અનુબોધ/‘કુંવરબાઈનું મામેરું’માં મિથિકલ રિયાલીટી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘કુંવરબાઇનું મામેરું’માં પ્રતિબિંબિત થતી રિલિઝિયસ મિથિકલ રિયાલિટી

આદરણીય શ્રી મંજુબહેન, પ્રણામ. કુશળ હશો. વિશેષ, આ અગાઉ મેં મારા એક પત્ર (તા. ૨૦-૧૧-૯૫) માં થોડી સાહિત્યચર્ચા કરી હતી તે તમારા સ્મરણમાં હશે. એનું નિમિત્ત હતું શ્રી દિલીપ ઝવેરીનું ‘ગુફતેગૂ – વાસ્તવિકતા અને સાહિત્યઃ કુંવરબાઈનું મામેરું’શીર્ષક એક લખાણ – જે જાન્યુ. માર્ચ ‘૯૫ ના ત્રૈમાસિકમાં પ્રગટ થયેલું. મારી પત્રચર્ચા, એ લખાણની સમીક્ષારૂપે પછી ઑકટો.-ડિસે. ૯૫ ના અંકમાં તમે પ્રગટ કરેલી. એ માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. એ પત્રની ચર્ચા વિચારણામાં વધુ તો દિલીપ ઝવેરીની વાસ્તવિકતા ’ (રિયાલિટી) વિશેની વિચારણાની તપાસ હતી, અને એ વિશે મારા અભિગમનો ઈશારો હતો. પણ, એ પત્રમાં પ્રેમાનંદની આખ્યાનરચના ‘કુંવરબાઈ નું મામેરું’ને અનુલક્ષીને વાસ્તવિકતાની ઓળખને લગતી ચર્ચા થઈ નહોતી. પત્ર પૂરો કરતાં મેં કંઈક સભાનપણે નોંધ્યું હતું કે આ વિશે તો ઘણું મૂળથી વિચારવાનું પ્રાપ્ત થાય છે. આજે એ ચર્ચાનો તંતુ સહેજ આગળ લઈ જવા ચાહું છું. મારા મનમાં એમ સ્પષ્ટ થતું જાય છે કે, ‘મામેરું’જેવી મધ્યકાલીન આખ્યાનરચનાને અનુલક્ષીને ‘વાસ્તવિકતા’ના બોધનો જે પ્રશ્ન આપણે આજે ઊભો કરી રહ્યા છીએ તે આપણા વિવેચનવિચારની કોઈ ગૌણ આગંતુક બાબત નથી. ધર્મકથાઓ / પુરાણકથાઓ પર આધારિત આપણા સમગ્ર પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને વ્યાપકપણે સ્પર્શતો એક મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. આપણે સૌ એ વાતથી પરિચિત છીએ કે સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતીના (તેમ મધ્યકાળમાં જન્મેલા અન્ય ભારતીય ભાષાઓના) સાહિત્યમાં ધર્મકથાઓ / પુરાણકથાઓ પર આધારિત સાહિત્યની દીર્ઘ પરંપરાઓ છે. એમાં વિભિન્ન ધર્મસંપ્રદાયોની આગવી માન્યતાઓ કે વિચારણાઓ ગૂંથાયેલી છે. દેવીદેવીની સૃષ્ટિ, અવતારી પુરુષોની લીલા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા સંસારજીવનમાં કલ્યાણ પ્રવૃત્તિ ભક્તોની ભગવાનમાં અવિચળ શ્રદ્ધા અને તેમની ભક્તિની કસોટી અને ભગવાનની કૃપા એવા એવા અદ્ભુત લોકોત્તર વિશ્વનું અનુસંધાન એમાં રહ્યું છે. મારી એવી સમજ રહી છે કે આ પ્રકારના સાહિત્યસંદર્ભે વાસ્તવિકતા-બોધના જે પ્રશ્નો આપણી સામે આવ્યા છે તે સંભવતઃ આધુનિક ચેતનાની નીપજ છે. એ નિમિત્તે, ગર્ભિત રીતે કે રૂપાંતરે, એ સાહિત્યના આસ્વાદ-અવબોધના પ્રશ્નોને જ સ્પર્શતા હોઈએ છીએ. જો કે જુદાજુદા સમયના સાહિત્ય સંદર્ભે તેની વાસ્તવિકતાના પ્રશ્નો ઘણા જટિલ હોવાનું સમજાય છે. આ પત્રમાં મારી ઇચ્છા મુખ્યત્વે તો મામેરું’ને અનુલક્ષીને વાસ્તવબોધની ચર્ચા કરવાની છે, પણ મારી ચર્ચાની ભૂમિકા રચતા બેત્રણ પાયાના મુદ્દાઓની ટૂંકમાં પણ છણાવટ કરી લેવાનું મને અનિવાર્ય લાગે છે. એક મુદ્દો એ છેઃ આ કે તે સાહિત્યકૃતિનાં સંદર્ભે ‘વાસ્તવિકતા’ (રિયાલિટી) ના બોધનો પ્રશ્ન આપણે શા માટે ઉઠાવીએ છીએ? સાહિત્યનું મુખ્ય પ્રયોજન રસાસ્વાદનું હોય તો પ્રસ્તુત કૃતિસંદર્ભે ‘વાસ્તવિકતા’ની ઓળખ કે ખોજ શા માટે? વાસ્તવિકતા અંગેનું ‘જ્ઞાન’ રસાસ્વાદમાં કેવી રીતે સમર્યક બને છે? અને રસાનુભૂતિ સ્વયં આગવી કોટિની ચૈતસિક વાસ્તવિકતા નથી? આ બધા ગંભીર તત્ત્વચર્ચા માગતા પ્રશ્નો છે. એની વિસ્તૃત ચર્ચાને, દેખીતી રીતે જ અહીં અવકાશ નથી. માત્ર એ દિશામાં થોડો નિર્દેશ કરી લેવા ચાહું છું. અગાઉના પત્રમાં આ વિશે થોડી અછડતી ચર્ચા કરી હતી. એમાં એક વાત એ હતી કે પરંપરાગત વિવેચનમાં પ્રસ્તુત કૃતિના અર્થગ્રહણ, અર્થઘટન કે સ્પષ્ટીકરણ નિમિત્તે તેમાં પ્રવેશ પામેલા ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભોની તપાસ કરવાનું એક વ્યાપક વલણ રહ્યું છે. અલબત્ત, ઇતિહાસકારો સમાજવિજ્ઞાનીઓ અને સંસ્કૃતિવિદોએ જુદાજુદા સમયની સાહિત્યકૃતિઓને પોતાની તપાસના દસ્તાવેજો’ તરીકે જોવાની વૃત્તિ કેળવી દેખાશે. કેટલીક વાર સાહિત્યવિવેચક પણ એ પ્રકારની વૃત્તિ પ્રગટ કરે છે. પણ દૃષ્ટિસંપન્ન વિવેચક તો જે તે કૃતિના ગહનસંકુલ અર્થની ખોજનિમિત્તે વાસ્તવિકતાઓ’ની શોધ કરે છે. કૃતિ જે યુગમાં જન્મી હોય એ યુગની ધર્મશ્રદ્ધાઓ, માન્યતાઓ, પ્રચલિત વિશ્વદર્શન (વર્લ્ડ વ્યુ), દાર્શનિક વિચારધારાઓ, કર્મકાંડો, તંત્રો, સંસ્થાઓ વગેરે બાબતોની તે જે તપાસ આદરે છે તે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષપણે કૃતિના ‘સમગ્ર અર્થ’ સાથે જોડાયેલી છે. કૃતિમાં જે અનુભવો અને અર્થો મૂર્તિમંત થયા છે તેના સ્રોતો કૃતિની બહાર વિસ્તર્યા હોય છે એમ એમાં અભિપ્રેત છે. એક રીતે કૃતિ તેની બહારના વાસ્તવનું પ્રતિફ્લન છે, કોઈક રીતે પ્રતિનિધાન છે, એમ પણ એમાં સૂચિત છે. ટૂંકમાં, પરંપરાગત વિવેચન જે રીતે વાસ્તવિકતા કે વાસ્તવિકતાઓની તપાસ કરવા પ્રેરાતું તેમાં અંતે તો કૃતિના અનુભવો, અર્થો અને મૂલ્યોની શ્રદ્ધેય અને પ્રતીતિકર આધારભૂમિની જ તપાસ હતી. આથી ભિન્ન, આધુનિકતાવાદી સાહિત્યના સંદર્ભે વિશેષ સિદ્ધાંત રજૂ થયો કે દરેક કૃતિ એક સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ છેઃ અનન્ય રૂપનિર્મિતિના બળે પરિચિત વાસ્તવિકતા-વાસ્તવિકતાઓનું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એ કળાત્મક રૂપાંતરની પ્રક્રિયાને અંતે કૃતિની અંતર્ગત જ એક એવી અપૂર્વ ‘વ્યવસ્થા ’ (ઓર્ડર) નિર્માણ થઈ હોય છે, જે એમાં ગૂંથાયેલા વિભિન્ન સ્તરના સમરૂપ અસમરૂપ અનુભવો અને અર્થોની સ્વીકાર અર્થે સાચી શ્રદ્ધેય આધારભૂમિ (ગ્રાઉન્ડ) બને છે. આધુનિક કૃતિઓમાં ‘વાસ્તવિકતા’ની ઓળખ કે ખોજ અત્યંત મુશ્કેલ બાબત છે. બહારની પરિચિત સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતાની અલગ ઓળખને એમાં મોટો અવકાશ નથી. એમાં કળાનિર્માણ દ્વારા ઊપસતી વિશેષ આધારભૂમિનું આગવું મહત્ત્વ છે. બીજો મુદ્દો છેઃ ધર્મકથાઓ-પુરાણકથાઓથી કવિતાનું વિશ્વ ભિન્ન અને અલગ કોટિનું હોય છે, તે હકીકત અહીં એટલી જ મહત્ત્વની અને પ્રસ્તુત છે. આપણે એ વાત