આમંત્રિત/૧૦. અંજલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૦. અંજલિ

સાવ નાની હતી ત્યારે અંજલિ ઘરમાં બધાંને કેટલી વહાલી હતી. ભાઈ સચિન એને વહાલથી સિસ, સિસ કહેતો રહેતો. પાપા એને લઈને બહાર જતા ત્યારે એને ખભે બેસાડી દેતા. “હું સૌથી ઊંચી છું”, એ કિલકિલાટ કરતી કહેતી. મૉમ રોજ એને સરસ તૈયાર કરતી. એ લોકોના વધારે પડતા લાડમાં જ એ કદાચ થોડી જિદ્દી થઈ ગઈ. એને ગમતું હોય તે થવું જ જોઈએ, એવી જીદ કરતી થઈ ગઈ. સુજીતે એક વાર અંજલિને તમાચો મારેલો, તે એને ક્યારેક યાદ આવી જતું. થોડો વખત તો આ કારણે એને પાપા પર ખૂબ ગુસ્સો આવતો. મોટી થતી ગઈ તેમ એને સમજાયું કે એનો પોતાનો થોડો વાંક તો હશે જ. તોયે વધારે ભૂલ તો પાપાથી જ થયેલી કહેવાય. જોકે એવો કઠોર વર્તાવ નાની દીકરી સાથે કરી બેસવાના કારણમાં એમની પોતાની કોઈ નિર્બળતા જ હશે, એમ પણ એ વર્ષો દરમ્યાન સમજી શકી હતી. એને ખ્યાલ હતો કે પછીથી પાપાએ ઘણો જીવ બાળ્યો હતો, કેતકીની પાસે ઘણી માફી પણ માગી હતી, પણ ત્યાં સુધીમાં તો મૉમ પણ એક ઉતાવળું કામ કરી બેઠેલી. સવાર થતાંમાં તો કોર્ટમાંથી એ પાપાની સામે કાયદાનો કાગળ લઈ આવેલી. એમાં લખેલા ચુકાદા પ્રમાણે પાપા ઘરમાં કોઈની સાથે વાત ના કરી શકતા. અરે, ચીઠ્ઠી દ્વારા કશું કહેવા-જણાવવાની પણ મનાઈ હતી. થોડા દિવસમાં અંજલિ તો એ તમાચાની વાત ભૂલી ગઈ હતી. એ તો પાપાની સાથે વાત કરવા દોડી જતી, ત્યારે મૉમ લઢીને એને રોકતી. મૉમ આઘીપાછી હોય ત્યારે પણ એની બીકે પાપા અંજલિ સાથે વાત ના કરતા. એની સામે વહાલથી જોઈ રહેતા. એ દૂરથી એમની સામે જોઈને શરમાળ હસતી. લાંબા વખત પછી ઘરમાં પરિસ્થિતિ થોડી સુધરવા લાગી હતી. મૉમ જરાક નરમ થઈ રહી હતી. એક વાર પાપાએ હાથ લંબાવ્યા, ત્યારે અંજલિ એમને ભેટી પણ હતી. એ પછી વળી શું બન્યું, તે બધું સાવ ખલાસ થઈ ગયું. અંજલિ સ્કૂલની ટ્રીપ પર ગયેલી. ત્યાંથી પાછી આવી ત્યારે કેતકી સ્કૂલમાંથી એને સીધી દેવકી માશીને ત્યાં લઈ ગયેલી. અંજલિને તો વેકેશન જેવું લાગેલું, ને માશીની દીકરીઓ સોના અને દોલાની સાથે મઝા પડી ગઈ હતી. માશી અને નાના-નાની ગુસપુસ વાતો કર્યા કરતાં, તે જોઈને પણ અંજલિને કશી ચિંતા નહતી થતી. ચારેક દિવસે મૉમ સાથે પાછી ઘેર ગઈ ત્યારે છેક રાત સુધી પાપા આવ્યા નહીં, એટલે એણે મૉમને પૂછ્યું હતું. મૉમે કહી દીધેલું કે એ બહારગામ ગયા છે, આવશે. ચાલ, તું હવે સૂઈ જા. એવાં જ કારણ મૉમે આપ્યા કર્યાં હતાં. આમ ઘણા દિવસો ગયા. જેમ દિવસો જતા ગયા તેમ, મૉમનો જ કશો વાંક છે, એ બહુ ખરાબ છે, એને કારણે જ પાપા હેરાન થાય