આંગણે ટહુકે કોયલ/કિનખાબી કાપડાંની કોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૬૮. કિનખાબી કાપડાંની કોર

કિનખાબી કાપડાંની કોર રે રાજ કોયલ બોલે,
હૈડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે.
સસરા મારા લાખના રાજ કોયલ બોલે,
સાસુડી કાળજાની કોર રે રાજ કોયલ બોલે.
કિનખાબી કાપડાંની કોર...
જેઠજી મારા લાખના રાજ કોયલ બોલે,
જેઠાણી જોડાજોડ રાજ કોયલ બોલે.
કિનખાબી કાપડાંની કોર...
દેરજી મારા લાખના રાજ કોયલ બોલે,
દેરાણી લેરાલેર રે રાજ કોયલ બોલે.
કિનખાબી કાપડાંની કોર...
નણંદી મારી નવ લાખની રાજ કોયલ બોલે,
પરણ્યો ચિત્તડાનો ચોર રે રાજ કોયલ બોલે.
કિનખાબી કાપડાંની કોર...

આજે લગ્નપ્રસંગો ખૂબ જ ખર્ચાળ થઇ ગયા છે. ક્યારેક જ્ઞાતિ-સમાજની પરંપરાને લીધે, દેખાદેખીમાં, અન્યોને બતાવી દેવામાં, વાહવાહી કરાવવામાં, સ્ટેટ્સ માટે કે બીજાં કોઈપણ કારણોસર આપણે લગ્નમાં લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. અલંકારો, કપડાં, ભેટસોગાદ, હોટેલ, પાર્ટીપ્લોટ, સુશોભન, છપ્પનભોગ, બ્યૂટીપાર્લર, વીડિયો-ફોટોગ્રાફી, સંગીત-આ બધું મોંઘું છે છતાં આપણે તોતિંગ ખર્ચ કરીએ છીએ, ઠીક છે લોકોને પરવડતું હશે એમ માની લઈએ પણ આપણે આંગણે પગલાં માંડતી વહુરાણી કે આપણી કન્યાને વરેલા જમાઈરાજા આપણે વહાવેલી નાણાંનદીથી ઉપકારવશ થઇ એમના લગ્નને આજીવન યાદ રાખશે એની કોઈ ખાતરી નથી ત્યારે થોડોક ફાલતુ ખર્ચ બચાવીને વહુ કે જમાઈની રક્તતુલા કરીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ, પાણી અને પર્યાવરણ બચાવ, ચક્ષુદાન, અંગદાનનો પ્રચાર કરીએ, જીવદયા, પંચગવ્ય, ફાસ્ટફૂડ સામે દેશી આહારના લાભોની વૈજ્ઞાનિક વાતો, તંદુરસ્ત જીવનશૈલીનો પ્રચાર-પ્રસાર કરીએ તો? અવસર ખરા અર્થમાં યાદગાર બને...વહુ કે જમાઈનું સાસરિયાં સાથે બોન્ડિંગ વધે છે એવું હમણા હમણા કેટલાક કિસ્સામાં ધ્યાને આવ્યું છે. ‘કિનખાબી કાપડાંની કોર રે રાજ...’ પ્રચલિત લોકગીત છે. એક નવપરિણીતાના કાપડાની કોર પર કોયલ આળેખી છે ને એ જાણે મીઠું મીઠું ટહુકી રહી છે તો એના કમખા પર મોર ટાંક્યા છે એ પણ ગહેકાટ કરે છે. વહુ પોતાના સસરા, જેઠ, દિયરને લાખેણા કહે છે તો સાસુ જાણે કાળજાની કોર છે, જેઠાણી પોતાની સાથે ખભેખભો મિલાવીને ચાલે છે ને દેરાણી તો મોજીલા સ્વભાવની છે. આ બધા સ્વજનો કરતાંય વધે એવાં બે પાત્રો છે, એક તો નણંદ ને બીજો પોતાનો પિયુ. નણંદ તો જાણે નવલાખેણી છે ને પતિએ પોતાનું ચિત્ત જ જાણે ચોરી લીધું છે! નવવધૂઓ માટે સાસરિયામાં સુખી થવાની કોઈ ઔષધિ હોય તો એ છે દિલથી સૌને સ્વીકારવા, દરેકના નાનામાં નાના ગુણની ખુલીને પ્રશંસા કરવી, હળીમળી જવું, પોતાની ફરજોને સતત યાદ રાખવી, બાકી બધું આપમેળે સમું સૂતરું થઇ જશે. સામાપક્ષે સાસરિયાંએ પણ શરૂઆતથી જ વહુ અને જમાઈને પ્રેમવશ કરવા એમનાં લગ્નને ખર્ચાળ બનાવવાને બદલે પરોપકાર થકી ચિરસ્મરણીય બનાવવાં જોઈએ. સસરાપક્ષના વખાણ કરતી વહુવારુઓનાં કેટલાંય લોકગીતો મળે છે. કદાચ વહુના મનના કોઈ ખૂણામાં એવો પણ ભાવ છૂપાયેલો હશે કે સૌને સારા કહેવાથી જો સુખી થવાતું હોય તો શું વાંધો? અંતે તો સહુને પોતાના વિશે કોઈ સારું સારું બોલાય એ ગમતું જ હોય છે ને...! અહિ કોયલ બોલવી એટલે મધુરી વાણી ઉચ્ચારવી અને મોર ટહુકવા એટલે ઉલ્લાસમાં રહેવું. આ પણ સુખી થવાના મંત્રો જ છે...