અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
લાભશંકર ઠાકર
ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે, ઊંઘણશી.
તડકામાં સોનેરી રસ્તે ચહલપહલ ઘનઘેરી ઊંચકી
ઉપર નીચે આગળ પાછળ સડસડાટમાં
તનમાં મનમાં અવળ સવળ અંધારા વનમાં
દોડે છે હણહણતી લઈને ઇચ્છાઓ અણદીઠી રે, ઊંઘણશી.
વાતચીત કરતા પડછાયા
સાવ સમીપની નિત્ય પરિચિત શૈશવની અંધારસુંવાળી
સ્પર્શગલી વાંકીચૂકીમાં
બચ બચ બચ તત્પરતા અડતાં, સ્પર્શ ઊઘડતાં
અપારદર્શક એકાંતોમાં
ચસ ચસ ચૂસતા તગ તગ રંગ મજીઠી રે, ઊંઘણશી.
સદીઓના ઓળાઓ અમૃત
રેબઝેબ ભીડોમાં સંકુલ અર્થછાંયડે ઇતિહાસોના, ઉભડક બેસી
ક્લોઝઅપમાં ચોળે છે,
અર્ધનગ્ન ભાષાના અંગે — શ્વેત શ્યામમાં —
તડકાતી પીત પીઠી રે, ઊંઘણશી.
ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે. ઊંઘણશી.
(૧)
૧૫મી સદીમાં મહેતાજીએ લખ્યું : ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં.’ અને આખો સમાજ લમણે હાથ દઈને બેસી ગયો કે આ મહેતાજી કેવા? જેને જાગ્યા પછી ન દેખાય અને ઊંઘે ત્યારે અટપટા ભોગ ભાસ્યા કરે! ‘અરે મહેતાજી તમે તે વળી કેવા?’ પણ મહેતાજીને ‘ઊંઘ’ અને ‘જાગૃતિ’ કંઈક જુદા જ અર્થમાં અભિપ્રેત હતી. એટલે મહેતાજીએ કહ્યું : ‘અમે એવા રે વળી એવા’ — પૂરો આધુનિક — નફકરો — એ સમયને સહન ન થાય તેવો નખશિખ તેજસ્વી મિજાજ…
(૨)
૫૦૦ વરસ પછી ઠાકર લખે છે : ‘ઊંઘી ગયા છે ટેવ ભર્યા રે ઊંઘણશી’ — અહીં પણ વાત ઊંઘની જ છે. ‘અટપટા ભોગ’વાળી ઊંઘની. પણ પહેલી પંક્તિમાં તો સમાજને વાંધો ન હોય. ઊંઘવાની ટેવ હોય… ઘણાંને… મોટાભાગનાને… એટલે પંક્તિ સાંભળી ઝબકી જઈને એ સુખેથી માથા ડોલાવે ને ફરી પાછા ઝોલે ચડી જાય… ‘‘ભૈ, બઉ સારુ’’ — બોલતાં બોલતાં. પણ ઠાકર કૈં આટલેથી અટકે નહીં. એટલે બખડજંતર શરૂ. માને જ નહીં ને આ અસ્સલ ૧૫મી સદીના મહેતા જેવા મિજાજના ઠાકર… નર-સિંહની જેમ એ ડણકે… ‘‘ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે…’’ આખો સમાજ ચોંકે. આ ઊંઘ વળી કેવી? છતરી પલંગ- વાળી તો નંઈ જ લાગતી હેં ને યોગેસ ભૈ??? આ ઊંઘ તો ભાષામાં. ‘બબડતા બોર વેચતા શહેર આખાની ભાષામાં. અહીં સવાલો ઊઠવા માંડે. પેલા મહેતાની ઊંઘ તો અંગત પ્રતીતિવાળી. જેવી બિનંગત બને કે દરેક ભાવક — ‘પોતાને પણ આવું ક્યારેક ક્યારેક થાય છે’ — એમ વિચારીને સંમત થઈ જાય. પણ ઠાકરની આ ‘ઊંઘ’વાળી વાત જુદી જ… તદ્દન બિનંગત. મોઢું કટાણું થઈ જાય તેવા કડવા ઔષધ સમી. આખા સમાજની ચિકિત્સા કરનારી. એટલે સવાલો ઊઠવા માંડે. ઊંઘણશી કોણ? ભાષામાં ઊંઘવાનું? અને આ ટેવ વળી ક્યારથી પડી? આ બધું છે શું???
(૩)
જાત અને જગતની — ચીરી નાખે તેવી નિર્મમ તપાસ એ ઠાકરની જૂની ‘ટેવ’ છે. અહીં ‘ઊંઘણશી’, ‘ટેવ’ અને ‘ભાષામાં ઊંઘવું’ — આ ત્રણેય બાબત જરા જુદી રીતે જોવી પડે. અહીં પહેલો સવાલ કે ઊંઘણશી કોણ? ઠાકર બે દિશામાં તીર છોડે છે. એક તો ટોળાં અવાજ અને ઘોંઘાટથી સંપૃક્ત એવી માનવચેતના — માનવજાત… અને બીજા પલાયનવાદી કવિજન… આવા ઊંઘણશી ભાષાની છલના આદરે છે. ભાષામાં ઊંઘી જવાની ટેવ છે. એક આખો સમૂહ ઘેનમાં સરી પડ્યો છે.
મોં ભાંગીનાખે તેવી મધમીઠી આશાઓ સાથેની, જાતને છેતરતી છેતરતી અને પાછી એને જ પોતાની સાચી ઓળખ માનતી માનવચેતનાની દુખતી રગ પર ઠાકર હાથ મૂકે છે. સાચી ઓળખ ક્યાં? અપાર કુતૂહલ છે ઠાકરને કે ‘તળિયે’ શું હશે? એક તરફ ઊંડાં જળ છે અને બીજી તરફ કાણી ડોલ જેવી ભાષા લઈને તેને ઉલેચવા મથતો કવિ… ઉપરથી વિશેષણો ઓઢીને સૂઈ ગયેલા શબ્દનું છટકિયાળપણું… માનવચેતના અને ભાષા બંનેની ન પકડાતી ઓળખ છતી કરવાની, એની ચેતનાના અંધારા પાણીને ઉલેચવાની મથામણ ઠાકર કોરા કાગળમાં બૂમ પાડીને બહુ પહેલેથી માંડી બેઠા છે. વળી બીજી તરફ માનવ અને ભાષાનું સાચું ‘ઋત’ તાગવામાં ઊણા ઊતરતાં અને મોટેભાગે અવરોધરૂપ બનતા રંગદર્શી વલણોને પણ તેઓ ૧૭મી સદીવાળા અખાજીના કાફલાના મુસાફર બની ચાબખા મારતા રહ્યા છે. આ બધી મથામણોથી તેમનું જ પોતીકું દર્શન ઘડાયું છે તે આ ધ્રુવપંક્તિમાં પ્રગટે છે.
(૪)
પંડિતો એવું પણ કહી ગયા છે કે ઘણી કવિતાની પ્રારંભની પંક્તિ જ એનું ચાલકબળ હોય. પછી તો એને અનુમોદન આપતી પંક્તિઓ સર્જક પોતાના વિતથી સર્જે. અહીં પણ એમ જ થાય છે. ટટ્ટાર, ભલે ધારદાર હોય, સહેવાય નહીં તેવું હોય કે પછી ગમે તેવું હોય — માનવસમાજનું — સંસ્કૃતિના સાચા અસ્તિત્વની ઝંખના સેવવાને બદલે ભાષામાં પ્રપંચ આદર્યાં જ કર્યાં છે, પાછા મધમીઠી આશાઓ લઈને બેઠાં છે. સંપ્રજ્ઞ આધુનિક કવિનું આ ‘દર્શન’ છે. ભાવકને ઠાકરનાં આ કટાક્ષની ઝાંય સ્પર્શે ત્યારે પોતાના જ દૂઝતા ઘાવ ચાટતા જીભ પર જે ત્રમત્રમાટ થાય તેવું કશુંક અહીં અનુભવાય છે. ઊંઘના માર્ગે આદરેલી છલના, unbearable lightness of being — અસ્તિત્વની આ અસહ્ય એવી હળવાશમાં રાચતી કવિચેતના — સમાજચેતના તરફ ઠાકરે લયની હળવાશથી ચાબખો માર્યો છે. ધ્રુવપંક્તિમાં અને પછી આખી કવિતામાં આવતો ‘રે’ પૂરક કાંઈ લય સંધાન કરતો લહેકો નથી. કવિઓ અને સમાજ બંનેની ખીલ્લી ઉડાડતા ઠાકરનું શબ્દચિત્ર છે.