લક્ષમાં રાખવી ઘટે કે પ્રાચીન મધ્યકાલીન ઘણીએક કૃતિઓની બાબતમાં, તેમાં પ્રવેશ પામી હોય તે પૂર્વે કોઈ ક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી બીજરૂપ ધર્મકથા-પુરાણકથા મળે છે. એ કથાને એનું આગવું બંધારણ અને આગવું રહસ્ય હોય છે. પણ પ્રતિભાશાળી કવિ એ ધર્મકથા-પુરાણકથાની વસ્તુ લઈ રચના કરે છે ત્યારે તેનું કોઈક નવું સંવિધાન રચે છે. નવી રૂપરચના કરે છે અને નવો અર્થ પ્રગટાવે છે. કવિનું પોતાનું ‘દર્શન’ કે અનુભવસામગ્રી તેમાં રૂપાંતર સાધે છે. જાણ્યેઅજાણ્યે કવિના પોતાના સમયની સાંસ્કૃતિક વિચારણા, આચારવિચાર કે નીતિમત્તાના ખ્યાલો કે એ સમયની પ્રચલિત માન્યતાઓ રિવાજો એમાં જોડાય એમ બને. સોફોક્લિસની પ્રસિદ્ધ ટ્રેજેડી ધ ઈડિપસ કિંગ’માં આધારરૂપ વૃત્તાંત તો ઈડિપસ વિશે એ યુગમાં પ્રચલિત પુરાણકથા જ છે, પણ ગ્રીક પ્રજાના રાજાની સંસ્થા વિશેના, રાજ્યના શ્રેયકાર્યમાં રાજાના નીતિધર્મ અને એવા સમકાલીન જીવનવ્યવસ્થાના ખ્યાલો એમાં ગુંથાયેલા છે. કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિ ‘અભિજ્ઞાન શાકુંતલ’માંય પુરાણકથાનો અમુક આધાર છે, પણ એમાં કાલિદાસે માનવહૃદયની પ્રણયભાવનાનું મનોહર ચિત્રણ કર્યું છે. અત્યારે જે વિષયની સાથે આપણને સીધી નિસ્બત છે તે આખ્યાનકાર પ્રેમાનંદનાં લગભગ બધાં જ આખ્યાનો રામાયણ, મહાભારત અને પુરાણોના વૃત્તાંતો કથાસામગ્રી તરીકે લે છે, પણ એમાંય વત્તે ઓછે અંશે એમના સમયના ગુજરાતના અમુક આચારવિચારો રીતભાતો રિવાજો આદિનું આલેખન છે. અલબત્ત, મધ્યકાળના અંત સુધી ધર્મકથાઓ-પુરાણકથાઓની સામગ્રી લઈને જે રચનાઓ થતી રહી તેમાં મુખ્ય ઝોક પુરાણોનો સામગ્રી લેખે ઉપયોગ કરવા તરફનો રહ્યો છે. પણ એમાં ધર્મપુરાણની માન્યતાઓને અનુરૂપ કે તેની સાથે સુસંગત વિશ્વદર્શનનો સ્વીકાર થતો રહ્યો હોય એમ ઘણાંએક દૃષ્ટાંતોમાં જોવા મળશે. આથી ભિન્ન આધુનિક સમયના કવિઓ નાટ્યકારોએ વારંવાર ધર્મપુરાણનાં ચિત્રો અને બનાવોનું નવા દર્શનના પ્રકાશમાં અર્થઘટન કર્યું હોય એમ જોવા મળશે. કાન્તનું ‘વસંતવિજય’, મુનશીનું ‘પિતૃતર્પણ’, ઉમાશંકરનું યુધિષ્ઠિર’કે સિતાંશુનું ‘જટાયુ’ એ કાવ્યોમાં પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓ નું હાર્દ જુદી જ રીતે બંધાયું છે. ચિરત્રો કે ઘટનાઓ પુરાણકથાના કોઈ એક બિંદુએ સ્પર્શે છે, એ સ્થાને પુરાણના રચરિત્રો-ઘટનાઓ પ્રાણશક્તિ છતી કરે છે. છતાં એમાં આપણા સમયની જીવનભાવના અને મૂલ્યોનું પ્રભાવક પ્રવર્તન રહે છે. વાસ્તવમાં આધુનિક જગતના કવિઓ/નાટ્યકારોએ મહાકાવ્યપુરાણાદિ સામગ્રીઓનો જુદાજુદા સ્તરે અને જુદી જુદી રીતે વિનિયોગ કર્યો છે. એમાં મૂળ પુરાણકથાઓની વિશ્વવ્યવસ્થા, દેવ દેવીઓ કે પરમ પુરુષનાં શાસનો, સ્વર્ગ, પૃથ્વી પાતાળલોક જેવી વિશ્વરચના કે લોકોત્ત૨ ઘટનાક્રમ આદિનો સ્વીકાર નથી, અથવા એવાં લોકોત્તર સત્ત્વો અને સત્તાઓનો એમાં નિર્દેશ છે તો તે પ્રતીકાત્મક વ્યવસ્થારૂપે જ – એટલે એવી રચનાઓમાં રિલિઝિયસ-મિથિકલ વર્લ્ડનો બોધ ન થાય એમ બને. અલબત્ત, આધુનિક સમયમાં ધર્મપુરાણના