કથાલોક/નર્કાગારની નમણાઈ


ખંડ ચોથો
નવલકથાઓ : વિદેશી

નર્કાગારની નમણાઈ

આજકાલ અનુવાદ પ્રવૃત્તિમાં સારી તેજી જણાય છે. ઘણી વાર એવો પણ વહેમ આવે છે કે પ્રકાશકોને મૌલિક ગ્રંથો કરતાં અનુવાદિત પુસ્તકો પ્રગટ કરવામાં વધારે રસ અને કસ જણાય છે. એક જમાનામાં શરદબાબુ અને ટાગોરને તળિયાઝાટક સાફ કરી ગયેલા પ્રકાશકો હવે અન્ય ભારતીય ભાષાઓમાંથી દ્વિતીય–તૃતીય કક્ષાના તેમજ કશીય કક્ષા વિનાના લેખકોની પણ ઓ. જી. એલ. ઢબે આયાત કરવા લાગ્યા છે. એ ઉપરથી પેટભરુ પ્રકાશનપ્રવૃતિનાં વરવાં લક્ષણો બહાર આવી રહ્યાં છે. બે સત્તાજૂથો વચ્ચેના ઠંડા યુદ્ધે પણ અનુવાદપ્રવૃત્તિમાં સારી ગરમી લાવી દીધી છે. કેટલાક શાણા પ્રકાશકોને બન્ને દુનિયાનું સર્વોત્તમ સાંપડી રહ્યું છે. પરિણામે, આજકાલ ગુજરાતીમાં સારું, નરસું તેમજ નપાવટ એકી સાથે ધમધોકાર બહાર પડી રહ્યું છે. સારાં અને નપાવટ તત્ત્વોનો સંયોગ વિરલ કહેવાય; ઍલેકઝાન્ડર કુપ્રિનકૃત વિખ્યાત નવલકથા ‘યામા’ એક સારી કલાકૃતિ છે, પણ તાજેતરમાં પ્રગટ થયેલો શ્રી શાન્તિ ના. શાહે કરેલો તેનો અનુવાદ નપાવટ છે. લોકનજરે ‘અનીતિમય’ કે ‘અશ્લીલ’ લેખાતી આ કથાને કૃપ્રિને ‘હૃદયના ઊંડા ભાવથી માતાઓને અને યુવાનોને’ અર્પણ કરી છે. કથામાંનો પત્રકાર પ્લેટોનોવ કહે છે તેમ, વિશિષ્ટ વાસ્તવ તો બે જ છે : માનવતા જેટલાં જ પ્રાચીન નામ ‘વેશ્યા અને ખેતમજૂર.’ રશિયાના નર્કાગાર The Hellholeનું નામ પામેલ યામા નામની વસાહતની આ વાત છે; એ લત્તાનું મૂળ આખું નામ તો યામસ્કાયા સ્લોબોદા, એટલે કે ઘોડાગાડીઓ હાંકનારા કૉચમૅનોનાં રેણઘરો. રશિયામાં રેલગાડીઓ આવ્યા પછી કાળક્રમે આ વસાહત ‘લાલ બત્તી વિસ્તાર’ બની ગઈ. કુપ્રિને આ વિસ્તારમાંનું અન્ના માર્દોવનાનું કૂટણખાનું પ્રસંદ કરીને એનાં રહેવાસીઓની જે કથા લખી છે એ આજે તો કુપ્રિનની કે રશિયાની મટીને વિશ્વસાહિત્યનો જ વારસો બની રહી છે. કુપ્રિનનું આ પુસ્તક અરુચિકર કે તુચ્છ નથી લાગતું એનું કારણ એણે આ વેશ્યાજીવનનું કરેલું યથાતથ ફોટુચિતરામણ જ નથી; એ વાસ્તવદર્શનમાં એણે પોતાની સાચકલી સહાનુકમ્પાનું જે રસાયણુ રેડ્યું છે એ આ કથાસૃષ્ટિને એક ઊંચેરા સ્તર પર મૂકી આપે છે. વારવનિતાઓની વાતો તો અન્ય ભાષાઓમાં પણ કાંઈ ઓછી નથી લખાઈ પણ ‘યામા’ આટલા લાંબા સમયગાળા પછી આજેય તાજગીસભર લાગે છે એ ઉપરથી કહી શકાય કે આ પ્રકારનાં કથાવસ્તુઓની કારમી વાસ્તવિકતાને પહોંચી વળવામાં કુપ્રિનની કલા ઊણી નથી પડી; એની સમૃદ્ધ સર્જકતાએ એક કઢંગા કથાવિષયની કલાત્મક માવજત કરી જાણી છે. ‘યામા’માં કોઈ એક નાયક કે નાયિકા શોધવાનું મુશ્કેલ છે. વિધાતાની સૃષ્ટિની પેઠે આ કથામાં પણ અપરંપાર મનુષ્યો ઊભરાય છે. ‘યુદ્ધ અને શાંન્તિ’માં જેમ સમગ્ર રશિયન જનસમાજ નાયકપદે હતો એમ ‘યામા’માં પણ વસુંધરાનાં વહાલાં–દવલાંનો વિરાટ ઊભરાય છે. ‘યામા’ની એ અંધારી દુનિયામાં સમસ્ત લોકજીવનની એક લઘુછબી આકાર લઈ રહે છે. એનાં કાયમી વસાહતીઓમાં કોને નાયિકાપદ આપવું એ એક મૂંઝવણભર્યો પ્રયત્ન લાગે છે. છતાં કારુણ્યમૂર્તિ જેનેચકા ઉર્ફે જેનીને આ કથાનું એક મુખ્ય પાત્ર લેખાવી શકાય. એ બુદ્ધિમાન છે, સંસર્ગજન્ય રોગથી પીડાઈ રહી છે અને પોતાને આવી રીતે બરબાદ કરનાર સમાજ ઉપર વેર લેવા એ પોતાના મુલાકાતીઓને આ રોગનો ભોગ બનાવવામાં આનંદ માણે છે. પણ એક સુકુમાર યુવાનને જોઈને એનું પાષાણ હૃદય દ્રવી જાય છે. એ યુવાનને એ સંસર્ગજન્ય રોગમાંથી ઉગારી લે છે. જેની કબૂલે છે કે આ મારી નબળાઈની ક્ષણ હતી. કરુણાસ્પર્શે દિલ દ્રવ્યું એને પોતાની નબળાઈ ગણનાર જેની આખરે આ કરુણાની યાતનામાંથી અને રોગના ત્રાસમાંથી ઊગરવા ગળાફાંસો ખાઈને મરી પરવારે છે. ઘરની નવી માલેકણ આ મૃત જેની પ્રત્યે અનુકમ્પા ધરાવે છે. આપઘાત કરનારના મૃતદેહને ધાર્મિક ક્રિયાઓનો લાભ ન મળી શકે છતાં, લાગવગ લગાડીને એ જેની માટે વિધિસરના દફનનો પ્રબંધ કરે છે. શબને કબરના ખાડામાં ઉતારવાનું દૃશ્ય સૂક્ષ્મ લખાવટની નીપજ છે. આ કથાનું એક નામ ‘યામા ધ પિટ’ પણ છે. પણ્યાંગનાઓની વસાહત પોતે તો એક ઊંડી ગર્તા છે જ. પણ આખરે જેનીના શબને ઊંડી ગર્તામાં ઉતારવામાં આવે છે એ પ્રતિરૂપમાં અર્વાચીન રસજ્ઞો અવનવી સંજ્ઞાઓ શોધી શકે. કબર સન્મુખ ટમાસા કહે જ છે : ‘ખેલ ખલાસ થઈ ગયો; બધાંને એક દિવસ તો મરવાનું જ છે. પણ મને જેનેકાના મૃત્યુનું બહુ દુઃખ છે. પણ તે આજે ખાડામાં રહીને આપણે જે ખાડામાં સબડ્યા કરીએ છીએ એના કરતાં વધારે સુખ માણતી હશે.’ એનું મૂળ રશિયનના અંગ્રેજી અનુવાદનું વાક્ય છે : She is far better off in that hole than we are in ours. કુપ્રિનની કલાનો વિજય એ છે કે નર્કાગારની આ દુનિયાના ચિત્રણમાં એણે કોઈ પાત્ર પ્રત્યે તિરસ્કાર પેદા નથી કર્યો. આટઆટલા અનાચારોનાં વર્ણનો વાંચ્યા પછી પણ વાચકને કોઈ પાત્ર પ્રત્યે અણગમો નથી થતો, કોઈ એને અનૈતિક નથી લાગતું. જેનીના મૃતદેહ માટે રિયેસેનોવ તરફથી જે પુષ્પગુચ્છ આવે છે એમાં લાલ પટ્ટી પર સોનેરી અક્ષરોએ લખ્યું હોય છે : ‘તપીને સોનું પવિત્ર અને છે.’ (પૃ. ૫૩૫) મૂળ અંગ્રેજી અનુવાદમાં છે : Through suffering we shall be pured. આમ, અશુદ્ધ અને અપવિત્રતાનાં આ ચિત્રણોની ફલશ્રુતિ તો પરિશુદ્ધિ અને પવિત્રતાની જ છે. નહિતર તો લેખક દારુણ દેહલીલાઓની આ કથા માતાઓને અને યુવાનોને અર્પણ પણ શાના કરે? ધરાતલ પરના આ નર્કાગારનાં ચિત્રણો દુમા, ડેફો આદિએ કાંઈ કમ નથી કર્યાં પણ કુપ્રિનની કલા આ નર્કાગારને નમણાઈ અર્પવામાં રહેલી