કથાલોક/સૃષ્ટિનું સફળ સૌન્દર્ય
સૃષ્ટિનું સકળ સૌન્દર્ય
જેમાં પ્રેમની વાત ન હોય, પાત્રો તરીકે યુવક–યુવતી ન હોય, રૂઢ અર્થમાં નાયક–નાયિકા ન હોય, ખલનાયકની જેમાં કુટિલ કારવાઈઓ ન હોય એવી વાતમાં રસજમાવટ થઈ શકે? અથવા તો, એવી વાતમાં રસજમાવટ થઈ શકે તોયે એમાંથી ખાસ્સી મોટા કદની નવલકથા કાંતી શકાય ખરી?
આવા આવા પ્રશ્નોનો ઉત્તર કોઈક વાર, અપવાદરૂપે હકારમાં આપી શકાય ખરો અને એવી અપવાદરૂપ એક નવલકથા વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની છે. એ વિખ્યાત કથાનું નામ : ‘પથેર પાંચાલી.’
પથેર પાંચાલી એટલે વાટે ને ઘાટે ગવાતું સાવ સામાન્ય માનવીઓનું ગીત. આ કથામાં વાર્ધક્ય–જર્જર ડોસી ઈન્દિર ઠાકુરન વારે વારે એક ગીત ગાયા કરે છે. એ ગીત કાંઈ બહુ સૂરીલું નથી. પણ એ જ તો આ આખીયે કથાની તાસીર છે. જીવન કાંઈ સંપૂર્ણપણે સૂરીલું, સુસંવાદી, સર્વાંગ–સુંદર નથી હોતું. એમાં બસૂરાં અસુંદર તત્વો પણ ભારોભાર હોય છે. એ જ કદાચ જીવનની સ્વાભાવિક રફતાર હશે અને એ રફતારને વિભૂતિબાબુએ આ કથામાં વફાદારીપૂર્વક આંકી બતાવી છે.
જિંદગીની આ રફતાર ઉપરટપકે તો સાવ સામાન્ય છે, એની પાત્રસૃષ્ટિ જેટલી જ સામાન્ય. જન્મ, જરા, મૃત્યુની જ વાત. એમાં કશું અસાધારણ નહિ, ચિત્તાકર્ષક નહિ, રોમાંચક નહિ, ચમત્કારિક નહિ, અણધાર્યું પણ નહિ જ. ભારતનાં કરોડો માનવીઓ જે રીતે જીવે છે એ જ રીતે આ કથાનાં પાત્રો પણ જીવે છે અને મૃત્યુ પામે છે. અને એ પાત્રસૃષ્ટિ અતિસામાન્ય જ નહિ, અતિમર્યાદિત પણ ખરી. હરિહર નામનો ગરીબ બ્રાહ્મણ, સર્વજ્યા નામની એની ઘરરખ્ખુ ગૃહિણી; એને બે બાળકો : દુર્ગા અને અપુ. હરિહરની એક દૂરની સગાઈની ફોઈ ઈન્દિર ઠાકુરન. એમાં પ્રેમનો ત્રિકોણ તો શું, દ્વિકોણનાંયે ક્યાંય દર્શન ન થાય. રોકડાં ચારપાંચ જીવોની જ, રોજબરોજના જીવનની આ વાત. અને છતાં આ સામાન્ય જનોનાં સાવ સામાન્ય જીવનવહેણની વાત જરાયે શુષ્ક નથી બનતી, બલકે એને પાને પાને રસના ઘૂંટડા ભર્યા છે એનું રહસ્ય શું હશે? આનો ઉત્તર કદાચ એમ આપી શકાય કે લેખકે ભારતીય જનસામાન્યની બરોબર યોગ્ય નાડ પકડી છે, અને એના ધબકારાનું અજબ કુશળતાથી આ કથાને પાને પાને ધ્વનિ–આલેખન કરી આપ્યું છે. રોજિંદા જીવનનાં ખેલકૂદ, ખાનપાન, વાણીવ્યવહાર આદિની જે અસંખ્ય પળો સાહિત્ય કે કલામાં ઝિલાવાને પાત્ર નથી ગણાતી, બહુ કલાત્મક નથી દેખાતી, એવી પળોને આ બંગાળી સાહિત્યકારે કલાત્મક આલેખી બતાવી છે. અસાધારણ સૂક્ષ્મ કલાસૂઝ માગી લેતા આ ઉદ્યમમાં એમને એટલી જ અસાધારણ સફળતા સાંપડી છે.
નવલકથા લખવા માટે આ દેશમાં સામાન્યતઃ સ્વીકારાયેલો પશ્ચિમનો ચાલુ ઢાંચો વિભૂતિબાબુને સ્વીકાર્ય નથી. વાર્તાકથનના કૌશલની એમને જરાયે પરવા નથી. એ તો જીવનસરિતાને એની અખિલાઈમાં અવલોકે છે અને એ અખિલાઈને જ શબ્દબદ્ધ કરે છે. સ્થૂલ નજરે ક્ષુલ્લક જણાતી ઘણીયે વીગતો અને ઘટનાઓ તેઓ વિસ્તારથી વર્ણવે છે, અને એમાંથી જ તેઓ ચેતનભર સાચકલી જીવનસૃષ્ટિ રચે છે.