સંદર્ભોથી મુક્ત, લગભગ મુક્ત, એવું ઘણું સાહિત્ય નિર્માણ થયું છે. એમાં સામાજિક-આર્થિક કે રાજકીય વાસ્તવ, મનોવૈજ્ઞાનિક વાસ્તવ, સ્વપ્નવાસ્તવ જેવી સંજ્ઞાઓથી ઓળખાવી શકાય એવી રચનાઓ મળે છે. પણ વાસ્તવબોધની આ કોઈ નિરપેક્ષ કોટિઓ નથી. ખરી વાત એ છે કે બીજી ઘણીએક રચનાઓ એવા ભિન્ન સ્તરના વાસ્તવોને જુદી જુદી રીતે સંયોજિત કરતી હોય છે. ત્યાં વાસ્તવની ઓળખ આપતી સંજ્ઞા અપર્યાપ્ત નીવડે. આપણા સમયનું બુદ્ધિપ્રધાન કે વિજ્ઞાનવાદી માનસ ધર્મપુરાણોએ રજૂ કરેલા સૃષ્ટિનિર્માણ અને સૃષ્ટિબંધારણના ખ્યાલો પરત્વે સંશય વ્યક્ત કરે છે. એટલે ધર્મપુરાણની કથાવસ્તુ પર આધારિત સાહિત્યના આસ્વાદ-અવબોધના પ્રશ્નો ય ઊભા થયા છે. અલબત્ત, પ્રાચીન કે મધ્યકાલીન કવિઓની આ પ્રકારની રચનાઓમાં આનંદ લેવામાં એ યુગના ભાવકો/શ્રોતાઓને ભાગ્યે જ કોઈ મોટો અંતરાય નડ્યો હશે. પુરાણોના દેવદેવતા અવતારી પુરુષો અને તેમનાં અદ્‌ભુત ચમત્કારપૂર્ણ કાર્યો એ ભાવકો/શ્રોતાઓ શ્રદ્ધાથી સ્વીકારી લેતા હશે. પ્રેમાનંદનાં આખ્યાનોમાંય રામાયણ, મહાભારત, શ્રીમદ્‌ ભાગવત કે બીજાં પુરાણની વસ્તુ સ્વીકારાઈ છે તે એમના સમયના શ્રોતાઓએ સહજ ભાવે ઝીલી હોય એમ માનવાને કારણો છે. ખાસ કરીને ભક્તચરિત્રોની બાબતમાં, ભક્તોની અચળ ભક્તિની કસોટી સમા અલૌકિક પ્રસંગો અને છેવટે ભગવાનનો સાક્ષાત્કાર અને તેની કૃપા એ બધું મધ્યકાલીન માનસિકતાને સહજ સ્વીકાર્ય છે. પ્રશ્ન, આજના વિજ્ઞાનવાદી કે બુદ્ધિપ્રધાન માનસ માટે આ અલૌલિક ચમત્કારપૂર્ણ ઘટનાના સ્વીકાર અસ્વીકારનો છે. ‘મામેરું’ને લગતાં આપણાં વચગાળાનાં વિવેચનોમાં એનો પડઘે પડ્યો જ છે. ભક્ત નરસિંહને સ્વયં ભગવાને દોશીનું રૂપ લઈ સહાય કરી એ ઘટના વિશે ખુલાસો કરવાના રામનારાયણ પાઠક, મગનભાઈ દેસાઈ, ડૉ. કાન્તિલાલ વ્યાસ અને ડૉ. ચિમનલાલ ત્રિવેદી વગેરે અભ્યાસીઓનાં લખાણો (પ્રેમાનંદકૃત કુંવરબાઈ નું મામેરું’ સ્વાધ્યાયશ્રેણી, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, નવભારત, ૧૯૮ર માં ગ્રંથસ્થ) માં જે પ્રયત્નો થયા છે તે ધ્યાનપાત્ર છે. ઈશ્વરચમત્કારના બનાવો વિશે પાઠકસાહેબનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેઃ ‘મામેરું’ જેવાં ઇશ્વરચમત્કારનાં કાવ્યો સમજવામાં એક વાત યાદ રાખવી જોઈએ કે કવિ પોતે એ ચમત્કારને આ કાવ્ય પૂરતો પૂરેપૂરો માને છે. પ્રેમાનંદ તો, કાવ્યસૃષ્ટિ એક બાજુ રાખતાં, જીવનના અને વ્યવહારના તથ્ય તરીકે પણ તે માને છે. પણ એ અહીં પ્રસ્તુત નથી. આ તરફ ખાસ ધ્યાન દોરવાની જરૂર એટલા માટે છે કે ઘણા વિવેચકો નરસિંહ મહેતાના મામેરાના ચમત્કારનો એવો ખુલાસો કરે છે કે નરસિંહ મહેતાને બરાબર મામેરાના પ્રસંગે કોઈ ધનાઢ્ય ભગવદ્‌ભક્ત વાણિયાએ મદદ કરી હશે અને નરસિંહે તેને ઇશ્વરનો ચમત્કાર માન્યો હશે. હકીકતની દૃષ્ટિ જુદી છે, અને કાવ્યના રસાસ્વાદની દૃષ્ટિ જુદી છે. હકીકત તરીકે પરીક્ષા કરતાં મને આ ખુલાસો અપૂર્ણ લાગે છે. પણ હકીકત તરીકે ગમે તેમ માનો, હકીકત તરીકે એ ખોટું માનતા હો તો પણ, કાવ્ય તરીકે આ સાચું માની શકે એટલું કલ્પનાબળ હોય તો જ આ કાવ્યનો રસાસ્વાદ લઈ શકાય. હાલના હેતુવાદના જમાનામાં આવી કલ્પના જે ન કરી શકે તેને માટે આ કાવ્ય કદાચ કાવ્ય જ ન રહી શકે.’