આંગણું અને પરસાળ/ચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંદ્ર

કોઈ એમ પૂછે કે તમે ચંદ્રનાં, આખા માસનાં વિવિધ રૂપો જોયાં છે? – તો કદાચ આપણે સ્હેજ ખમચાઈ જઈએ. એ જોઈએ ત્યારે ખાતરી થાય છે કે ચંદ્ર કળાકાર છે, વિવિધ કળાઓ કરનાર. પ્રતિપદાથી પૂર્ણિમા સુધી એની કેવીકેવી આકારછટાઓ જોવા મળે છે! રાત્રે જ નહીં, દિવસે પણ એની વિવિધ છટાઓવાળી હાજરી હોય છે. પણ સૂર્યના ચક્રવર્તી સામ્રાજ્યમાં એને જરીક ધ્યાનથી ખોળવો પડે. ચંદ્ર રાતનો રાજા. પણ કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે દિવસે તો એ વાસી રોટલાના ટુકડા જેવો એક ખૂણે પડ્યો હોય છે. પણ મને વળી એ કંઈક જુદો લાગે છે – મને તો એ, એક તરફ શાંત ચિત્તે બેસીને, પૃથ્વીને ઝીણવટથી જોતા કોઈ ચિંતક જેવો લાગ્યો છે. હા, આપણે દિવસે તો એને ઝીણવટથી જ જોવો પડે અને કલાકારમાં હોય એવી બહુરૂપતા, સંકુલતા, પણ એનામાં છે. એકમથી પૂનમ એમ કહીએ એટલે વાત પૂરી થઈ જતી નથી. અરે, બધી પૂનમ પણ ક્યાં એકસરખી હોય છે? પૂર્ણચંદ્રનાં પણ કેવાં વૈવિધ્યો છે એ તો, કવિતાની જેમ એની અંદર ઊતરીએ ત્યારે જ પરખાય. માગશરની પૂનમ, ચૈત્રી પૂનમ, આસોની શરદપૂનમ – એ દરેકનાં જુદાંજુદાં રૂપ છે. આપણે માણતાં શીખવું જોઈએ. કોની પાસેથી? ચંદ્ર પાસેથી જ તો! અને હા, કવિઓ પાસેથી. ઊંચા પર્વત પરથી પૂર્ણિમાદર્શન કર્યું છે ને કદી? સંસ્કૃતના કવિ માઘે કરેલું અને, પૂર્વ દિશાના સમુદ્રને કિનારે પૂનમના ચંદ્રોદયને જોયો છે? કવિ કાન્તે એવો જોયો કે ચંદ્રનાં આંતરિક રૂપચિત્રો એમની આંખો સામે, સમુદ્રનાં મોજાંની જેમ, ઊછળવા લાગ્યાં :

‘સ્નેહઘન, કુસુમવન, વિમલ પરિમલ ગહન...

અને–

જલધિજલ દલ ઉપર દામિની દમકતી...

પણ આ કાવ્ય પૂરું યાદ કરીએ-ન-કરીએ ત્યાં કવિ ન્હાનાલાલનું ‘શરદપૂનમ’કાવ્ય મનમાં આરંભાઈ જાય. જુઓ એની શરૂઆત –

લજ્જાનમેલું નિજ મંદ પોપચું
કો મુગ્ધ બાલા શરમાતી આવરે
ને શોભી રહે નિર્મલ નેનની લીલા
એવી ઊગી ચંદ્રકલા, ધી..રે ધીરે.

હવે પૂનમમાં તો પૂનમ જોઈ – સ્થૂળભાવે તો બધા કહેવાના, આજે પૂનમ છે. પણ બીજના ચંદ્રમાં પૂનમ? જોઈ છે? પૂર્ણ ચંદ્રનો એક મહિમા છે તો બીજના બંકિમ ચંદ્રનો વળી બીજો મહિમા છે, એની તેજસ્વી વળાંકરેખાનું સૌંદર્ય વળી ઑર છે. એકવાર નજર પડી તો પછી આપણી આંખો અનિમેષ, પલકારા વિનાની, થઈ જાય એવી એની મોહકતા છે. કદાચ એટલે જ કવિ રાજેન્દ્ર શાહે બીજમાં પૂર્ણિમાનું દર્શન કરેલું. ગીતનો ઉપાડ જ વાંચીએ :

તને જોઈ જોઈ તો ય તું અજાણી!
જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી!

