કથાલોક/આનંદાનુભવની ભાગબટાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨
આનંદાનુભવની ભાગબટાઇ

‘હું કોને માટે લખું છું?’ આ પ્રશ્ન ઘણો જ રસિક હોવા છતાં એવો તો અકળાવનારો અને અગવડભર્યો છે કે જાહેરમાં ભાગ્યે જ એની નિખાલસ ચર્ચા કરી શકાય. આ પ્રશ્નના ઉત્તરરૂપે કેટલાક ચલણ અને જથ્થાબંધ વપરાશવાળા જવાબો આપવાનું અને એ રીતે હકીકતમાં તો સાચો જવાબ ટાળવાનું સહેલું છે. દાખલા તરીકે કહી શકાય કે હું તો નિજાનંદ ખાતર લખું છું, મનની મોજ ખાતર કે મસ્તી ખાતર લખું છું, મારાં લખાણો કોઈ વાંચે કે ન વાંચે એની મને પરવા નથી, હું તો મારા ઊર્ધ્વીકરણ માટે લખું છું, વગેરે વગેરે. આ અને આવા બીજા ખુલાસાઓ તો મને પોતાને જ બાલિશ લાગે છે, તો પછી શ્રોતાઓને એ શાના પ્રતીતિકર લાગે? ઉપનિષદના ઉદ્ગાતાઓની જેમ આજે કોઈ લેખક કશા જ બાહ્ય કે સ્થૂળ પ્રયોજન વિના કેવળ સ્વયંસ્ફુરણાથી જ લેખનસર્જન કરે એ વર્તમાન ઔદ્યોગિક અર્થરચના અને સમાજવ્યવસ્થામાં લગભગ અશક્ય જેવું લાગે છે. અનુભૂતિ, પ્રેરણા કે સંવેદનની ગમે તેવી ઉત્કટતા હોય છતાં મુદ્રણકળાના આ યુગમાં સર્જકની સર્જનપ્રવૃત્તિ પાછળ વત્તેઓછે અંશે પણ સ્થૂળ પ્રયોજન તો રહેવાનું જ. ‘હું કોને માટે લખું છું’ એ પ્રશ્નનો સાચો ઉત્તર આપવો હોય તો લેખકે આવાં સ્થૂળ પ્રયોજનોનો સ્વીકાર કશીય દિલચારી વિના કરી નાખવો ઘટે. ૧૯૩૯માં મેં પહેલવહેલી વાર્તા લખી એ મારી કૉલેજના જ મૅગેઝિન માટે યોજાયેલી. એ વેળા, એ વાર્તા કોણ વાંચશે એની મને જાણ નહોતી, કેમ કે એ છપાશે કે કેમ એની જ મને ખાતરી નહોતી. એ વાર્તા કૉલેજના સામયિકમાં પ્રગટ થઈ અને કૉલેજિયન મિત્રોએ વાંચી. ત્યાર પછીનું કેટલુંક લેખનકામ અખબારી વ્યવસાયને નિમિત્તે થયું છે, એ હકીકતનો સ્વીકાર કરવામાં મને કશી નાનમ નથી લાગતી કોઈક અદૃષ્ટ અંગુલિ આવીને મારી કલમને ચલાવી ગઈ છે, કે કોઈક અપાર્થિવ ચેતનાનાં બળો પ્રેરણાનાં પુષ્પો આપી ગયાં છે, એવી એવી હૂડબડાઈઓ મને પોતાને જ હાસ્યાસ્પદ લાગે છે. ૧૯૪૧–૪૨માં અમદાવાદમાં ‘નવસૌરાષ્ટ્ર–પ્રભાત’ અખબારોમાં નોકરી કરતો ત્યારે લાગલગાટ આઠેક મહિના સુધી દર અઠવાડિયે એકેક વાર્તા લખવાની ફરજ પડેલી. એમાંથી ‘ઘૂઘવતાં પૂર’ વાર્તાસંગ્રહ તૈયાર થયેલો ‘પાવક જ્વાળા’ નવલકથા પણ એ જ અખબારમાં હફતે હફતે છાપેલી. ‘ઈંધણ ઓછાં પડ્યાં’ નવલકથા ‘ચેતન’ માસિક માટે લખેલી. ‘વ્યાજનો વારસ’ નવલકથાનાં આરંભનાં આઠેક પ્રકરણો કેવળ મોજ ખાતર લખેલાં, પણ પછી એ વેળાના ‘જીવનસાહિત્ય મંદિર’ના સંચાલક શ્રી. સોપાને એ નવલકથાને પુસ્તકરૂપે પ્રગટ કરવા એ આઠ પ્રકરણો સીધાં