(એજન, પૃ. ૨૦). ભગવાનની કૃપા સાથે જોડાતા ચમત્કારના બનાવો અંગે કોઈ વિવાદ ‘ચંદ્રહાસ-આખ્યાન’ કે ‘સુધન્વા-આખ્યાન’જેવા અન્ય ભક્તચરિત્રોનાં આખ્યાનો સંદર્ભે જન્મ્યો હોય એમ મારી જાણમાં નથીઃ સંભવતઃ એ ભક્તચરિત્રો વિશે મિથિકલ ઇમેજ અંગે. સંશય જન્મે એવો ઐતિહાસિક અવકાશ નથી, ભક્ત નરસિંહ સમયની દૃષ્ટિએ, આપણી નિકટ છે. અને એમની આસપાસના અમુક ઐતિહાસિક સંયોગો જતાં ચમત્કારના બનાવો સ્વીકારવામાં મુશ્કેલી લાગે ય ખરી. પણ પ્રેમાનંદના આખ્યાતમાં આલેખ્ય વસ્તુ તે લોકહૃદયમાં બંધાયેલી ભક્ત નરસિંહની એક મિથિકલ ઇમેજ છે. કૃષ્ણપ્રભુની તેમની અચલઅવિચલ શ્રદ્ધા સ્વયં તેમને એક શ્રદ્ધામૂર્તિ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. અને મામેરાના પ્રસંગે ભક્ત નરસિંહની શ્રદ્ધાના પ્રતિધ્વનિરૂપે ભગવાને સ્વયં માનુષીદેહે ઉપસ્થિત થઈ તેમને સહાય કરી એ ચમત્કારભરી કથાએ લોકહૃદયમાં પ્રાચીન-પરંપરાના ચંદ્રહાસ, સુધન્વા, પ્રહલાદ, હરિશ્ચન્દ્ર આદિ ભક્તોના જેવી મિથિકલ ઇમેજ ઊભી કરી હોય તો એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. યોગીઓ, સંતો અને ભક્તોના જીવનમાં પ્રગટતી રહેલી ભક્તિભાવના કે આધ્યાત્મિક સાધના સાથે અમુક ચમત્કારો સાંકળતા જઈને આપણા દેશની ધર્મપરાયણ પ્રજાએ કોઈક રીતે આત્મબળ મેળવ્યું છે એ એક ધાર્મિક સાંસ્કૃતિક હકીકત છે. પ્રેમાનંદ સામે નરસિંહની ઐતિહાસિક વ્યક્તિતા કરતાંય વધુ તો તેમની મેથિકલ ઇમેજ ઊભી છે. એમના સમયના લોકોના માનસમાં પૂરી નહિ તોય અર્ધપર્ધી એ મિથિકલ ઇમેજ પડી જ હતી. પ્રેમાનંદે નિજ કવિપ્રતિભાથી એને વિકસાવી છે. કવિ અને શ્રોતાગણ બંને એ મિથિકલ ઇમેજ ને સમાન વૅવ બૅન્ક્સ પર ઝીલે છે. ‘મામેરુ’ના રચનાવિધાનને ઊંડી સૂઝથી અવલોકનમાં લઈ ને શ્રી જયંત કોઠારી એ કૃતિ અંગે એવું તારણ આપે છેઃ ‘નરસિંહની ઇશ્વરનિષ્ઠાની સંસારમાં પ્રતિષ્ઠ થવાની સાથે જ પ્રેમાનંદ કાવ્ય પૂરું કરી દે છે. મામેરાનું પ્રસંગવર્ણન કરવું એ નહીં પણ એ પ્રસંગ નિમિત્તે નરસિંહની ઇશ્વરનિષ્ઠાનો સાક્ષાત્કાર કરાવવો એ લક્ષ્યથી પ્રેમાનંદ ચાલ્યો જણાય છે.’(એજન, પૃ. ૫). આપણે એમ ઉમેરીએ કે પોતાના શ્રોતાસમૂહને પ્રેમાનંદ રચનાના આરંભથી જ નરસિંહની ઇશ્વરનિષ્ઠાનું જુદી જુદી રીતે સ્મરણ આપતા રહે છે. નરસિંહની મિથિકલ ઇમેજ દૃઢીભૂત થાય એ રીતે કૃતિમાં રિલિઝિયસ-વર્લ્ડ સંદર્ભોને તેઓ ઉપસાવતા રહે છે. પહેલા કડવામાં જ નરસિંહે અરણ્યના એકાંત મંદિરમાં અપૂજ શિવલિંગની પૂજા કરી તે સમયે શ્રી મહાદેવ પ્રગટ્યાની ઘટના સ્વયં એક મિથિકલ વર્લ્ડ રૂપે રજૂ થઈ છે :

કમલની પેરે લિંગ વિકસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.
કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ
જટા માં જાહ્‌નવી, નીલવટ ચંદ્રપ્રકાશ
 છે રુંઢમાલા, સર્પ ભૂષણ, વાઘંબર, ગજચર્મ
વાજે ડાક ડમરું શંખ શિંગી, મહેતે દીઠા શિવબ્રહ્મ.