છે, એણે જ પાપાને કાઢી મૂક્યા છે, જેવા વિચારો અંજલિને આવવા માંડેલા. કેતકી પર એ વધારે ને વધારે ગુસ્સે થયા કરતી. પછી તો એ કેતકી સાથે તિરસ્કારથી અને ઉદ્ધતાઈથી જ વર્તવા લાગી. અને હાઈસ્કૂલમાં ગયા પછી? એ વખતની એની વર્તણૂંક યાદ કરતાં અત્યારે એને પોતાના પર જ શરમ આવતી હતી. કશું ગાંડપણ ચઢી આવ્યું હશે એ વખતે? કે એ ઉંમરે અમુક છોકરંા હદની બહાર જવા માંડતાં હશે? કે પછી, એની જીદ જ ત્યાં પણ કારણભૂત બનેલી? અંજલિને તો એમ જ કે પોતે કેટલી સરસ, કેટલી હોશિયાર, છોકરાઓને કેટલી ગમે. એની બે ખાસ બહેનપણીઓ પણ પોતાને માટે આવું જ માનતી. છોકરાઓ એમની પાછળ આંટા માર્યા કરતા, એનો એ ત્રણેયને ગર્વ રહેતો. પણ તે કેમ મારતા, તે એને ઘણું મોડું સમજાયેલું. કેતકીને કેવી હેરાન કરેલી અંજલિએ. થોડા થોડા વખતે કોઈ બીજો બૉયફ્રેન્ડ. રૉજર, કે સૅમિ, કે બ્રાયન - “હવે મને આ ગમે છે, ઓ કે?” ને રોજ રાતે બહાર જવાનું, મોડાં આવવાનું. કેતકી જરા કાંઈ કહેવા જાય, એટલે - “મૉમ, તું બહુ ડહાપણ કરવાનું રહેવા દઈશ? મને ગમશે તે જ હું કરીશ, ઓ કે?”, આવું માને સંભળાવી દેતાં એ ક્યાં અચકાયેલી? અંજલિ અઢારની થઈ કે તરત પોતાનાં કપડાં અને કૉસ્મેટિક્સ લઈને ઘર છોડીને જતી રહી હતી. એમ તો એ જ બે ખાસ બહેનપણીઓની સાથે ફ્લૅટ ભાડે કરીને એ રહેવાની હતી. ભાડાના પૈસા જેટલી આવક ક્યાંથી થશે, એ માટે હજી એકેયને ચિંતા નહતી. બધીયે ઘેરથી થોડા પૈસા તો લેતી જ આવેલી. એ ખલાસ થાય એ પહેલાં કશું તો કામ મળી જ જશેને? દરેકના બૉયફ્રેન્ડ પણ મદદ કરશે, એવો પણ વિશ્વાસ હતો એમને. એ વખતનો અંજલિનો બૉયફ્રેન્ડ માર્શલ જરા દૂરની, કાર્નેગી જેવી શ્રેષ્ઠ, અને ખૂબ મોંઘી યુનિવર્સિટીમાં ભણવા જવાનો હતો. એ એમ તો ભાઇબંધોની સાથે હરતો-ફરતો, પણ બીજા છોકરાઓ જેટલું નહીં. ભણવામાં, હોમવર્ક કરવામાં એ ક્યારેય કચાશ ના કરતો. ક્લાસમાં એ આગળ જ રહેતો. એણે બે-ત્રણ વાર અંજલિને સલાહ આપેલી, કે સ્ટેટ કૉલૅજમાં તાત્કાલિક તો એણે પ્રવેશ લઈ જ લેવો જોઈએ. ત્યાં એને ટ્યુશનમાંથી રાહત મળી શકે. “થોડી મદદ તારાં પૅરન્ટ્સ પણ કરી શકેને?”, માર્શલનું કહેવું હતું. અંજલિએ ગુસ્સે થઈને કહ્યું હતું, “તારે મારી સાથે તોડી નાખવું છે એટલે બહાનાં કાઢે છે? ને મને સલાહ આપે છે કે મારે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ?” માર્શલ મનથી દુઃખી થયો, પણ અંજલિનો વર્તાવ બદલી ના શક્યો. એને માટે અભ્યાસ તેમજ ડિગ્રી મહત્ત્વનાં હતાં, અને કૉલૅજ ખુલે તે પહેલાં એને પિટ્સબર્ગ જવા માટે નીકળી જ જવું પડ્યું. એ પછી માંડ વરસ થતાંમાં