અરે, આ તો પ્રેયસીનો મુખચંદ્ર. પણ કવિ કંઈ મુખચંદ્ર એવું બહુ રૂઢ થઈ ગયેલું રૂપક યોજે ખરા? એમણે ઉત્પ્રેક્ષા કરી – જાણે કે પૂનમ, બીજના ઝરૂખે ઝૂકેલી પૂર્ણિમા. ઘૂમટામાંથી દેખાયેલી આછીશી મુખરેખામાં કવિએ પૂર્ણમુખની સુંદરતા કલ્પી લીધી. પણ હવે જોજો બીજના ચંદ્ર તરફ, જરા ઝીણી આંખે, ત્યાં તમને પેલો ઘૂમટો દેખાશે, એકદમ આછી વર્તુળાકાર રેખાવાળો. આમ તો ચંદ્ર એક અવકાશી પદાર્થ છે – પૃથ્વીમાંથી છૂટો પડેલો ઉપગ્રહ. સૂર્યનાં કિરણોને એ ઝીલે છે ને પછી પ્રતિભાસ આપે છે એટલે સૂર્યની ગેરહાજરીમાં રાત્રે એ પૃથ્વી પર શીતળ તેજ ફેંકે છે પણ સૂર્ય પ્રગટ થતાં જ એના તેજ આગળ એ ઝાંખો, ફિક્કો પડી જાય છે. આ ટાઢાબોળ ભૌગોલિક તથ્યને કવિ કાલિદાસે રસિક-મધુર કલ્પનાથી કેવું જીવતું કરી દીધું છે! સાંભળો :

સીતેષુ હર્મ્યેષુ નિશાષુ યોષિતામ્
સુખપ્રસુપ્તાનિ મુખાનિ ચંદ્રમા
વિલોક્ય નૂનમ્ ભ્રૂશમુત્સુકશ્ચિરમ્
નિશાક્ષયે યાતિ હ્રિયેવ પાણ્ડુતામ્

કવિ કહે છે કે ઉનાળાની રાત છે, નગરનાં શ્વેત ભવનો, મકાનો છે; પૂર્ણચંદ્રથી વધુ શ્વેત ને ચળકતી થયેલી એ મકાનોની અગાસીઓ છે; ઉનાળામાં એ અગાસીઓમાં પરિવાર સાથે ગૃહિણીઓ સૂતેલી છે, એમનાં મુખ નિદ્રાસુખથી વધુ સુંદર થયેલાં છે એ જોઈને આકાશમાંનો ચંદ્ર સ્તબ્ધ થઈ જાય છે, આશ્ચર્યવત્ તાકી રહે છે – અરે, આટલું અનુપમ સૌંદર્ય! તો મારી સુંદરતાનો શો અર્થ? એમ, રાત પૂરી થતાંમાં તો એ હીણપતભરી લજ્જાથી ફિક્કો પડી જાય છે. ઓ, કાલિદાસ! તમે શું બતાવ્યું? ચંદ્ર કે સુંદર નારી? ના, ગ્રીષ્મની રાતનું વ્યાપક સૌંદર્ય. આકાશમાંથી, જરાક ઊંચેથી જ જોઈ શકાય એવું સૌંદર્ય. આપણે તો ચંદ્રવર્ષવાળા, ૩૦-૩૦ દિવસના ૧૨ માસ વાળા. ચંદ્રવંશીઓ. તો ચંદ્રવંશીઓએ વરસની કેટલી ચંદ્રકળાઓ માણવાની?

૩૦.૧૧.૨૦૧૧