નરસિંહે અપૂજ શિવલિંગની પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી અને સાત દિવસના ઉપવાસ કર્યા, ત્યાં આશુતોષ ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમની આદ્ય અલૌકિક શોભા સાથે પ્રગટ થયા. શિવની પ્રાગટ્યની આ અદ્ભુત લોકોત્તર ઘટના જ મધ્યકાળના શ્રોતાઓને ભાવવિભોર કરવા પૂરતી છે. રોજિંદા જીવનમાં સુખદુઃખની ઘટમાળથી ઊંચે ઊઠીને ‘શિવબ્રહ્મ’ની અલૌકિક સત્તાની ઝાંખી કરવા તેઓ સમર્થ બને છે. ભગવાન શિવે નરસિંહને વરદાન માગવા કહ્યું ત્યારે ‘તમારું દર્શન પામિયો, પામું વિષ્ણુનું દર્શન’ એટલી જ માંગણી કરી. શિવની પરમ કૃપાથી નરસિંહ ‘અખંડ વ્રજ’માં પહોંચે છે, અને ત્યાં ‘હિરનો રાસ’ જોવાનું અપૂર્વ સૌભાગ્ય મેળવે છે. શિવજી તેમને કૃષ્ણપ્રભુના હાથમાં સોંપે છે. વૈકુંઠરાય તરત જ પ્રતિભાવ આપે છેઃ

હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉધ્ધવ-વિદુર સમાન ’ (૨-૬)
‘મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રીગોપાળઃ
દુઃખવેળા હુંને સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ ’ (૨-૭)
કીર્તન કરજે ભક્તિ માહરી, તરીશ તું સંસાર;
આ જોઈ તેવી લીલા ગાજે કેવલ રસ-શૃંગાર (૨-૮)
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી ત્રિપુરાર (૨-૯)
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
કૃષ્ણગોપીનો વિહાર ગાજે જોઈ જેહૂવી જુક્તિ (૨-૧૦)

‘અંખડ વ્રજ’માંથી જૂનાગઢ પાછા ફરેલા નરસિંહ અહર્નિશ રાધાકૃષ્ણના રંગમાં રાચ છે. ‘શ્રી પરિબ્રહ્મ’નાં સાક્ષાત્‌ દર્શન પછી સંસારમાં તે એક ત્યાગીવૈરાગી તરીકે જીવે છે. આ વિશ્વના પરમ પુરુષ જ ઉપાસ્ય છે, એની તુલનામાં સંસાર ‘તૃણવત’ છે એવી અચળ પ્રતીતિ તેના અંતર માં બંધાઈ છે. આ પ્રતીતિ, આ શ્રદ્ધા, તેના આત્માનું સમગ્ર બળ છે. આ રીતે પ્રેમાનંદે પહેલાં અને બીજાં કડવામાં પુરાણોમાં પ્રચલિત ભક્તિમાર્ગની માન્યતા-શ્રદ્ધાઅસરકારક રીતે રજૂ કરી દીધી છે. નરસિંહને કૃષ્ણપ્રભુએ ઉદ્ધવ અને વિદુર જેવા ભક્તોની કોટિમાં મૂક્યા છે. એ સાથે ભક્ત નરસિંહ ઐતિહાસિક સંદર્ભોથી મુક્ત એવી મિથિકલ ઇમેજનો પરિવેશ ધરતા લાગે છે. નરસિંહ હવે સંસારમાં પાછા આવ્યા છે. ગૃહસ્થાશ્રમ માંડ્યો છે, અને ગૃહસ્થાશ્રમીને પ્રાપ્ત થતાં કર્તવ્યોના એક ભાગરૂપે કુંવરબાઈના મામેરાનો પ્રસંગ તેની સામે આવી ઊભો છે ભક્ત નરસિંહે બધું જ પ્રભુની ઇચ્છા પર છોડી દીધું છે. આ આખ્યાનમાં કથાપ્રસંગો ઓછા છે. ભગવાને મામેરું પૂર્યું તે સાથે આખ્યાન પૂરું કરવામાં આવ્યું છે. અને બાકીનાં કડવાંઓમાં પ્રેમાનંદ ફરીફરીને નરસિંહની અચળ શ્રદ્ધાભક્તિ અને ભગવાનના આશ્રયનું પોતાના શ્રોતાઓને સ્મરણ આપતા રહે છે. જેમ કે ‘વિશ્વભર પૂરું પાડે અન્ન, વિશ્વાસ ઘણો મહેતાને મન’ (૩૪), ‘વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથજી’ (૪ઃ ૧), ‘જો રૂડો દિવસ આવ્યો, દીકરી! તો મોસાળુ કરશે શ્રી હિર’ (૫ઃ ૧૮), ‘મહેતાજી કહેઃ પુત્રી મારી! છો વૈષ્ણવની કુમાર રે/તારે મારે ચિંતા શાની? મોસાળુ કરશે શ્રી મોરાર રે’ (૧૦ઃ ૬) વગેરે. ૧ર મા કડવામાં ભક્ત નરસિંહનો કૃષ્ણપ્રભુમાં અટળ વિશ્વાસ વિશેષ વિનંતિરૂપે પ્રગટ થયો છે. પૂર્વે સૌ ભક્તોને તેમણે-આપત્તિમાં સહાય કરી હતી તેનું જાણે કે પ્રભુને સ્મરણ આપે છે. પુરાણાદિમાં પ્રચલિત ભક્ત ચરિત્રોમાંથી કેટલાંકનો ઉલ્લેખ પણ તે કરે છે.