પણ ઉપર કહ્યું તેમ, આ નવલકથાની પાત્રસૃષ્ટિ કે પાત્રસંખ્યા ખરેખર મર્યાદિત છે? રોકડા ચારપાંચ જીવોની જ આમાં વાત છે? ના.
બંગાળના નિશ્ચિદપુર ગામની આ કથામાં તો બીજાં અસંખ્ય પાત્રો છે, દુકાન જોડે નિશાળ ચલાવતો પ્રસન્ન, કે રાજકૃષ્ણ સન્યાલ મહાશય, અન્નદારાય જમીનદાર કે એવાં ગ્રામજનો ઉપરાંત બીજાં ઘણાં પાત્રો છે. નિશ્ચિદપુરની બાજુનું વાંસવન પોતે જ એક જીવતું–જાગતું પાત્ર બની રહે છે. અપુ અને દુર્ગાના નાનકડા જીવનની અનેક સુખદ ક્ષણો જ્યાં વીતે છે એ શંખારીપુકુર પણ એવું જ એક અગત્યનું પાત્ર ગણાય. વીરુરાયનો ખખડધજ વડ, સોનાડાંગા જંગલ, મધુખાલી સરોવર, અરે, તીણો પાવો વગાડીને રોજ પસાર થતી રેલવે ટ્રેન અને તારના થાંભલા સુદ્ધાં આ કથામાં સજીવ પાત્રો જેવાં બની રહે છે. માનવી અને પ્રકૃતિ એકબીજામાં એવાં તો ઓતપ્રોત છે, કે બન્ને વચ્ચે અંતરનો તાર સંધાઈ રહેતો જણાય છે. વિભૂતિભૂષણ આ કથામાં ઠેર ઠેર ગંધ–સુગંધનું વર્ણન કરવામાં રાચે છે એ પણ બહુ અર્થસૂચક છે. અપુને એના ઘરના જૂના ઓરડામાંથી, જીર્ણ વસ્તુઓ આદિમાંથી એક પ્રકારની પુરાણી ગંધ આવે છે, બીજે એક સ્થળે લેખક પરગાછા ફૂલની વ્યાકુળ આર્દ્ર સુગંધથી મિશ્રિત પૃથ્વી, તેનું સકળ સૌંદર્ય, રહસ્ય અને વિપુલતાની વાત કરે છે.
પૃથ્વીના સકળ સૌંદર્યની આ કથા મનુષ્ય અને પ્રકૃતિને તાણાવાણાની જેમ વણી લે છે. તેથી જ ઇચ્છામતિનો આરો, વાંસવન અને હરિહરના ઘર પાછળની કદંબ તલાવડી પણ આ કથામાં અગત્યનાં અને અંતર્ગત અંગો બની રહે છે. અરે પેલો નિર્જીવ ચંડીમંડપ અને પેલું નીલકુઠીનું ભૂત સુદ્ધાં આ પૃથ્વીના સકળ સૌન્દર્યમાં સમાવિષ્ટ થઈ જાય છે. અને આ આલેખન એવું તો સ્વાભાવિક અને પ્રતીતિકર છે કે અપુ–દુર્ગાને કે ઈન્દિર ઠાકુરનને પેલા વાંસવનથી વિખૂટાં પાડીને એમનો વિચાર જ ન કરી શકાય. જરાજર્જર ઈન્દિર ડોસી તો પ્રાણત્યાગ પણ વાંસવનને ખોળે જ કરે છે ને?
કથાના આરંભિક ખંડનું શીર્ષક છે, ‘દુઃખ જ દુઃખ.’ હા, આ વાર્તામાં દુઃખ અને દરિદ્રતાનું ભરપૂર આલેખન છે, છતાં કથાનો ધ્વનિ દુઃખમય નથી. યજમાનવૃત્તિ ઉપર માંડ કરીને પેટિયું રળતા ગરીબ બ્રાહ્મણની આ વાત છે. અને ઘણીવાર તો એ પેટિયું પણ નથી રળી શકતો. એને સામે પડછે જમીનદારને ઘેર બત્રીસ ભાતનાં ભોજન જેવી સાહ્યબી છે પણ લેખક દરિદ્રનારાયણનો ઝંડો ફરકાવવા કે વર્ગવિગ્રહનો નારો પોકારવા નથી નીકળ્યા. એમને તો આ દીનદલિત કુટુંબના જીવનમાંથી કવિતા પકડવી છે. તેથી જ ‘દુઃખ જ દુઃખ’ વડે આરંભાતી કથાને અંતે ‘ઉડો પારેવડાં!’નો ઉછરંગસૂચક ધ્વનિ ગુંજી રહે છે. દુર્ગા અને હરિહરનાં મૃત્યુની કરુણતા કાંઈ કમ નથી. પણ કથાની મીંડ મૃત્યુ ઉપર નહિ, જીવન ઉપર, જિજીવિષા ઉપર મંડાયેલ છે. તેથી જ તો કદાચ પેલો ભયંકર કરુણ સહ્ય બની રહે છે. અને એ જ સાવ સામાન્ય જીવનવહેણની અસામાન્ય કવિતા છે.