(૫)
ધ્રુવપંક્તિ પછીનાં ત્રણ દૃશ્યો ઊંઘનો વિસ્તાર છે. દ્રષ્ટા બનીને ઠાકર એ વિસ્તાર નિરૂપે છે. દરેક દૃશ્યની અંતિમ પંક્તિ તારણ આપે છે. ત્રણેય દૃશ્યોના છેલ્લા ચરણને જોઈએ –
૧. ‘દોડે છે હણહણતી લઈને ઇચ્છાઓ અણદીઠી રે…’
૨. ચસચસ ચૂસતા રંગ મજીઠી રે…
૩. તડકાતી પીત પીઠી રે…
આ ત્રણેય દૃશ્યો અને અંતિમ ચરણમાં તેનું તારણ ભાષાનાં પુંસક, ઓજસ ભર્યા અને રવાનુકારી અનુભવ વડે ઊંઘના વિસ્તારને પ્રત્યક્ષ કરે છે.
(૬)
આખું કાવ્ય ચાર ક્રિયાપદ પર ઊભું છે. ‘ઊંઘે છે’, ‘દોડે છે’, ‘ચૂસે છે’ અને ‘ચોળે છે.’ આ ક્રિયાપદના માર્ગે કાવ્યમાં પ્રવેશી શકાય. ઊંઘણશી દોડે છે હણહણતી ઇચ્છાઓ લઈને. તીવ્ર ગતિશીલ ચિત્ર અહીં મુકાય છે. ચોતરફ ઇચ્છાઓનો — ન દેખાતી, માત્ર અનુભવાતી ઇચ્છાઓનો — કશુંક પામવાનો હણહણાટ તગતગતા તડકાથી લઈને અવળસવળ અંધારિયા તનમનના વન સુધી ફરી વળ્યો છે. ઘનઘેરી ‘ચહલપહલ’થી લઈને છેક આદિમ વૃત્તિઓ સુધી વિસ્તરતી ઇચ્છા-દોટ દૃશ્યશ્રાવ્ય કલ્પનો દ્વારા પ્રત્યક્ષ થાય છે. આપણે હજી તો તડકાના સોનેરી રંગે અંજાઈએ ત્યાં તો અવળસવળ અમળાતું અંધારું વન અનુભવાય અને પાર્શ્વભૂમાં અશ્વનો — તેજ તર્રાર તોખારનો હણહણાટ તો પાર્શ્વભૂમાં સંભળાતો જ હોય… આ સેળભેળ થયેલી આમતેમ ફેંકાતી — આથડ્યા કરતી આખી માનવજાત એની સંસ્કૃતિ, છલના અને સાથોસાથ કવિચેતના… અને છેલ્લે ઠાકરની આગવી ઠેક — ‘રે ઊંઘણશી!!!’
બીજો અંતરો ‘ચૂસે છે’ — ક્રિયાપદવાળો… આધુનિકતાનો શરીરી સ્પર્શ — ‘ચૂસે છે’ અને ‘ચોળે છે’ ક્રિયાપદોમાં અનુભવાય… તીવ્ર આધુનિક બોધ આરંભે જ થાય. ‘વાતચીત કરતા પડછાયા.’ મૂળ આકારો ક્યાં? ચહેરા — ઓળખ ગુમાવી બેસેલું જગત… એની પલાયનવૃત્તિ ચૂસ્યા કરે શૈશવની સ્પર્શગલીને. ભૂતકાળને ધાવતાં — સંતોષમાની જીવ્યે જતાં ઊંઘણશીઓ પહેલા અંતરામાં વર્તમાનનું બેલગામ ગતિશીલ હણહણતું ચિત્ર અને બીજામાં ભૂતકાળમાં સરી સરી પોતપોતાના શૈશવને ‘બચબચબચ’ ચૂસતાં પ્રલાયનવૃત્તિ ધરાવે છે. જે પારદર્શક નથી, જેને રંગદર્શી બનાવી રજૂ કરવાની ટેવ પડી ગઈ છે. અહીં ભૂતકાળમાં રાચ્યા કરતાં, બચકારા કરતા કવિ જીવો પર પણ ઠાકર ‘છટ્’ કહીને તાતું તીર છોડે છે.