ઘણો દોહિલો લોકાચાર, લજ્જા રાખજો આણીવાર
શું કરશે પતિત સંસાર, જો મુજને તારો આધાર? (૬)
તમે પ્રતિપાળો પોતાનો દાસ, તે માટે મુજને વિશ્વાસઃ
અંબરીષનો નિવાર્યો ત્રાસ, તમે ભોગવ્યો ગર્ભવાસ (૭)
લીધો મચ્છ તણો અવતાર, શંખાસુર કીધો સંહાર;
કચ્છપરૂપ લીધું, મોરાર! રત્ન ચૌદ તમે કાઢ્યાં બાર; (૮)
હિરણ્યાક્ષ દૈત્યને નાખ્યો કાપી, ધરા ઠામ કરીને થાપી;
અજામેલ સરખો જે પાપી, પુત્ર-નામે સદ્ગતિ આપી (૯)
પ્રહ્‌લાદની દોહિલી જાણી વેળા, પરમેશ્વર! પ્રગટ થયા હેલા,
ધ્રુવનો જનમ-મરણ-ભય હર્યો અવિચલ પોતા સરખો કર્યો. (૧૦)

આ રીતે આ કડવામાં ભગવાનના જુદા જુદા અવતારોનાં લોકોત્તર કાર્યો અને ભક્તજનોની વહારનાં દૃષ્ટાંતો રજૂ થયાં છેઃ પુરાણકાળની ધર્મભાવના અને ઈશ્વરશ્રદ્ધાનું એ સર્વ દૃષ્ટાંતોમાં ગૂંજન ચાલે છે. મધ્યકાલનો શ્રોતાવર્ગ સહજ જ એ આખી પૌરાણિક પરંપરાઓમાં સહભાગી બને છે. તે સાથે નરસિંહની ઇશ્વરશ્રદ્ધા અને ભક્તિભાવના તેના હૃદયમાં સહજ દઢીભૂત બને છે. સદીઓ સુધી આપણા દેશમાં ભક્તિચેતના વ્યાપકપણે પ્રજ્વલિત રહી છે અને સદીઓ સુધી આપણી સંસ્કૃતિ એ ભક્તિચેતનાના જુદા જુદા રંગોમાં રંગાતી રહી છે. ‘મામેરું’ માં વર્ણવાયેલી ઇશ્વરશ્રદ્ધા અને ભક્તિભાવના એ આપણા પ્રજાના અંતરમાં સદીઓ સુધી ગહનતર સ્તરેથી સ્ફૂરતી રહેલી ભક્તિચેતનાનું પ્રગટીકરણ છે. એ દૃષ્ટિએ ‘મામેરું’માં રજૂ થયેલી નરસિંહની ભક્તિભાવના એ વ્યાપકપણે પ્રજાના અંતરની ભક્તિવૃત્તિનું વિશેષ આવિષ્કરણ છે. અથવા આપણે એમ કહી કે ‘મામેરું’ના ભાવવિશ્વના આધારો પ્રજાની ભક્તિવૃત્તિમાં પડેલા છે. ૧૩ મા કડવામાં પુરુષપુરાણ અને લક્ષ્મીજી દોશી દંપતિના વેશમાં મામેરું કરવા હાજર થાય છે, એ પ્રસંગનું વર્ણન પણ નિકટતાથી જોવા જેવું છે. ભગવાનને પ્રેમાનંદે ‘પુરુષ પુરાણી’, ‘સારંગપાણિ’, જગદીશ’, વિઠ્ઠલ’, જેવી સંજ્ઞાઓથી ઓળખાવ્યા છે. ધર્મવિચારની દીર્ઘ પરંપરા એમાં સૂચવાય છે. પ્રેમાનંદની પ્રસ્તુતીમાં સહજ એક મર્માળી જુક્તિ પડેલી છે. ‘કો ન જાણે ત્રિભુવન ભૂપ રે, વિઠ્ઠલે લીધું વાણિયાનું રૂપ રે!’એ પંક્તિ દ્વારા મામેરાપ્રસંગે એકત્ર થયેલા લોકો પરમેશ્વરને સાચા રૂપમાં ઓળખી શક્યા નહીં એમ તે કહે છે પણ પોતાના શ્રોતાસમૂહને તો સાચેસાચ સ્વયં પ્રભુ પધાર્યા હતા એવા વિશ્વાસમાં લે છે. ભગવાનના વર્ણનનો વિસ્તાર કરતાં પ્રેમાનંદ એમ કહે છેઃ ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, જેને ઉમિયાપતિ આરાધે રે! ન જડે ધ્યાને,દાને, બહુ યોગે રે, તે હિર હીડે અણવાણે પાગે રે’– આ કહી ઇશ્વરપ્રાપ્તિના જુદા જુદા માર્ગોમાં ભક્તિમાર્ગનું માહત્મ્ય ગાય છે. ‘હિર હીડે અણવાણે પાગે’– એ શબ્દો ભગવાન પોતાના ભક્તોની ચિંતા રાખે છે એમ સૂચવે છે. આ કડવામાં લક્ષ્મીજીની ઓળખ આપતી પંક્તિઓ પણ ધ્યાનપાત્ર છે, જડાવ ચૂડો કર ખળકાવે રે, માયા મહેતી રૂપે આવેરે / મોહી સભા અંબાને નિરખી રે, દેવી દીસે વાણિયણ સરખી રે ’ – અહીં વળી લક્ષ્મીજી માટે યોજાયેલા ‘માયા’, ‘અંબા’ અને દેવી’ શબ્દો તેમની વિશ્વપ્રકૃતિ રૂપ સત્તાનો નિર્દેશ કરે છે. આવો દરેક શબ્દ આપણા ધર્મપુરાણની વિભિન્ન વિચારણાઓને લક્ષે છે. એ સાથે રિલિઝિયસ-મિથિકલ રિયાલિટીનો આગવો સંદર્ભ ઊપસતો રહે છે. આખ્યાનોની સૃષ્ટિ વ્યાપકપણે ધાર્મિક પૌરાણિક અર્થસાહચર્યો જગાડતી ભાષાથી રચાયેલી છે. પણ ‘મામેરું’કેવળ ધર્મકથા નહીં, સંસારકથાય છે. મામેરાના પ્રસંગ નિમિત્તે કુંવરબાઈના સાસરિયાનું માનસ, તેમની