આંગણે ટહુકે કોયલ/જળ રે જમુનાજીનાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૬૯. જળ રે જમુનાજીનાં

જળ રે જમનાનાં ઝીલતાં જી રે શામળિયા,
મને મોતીડું લાગ્યું હાથ, નંદજીના નાનડિયા.
ગાડે કરીને મોતી આણિયું જી રે શામળિયા,
માતા, પાડો મોતીડાના ભાગ, નંદજીના નાનડિયા.
એક મોતીમાં શું વેં’ચીએ જી રે શામળિયા,
મોતી વાવ્યાં ઘણેરાં થાય, નંદજીના નાનડિયા.
જમનાને કાંઠે ક્યારા રોપિયા જી રે શામળિયા,
માંહીં વાવ્યો મોતીડાનો છોડ, નંદજીના નાનડિયા.
એક મોતી ને બબ્બે પાંદડાં જી રે શામળિયા,
મોતી ફાલ્યાં છે લચકાલોળ, નંદજીના નાનડિયા.
એક ડાળ્ય ને બીજી ડાળખી જી રે શામળિયા,
વચલી ડાળે મોતીડાંની લૂંબ, નંદજીના નાનડિયા.
થાળ ભરીને મોતી વેડિયાં જી રે શામળિયા,
માતા, પાડો મોતીડાંના ભાગ, નંદજીના નાનડિયા.
કોઈને ચપટી ચાંગળું જી રે શામળિયા,
રાણી રાધાને નવસરો હાર, નંદજીના નાનડિયા

.

આજે સોશ્યલ મીડિયામાં વ્યક્તિગત ક્રીએટીવિટી ફૂલીફાલી છે. સ્વરચિત કાવ્યો, ગીતો, રમૂજી વાતો, વક્રોક્તિ, ઉપદેશાત્મક સંદેશા, અનુસર્જન વગેરેની ધૂમ મચી રહી છે. એ વાત એટલી જ સાચી છે કે સર્જનાત્મકતાને વર્ગખંડના શિક્ષણ કે પદવી સાથે કાંઈ લેવા દેવા નથી છતાં આજનું ‘વ્હોટસએપ્પિયું સર્જન’ રાતરાણીનાં ફૂલ જેવું બની રહ્યું છે;રાતભર મઘમઘે પણ સવાર પડતાં ક્યાં ગયું પુષ્પ ને ક્યાં ગઈ મહેક? એની તપાસ કરવી પડે. એની સામે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના અનેક અશિક્ષિત કે અલ્પશિક્ષિત લોકોએ વર્ષો પહેલાં હૈયાઉકલતથી કરેલું સર્જન, લોકગીતો, દુહા, છંદ, ધોળ, ભજન, લગ્નગીત, ઉખાણાં, ઓઠાં, રમૂજી ટૂચકા, બોધકથાઓ, લોકવાર્તાઓ- વગેરે અજરામર બની રહ્યું છે. એ સર્જકોને પોતાના નામની ખેવના ન્હોતી એટલે તો હૈયામાંથી વહેતી સર્જનધારાને પોતાનું નામ ટાંક્યા વગર સમાજને ચરણે ધરી દીધી. એણે કોપીરાઈટની ક્યારેય પરવા ના કરી નહિતર આપણને દરિયા ભરાય એટલું લોકસાહિત્ય ક્યાંથી પ્રાપ્ત થાત? સર્જન અને સમાજ વચ્ચેથી સર્જક પોતે સરકી ગયો એટલે જ એમનું સર્જન અમરત્વ પામ્યું, જો એ મારું. . મારું કરીને, ગળે બાંધીને ફરતા હોત તો એનું સર્જન કટાઈને સડી ગયું હોત...! પાંચ-પચ્ચીસ રૂપિયાની રોયલ્ટીનો મોહ એણે ન રાખ્યો એ બુદ્ધિનું કામ કર્યું...! ‘જળ રે જમનાનાં ઝીલતાં...’ મોહક કમ્પોઝીશનવાળું કૃષ્ણગીત છે. યમુનાનું જળ ભરતાં કોઈ ગોપીને એક મોતીડું હાથ લાગ્યું. મોતી વળી એટલું મોટું છે કે ગાડામાં નાખીને લાવવું પડ્યું. મોતી એક જ હતું એટલે એના ભાગ કેમ પાડવા? એથી કાલીન્દ્રીને કાંઠે ક્યારો બનાવી, એ મોતીડું વાવી દીધું. મોતીનો છોડ લૂંબેઝુંબે થયો, છોડ પરથી થાળ ભરીને મોતી ઉતાર્યાં પછી ભાગ પાડ્યા તો સૌને ભાગે થોડાં ઘણાં આવ્યાં પણ રાધાને નવસર હાર બની જાય એટલાં મોતી ભાગમાં આવ્યાં. આ તો છે લોકગીતનો દુન્યવી કે પ્રાથમિક મર્મ. અહીં મોતીડું એટલે ભગવાન શ્રીકૃષ્ણના સદગુણો, કનૈયાની કૃપા! યમુનાતીરે જળ ભરવા હેતુ ગયેલી ગોપીએ ગૌધન ચરાવનાર ગોપાલનું ગુણીયલ રૂપ નીરખ્યું, એ કૃષ્ણકૃપારૂપી મોતીડું જ હતું. પોતે પ્રાપ્ત કરેલી કૃપાની પ્રસાદી અન્યોને આપવી હોય તો? સદગુણ વાવીએ, વેંચીએ એમ વધે એટલે ગોપીએ મોતી વાવ્યું ને એમાંથી અનેક મોતીડાં પાક્યાં. પોતાની નજીકના લોકોની પાત્રતા મુજબ મોતીની વહેંચણી કરી તો એમાં રાધાને સૌથી મોટો ભાગ મળ્યો કારણ કે રાધા તો માધાની કાળજકોર હતી ને?! શ્યામ જેને અહર્નિશ ચાહતો હોય એની પાત્રતા વિશે વાત જ શી કરવી...! વાહ...! કેવી સરળ-સહજ છતાં પાતાળ જેટલી ઉંડી વાત. આમ વાતમાં કાંઈ નહીં પણ રસદર્શન કરીએ તો લીટી લીટીમાં નાવિન્ય. નામનો વ્યામોહ ન રાખનારા આપણા પૂર્વજોનું આટલું ઉત્કૃષ્ટ સર્જન એ જ છે લોકગીત.