંતર વાચન (Parallel Reading)ની રીતિનો પુરસ્કાર કરે છે. અનુઆધુનિકતાની આગવી Flavour એમાં છે કે, આધુનિકોએ જે કૃતિબાહ્ય સંદર્ભોની નિતાંત ઉપેક્ષા કરી એના પ્રતિરોધમાં જઈ કૃતિ સાથેના જન્મજાત સર્વે સંદર્ભો તથા સમૂહસંસ્કૃતિનાં સર્વ તત્ત્વોના સાહચર્યને એમણે આવકાર્યું. વાસ્તવમાં, કૃતિ એની નિર્માણક્ષણથી જ સમાજ, પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ આદિ અધ્યાસોના પરિવેશમાં પરિપ્લાવિત થઈને અવતરતી હોય છે. કૃતિની આ મૂલાધાર શિલાને જ કૃતિથી ઇતર ગણી દેશ-કાળ-સંસ્કૃતિના વ્યાપક સંદર્ભો (Context)ને બહિષ્કૃત રાખવા એ વાજબી ન જણાતાં એકાંતિક સીમિત પરિપ્રેક્ષ્યને બદલે વૈવિધ્યપોષક પરિપ્રેક્ષ્યોના યાથાસ્થ્યમાં બહુવિધ સંસ્કૃતિઓના ભાતીગળ સંમિશ્રણ તથા અનુબંધને પ્રેરતા બહુસંસ્કૃતિવાદ (Multi Culturalism)ને આવકારવાને તેઓ મુખોમુખ થયા. એમને અભિપ્રેત રહ્યું હતું – કેવળ સૌન્દર્યમીમાંસા (Poetics) નહીં, સાંસ્કૃતિક સૌન્દર્યશાસ્ત્ર (Cultural Poetics). આધુનિકોએ કેળવેલી ગંભીરતાને વળોટી જઈને અનુઆધુનિક સર્જકોએ સારલ્ય અને ઉપહાસ, ટીખળ અને વિડંબના, કાકુવૈચિત્ર્ય અને અવળવાણી, ટ્રેજિકોમિક વેઇન્સનો વિનિયોગ આદર્યો. શિષ્ટસ્થાપિતની તોડફોડ અને સેળભેળની પુરસ્કારતી સંકરતા (Hybridization)ને અનુલક્ષતા Collage, Montage તથા Monta-collage દ્વારા Virtual Realityમાં વિખરાયેલા અને વિફરાટ પામેલા માનવસંબંધોની સૂક્ષ્મ-સંકુલ ભાત ઉકેલવાની મથામણ એમાં પ્રતીત થાય છે. આધુનિકોમાં સાહિત્યસ્વરૂપોનો રસકીય કોટિઓ-લેખે સ્વીકાર થયો હતો. અનુઆધુનિક ધારામાં જાસૂસી રહસ્યકથાઓ કે વિજ્ઞાનકથાઓની આકસ્મિકતા અને ફેન્ટસીનાં તત્ત્વો ધરાવતી કથાસંરચના તરફ આકર્ષણ જાગે છે. કમ્પ્યુટર કથક બની શકે. કલ્પિત પાત્રોમાં સમાન્તરે વાસ્તવ જીવન જીવતાં પાત્રો કે પૌરાણિક-ઐતિહાસિક પાત્રો અને વળી લેખક સ્વયં પાત્રરૂપે કથાસૃષ્ટિમાં પ્રવેશી જાય એવાં સ્વૈર ચિત્રણો પ્રગટી રહે છે. સંસ્કૃતિના શિષ્ટ-અશિષ્ટ કે ઉચ્ચનિમ્ન કહેવાતા ભેદ-પ્રભેદ ઓગાળનારું નવી સંવેદનાના સ્વર ધરાવતું Popular Culture પણ સમુદારતાથી પ્રશસ્તિ પામે છે. પૂર્વ આધુનિક પ્રવાહના સ્થાપિત અંશોનો પ્રતિકા૨ આધુનિકોએ કરેલો, એ રીતિએ પરંતુ ભિન્ન મિજાજથી આધુનિકતાના કાલગ્રસ્ત જણાતા અંશોના પ્રતિકાર તથા એમાંના વિધેયાત્મક અંશોના પુનઃઉપાયન (Re Shaping), પુનઃ પૂર્તિ (Re plenishment) તથા પુનઃ સંરચન (Re constructing)ની પ્રક્રિયા અનુઆધુનિકધારાનું પ્રમુખ આકર્ષણ બની રહી છે.