ત્રીજામાં વિસ્તાર છે. આરંભે પુછાયેલો ‘ત્રીજો પ્રશ્ન’ આ ટેવ વળી ક્યારથી પડી છે?- નો જવાબ. ઠાકર અહીં સ્પષ્ટ રીતે ત્રાટકે છે.
‘સદીઓના ઓળાઓ અમૃત રેબઝેબ’ ઓળખ ગુમાવી બેઠેલી આ કહેવાતી સંસ્કૃતિ યાંત્રિક, અર્થહીન, પરિણામ સુધી ન પહોંચી વૃત્તિ-પ્રવૃત્તિનું એક સુરીલું ગાન આદરી બેઠી છે. ઇતિહાસનું શરણ લઈ પોતાની સંકુલતા પામવા ઇચ્છે છે… સદીઓને ‘ક્લોઝ-અપ’માં લાવી ચોળે છે. અધખુલ્લો બીભત્સ એવો ભાષાચાર આદરે છે… અધકચરી, ઉપરછલ્લી, રંગદર્શી, મોં ભાંગી નાખે તેવી ગળચટ્ટી અભિવ્યક્તિ ક્યારેય પૂર્ણતા પ્રગટાવી શકતી નથી. કારણ કે ‘ઉભડક’ ચોળે છે.. સંકુલતાને પામ્યા વિના… સંકુલ ઓળખને નિરાંતે નહીં પણ ઉભડક રીતે ભાષામાં ‘ચોળ્યાં’ કરતી કવિઓની જગત અને સંસ્કૃતિની વંચના કર્યા કરતી… ઘેનમાં રહી સારા ચિત્તને ક્યારેય ન પામી શકેલી માનવજાત… અર્થહીનતાને જન્મ આપે છે. અધખૂલી ભાષામાં ન પકડાતા અસ્તિત્વને, પોતે બરોબર સમજી-ઉતારી શકી છે. એવી છલનાની ઊંઘ આદરનારા આખી વાત અર્થહીન બનાવી દે છે. શ્વેત-શ્યામમાં ‘તડકાતી પીત પીઠી’ — આંજી નાખે તેવો રંગ ઢોળી નાખે છે…
(૭)
Black humour (કાળું હાસ્ય) આધુનિક સર્જકનું સબળ હથિયાર છે. એ હથિયારનો સમુચિત ઉપયોગ થાય ત્યારે પરિણામ પણ ધારદાર આવે. ઠાકર આ કવિતામાં તો એનો યોગ્ય ઉપયોગ કરી શક્યા છે. વળી ઊંઘ અને એ ઊંઘની જુદી વ્યંજકતા… અહીં ‘જાગૃતિ’ જ ઊંઘ છે. રંગદર્શી-પાણીપોચી-ઘેનભરી શબ્દછલના કર્યા કરતા કવિજનો પરનો સોંસરો ઊતરી જાય તેવો કટાક્ષ કાવ્યનું એક સંરચન છે તો બીજું સંરચન આ સાંસ્કૃતિક છલનાનું છે. ઊંઘ અને ક્રિયાશીલ જાગ્રત વિશ્વ એકમેકમાં ભળે છે… બે વિરોધી બાબતોની સેળભેળ કાવ્યમાં એક તણાવ, આંતરવિરોધ રચે છે… ગતિશીલ દૃશ્યશ્રાવ્ય કલ્પનો તો અત્યંત જાગ્રત ક્રિયાશીલ જગત નિરૂપે છે પણ અંતે આવતી ઠેક — રે ઊંઘણશી. આખી વાતને પૂરેપૂરી પલટાવી દે છે. વળી ધ્રુવપંક્તિના ઉત્તરાર્ધ વ્યંજકતા છે તે અહીં ઉફરાં-તેજતર્રાર — મહેતાની જેમ જ આખા સમાજને ચોંકાવી દેતા, તેની દુ:ખતી નસ દબાવતા નખશિખ આધુનિક સર્જક ઠાકરને છાજે તેવી કાવ્યાત્મક છે. અહીં એમ કહેવાનો આશય નથી કે આ રચના કવિની સર્વોત્કૃષ્ટ રચના છે પરંતુ વર્ષોથી તેમની આ સંસ્કૃતિ, સમાજ, ભાષા અને રંગદર્શી કવિજનો તરફની જે તીવ્ર શંકા છે, પોતીકું દર્શન છે તેની કાવ્યાત્મક પ્રતીતિ કરાવતી એક આસ્વાદ્ય રચના છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)