રવીન્દ્રનાથ ટાગોરને એક વેળા કોઈએ પૂછેલું કે ભ્રાતૃપ્રેમ, ભગિનીપ્રેમ, પુત્રપ્રેમ આદિ ભાવો અત્યંત ઉમદા હોવા છતાં દુનિયાભરના ઘણાખરા સાહિત્યમાં એકલો દામ્પત્ય પ્રેમ જ કેમ કેન્દ્રસ્થાન દેખાય છે. આના ઉત્તરમાં કવિવરે કહેલું કે સાહિત્યનું ઉપાદાન રહસ્ય છે, રહસ્યમયતા છે, અને પુત્ર પ્રત્યેનો માતાનો પ્રેમ ગમે તેટલો ઉત્કટ હોય તોયે એમાં કશા રહસ્યનું તત્ત્વ નથી હોતું.
માતા તો પોતાનાં સંતાનને વહાલ કરે જ, એમાં નવાઈ શી? ત્યારે જેમની વચ્ચે લોહીની સગાઈ નથી એવા એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેના સંબંધમાં–દામ્પત્યમાં રહસ્ય રહેલું છે, અને તેથી એના આલેખનમાં કાવ્યક્ષમતા રહેલી છે. સાહિત્યના ઉપાદાનની રહસ્યમયતાની ટાગોરની આ વાત સાચી હોવા છતાં એમાં કોઈક સુખદ અપવાદ પણ હોઈ શકે. વિભૂતિબાબુની કથા ‘પથેર પાંચાલી’ આવો એક અપવાદ જણાય છે. આમાં એક ભાઈ–બેનની જોડલીના કૈશોર્યકાળના પ્રેમની વાત છે ખરી, સર્વજયાનું હૃદય દુર્ગાના મૃત્યુ પછી ચિત્કાર કરી ઊઠે છે ખરું. ગામમાં રહીને પેટિયું ન રળી શકનાર હરિહર પરગામ કથા કરવા જાય છે એ પણ અપત્યપ્રેમથી પ્રેરાઈને જ. પણ રવીન્દ્રનાથ જેને સાહિત્યનું રહસ્યમય ઉપાદાન કહે છે એ દામ્પત્યપ્રેમનો તો આ કથામાં ક્યાંય આછેરો નિર્દેશ પણ નથી અને છતાં આ કૃતિમાં આદિથી અંત સુધી જીવનની રહસ્યમતા કરતાંયે કોઈક અદકેરો રસાનુભવ થયા કરે છે એ શાને આભારી હશે?
આ પ્રશ્નનો ઉત્તર પણ એટલો જ રહસ્યમય રહે એ બનવાજોગ છે. છતાં કોઈ સહૃદય વાચક એમ કહી શકે કે કથાની અસાધારણ સફળતા, લેખક જેને પેલી પરગાછા ફૂલથી વ્યાકુળ આર્દ્ર સુગંધથી મિશ્રિત પૃથ્વી તરીકે વર્ણવે છે એના સકળ સૌન્દર્યના આલેખનમાં રહી હશે. કર્તાએ સદ–અસદ, કમનીય જોડે કુત્સિતને પણ એવી તો કુશળતાથી આવરી લીધું છે કે એમાં કુત્સિત પણ કર્તાની કલાના પારસમણિ વડે સૌન્દર્યમય બની રહે છે. નહિતર, કાશીમાં બિમાર પતિની સારવાર કરી રહેલી સર્વજયાની ગરીબી અને એકલતાનો લાભ લેવા, પાનમાં ચૂનો માગવાને બહાને આવી ચડેલ નંદબાબુના પ્રસંગમાં ઓછી કુત્સિતતા નથી. પણ જેનું નામ સર્વજયા, એને આવી કુત્સિતતા પણ શાની સ્પર્શી શકે? કથા પૂરી કર્યા પછી આ પ્રસંગ તો સાંભરતો પણ નથી. અંતરમાં તો રમી રહી છે ‘સર્વજયા’, જીવનનો જય.
બે–એક દાયકા પહેલાં ગુજરાતીમાં પ્રગટ થયેલી આ કથા થોડાં વર્ષથી વિસરાઈ ગઈ લાગતી હતી. અથવા તે એ વધારે પડતી વહેલી બહાર પડી ગયેલી. પણ સત્યજિત રૉયે આ કથાને રૂપેરી દેહ આપ્યા બાદ એમાં નવો રસ જાગૃત થયો છે એ પ્રસંગે આ કથાનું પુનર્મુદ્રણ વિશેષ આવકાર્ય બની રહે છે. ‘પથેર પાંચાલી’ ચલચિત્રના ચાહકોને આ કથાના વાચનમાંથી નવા નોખા જ સૌન્દર્યબિંદુઓ સાંપડી રહેશે.
(પથેર પાંચાલી : લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાય : અનુવાદક લાભુબેન મહેતા)
એપ્રિલ ૨૬, ૧૯૬૧