(૭)

નવા સ્થિત્યંતરરૂપે આકર્ષણ બનવા ઉપરાંત અનુ-આધુનિક ગુજરાતી સાહિત્યની આ નવ્ય ધારા સમસામયિક સંસ્કૃતિ-ઘટનાઓ ઉપર વ્યાપક પ્રભાત પાડી શકી છે કે કેમ? એવો પ્રશ્ન થાય છતાં કેટલીક સામાજિક કટોકટી તરફ એ ચોક્કસપણે નવા પ્રકારની સંપ્રજ્ઞતા ધરાવે છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે હરીશ મીનાશ્રુ ‘ધુબાંગસુંદર’માં વક્રતા-વિડંબના અરૂઢ કાકુઓ યોજવામાં, સિતાંશુ યશશ્ચંદ્ર ‘સિંહવાહિનીસ્તોત્ર’માં જીવનસંદર્ભને સર્વાશ્લેષી દૃષ્ટિએ નિહાળવામાં, નીરવ પટેલ બહિષ્કૃત ફ્લો”માં બળકટ અને સાચુકલી દલિત સંવેદના પ્રગટાવવામાં તાજગી અને જોમ દર્શાવે છે. ગુજરાતી નવલકથાનો વિષય બને છે. બિંદુ ભટ્ટ મીરાં યાજ્ઞિકની ડાયરીમાં સમલૈંગિક સંબંધોનું સંવેદન નિરૂપે છે. ધીરેન્દ્ર મહેતા ‘છાવણીમાં કચ્છના ભૂકંપની વિટમ્બણાઓ આલેખે છે. જ્યંત ગાડીત બદલાતી ક્ષિતિજમાં માનવસંબંધોની વિષમતાને ગ્રામીણ તથા રાજકીય સંદર્ભે મૂકી આપે છે. શિરીષ પંચાલ વૈદેહી એટલે વેદેહીમાં કોમી વિસંવાદ તથા શિક્ષણની કટોકટી વ્યક્ત કરે છે. બાબુ સુથાર ‘કાચંડો અને દર્પણમાં વિધવિધ ઘટકોને સંમિશ્રિત કરતી રચનારીતિ દ્વારા તથા ‘વળગાડ’માં ‘સ્વ’ની ઓળખને છેદી નાખવા ભુલભુલામણી રચતી આધિભૌતિક અસ્તિત્વની સંડોવણીને આલેખે છે. ટૂંકીવાર્તાક્ષેત્રે માય ડિયર જ્યુ, હિમાંશી શેલત, મોહન પરમાર, હરીશ નાગ્રેચા, અજિત ઠાકોર, મણિલાલ હ. પટેલ તથા અન્ય વાર્તાકારો સમાજજીવનના નક્કર અસ્તિત્વને નરવા વક્રવિડંબન તથા તળબોલીના બલિષ્ઠ ભાષા પ્રયોગો અને નવી સમ્પ્રજ્ઞતાના નોખા મિજાજ સાથે આલેખે છે. બીજા અનેક સર્જકો ભિન્નભિન્ન સ્વરૂપોમાં અનુઆધુનિક ગાળાની નવ્ય ચેતનાને પોતાના આગવા સર્જન-સ્પન્દનથી અવતારવા મથી રહ્યાં છે. અનુઆધુનિકતાવાદી વિચારવલણોનો પ્રભાવ ગુજરાતી ભાષાસાહિત્યમાં નવાં પરિપ્રેક્ષ્ય તથા નવી અભિન્નતા ઉઘાડનારો રહ્યો છે. ચંદ્રકાન્ત ટોપીવાળા, પ્રમોદકુમાર પટેલ, નીતિન મહેતા, સુમન શાહ, બાબુ સુથાર તથા અન્ય વિદ્વાનોએ એના પ્રભાવ તથા ફલિતાર્થો વિશે ચિંતન કર્યું છે. અનુઆધુનિકતાવાદી ધારાના સર્જન-વિવેચનનું આગવું સૌંદર્યશાસ્ત્ર હજુ ઘડાઈ રહ્યું છે અને પરિપક્વ સર્જનાત્મક ઉપલબ્ધિઓની રાહ જોવાય છે. સુમન શાહ નોંધે છેઃ “આપણા અનુઆધુનિકતાવાદમાં સમાજચિંતા, બાહ્ય વાસ્તવને વિશેની સમ્પ્રજ્ઞતા, પ્રજાજીવનના પ્રશ્નો વિશેની પ્રસ્તુતતા, વગેરે સંકેતોની ખાસ્સી ઊડાઊડ જોવા મળે છે. પણ ઠરીને નથી તો ચિન્તન ‘કરાતું, નથી તો એવું પુખ્ત કશું સરજી શકાતું. ચિન્તન-દર્શન અને સર્જન-લેખનના ગૂઢ આંતરસંબંધો વિશે આપણે ખાસ્સા અણજાણ છીએ. અણજાણ છીએ એમ જાણવા છતાં કશું કરતા નથી. આપણા સામ્પ્રતની મને આ પણ ધ્યાનપાત્ર કટોકટી લાગી છે.”