પ્રેસમાં મોકલી આપ્યાં તેથી બાકીની નવલકથા છાપખાનાના દબાણની ગતિએ ઝડપભેર પૂરી કરવા પડેલી. પહેલવહેલું એકાંકી નાટક ‘સાતડે મીંડે શૂન્ય’ કૉલેજના મૅગેઝિન માટે લખેલું. એ જ અરસામાં લખાયેલું બીજું એક એકાંકી ‘પ્રોફેસર કુલીન’ ૧૯૪૧માં મુંબઈ રેડિયો ઉપર રજૂ થયેલું. આ બધાં લેખનકામ દરમિયાન કોઈ અમુક જ વાચકવર્ગને નજર સમક્ષ રાખેલો નહિ. એકાદ દાયકા પછી ખ્યાલ આવેલો કે મારા વાચકવર્ગમાં શિક્ષિત તરુણવર્ગ અને અર્ધશિક્ષિત મધ્યમવર્ગનું જરા વિચિત્ર લાગતું મિશ્રણ છે, કૉલેજના વિદ્યાર્થીઓ અને મારકીટના ગુમાસ્તાઓ મારી કૃતિઓમાં એકસરખો રસ વ્યક્ત કરે છે એ જાણીને મને જ આશ્ચર્ય થાય છે. સદ્ભાગ્યે ‘વિદ્વાનો’ની હજી સુધી મારી કૃતિઓ પર દૃષ્ટિ કે કુદૃષ્ટિ બહુ ઊતરી નથી. તેઓ હજી વાતચીતમાં કે એમનાં ‘વિવેચનો’માં મારી વાર્તાઓનો ઉલ્લેખ નવલકથા તરીકે, નવલકથાનો ઉલ્લેખ વાર્તા તરીકે અને એકાંકીનું વર્ગીકરણ લાંબા નાટકમાં કરી બેસે છે. એથીય વધારે વૃદ્ધ ‘વિદ્વાનો’નાં મગજમાં મારી કૃતિઓ અને મારા એક નામેરી ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથાઓની ભેળસેળ થઈ ગઈ છે. આમ, હું કોને માટે લખું છું, એ કરતાં કોને માટે નથી લખતો એ પ્રશ્નનો ઉત્તર આપવાનું વધારે સહેલું લાગે છે. ‘જયા–જયન્ત’ પછી જેમણે કદાચ બહુ ઝાઝું વાંચ્યું નથી, અને હવે તો પુસ્તક મફત મળે નહિ ત્યાં સુધી જેઓ વાંચવા પ્રેરાતા નથી, એવા વિદ્વદ્વર્ગ માટે હું નથી લખતો. હમણાં બે–ચાર વર્ષથી વળી પાછું દૈનિક અખબારોમાં નવલકથાઓ લખવાનું પ્રાપ્ત થયું છે. ત્રીસ–ચાળીસ પ્રકરણ જેટલી લાંબી, લગભગ એકાદ વર્ષ ચાલે એવી નવલકથાના પ્રકાશન માટે દૈનિક અખબાર જેવું જોખમભર્યું માધ્યમ બીજું ભાગ્યે જ હોઈ શકે. બે વર્ષ પહેલાં ‘જનશક્તિ’માં ‘વેળાવેળાની છાંયડી’ નવલકથા આ રીતે લખેલી. હમણાં ‘જન્મભૂમિ’માં ‘લીલુડી ધરતી’ નામની નવલકથા લખું છું. દૈનિક અખબારોમાં આ રીતે હફતે હફતે નવલકથા લખવી એ અખતરામાં તંગ દોરડા પર ચાલવા જેટલો ખતરો હોય છે. એમાં એક પણ હફતો કે પ્રકરણ નીરસ જાય તો વાચકો બાકીની કથા વાંચવાનું માંડી વાળે અને અખબારમાલિકો પુરસ્કાર આપવાનું તો ન માંડી વાળે પણ પ્રકાશન માટેનો એમનો ઉત્સાહ થોડો ઓસરી જાય ખરો. દૈનિક છાપાંની નવલકથાના વાચકોનાં તો લાખે લેખાં. એમાં શિક્ષિત સાહિત્યકારોથી માંડીને અર્ધશિક્ષિત અને નિરક્ષર ગૃહિણીઓ પણ હોય. (‘વેળાવેળાની છાંયડી’ દર રવિવારે પ્રગટ થતી ત્યારે અભણ સ્ત્રીઓ પોતાની ભણેલી પડોશણો પાસે એ પ્રકરણે વંચાવીને સાંભળતી.) આ માટે, આખી નવલકથા ઉપરાંત એનું એકેક અલગ પ્રકરણ પણ આ મિશ્ર વાચકસમૂહ માટે ‘મનભર ને મનહર’ બની રહે અને આગળ વાંચવા માટેની એમની જિજ્ઞાસા જળવાઈ રહે એટલું જ નહિ પણ ઉત્તરોત્તર વધતી રહે એ માટે હું સભાનપણે પ્રયત્ન કરતો રહું છું. અને અત્યાર સુધીનાં પરિણામો જોતાં લાગે છે કે હું મારા વાચકવર્ગને વફાદાર રહી શક્યો છું. પણ આ વાર્તાલાપનો મુખ્ય મુદ્દો તો, મારે મન આ છે : હું નવલકથા લખું છું શા માટે? અને વાચકો એ કથાઓ વાંચે છે શા માટે? આ બાબતમાં ટી. એસ. ફેરલનો અનુભવ નોંધવા જેવો છે : આજના ઔદ્યૌગિક યુગમાં અને વિભાગીય કામવહેંચણીની પ્રથામાં માણસનું જીવન કૃત્રિમ બની ગયું છે. એક માણસ બીજા માણસથી માનસિક રીતે વિભક્ત થતો જાય છે. હુન્નરી યુગની આ તાસીર છે. એક માણસને બીજો માણસ પરાયો, અપરિચિત લાગે છે એટલું જ નહિ, એક જ માણસ પોતાને ને પોતાને અજાણ્યો લાગે છે. એ પોતાના જ વ્યક્તિત્વનાં ઘણાં પાસાંઓથી અપરિચિત રહે છે. આજે ટાઈમટેબલ પ્રમાણે જિવાતા જીવનમાં માણસ પોતે જ પોતાની લાગણીઓ કે વિચારોને વાચા આપી શકતો નથી. આવી સ્થિતિમાં એને પોતાનો જ પરિચય સાધવાની અને બીજાં માનવીઓની આશા-આકાંક્ષાઓ, ઊર્મિઓ, સ્પંદન વગેરે જાણવાની તાલાવેલી જાગે છે. આજના માનવીના છિન્નભિન્ન વ્યક્તિત્વને સુગ્રથિત કરવામાં નવલકથા મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવી વધારે ‘સામાજિક મોકળાશ’ ઝંખતો હોય છે. એવી મોકળાશ નવલકથાના આસ્વાદ વડે એ મેળવી શકે છે. લેખકે આલેખેલા અનુભવો અને સંવેદનોને આત્મસાત્ કરીને વાચક પણ જૉહ્ન ડ્યુઈ જેને ‘શૅર્ડ ઍંકિસ્પરિયન્સ’ કહે છે, એવો સહિયારો આનંદાનુભવ કરી શકે છે. આમાં લેખકનો કશો ચમત્કાર નથી. નવલકથાના સાહિત્યપ્રકારની જ એ બલિહારી છે. આમ તો વાર્તા–નવલકથાનું કલ્પનોત્થ સાહિત્ય લગભગ માનવી સાથે જ જન્મેલું છે. પણ સામ્પ્રત યુગની સંકુલ બનતી જતી જીવનશૈલી અને રહેણીકરણીમાં લાંબી કથાઓ અને નવલસાહિત્યને શિરે એક વિશિષ્ટ કામગીરી આવી પડી છે. નવલકથાઓના અસાધારણ લોકપ્રિયતાનું કારણ પણ કદાચ વર્તમાન જીવનપદ્ધતિમાં જ રહેલું હશે. આજના માનવીને કૃત્રિમ રીતે, ખંડોમાં ને ટુકડાઓમાં જીવવું પડે છે તેથી એને સમગ્ર જીવનનું દર્શન નથી થઈ શકતું. તેથી જીવનનું અખિલાઈમાં દર્શન કરવા માટે અને પોતાના ખંડિત વ્યક્તિત્વને સુગ્રથિત અને અર્થપૂર્ણ બનાવવા માટે એ નવલકથાઓ વાંચે છે. આવા વાચન દ્વારા એને એક પ્રપૂર્ણ અને સભર જીવન–અનુભવનો પરિતોષ મળતો હશે કે કેમ, એ તો એ જાણે, પણ નવલકથાઓ લખનારને તો એવા પરિતોષનો આકંઠ અનુભવ થાય છે, એમ હું સ્વાનુભવથી કહી શકું.

મુંબઈ રેડિયો પરથી પ્રસારિત, ૧૯૫૭