કથાલોક/‘માણસાઈના દીવા’ : બંગાળી કલમે
‘માણસાઈના દીવા’ : બંગાળી કલમે
ન્યાયની દેવડીએ જેમને અપરાધી ઠરાવ્યા છે એ હતભાગીઓની જિંદગીના ઉજમાળા અંશોને ઉઠાવ આપવાની પહેલ ઝવેરચંદ મેઘાણીએ કરેલી. આમ તો એમણે વર્ષો પહેલાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ અને ‘સોરઠી બહારવટિયા’ની કથામાળામાં લોકનજરે ગુનેગાર ગણતાં માનવીઓની માનવતા પારખવાનો પ્રયત્ન કરેલો જ. પણ એ કથાઓ દસ્તાવેજી કરતાં લોકકલ્પનામિશ્રિત વધારે હતી. એનાં ચિત્રણો પણ યથાર્થલક્ષી કરતાં કૌતુકરાગી વિશેષ હતાં. પણ એ લેખનકાળ પછી ખાસ્સી એક પચીસીને ગાળે એમણે ‘માણસાઈના દીવા’માં જે અભિગમ દાખવ્યો એ સર્વાંશે યથાર્થલક્ષી અને અદાલતી દસ્તાવેજો જેટલો રંગવિહોણો ને સત્યનિષ્ઠ હતો. રવિશંકર મહારાજે પિતાના પરિચયમાં આવેલા ગુનેગારોને કેદીઓની જે કથનીઓ કહી સંભળાવી અને મેઘાણીએ એમાં પોતાની સ્વભાવગત રંગદર્શિતા કે ઊર્મિલતાનો અંશ પણ ઉમેર્યા વિના જે સંયમપૂર્વક ‘માણસાઈના દીવા’માં એનું ધ્વનિઆલેખન કરી લીધું એ આપણા સાહિત્યનો એક યાદગાર બનાવ બની રહ્યો છે. એ પછી તો એના અનુકરણમાં કહેવાતી સત્યઘટનાઓ લખવાના ઘણાય પ્રયત્નો થાય છે, પણ એ લખાણો નર્યા કિસ્સાઓની કક્ષાથી આગળ વધીને સાહિત્યિક ગુણવત્તા ભાગ્યે જ દાખવી શક્યા છે. તેથી જ વિખ્યાત બંગાળી લેખક ‘જરાસંઘ’નો કલમે લખાયેલ જેલજીવનની કથાઓનો સંગ્રહ ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’, ‘માણસાઈના દીવા’ની હરોળમાં બેસી શકે એવા એક મહાકથાગ્રંથ તરીકે આવકારપાત્ર બની રહે છે. જરાસંઘના ગ્રંથમાં ‘માણસાઈના દીવા’નાં બધાં જ સુલક્ષણો સમાવિષ્ટ હોવા ઉપરાંત થોડી અદકી વશેકાઈ પણ છે. એ ‘જરાસંઘ’ ઉપનામધારી લેખક ચારુચન્દ્ર ચક્રવર્તી પોતે જ પૂર્વ ભારતની જેલોમાં કર્મચારી હતા, અને એમણે એ અધિકારી તરીકેની લાંબી કારકિર્દીમાં જે પાત્રો અને પરિસ્થિતિઓ નજરે નિહાળ્યાં, એનું આ બયાન હોવાથી એમાં આ સત્યકથાઓનો એક શ્રદ્ધેય રણકો ઉમેરાયો છે. મૂળ બંગાળીમાં ‘લૌહકપાટ’ નામથી અસાધારણ લોકપ્રિય (પંદર આવૃત્તિઓ) નીવડેલી આ કૃતિ નગીનદાસ પારેખ જેવા અધિકારી અનુવાદકની કલમે ગુજરાતીમાં ઊતરી છે એથી એ વધારે મૂલ્યવાન બની રહે છે. આ ગ્રંથલેખકને જીવનમાં એક એવા માર્ગે ચાલવું પડ્યું છે કે જે પ્રગટ રાજમાર્ગ નથી પણ એક નિષિદ્ધ જગત છે. લોખંડી સળિયા પાછળ એ લૌહકપાટને લેખકે દીવાલઘેર્યો રહસ્યલોક કહ્યો છે. ત્યાં વસનારાં માનવીઓની ‘વૈચિત્ર્યમય જીવનકથા સુખથી ઉજ્જ્વળ, દુઃખથી મ્લાન, ઈર્ષ્યાથી ભયંકર, પ્રેમથી પ્રકાશમય’ હોવાનો લેખકને જે અનુભવ થયો, એ અહીં શબ્દબદ્ધ થયો છે. સત્યઘટનાઓ કાલ્પનિક કરતાંય વધારે વિસ્મયકારક હોય છે એ સૂત્ર તો આ કથાસૃષ્ટિની ઓળખ માટે બહુ ઊણું પડે એમ છે. એકેક અપરાધીની કથની કલ્પનાતીત લાગે છે. પોતાની પુત્રી પર જબરજસ્તી ગુજારનાર ગોરા સાહેબને લોહીલુહાણ કરીને નાસી છૂટનાર અને પછીથી પાગલ બનીને જેલમાં પુરાનાર ધનરાજ તામાંગની જ કેસહિસ્ટરી વાંચીએ તો જણાશે કે આખી કથની પ્રશસ્ય શિસ્ત ને સંયમ વડે લખાઈ છે. આવાં આલેખનોમાં લેખક પોતે કૃતકરંગદર્શી કે કૃતકકવિ બનવાનો લોભ રાખે તો આ ચિત્રણો લાલભડક થઈ જાય અને એ રીતે એ બયાન એકપક્ષી પણ બની રહે. આવી કૃતક–ઊર્મિલતા કે રોતલવેડાને અંકુશમાં રાખીને લેખકે મનુષ્યની સમતોલ છબી ઝીલી છે એ સિદ્ધિ જેવીતેવી નથી. ‘સોરઠી બહારવટિયા’ અને આ ‘ઊજળા પડછાયા’ વચ્ચેનો મૂલગત ભેદ આ જ છે. લેખકે ગુનેગારોનેય યથાતથ ગુનેગાર તરીકે જ રજૂ કર્યા છે. એમની અમાનુષીતાને છાવરવાનો પ્રત્યત્ન ક્યાંય નથી દેખાતો. શ્વાસ થંભાવી દે એવા અપરાધોની વીગતો એમણે વફાદારીપૂર્વક આપી જ છે. એકની ડબલ નોટ કરી આપવાની લાલચે લોભીઓને આકર્ષી પછી એમને ગારદ કરી જંગલમાં દાટી દેતો કાસમ ફકીર ઘૃણા પ્રેરે છે પણ એના એક બલિ હુસેનના આવા હાલહવાલ થયેલા જોઈને કાસમ–પત્ની કટીબીબી જે રીતે વાઘણની જેમ વીફરી બેસે છે ને પાકા ત્રીસ ગાઉની દડમજલ કરી, થાણેથી પોલીસ બોલાવીને હુસેનની લાશ ખોદાવી કાઢીને ગુનેગાર પતિને પકડાવી દે છે, એ ચિત્રણમાં સાચી કવિતા છે. ફૂટડા હુસેન ઉપર તો કીટીબીબી મોહી પડી હતીને? તેથી જ એણે કાસમને કહી રાખેલ કે બીજા બધાઓને આપણે ભલે જભ્ભે કરીને દાટી દીધા, આને એકને તે ઉગારી જ લેજો. પણ કાસમે બીબીનું આટલું વેણ ન રાખ્યું, એની એને કિંમત ચૂકવવી પડી. ગ્રંથમાંની નાનીમોટી ત્રીસેક કથનીઓમાંથી આ કથા અહીં નમૂના લેખે ચર્ચી છે, કેમકે એમાં લેખકે જેને ‘પાશવી છતાં દેવાંશી’ કહીને ઓળખાવ્યાં છે એ મનુષ્યનાં બેઉ સ્વરૂપોનું ગણિતી રીતે પણ સાવ સમતોલ ગણાય એવું આલેખન જેવા