આંગણે ટહુકે કોયલ/રૂડા અશ્વપતિ રાજાને

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૭૦. રૂડા અશ્વપતિ રાજાને

રૂડા અશ્વપતિ રાજાને ડાહી દીકરી રે,
એનું સતી શિરોમણી સાવિત્રી છે નામ,
એના ઉત્તમ ગુણની ગરબી ગાઓ સુંદરી રે.
રાજા એક હતો ઘરડો ને આંખે આંધળો રે,
એનું શત્રુઓએ લઈ લીધું રાજ્યાસન,
પછી જઈ જંગલમાં બાંધ્યું એણે ઝૂંપડું રે.
એને સત્યવાન નામે લાડકડો તન,
કરતો માતપિતાની સેવા પુરા પ્રેમથી રે,
રે’તો માતપિતાની આજ્ઞાને આધીન,
એની સાથે વરવા સાવિત્રીએ આદર્યું રે.
ત્યારે નારદજી સમજાવે બાળા ઘેલડી રે,
એની સાથે વરતાં થાશે મોટી હાન,
એની આવરદા તો એક વરસ બાકી રહી રે,
માટે ના કરતી આ વગર વિચાર્યું કામ,
બીજા રાજકુમાર રૂપાળાની સાથે વરો રે.
જોયું અડગપણું પુત્રીનું રાજાએ પછી રે,
દીધું સત્યવાનની સાથે કન્યાદાન,
રૂડા રાજમહેલ વસનારી વગડે વસી રે.
દા’ડા ચાર રહ્યા આવરદાની અવધિ તણા રે,
સતીએ તે સમયે ત્યાં અન્નજળ કીધું ત્યાગ,
જોડ્યું ચિત્ત પ્રભુમાં રાખીને શુભ ધારણા રે.
ત્યાં તો સાવિત્રી આવી સ્વામીને વિનવે રે,
આજે વન જોવાની ઈચ્છા મુજને થાય,
માટે સંગાથે લઈ જાઓ સ્વામી મુજને રે.
લાગ્યો થાક ઘણેરો અંગો લાગ્યાં ધ્રૂજવા રે,
આવી તમ્મર ને રુંધાયો એનો પ્રાણ,
મુકી કાષ્ટ કાપવાં આવ્યો સાવિત્રી કને રે.
મારા નાથ તમારાં સંકટ હરશે શ્રીહરિ રે,
તમને કૂળદેવી-વનદેવીની રક્ષાય,
ઘરડા માતપિતાની સેવા પુણ્યે કરી રે...

જયાપાર્વતી, એવરત-જીવરત, ફૂલકાજળી, કેવડાત્રીજ જેવાં વ્રતો કુંવારિકાઓ સુસંસ્કારી પતિ મળે એ માટે અને પરિણીતાઓ પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે કરે છે. વ્રત દરમિયાન એકટાણું, ઉપવાસ, જાગરણ કરે છે અને સવાર સાંજ મંદિરે દર્શને જાય ત્યારે અથવા જાગરણની રાતે રાસડા લે ત્યારે સતી સાવિત્રી, સતી અનસૂયા, સતી પાર્વતી જેવી પતિવ્રતા સન્નારીઓનાં ગીતો ગાય. આપણે ત્યાં આવાં કેટલાંય ‘વ્રતગીતો’ મળે છે. ‘રૂડા અશ્વપતિ રાજાને ડાહી દીકરી રે...’ એવું જ એક વ્રતગીત-કથાગીત છે જેમાં સત્યવાન અને સાવિત્રીની કથા યથાતથ વર્ણવી છે. મૂળભૂતરીતે આ કથા મહાભારતના ‘વનપર્વ’માં છે. જયારે યુધિષ્ઠિર માર્કંડેય ઋષિને પૂછે છે કે દ્રૌપદી જેવી પતિભક્તિવાળી બીજી કોઈ સ્ત્રી હતી? માર્કંડેય ઉવાચ: તત્વજ્ઞાની રાજર્ષિ અશ્વપતિનું એકનું એક સંતાન એટલે સાવિત્રી. ખૂબ લાડ-કોડમાં ઉછરેલી સાવિત્રીએ પોતે દ્યુમત્સેનના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા ઉત્સુક છે એવું જયારે કહ્યું ત્યારે નારદે મહાભયાનક સત્ય ઉચ્ચાર્યું કે સત્યવાનની જિંદગીનું માત્ર એક વર્ષ હવે જ બાકી છે! સાવિત્રીએ હઠ કરીને પણ લગ્ન કર્યા. સત્યવાનના પરિવાર પાસેથી કોઈ શત્રુ રાજાએ રાજ છિનવી લેતાં તેને જંગલમાં વસવાટ કરવો પડ્યો. ...આજે સત્યવાનની આવરદા પુરી થવાની છે. સવારે માતપિતાને પ્રણામ કરી સત્યવાન યજ્ઞ માટે લાકડાં કાપવા વનમાં ચાલ્યો તો સાવિત્રી જીદ કરીને સાથે ગઈ. સત્યવાનને સર્પદંશ થયો, સાવિત્રીના ખોળામાં માથું મુકીને તેણે પ્રાણ ત્યાગ કર્યા! યમરાજ પ્રાણ લેવા આવ્યા પણ સાવિત્રી કહે જ્યાં પતિ ત્યાં સતી! યમરાજા સાવિત્રીની પતિભક્તિ અને સતીત્વથી અભિભૂત થયા. સત્યવાનના પ્રાણ સિવાય કોઈપણ ચાર વરદાન માગવા કહ્યું. સાવિત્રીએ માગ્યું કે પોતાના સાસુ-સસરાને આંખોનું તેજ પુનઃમળે, સસરાની ઝુંટવાયેલી રાજગાદી પાછી આવે, પોતાના પિતા એટલે કે અશ્વપતિ રાજાને ઘેર ૧૦૦ પુત્રો અવતરે અને પોતાને પણ પુત્રરત્નો પ્રાપ્ત થાય! યમરાજાએ બધાં વરદાનમાં ‘તથાસ્તુ’ કહી દીધું! સાવિત્રી યમરાજને કહે, હવે તમારે મારા પતિને જીવિત કરવા પડશે કેમકે તમે મને ‘પુત્રો’નું વરદાન દીધું છે! યમરાજ હાર્યા, સતી સાવિત્રી જીત્યાં! આજે આપણે મહિલા સશક્તિકરણની વાતો અને એ દિશામાં આગેકદમ કરી રહ્યા છીએ ત્યારે ભૂતકાળમાં ડોકિયું કરીએ તો સમજાશે કે આપણી પરંપરામાં સાવિત્રી જેવી અનેક સશક્ત વિદૂષીઓ થઇ જે આપણી ધરોહરને ગૌરવ પ્રદાન કરે છે. (સત્યવાન-સાવિત્રીનો રાસડો ખૂબ મોટો છે પણ સ્થળસંકોચને લીધે અહિ માત્ર જરૂરી અંતરા જ મુક્યા છે.)