(૮)

ફ્રેન્ચ દાર્શનિક મિશેલ કૂકો કૃતિની સંરચનામાં સમાહિત Cultural Presenceના સંનિરીક્ષણ(Surveillance) અર્થે ખુલ્લી માનસિકતા ધરાવતી સર્વાશ્લેષી (an all seeing) તથા પૂર્ણદર્શન કરાવતી (Panoptic) દૃષ્ટિમતિને અનિવાર્ય ગણાવે છે. જે ભૂતકાળ કે પરંપરાનું વર્તમાનના સંદર્ભે Brilliant re-description આપી શકે.

(૯)

આધુનિકતા હોય તે અનુઆધુનિકતા, આપણે ભાષાસાહિત્યના અધ્યાપકો અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં સર્વશ્લેષી (an all seeing) તથા પૂર્ણ દર્શન કચવતી (Panoptic) દૃષ્ટિમતિએ સાહિત્યપાર્થમાં અનુસૂત ભાવજગતના આકલન અર્થે કૃતિ અંતર્ગત નિહિત કથનરીતિઓ, ગદ્યપદ્યના વિવિધ લયસ્તરો, ગદ્યના વળોટ તથા કાકુઓ, ભાષાની નાદ-ધ્વનિગત તરેહો તથા અન્ય સંતર્પક પ્રવિધિઓ કૃતિને સમર્પક બનાવવામાં કેવો Metalinguistic Play ૨ચે છે એનો અભ્યાસ તથા પરામર્શ કરીએ એ સાથે જ સાહિત્ય અને પ્રજાજીવન વિશે કશુંક ખોટકાયું કે ખોરવાયું હોય એની ચિકિત્સા આદરી શકીએ. Global Marketમાં ભાષાસાહિત્યનું અધ્યયન-અધ્યાપન વધુ સજ્જતા, નિષ્ઠા તથા આનંદપ્રદતા સહિત આપણી પ્રભાવક સત્તા બની શકે. બદલાતાં સામાજિક સાંસ્કૃતિક-મનોવૈજ્ઞાનિક વાસ્તવ સાથે તાલ મિલાવતાં આપણી અધ્યયનવૃત્તિનો વિલાસ વ્યક્તિમર્માણમાં નિર્ણાયક એવી સામાજિક-સાંસ્કૃતિકસાહિત્યિક ઊર્જા ગાડનાર નવસંસ્કરણ માટેનું Equilizer પુરવાર થાય. સ્પેનિશ કવિ હિમેનેથની કાવ્યપંક્તિ છે –

Let the wings take roots...
And the roots fly...

પાંખોને મૂળિયાં ફૂટો
અને મૂળિયાંને ઊડવા દો...

જે મૂળિયાંધરતીના ઊંડાણમાં અસ્તિત્વનો દ્રઢ આધાર બને છે અને જે પાંખો આકાશમાં ઉન્મુક્ત ઉડયનનું ઓજાર બને છે એવાં મૂળિયાં (Hardware) અને પાંખો (Software) આપણાં અધ્યયન-અધ્યાપનને પણ ફળે એવી શુભેચ્છાઓ.