સ્વભાવગત ખાસિયતો, રીતરસમો અને આચારવિચારો વગેરે પ્રેમાનંદે કુશળતાથી વર્ણવ્યું છે. એ સમયનો નાગર સમાજ એ રીતે એમાં પ્રતિબિંબિત થયો છે. નાગરોના માનસનો પ્રેમાનંદને ઊંડો પરિચય હોવાનું જણાય છે. કુંવરબાઈ નાં સાસરિયાં અને બીજા નાગરો નરસિંહની ભક્તિઘેલછાનો ઉપહાસ કરે છે. જોકે બધામાં શ્રીરંગ મહેતા પૂરા સજ્જન છે. નરસિંહને લખેલા પત્રમાં સર્વભક્તના એક વૈષ્ણવ મણિ, સદૈવ કૃપા હોય કેશવ તણી ’ એ રીતે તેમને બિરદાવે છે. જ્યારે અન્ય સૌ અજ્ઞાની જીવ તેમની મશ્કરી કરે છે : છે કુંવરબાઈનો વૈષ્ણવ બાપ, દર્શન કરીને ખોઈએ પાપ’(૫ : ૩) માંહોમાંહે કહે નાગરી મહેતો દીઠો દીઠા હિર’(૫ : ૫) વગેરે. આપણા પહેલા વિચક્ષણ વિવેચક નવલરામ પંડચાએ આ રચના વિશે કહ્યું હતુંઃ જગત ભગતની રીત એકબીજાથી કેવળ ઊલટી છે; અને એ ઉલટાપણું જ કુશળ વિના હાથમાં એક નવીન રસનું સાધન છે.’ (‘પ્રેમાનંદકૃત કુંવરબાઈ નું મામેરું’, સ્વાધ્યાયશ્રેણીઃ પૃ. ૧૭). નરસિંહનો આત્મા જે પુરાણ પુરુષની ઝાંખી કરવા સમર્થ બન્યો છે, અને જેની સંમુખ પૂર્ણ આત્મસમર્પણ કર્યું છે તેને સંસારજનો પહેલાં તો અજ્ઞાનનાં પડળ કારણે ઓળખી શકતાં નથી. પણ પ્રભુએ પોતે મામેરું પૂર્યું એ ઘટનાના સાક્ષી બન્યા પછી--“મહેતાને સહુ પાયે લાગે, ભક્તિ સાચી જાણી જી’એવી સુખદ પરિસ્થિતિ નિર્માણ થાય છે, પણ, આખ્યાનકાર પ્રેમાનંદની વિશેષતા માનવહૈયાના સૂક્ષ્મ લાગણીઓના નિરૂપણમાં પ્રગટ થાય છે. કુંવરબાઇના હૃદય જીવનને પ્રેમાનંદે ઘણી અસરકારક રીતે વર્ણવ્યું છે. પિતાની પ્રભુભક્તિને સમજતી છતાં મામેરાના પ્રસંગે તેના અંતરમાં ઉદાસી છવાઈ જાયે છે. પ્રભુ મોસાળું કરશે એવી શ્રદ્ધા નરસિંહ પ્રગટ કરે છે ત્યારે કુંવરબાઈ કંઈક સંશયમાં પડી જાય છે. માતા આજે હયાત નથી એ દુઃખદ સ્મરણ સાથે તેનું હૃદય લગભગ ભાંગી જાય છે. પ્રેમાનંદે કુંવરબાઈ ના અંતરના લાગણીપ્રવાહને ઘૂંટ્યો છે. પણ એ સાથે પિતા પ્રતિ તેની આદરભક્તિ અને સ્વાભિમાન પણ પ્રસંગે પ્રકટ્યાં છે. વળી કુંવરબાઈ પ્રત્યે નરસિંહના અંતરનું ઉત્કટ વાત્સલ્ય પણ એટલું જ હૃદયસ્પર્શી બન્યું છે. સીમંતિની કુંવરબાઈને મ્હેણાંટોણાં મારી સાસુ તેના ભાવાર્દ ઉચ્ચારણથી દ્રવી જાય છે તે પ્રસંગ એટલો જ અસરકારક છે. માનવસ્વભાવના ખૂણાખાંચા પકડવામાં તેમ દરેક પ્રસંગે હૃદયનાં લાગણીપ્રવાહોને સૂક્ષ્મતર છટાઓ સમેત પ્રત્યક્ષ કરવામાં પ્રેમાનંદ કેવી વિરલ અંતરદૃષ્ટિ પ્રકટાવે છે તેનું ઉત્તમ નિદર્શન મામેરું ’ છે. હાસ્યવિનોદની પરિસ્થિતિ ભક્ત નરસિંહના વ્યવહારમાંથી નિપજાવી આપે છે. પણ હાસ્ય કરુણાદિ રસો, અંતે, ભક્તિરસમાં વિરમે છે. ‘મામેરું’નાં વિશ્વમાં સંસારજીવનનું સુરેખ અને પ્રભાવક ચિત્રણ છે. પણ એમાં રજૂ થયેલી ભક્તકથા સહજ જ ધાર્મિક પૌરાણિક વિશ્વમાં વિસ્તરે છે. અને ભારતીય જીવનદર્શનની મુખ્ય ધારાને લક્ષમાં લઈએ તો સંસારીઓનો માયાલોક અંતે મિથ્યા છે : પરમ વાસ્તવિકતા એ માયાલોકને અતિક્રમી જાય છે. પ્રેમાનંદનાં બીજાં આખ્યાનોમાં પણ આ જ વસ્તુધ્વનિ જુદા જુદા વૃત્તાંતો નિમિત્તે જુદી જુદી રીતે રણકતો રહ્યો છે. મારી આ વિચારણામાં તમે કેટલાં સંમત થાઓ તે હું જાણતો નથીઃ માત્ર મારા મનમાં આજની ક્ષણે જન્મેલા વિચારોને કંઈક વ્યવસ્થિત કરવાનો અને તેને સમજવાનો આ નમ્ર પ્રયત્ન છે એટલું જ મને અભિપ્રેત છે. તમારી સૌની કુશળતા પ્રાર્થુ છું. લિ. શુભેચ્છક પ્રમોદકુમારના પ્રણામ<બ્ર્>

* ‘ફાર્બસસભા ત્રૈમાસિક’એપ્રિલ-જૂન ૧૯૯૬

* * *