કથાલોક/કથાનો ઘૂઘવતો મહાનદ



કથાનો ઘૂઘવતો મહાનદ

કહેવાય છે કે હરેક સર્જકના અંતરમાં એક જ કવિતા કે એક જ કથા કે એક જ અનુભૂતિ રહી હોય છે. પછી એ વધારે કાવ્યો રચે કે ચહાય એટલી વાર્તાઓ લખે તો પણ એ રચનાઓ નવા નવા લેબાશમાં મૂળ અનુભૂતિનો જ આવિષ્કાર બની રહે. ૧૯૬૫નું સાહિત્યનું નોબેલ ઇનામ મેળવનાર મિખાઈલ શોલોખોવ માટે કહી શકાય કે એ રશિયન સાહિત્યકાર ચચ્ચાર દાયકાથી કોઝેક ગ્રામજીવનની કથાનું જ ચર્વણ કર્યા કરે છે. અઢાર વર્ષની તરુણ વયમાં એણે સર્વપ્રથમ ‘ડોન કથા’ લખી ત્યારથી છેક ચાલુ દાયકામાં ‘ધ ફેઇટ ઑફ મેન’નું પ્રકાશન કર્યું એ ખાસ્સા લાંબા સર્જનકાળમાં એણે ડોન નદીને તીરે વસતાં ગ્રામજનોનું જ ચિત્રણ કર્યા કર્યું છે. નોબેલ ઇનામની નિર્ણાયક સમિતિ કલ્પક સાહિત્યને આ પારિતોષિક માટે પસંદ કરતી વેળા કથામાં મહાકાવ્યનાં પરિમાણો ઉપર નજર રાખતી જણાય છે. તાજેતરની જ–છેલ્લા દાયકાની જ પસંદગીઓ જોઈએ તો ‘બારાબાસ’ કે ‘ઑલ્ડ મૅન ઍન્ડ ધ સી’, અથવા ‘ડૉ. ઝિવાગો’, કે યુગોસ્લાવ લેખક આઇયો એન્ડ્રીકૃત ‘બ્રિજ ઑન ધ રિવર ડ્રીના’માં પણ આ મહાકાવ્યનું પરિમાણ ઓળખી શકાય છે. કથાનું સ્થૂલ કદ મોટું હોય યા નાનું (‘બારાબાસ’ કે ‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ તો લઘુકથાથી જરાય મોટી નથી લાગતી) પણ એમાંની સર્જકતાનું પોત મહાકાવ્યને આંબવા મથતું દેખાઈ આવે છે. શોલોખોવે પણ ‘કવાએટ ફ્લૉઝ ધ ડોન’(ગુજરાતીમાં અનુદિત ‘ધીરે વહે છે દોન’)માં આવી ઊંચેરી સર્જકતાનો પરચો તો છેક ત્રીસીના આરંભમાં કરાવી દીધેલો. નોબેલ ઇનામ સમિતિએ એની નોંધ ત્રણ દાયકા મોડી લીધી એ એની અજાગરૂકતા જ ગણાય. ત્રીસીના દાયકામાં શોલોખોવની આ કથાત્રયી સર્વપ્રથમ અંગ્રેજી ભાષાન્તરમાં સુલભ થઈ ત્યારે મેઘાણી જેવા કથાકારો એથી બહુ પ્રભાવિત થયેલા. (એ ‘પ્રભાવ’ તો, મેઘાણીની સોરઠી ગ્રામજીવનની કથા ‘સોરઠ તારાં વહેતાં પાણી’ શીર્ષકમાં પણ શોધી શકાય એમ છે.) એનો ગુજરાતી અનુવાદ ‘ધીરે વહે છે દોન’ વાંચતાં વાંચતાં એક છાપ એ પડી કે શોલોખોવ કથાકાર કરતાંય વધારે માતબર તો ચિત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કૅપિસ્ટ’ પણ છે, અને સાથોસાથ એક અચ્છા ‘મિનિયેચરિસ્ટ’ પણ છે. એમની કથાઓમાં ડોન પ્રદેશના એકેકથી ચડિયાતાં નિસર્ગદૃશ્યોની ખાસ્સી લાંબી ચિત્રદર્શિની જ ઊભરાય છે. પછી એ દૃશ્ય સરિતપ્રવાહનું હોય કે સરિતતટનું હોય, ખેતરોનું હોય કે વાદળોનું હોય; વસંતાગમનનું હોય કે હિમવર્ષાનું હોય. બેચાર વાક્યના લસરકા વડે જ હૂબહૂ ચિત્ર ઊભું કરી દેવાની આવી વર્ણનશક્તિ વિશ્વસાહિત્યમાં વારંવાર જોવા નથી મળતી. શોલોખોવ ‘મિનિયેચરિસ્ટ’ ચિત્રકાર પણ છે. તેઓ મોટાં દૃશ્ય, ફલકો અને વાતાવરણ યથાતથ અને અસરકારક રીતે આલેખે છે એટલું જ નહિ, લઘુચિત્રો પણ એટલા જ કૌશલથી ઝીણામાં ઝીણી વિગતો સહિત ચાક્ષુષ કરાવી શકે છે. પછી તે વીગત ઘોડાઓનાં અંગોપાંગની હોય, કોઝેક રમણીના સૌન્દર્યની હોય કે સૈનિકના ગણવેશની હોય. શોલોખોવની કથનરીતિની એક આગવી લાક્ષણિકતા એ છે કે તેઓ વિવિધ પ્રકારની–અને પ્રસંગોની પણ–વાસ વર્ણવવામાં બહુ રાચે છે. ‘ધીરે વહે છે દોન’માં આવી વાસનાં વર્ણનોનું બાહુલ્ય જોઈને એની યાદી મેં કરવા માંડેલી પણ પછી તો એવાં વર્ણનોનું પ્રમાણ એટલું તો વધી જતું જણાયું, કે એની નોંધ કરી કરીને થાકી જતાં, એ ઉદ્યમ છોડી દીધો. પણ એ પ્રયત્ન પછી એક પ્રતીતિ તો થઈ જ, કે માતબર કથાકારે પોતાનાં આંખ અને કાન સાબદા રાખ્યે જ ન ચાલે; એની ઘ્રાણેન્દ્રિય પણ એટલી જ તેજીલી હોવી ઘટે. દુનિયાની ચાલીસેક ભાષાઓમાં ઊતરી ચૂકેલી શોલોખોવની આ ‘દોન’ કથાઓના કેન્દ્રમાં પ્રેમસગાઈ રહેલી છે. પછી એ અપત્ય પ્રેમ હોય કે દામ્પત્ય પ્રેમ હોય કે લગ્નબાહ્ય પ્રેમ હોય. યૌનિક સંબંધોનાં કશાય અંતઃસંકોચ વિનાનાં આલેખનો પણ આ કથામાં ઓછા નથી. ખેતરમાં મદ્યપાનથી ચકચૂર પિતા પોતાની સગી પુત્રી જોડે સંભોગ કરે છે અને પછી એના પુત્રોને એની જાણ થતાં તેઓ પોતાના જનકને ક્રૂર રીતે મારી નાખે છે એ ચિત્રણમાં ઊંડી કલાસૂઝ ધરાવનાર સર્જક જોવા મળે છે. ‘યુદ્ધ અને શાન્તિ’ની જેમ જ, ડોન કથાઓમાં પાત્રો ઊભરાય છે. પાત્રો કરતાંય વધારે સાચું તો એ છે કે એમાં મબલખ માનવીઓ ઊભરાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને આંતરયુદ્ધ વચ્ચે એક મહાપ્રજા કેવી તાવણીમાંથી પસાર થઈ, એનું કશી રાજદ્વારી સભાનતા વિનાનું કે સાહિત્યેતર ઉદ્દેશ વિનાનું આ ચિત્રણ જેટલું સ્વાભાવિક છે એટલું જ સમૃદ્ધ છે, અને મહાકથાઓની રશિયન પરંપરામાં કાયમી સ્થાન ધરાવે એવું ધરખમ છે. શોલોખોવે સર્જેલા ગ્રિગોરી મેલેખોવ અને ઍકિસનયા, ટૉલ્સ્ટૉયનાં પિયર અને નાટાશાની જ અર્વાચીન આવૃત્તિઓ છે. ‘શબ્દના શિલ્પી’નું બિરુદ શોલોખોવ જેટલું બહુ ઓછા લેખકો માટે બંધબેસતું લાગે છે. એમની કલમ અપરંપાર ચિત્રો આલેખે છે અને શિલ્પ કંડારે છે. એક સભામાં કોઈ શ્રોતાએ એમને પૂછેલું : ‘આટલાં બધાં અપ્રતિમ રંગો અને ચિત્રો તમે ક્યાંથી ઉપાડી લાંવો છો?’ ત્યારે શોલોખોવે કહેલું : ‘એક જ સ્થળેથી.’ આ એક જ સ્થળ તે સર્જકના પ્રેરણાસ્રોતનું મૂળ જેટલું દોનસરિતાના મૂળમાં છે એટલું જ એના સર્જકની હૃદયસરિતાના મૂળમાં પણ હશે જ. એવી સમૃદ્ધ અને સાચા તળની સરવાણી વિના આવો કલાત્મક ને મહાનદ સમો કથાપ્રવાહ ઘૂઘવી ન શકે.

ઓક્ટોબર ૨૦, ૧૯૬૫