છે. અસુંદરના આલેખન વડે પણ એ સુંદરનો અનુભવ કરાવી શકે છે તેથી જ આ કથાની અસર શાશ્વત રહેવા સર્જાયેલી છે. દુનિયાની અનેક ભાષાઓમાં અનેક અનુવાદો વડે આ કથા વંચાતી રહે છે. કમનસીબે ગુજરાતીમાં શ્રી શાન્તિ ના. શાહે આ કથાનો જે અનુવાદ કર્યો છે એ એટલો તો કંગાલ છે કે એ જોઈને કુપ્રિનને લાજી મરવું પડે, અને ગુજરાતીઓ તરીકે આપણે માફી માગવી પડે. અનુવાદક પાસે ભાષાની સમૃદ્ધિ નથી, લખાવટની શૈલી નથી એ તો ઠીક, પણ એમણે જે તરજૂમો કર્યો છે એ પણ એવો તો અનર્થકારક છે કે આ કલાકૃતિના સૌન્દર્યને શક્ય તેટલું હણી નાખવાની જ એ કામગીરી બજાવે છે. આ તરજૂમાને એક જ શબ્દ વડે ઓળખાવવો હોય તો એને વર્ણસંકરી કહી શકાય. એમાં આલેખન રશિયન જીવનનું છે પણ ઠેરઠેર વીગતો ભારતીય જીવનની આવે છે. આ અનુવાદને શ્રદ્ધેય ગણીએ તો તો એમ જ માનવું પડે કે, દક્ષિણ રશિયાના આ નગરની આ ‘યામા’ વસાહતમાં રૂબલને બદલે રૂપિયા–આનાનું ચલણ ચાલે છે. (આ ઉલ્લેખો તો અનુવાદકે એટલાં તો અસંખ્ય સ્થળોએ કર્યા છે કે એની સંપૂર્ણ યાદ અહીં ટાંકી જ શકાય એમ નથી.) રશિયન ભાષાની કૃતિ મૂળ રશિયનમાંથી જ ઉતારવાનો પુરુષાર્થ તો આપણે ત્યાં હજી એક અપેક્ષિત ‘આદર્શ સ્થિતિ’ જ રહી છે. બંગાળીઓ મૂળ રશિયન અને મૂળ ફ્રેન્ચમાંથી ભાષાંતર કરે છે. પણ શ્રી શાંતિ ના. શાહે આ કથાનો અનુવાદ મૂળ રશિયનના અંગ્રેજી ઉપરથી પણ કર્યો હોવા વિશે શંકા જાય એમ છે. તરજૂમામાં કઢંગી વાક્યરચનાઓમાં ઠેરઠેર હિન્દી વાક્યરચનાઓની જ વાસ આવે છે. (જોકે, અનુવાદકે યા અનુવાદને આધાર લીધો છે એ અંગે ક્યાંય કશો ખુલાસો નથી કર્યો.) તેશી જ રશિયન જીવનના આ બયાનમાં ‘ચાવાર્ક’નો ઉલ્લેખ (પૃ. ૧૮૯) આવે છે. ‘સુવ્વર પાળનાર ભંગીઓ’(પૃ. ૨૦૨)ની વાત આવે છે. ‘ભગવાન કુબેરે સોનાનો દરિયો અહીં વહેવડાવ્યો છે’ (પૃ. ૨૦૫) એવું વર્ણન પણ વાંચવા મળે છે. ‘ઋષિમુનિ’ (પૃ. ૧૪૧), ‘ઇન્દ્રસભા’ (પૃ ૧૪૩), ‘સાધુ-સંતોની કબરો અને સમાધિ’ (પૃ. ૨૦૩), ‘કોકશાસ્ત્રનાં દૃશ્યો’ (પૃ. ૨૧૩), ‘ઘી–તેલ’ (પૃ ૧૨૬), ‘મીઠાઈ અને સેવ’ (પૃ. ૧૨૨) વગેરેની વાતો ઉપરથી આ તરજૂમાની વર્ણસંકરતા જ છતી થાય છે. હિંદીમાં જ શક્ય ગણાય એવી કઢંગી વાક્યરચનાઓવાળા તરજૂમાની એક જ વાનગી અહીં રજૂ કરીએ : ‘આજે દસ વરસ વીતી ગયાં છતાં આ લત્તાના જૂના નિવાસીઓ તે વરસને યાદ કરે છે કે જે વરસમાં નાનીમોટી ઘટનાઓ નાના ને મામૂલી ટંટાઓમાંથી આગળ વધીને એટલે સુધી પહોંચી હતી કે, સરકારે લાચાર બનીને વેશ્યાઓના એ લત્તાની નાબૂદી કરવી પડી હતી કે જે લત્તાને સરકારે જ કાનૂનો બનાવીને રચ્યો હતો. (પૃ. ૨૦૦) સાચી વાત એ છે કે, આવી સમર્થ કથાને સુંદર રીતે ગુજરાતીમાં ઉતારવા જેટલી તરજૂમાકારમાં ત્રેવડ નથી. આવો ભેળસેળિયો ભાવાનુવાદ કરીને