મળે છે. પણ આપણી નિસબત તો પાશવી કે દેવાંશી કરતાંય માનુષી સ્વરૂપ જોડે જ વિશેષ હોય અને તેથી જ આ કથાસૃષ્ટિમાં પાશવી–દેવાંશી તાણાવાણા વડે જ માનવસ્વરૂપની જે ભાત ઊપસી રહે છે એ વિશેષ આસ્વાદ્ય લાગે છે. તેથી જ માંદા પિતાને મદદ કરવા ગૃહત્યાગ કરી, દારૂના પીઠામાં નોકરી કરી કરીને મનીઑર્ડર મોકલનાર પરિમલ, કુમળા કિશોરની કમાણી પોતાના પેટગુજારા માટે વાપરવાની ના પાડનાર પિતા, અને આખરે બે હજાર રૂપિયા ચોરી લાવનાર પુત્રને ચોર તરીકે જોઈને આઘાતથી જ મરણશરણ થઈ જનાર પિતાની છબી આપણને હચમચાવી જાય છે. પણ એથીય વધારે હૃદયવિદારક ચિત્ર તો પરિમલનું છે. એ ચોરીના બે હજાર રૂપિયા પોલીસ થાણે સોંપે, પોતે ગુનો કબૂલે, મૂળ માલિક ભાટિયા શેઠને ઓળખીને એ રકમ હેમખેમ પાછી સોંપાવે, અદાલત એને પ્રથમ ગુનો ગણીને હળવી સજા કરે ત્યારે પોતાના ગુનાઓની વીગતો સ્વેચ્છાએ આપીને પરિમલ વધારે આકરી સજા ભાગે, અને એ સજા પૂરી થયે પણ ‘હું કંઈ કેવળ ચોર નથી, પિતૃઘાતક છું... ક્યાં છે મારી સજા? ક્યાં છે મારું પ્રાયશ્ચિત્ત?’ એવો વિલાપ કરનાર એ બાળગુનેગાર માણસાઈનો જે દીપ પ્રગટાવે છે એના યથાતથ ચિત્રણમાં જ આ રચનાની કલા રહેલી છે. આ કલા વડે જ આ કિસ્સાઓ શુષ્ક અખબારી વૃત્તાંતો કે ક્રાઈમ રિપોર્ટ મટીને સાહિત્યિક ગુણવત્તા પ્રાપ્ત કરી શકે છે. જરાસંઘે એનું સંયમિત છતાં એટલું તો રસાળ ને મર્માળું આલેખન કર્યું છે કે એના કોઈપણ ખંડનું વાચન શરૂ કરનારની મજાલ નથી કે એને અધૂરું છોડી શકે. લખાવટ જેટલી મર્મયુક્ત તેટલી જ નર્મયુક્ત પણ છે જ. આ દુનિયાનું ચિત્રણ કરતાંકરતાં લેખક જેલખાતાની જડ નોકરશાહીની જ નહિ, પોતાની પણ મશ્કરી કરતા રહે છે. એ ઉપહાસની પશ્ચાદભૂમાં પેલા વાસ્તવની કરુણતા વધારે ઘેરો ઉઠાવ પામી રહે છે. આપણી ભગિનીભાષાઓમાંથી આજકાલ અનુવાદોની આયાત તો ઓ. જી. એલ. ઢબે ઢગલાબંધ થઈ રહી છે; અને એમાં કવચિત્ મા કરતા માસીનાં હેત વધે એવો અનુભવ પણ થઈ રહ્યો છે. અને એથી જ કદાચ, અનૂદિત કૃતિઓમાં ઘણીવાર આપણી સરેરાશ કક્ષા કરતાંય ઊતરતી કક્ષા જોવા મળે છે. આવી સ્થિતિમાં પરભાષામાંથી આવી ધરખમ અને અનિવાર્ય કૃતિ જ ગુજરાતીમાં લાવીને અનુવાદકે એકથી વધારે પરોક્ષ બોધપાઠ રજૂ કર્યા છે. એ બદલ એમને ‘થ્રી ચિયર્સ’ કહેવાનું મન થાય.
એપ્રિલ, ૧૯૬૫