કથાલોક/મળેલા અને ઝઘડેલા જીવ



મળેલા અને ઝઘડેલા જીવ

પન્નાલાલ પટેલની નવી નવલકથા ‘મનખાવતાર’માં શી શી સામગ્રીઓ છે એ કરતાં શું શું નથી એ બાબતમાં એ વધારે ધ્યાનપાત્ર બની રહે છે. દાખલા તરીકે, લગ્નબાહ્ય પ્રેમાકર્ષણનું પન્નાલાલનું મનગમતું કથાવસ્તુ આ કૃતિમાં ગેરહાજર છે. એનો કથાનાયક માવો જરાતરા માવડિયો હોવા છતાં પન્નાલાલના અન્ય કથાનાયકો જેવો છેક ‘ભીરુ સાથી’ નથી. લેખકનો માનીતો મેળો આ રચનામાં બહુ મહત્ત્વનું સ્થાન ધરાવતો નથી; જોકે ‘મનખાવતાર’માં નાનો સરખો મેળો આવે છે ખરો, પણ એ પ્રેમાતુર શ્રમજીવીઓને બદલે શ્રાવકોનો છે. એ મેળામાંથી માવો પોતાની પિયરવાસી પરિણીતા રૂખીને બળજબરીથી ઉપાડી લાવે છે એથી વધારે કામગીરી લેખકે આ મેળા કનેથી લીધી નથી. પન્નાલાલનો પેટન્ટ બની ગયેલો ચગડોળ અહીં એની ગેરહાજરીથી જ યાદ આવે છે. પીહા (પાવા) વિના તો પન્નાલાલને ચાલે જ કેમ? છતાં આ કથામાં એનો ઉપયોગ બહુ મર્યાદામાં થયો છે. નાયકનાયિકાને પરિણય પૂર્વેના પ્રણયને નિમિત્તે સામસામી કવિતાબાજી કે હૂડાબાજીની હોડમાં ઊતરવાનો અહીં અવકાશ નથી, કેમ કે, કથા શરૂ થતાં પહેલાં જ નાયક–નાયિકા પરણી ચૂક્યાં છે, અને રૂખી આણે આવે છે ત્યારથી વાર્તાનો આરંભ થાય છે. આ કથાની દુનિયામાં ચોપાડ, ગુંજાર આદિમાં વારંવાર ચા ઊકળે છે અને હુક્કા ગુડગુડે છે, પણ રીતસરનાં રાવણાં બેસતાં નથી. રૂખી–માવાની લગ્નગૂંચ ઉકેલવા જ્ઞાતિના પંચની એકબે બેઠકો લેખકે યોજી છે એ પણ આજકાલનાં કૉંગ્રેસ અધિવેશનોની બિઝનેસ સેશન જેવી જ બની રહે છે. હમણાં હમણાં વાર્તાકારો વાચકોને શિરે દુષ્કાળનો બેહદ ત્રાસ ગુજારી રહ્યા છે, ત્યારે ‘મનખાવતાર’માં દુષ્કાળનો સમૂળો અભાવ જોઈને સુકાળ જેવી નિરાંત અનુભવાય છે. આમ, આટલી મુખ્યમુખ્ય બાબતોમાં ‘મનખાવતાર’ એના કર્તાની આગલી કૃતિઓની જુદી પડતી હોવા છતાં કથાનું વળું ‘વળામણાં’ કે ‘મળેલા જીવ’ જેવી લઘુનવલને મળતું આવે છે. ‘મનખાવતાર’નો વ્યાપ ‘માનવીની ભવાઈ’ જેવી પૂર્ણતમ નવલકથા સુધી પહોંચતો નથી. કથાનું વસ્તુ લઘુનવલમાં વધારે ધારદાર બની શકે એવું સરલ, એકમાર્ગી અને ગૂંચ વગરનું છે. એક પરિણીત યુવક અને યુવતી પોતપોતાની હઠાગ્રહી માતાઓની મમતને કારણે કેવાં હિજરાય છે, એની આ કરુણ કથનીનું પોત સાડા ત્રણસો પાનાના પથારામાં વધારે પાંખું બની રહે છે. પન્નાલાલના જેવી કસબી કલમનું કામણ ન હોત તો આ કથા અરધેથી જ તૂટી પડી હોત. એમ થવાને બદલે અરધે પહોંચ્યા પછી જ વાર્તાની પકડ જામે છે અને પાંખું–પાતળું કથાવહેણ પણ વાચકને એના પ્રવાહમાં ખેંચી જાય છે એ આ કૃતિનો કલાવિજય ગણાય. કલાવિજય એટલા માટે, કે ઉપર ગણાવી એ પન્નાલાલની લાક્ષણિક રસસામગ્રીઓ આ કથામાં ગેરહાજર હોવા છતાં કૃતિની ગુણવત્તા કર્તાની હમણાં હમણાંની કેટલી રચનાઓ કરતાં ઊંચેરી જણાઈ છે. નવલકથામાં સ્થૂલ આકર્ષણો ઘણાં ઓછાં છે. ખાટલે મોટી ખોડ કે પ્રથમ પ્રેમત્રિકોણ જ ન મળે, એવી આ રચના છે. રૂખીના જીવનમાં, કથા અધઝાઝેરી વહી ગયા પછી શંકો (શંકર) પ્રવેશે છે. પણ એ પામર જીવ પ્રેમી કરતાંયે વધારે તો ચંચળના જાસૂસ તરીકે જ કામ કરે છે. ખલનાયક બનવા જેટલી ત્રેવડ એ દાખવી શકતો નથી. રૂખીના હાથનું દાતરડું ખાવાથી વધારે કશી પ્રાપ્તિ એને થઈ શકતી નથી. આ કૃતિની ખરી ખલનાયિકા તો ચંચળ છે. કથાની વાચનક્ષમતા અને કલાત્મક સફળતાનો ઘણોખરો બોજ બે મળેલા અને ઝઘડેલા જીવના આલેખન ઉપર જ રહે છે. લેખકે એક સ્થળે સમજાવ્યું છે તેમ, ભર્યા ભાણા ઉપર બેઠેલા બે ભૂખ્યા જીવોની આ કથા છે. બેઉ ઉપર વાત્સલ્યને નામે એમનાં સગાંઓ જ સીતમ ગુજારી રહ્યાં છે. છાપાંળવી લઢણમાં કહીએ તો સમાજના સીતમની ચક્કીમાં પીસાતા બે પ્રેમીઓની આ વીતકકથા છે. અને પ્રેમ તો પન્નાલાલની કલમનો માનીતો વિષય છે. આ કથામાં પણ જ્યાંજ્યાં તેઓ શૃંગારની માત્રાનો અતિરેક અટકાવી શક્યા છે ત્યાંત્યાં પ્રેમના આલેખનને પ્રતીતિકર બનાવી શક્યા છે. માત્ર કથાના ઉત્તરાર્ધમાં મકાઈને માળે ચડીને દૂરદૂરનાં ખેતરેથી માવો ને રૂખી સામસામા પ્રેમગીતોના ગોફણ–ગીલોલા ફેંકવા માંડે છે ત્યારે આપણે વાર્તાના વાચનને બદલે કોઈ ચીંથરિયું હિન્દી ચલચિત્ર નિહાળતાં હોઈએ એવો અનુભવ થાય છે. આપણા સારા કલાકારોએ આવી સસ્તી સિનેમાશાઈ તરકીબો હવે વહેલી તકે વર્જવી ઘટે. સિનેમાશાઈ પ્રેમપ્રલાપોને તો ખુદ એ ઉદ્યોગવાળાઓએ જ ‘પ્રેમ કા આટાચાવલ, પ્રેમ કી ખીચડી’ કહીને વગોવી નાખ્યા છે ને? પણ ‘મનખાવતાર’ માત્ર પ્રેમકથા જ છે? એને વૈરકથા પણ ન કહી શકાય? કથામાં પ્રેમ જેટલું જ પ્રબળ તત્ત્વ ઈર્ષ્યાનું પણ મોજૂદ છે. ગંગા અને ચંચળ એ બે વેવાણોની વિગ્રહકથા પણ રૂખી–માવાની પ્રેમકથાની સમાન્તર જ ચાલે છે. બલકે, કોઈ કોઈ વાર તો એ વિગ્રહના આલેખનમાં વધારે પડતા ઘેરા રંગો વપરાય છે ત્યારે રૂખી–માવો તો પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ જાય છે અને બેઉની માતાઓ જ મેદાન રોકી બેસે છે. આવા પ્રસંગોમાં લેખકની સંવાદશૈલી વધારે ધારદાર બને છે, બૈરક બોલી પરનું એમનું પ્રભુત્વ આફરીન પોકારાવે છે. ગીતને બદલે ગદ્યમાં ફટાણાં ગવાતાં હોય એવા આ સંવાદોમાંથી ગુજરાતની લોકબોલીમાં રહેલું ગજવેલ જોવા મળે છે. માર્ચ, ૧૯૬૨