કથાલોક/કથા અને કથનરીતિ
કથા અને કથનરીતિ
કલ્પનોત્થ સાહિત્યમાં–નવીનતા શી ચીજ છે? ખરી રીતે તો કથાવસ્તુના નવીન વિભાવનના અનુલક્ષમાં નવીનતાનું પરીક્ષણ થવું ઘટે. એને બદલે ઘણી વાર કથાના આયોજન અને કથનરીતિ વડે જ નવીનતા ઓળખાતી હોય એવું જોવા મળે છે. આ વલણ દૂષિત છે. અને મૂળ વૃક્ષને છોડીને એનાં ડાળડાળખાંને પકડવા જેવું, ગેરમાર્ગે દોરનારું છે. કોઈ વાર્તા પત્રરૂપે લખાઈ હોય, સ્વગતોક્તિરૂપે રજૂ થઈ હોય, ડાયરી તરીકે લખાઈ હોય તેથી એના કથાતત્ત્વમાં શો ફરક પડવાનો? અને એ કથનરીતિને કારણે જ એ આપોઆપ શી રીતે નવીન ઠરી શકે? રીતિ વડે નવીનતા સિદ્ધ કરવાનો મોહ કેટલાક અતિરેક ભણી દોરી જતો લાગે છે. એક મિત્રે ધ્યાન દોર્યું : ફલાણી વાર્તામાં એક પણ પેરેગ્રાફ–પરિચ્છેદ નથી આવતો; આખીય વાર્તા એકધારી સળંગ લખી નાખી છે. આ સાંભળીને મને જરા હસવું આવેલું. મેં કહ્યું : એ તો, સર્જકતા કરતાં મુદ્રણકલાની નવીનતા વિશેષ ગણાય. સારોયાનની આરંભિક વાર્તાઓમાં એકેક વાક્યનો એકેક પરિચ્છેદ છપાતો. પૂરા એક દાયકા સુધી નવીન વાર્તાકાર તરીકે સારોયાનની બોલબાલા રહેલી. આજે એની એટલી જ વિસ્મૃતિ થઈ ગઈ છે. સંવાદો, વાતચીતની ઉક્તિઓ અવતરણચિહ્નોમાં મૂકીએ કે એ ચિહ્નનો વિના ચલાવી લઈએ, અવતરચિહ્નને બદલે નાની લીટી મૂકીએ, એ બધું આખરે તો મુદ્રણનાવિન્યમાં જ ખપે, સર્જનનાવિન્યમાં નહીં. આવી મુદ્રણનાવિન્ય ધરાવતી વાર્તા પઠનમાં એની છપાઈને કારણે નવીન દેખાય પણ એ જ વાર્તા રેડિયો પરથી રજૂ થાય ત્યારે એના ધ્વનિપ્રસારણમાં એની નવીનતા શી રીતે ઠસાવી શકાય? એ વાર્તા રેડિયો પરથી સાંભળતી વેળા શ્રોતા શી રીતે જાણી શકવાનો હતો કે આ વાર્તા સળંગ એક જ પરિચ્છેદમાં લખાયેલી છે કે એના એકેક વાક્યના એકક પરિચ્છેદ પડેલા છે? કલ્પનોત્થ સાહિત્યનું સ્વરૂપ જ એવું છે કે એમાં અમુકતમુક રીતે યા આયોજનને નવીન ઠરાવીને એને વળગી રહેવાથી એ સાહિત્યપ્રકારમાં રહેલી પારાવાર મોકળાશનો લાભ ગુમાવી બેસવાનો ભય રહે છે. કોઈ અમુક જ આયોજનરીતિનું બંધિયાર ચોકઠું આ સાહિત્યપ્રકારને ગૂંગળાવનારું જ બની રહે. વાર્તા–નવલકથામાં કોઈ નિશ્ચિત આકૃતિનો અભાવ જ એનું એક અપરંપાર શક્યતાઓ ધરાવનારું આકર્ષણ બની રહે છે. હરેક સર્જક પોતાની સર્જનાત્મક જરૂરિયાતોને અનુલક્ષીને પોતાની કથનરીતિ અને આયોજનરીતિ યોજતો હોય છે. અથવા, વધારે સાચું કહીએ તો, એ સર્જકની પણ જાણ બહાર, આપોઆપ યોજાઈ જતી હોય છે. જેમ્સ જોઈસ માટે ‘યુલિસિસ’ની ચોવીસ કલાકની ઘટનાક્રમ રીતિ એની પોતીકી સર્જનાત્મક જરૂરિયાત હતી. એ રીતિ અન્ય સર્જકો માટે બિનઉપયોગી જ નહિ, નુકસાનકારક પણ નીવડે. એક સર્જક માટેનું અમૃત બીજા સર્જક માટે ઝેર બની રહે. એક કથાકારનો નાયક એકલવાયાપણું અનુભવે ત્યારે એ સમયગાળાની અરધો ડઝન નવલકથાઓના નાયકો એવું જ એકલવાયાપણું અનુભવી રહે, એમનાં ચિત્રણો પણ એકસરખાં જ બની રહે ત્યારે મને ચિન્તા થાય છે. કથાના વિભાવનનું જ નહિ, આયોજનનું પણ આટલું બધું અનુકરણ થઈ શકે? વાર્તા–નવલકથા એ નિબંધ નથી, એક સર્જનાત્મક કૃતિ છે. અમુક વિષય ઉપર નિબંધ લખવાનું કહેવામાં આવે ત્યારે એ વિષય ઉપર સેંકડો કલમો નિબંધ લખી શકે. પણ વાર્તા–નવલકથા? જગન્નિયંતાની આ સૃષ્ટિમાં બે માનવચહેરા પણ એકસરખા નથી હોતા, તો બે કલાકૃતિ તો એકસરખી શી રીતે સંભવી શકે? આયોજન અને ટેકનિકની અતિઉપાસના પાછળ ઘણી વાર બનાવટ ચાલતી હોવાનો ભય છે. કશી નિજી અનુભૂતિ વિનાનાં નકલિયાં નિષ્પ્રાણ ખોખાં રચાતાં હોય એમ પણ લાગે છે. દેખાદેખી અને ફેશનપરસ્તી કાપડકલામાં ચાલે, કલાકૃતિમાં નહિ. તેથી જ, ઉચ્ચ સર્જકતા હંમેશાં પોતાની આગવી જ આયોજનરીતિ ઉપજાવી રહે છે. એ કોઈ ચાલુ રવૈયાને વશ વર્તતી નથી. ડી. એચ. લૉરેન્સે એક વાર કહેલું : ‘They want me to have form : that means they want me to have their pernicious, ossiferous, skin–and–grief form, and I won’t.’ કવિએ કહ્યું છે : ‘મળે ન આદર્શ કદી ઉછીના.’ કલાકૃતિના આદર્શ પણ ઉછીના શી રીતે લઈ શકાય? નકલખોરી પોતે જ એક સભાનપણું સૂચવે છે. અતિસભાનપણે ટેકનિકની જટાઝાળ ગૂંથતા લેખકોની મને બહુ બીક લાગે છે. સર્જનની ક્ષણ કાંઈક અંશે અ–ભાન ક્ષણ હોય છે. સર્જકની પોતાની પણ જાણબહાર, યોજનાબહાર કશુંક રચાઈ જતું હોય છે અને એ સ્વયંભૂ આકાર પામતું હોય છે. સર્જકને પણ વશ ન વર્તે એ સર્જન ઉત્તમ. એલિયટે કહેલું કે વૃક્ષના વિકાસનો નકશો ન દોરી શકાય.
ઓકટોબર, ૧૯૬૭