તો ત્રણે ય બહેનપણીઓ પણ જુદી થઈ ગઈ. ત્યાં સુધી અંજલિ ક્યારેક એની મૉમ સાથે વાત કરતી, પણ એ ઘેર જવા તો માગતી જ નહતી. આ પછી એ ક્યાં જવાની હતી તે એણે કેતકીને જણાવ્યું નહીં, ફક્ત કહ્યું કે “મારી ચિંતા ના કરતી”, અને એ જાણે ગુમ જ થઈ ગઈ. લાંબા સમય પછી, એ સાંજે અચાનક સચિન અને ખલિલ મળી જતાં કેટકેટલી લાગણીઓ અંજલિના મનમાં ભેગી થઈ ગઈ. લાંબી વાત કરવા માટે એ જગ્યા નહતી, અને સમય પણ નહતો. અંજલિને સોમવારની સાંજ જ ફ્રી મળતી હતી, તેથી નક્કી એમ થયું કે સોમવારે સાંજે એ ત્રણે જણ ખલિલને ત્યાં ભેગાં થશે, અને અંજલિ જે કહેવાનું હશે તે કહેશે. અંજલિએ પાસેથી પસાર થતા એના મૅનૅજર હોઝેને બોલાવ્યા. “શું છે, ઍન્જી?”, કહેતા એ પાસે આવ્યા. “ઓહો, તારા ભાઈઓ છે? તો એમની પાસેથી બિલ ના લેતી, હોં. અને તમે બંને જમવા આવજો અહીં. ન્યૂયોર્કની આ બહુ સારી રૅસ્ટૉરાઁ ગણાય છે, ખબર છેને?” “ઍન્જી?”, સચિને કહ્યું. “હા, ભાઈ”, એ બોલી. એને ખ્યાલ આવ્યો કે કેટલાં વર્ષો પછી એ સચિનને અચાનક ફરીથી ‘ભાઈ’ કહેવા લાગી હતી. સચિન શું એને ફરીથી ‘સિસ’ કહીને બોલાવશે? સોમવારે ખલિલ અને સચિન ઑફીસમાંથી થોડા વહેલા નીકળી ગયા. પાંચ વાગ્યે મળવાનું ગોઠવ્યું હતું, કારણકે સચિન ઘેર પાપા પાસે જવાનું મોડું નહતો કરવા માગતો. અંજલિ બે દિવસ ઘણી ખુશમાં રહી હશે, તેથી જ કદાચ એના મોઢા પર વધારે તાજગી હતી. ખલિલે એને ભેટીને આવકારી. સચિન ચૂપ ઊભો હતો, પણ “કેમ છે, ભાઈ?” કહેતી અંજલિ એને ભેટી ત્યારે સચિનથી પણ “આવ, સિસ” બોલી જ દેવાયું. અંજલિએ ૄઘણૂં વેઠ્યું, ઘણી હિંમત પણ રાખી. માર્શલ સારી યુનિવર્સિટીમાં ગયો, પેલી બંને બહેનપણીઓ પોતપોતાને માર્ગે ગઈ, ત્યારે શરૂઆતમાં તો અંજલિ મુંઝાઈ, ગભરાઈ, એકલી એકલી રડી પણ કેટલું. એક નાની નોકરી ચાલુ હતી, ને ગમે તે રીતે રોજનો ખર્ચો કાઢતી હતી. એ જ્યાં કામ કરતી હતી તે મોંઘાં કૉસ્મૅટિક્સની ‘સૅફૉરા’ નામની દુકાન હતી. એક દિવસ નસીબજોગે ત્યાં એને સોના મળી ગઈ. બંને નવાઈ પામી ગયેલાં, ને ખુશ પણ થયેલાં. “દેવકી માશીની દીકરી”, એણે કહ્યું. સચિનને એ કોઈની ખાસ યાદ રહી નહતી. વાત ટૂંકી કરતાં અંજલિએ કહ્યું, કે પહેલાં સોનાએ એને સાથ આપ્યો, પછી નાની દોલાએ. એણે તો અંજલિને ઘણી મદદ કરી. એના ફ્લૅટમાં રહેવા બોલાવી લીધી, આર્કિટેક્ટ તરીકેની એની ઓળખાણને લીધે એક મોટી આર્ટ ગૅલૅરીમાં વધારે સારી નોકરી અપાવી, ને ‘ક્યુબન કાફે’ જેવી જાણીતી રૅસ્ટૉરાઁમાં શુક્ર-શનિની સાંજ પૂરતું કામ કરવાની ગોઠવણ પણ કરી આપી. “આ બે કઝીન સાથે ક્યાં કશું અંગત કે આત્મીય હતું, પણ એમણે જ મને બચાવી લીધી, ભાઈ,” એણે ગળગળા અવાજે કહ્યું. “નહીં તો શું થયું હોત મારું, ગબડતી ગબડતી હું ક્યાં જઈ પડી હોત?” “અમારા દરેકના જીવનમાં કમનસીબી કેવી કેવી આવી, ને પછી સંજોગોને કારણે અને યોગાનુયોગ પલટા પણ કેવા આવ્યા, નહીં, ખલિલ?”, સચિનનું ગળું પણ રુંધાયેલું હતું. “ને ભાઈ, અંજલિ નામ કોઈ સરખું બોલી જ નથી શકતું, એટલે ‘ઍન્જી’ થઈ ગયું છે,” એણે સમજાવ્યું. સચિનને જૅકિના નામને લીધે થયેલા ગોટાળા યાદ આવ્યા. પણ હમણાં હજી એને જૅકિની વાત નહતી કરવી. અત્યારે તો અંજલિ વિષે જ જાણવાનું હતું. લાગતું હતું કે હવે અંજલિની જિંદગી ઘણી સારી હતી. કેતકીને મળવા તો હજી નહતી ગઈ, પણ સોના અને દોલાની સમજાવટને લીધે, ફોનથી એની સાથે ક્યારેક વાત કરી લેતી હતી. “ભાઈ, આપણે સાથે મૉમને મળવા જઈશું, બરાબર?” સચિન કાંઈ બોલ્યો નહીં. હજી એણે પાપાની વાત કાઢી નહતી. અંજલિને ખબર નહતી કે પાપા સચિનની સાથે હતા. સચિન પહેલાં સુજીતને પૂછવા માગતો હતો. એ મળવા ઈચ્છે તો પછી અંજલિને જણાવાય. “હજી એક વધારે ખબર છે. બહુ સારા ખબર છે. માર્શલ સાથે મારે સંપર્ક પાછો ચાલુ થયો છે. અત્યારે એ બૉસ્ટનમાં છે, એને ન્યૂયોર્કમાં કામ મળી જશે તો એ અહીં આવી જશે. એ વખતે હું કેટલી મૂર્ખ હતી, તે યાદ કરું છું, ને પસ્તાવાનો પાર નથી રહેતો. પણ આ તક મને નસીબજોગે ફરી મળી છે. હવે કદાચ અમે સમજણપૂર્વકનાં મિત્ર બની શકીએ.” ખલિલ અને સચિને એકબીજાની સામે જોયું. બંનેને નિરાંત લાગતી હતી કે અંજલિ હવે ઘણી મૅચ્યૉર થઈ ગઈ છે. સચિન જીવનને આભારવશ હતો - પહેલાં પાપા મળ્યા, હવે અંજલિ મળી છે. જાણે કટકે કટકે બધાંનું જીવન સુખને માટે લાયક થતું જતું હતું. સ્ટૉપર લગાવ્યા વગર રાખેલા બારણામાંથી મીઠા અવાજે, હલો, હલો, કરતું કોઈ સીધું અંદર આવી ગયું. ખલિલે એ સરપ્રાઇઝ રાખી હતી. એણે જણાવ્યું નહતું, કે એણે રેહાનાને પણ આવી જવાનું કહ્યું હતું. જલદીથી ઊભા થઈને એણે રેહાનાનો હાથ પકડ્યો, ને પછી અંજલિની તરફ જોઈને કહ્યું,” ઓળખાણ પડે છે તમને બંનેને?” હાઈસ્કૂલ સુધી બંને સાથે હતાં, પણ કેટલો દૂર જતો રહ્યો હતો એ સમય. અંજલિ જરા વાર તાકી રહી, પછી દોડીને રેહાનાને ભેટી, અને ત્યારે એ આંસુ રોકી ના શકી. જાણે તરછોડી દીધેલો કિશોરાવસ્થાનો સમય હવે એને ડંખતો હતો. રેહાનાએ એને સાંત્વન આપવાની સાથે ખલિલની સામે જોઈને આંખોથી પૂછ્યું, શું થયું છે? સચિને ઊઠીને અંજલિને પોતાની તરફ કરી, અને એના માથા પર હાથ ફેરવતાં કહેવા લાગ્યો, “હવે રડવાનું કોઈ કારણ નથી, સિસ. બસ, હવેથી હસતાં રહેવાનું છે આપણે બધાંએ.”