એમણે કુપ્રિનની જ નહિ, આપણી માતૃભાષાની પણ કુસેવા જ કરી છે. મૂળ કૃતિના સૌન્દર્યને યથાતથ ગુજરાતીમા ઉતારવાની લેખકની અશક્તિ તો હજીય સમજી શકાય કે કદાચ અનધિકાર અડપલાં ગણીને એને માફ કરી શકાય. પણ અનેક સ્થળે એમણે અર્થના જે અનર્થો કરી નાખ્યા છે એ તો કોઈ રીતે ક્ષમ્ય ન ગણાય. સ્થળ–સંકોચને કારણે થોડા જ નમૂના તપાસીએ. કથાના અંગ્રેજી અનુવાદમાં એક વર્ણન આ મુજબ છે : Without taking the agarette out of her mouth and screwing up her eyes from the smoke she kept on turning the pages with a moistened finger: her legs were bare to the knees, while her feet, immense in size and ugly in form, had unsightly bunious and misshapen protruding from behind her big toes. (Translation by Nina N. Selivanona, Pyramid Books, New York.) હવે માની લઈએ કે અનુવાદકે નીના સેલિવેનોવાને બદલે બીજા કોઈ અંગ્રેજી અનુવાદકના પાઠને ભાષાંતરના આધાર તરીકે લીધો હોય તો પણ એનો ગુજરાતી અનુવાદ આવો તે શી રીતે થઈ શકે? ‘મોંમાં રહેલી સિગારેટના ધુમાડાથી આંખોને બચાવવા માટે તે પોતાની નજરને આમતેમ ફેરવતી હતી. તેના પગ ઢીંચણ સુધી ઉઘાડા હતા. તેની પિંડીઓ માંસલ અને ખૂબ આકર્ષક હતી. તેના પગનાં તળિયાં પણ ભરાવદાર અને માંસલ હતા.’ (પૃ. ૨૧) ‘Hear oh heaven, my praise and song’ એવી પ્રાર્થનાની લીટીનો તરજૂમો થયો છે : ‘હે ઈશ્વર, આપના સ્વર્ગમાં’... (પૃ. ૨૩) અંગ્રેજી ‘આર્મ્સ એકિમ્બો’નો તરજૂમો ‘પીઠ પાછળ હાથ રાખીને’ થયો છે (પૃ. ૬૬), યામાની મુલાકાતે આવતા એક ગ્રાહકનો વ્યવસાય ‘બુક્કીપર’નો છે. અને અનુવાદક બુકબાઈન્ડર સમજીને ‘તે બુકબાઈન્ડિંગનું કામ કરતો હતો’, (પૃ. ૯૫) એમ કહે છે. કથામાં એક પ્રસંગે યારશેન્કૉની મજાકના ઉત્તરમાં સિમિયન કહે છે : ‘I am not a citizen here, I am a bouncer.’ આનો તરજૂમો આ પ્રમાણે વાંચવા મળે છે : ‘હું આ ઘરનો કાંઈ શેઠ નથી; હું તો દ્વારપાલ છું.’ (પૃ. ૧૧૯) અહીં અનુવાદક ‘સિટીઝન’નો વિશેષાર્થ સમજ્યા નથી એ તો ઠીક, પણ શરાબખાનામાં અને કૂટણખાનાંમાં ગ્રાહકો તોફાને ચડે ત્યારે એમને શારીરિક રીતે જ ઊંચકીને બહાર ફેંકી દેવા માટે રોકવામાં આવતા ‘બાઉન્સર’ની કામગીરીનો પણ એમને ખ્યાલ નથી. ‘બાઉન્સર’ અને માત્ર ‘ડોર કીપર’ની કામગીરીઓમાં ઘણો ફરક હોય છે એ એમને કોણ સમજાવે? ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીની અવેજીમાં ગુજરાતી અપનાવાઈ રહ્યું છે ત્યારે અંગ્રેજી મારફત ઉત્તમ સાહિત્યકૃતિઓ આપણે ત્યાં અવતરવા માંડે એ તાકીદની જરૂરિયાત છે. પણ એ અનુવાદો આ કક્ષાના જ થવાના હોય તો એ પ્રવૃત્તિને થોભાવી દેવાની પણ એટલી જ તાકીદ ગણાય. જુલાઈ, ૧૯૬૪