અવલોકન-વિશ્વ/ગુજરાતી ભાષા શીખવાનો એક ઉપયોગ સંદર્ભગ્રંથ – નરેશ વેદ
Charutar University, Changa, Gujarat, 2016
તેમના વડીલો અવારનવાર આપણા દેશમાં આવતા રહે છે, બે ત્રણ માસ પોતાના વતનમાં સ્વજનો અને સ્નેહીઓ વચ્ચે રહે છે અને પાછા વિદેશમાં પરત ચાલ્યા જાય છે. તેઓ એવું જરૂર ઇચ્છે છે કે એમનાં સંતાનોનો સંબંધ આપણા દેશના લોકો સાથે, પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે બંધાયેલો રહે; તેઓ પોતાની માતૃભાષા વાંચી, લખી અને સમજી શકે.
આવા બિનનિવાસી ભારતીયોનો બહુ સ્વાભાવિક રીતે, ગુજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવવાનો ઇરાદો હોય છે. આવું પુસ્તક અંગ્રેજી ભાષા દ્વારા ગુજરાતી ભાષાનું કામચલાઉ જ્ઞાન આપે એવું હોવું જોઈએ. પરંતુ આજ સુધી આ જાતનું કોઈ અધિકૃત પુસ્તક ઉપલબ્ધ ન હતું. આવું પુસ્તક એવા લેખક જ તૈયાર કરી શકે જેમનો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓ પર એકસમાન અધિકાર હોય અને જાગતિક કક્ષાએ વસેલા અને કામચલાઉ જ્ઞાન મેળવવા ઉત્સુકો માટે પ્રારંભિક પ્રકારનું પુસ્તક અંગ્રેજી ભાષામાં લખી શકે એવો કાબૂ હોય, જેમને ગુજરાતી ભાષાની અભિવ્યંજના-શક્તિ અને ગુજરાતી ભાષાના વ્યાકરણનો પૂરો પરિચય હોય.
આ પુસ્તકનાં લેખક વેણુ મહેતા આવી અધિકારી વ્યક્તિ છે. તેઓ મધ્ય ગુજરાતમાં આવેલી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજીમાં ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોસ્યલ સાયન્સીસમાં આસિસ્ટંટ પ્રોફેસર છે. તેઓ અંગ્રેજી ભાષાસાહિત્યના વિષય સાથે એમ. એ. થયેલાં છે. અને અંગ્રેજી મેથડ લઈને બી. એડ. તથા એમ. એડ. પણ થયેલાં છે. ફુલબ્રાઈટ સ્કોલર તરીકે તેઓ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં અંગ્રેજી માધ્યમ દ્વારા ગુજરાતી ભાષાના વાચન-લેખ કૌશલ્યનું અધ્યાપન-કાર્ય કરી આવેલાં છે. તેમને જેટલો રસ સાહિત્ય અને સંસ્કૃતિમાં છે, તેટલો જ રસ ભાષાના અધ્યાપનમાં અને તુલનાત્મક સાહિત્યાધ્યયનમાં પણ છે. મલ્ટીકલ્ચરાલિઝમ, લિટરેચર એજ્યુકેશન અને ગુજરાતી ભાષાના અધ્યયન-સંશોધનમાં એમની વિશેષ રુચિ છે. મલ્ટીકલ્ચરાલિઝમ અને લિટરેચર એજ્યુકેશનમાં એમણે એમની ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે, હાલ તેઓ યુએસએ મિયામી રાજ્યમાં ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં રિલિજિયસ સ્ટડીઝમાં પોતાની બીજી અનુસ્નાતક પદવી માટે અધ્યયન કરી રહ્યાં છે. વંદના મહેતાનું આ પુસ્તક ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી (ચારૂસેટ) ચાંગાએ, એ પ્રગટ કર્યું છે.
