કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૧. શાન્તિસૂક્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧. શાન્તિસૂક્ત

ઉશનસ્

ક્યાંય ન જરી ક્લેશ હો ને ક્યાંય ના જરી કલાન્તિ હો,
સર્વને હો તાજગી, પ્રાતઃ ફૂલોની શાન્તિ હો;
વ્યોમમાં યે શાન્તિ હો, ને ભોમમાં યે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમશી શાન્તિ હો,
પૃથ્વી તો કંપે હજીયે, એ પૂરી જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો;
એક જે હતું પૂર્ણ તે અવ કણકણોમાં ચૂર્ણ છે,
ને પૂર્ણપણમાં હોય એ હર ચૂર્ણ કણમાં શાન્તિ હો;
ભવભવોમાં જો ભટકવું છે લખ્યું આ ભાગ્યમાં,
તો ભાગ્યને પણ શાન્તિ હો, ને ભ્રાન્તિમાંયે શાન્તિ હો;
પંચભૂતોની મહીં ને સર્વ ઋતુના ઋત મહીં
સંક્રાન્તિમાં યે શાન્તિ હો ને ક્રાન્તિમાંયે શાન્તિ હો;
શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો,
એ રણો-શાં, એ વનો-શાં સૌ મનોમાં શાન્તિ હો;
કેટલું બધું દુઃખ ઉશનસ્! ચેતનાથી ચિત્તને!
એ દેહને યે શાન્તિ હો, એ ચેહનેય શાન્તિ હો.

૨૦૦૬

(શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે, પૃ. ૧૦૧)