આ પુસ્તક ગુજરાતી ભાષા શીખવા ઉત્સુક પ્રારંભકો (બીગીનર્સ) માટે તૈયાર કર્યુ હોવાથી, પ્રથમ તેમણે ગુજરાતી પ્રજાનો આછો પરિચય આપી, ગુજરાતી લિપિ અને ભાષાના ઉદ્ગમ અને વિકાસની આછી રૂપરેખા આપી છે. પછી ગુજરાતી વર્ણો ગ્રાફિક્સ સાથે સમજાવી, ગુજરાતી લિપિ અને લેખન વિશે માર્ગદર્શન રૂપની વાત કરી છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ, એની વાક્યરચના, એના સ્વર-વ્યંજનો, એના ઉભયાન્વયી અવ્યવો, એનો પદક્રમ, એની વાક્યરચના, એમાં નામ, જાતિ, વચન, સંખ્યા, લિંગવ્યવસ્થા અને કાળવ્યવસ્થા, એની ઉચ્ચારણ પ્રક્રિયા, એનાં ક્રિયાપદો અને ક્રિયાવિશેષણો – એમ ગુજરાતી વ્યાકરણની ખપજોગી વિગતો અંગ્રેજી માધ્યમથી એવી સહેલાઈથી સમજાવી છે કે શીખનારને એ અઘરું ન લાગે. ત્યાર બાદ રોજબરોજના જીવનવ્યવહારમાં ગુજરાતી ભાષાનો વિનિયોગ કેવી રીતે કરી શકાય એ સમજાવવા માટે એમણે કેટલાક પ્રસંગોનો સહારો લઈને સમજાવટ કરી છે. જેમકે, પોતાના પરિવારનો પરિચય કરાવતાં, શાકભાજી અને ફળફળાદિ ખરીદતાં, જરૂરિયાતોની અભિવ્યક્તિઓમાં, યાત્રાપ્રવાસમાં, મેળાઓમાં, રોજ-બ-રોજ થતાં વાર્તાલાપમાં ગુજરાતી ભાષાનો વિનિયોગ કેવી રીતે થાય છે તે તેમણે સદૃષ્ટાંત સમજાવ્યું છે.
આ ઉપરાંત,ગુજરાતી ભાષામાં પોતાના શોખની, સમયની, કારકિર્દીની, ખોરાક અને રસોઈની, રોગ અને ઉપચારની, રીતભાત અને વસ્ત્રપરિધાન વગેરેની અભિવ્યક્તિ કઈ રીતે થઈ શકે, તે સમજાવ્યું છે. ગુજરાતી ભાષામાં લિંગ અને વચનની વિલક્ષણતા કેવી હોય છે, હકારાત્મક અને નકારાત્મક વાક્યો કેવી રીતે બનાવાય, વિશેષણો અને ક્રિયાવિશેષણો કેવી રીતે યોજાય, કમ્પાઉન્ડ વર્બ અને રીફ્લેક્સીવ પ્રોનાઉન્સનો ઉપયોગ કેવી રીતે થાય – એ બધું પણ એમણે આ પુસ્તકમાં બતાવ્યું છે. આ બધી સમજાવટ લેખક ઉદાહરણો સાથે એવી રીતે કરી શકે છે કે શીખનારને વ્યાકરણ શીખી રહ્યાનો ન અહેસાસ થાય, ન કંટાળો આવે. દૈનિક જીવનમાં ગુજરાતી ભાષાના વાગ્વ્યવહારની જે આગવી તરાહ છે તે એવી રીતે સમજાવી છે કે જરાય દુર્બોધ ન બને.
વળી, પ્રત્યેક લેસનને અંતે, શીખનાર પોતાની જાતે કેટલુંક શીખી શકે એ માટેની એક્સરસાઇઝ પણ મૂકવામાં આવી છે. ગુજરાતી ભાષામાં વાક્યરચનાનું માળખું અંગ્રેજી ભાષાથી જુદું છે. એમાં હ્રસ્વ અને દીર્ઘ સ્વરો, જોડાક્ષરો એનાં ચિહ્નો (marks) વગેરે બધું ચિત્રો અને ગ્રાફિક્સની મદદથી સ્પષ્ટ કરી આપ્યું છે. ડોક્ટર સાથે કેવી રીતે એપોઇન્ટમેન્ટ નક્કી કરીને વાતચીત કરાય, મિત્રોને નિમંત્રણ આપતી વખતે કેવી રીતે વાત કરાય, રેસ્ટોરન્ટમાં ઓર્ડર કેવી રીતે અપાય, ભવિષ્યકાળમાં વાતચીત કેવી રીતે કરી શકાય – એ બધી બાબતો એમણે ઉદાહરણો સાથે સમજાવી છે.
સમગ્ર રીતે જોતાં એમ કહી શકાય કે વિદેશોમાં વસતાં, ગુજરાતી ભાષા ન જાણતાં, પણ જાણવા ઇચ્છતાં પ્રારંભકોને અંગ્રેજી ભાષાના માધ્યમથી ગુજરાતી ભાષા શીખવતું આ એક ઉપયોગી પુસ્તક છે. આ પુસ્તક તૈયાર કરવામાં લેખિકાને ઇન્ડિયાના યુનિવર્સિટી ખાતે બિન-ગુજરાતી ભાષીઓને ગુજરાતી ભાષા, અંગ્રેજી માધ્યમથી શીખવવાનો અનુભવ ઉપયોગી થયો છે. લેખિકાએ એનાં મૂતિર્કલ્પન અને શિલ્પવિધાનમાં જે સૂઝબૂઝ દાખવી છે તે અભિનંદનીય છે.
નરેશ વેદ
વિવેચક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક,
સ. પ. યુનિવર્સિટી,
વલ્લભવિદ્યાનગર.
nareshlved@gmail.com
9727333000